ભારતમાં જ નહી પણ વિશ્વ કક્ષાએ સેન્દ્રિય ખેતી પ્રચલિત બનતી જાય છે. સેન્દ્રિય ખેતી ધ્વારા ઉત્પાદિત થતી પેદાશો આરોગ્ય માટે સલામત છે એટલુ જ નહી કૃષિ પરિસ્થિતિ માટે પણ સાનુકૂળ છે. સેન્દ્રિય ખેતીમાં ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા માટે રોગ-જીવાતના નિયંત્રણ માટે વનસ્પતિજ વિષના ઉપયોગને અગ્રિમતા આપવામાં આવે છે. રોગ અને જીવાતને કાબૂમાં લેવા માટે બીજામૃત,જીવામૃત,અગ્નિસ્ત્ર જેવી વિવિધ સેન્દ્રિય બનાવટોનો ઉપયોગ કરવામાં આવે છે જેની માહિતી અત્રે દર્શાવેલ છેઃ
(૧) બીજામૃત :

બીજામૃત એ ગાયનું છાણ અને વિવિધ સેન્દ્રિય પદાર્થોના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે.તેની બીજને માવજત આપવાથી તે ફુગ,જીવાણુ અને અન્ય નુકસાનકર્તા સજીવો સામે રક્ષણ પૂરૂ પાડે છે.બીજામૃતનો ઉપયોગ બીજને માવજત આપવા માટે તથા ડાંગરના ધરૂને માવજત આપવા માટે કરતાં બીજ ઉપર હૂમલો કરતાં રોગકારક સામે રક્ષણ પૂરૂ પાડે છે. તેથી બીજામૃતનો ઉપયોગ બીજને પટ આપવા માટે થાય છે.
સામ્રગી : ગાયનું તાજુ છાણ,જંગલની તાજી માટી,ગાયનું તાજુ મૂત્ર,ચૂનાનું દ્રાવણ
રીત : સૌ પ્રથમ ૫ કિલો દેશી ગાયનું છાણ(તાજુ અથવા ત્રણ દિવસથી વધુ જૂનુ ન હોય તેવું) એક કપડામાં બાંધી ૨૦ લિટર પાણીમાં ૧૨ કલાક માટે લટકાવવું. એક લિટર પાણી લઇ તેમાં ૫૦ ગ્રામ ચૂનો ઉમેરવો અને એક રાત્રિ સુધી યોગ્ય રીતે મિશ્ર થાય ત્યાં સુધી રાખો. ગાયના છાણમાં જંગલની તાજી માટી ઉમેરી બરાબર હલાવો,જંગલની તાજી માટીમાં ફાયદાકારક સૂક્ષ્મજીવોની સંખ્યા સારી હોય છે જેથી બીજ માવજતમાં ફાયદો કરે છે. તેમાં ૫ લિટર દેશી ગાયનું મૂત્ર અને ચૂનાનું દ્રાવણ ઉમેરી સારી રીતે હલાવો.
(૨) ઘન જીવામૃત :

તે જૈવિક ખાતર તરીકેનું કાર્ય કરે છે અને જમીનમાં રહેલ સેન્દ્રિય પદાર્થોનું કોહવાણ કરી પાકને પોષકતત્વો લભ્ય બનાવે છે. તે પાકમાં ખાતર તરીકે વપરાય છે. તે ઘનપદાર્થ રૂપે હોય છે. તેને પાકમાં બે વખત-પાકની વાવણી પહેલાં સાત દિવસ અગાઉ અને પાકની વાવણી કે રોપણી બાદ ૨૦ દિવસ પછી આપવામાં આવે છે. એક સમયે એકરે ૧૦૦ કિ.ગ્રા જથ્થો આપવાનો રહે છે. તેને પિયતના પાણી સાથે અથવા દ્રાવણ બનાવી છંટકાવ પણ કરી શકાય છે. તે પાકમાં ૨ થી ૧૦ કે તેથી વધુ વખત આપી શકાય છે. પાકના સમયગાળા પ્રમાણે તે આપી શકાય છે. તે એકલું અથવા જીવામૃતના વિકલ્પ રૂપે પણ આપી શકાય છે.એક વખત વેસ્ટ ડીકમ્પોજીટરનો છંટકાવ અને બીજી વખત જીવામૃતનો વપરાશ એમ વારાફરતી છંટકાવ કરી શકાય છે. તેને કહોવાતા છાણનો ઢગલો અને પાક અવશેષો ઉપર પણ વાપરી શકાય છે. એક વખત એકરદીઠ ૨૦૦ લિટરનું દ્રાવણ વાપરી શકાય છે.કેટલીકવાર અડધુ પાણી અને અડધુ વેસ્ટ ડીકમ્પોજીટરને મિશ્ર કરીને પણ વાપરી શકાય છે. જીવામૃત અને વેસ્ટ ડીકમ્પોજીટર દર ૧૫ થી ૨૦ દિવસના ગાળે વાપરી શકાય છે.
સામ્રગી : ગાયનું તાજુ છાણ, ગોળ,ચણાનો લોટ(બેસન), દેશી ગાયનું મૂત્ર,જંગલની તાજી માટી
રીતઃ ૪ થી ૫ દિવસ હવામાં રાખેલ દેશી ગાયનું ૧૦૦ કિલો છાણ લેેવુું.તેમાં એક કિલો ગોળ ઉમેરવો.એક કિલો બેસન ઉમેરવું.પછી તેમાં ૩ લિટર જંગલની તાજી માટી અથવા ઝાડ નીચેની માટી કે પાયા પરની માટી ઉમેરવી.આ બધી સામગ્રી ઉમેર્યા બાદ કેક જેવું મટિરીયલ તૈયાર થશે જેનો યોગ્ય સ્થાને સંગ્રહ કરવો ત્યારબાદ ૧૦ દિવસ બાદ તૈયાર થતા આ ઘન જીવામૃતને સેન્દ્રિય ખેતીમાં આપી શકાય છે.
(૩) જીવામૃત :

જીવામૃતને પાક ઉપર છાંટી શકાય છે.તેને પિયતના પાણી સાથે વહેણ ધ્વારા પાકને આપી શકાય છે. તે ૨ થી ૧૦ કે તેથી વધુ વખત પાકને આપી શકાય છે. પાકના સમયગાળા મુજબ આપી શકાય છે. તે ખાતર તરીકેનુ કાર્ય કરે છે અને જમીનમાં રહેલ સેન્દ્રિય પદાર્થોનું કહોવાણ કરી પાકને પોષકતત્વો લભ્ય બનાવે છે. તે પ્રવાહી સ્વરૂપમાં હોય છે.
સામગ્રી : ગાયનું તાજુ છાણ, ગોળ,ચણાનો લોટ(બેસન), દેશી ગાયનું મૂત્ર,જંગલની તાજી માટી
રીત : ૨૫૦ લિટર ક્ષમતા ધરાવતું પ્લાસ્ટિકનું પીપ લેવું. તેમાં ૧૦ કિ.ગ્રા.દેશી ગાયનુું તાજુ છાણ લેવું. ત્યાર બાદ ૧૦ લિટર દેશી ગાયનું તાજુ મૂત્ર ઉમેરવું.ત્યારબાદ ૨ કિલો ગોળ અને ૨ કિલો બેસન ઉમેરવું.ત્યાર બાદ ૧૫૦ ગ્રામ જંગલની તાજી માટી ઉમેરવી અને તેમાં ૨૦૦ લિટર પાણી ઉમેરી બરાબર મિશ્ર કરવું.શણના કોથળા કે સુતરનું કાપડ અથવા પ્લાસ્ટિકની મચ્છરજાળીનો ઉપયોગ કરી છાંયો કરી તેમાં પીપને રાખવું. સવારે અને સાંજેે એમ દિવસમાં બે વખત મિશ્રણને ૫ થી ૧૦ મિનિટ સુધી લાકડાનો ઉપયોગ કરી બરાબર હલાવવું.૧૨ દિવસ બાદ તૈયાર થયેલ દ્રાવણ એટલે કે જીવામૃતને દિવસમાં બે વખત પાકમાં આપી શકાય છે.
(૪) નીમાસ્ત્ર :

નીમાસ્ત્ર એ લીમડો અને ગાયના મૂત્ર આધારીત પ્રવાહી બનાવટ છે નીમાસ્ત્ર ખેતરમાં ૨ થી ૪ દિવસમાં તૈયાર કરી શકાય છે.તાજુ નીમાસ્ત્ર પાક ઉપર છાંટીને મોલો,તડતડીયાં મીલીબગ્જ,થ્રિપ્સ,સફેદ માખી,નાની ઇયળો અને અન્ય ચૂસિયાં પ્રકારની જીવાતોનું નિયંત્રણ કરી શકાય છે.એક હેકટર વિસ્તાર માટે ૨૫૦ લિટર નીમાસ્ત્રનો છંટકાવ કરવો જરૂરી છે.
સામગ્રી : લીમડાનાં તાજાં પાન અથવા ૩ થી ૮ માસ જૂની લીંબોળી, દેશી ગાયનું મૂત્ર,દેશી ગાયનું છાણ.
રીત : પાંચ કિલો લીમડાનાં તાજાં પાન અથવા ૫ કિલો લીંબોળી લેવી. તેને બરાબર કચરીને ભૂકો કરવો.ત્યારબાદ તેને પ્લાસ્ટિકના પીપમાં ૧૦૦ લિટર પાણી લઇ તેમાં મિશ્ર કરો. તેમાં દેશી ગાયનું પાંચ લિટર મૂત્ર અને એક કિલો છાણ ઉમેરો. તેને લાકડી વડે ૨ થી ૩ મિનિટ સુધી બરાબર હલાવો. સુતરાઉ કાપડ વડે પીપના માથાને બાંધી ૪૮ કલાક સુધી રહેવા દો. આ મિશ્રણને દિવસમાં ત્રણ વખત ૨ થી ૩ મિનિટ સુધી લાકડી વડે બરાબર હલાવો. ૪૮ કલાક બાદ તેને કાપડ કે જાળી વડે ગાળીને મળતું દ્રાવણ એક એકર પાકમાં છંટકાવ માટે પૂરતુ છે.
(૫) અગ્નિસ્ત્ર :

અગ્નિસ્ત્ર એ વાનસ્પતિક બનાવટ છે જે લીમડાના પાન,લીલાં મરચાં,લસણ અને ગાયના મૂત્રમાંથી બનાવાય છે. તેનો ઉપયોગ સાંઠા કોરી ખાનાર ઇયળ, ફળ કોરી ખાનાર ઇયળ અને વિવિધ ઇયળોના નિયંત્રણ માટે થાય છે.એક હેકટર વિસ્તાર માટે પાક ઉપર છાંટવા માટે ૨૫૦ લિટર પાણીમાં ૫ થી ૬ લિટર અગ્નિસ્ત્ર ઉમેરી બનાવેલ દ્રાવણ પૂરતુ છે.
સામગ્રી : (૧)ગાયનું મૂત્ર (૨)તમાકુના કચરેલા પાન (એક લિટર ગૌમૂત્ર દીઠ ૨૫ ગ્રામ મુજબ) (૩)લીલાં મરચાંનો ગરમ પલ્પ/માવો (એક લિટર ગૌમૂત્ર દીઠ ૨૫ ગ્રામ)(૪)દેશી લસણનો પલ્પ/માવો(એક લિટર ગૌમૂત્ર દીઠ ૧૨.૫ ગ્રામ)(૫)લીમડાનાં પાનનો ભૂકો અથવા લીંબોળીનો ભૂકો (એક લિટર ગૌમૂત્ર દીઠ ૧૦૦ ગ્રામ )
રીત : ૫૦૦ ગ્રામ લીલાં મરચાં,૫૦૦ ગ્રામ લસણ અને ૫ કિ.ગ્રા. લીમડાનાં તાજાં પાન લેવા.ત્રણેને કચરીને સરસ પેસ્ટ બનાવવી. ત્યારબાદ તેને ૨૦ લિટર દેશી ગાયના મૂત્રમાં ઉમેરી બરાબર મિશ્ર કરવુું. ત્યારબાદ તેને ૨૦ મનિટ સુધી લાકડી વડે હલાવતા રહી ઉકાળવું. ત્યારબાદ ૪૮ કલાક સુધી તેને ઠંડુ પાડવા દો. ત્યારબાદ સુતરાઉ કાપડ વડે દ્રાવણને ગાળો.
(૬ બ્રહ્માસ્ત્ર

બ્રહ્માસ્ત્ર એ ગૌમૂત્ર અને વનસ્પતિ આધારીત બનાવટ છે જેનો પાકમાં નુકસાનકારક કીડા અને ઇયળોના નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવે છે.એક હેકટર વિસ્તારના પાકમાં છંટકાવ માટે ૨૫૦ લિટર પાણીમાં ૫ થી ૬ લિટર બ્રહ્માસ્ત્ર પૂરતુ છે.
સામ્રગી : (૧)ગૌમૂત્ર(૨)લીમડાના પાન અથવા લીંબોળીનો પાઉડર (એક લિટર ગૌમૂત્ર દીઠ ૧૦૦ ગ્રામ) (૩) કરંજનાં પાન (એક લિટર ગૌમૂત્ર દીઠ ૧૦૦ ગ્રામ) (૪) સીતાફળનાં પાન (એક લિટર ગૌમૂત્ર દીઠ ૧૦૦ ગ્રામ) (૫) ધતુરાનાં પાન (એક લિટર ગૌમૂત્ર દીઠ ૧૦૦ ગ્રામ)
રીત : ત્રણ કિલો લીમડાનાં તાંજા પાંન અને ૨ કિલો કરંજના પાન લેવાં.જો કરંજના પાન ન મળે તો લીમડાનાં પાંચ કિલો પાન લેવાં અને તેને બરાબર કચરી ભૂકો કરવો. બે કિલો સીતાફળનાં પાન અને ૨ કિ.લોે ધતુુરાનાં પાન લેવા અને તેને બરાબર કચરી ભૂકો કરવો ઉપરોકત બંનેના કચરેલા ભૂકાને ૧૦ લિટર ગૌમૂત્રમાં મિશ્ર કરો.ત્યારબાદ આ મિશ્રણને ૨૦ થી ૨૫ મિનિટ સુધી ઉકાળો પછી તેને ૪૮ કલાક સુધી ઠંડુ પડવા દો.સુતરાઉ કાપડ વડે દ્રાવણને ગાળો.
(૭) દશપર્ણી અર્ક :
દશપર્ણી અકં ખેતી અને બાગાયતી પાકોમાં નુકસાન કરતી દરેક પ્રકારની જીવાતના નિયંત્રણ કરવા માટે વાપરી શકાય છે.એક હેકટર પાકમાં છંટકાવ માટે ૨૫૦ લિટર પાણીમાં મેળવેલ ૫ થી ૬ લિટર દશપર્ણી અર્ક પુુરતો છે.દશપર્ણી અર્ક બનાવવા માટે વિવિધ પ્રકારના છોડના પાન જોઇએ છે જે કોઠામાં દર્શાવેલ છેઃ
ક્રમ | વનસ્પતિનું ગુજરાતી નામ | અંગ્રેજી નામ | વૈજ્ઞાનિક નામ |
૧ | લીમડો | Neem | Azadiracta indica |
૨ | આંબો | Mango | Mangifera indica |
૩ | સીતાફળ | Custard apple | Annona reticulate |
૪ | કરંજ | Karanj | Pongamia pinnata |
૫ | દિવેલા | Castor | Ricinus communis |
૬ | ધતુરો | Dhaturo | Datura sp. |
૭ | બીલી | Beal | Aegle marmelos |
૮ | આકડો | Aak | Calotropis sp. |
૯ | બોર | Ber | Zyzyphus mauritiana |
૧૦ | પપૈયા | Papaya | Carica papaya |
૧૧ | બાવળ | Babool | Acacia nilotica |
૧૨ | જામફળ | Guava | Psidium goujava |
૧૩ | કણેર | Kaner | Thevatia nerifolia |
૧૪ | કારેલી | Bitter gourd | Momordica charantia |
૧૫ | મેરીગોલ્ડ | Marigold | Tageters sp. |
૧૬ | તુલસી | Tulsi | Ocimum sanctum |
૧૭ | હળદર | Turmeric | Curcuma longa |
૧૮ | આદુ | Ginger | Zingiber officinale |
૧૯ | નગોડ | Nirgundi | Vitex negundo |
૨૦ | જાસુદ | Gurhal | Hibiscus rosa-sinensis |
ર૧ | ગળો, અમૃતા | Giloya | Tinospora cordifolia |
ઉપર જણાવેલ વનસ્પતિઓ પૈકી પ્રાપ્ત હોય તેવી દશ વનસ્પતિઓના પાનનો ઉપયોગ દશપર્ગી અર્ક બનાવવા માટે થાય છે.
રીત :
(૧) પાંચ કિલો લીમડા પાન અને કોઠામાં દર્શાવેલ ગમે તે દશ વનસ્પતિઓના દરેકના કિલો પ્રમાણે પાન લેવા.
(૨) દેશી ગાયનું ૧૦ લિટર મૂત્ર,૧૦ કિલો દેશી ગાયનું છાણ અને ૫૦૦ ગ્રામ હળદરનો પાઉડર લેવો.
(૩) ૫૦૦ ગ્રામ લસણની પેસ્ટ,૫૦૦ ગ્રામ આદુની પેસ્ટ,૧૦ કિલો તમાકુના પાનનો પાઉડર અને એેક કિલો લીલા મરચાંની પેસ્ટ લેવી.
(૪) પાનને જીણા વાટવા.
(૫) છાંયામાં રાખેલ પીપમાં ૨૦૦ લિટર પાણી લઇ તેમાં ઉપરોકત સામ્રગી ઉમેરી મિશ્ર કરવી.
(૬) લાકડી વડે દિવસમાં ત્રણ વખત આ મિશ્રણને હલાવવું અને ૩૦ થી ૪૦ દિવસ સુધી આથો આવવા દેવા રાખવું.
(૮) ગાળેલ મિશ્રણનો પીપમાં સંગ્રહ કરવો.તેનો ૬ માસ સુધી ઉપયોગ કરી શકાય છે.
સ્ત્રોતઃઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ,સપ્ટેમ્બર-૨૦૨૦
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in