સૂર્યમુખીની ખેતી – અત્યંત નફાકારક (Sunflower farming – extremely profitable)

                સૂર્યમુખી એ એક અગત્યનો રોકડીયો તૈલીપાક જે 40 થી 45 ટકા તેલ ધરાવે છે અને ખેડૂતોની આવકમાં બે થી ત્રણ ઘણો વધારો કરે છે. અત્રે સૂર્યમુખીની નફાકારક ખેતી અંગેની માહિતી દર્શાવેલ છે :

સૂર્યમુખી ખેતી :  

જમીન :

        સૂર્યમુખીના સારા વિકાસ માટે ગોરાડુ જમીન આદર્શ ગણાય છે. બીના ઉગાવા માટે જમીનમાં પુરતો ભેજ હોવો જરૂરી છે. પિયત માટેની યોગ્ય વ્યવસ્થા અને પાણીનો યોગ્ય નિકાલ કરી શકાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ.

વાવણી સમય અને બિયારણનો દર :

        આ પાક બી દ્વારા ત્રણે ઋતુમાં લઈ સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. આ પાકની કાપણી 90 થી 110 દિવસે કરી શકાય છે. માર્ચના પ્રથમ બે અઠવાડિયામાં એકર દીઠ 10 થી 12 કિલોગ્રામ પ્રમાણે બીની વાવણી કરવી આદર્શ ગણાય છે. બીને એક કિલોગ્રામ દીઠ 2 થી 3 ગ્રામ થાયરમ અથવા કાર્બેન્ડાઝિમ દવાનો પટ આપવો. બે હાર વચ્ચે 60 સે.મી અને બે છોડ વચ્ચે 20 સે.મી. અંતર રાખી જમીનમાં 3 થી 4 સે.મી. ઊંડે બીની વાવણી કરવી.

સૂર્યમુખીની સુધારેલી જાતો :

        કે.બી.યુસ ઑફ મોર્ડન ડવાર્ફ, એચ-1 સનરાઈઝ સીલેકશન, સંજીવ 95, આઈ.સી.આઈ 36, યશ.એચ. 3332 વગેરે.

ખાતરો :

        હેક્ટરદીઠ 60 થી 80 કિ.ગ્રા. નાઈટ્રોઝન, 60 કિ.ગ્રા. ફોસ્ફરસ અને 40 કિ.ગ્રા. પોટાશ તથા 150 થી 200 કિ.ગ્રા. જીપ્સમ આપવું.

પિયત :

        પાકમાં સારૂ ઉત્પાદન લેવા માટે 6 થી 8 પિયત આપવાં. પ્રથમ પિયત વાવણી બાદ 15 થી 20 દિવસ પછી આપવું. બાકીના પિયત 10 થી 12 દિવસના ગાળે આપવાં. દાણાનો વિકાસ થતો હોય ત્યારે પાકને હળવું પિયત આપવું જોઈએ.

નીંદામણ અને આંતરખે :

        પાકની વાવણી બાદ 15 થી 20 દિવસે અથવા પ્રથમ પિયત આપતાં પહેલાં ખેતરમાંથી નીંદણ દૂર કરવાં. પાકની ઊંચાઈ ગોઠણ સુધીની થાય ત્યારે તેને 10 થી 15 સે.મી. સુધી માટી ચઢાવવી. નીંદણોના નિયંત્રણ માટે હેકટર દીઠ 3.30 લિ. પેન્ડિમેથાલિન 30 ટકા દવા 800 થી 1000 લિટર પાણીમાં નાખી દ્રાવણ બનાવી બીની વાવણી પહેલાં અને બીની વાવણીના 2 થી 3 દિવસ બાદ આપવી.

પાક સંરક્ષણ :

ડાળીના સડાનો રોગ :

        સૂર્યમુખીના પાકમાં ફુગનો ચેપ લાગવાને કારણે ડાળીમાં સડો થાય છે. આ રોગ ઝડપથી ફેલાય છે. તેના અટકાવ માટે 2.5 કિ.ગ્રા. મેન્કોઝેબ અથવા 2 કિ.ગ્રા. કાર્બેન્ડાઝિમ દવા 800 થી 1000 લિટર પાણીમાં નાખી બનાવેલ દ્રાવણનો છંટકાવ કરવો.

ગુજીયા ચાંચવું અને ઊધઈ :

        ઊધઈ સફેદ થી ભુખરો પીળા રંગની અને ગુજીયા ચાંચવું એ કથ્થાઈ રંગનું હોય છે. તે બંને છોડને નુકસાન કરે છે. તેના નિયંત્રણ માટે હૅકટરે 3.75 લિટર ક્લોરપાયરીફોસ 20 ઈ સી દવા 600 થી 800 લિટર પાણીમાં ભેળવી બનાવેલ દ્રાવણનો છંટકાવ કરવો.

કાપણી :

        છોડના થડનો નીચેનો ભાગ પીળાશ પડતો કથ્થાઈ રંગનો થાય તે સમયે પાકની કાપણી કરવી. બધા જ છોડ એકસાથે કાપણીલાયક ન થતા હોઈ તેની કાપણી બે થી ત્રણ વખતમાં કરવી. કાપણી બાદ ફૂલોને સંપૂર્ણ રીતે સૂકવ્યા બાદ લાકડી વડે ઝૂડીને તેમાંનાં બીજ છૂટાં પાડવાં.

સૂર્યમુખીનું બીજ ઉત્પાદન (મુક્ત પરાગવાહિત – ફ્રી પોલિનેટેડ) :

ખેતરની પસંદગી :    

        સૂર્યમુખીના બીજ ઉત્પાદન માટે ખેતરની પસંદગી કરવી જટીલ છે. જમીનની પસંદગી ઉપર બીની ગુણવત્તાનો આધાર રહેલો છે. અગાઉની ઋતુમાં સૂર્યમુખીનો પાક ન લીધો હોય તેવું ખેતર પસંદ કરવું. ખેતરમાં નિતારની પુરતી વ્યવસ્થા હોવી જોઈએ. જમીન ઊંડી ફળદ્રુપ અને તટસ્થ પી એચ. ધરાવતી હોવી જોઈએ. માટીયાળ જમીનમાં પણ તેનું ઉત્પાદન સફળતાપૂર્વક લઈ શકાય છે. આ હાઈબ્રિડ અને સ્વ પરાગિત પાક છે. કીટકોની પ્રવૃત્તિઓ મુજબ 18 થી 60 ટકા જેટલું હાઈબ્રિડ પરાગનયન જોવા મળે છે. ફાઉન્ડેશન સીડ માટે અલગીકરણ અંતર 400 મીટર અને પ્રમાણિત બીજ (સર્ટિફાઈડ સીડ) માટે અલગીકરણ અંતર 200 મીટર રાખવું જરૂરી છે.

જમીનની તૈયારી :  

        એક ઊંડી ખેડ કરી બે થી ત્રણ વખત કરબ મારી જમીન તૈયાર કરવી. બીના ઉપર રહેલ સખત પડ પાણીને ધીરે ધીરે શોષે છે એટલે શિયાળા કે ઉનાળા દરમ્યાન પાકની વાવણી બાદ વધારાનું પાણી આપવાની જરૂર રહે છે.  

બીની વાવણી :  

        ફાઉન્ડેશન સીડ પેદા કરવા માટે બ્રીડર સીડ અને પ્રમાણિત બીજ પેદા કરવા માટે ફાઉન્ડેશન સીડનો ઉપયોગ કરવો. આવું બીજ પ્રખ્યાત હોય તેવા સ્ત્રોતો દ્વારા મેળવવું. સૂર્યમુખીના ઉછેર માટે કોઈ ખાસ ઋતુની જરૂર નથી. ફક્ત ઠંડીથી તેને નુક્સાન થઈ શકે છે તેથી તે સિવાયના સમયમાં તેને વાવી શકાય છે. દેશના પૂર્વ ભાગમાં તેનું વાવેતર ફેબ્રુઆરી-માર્ચ માસમાં ઘઉંની વહેલી કાપણી બાદ થાય છે. જો પિયતની સવલત પ્રાપ્ય હોય તો શિયાળામાં નવેમ્બર માસમાં અને વસંત ઋતુમાં જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયા અને ખરીફ પાક બાદ વાવી શકાય છે.

        એક હેક્ટરમાં વાવેતર માટે 10 કિ.ગ્રા.બિયારણ પૂરતું છે. એક કિલો બી દીઠ 3 ગ્રામ મેન્કોઝેબ અથવા કેપ્ટાન દવાનો પટ આપ્યા બાદ બીની વાવણી કરવી.

વાવણી અંતર :  

        બે હાર વચ્ચે 60 થી 80 સે.મી. અંતર અને બે છોડ વચ્ચે 20 થી 25 સે.મી. અંતર રાખી બીની વાવણી જમીનમાં 2 થી 4 સે.મી. ઊંડે બી પડે તે રીતે કરવી.

ખાતરો :  

        સૂર્યમુખીના પાકમાં સારૂ ઉત્પાદન મેળવવા માટે હેક્ટરે 80 કિ.ગ્રા. નાઈટ્રોજનની જરૂર પડે છે. જમીનની ચકાસણી કરાવ્યા બાદ જરૂર જણાય તે મુજબ ફોસ્ફરસ અને પોટાશ યુક્ત ખાતરો આપવાં. સામાન્ય રીતે હેક્ટરે 40 કિ.ગ્રા. ફોસ્ફરસ અને 40 કિ.ગ્રા. પોટાશ ખાતર વાવણી સમયે જમીનમાં કરબ કાઢતી વખતે જમીનમાં આપવામાં આવે છે. નાઈટ્રોજનનો અડધો જથ્થો વાવણી  સમયે અને બાકીનો અડધો જથ્થો પાકના થડને માટી ચડાવતી વખતે એટલે કે વાવણી બાદ 40 થી 45 દિવસે આપવામાં આવે છે.

પિયત :

        સૂર્યમુખીનો પાક અન્ય તૈલીપાકો કરતાં ઓછા પાણીએ થાય છે. વસંત ઋતુથી ઉનાળુ ઋતુ દરમ્યાન પાકને વાવણી પહેલાં પાણી આપવાની જરૂર પડે છે. શિયાળુ ઋતુમાં પાકનો એકસરખો વિકાસ થાય તે માટે પિયત આપવાની જરૂર રહે છે. ચોમાસુ પાકમાં પણ જરૂર જણાય તો પિયત આપવું જોઈએ. ફૂલો આવવાને સમયે અને બીજ બેસવાને સમય એ પિયત માટેની કટોકટી અવસ્થાઓ છે.

નીંદામણ અને માટી ચઢાવવી :

        નીંદામણ અને વાવણી પછીના પ્રથમ છ માસ દરમ્યાન ખેતરમાં ઉગેલ નીંદામણને દૂર કરી નાખવું કારણ આ સમય પાક માટે વધુ સંવેદનશીલ છે. નીંદણોના ઉપદ્રવથી પાક ઉપર નોંધપાત્ર અસર થાય છે. મોટા છોડ હોય તેને ઉપાડીને દૂરવા કારણ તેના માથાનો ભાગ ભારે હોય છે. પાકના થડની આજુબાજુ 10 થી 15 સે.મી. માટી ચઢાવવી.

રોગ :

        ચોમાસાની ઋતુમાં ઓલ્ટરનેરીયા ફુગથી થતો સૂકારો પાકને નોંધપાત્ર નુક્સાન કરે છે. કોઈપણ છોડ ઉપર ઘેરા બદામી રંગ સાથે કાળા ટપકાં જોવા મળે ત્યારે પાકમાં મેન્કોઝેબ અને ઝાયનેબના 0.25 ટકા ધરાવતું દ્રાવણ એક કે બે અઠવાડીયાના અંતરે છાંટવાની ભલામણ છે. આ સિવાય અન્ય રોગો આ પાકમાં વધુ અસર કરતા જોવા મળતા નથી. જો છોડના મૂળમાં સ્કલેરોટીનિયા મલાની નો ઉપદ્રવ અને માર્ચની વાવણીમાં ચારકોલ મેલ્ટિંગ જોવા મળે તો તેવા બિન તંદુરસ્ત છોડને ખેંચી લઈ બાળી નાખવા.

જીવાત

        આ પાકમાં કોઈવાર થડ કાપી ખાનાર ઈયળ (કટવર્મ) અને તડતડીયાંનો ઉપદ્રવથી થતું નુક્સાન મળે છે. કટવર્મના નિયંત્રણ માટે હેક્ટરે 15 કિ.ગ્રા હેપ્ટાક્લોર દવાનો છંટકાવ કરવો. તડતડીયાંના નિયંત્રણ માટે એક કે બે વખત 0.025 ટકા ઑક્સીડાઈમીથેન મિથાઈલ દવાનો છંટકાવ કરવો.

પક્ષીઓથી નુક્સાન :

        જ્યારે સૂર્યમુખીનો પાક કાપણી માટે પક્વ બને છે તે સમયે અન્ય કોઈ પાકો કાપણી માટે પક્વ હોતા નથી જેથી આ પાકને પક્ષીઓથી વધુ નુકસાન થાય છે. તેનાથી થતું નુકસાન અટકાવવા માટે બાળકો કે મહિલાઓએ પક્ષીઓને ઉડાવવા માટેના પ્રયાસો કરવા જોઈએ.

રોગિંગ :  

        પાકમાં બે વખત રોગિંગ કરી અનિચ્છિત છોડ દૂર કરવા જોઈએ.

(1) ફૂલો આવવાની શરૂઆત થાય તે પહેલાં :   પાકમાં અન્ય છોડ કરતાં વધુ ઊંચા છોડ હોય તો તે અન્ય પ્રકારના છોડ હોઈ ખેતરમાંથી ઉપાડીને દૂર કરવા. વહેલા અને મોડા પાકતા છોડને પણ ઉપાડીને દૂર કરવા કારણ કે તે બીજની ગુણવત્તા જાળવવામાં અસર કરે છે. રોગિષ્ઠ છોડ હોય તો તેને પણ ઉપાડીને દૂર કરવા.

(2) છોડની પક્વ અવસ્થાએ :   જંગલી છોડ જોવા મળે તેને ઉપાડીને દૂર કરવા જેથી બીની ગુણવત્તા ઉપર અસર ન થાય. વધુમાં માંદા છોડ હોય તો તેને પણ દૂર કરવા.

કાપણી અને થ્રેસિંગ :  

        સૂર્યમુખીના પાકમાં તેના ફૂલો પાકે ત્યારે કથ્થાઈ રંગનાં થાય છે. જેને સૂર્યપ્રકાશમાં સૂકવી લાકડી વડે બીને નુક્સાન ન થાય તે રીતે બીજ મેળવવામાં આવે છે.


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ – ફેબ્રુઆરી 2024   


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *