કૃત્રિમ જંતુનાશકો અથવા પેટ્રોલિયમ આધારિત ખાતરોનો ઉપયોગ કર્યા વિના જીવાત વ્યવસ્થાપન અને ખાતરો આપી સજીવ ખેતી અપનાવી સ્વીટ કોર્નનું ઉત્પાદન મેળવવામાં આવે છે. રાજ્ય સરકાર કે ખાનગી એજન્સી વડે યુએસડીએના પ્રમાણપત્ર વડે ‘ઓર્ગેનિક’નું લેબલ લગાવી સ્વીટ કોર્નનું વેચાણ નેશનલ ઓર્ગેનિક પ્રોગ્રામ (NOP) ના નિયમન વડે સજીવ પાક ઉત્પાદનના ધોરણો જાળવી કરવામાં આવે છે. કેન્ટુકી ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રિકલ્ચર (KDA) નો પ્રમાણીકરણ પ્રક્રિયામાં ઉપયોગ કરી લાભો મેળવવામાં આવે છે. કોમનવેલ્થમાં કેન્ટુકીના રહેવાસીઓ કોઈ પણ માન્ય એજન્સી ધ્વારા પ્રમાણપત્ર આપી શકે છે.
સ્વીટ કોર્નનું ઓર્ગેનિક ઉત્પાદન માટે માર્કેટની જાણકારી :
કૃષિમાં ઓર્ગેનિક પ્રોડક્ટસની ઊંચી માંગને કારણે ઓર્ગેનિક પાક ઉત્પાદન એ વધુ ઝડપથી વિકસતું ક્ષેત્ર છે. યુએસમાં કૃષિ સેન્સસમાં જણાવ્યા મુજબ ઓર્ગેનિક સ્વીટ કોર્નનો વિસ્તારમાં સને 2008 થી 2014ની વચ્ચે 90 ટકાનો વધારો (6,239 એકરથી વધીને 11,811 એકર) થયેલ. આ વધારો ખાસ કરીને સ્વીટ કોર્નના ફ્રિજિંગ માટેની માંગને લઈ થયેલ.
સ્થળની પસંદગી અને રોપણી :
કૃત્રિમ જંતુનાશકો અને પેટ્રોલિયમ આધારિત ખાતરોના વપરાશથી ત્રણ વર્ષ માટે મુક્ત હોય તેવી જમીન જ પ્રમાણિત ઓર્ગેનિક ઉત્પાદન મેળવવા માટે વપરાય છે. પાકના ઉછેર માટે સજીવ ખેતીની પદ્ધતિઓ વાપરવા માટે અનુકુળ હોય તેવી જમીન પસંદ કરવી મહત્વની છે. તંદુરસ્ત પાક માટે સાનુકુળ જાતોની પસંદગી, છોડની ઘનતા અને રોપણી તારીખ નક્કી કરવી અગત્યનું છે.
બીજ અને જાતની પસંદગી :
પ્રખ્યાત ડીલર પાસેથી સ્વીટ કોર્નના પ્રમાણિત બીજની ખરીદી કરવી જોઈએ. કૃત્રિમ રસાયણની માવજત આપેલ હોય તેવું બી વાપરવું નહિ. ઓર્ગેનિક ઉત્પાદન માટે જીનેટિકલી મોડિફાઈડ (GMO) જાતોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ છે. જો પડોશના ખેતરોમાં જીએમઓ જાત ઉગાડેલ હોય તો તેની પરાગરજ ઓર્ગેનિક પાક ઉપર ન આવે તે અંગેનાં પગલાં લેવાં. રોગ અને જીવાત સામે પ્રતિકારકતા ધરાવતી તમારા વિસ્તારને અનુકુળ હોય તેવી જાતો પસંદ કરવી. પક્વતાના આધારે જાતોની પસંદગી કરવી જેથી કાપણીનો સમય લંબાવી શકાય.
જાતની પસંદગી કરતી વખતે સ્વીટ કોર્નનું ઉત્પાદન અને તેની મીઠાશ, પક્વતાના દિવસો, બીનો રંગ, કદ, ઉત્પાદનક્ષમતા અને જીવાતો સામે સહનશીલતા વગેરે બાબતોનો ધ્યાને લેવી જોઈએ.
મીઠી મકાઈની જીનોટાઈપની માહિતી
| ક્રમ | જીનોટાઈપ | મીઠાશ (સ્વીટનેસ) | શર્કરાનું સ્ટાર્ચમાં રૂપાંતર | અલગ પડે (આઈસોલેટ ફ્રોમ) | ટિપ્પણી (કોમેન્ટસ) |
| 1 | નોર્મલ સુગરી (su) | મધ્યમ મીઠી | ઝડપી | sh2 જાતો | અર્લી ઠંડી માટીમાં અંકુરણ |
| 2 | સુગરી એનહાન્સ્ડ (se, se+) | su કરતાં મીઠી, sh2 કરતાં ઓછી મીઠી | su જેટલી ઝડપી નહિ | sh2 જાતો | se કરતાં se+ મીઠી છે. |
| 3 | સુપર સ્વીટ અથવા શ્રુનકેન (sh2) | ખૂબ મીઠી | ખૂબ ધીમી | su, se અને se+ જાતો | લાંબી આવરદા ઠંડી માટીમાં નબળું અંકુરણ |
ફળદ્રુપતા અને ખેડ પદ્ધતિ :
ઓર્ગેનિક ઉત્પાદન માટે તંદુરસ્તી જમીન એ એક ચાવી રૂપ બાબત છે. સારી ગુણવત્તા ધરાવતું ઉત્પાદન મેળવવા માટે સારો ખોરાક અને ફળદ્રુપતા હોવી જરૂરી છે. સ્વીટ કોર્નમાં શ્રેષ્ઠ ઉત્પાદન મેળવવા માટે ખાસ કરીને નાઈટ્રોજન મહત્વનું છે. લીલો પડવાશ, છાણિયું ખાતર અને માન્ય કુદરતી ખાતરોનો ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતામાં વધારો કરી શકાય છે. ઘાસના કવર (આચ્છાદન) પાકોનો ઉપયોગ કરી જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધારી શકાય છે અન નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરતા કઠોળ જમીનમાં નાઈટ્રોજન ઉમેરી વધારાનો લાભ આપે છે. કઠોળનો કવર પાક તરીકે ઉછેર કરેલ હોય તો સ્વીટ કોર્નના પાકની નાઈટ્રોજનની જરૂરિયાતનો મોટો ભાગ પૂરો પાડે છે. પૂરક સેન્દ્રિય પોષક સ્ત્રોતોમાં બ્લડમીલ, ફિશમીલ, કપાસીયાનો ખોળ, સોયાબીનનો ખોળ અને કેટલીક દાણાદાર રૂપે પ્રાપ્ય પ્રી-મિકસ પ્રોડક્ટસનો સમાવેશ કરવામાં આવે છે.
ખેડ પદ્ધતિઓમાં ખેડ નહિ, ઓછી ખેડ, મલ્ચ ખેડ, જીવંત મલ્ચ, પટ્ટી ખેડ, ક્લીન ખેડ, પટ્ટી પાક વાવેતર અને આંતરપાકનો સમાવેશ થાય છે. જો ખેડૂત સંરક્ષિત ખેડ પદ્ધતિ પસંદ કરી અપનાવે તો તે કવર પાક ઉગાડી નીંદણનાશકના ઉપયોગ કર્યા વિના તેને જમીનમાં દબાવી દે છે. જીવંત મલ્ચ (આવરણ) સ્વીટ કોર્નની હાર વચ્ચે લેવાથી નીંદણ વ્યવસ્થાપન અને ફળદ્રુપતા અંગેની વૈકલ્પિક રીત પુરી પાડે છે. પટ્ટી પાક (સ્ટ્રિપ ક્રોપિંગ) વાવેતરમાં બે થી છ જેટલી હારમાં એક યા બે વધારાના પાકો પટ્ટીમાં ઉગાડવામાં આવે છે. મકાઈની સાથે કાકડી જેવા વેલાવાળા અથવા વેલાવાળા કઠોળ પાકો કેટલાક વ્યાપારી ખેડૂતો સફળતા પૂર્વક ઉછેરે છે.
જીવાત વ્યવસ્થાપન :
કેન્ટુકીમાં ઓર્ગેનિક સ્વીટ કોર્નના વાવેતરમાં નીંદણ, રોગ અને જીવાતના પ્રશ્નોને કારણે ગુણવત્તા અને ઉત્પાદનમાં ઘટાડો એ વધુ પડકારજનક બાબત છે. સારા ઉત્પાદન માટે ખેડાણ પદ્ધતિ ધ્વારા જીવાત વ્યવસ્થાપન અપનાવવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. તેનો હેતુ જીવાતોને સંપૂર્ણ પણે દૂર કરવાનો નહિ પરંતુ જીવાત ધ્વારા આર્થિક ક્ષમ્યમાત્રાના સ્તર સુધીનું નુક્સાન જાળવવાનો છે. પાકનું વારંવાર નિરીક્ષણ ધ્વારા જીવાતની ઓળખ કરી આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકાય છે.
કોર્ન ઈયરવોર્મ એ સ્વીટકોર્નમાં મુખ્ય જીવાતનો પ્રશ્ન છે. યોગ્ય સમયે ઓર્ગેનિકલી માન્ય કીટનાશક જેવા કે બીટી (Bt) નો છંટકાવ કરવો કે જે આ જીવાત અને યુરોપિયન કોર્ન બોરરની સામે લડત આપવા માટે વધુ અસરકારક છે. કટવર્મના નુક્સાનને ઓછુ કરવા માટે બીટી સાથે કોર્ન મીલ અથવા બ્રાન સાથે મોલેસીસ વડે બનાવેલ ગોળીઓ અસરકારક છે. અન્ય જીવાતોના ઉપદ્રવમાં લશ્કરી કીડા, જાપાનીઝ બીટલ અને ફ્લી બીટલનો સમાવેશ થાય છે. જાતની પસંદગી, પાકની રોપણીની તારીખો, જીવાતોની વસ્તી ક્ષમ્યમાત્રાએ પહોંચે તે પહેલાં પાકની કાપણી, પાકની નજીક ઉગેલ વનસ્પતિઓનું નિયંત્રણ, ફાયદાકારક કીટકોનો ઉપયોગ, મકાઈના અવશેષોને જમીનમાં દબાવી દેવા, પાકની ફેરબદલી અને ઓર્ગેનિકલી માન્ય જીવાત વ્યવસ્થાપન વ્યૂહરચના વગેરે બાબતો જીવાત વ્યવસ્થાપન માટે ધ્યાને લેવી જોઈએ. સૂક્ષ્મજીવ જંતુનાશકો (માઈક્રોબીટલ પેસ્ટીસાઈડસ) અને અન્ય ઓર્ગેનિકલી માન્ય જંતુનાશકો પણ બજારમાં ઉપલબ્ધ છે. જીવાતની વસ્તી ઉપર દેખરેખ રાખવા માટે ફીરોમોન અને બ્લેક લાઈટ ટ્રેપ પણ ઉપયોગી છે.
રોગોના સામાન્ય પ્રશ્નોમાં સ્ટુવર્ટ’સ વિલ્ટ (સૂકારો), પાનનો સૂકારો, ગેરૂ અને વાયરસનો સમાવેશ થાય છે. ઓર્ગેનિક પદ્ધતિમાં રોગ વ્યવસ્થાપન પદ્ધતિઓમાં પાકની ફેરબદલી અને પ્રતિકારક જાતોનો ઉપયોગ એ બંને ચાવી રૂપ ઉપાયો છે.
નીંદણ વ્યવસ્થાપન :
સજીવ ખેતી ઉત્પાદકો માટે નીંદણ એ એક ખાસ પડકારજનક બાબત છે. રોપણી પહેલાં પાકની ફેરબદલી અને કવર પાક લેવાથી નીંદણોના ઉપદ્રવમાં ઘટાડો કરી શકાય છે. પટ્ટી ખેડ, નહિ ખેડ અને જીવંત મલ્ચ (આવરણ) એ નીંદણનાશકનો વિકલ્પ પુરો પાડે છે. પાકમાં આંતરખેડ કરવાથી નીંદણનો પ્રશ્ન હલ કરી શકાય છે.
કાપણી અને સંગ્રહ :
દૂધિયા દાણાની અવસ્થા હોય ત્યારે સ્વીટ કોર્નની યાંત્રિક કે હાથ વડે કાપણી કરવામાં આવે છે. મીઠી મકાઈના ડોડાની મૂછો બદામી રંગની થાય અને ડોડા ઉપરના છોડાં સખત જણાય ત્યારે પાક કાપણી લાયક થયો ગણાય. સ્વીટ કોર્નની ગુણવત્તા જાળવી રાખવા માટે સવારના ઠંડીના સમયે કાપણી કરવી જોઈએ અને શક્ય હોય તો ખેતરની ગરમી (ફિલ્ડ હીટ) ને દૂર કરવી જોઈએ. 300 ફે. ઉષ્ણતામાને ઝડપથી કૂલિંગ કરતાં શર્કરાનું સ્ટાર્ચમાં થતું રૂપાંતર અટકાવી શકાય છે. બરફવાળા પાણીમાં મીઠી મકાઈને રાખતાં ખેતરની ગરમીને દૂર કરી શકાય છે. સ્વીટ કોર્નની હેરફેર કરી કોઈપણ અંતરે બજારમાં મોકલવા માટે ટોપ આઈસ (બરફ) નો ઉપયોગ કરવો ખાસ જરૂરી છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ઓક્ટોબર – 2022
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

