વિશ્વમાં 20મી સદી દરમ્યાન વિવિધ પ્રકારની ખેતી કરવામાં આવતી હતી તેમાંના એક પ્રકારમાં કૃત્રિમ રસાયણોના ઉપયોગ કર્યા વિના ખેતી કરવામાં આવતી હતી. ઈન્ટરનેશનલ ફેડરેશન ઑફ ઓર્ગેનિક એગ્રિકલ્ચર મુવમેન્ટસ (IFOAM) ના જણાવ્યા અનુસાર ” સજીવ ખેતી એ એક એવી ઉત્પાદન પદ્ધતિ છે કે જેમાં જમીનનું આરોગ્ય, પરિસ્થિતિ (ઈકોસીસ્ટમ) અને લોકોની જાળવણી કરે છે. તેમાં પરિસ્થિતિકીય પ્રક્રિયા, જૈવવૈવિધ્યતા અને પાક ચક્રનો ઉપયોગ કરી સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ ઈનપુટસની હાનિકારક અસર ન થવા પામે તે રીતે ખેતી કરવામાં આવે છે. સજીવ ખેતીમાં પરંપરા, નવિનીકરણ અને વિજ્ઞાનનો ઉપયોગ કરી પર્યાવરણને ફાયદો થાય તે રીતે તેમાં સહભાગી બની તમામ લોકો ગુણવત્તા યુક્ત જીવન જીવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.”
આ પદ્ધતિ એકંદરે એક સંકલિત ખેતી પદ્ધતિ છે કે જેમાં જમીનની સૂક્ષ્મ અને સ્થૂળ વનસ્પતિ, જમીનની ફળદ્રુપતા અને જૈવવૈવિધ્યતાની ટકાઉ રીતે જાળવણી કરવામાં આવે છે. આ પદ્ધતિ હેઠળ કૃત્રિમ જંતુનાશકો, કૃત્રિમ ખાતરો, પ્રતિજૈવિકો (એન્ટિબાયોટિક્સ), જનીનિક ફેરફારવાળી જાતો (જીનેટિકલી મોડિફાઈડ ઑર્ગેનિઝમ) અને વૃદ્ધિકારક અંતઃસ્ત્રાવો (ગ્રોથ હોર્મોન્સ) નો ઉપયોગ કોઈપણ સંજોગોમાં કરવામાં આવતો નથી. આમ વિશ્વમાં એક નવી પદ્ધતિ તરીકે સજીવ ખેતીની શરૂઆત થઈ. વિવિધ પાકોમાં આડેધડ કૃત્રિમ જંતુનાશકો અને રાસાયણિક ખાતરોના ઉપયોગ કરવાથી તેની ખરાબ અસરો લોકો એ જાણી અને સમજાઈ ત્યારથી સજીવ ખેતી પ્રખ્યાત બની. તેમાં ચીલાચાલુ ખેતી પદ્ધતિમાં વાપરવામાં આવતા સેન્દ્રિય ખાતરો જેવા કે, કમ્પોસ્ટ ખાતર, લીલો પડવાશ, હાંડકાંનો ભૂકો (બોન મીલ) તેમજ પાક પરિભ્રમણ, પાકનું સહાયક વાવેતર, જૈવિક રીતે જીવાત નિયંત્રણ, મિશ્ર ખેતી વગેરે પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સજીવ ખેતીને કારણે ટકાઉપણું, સ્વપર્યાપ્તતા, આરોગ્યપ્રદ આહાર, અન્નની સુરક્ષા અને અન્નની સલામતી જેવા લાભો મળ્યા છે. સને 1972માં આઈએફઓએએમ (IFOAM) સંસ્થાની સ્થાપના થયેલ જેના ધ્વારા સજીવ ખેતી માટે પ્રમાણિત કરેલ પદ્ધતિઓનો આજે અનેક દેશો ઉપયોગ કરે છે.
ભારત એ વિશ્વમાં મોટામાં મોટો દેશ કે જ્યાં મોટા પ્રમાણમાં ખેડૂતો સજીવ ખેતી કરે છે. ભારત 8,35,000 સજીવ ખેતીના પ્રમાણિત ઉત્પાદકો ધરાવે છે જે વિશ્વની 30 ટકા (27 લાખ) સજીવ ખેતીની પેદાશો પેદા કરે છે ત્યારબાદ યુગાન્ડા (2,10,352) અને મેક્સિકો (2,10,000) નો સમાવેશ થાય છે. જો પ્રમાણિત સજીવ ખેતીના વિસ્તારની વાત કરીએ તો વિશ્વમાં કુલ વિસ્તાર (578 લાખ હેક્ટર) ના ફક્ત 2.59 ટકા (15 લાખ હેક્ટર) વિસ્તાર ભારત ધરાવે છે. વર્લ્ડ ઓફ ઓર્ગેનિક એગ્રિકલ્ચર રીપોર્ટ (2018) માં દર્શાવ્યા મુજબ ચીન અંદાજે 50 ટકા અને ભારત અંદાજે 30 ટકા સજીવ ખેતી માટેની ખેડાણ લાયક જમીન ધરાવે છે. જો એકાએક સજીવ ખેતી અપનાવી પાકોની ખેતી કરવામાં આવે તો શ્રીલંકામાં ઉદભવેલ સમગ્ર કૃષિના અર્થકરણ ઉપર થયેલ હાનિકર્તા પરિસ્થિતિ જેવો સામનો કરવો પડે.
ટકાઉ વિકાસનો મુદ્દો :
અયોગ્ય રાસાયણિક ખાતરોના ઉપયોગને કારણે જમીનનું આરોગ્ય બગડેલ છે તે જોતાં ઓછા બાહ્ય ઈનપુટ વડે ટકાઉ ખેતી (લો એક્ષટર્નલ ઈનપુટ સસ્ટેઈનેબલ – એગ્રિકલ્ચર – LEISA) નો એક વિચાર ખેતીને ટકાઉ બનાવવા માટે જરૂરી છે. વર્તમાન સમયમાં લોકો સકારાત્મક વલણ અપનાવી સજીવ ખેતી તરફ વળ્યા છે. સરકાર ધ્વારા પણ સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે કેટલીક યોજનાઓ જાહેર કરવામાં આવી છે જેમાં એનીઓપી (NPOP), પીકેવીવાય (PKVY), એનએમએસએ (NMSA) તેમજ એમઆડીએચ (MIDH), એનએમઓઓપી (NMOOP) અને નેટવર્ક પ્રોજેક્ટ જેવા મિશન મોડ પ્રોજેક્ટસ
(MMP) વગેરેનો સમાવેશ થાય છે જે આઈસીએઆર ધ્વારા ચલાવવામાં આવે છે.
સજીવ ખેતીના પ્રોત્સાહન માટે કૃષિ વિસ્તરણના બહુપક્ષીય અભિગમો :
ભારતમાં અત્યંત પ્રાચીન કાળથી સજીવ ખેતી પદ્ધતિ અપનાવવામાં આવે છે. ભારતના ગામડાઓમાં રહેતા લોકો હજારો વર્ષથી પરંપરાગત રીતે સજીવ ખેતી પદ્ધતિઓ અપનાવતા આવ્યા છે. ચીલાચાલુ ખેતી પદ્ધતિ વડે ઊભા થતા પર્યાવરણીય અને સામાજીક પ્રશ્નોનું સજીવ ખેતી ધ્વારા નિરાકરણ થાય છે. ખેડૂતો સમયસર સજીવ ખેતીનું જ્ઞાન મેળવી તેને અપનાવવા તરફ પ્રેરાય છે. આ તબક્કે કૃષિ વિસ્તરણ કાર્યકરની સંખ્યા ઘણી ઓછી છે જેના કારણે ખેડૂતો સારૂ જ્ઞાન મેળવી શક્તા નથી અને જ્ઞાનમાં વધુ અંતર (ગેપ) જોવા મળે છે. સરકાર વિવિધ યોજનાઓના અમલ ધ્વારા આ અંતર(ગેપ) ઓછું કરવાનો પ્રયાસ કરે છે.
જ્ઞાનનો ફેલાવો, સારી ખેતસલાહ સેવાઓ, માર્કેટ અને તેનું નેટવર્ક, રજીસ્ટ્રેશનની સરળ પ્રક્રિયા અને સજીવ ખેતીપેદાશનો પ્રોત્સાહન વગેરે કામગીરી અસરકારક અને સમયસર કરી સજીવ ખેતીનો વ્યાપ વધારવો એ કૃષિ વિસ્તરણનો મુખ્ય આશય છે. સજીવ ખેતીના આરોગ્યલક્ષી અને આર્થિક બાબતો અંગે પણ અભ્યાસ થયા છે. જો કે હજુ પણ ઘણા ખેડૂતો સજીવ ખેતીની મહત્તા જાણી શક્યા નથી. આથી સરકાર અને આઈસીએઆરના સંયુક્ત પ્રયાસોથી સજીવ ખેતીના જ્ઞાનનો ફેલાવો કરવામાં આવે છે. સજીવ ખેતી અપનાવતા ખેડૂતોએ ટકાઉ પદ્ધતિઓના ઉપયોગમાં પહેલ કરી છે જેમ કે જમીનજન્ય રોગકારકોને અટકાવવા માટે ફાયદાકારક ફુગનો ઉપયોગ કર્યો છે જે માટે ડિજિટલ એપ્સ અને આઈસીટીના માધ્યમો મહત્વના છે. હાલમાં ફક્ત સજીવ ખેતી માટે ઉપયોગી હોય તેવી એપ ઉપલબ્ધ નથી પણ ઘનિષ્ઠ ખેતી સલાહ સેવાઓ ધ્વારા સજીવ ખેતીને પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવે છે.
સજીવ ખેતી વિસ્તારમાં તેનો વિગતે અભ્યાસ કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ. છત્તીસગઢ, ઝારખંડ અને આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ, તેલંગણાના ભદ્રાચલમ વગેરે આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારો માટે ક્રીએશન ઑફ ઓર્ગેનિક સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન્સ (OSEZ) રચવામાં આવેલ છે કે જ્યાં મધ, અરીઠા, આમલી, મહૂડાંના ફૂલો વગેરે જેવી વન આધારિત પેદાશોને એકત્રિત કરવાની વિશાળ તકો રહેલી છે. ચીલાચાલુ ખેતીની સરખામણીએ સજીવ ખેતી અપનાવતી વખતે કેટલીક બાબતો ધ્યાને રાખવી હિતાવહ છે જેમ કે જમીનને સજીવ ખેતી હેઠળ સંપૂર્ણ રીતે લાવવા માટે 2 થી 3 વર્ષનો ગાળો જરૂરી છે એટલે કે 2 થી 3 વર્ષ બાદ સજીવ ખેતી હેઠળ આવરી લીધેલ જમીનમાં મળતી પેદાશ સજીવ ખેતીની પેદાશ કહેવાય છે. સજીવ ખેતીનું રજીસ્ટ્રેશન અને સર્ટિફિકેશન કરાવવું એ એક કંટાળાજનક અને સમય માંગી લે તેવી પ્રક્રિયા છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVKs) અને આત્મા (ATMA) ધ્વારા સજીવ ખેતીના રજીસ્ટ્રેશન માટેની કામગીરીમાં સહાય કરવામાં આવે છે. સરકારે સજીવ ખેતી કરતા ખેડૂતો માટે પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY) શરૂ કરી છે જે વિના મૂલ્યે સજીવ ખેતી અંગેના પ્રમાણપત્ર આપવાની કામગીરી કરે છે. આ યોજનાના એક રીપોર્ટમાં જણાવ્યા અનુસાર ત્રિપુરા, ઓરિસ્સા અને કર્ણાટક સિવાયના રાજ્યોએ પીકેવીવાય હેઠળ ફાળવેલ 50 ટકા ફંડનો ઉપયોગ કરી શક્યા ન હતા. કેન્દ્ર દ્વારા આ ફંડમાં 44 ટકા જેટલો વધારો કરી ભારત દેશની ખેતીને સજીવ ખેતી હેઠળ આવરી લેવાનો છે. સજીવ ખેતીમાં પાકની ઉત્પાદકતામાં પ્રથમ વર્ષે 6.7 ટકાનો ઘટાડો જોવા મળે છે અને સરકાર ખેડૂતોને આ અંગે ટેકો પુરો પાડવાનો પ્રયાસ કરે છે.
સને 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના એક રાપોર્ટમાં જણાવ્યા અનુસાર સજીવ ખેતીના નોંધાયેલ ખેડૂતોને પાક ઉત્પાદનમાં 30 ટકા જેટલો ઘટાડો થયો હતો. આ બાબતની સરકારે ‘મેરા ગાઁવ મેરા ગૌરવ’ (MGMG) કાર્યક્રમમાં એક ખાસ બાબત ઉમેરી સજીવ ખેતીને અનુકુળ વિસ્તારો શોધી તે વિસ્તારના ખેડૂતોને સજીવ ખેતી અંગેની તાંત્રિક જાણકારી પુરી પાડવાનું નક્કી કરેલ. સજીવ ખેતીને પ્રોત્સાહિન આપવા માટે કલસ્ટર અભિગમનો ઉપયોગ સલાહભર્યો છે. સિક્કીમ રાજ્યનો પૂર્વ રીતે સજીવ ખેતી ધરાવતુ રાજ્ય (ઑર્ગેનિક સ્ટેટ) બનાવ્યા બાદ સરકાર કલસ્ટર અભિગમ વડે જે તે રાજ્યમાં રસાયણ મુક્ત ખેતી વડે સજીવ ખેતી વિસ્તારોમાં વધારો કરવા માંગે છે. ભારત સરકારના કૃષિ મંત્રાલયે સને 2016 માં જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર રાજ્ય 932 સજીવ ખેતીના ઝોન ધરાવે છે. ત્યારબાદ મધ્યપ્રદેશ (880), રાજસ્થાન (755), ઉત્તરપ્રદેશ (575), ઉત્તરાખંડ (550) અને કર્ણાટક (545) રાજ્યનો નંબર આવે છે. સજીવ ખેતીને ખેડૂત ઉત્પાદક સંઘો (FPOs) અને સ્વ સહાય જૂથો (SHGs) ધ્વારા પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. ડેરી ફાર્મિંગ કરતા સ્વ સહાય જૂથોની મહિલાઓ પણ ડેરી અંગેની પ્રવૃત્તિઓ હાથ ધરી આર્થિક રીતે સારૂ વળતર મેળવે છે. સજીવ ખેતીની પેદાશો મહિલા ઈ-હાટ (mahila e – haat) મારફતે ઓનલાઈન લે-વેચ કરવામાં આવે છે. સજીવ ખેતીની પેદાશોના માર્કેટિંગ માટે ખેડૂતોને સજીવ ખેતીની ઘરગથ્થુ અને વૈશ્વિક પૂરવઠા હરોળ સાથે જોડવા જોઈએ. પરંતુ ભારતમાં સજીવ ખેતી પેદાશના બજારની હરોળ જોઈએ તેવી વિકસિત થયેલ નથી. તેના પરિણામે પર્વતાળ અને આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો સજીવ ખેતીપેદાશના વેચાણ માટે મુશ્કેલી અનુભવે છે. સ્કિલ ઈન્ડિયા કાર્યક્રમ અને એગ્રિક્લિનિક એન્ડ એગ્રિ-બિઝનેસ સેન્ટર (ACABC) હેઠળ સીધા જ યુવાનોને તાલીમ આપી સજીવ ખેતી પેદાશોનું સીધુ વેચાણ કરવામાં આવે છે. આમ આ પ્રશ્નનો અંત નથી. સને 2018માં એસોચેમ (ASSOCHAM) સંસ્થાએ કરેલ એક અભ્યાસ અનુસાર સજીવ ખેતીની પેદાશ માર્કેટમાં પહોંચે ત્યારે વપરાશકારોને તે ખર્ચાળ અને નિરાશાજનક લાગે છે તેમજ ખેડૂતે સજીવ ખેતી માટે મહિને ` 1200 થી 1500નો ખર્ચ કરવો પડે છે. “ખેડૂતોને આપવામાં આવતી ખાસ પ્રકારની તાલીમનો ખર્ચ, પ્રોસેસિંગ અને પેદાશનો જથ્થો ઓછો હોઈ તેના પૅકેજિંગ, હેરફેર અને વિતરણ માટેનો ખર્ચ વગેરે કારણોસર સજીવ ખેતીની પેદાશની કિંમત ઊંચી હોય છે.” જો કે આ અંગે ગ્રામ્ય અને શહેરી કક્ષાએ ખાસ અભિગમ અપનાવવો જોઈએ. શહેરી વિસ્તારોના ગ્રાહકોને આકર્ષવા માટે રાજ્યના કૃષિ વિભાગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મારફતે યોગ્ય પ્રયાસ હાથ ધરવા જોઈએ. શહેરી વિસ્તારોમાં સજીવ ટેરેસ ગાર્ડન અને સજીવ વર્ટિકલ ખેતી અપનાવવા માટે યોગ્ય તાંત્રિક જ્ઞાનની આપલે કરવી જોઈએ. સજીવ ખોરાક માટે ગ્રાહકોને આકર્ષવા એ એક કંટાળાજનક એટલે કે નીરસ પ્રક્રિયા છે. સમયસરનું માર્કેટ ઈન્ટેલિજન્સ અને સમાચારો વડે સજીવ ખેતીના પેદાશોના બજારને વિસ્તૃત કરી શકાય તેમ છે.
આ દિશામાં સરકારે જાહેર કરેલ એગ્રિ-એક્ષપોર્ટ પોલિસી – 2018 મહત્વની છે. આ નીતિનો હેતુ રાજ્ય સરકાર ધ્વારા કલસ્ટર અભિગમ અપનાવી નવીન, દેશી, સજીવ, વંશીય, પરંપરાગત અને બિનપરંપરાગત કૃષિ પેદાશોની નિકાસને પ્રોત્સાહન આપવાનો છે. ભારતીય કૃષિ પેદાશોમાં આરોગ્ય અને સ્વચ્છતાના ધોરણો ન જળવાતા હોવાના કારણે પરદેશમાં મોકલેલ માલ પરત આવે છે. તેથી ખેડૂતો અને પ્રોસેસિંગ એકમો ચલાવનારાઓને આરોગ્ય અને સ્વચ્છતા અંગેની જરૂરી માહિતી આપી સજીવ ખેતીની પેદાશોની ગુણવત્તા જાળવવી જોઈએ. કૃષિ માહિતીનો પ્રસાર કરવા માટે ખેડૂત થી ખેડૂત સુધી વિસ્તરણ કરવું અતિ મહત્વનું છે જે અસરકારક પણ છે. જે તે ફાર્મ કલસ્ટર અને ખેડૂત ઉત્પાદક સંઘોને બજારની પૂરવઠા હરોળ સાથે જોડવા જોઈએ. વિશ્વમાં યુકે, નેધરલેન્ડઝ અને જર્મની જેવા દેશોમાં ઓર્ગેનિક કેરીની ઊંચી માંગ છે તેને ધ્યાને લઈ મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોના ખેડૂતોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનો સહકાર લઈ ઓર્ગેનિક કેરીનું ઉત્પાદન કરી તેની નિકાસ કરવી જોઈએ. તે જ રીતે યુએસ, યુરોપિય યુનિયન અને જાપાન જેવા દેશોમાં પ્રોસેસ ઓર્ગેનિક બનાના (કેળાં) અને ઓર્ગેનિક પાઈનેપલની માંગ વધુ હોઈ અનુક્રમે તમિલનાડુ અને કેરાલા રાજ્યોમાં તેની સજીવ ખેતી કરી મળતા ઉત્પાદનની તે દેશોમાં નિકાસ કરવી જોઈએ. આ જ પ્રમાણે વિશ્વના બજારમાં ભારતીય ચા, કૉફી, દ્રાક્ષ, ડેરી પ્રોડક્ટસ અને અનેક વિવિધ પેદાશોની નિકાસ વિવિધ દેશોમાં કરી શકાય છે.
સારાંશ :
સજીવ ખેતી વડે ખેડૂતોની આવક બમણી કરી ભારતની વધતી જતી વસ્તીને અન્ન પૂરૂ પાડવું એ એક મુશ્કેલ બાબત છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર ખેડૂતને ટેકો પુરી પાડી આર્થિક રીતે વળતર મળે તેવું એક પ્લેટફોર્મ પુરૂ પાડી શકે છે. કલસ્ટર અભિગમમાં શરૂઆતના વર્ષોમાં સજીવ ખેતીના કારણે જ ખોટ જાય છે તેને સરકાર મદદ આપી ભરપાઈ કરે છે. સજીવ ખેતીના કલસ્ટર અભિગમ અને ખેડૂત ઉત્પાદક સંઘમાં જોડાયેલ ખેડૂતો મુદ્રા (MUDRA) લોન પણ લઈ શકે છે. એક પાકી ખેતી કરતાં મલ્ટિએન્ટરપ્રાઈઝ મૉડેલ અપનાવી ખેડૂતો પાકના ઉત્પાદનની અનિશ્ચિતતા કે જોખમ સામે રક્ષણ મેળવી શકે છે. જો સજીવ ખેતીને યોગ્ય બજાર અને ગ્રાહકો મળે તો ખેડૂતો સારા ભાવો મળતાં પોતાની આવક બમણી કરી શકે છે. સજીવ ખેતીની પેદાશોની ગુણવત્તા માટે આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, એપ્રિલ – 2023
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

