સુખડનો સાબુ અને તેલ (Sandal soap and oil)

સુખડનો સાબુ (Sandal Soap) :

                માનવીના રોજબરોજની જીવનચર્યામાં સાબુ સૌંદર્ય પ્રસાધનો, સુગંધ, ડીટરજન્ટ વગેરે આવશ્યક વસ્તુઓ બની ગઈ છે. સ્નાન માટે પહેલાં ચકણી માટી, કકરા પત્થર, તેલ વગેરેનો ઉપયેાગ થતો હતો જ્યારે તેની જગ્યાએ હવે સાબુનો જ ઉપયોગ થવા લાગ્યો છે. સાબુ અને ડીટરજન્ટ સુરક્ષિત અને સરળ રીતે કીટાણુઓ, મેલ અને અન્ય દૂષિત પદાર્થોને હટાવે છે અને આપણી આજુબાજુના વાતાવરણને સારૂ રાખવામાં મદદ કરે છે.

                સાબુ અંગેનો ઈતિહાસ બહુ જૂનો છે.  ઈ.સ. ૩ર૦૦ વર્ષ પૂર્વે  મેસાપોટામિયાની સંસ્કૃતિમાં જાનવરોની ચરબી અને વૃક્ષોની  રાખના ઉપયેાગથી સાબુ બનાવી વાપરવામાં આવતો હતો. સર્વ પ્રથમ મિસરના લોકો સ્નાન માટે તેનો ઉપયોગ નિયમિત રીતે કરતા હતા તેવું માનવામાં આવે છે. ઈ.સ. પૂર્વે ૧પ૦૦ માં ‘ઈબર્સ પેપિરસ’ નામના ચિકિત્સા દસ્તાવેજમાં સાબુ બનાવવાની પદ્ધતિ દર્શાવેલ. તેનો ઉપયોગ ચામડીના રોગો અને વ્યક્તિગત સફાઈ માટે કરવામાં આવતો હતો. ભારતમાં વપરાતો લોકપ્રિય ચંદન/સુખડ સાબુ માટે ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગ્લુરૂનું અમૂલ્ય યોગદાન છે.

સાબુ બનાવવાની પદ્ધતિ :

                સાબુ બનાવવાની રાસાયણિક પ્રક્રિયાને સેપોનિફિકેશન કહેવામાં આવે છે. લાંબી શ્રૃંખલાવાળા ફેટી એસિડ મુખ્યત્વે ટ્રાયગ્લીસરાઈડ રૂપે હોય છે જે ફેટી એસિડ અને ગ્લીસરોલના સંયોજનથી બનેલ એસ્ટર છે. તે વનસ્પતિમાં અળસીના તેલ, દિવેલાનું તલ (દિવેલ), કોપરાનું તેલ (કોપરેલ) વગેરે રૂપે અને પાણીમાં પશુઓ અને ઘેટાની ચરબી (ટેલો) રૂપે હોય છે. જ્યારે તેલ કે ચરબીમાં રહેલ  ટ્રાયગ્લીસરાઈડ્‌સની સોડિયમ હાઈડ્રોકલોરાઈડ કે પોટેશિયમ હાઈડ્રોકલોરાઈડના પ્રવાહી સાથે પ્રતિક્રિયા કરે છે ત્યારે તે ફેટી એસિડના સોડિયમ કે પોટેશિયમ સોલ્ટ એટલે કે સાબુ અને ગ્લીસરોલમાં રૂપાંતર પામે છે. સાબુ  બે પ્રકારના જુદા જુદા અણુઓથી બનેલો છે જેમાંના એક જાતના સાબુઓ જે પાણી સાથે પ્રેમ કરે છે તેને હાઈડ્રોફિલિક અને બીજી જાતના અણુઓ પાણીથી નફરત કરે છે તેને હાઈડ્રોફોબિક કહે છે. જ્યારે આ બંને અણુઓને પાણીમાં ધોવામાં આવે છે ત્યારે પાણીથી નફરત કરતા અણુઓ ચીકાશ કે ગંદા કણો તરફ જ્યારે પાણીથી  પ્રેમ કરતા અણુઓ બહાર તરફ નીકળે છે. એ રીતે સહેલાઈથી ગંદકી એકત્ર કરી બહાર કાઢે છે. ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સના ડીપાર્ટમેન્ટ ઓફ  જનરલ એન્ડ એપ્લાઈડ કેમેસ્ટ્રી (હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈનઓર્ગેનિક એન્ડ ફીઝીકલ કેમેસ્ટ્રી)દ્વારા ૧૦૦ વર્ષ પૂર્વે પ્રખ્યાત મ્હૈસુર સેન્ડલ સોપ બનાવવામાં આવ્યો હતો.

સુખડનું તેલ (Sandalwood Oil) :

            ઐતિહાસિક રીતે ર૦૦ વર્ષથી પણ વધુ સમય પહેલાંથી સુખડના વૃક્ષો સુગંધિત દ્રવ્ય (પરફ્યુમરી મટીરિયલ્સ) માટે જાણીતાં છે. દક્ષિણ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં તેના વાનસ્પતિક નામ સેન્તુલમ (Santulum) મુજબ અનુક્રમે સફેદ ચંદન (White Sandlwood-Santalum album) અને રક્ત ચંદન (Red Sandlwood – Petrocarpus santalinus) એમ બે જાતો વ્યાપક રૂપે પ્રચલિત છે. ચંદનનું સૂકુ લાકડુ સુગંધીદાર હોય છે જે સંસ્કૃતમાં ‘ચંદન’ નામે ઓળખાય છે. તેના ફક્ત સૂકા લાકડામાંથી જ સુગંધ આવે છે, ફૂલો કે પાંદડામાંથી સુગંધ આવતી નથી. તેના લાકડામાં રહેલ સુગંધ તેમાં રહેલ સેન્ટાલોલ રસાયણને લીધે છે. સુખડના તેલની ગુણવત્તા તેમાં રહેલ અને સેન્ટાલોલના  પ્રમાણ મુજબ હોય છે. સુખડના સૂકા લાકડાને વરાળ દ્વારા નિષ્કર્ષણ કરી તેમાંથી તેલ કાઢવામાં આવે છે. તેલમાં ૮૦ ટકા થી વધુ સેન્ટાલોલ હોય તો તે તેલની ગુણવત્તા સારી છે તેમ માનવામાં આવે છે.

                મુખ્યત્વે સુખડના લાકડા ધાર્મિક રીતે માનવીના અંતિમ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રાચીન બૌદ્ધ પરંપરાઓમાં સુખડના લાકડાનો ઉપયોગ ધ્યાનના સાધન તરીકે, ચિત્ત શાંત કરવા માટે, દિવ્ય વિચારોને ઉત્તેજીત કરવા, વિશ્રામ કરવા વગેરે માટે થતો હતો. આયુર્વેદમાં ચંદનનો ઉપયેાગ ઊર્જા અને ઉત્સાહ પ્રાપ્ત કરવા  માટે થાય છે. ચંદનનો લેપ પવિત્ર માનવામાં આવે છે.

                ભારતમાં ચંદન વન કુલ ૯૦૦૦ ચો. કિ.મી. વિસ્તારમાં ફેલાયેલ છે જેમાંનો મોટા ભાગનો ૮,ર૦૦ ચો. કિ.મી. વિસ્તાર કર્ણાટક અને તામિલનાડુ રાજ્યમાં આવેલો છે. તામિલનાડુમાં ચંદનનો વિસ્તાર સલેમ, ધર્મપુરી, ઈરાડ, તિરૂવન્નમલાઈ, વેલ્લોર, નિલગિરિ, વિલ્લુપુરમ, મુદરાઈ, વિરૂધનગર અને તિરૂનેલવેલી વગેરે જીલ્લાઓમાં ફેલાયેલા છે. આ બંને રાજ્યો સિવાય તેના વૃક્ષો કેરળ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યોમાં પણ જોવા મળે છે. મૈસૂરની આસપાસના બગીચાઓ પણ તેના વૃક્ષોથી સમૃદ્ધ છે.

                સને ર૦૦૦ની શરૂઆતમાં વિદેશોમાં સૂકા ચંદનના લાકડાની વધુ માંગ હતી તે સમયે મૈસુરથી યુરોપ ખાતે તેના લાકડાની નિકાસ થતી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ચંદનની નિકાસ થઈ શકેલ નહિ તેથી તે સમયે પડી રહેલ ચંદનના લાકડાના ઉપયોગ કરવા અંગે શોધ કરવા માટે મૈસુરના ચોથા મહારાજા કૃષ્ણરાજ વાડિયાર એ તેના દિવાન સર એમ. વિશ્વેશ્વૈરૈયાને જણાવ્યું જેથી તેઓએ આઈઆઈએસસી સંસ્થાના જનરલ એન્ડ એપ્લાઈડ કેમેસ્ટ્રી વિભાગમાં કાર્યરત શ્રી સોસાલે ગરલાપુરી શાસ્ત્રીને ચંદનના લાકડામાંથી તેલ કાઢવાની રીત શોધવા માટે જણાવ્યું. તેઓએ વરાળ નિષ્કર્ષણ (સ્ટીમ ડિસ્ટીલેશન) પ્રક્રિયા વડે ચંદનમાંથી તેલ કાઢવાની અનુકળ પદ્ધતિ શોધવામાં સફળતા મળી. તેઓએ ચંદનના તેલનો ઉપયોગ કરી સાબુ બનાવ્યો અને તેને મૈસુરના મહારાજાને ભેટ આપ્યો હતો. તેની સુગંધથી પ્રભાવિત થઈ મહારાજાએ સાબુ ઉદ્યોગ શરૂ કરવાનું કાર્ય સોપ્યુ જે માટે શ્રી શાસ્ત્રીને મુંબઈ અને બ્રિટન મોકલ્યા હતા.

                સને ૧૯૧૬માં બેંગલુરૂમાં સાબુની ફેકટરી શરૂ કરવામાં આવી અને સને ૧૯૧૮માં ચંદનના સાબુનો બજારમાં વેચવા માટે મૂકવામાં આવ્યો. શ્રી શાસ્ત્રીએ ‘સરભા’ (સિહંનું શરીર અને હાથીનું માથું) પ્રતિક સાથે અંડાકાર રૂપે મ્હૈસુર ચંદન સાબુ તરીકે બજારમાં મૂક્યો. ‘સરભા’ પ્રતિક એ જ્ઞાન, સાહસ અને શક્તિના ગુણોનું સંમિશ્રણ છે. આજે પણ તેના આકાર એ જ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ મૈસુરમાં આવેલ આ સાબુની ફેકટરીનો વિસ્તાર કર્ણાટક સોપ્સ એન્ડ ડીટરજન્ટ લિમિટેડના રૂપે થયો જેમાં ચંદન સાબુની સાથે ટેલ્કમ પાઉડર, અગરબત્તી અને ડીટરજન્ટ પણ ચંદનના તેલનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યા. આ કારખાનું ભારતીય વિજ્ઞાન સંસ્થાની બાજુમાં આવેલ હોઈ તે સમયે શ્રી શાસ્ત્રી વધુ લોકપ્રિય બન્યા અને લોકો તેમને ‘સાબુન શાસ્ત્રી’ તરીકે માનથી બોલાવતા હતા.


સ્ત્રોત : ડ્રીમ ર૦૪૭ વોલ્યુમ-રર નં.ર


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *