સઘન વાવેતર એટલે કે એકમ વિસ્તારમાં વધુને વધુ સંખ્યામાં વૃક્ષો ઉછેરી જમીનની ફળદ્રુપતાને અસર કર્યા વિના એકમ વિસ્તારમાંથી શક્ય તેટલો વધુ નફો મેળવવો. આમાં વધુ મહત્વની બાબત શરૂઆતના વર્ષોમાં સઘન વાવેતર ધ્વારા ફળઝાડ ઉપરથી ફળોનું ઉત્પાદન મેળવવાનો છે. વિવિધ ફળપાકોની જાતોના સઘન વાવેતરના વિવિધ અભ્યાસ ઉપરથી જાણવા મળેલ છે કે ફળપાકોમાં સઘન વાવેતરના પરિણામે ઉત્પાદન વહેલું મળી શકે છે. તેનું કારણ એ છે કે વધુ અંતરે વાવેલ ઝાડ કરતાં સઘન વાવેતરમાં ઝાડની ઘટા (છત્ર) નજીક હોય છે અને પ્રકાશ મેળવવામાં અવરોધ થાય છે.
આપણે શા માટે સઘન વાવેતર કરવું જોઈએ ?
(1) ભારતમાં વસ્તીનો વધારો અને ફળપાકો માટે અનુકુળ જમીનની અછત
(2) ઊર્જા અને મજૂરી ખર્ચમાં થયેલ વધારો
(3) ઊષ્ણકટીબંધિય ફળોની માંગમાં વધારો
(4) વિશ્વના અન્ય દેશોમાં ફળોની ઉત્પાદકતાની સરખામણીએ ભારત દેશમાં ફળોની ઉત્પાદકતા નીચી છે.
(5) ઊંચા ઉત્પાદન માટે વધુ ખર્ચ એટલે કે એકમ વિસ્તારમાં ઉત્પાદન માટે વધુ ખર્ચ
(6) ફળોનું અનિયમિત ઉત્પાદન
સઘન વાવેતરનું વર્ગીકરણ :
(1) ઓછી સઘન પદ્ધતિ
(2) મધ્યમ સઘન પદ્ધતિ
(3) ઉચ્ચ સઘન અથવા અર્ધ સઘન પદ્ધતિ
(4) વધુ ઉચ્ચ સઘન અથવા સઘન પદ્ધતિ
(5) અતિ ઊચ્ચ સઘન અથવા શ્રેષ્ઠ ઊચ્ચ સઘન પદ્ધતિ અથવા શ્રેષ્ઠ સઘન પદ્ધતિ
(6) મોટા કદનાં ઝાડ (લાર્જ સાઈઝ ટ્રી) જેમાં ફળવાડીની વ્યવસ્થા બાબતે મુશ્કેલીઓ રહે છે.
કોઠો – 1 ફળ ઉછેરની પરંપરાગત પદ્ધતિ અને આધુનિક પદ્ધતિની સરખામણી
| ક્રમ | લક્ષણો | પરંપરાગત પદ્ધતિ | આધુનિક પદ્ધતિ |
| 1 | ઝાડની સંખ્યા | ઓછા મોટા વૃક્ષો (150 થી 200 ઝાડ/હેક્ટર) | ઘણા નાના વૃક્ષો (500 થી 1,00,000/હેક્ટર) |
| 2 | બહાર (ફૂલો) | ફૂલો મોડા આવે, સામાન્ય રીતે 6 થી 8 વર્ષ કે તેથી વધુ સમય | નિયતકાળ પહેલાં એટલે કે વહેલાં ફૂલો, સામાન્ય રીતે 2 થી 3 વર્ષ |
| 3 | ઉત્પાદન | એકંદરે હેક્ટર દીઠ ઉત્પાદન ઓછુ | એકંદરે હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો |
| 4 | વ્યવસ્થા | મોટા કદના વૃક્ષો હોઈ વ્યવસ્થા કરવામાં મુશ્કેલી | નાના કદના વૃક્ષો હોઈ વ્યવસ્થા કરવામાં સરળતા |
| 5 | સ્થાપના ખર્ચ | ઓછો ખર્ચ | ઊંચો ખર્ચ |
| 6 | કાપણી | મુશ્કેલ (હાથ વડે) | સરળ (મશીન વડે) |
ફળઝાડનું નજીક નજીક વાવેતર માટે જનીનિક રીતે ઠીંગણી જાતો અને મૂલકાંડના ઉપયોગની વિશાળ શક્યતા રહેલી છે. આ પ્રકારની જાતો મર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ અને ઘણા ઓછા પાકોમાં પ્રાપ્ય છે જેની માહિતી કોઠા – 2 અને 3માંદર્શાવેલછે :
કોઠો – 2 : ફળપાકોની ઠીંગણી જાતો
| ક્રમ | ફળપાક | ઠીંગણી જાતો |
| 1 | આંબો | આમ્રપાલી (ઠીંગણી અને હાઈબ્રિડ જાત) |
| 2 | લીંબુ વર્ગ | મેયર લેમન, પોન્ડેરોઝા લેમન, કુમક્વાટ સતસુમા મેન્ડેરીન, કુમક્વાટ, બુશી પુમેલ સ્કાગ્સ બોનાન્ઝા, ટુલેગોલ્ડ નેવલ ઓરેન્જ (ઈઝરાયલ), કાગઝી ક્લન લેમન |
| 3 | પપૈયા | પુસા નન્હા, રાંચી ડવાર્ફ, કો-1, કો-2, પુસા ડવાર્ફ, હની ડ્યુ-1 |
| 4 | પીચ | શાન-એ-પંજાબ, રેડ હેવન, જુલાઈ એલબર્ટા |
| 5 | લીચી | કવાઈ મે પિન્ક, સલાથિએલ અને વાઈ ચી(ઓસ્ટ્રેલિયા), બોસવર્થ (યુએસએ) |
| 6 | કેળ | પુસા કેવેન્ડિશ, રોબસ્ટા |
| 7 | ચીકુ | પીકેએમ-1, પીકેએમ-3 |
કોઠો – 3 : સમશીતોષ્ણ ફળો માટે ઠીંગણા મૂલકાંડ
| ક્રમ | પાક | મૂલકાંડ |
| 1 | આલુ (પ્લમ) | પિક્સી (ડવાર્ફ), માસ – 1869 (સેમી ડવાર્ફ) |
| 2 | જરદાલુ (એપ્રિકોટ) | પ્રુનસ બેસ્સેઈ હાઈબ્રિડ પી-2038 |
| 3 | અખરોટ (વોલનટ) | જગલાન્સ માઈક્રોકાર્પા |
| 4 | પીચ | જીએફ-677, જીએફ-557, રૂબિરા, પ્રુનસ બેસ્સેઈ (ડવાર્ફ) |
સઘન વાવેતર અપનાવવામાં પડતી મુશ્કેલીઓ :
(1) જો તેનો વૈજ્ઞાનિક રીતે અમલ કરવામાં આવે તો તે વધુ ઉત્પાદક અને નફાકારક હોવા છતાં તેની સ્થાપના માટે વધુ મૂડીની જરૂર પડે છે.
(2) કેળ સિવાયના વિવિધ બાગાયતી પાકોમાં ઠીંગણા કદની જાતોની વાવેતર સામગ્રી પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતી નથી.
(3) આંબાવાડીમાં સઘન વાવેતરના 10 થી 12 વર્ષ બાદ આંબાનાં ઝાડ ભીડવાળા એટલે કે ગીચોગીચ થાય છે.
(4) પેક્લોબુટ્રાઝોલ જેવા રસાયણોની હાનિકારક અસર થતાં આંબા અને દ્રાક્ષ જેવા પાકોમાં વંધ્યતા પેદા થાય છે.
(5) સઘન વાવેતર માટે કોઈ સંપૂર્ણ પેકેજ અને યાંત્રિકરણના ઉપયોગ અંગેની માહિતી પ્રાપ્ય નથી.
(6) વિવિધ ફળપાકોમાં સધન વાવેતર માટેની પ્રમાણિત ઉત્પાદન ટેક્નોલૉજીની ઉણપ છે અને ખેડૂતોને આ બાબતની તાંત્રિક જાણકારી ઉપલબ્ધ નથી.
(7) આંબો, જામફળ, ચીકુ અને પીચ વગેરેમાં આશાસ્પદ ઠીંગણા મૂલકાંડની ઉણપ છે.
સારાંશ :
(1) સઘન વાવેતર ફાયદાકારક છે કારણ કે તે ઊંચું ઉત્પાદન આપે છે. એકમ વિસ્તાર દીઠ ઉત્પાદનમાં વધારો થતાં વિશ્વમાં ભારત પ્રથમ ક્રમાંક મેળવશે.
(2) સઘન વાવેતરમાં વધારે પડતી ઘટા (છત્ર) નું નિયંત્રણ અને ઉષ્ણકટબંધિય વિસ્તાર માટે આદર્શ રોપણી પદ્ધતિની રચના અંગે ઘનિષ્ઠ સંશોધન કરવાની જરૂરિયાત છે.
(3) વિવિધ પાકો અને ખેત-હવામાન પરિસ્થિતિ પ્રમાણે સૂક્ષ્મ પિયત અને ફર્ટિગેશન પદ્ધતિનો ઉપયોગ કરીને પ્રમાણીકરણ ધ્વારા સઘન વાવેતર પદ્ધતિને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત છે.
(4) હાલમાં આ અંગે વૈજ્ઞાનિક જ્ઞાન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી તેથી સંશોધન અને વિકાસના પ્રયાસો થકી તેને સક્ષમ બનાવવામાં આવે.
(5) ભારતમાં બાગાયતી પાકોના સઘન વાવેતર માટે વિવિધ હાઈટેક વ્યૂહરચના અપનાવવાની જરૂર છે જેમ કે, ઠીંગણા મૂલકાંડ/ઉપરોપનો ઉપયોગ, ઠીંગણી જાતોનો વિકાસ, છાંટણી ધ્વારા છત્રની વ્યવસ્થા, વૃદ્ધિ અવરોધક રસાયણોનો ઉપયોગ, પિયતનું નિયમન વગેરે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, એપ્રિલ 2021
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

