છેલ્લા કેટલાક દસકામાં સજીવ ખેતીના ઉદય થકી વૈશ્વિક આહાર પદ્ધતિના એક નોંધપાત્ર ભાગ રૂપે વિશિષ્ટ બજારનો ઉદભવ થયો છે. આ પ્રકારનો ફેરફાર ગ્રાહકોની આરોગ્ય માટેની જાણકારીમાં વધારો, પર્યાવરણીય ટકાઉતા અને ગુણવત્તા યુક્ત ખોરાકની સજાગતાને કારણે થવા પામેલ છે. સજીવ ખેતી કુદરતી પ્રક્રિયા અને ઈનપુટસના ઉપયોગ ઉપર ભાર મૂકે છે જે અનેકવિધ લાભો આપે છે. જો કે સજીવ ખેતીનો વિકાસ અને સફળતા માટે કેટલાક પડકારોનો સામનો પણ કરવો પડે છે. આ લેખનો હેતુ સજીવ ખેતીના લાભો અને પડકારો દર્શાવી તેની પર્યાવરણ, આરોગ્ય અને અર્થકરણ ઉપર થતી અસરોની માહિતી આપવાનો છે.
સજીવ ખેતીની પદ્ધતિઓ :
(1) પાકની ફેરબદલી (પાક પરિભ્રમણ) :
ચોક્કસ વિસ્તારમાં ઋતુ પ્રમાણે જુદા જુદા પાકો ઉગાડવામાં આવે છે જેથી જમીન બગડતી અટકે છે, રોગ-જીવાતમાં ઘટાડો થાય છે અને જમીનની ફળદ્રુપતામાં સુધારો થાય છે.
(2) કમ્પોસ્ટિંગ :
સજીવ ખેતી કરનાર ખેડૂતો કમ્પોસ્ટનો ઉપયોગ કરી જમીનને પોષકતત્વોથી સમૃદ્ધ બનાવે છે. પાકના અવશેષો અને પશુઓના છાણ જેવા સેન્દ્રિય કચરાનો ઉપયોગ કરી કમ્પોસ્ટ બનાવી જમીનમાં ઉમેરી જમીનનો બાંધો અને ફળદ્રુપતામાં વધારો કરે છે.
(3) લીલો પડવાશ :
આ પદ્ધતિમાં લીલા પડવાશના પાકો ખેતરમાં ઉગાડી ફૂલ આવતા પહેલાં તેને જમીનમાં દબાવીને આપતાં તે જમીનમાંના સેન્દ્રિય પદાર્થોના પ્રમાણમાં અને ફળદ્રુપતામાં વધારો કરે છે.
(4) જૈવિક રીતે જીવાત નિયંત્રણ :
સજીવ ખેતી કરનાર ખેડૂતો જીવાત નિયંત્રણ માટે કૃત્રિમ જંતુનાશકોને બદલે કુદરતી પરભક્ષી અને પરજીવીઓનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિ રસાયણોનો ઉપયોગમાં ઘટાડો કરે છે અને જૈવવૈવિધ્યતાને પ્રોત્સાહન પૂરૂ પાડે છે.
(5) આવરણ (મલ્ચિંગ) :
જમીનની સપાટી ઉપર કાર્બનિક કે અકાર્બનિક પદાર્થોનું આવરણ કરવાથી જમીનમાંનો ભેજ જળવાય છે, નીંદણો દબાય છે અને આવરણના પદાર્થો કહોવાઈને જમીનમાં ભળતાં જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે.
(6) ખેડમાં ઘટાડો :
જમીનને ઓછાં ઓછો વિક્ષેપ આપવાથી જમીનનો બાંધો જળવાય છે, ધોવાણમાં ઘટાડો થાય છે અને સેન્દ્રિય પદાર્થોના પ્રમાણમાં વધારો થાય છે અને જમીનની ઈકોસીસ્ટમની તંદુરસ્તીમાં વધારો કરે છે.
સજીવ ખેતીના લાભો :
(1) પર્યાવરણીય ટકાઉતા :
સજીવ ખેતીની પદ્ધતિમાં કૃત્રિમ ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ થતો નથી કે જેના ઉપયોગથી જમીન ઉતરતી બને છે, જળ પ્રદૂષણ પેદા થાય છે અને જંગલી પ્રાણીઓને નુક્સાન થાય છે. સજીવ ખેતી કરનાર ખેડૂતો તેના બદલે કુદરતી ખાતરો, પાકની ફેરબદલી અને જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિઓનો ઉપયોગ જૈવવૈવિધ્યતા તથા જમીન આરોગ્યમાં વધારો અને હવામાન ફેરફાર સામે સ્થિતિસ્થાપકતામાં સુધારો કરે છે.
(2) ખોરાકની તંદુરસ્ત બનાવટો :
ઓર્ગેનિક ખોરાક તેમાં રહેલ જંતુનાશકોના ઓછા પ્રમાણને કારણે અને એન્ટિઓક્સીડેન્ટસ જેવા પોષકતત્વોના ઊંચા સ્તરને કારણે તંદુરસ્ત ગણાય છે ગ્રાહકો અન્નની સલામતી અને પોષણને લઈ ઓર્ગેનિક ખોરાકને વધુ પસંદ કરે છે.
(3) જમીનના આરોગ્યમાં સુધારો :
કમ્પોસ્ટિંગ અને લીલો પડવાશ જેવી ખેતીની પદ્ધતિઓનો ઉપયોગ કરતાં જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરાતાં જમીન સમૃદ્ધ બને છે. તેનાથી જમીનની ફળદ્રુપતા, બાંધો અને જળ પકડી રાખવાની ક્ષમતામાં વધારો થાય છે. તંદુરસ્ત જમીન ટકાઉ અન્ન ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને કાર્બન જપ્તી કરીને હવામાન ફેરફાર સામે રક્ષણ પૂરૂ પાડવામાં મદદ કરે છે.
(4) ખેડૂતો માટે આર્થિક તકો :
ઓર્ગેનિક પ્રોડક્ટસના બજારમાં ઊંચા ભાવો મળે છે જેથી સજીવ ખેતી વધુ નફાકારક બને છે. ઓર્ગેનિક ફૂડની માંગમાં થતો વધારો બજારમાં નવી તકો ઊભી કરે છે અને ગ્રામીણ વિકાસને ટેકો આપે છે.
સજીવ ખેતીના પડકારો :
(1) ઓછી ઉપજ :
સજીવ ખેતીમાં પરંપરાગત ખેતી કે જેમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વપરાય છે તેના કરતાં ઓછું ઉત્પાદન મળે છે. સજીવ ખેતીમાં જીવાતોનો ઉપદ્રવ અને પોષકતત્વોની ઉણપ થવાને કારણે પરંપરાગત ખેતી સાથે હરીફાઈ કરવી મુશ્કેલ છે.
(2) શ્રમ પ્રધાન પદ્ધતિ (મજૂરોનો વધુ ઉપયોગ) :
સજીવ ખેતીમાં હાથ નીંદામણ, કમ્પોસ્ટિંગ અને સેન્દ્રિય જમીન સુધારકો ઉમેરવા વગેરે ખેતીકાર્યો કરવા માટે વધુ મજૂરોની જરૂર રહે છે. આ કારણે પાકનું ઉત્પાદન ખર્ચ વધે છે. આ સજીવ ખેતીની મર્યાદા છે.
(3) સંક્રમણ સમયગાળો :
જે ખેડૂતો પરંપરાગત ખેતીમાંથી સજીવ ખેતી તરફ જાય છે તેઓને માટે સામાન્ય રીતે છેલ્લા ત્રણ વર્ષના સંક્રમણ સમયગાળાનો સામનો કરવો પડે છે એટલે કે સજીવ ખેતી અપનાવ્યા બાદ આ પ્રથમ ત્રણ વર્ષ દરમ્યાન પેદા થતી ખેતી પેદાશને ઓર્ગેનિક પેદાશ તરીકે વેચી શકાતી નથી પરિણામે નાણાકીય તાણ રહે છે.
(4) બજાર અને પ્રમાણીકરણનો અવરોધ :
ખાસ કરીને નાના પાયા ઉપર સજીવ ખેતીની પેદાશ ઉત્પન્ન કરનાર માટે ઓર્ગેનિક સર્ટિફિકેટ મેળવવું મુશ્કેલ છે. તેના માટેના ધારાધોરણો અને નિયમિત ચકાસણી એ કંટાળાજનક પ્રક્રિયા છે. વળી ઓર્ગેનિક માર્કેટના બજારભાવ અને માંગ પણ અસ્થાયી કે અસ્થિર છે.
સજીવ ખેતીના ઉદયથી વધુ ટકાઉ અને આરોગ્ય સભાનતા યુક્ત અન્ન ઉત્પાદન પ્રાપ્ત થશે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, સપ્ટે.-ઓક્ટો. 2024
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

