વર્તમાન યુગ એ વેપાર ક્ષેત્રે વૈશ્વિક હરિફાઈનો યુગ છે. વેપારમાં આર્થિક ફાયદા માટે હરિફાઈનો ઉપયોગ કરવો અને ગ્રાહકોનો બજારમાં સારો પ્રતિસાદ મળે તે માટે મદદ કરવી એ હાલની માંગ છે. પરંપરાગત એટલે કે ચીલાચાલુ માર્કેટની સરખામણીએ હરિફાઈની બાબતમાં ડિજીટલ માર્કેટ અલગ પડે છે. બહુવિધ મુખી (મલ્ટિસાઈડેડ) માર્કેટને નેટવર્કની અસર તથા અર્થકરણના પ્રશ્નોને લઈને હરિફાઈ વધુ ગૂંચવણ ભરેલી બને છે. મોટા ભાગના આર્થિક સેકટરોમાં જેમ જેમ ડિજીટલ ઈકોનોમીમાં વધારો થતો જાય છે તેમ તેમ એકબીજા સેકટરો વચ્ચેનું સંકલન અને સહકાર ઘટતો જાય છે. ડિજીટલ માર્કેટમાં નવા સંશોધનોને લીધે તાંત્રિક વિકાસમાં ઝડપી વૃદ્ધિ થાય છે. આમ ડિજીટલ માર્કેટનો વિકાસ થવાથી માર્કેટમાં જોડાયેલ સભ્યો અને નિયમનકારો (રેગ્યુલેટર્સ) માટે કેટલાક પડકારો ઊભા થયા છે.
ગ્રાહકો એટલે કે વપરાશકારોને ઈન્ટરનેટના માધ્યમ થકી માર્કેટમાં પારદર્શિતા, વિશાળ પસંદગી, વિવિધ ભાવની ઓફરો તેમજ ખર્ચમાં ઘટાડો વગેરે જેવા એનકવિધ લાભો માલ ખરીદતી વખતે મળે છે. વેપાર માટે ડિજીટલ પ્લેટફોર્મ મારફતે નવા વિસ્તારોમાં માર્કેટની તકો ઊભી થઈ છે તેમજ પ્રોડક્ટમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી નવીનતા પેદા કરવાની, પ્રોડક્ટને જે તે સ્થળે પહોંચતી કરવાની તથા વેપાર ક્ષેત્રે વ્યૂહરચના ઘડવાની જરૂરિયાત ઊભી થઈ છે. ઈન્ટરનેટના નેટવર્ક મારફતે ગ્રાહકોને ડિજીટલ પ્લેટફોર્મ દ્વારા જે તે પ્રોડક્ટ કે કંપનીની માહિતી થકી અનેકવિધ ફાયદા થયા છે જે આ પહેલા મળતા ન્હોતા.
માર્કેટ હરિફાઈમાં બજારના નિયમન માટે ઓનલાઈન પ્લેયર્સ દ્વારા પણ કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને વિવિધ સપ્લાયો દ્વારા પ્રોડક્ટની ઓફરો તેમજ તે અંગેની વિવિધ માહિતી આપવામાં આવે છે કે જેથી ગ્રાહકો વધુ ઝડપી અને અસરકારક રીતે માહિતીને ચકાસી શકે, તે અંગેના પ્રતિભાવો જાણી શકે અને ભાવ અંગેની વિવિધતા કે ફેરફાર ચકાસી શકે. આમ કેટલીક વાર વિવિધ સપ્લાયરોને ચોક્કસ પ્રકારની હરિફાઈમાં મુશ્કેલીઓ ઊભી થવા પામે છે.
કેટલીકવાર એટલે કે વેચાણકર્તાઓને લોકોની માંગ મુજબની પ્રોડક્ટસ પુરી પાડવા માટે મુશ્કેલી પડે છે જે માટે બે પ્રશ્નો પૂછી શકાય. તમારી પ્રોડક્ટ ઊંચી ગુણવત્તા ધરાવે છે કે જે માટે લોકો પૈસા ખર્ચવા માટે તૈયાર છે ? અને બીજું તમારા ગ્રાહકો પ્રોડક્ટમાં શું ફેરફાર ઈચ્છે છે ? એટલે કે કેવી પ્રોડક્ટ માંગે છે તે જાણો છો ?
હાલનું માર્કેટિંગ એ પરંપરાગત માર્કેટિંગની સરખામણીએ વધુ ગતિશીલ બન્યું છે તેમાં કોઈ શંકા નથી. આજની હરિફાઈમાં દરેક કંપની પોતે બજારમાં ટકી રહેવા માગે છે. પ્રોડક્ટનું માર્કેટિંગ જટીલ બની ગયું છે. આજનો ગ્રાહક ઈન્ટરનેટના માધ્યમ થકી જે તે પ્રોડક્ટ, તેની રચના તેની વિવિધતા, તેનો ઉપયોગો વગેરે વિષે વધુને વધુ માહિતી જાણી પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે છે એટલે ‘ગ્રાહક જ બજારનો રાજા છે’ તેમ કહી શકાય. તે કંપનીને ઉપર લાવી શકે છે અને ધારે તો ભોંય ભેગી પણ કરી શકે છે આથી જ્યારે કોઈપણ કંપની પોતાની પ્રોડક્ટસની માહિતી અસરકારક અને રચનાત્મક રીતે રજૂ કરે તો તેની ગ્રાહકના મન ઉપર સકારાત્મક અસર પેદા થાય છે અને તે અંગેની પુરતી સમજ તેને મળી રહે છે કે જે તેની જરૂરિયાત છે.
ડિજીટલ માર્કેટના પ્રશ્નો :
ડિજીટલ માર્કેટના વિકાસની સાથે સાથે તે અંગેના કેટલાક પ્રશ્નો પણ પેદા થયા છે જેવા કે બીગ ડેટા, ઈ-કોમર્સ, સોશિયલ મીડિયા, ડિજીટલ જાહેરાતો, ઓડિયન્સ ટાર્ગેટ અને મીડિયા લોકેશન, ડિજીટલ મીડિયા કેમ્પેઈન, સ્માર્ટફોન અને ટેબલેટનો વિકાસ, મલ્ટિ પ્લેટફોર્મ મીડિયા પ્લાનિંગ અને એનાલીસીસ, રીયલ ટાઈમ માર્કેટિંગ ઈનસાઈટ્સ, પ્રાઈવસી વગેરે.
ડિજીટલ માર્કેટિંગના કારણે નાના ઉદ્યોગ/વેપારીઓ માટેના પડકારો :
(૧) વેબસાઈટ બનાવવી :
આજના આધુનિક યુગમાં ખેતપેદાશના માર્કેટિંગ માટે ઈન્ટરનેટ એક અસરકારક માધ્યમ પૂરવાર થયું છે. કોઈપણ વ્યક્તિ ઓનલાઈન એગ્રિ બિઝનેસ શરૂ કરવા માંગે ત્યારે તેને પ્રથમ પડકાર ઊભો થાય છે કે વેબસાઈટ કઈ રીતે બનાવવી ? આ માટે મોટા ભાગના નાના વેપારીઓ પ્રોફેશનલ વેબ ડીઝાઈનરની શોધ કરે છે કે જે ‘યુઝર ફ્રેન્ડલી’ વેબસાઈટ બનાવી ગ્રાહકોને માહિતી અસરકારક રીતે પુરી પાડી શકે. માર્કેટમાં સફળતા માટે ગ્રાહકોના અનુભવો અને ગ્રાહકોની ઓનલાઈન હાજરી જાણવી જરૂરી છે. જો વેબસાઈટ યોગ્ય રીતે બનાવેલી ન હોય એટલે કે સારી ન હોય તો તમારી પ્રોડક્ટસના વેચાણ ઉપર વિપરીત અસર કરે છે. સામાન્ય રીતે અંદાજે ૭પ ટકા ગ્રાહકો તમારી વેબસાઈટની ડીઝાઈનને આધારે તમારા વેપારની વિશ્વસનિયતા ચકાસે છે.
(ર) પ્રોડક્ટના વિષયવસ્તુની યોગ્ય રજૂઆત કરવી :
નાના વેપારીઓએ પોતાની પ્રોડક્ટસને ગ્રાહકો સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે તેની વિષયવસ્તુને યોગ્ય રીતે રજૂ કરવી જરૂરી છે. આ માટે પુરતો સમય ફાળવી પ્રોડ્કટસની વિષયવસ્તુને વિવિધ રીતે રજૂઆત કરવાની જરૂર છે.
(૩) પ્રોડક્ટસની વેલ્યૂ માટે આકર્ષણ પેદા કરવું :
જો તમારા નાના વેપારમાં તમે સારી અને અસરકારક વેબસાઈટ બનાવી પ્રોડક્સની સારી માહિતી આપેલી હોય તેમ છતાં કેટલીક વાર માર્કેટિંગમાં સારા પરિણામ મળતા નથી તેથી જેઓ ખરેખર ખરીદકર્તા છે તેવા ગ્રાહકોને નિશાન બનાવી આકર્ષિત કરવામાં આવે તો તેઓ તમારી વેબસાઈટ જોવા આકર્ષાય. આ હેતુથી તમારે તમારી પ્રોડકટની માહિતી મૂકવા માટે કાયમી ધોરણે બ્લોગ મારફતે, રેકોર્ડ મારફતે, વીડિયોમાં જરૂરી સુધારા વધારા કરી, એડિટિંગ કરી મૂકવા અને સોસિયલ મીડિયા ચેનલોનો ઉપયોગ કરવો હિતાવહ છે.
(૪) ખરા (રીયલ) ગ્રાહકોને સમજવા :
ડિજીટલ માર્કેટમાં ખરા (રીયલ) ગ્રાહકો એટલે કે ખરીદકર્તાઓને સમજવા ખાસ જરૂી છે. આ નાના વેપારીઓ માટેનો કોમન પડકાર છે કારણ કે તમારી પ્રોડક્ટના ગ્રાહકો વિષેના ખરા ડેટા (આંકડા) એકત્ર કરવામાં ઘણો સમય વ્યતિત થાય છે. આવા ડેટાનો ઉપયોગ કરી સંશોધન દ્વારા પ્રોડક્ટસને ગ્રાહકો ખરીદે તે માટે તેમને માહિતી આપી તૈયાર કરી શકો છો.
(પ) માંગ અને પારદર્શિતા :
ડિજીટલ યુગમાં ગ્રાહકો કોઈપણ પ્રોડક્ટની કંપનીની માહિતી, સર્વિસ, પ્રતિભાવ, ખરીદીની પ્રક્રિયા વગેરે વિષે જાણવા ઈચ્છે છે તે જોતાં તે કંપનીએ પોતની પ્રોડક્ટ/બ્રાન્ડ અંગેની માહિતી અસરકારક રીતે ઓનલાઈન રીતે રજૂ કરવાી જોઈએ. આ બાબત ફૂડ પ્રોડક્ટસ કંપનીઓ અને તેના વપરાશકર્તાઓને વધુ લાગુ પડે છે કે જેઓ તેને ખોરાક તરીકે ઉપયોગમાં લેવાના છે.
લેબલ ઈનસાઈટ દ્વારા થયેલ એક અભ્યાસ મુજબ ૧ર ટકા ગ્રાહકોએ કંપનીની પ્રોડક્ટના પેકેજિંગ અને માહિતીના આધારે કંપની ઉપર વિશ્વાસ મૂકેલ જ્યારે ૬૭ ટકા એ બ્રાન્ડ અને માહિતી ઉપર વિશ્વાસ મૂકેલ.
ડિજીટલ માર્કેટિંગમાં સફળતા મેળવવા માટે ડિજીટલ માર્કેટિંગ અને વેચાણ માટેની વિવિધ પદ્ધતિઓની જાણકારી મેળવવી પડે. માર્કેટિંગમાં નવી નવી રીતો પણ અપનાવવી પડે. આમ ડિજીટલ યુગના કારણે માર્કેટિંગમાં પણ ઘણા મોટા ફેરફારો આવ્યા છે.
(૬) પ્રોડક્ટસના વેચાણને વધારવું :
ડિજીટલ માર્કેટિંગની વ્યૂહરચનામાં નાના વેપારીઓ તેમની ઓનલાઈન હાજરી બતાવી શકે છે. ગ્રાહકો એટલે કે ખરીદકર્તાઓ તમારી પ્રોડક્ટસ માહિતી સર્ચ કરે ત્યારે તેની સાથે બ્રાન્ડેડ કંપનીઓની માહિતી પણ ચકાસે છે એટલે કે તમારી પ્રોડક્ટની હરિફાઈ બ્રાન્ડેડ કંપનીની પ્રોડક્ટ સાથે થાય છે. એટલે જ નાના ઉદ્યોગ કે વેપારીઓએ પોતાની પ્રોડક્ટના વેચાણ માટે વ્યક્તિગત સંપર્ક સાધવો જોઈએ તો જ વેચાણમાં વધારો થઈ શકે. વપરાશકાર તમારી પ્રોડક્ટ અંગેની માહિતી, સર્વિસ વગેરે જાણકારી મેળવશે તો જ તમારી પ્રોડક્ટ પર વિશ્વાસ કરશે જેનો લાભ તમોને વેપાર વધારવામાં મદદરૂપ થશે.
(૭) સંદેશાની સતત આપ–લે કરવી :
ગ્રાહક કોઈ પ્રોડ્કટ અપનાવે તે પ્રક્રિયામાં તે પ્રોડક્ટ અંગેની માહિતીનો સંદેશાનું વહન સીધી રીતે અસર કરે છે. ખેડૂતો અને ગ્રામ્ય લોકો ડિજીટલ માર્કેટિંગ અપનાવે તે માટે તે અંગેના સરળ સ્ત્રોત એટલે કે ચેનલની જરૂર પડે. સોસિયલ મીડિયાની યોગ્ય ચેનલ હોય તો જ ડિજીટલ માર્કેટિંગ શક્ય બને. કંપનીની પ્રોડક્ટની માહિતી, સેવા, સંદેશા, પ્રતિભાવો વગેરે યોગ્ય ચેનલ મારફતે ગ્રાહકોને એક ચક્રની માફક નિરંતર પુરી પાડવામાં આવે તો જ વેપારમાં વૃદ્ધિ થઈ શકે.
(૮) ગ્રાહકોને નવી દિશા તરફ દોરવા :
માર્કેટિંગમાં ગ્રાહકો તેમજ વાંચકોનો પ્રોડક્ટ પ્રતિ વિશ્વાસ સંપાદન કરવો એ મુખ્ય બાબત છે. જો ગ્રાહકો તમારા પર વિશ્વાસ મૂકશે તો જ વધુ માહિતી મેળવવા માટે તમને શોધશે અને તમારી સાથે વ્યક્તિગત માહિતીની આપ-લે કરશે. આ રીતે નાના વેપારીઓ ગ્રાહકોને પ્રોડક્ટ વેચી શકે. માહિતીના બ્લોગમાં ફ્રી ઈ-બુક દ્વારા પ્રોડક્ટની માહિતી ગ્રાહકોને આપી શકાય.
(૯) સોસિયલ મીડિયા મેનેજમેન્ટ કરવું :
કૃષિ ક્ષેત્રે માર્કેટિંગમાં બ્લોગ, માઈક્રો બ્લોગ, પેજીસ, ગૃપ્સ વગેરેનો ઉપયોગ કરવો કે જે સોસિયલ મીડિયાના નવા માધ્યમો છે. આ અંગેની માહિતી એકત્ર કરવા માટે ખેડૂતોનો વ્યક્તિગત સંપર્ક સાધી પ્રશ્નોત્તરી દ્વારા પ્રાથમિક આંકડાકીય માહિતી ભેગી કરી તેના પરથી સંશોધન કરી શકાય. આ અંગેના પૃથક્કરણ થકી જાણી શકાય કે કૃષિ ક્ષેત્રે માર્કેટિંગ માટે સોસિયલ મીડિયા એ અસરકારક ઉપયોગી સાધન છે. તે ખેડૂતોને માહિતી મેળવવા માટે લાગતા સમય અને ખર્ચની બચત કરે છે. ભારતમાં મોટા ભાગના લોકો હવે સ્માર્ટ ફોન તથા તેની સાથોસાથ વૉટસઅપ, ફેસબુક, ટવિટર, લિન્કડઈન, યુટયુબ વગેરે જેવી અનેક સોસિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા થયા છે. આ પ્રકારની એપ્લિકેશનોમાં પ્રોડક્ટસની માહિતી મૂકીને કૃષિ ક્ષેત્રે માર્કેટિંગનો વ્યાપ વધારી શકાય છે. જો ખેડૂત માર્કેટિંગ માટે યોગ્ય સાધન ન વાપરે તો પોતાની પેદાશ યોગ્ય સમયે અને યોગ્ય કિંમતે વેચાણ કરવાની તક ગુમાવે છે.
આ અંગે સોસિયલ મિડયામાં પણ કેટલાક પડકારો છે જેમ કે
- કયા પ્રકારની માહિતી મૂકવી ?
- આપણે કઈ રીતે પ્રોડક્ટસની વિષયવસ્તુને નોંધપાત્ર રીતે રજૂ કરી શકીએ ?
- સોસિયલ મીડિયા મારફતે કઈ રીતે વેચાણ કરી શકાય ?
- આવી કામગીરી કોણ કરી શકે ?
- તેને કઈ રીતે જવાબદાર કરી શકાય ?
- તેની વ્યૂહરચના કરવા માટે પોતે સક્ષમ છે ?
(૧૦) નવિનીકરણને પ્રોત્સાહન આપવું :
વેપારમાં વૃદ્ધિ કરવા પોતાના પ્રોડક્ટને ગ્રાહકો સુધી પહોંચતી કરવા માટે નવીનતા ધરાવતા રસ્તાઓ શોધવા પડે છે. ઘણા સેકટરોમાં આ અંગે હરિફાઈનો સામનો પણ કરવો પડે છે. નાણાંકીય લેવડ-દેવડ માટે જે તે એપના ઉપયોગથી ગ્રાહકોને ફાયદાની સાથે પોતાની પ્રોકડ્ટનું વેચાણ કરી શકાય છે.
(૧૧) લોકોન સાનુકૂળ આવે તેવી બ્રાન્ડ બનાવવી :
ગ્રાહકોને કંપની ઉપર વિશ્વાસ બેસે તે માટે એવી બજાર વ્યૂહરચના અપનાવવી જોઈએ કે જેથી વિવિધ સોસિયલ મીડિયા દ્વારા કંપનીની પ્રોડક્ટનું વધુમાં વધુ માર્કેટિંગ થાય. ઉદાહરણ તરીકે એપલ કંપનીએ પોતાની બ્રાન્ડ મારફતે લાખો ગ્રાહકોમાં એવી છાપ ઊભી કરી કે જેની અસરકારકતાને લીધે એપલ કંપની નવી કોઈ પ્રોડક્ટ બહાર પાડે તે પહેલાં તેને ખરીદવા માટે લાખો લોકો તૈયાર થઈ જાય છે.
(૧ર) વૈશ્વિક વેપાર અંગેની માહિતીનો અભાવ :
નાના ઉદ્યોગકારો/વેપારીઓએ પોતાની પ્રોડક્ટનો વૈશ્વિક ધોરણે વેપાર કરવો હોય તો તે અંગેની કાયદાકીય તેમજ વહીવટી માહિતી હોતી નથી પરિણામે તેઓ માર્કેટ હરિફાઈમાં પાછા પડે છે. આ બાબત ધ્યાને લઈ ભારતના વિવિધ રાજ્યોમાં આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, ખેડૂત તાલીમ કેન્દ્રો, સ્વૈચ્છિક સંસ્થાઓના વિસ્તરણ કેન્દ્રો વગેરે મારફતે કૃષિ વેપાર અંગેની માહિતી કે સમજણ કૃષિ અર્થશાસ્ત્રના નિષ્ણાંતો દ્વારા પુરી પાડવામાં આવે તો નાના ઉદ્યોગકારો કે વેપારીઓ વૈશ્વિક કક્ષાએ પોતાની પ્રોડક્ટસના વેચાણમાં વૃદ્ધિ કરી શકે. આવા કેન્દ્રોમાં કૃષિ અર્થશાસ્ત્રીઓ ભાગ્યે જ જોવા મળે છે.
ઈ-નામ (e-NAM) એટલે કે ઈ પ્લેટફોર્મ :
નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ (e-NAM) એ ઈલેકટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ છે જે ભારતમાં આવેલ વિવિધ રાજ્યોની એગ્રિકલ્ચરલ પ્રોડયુસ માર્કેટિંગ કમિટી (APMC) ને ખેડૂતોની ખેતપેદાશોને રાષ્ટ્રીય ધોરણે વેચાણ કરવા માટેનું એક નેટવર્ક પૂરૂ પાડે છે. સ્મોલ ફાર્મર્સ એગ્રિબિઝનેસ કોન્સોર્ટિયમ (SFAC) એ ઈ-નામ ના અમલીકરણ માટેની લીડ એજન્સી છે કે જે ભારત સરકારના કૃષિ ખાતા અંતર્ગત કાર્ય કરે છે. ભારતમાં અંદાજે ર૪૭૭ એપીએમસી અને ૪૮૪૩ સબમાર્કેટ યાર્ડ કાર્યરત છે. ઈ-નામનો મુખ્ય હેતુ બજારનું સંકલન કરી કૃષિ પેદાશોના ખરીદકર્તા અને વેચનાર બંને વચ્ચે ખરેખર માંગ અને પૂરવઠાને ધ્યાને લઈ ખેતપેદાશોની ખરેખરી કિંમત પુરી પાડવાનો છે. હાલમાં ઈ-નામ હેઠળ ૧૮ રાજ્યો અને ૩ કેન્દ્ર શાસિત પ્રદેશ મળીને કુલ ૧૦૦૦ માર્કેટ જોડાયેલ છે. ઈ-નામ દ્વારા ખેતપેદાશની ગુણવત્તા મુજબ તેનો વેપાર અને કિંમતની માહિતી દરેક રાજ્યોને મળી રહે છે. ઈ-નામ માર્કેટમાં હરિફાઈ ખરીદનારાઓની સહભાગીતા અને ભાવના બીડિંગમાં પારદર્શિતા પુરી પાડે છે.

સામાન્ય રીતે ફૂડ માર્કેટ એટલે ખાદ્યખોરાકીની ચીજવસ્તુઓના માર્કેટમાં તંદુરસ્ત અને તાજો (હેલ્ધી એન્ડ ફ્રેશ) માલ મળે તેમાં ગ્રાહકોની અગ્રિમતા હોય છે. તેથી ખેડૂતોએ જે પાક ઉગાડવાનો હોય તે દ્વારા થતી પેદાશ તંદુરસ્તીને હાનિકર્તા ન હોય તે ધ્યાને લેવું હિતાવહ છે. આ માટે ગ્રાહકોના રસ ઓછી સુગર કે સોલ્ટ હોય તેવી પેદાશોમાં વધુ હોય છે. તે જોતા હવે ખેડૂતોએ પોતાની પેદાશની પોષણ મૂલ્યતા પણ જાણવી જરૂરી છે. આથી ખેડૂતોએ જંતુનાશક, નીંદણનાશક રાસાયણિક ખાતરો અને વૃદ્ધિ નિયામકોના ઉપયોગ કર્યા વગર પોતાની ખેતીની પેદાશ ઉત્પન્ન કરવી જોઈએ કે જેને ઓર્ગેનિક પેદાશ કહે છે. તેની માંગ માર્કેટમાં વધુ છે અને આવી ઓર્ગેનિક પેદાશના ભાવ પણ ખેડૂતને ઊંચા મળે છે.
ખેડૂતોએ પોતાના પેદાશના ઊંચા ભાવ મેળવવા માટે પોતાની ખેતી પદ્ધતિમાં ફેરફાર કરી નુકસાનકર્તા રસાયણોના ઉપયેાગ કર્યા વિના, પેદાશ ઉત્પન્ન કરી, ફૂડ ઈન્ડસ્ટ્રીઝ અને ગ્રાહકોને તેઓની જરૂરિયાત મુજબ પેદાશ પુરી પાડવી જોઈએ. ટુંકમાં મોંઘા રસાયણો અને ખાતરોનો ખર્ચ કર્યા વિના ઓર્ગેનિક પેદાશ ઉત્પન્ન કરવી પણ કૃષિમાં એક પડકાર છે.
કૃષિ માર્કેટિંગ પદ્ધતિઓના પડકારો :
ખેડૂતો પોતાની ખેતીમાં જરૂરી ઈનપુટ સામગ્રી મેળવવા માટે તેમજ પેદાશના માર્કેટિંગમાં કેટલાક પડકારોનો સામનો કરી રહ્યા છે જેમાં વિવિધ વેલ્યૂ ચેઈનનું સંકલન, ઉદારીકરણની અસર, વૈશ્વિકરણની અસર, માર્કેટમાં રહેલી તરલતા, હવામાન પરિવર્તન, કુદરતી જોખમો વગેરેનો સમાવેશ થાય છે.
કૃષિ ક્ષેત્રે માર્કેટની જરૂરિયાત :
બદલાતા સમયની સાથે ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) ને કારણે આધુનિક ખેતીમાં માર્કેટિંગના માળખામાં પણ ફેરફાર આવ્યા છે. આ ફેરફાર થવાના કારણોમાં માંગ કરતાં વધુ જથ્થાનું ઉત્પાદન, શહેરીકરણમાં વૃદ્ધિ, વ્યક્તિગત આવકના સ્તરોમાં ફેરફાર, માંગ અને માર્કેટિંગ સેવાના માળખામાં ફેરફાર સ્થાનિક તથા પરદેશી માર્કેટના સંકલનમાં વૃદ્ધિ, સરકારશ્રીની બજારમાં દરમ્યાનગીરી વગેરેનો સમાવેશ થાય છે.
માર્કેટિંગ પદ્ધતિઓની કેટલીક મર્યાદાઓ :
- માર્કેટનું કદ ઘણું વિશાળ છે અને તે નિરંતર વિસ્તરતું જાય છે. બેકવર્ડ અને ફોરવર્ડ એટલે કે પરંપરાગત રીતે ખેતી કરતા ખેડૂતો અને પ્રગતિશીલ ખેડૂતોનું માર્કેટ સામેનું સંકલન વધતુ જાય છે. પરંતુ આ માટેનો પૂરતો અવકાશ મળતો નથી.
- માર્કેટમાં સરપ્લસના અંદાજે ૮૦ ટકા પેદાશોનું હેન્ડલિંગ ખાનગી વેપારીઓ દ્વારા થાય છે કે જેઓ માર્કેટિંગના માળખા માટે કોઈ જાતનો ખર્ચ કરવા માગતા નથી.
- ખેડૂતોનું ગ્રાહકો સાથે તેમની પેદાશનું સીધુ માર્કેટિંગ કરતા હોય તેવું નહિવત છે. ભારતમાં અંદાજે રર,૦૦૦ ગ્રામિણ હાટ (માર્કેટ) ભરાય છે જે કુલ માર્કેટનો મોટા ભાગનો હિસ્સો ધરાવે છે. આવા માર્કેટ દ્વારા નાના અને સીમાંત ખેડૂતો પોતાની પેદાશ સ્થાનિક ધોરણે વેચે છે.
- પ્રાથમિક માર્કેટ કક્ષાએ ધંધાકીય સવલતો જોતાં ૭૩ર૦ માર્કેટ યાર્ડ/સબ યાર્ડ બનાવેલ છે પરંતુ તેમાંથી મોટા ભાગના સાધન સામગ્રીની રીતે અપૂર્ણ એટલે કે નબળા છે અને તેનું સંચાલન પણ વ્યવસ્થિત રીતે થતું નથી એટલે કે ત્યાં ગેરવ્યવસ્થા જોવા મળે છે.
- ખેતપેદાશો ગ્રામ્ય કક્ષાએથી માર્કેટમાં પહોંચે ત્યાં સુધીમાં કિલનિંગ, સોર્ટિંગ, ગ્રેડિંગ, પેકેજિંગ દરમ્યાન તેમજ યોગ્ય હેરફેર ન થવાને કારણે અંદાજે અનાજમાં ૭ ટકા, ફળ અને શાકભાજીમાં ૩૦ ટકા જ્યારે બીજ મસાલામાં ૧૦ ટકાની ઘટ પડે છે એટલે કે તેટલી ખોટ જાય છે.
- બજાર માટેની અપુરતી માળખાકીય સુવિધાઓ અને બજાર પ્રવૃત્તિઓની બિનઅસરકારક પદ્ધતિઓના ઉપયોગને લીધે માર્કેટ ચેઈનમાં દર વર્ષે અંદાજે ’ પ૦,૦૦૦ કરોડની ખોટ જાય છે જે કદાચ આથી પણ વધુ હોઈ શકે.
- રાજ્યની કૃષિ પેદાશ માર્કેટ અંગેના કાયદાઓ કોન્ટ્રાકટ ફાર્મિંગને ઉત્તેજન આપતા નથી કે જે ખેડૂતો અને માર્કેટના જોડાણ માટે ફાયદાકારક છે.
- હાલમાં વેલ્યૂ એડેડ સર્વિસની માંગ વધતી જાય છે. તેને લઈ માર્કેટના વિસ્તરણ માટે યોગ્ય માર્કેટિંગ ચેનલ હોવી જરૂરી છે, પરંતુ ગ્રામિણ ક્ષેત્રે માળખાકીય સુવિધાના અભાવે તે અંગે મુશ્કેલી રહે છે.
- ફૂડ પ્રોસેસિંગ ઉદ્યાગોમાં રોજગારી અંગેની વિશાળ તકો રહેલી છે, પરંતુ વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં ખેતપેદાશોનું મૂલ્ય વર્ધન અંદાજે ૭ ટકાની આસપાસ એટલે કે ઘણું જ ઓછું છે.
- ખેડૂતો ઊંચુ મૂલ્ય ધરાવતા પાકો તરફ આકર્ષાય છે એટલે તે નવો પાક અપનાવે છે. આમ ખેડૂતો ઉત્પાદન કિંમત અને આવકમાં મોટા ફેરફાર અંગેનું જોખમ ઉઠાવે છે.
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

