ઇક્ઝોરા એ રૂબિએસી કુટુંબની ઉષ્ણ કટીબંધ વિસ્તારમાં સુશોભન માટે ઉગાડાતી પ્રખ્યાત વનસ્પતિ છે જેની વિવિધ જાતો લાલ,સફેદ,પીળા,નાંરગી,અને ગુલાબી રંગના ફૂલો ધરાવે છે. તેનું વતન એશિયા ખંડ છે.તે સામાન્ય રીતે વેસ્ટ ઇન્ડિયન જાસ્મીન, જંગલ ફલેમ,જંગલ ઓફ જીરેનિયમ,ટોર્ચ ટ્રી વગેરે નામે પણ જાણીતી છે.તે ગુજરાતમાં નેવરી તરીકે ઓળખાય છે.તેને સંસ્કૃતમાં નવમલ્લિકા કે વનમાલિની અને હિન્દીમાં નિવારી તરીકે ઓળખાય છે.તેના છોડ ૭ થી ૧૫ સે.મી.લાંબા અને ૩ થી ૬ સે.મી.પહોળા ને ચળકતાં લીસા પાંદડાવાળા હોય છે.તે ગોળ ઝૂમખામાં ફૂલોનો સમૂહ ધરાવે છે તેના ફળો કાચા હોય છે ત્યારે પીળાશ લેતાં લીલા રંગના અને પાકે ત્યારે ઘેરા જાંબુડા અથવા કાળા રંગના થઇ જાય છે.ઉષ્ણ કટીબંધવાળા હવામાનમાં તે આખુ વર્ષ ફૂલો આપે છે જેને હિંદુઓ પૂજામાં ઉપયોગમાં લે છે. તેની ઇકઝોરા ચાઇનેન્સીસ (Exora chinensis) જાત નારંગી રંગના ફૂલો,ઇરઝોરા પારવી ફલોરા (Exora parviflora) જાત સફેદ રંગના ફૂલો અને ઇકઝોરા (Exora coccinea) જાત લાલ રંગના ફૂલો આપે છે.સમગ્ર વર્ષ દરમ્યાન ફૂલો આપવા એ ઇકઝોરાની સારી ખાસિયત છે તેના ફૂલો ૬ થી ૮ અઠવાડીયા સુધી રહે છે.ઇકઝોરાની વિવિધ જાતો ચળકતો લાલ,નાંરગી પીળો ગુલાબી અને સફેદ એમ વિવિધ રંગોની પસંદગી માટેનો અવકાશ પુરો પાડે છે.
બગીચામાં સુશોભન તરીકે ઉપયોગઃ
ઘણા બગીચાપ્રેમીઓ માટે ઇકઝોરા એ બારેમાસ ફૂલો આપતું ઝાડવું છે.તે વિવિધ રંગના ફૂલો ધરાવતું હોઇ તેનું આગવું મહત્ત્વ છે.તે ઘણી શાખાઓ ધરાવતું ગીચ થતું ઝાડવું છે જેથી છાંટણી સારી રીતે કરી શકાય છે.તે વાડ તરીકે પણ આદર્શ છે.તે બગીચાની ધારે અને ઉષ્ણ કટીબંધવાળા વિસ્તારમાં બેડ તરીકે પણ વપરાય છે. જો ઇકઝોરાની છાંટણી કરવામાં ન આવે તો તે ૧૨ ફૂટ સુધી ઊંચુ વધી શકે છે.તેનો ટેકાનો છોડ તરીકે ૪ થી ૬ ફૂટ ઊંચાઇ રાખી વાપરી શકાય છે.તેની ઘણી જાતો છે.તે બોન્સાઇ તરીકે પણ પસંદ કરી શકાય છે.તેના ફૂલોની આવરદા વધારે હોઇ બજારમાં તેના ફૂલોનું મૂલ્ય ઊંચુ હોય છે.ઇન્ડોર સુશોભન માટે કૂડાં કે કન્ટેનરમાં મીની ઇકોઝોરા ઉગાડી શકાય છે.
રોપણી અને કાળજીઃ
ઇકઝોરા એ ગરમ હવામાનમાં થતો છોડ હોઇ ઉષ્ણ અને ઉપોષ્ણ કટીબંધવાળા હવામાનમાં ઉગાડાય છે.તેને સારા નિતારવાળી,ભેજ ધરાવતી,એસિડિક અને ઊંચા પ્રમાણમાં સેન્દ્રિય તત્વો ધરાવતી જમીન વધુ માફક આવે છે.ઇકઝોરા એ એસિડ ટોલરન્ટ છોડ છે અને તેને પાંચ પીએચ જરૂરી છે.
તેનું વર્ધન એકદમ સરળ છે.વેપારી ધોરણે તેનું વર્ધન હવા દબકલમ(ગુટી કલમ) થી કરવામાં આવે છે.તેની સારી જાતોનું મૂળના કટકા ધ્વારા વર્ધન કરી શકાય છે.૪૫ સે.મી. X ૬૦ સે.મી. કે ૬૦ સે.મી. X ૯૦ સે.મી. ના અતરે સીધો સૂર્યપ્રકાશ પડે તેવા વિસ્તારોમાં મૂળના કટકા રોપવામાં આવે છે.સૂર્યપ્રકાશ સારો મળે તો ફૂલો વધુ પ્રમાણમાં અને નિયમિત મળતા રહે છે.ઉનાળાના સમયમાં ગરમી પડતી હોઇ પિયત વધુ પ્રમાણમાં આપવું જરૂરી છે.
ઇકઝોરાના છોડની જાળવણી માટે ઓછો ખર્ચ થાય છે જેથી લેન્ડસ્કેપ બગીચામાં તે વધુ ફાયદાકારક છે.
ઔષધિય ઉપયોગોઃ
આયુર્વેદ અને યુનાની દવાઓમાં ઇકઝોરાની વિવિધ જાતોનો દવા તરીકે ઉપયોગ થાય છે તેના મૂળ,પાંદડાં અને ફૂલોના ભારતમાં પરંપરાગત રીતે સ્તંભક(બંધક), સડાનિરોધક, રકતશુધ્ધિહર, શામક, ઝાડા અટકા વનાર અને માથામાંની શરદી વગેરે માટે ઉપયોગમાં લેવાય છે. તે ત્રિદોષ,નેત્રરોગ, કર્ણરોગ તથા સર્વ રોગનાશક છે.
- કૃચ્છાર્તવ(ડિસમેનોરીયા),કફમાં લોહી આવવું (વ્હીમેપ્ટોસિસ),શ્વાસનળીનો સોજો વગેરે રોગોમાં વપરાય છે.
- ફૂલો મરડા અને કૃચ્છાર્તવ(ડિસમેનોરીયા)માં વપરાય છે.
- તેના ફૂલો દૂધમાં વાટી બચ્ચાંની ઉધરસ અને ખાંસી તથા શ્વાસમાં અપાય છે.
- ફૂલોમાં ૦.૫ ટકા લ્યુકાસાયનિડિન ગ્લાયકોસાઇડ નામનું આવશ્યક તેલ હોય છે જે રોગ ફેલાવતા જીવાણુઓ વિરોધી લક્ષણ ધરાવે છે.
- અલ્સરની સારવાર માટે પાંદડાં વપરાય છે.
- તેના પાનની ચા તાજા પીણા તરીકે વપરાય છે.
- તેની છાલ પિત્તશામક છે.તે પાંડુરોગ,પિતપ્રકોપમાં કવાથ કરીને અપાય છે.
- તેના છાલનો ઉકાળો નહિ રૂઝાતાં ચાંદાં અને ગડગૂમડાં ધોવાના કામમાં આવે છે.
- તેના મૂળ અને ફૂલો ગ્રાહી છે.તે વેદનાશામક , દીપક,પાચક,જઠરને પુષ્ટ કરનાર છે તે ઝાડા, મરડો, હેડકી, ચક્કર, પ્રદર, લોહીબગાડ, ઉદર વ્યાધિ વગેરેમાં સારૂ કામ કરે છે.સંતાલ લોકો સ્ત્રીઓના ગર્ભાશયના રોગો માટે વાપરે છે.પિત્તના દર્દોમાં તે કોપરાના તેલમાં તળી જીરા અને સાકર સાથે અને ઝાડા-મરડામાં બીલીના ફળગળ સાથે અપાય છે.
- તેના મૂળ પાણીમાં ઘસી સોજા ઉપર ચોપડાય છે.
- તેના મૂળ સ્તંભક છે જે ચાંદાં અને ચામડીના રોગોમાં સડાનિરોધક તરીકે વપરાય છે.
- મૂત્રાઘાત પર તેનાં બિયાં ઠંડા પાણીમાં ઘસી ચટાડવાં.
- તેના છોડ પ્રદૂષિત પાણીમાંથી લેડ,કેડમિયમ અને મરકયુરી જેવી ભારે ધાતુઓને દૂર કરે છે.
સંદર્ભઃ વનસ્પતિ સૃષ્ટિ લે.ગો.ખી.બાંભડાઇ
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in