ન્યુટ્રિજેનોમિક્સ – વ્યક્તિગત પોષણનું વિજ્ઞાન (Nutrigenomics-A science of personal nutrition)

                પ્રત્યેક માનવી ઈચ્છે છે કે તેનું સ્વાસ્થ્ય દીર્ઘકાળ સુધી સારું રહે પરંતુ દુનિયાભરના કરોડો લોકોમાં અનેક રોગોના ઉપદ્રવને કારણ તેઓના સ્વાસ્થ્ય અને કુશળતા પર પ્રભાવિત અસર થાય છે. માનવીની જીવનશૈલીને કારણે અલ્ઝાઈમર, સંધિવા, કેન્સર, મધુપ્રમેહ (ડાયાબીટીસ), હૃદયરોગ, હાડકાં નબળાં પડવાં, બ્રેઈન સ્ટ્રોક, મોટાપો (ઓબેસિટી) વગેરે રોગો  સામાન્યતઃ થતા જોવા મળે છે. આ રોગો થવા માટેના વિવિધ પરિબળોમાં વ્યક્તિની કામ કરવાની પદ્ધતિ, કામ માટેની  જગ્યા કે પરિસ્થિતિ, શારીરિક કામગીરી અને વ્યક્તિની સહનશીલતા વગેરેનો આધાર રહેલો છે. અન્ય પરિબળોમાં ખાદ્યપદાર્થોનો ખેારાક તરીકે ઉપયોગ અને ઊંઘવાની ખરાબ આદતનો પણ સમાવેશ થાય છે. હાલના સમયમાં ઘરે બનાવેલ સરળ ભોજનને બદલે પ્રોસેસિંગ કરેલ ખાદ્યપદાર્થોના સેવનમાં વધારો થયો છે.

                કેટલીક વ્યક્તિઓ તેમના પૂર્વજોના જનીનને કારણે કેટલાક રોગો પ્રત્યે સંવેદનશીલ હોય છે. તેથી હાલમાં વૈજ્ઞાનિકોએ ‘ન્યુટ્રિજેનોમિક્સ’ તરીકે ઓળખાતા એક નવા અભ્યાસની શોધ કરી છે કે જે વ્યક્તિનું સ્વાસ્થ્ય, તંદુરસ્તીની યોગ્યતા અને કાર્યશૈલીને પ્રભાવિત કરતા જનીનની સાથે પોષકતત્વોના પારસ્પરિક અસરનો અભ્યાસ કરે છે.

વ્યક્તિગત આનુવંશિકતા :

                દરેક મનુષ્યના કોષકેન્દ્રમાં ૪૬ રંગસૂત્રો હોય છે જે પૈકી ર૩ માતા તરફથી અને ર૩ પિતા તરફથી આવે છે અને તે રીતે રંગસૂત્રોની ર૩ જોડ બને છે. પ્રત્યેક રંગસૂત્રમાં ડીએનએનો એક લાંબો અણુ હોય છે અને ડીએનએના ભાગને જનીન તરીકે દર્શાવાય છે. આ જનીન કોઈપણ વ્યક્તિના જીનોટાઈપ એટલે કે આનુવંશિકતાનું ગઠન કરે છે. આ જમીનોમાં  મનુષ્યના જીવનની ગતિવિધિઓના વિકાસ અને તેના વર્તન અંગેના જરૂરી આનુવંશિક નિર્દેશ હોય છે. આ નિર્દેશને જીવના આનુવંશિક કોડ રૂપે જાણવામાં આવે છે જે ડીએનએ અણુઓના તંતુ સમૂહમાં સંગ્રહિત હોય છે અને તે એડિનાઈન, ગુઆનિન, સાઈટોસિન તથા થાઈમિનથી બનેલ રેખાના અનુક્રમમાં ચાર નાઈટ્રોજીનસ આધાર તરીકે હોય છે. આ પ્રત્યેક આધાર એ, જી, સી અને ટીના અક્ષરોથી દર્શાવાય છે જેને કોડોન કહે છે. જે ત્રણ અક્ષરોના કોડના અનુક્રમથી વ્યવસ્થિત રીતે બનેલ હોય છે. રંગસૂત્રની એક જોડ (જીનોમ) સાથે માનવકોશિકાના ત્રણ અબજથી વધુ ડીએનએ આધાર જોડાયેલા હોય છે જે પ્રોટીન બનાવવા માટેના નિર્દેશ કરે છે.

                માનવ જીનોમના આ ત્રણ અબજ આધાર જોડીને સંપૂર્ણ માપન માટે સને ૧૯૯૦માં માનવ જીનોમ પ્રોજેકટ (એચ.જી.પી.- હ્યુમન જીનોમ પ્રોજેકટ) શરૂ કરવામાં આવેલ. આ પ્રાજેકટ દ્વારા વિશિષ્ટ રોગોના સંબંધિત જનીનોની ઓળખ માટેની સારી મદદ મળે તેવી આશા હતી. આજ સુધીમાં ઘણા બધા રોગો સાથે જોડોયેલા જનીનોની ઓળખ થઈ ચૂકી છે. આ પ્રોજેકટના તારણો અનુસાર વિભિન્ન વ્યક્તિઓની વચ્ચે ડીએનએના લગભગ ૦.ર ટકા એટલે કે પ૦૦ આધારોમાં પૈકી એક જેટલું અંતર જોવા મળેલ છે.

                વ્યક્તિઓના ડીએનએ વિશ્લેષ્ણ માટે હાલમાં ઉપયોગ લેવાતી પદ્ધતિઓમાં પોલીમરેજ ચેઈન રીએકશન (પી.સી.આર.)નો ઉપયેાગ થાય છે. આ પદ્ધતિનો ઉપયોગ સામાન્ય રીતે આણ્વિક જીવવિજ્ઞાન (મોલેક્યુલર બાયોલોજી)માં કરવામાં આવે છે. આનુવંશિક સામગ્રી સહેલાઈથી શોધવા માટે પી.સી.આર.  ડીએનએની અલ્પ માત્રાને ઝેરોક્ષ મશીન દ્વારા દસ્તાવેજોની અનેક નકલો બનાવાય તે રીતે વધારી તેની નકલો પેદા કરે છે. અન્ય જે નવી પદ્ધતિઓ આવી છે જેવી કે ‘બારકોડ’ પદ્ધતિ કે જેમાં પ્રવર્ધનની શક્યતા નથી. ડીએનએના અણુને પિગળાવી તેનું ચિન્હક મેળવવામાં આવે છે. આમ દરેક વ્યક્તિની આનુવંશિક બનાવટ એ તેની ઉચ્ચ વિશેષતા છે અને પોષકતત્વોની પ્રતિક્રિયા સહિત પ્રત્યેક જૈવિક પ્રતિક્રિયા જે તે વ્યક્તિના જનીનમાં રહેલ પ્રોટીનના માધ્યમ દ્વારા નિર્દેશિત થાય છે.

માનવ આહારની જરૂરિયાતો :

                પ્રત્યેક મનુષ્યોએ તેના સ્વાસ્થ્ય અને વિકાસ માટે આવશ્યક ભોજન લેવું પડે છે. માનવ આહાર દ્વારા દૈનિક ઊર્જાની જરૂરિયાત પૂરી કરવા માટે પુરતી માત્રામાં કેલેરી ખોરાકમાંથી મળવી જોઈએ. આપણા આહારમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, લિપિડ, વિવિધ વિટામિનો, ખનીજો તથા સૂક્ષ્મતત્વો ધરાવતા પોષકતત્વોનો  સમાવેશ થતો હોવો જોઈએ. પ્રત્યેક પોષકતત્વોની જરૂરી માત્રાને પોષકતત્વની જરૂરિયાત કહેવામાં આવે છે. પ્રત્યેક  વ્યક્તિની આવશ્યકતા જાણવી મુશ્કેલ છે કારણ કે વ્યક્તિની ઉંમર, શરીરનું કદ, કાર્ય વગેરે  મુજબ તેમાં વિવિધતા જોવા મળે છે. નોર્વેના સંશોધનકર્તાઓએ કરેલ એક અભ્યાસ મુજબ એક સ્વસ્થ આહારમાં પ્રત્યેક સમયના ભોજનમાં કાર્બોહાઈડ્રેટ ત્રીજા ભાગ (વધુમાં વધુ ૪૦ ટકા) થી વધારે ન હોવો જોઈએ નહિ તો આપણા જનીનોને પ્રોત્સાહન મળતાં સક્રિય થવાથી શરીરની અન્ય પ્રક્રિયાઓને અટકાવે છે. આપણો આહાર જીવનશૈલીને કારણે થતી તમામ બિમારીઓ જેવી કે હૃદયરોગ, કેટલીક જાતના કેન્સર, પાગલપણું, ટાઈપ-ર ડાયાબીટીસ સાથે સંકળાયેલા જનીનોને પ્રભાવિત કરે છે. એટલે રોગમુક્ત રહેવા માટેનો ઉત્તમ આહાર કયો ? તેનો ઉત્તર મેળવવો સરળ નથી. એટલે પ્રત્યેક વ્યક્તિ માટે સાચો આહાર અલગ અલગ હોઈ શકે છે કારણ કે આપણે બધા અનુવંશિક રીતે એકબીજાથી જૂદા પડીએ છીએ.

ચયાપચય :

                આપણે જે ખોરાક લઈએ છીએ તેનું આપણા શરીરમાં ચયાપચયની ક્રિયા રૂપ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જટીલ શ્રૃંખલાના માધ્યમથી ઊર્જા (શક્તિ)માં રૂપાંતર થાય છે.  ચયાપચય દરમ્યાન વિવિધ ઉત્સેચકો દ્વારા ભોજનમાં રહેલ જટીલ પદાર્થોનું સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે. ફરી તેને વિવિધ જટીલ પદાર્થોમાં બદલે છે, ઊર્જા પેદા કરે છે, બગાડને દૂર કરે છે. આમ જીવના વિકાસને સક્રિય બનાવી કાર્યને ગતિશીલ રાખે છે.  અપચયના એક ઉદાહરણ તરીકે પ્રોટીનનું પાચન થતાં તે એમિનો એસિડમાં રૂપાંતર પામે છે. જેને આપણું શરીર શોષી લે છે અને ઊર્જા માટે યકૃતમાં ગ્લાયકોજન રૂપે સંગ્રહિત થાય છે અને ચયાપચયની પ્રક્રિયામાં તેનો ઉપયોગ કરે છે. દરેક વ્યક્તિનો ચયાપચયનો દર જુદો જુદો હોય છેે અને તે કેટલીક બાબતો ઉપર આધાર રાખે છે કે  જે પૈકી કેટલાકનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ અને અન્ય કેટલાકનું આપણે નિયંત્રણ કરી શકતા નથી.

                ઉંમર, જાતિ, શરીરમાં રહેલી ચરબી અને જનીન એ બધા આપણા ચયાપચયની ક્રિયાને નિર્ધારીત કરવા માટે એક સાથે કાર્ય કરે છે એટલે કે ચયાપચય જ આપણા શરીરનું વજન વધારવા કે ઘટાડવા માટે જવાબદાર છે. ૪૦ વર્ષની ઉંમરે પહોંચી ગયા બાદ વૃદ્ધિ માટેના અંતઃસ્ત્રાવો (ગ્રોથ હોર્મોન્સ)ના ઉત્પાદનમાં ઘટાડો થતાં દર દશ વર્ષે પાંચ ટકાના દરે ચયાપચયની ક્રિયા ધીમી પડે છે. પુરૂષોના ચયાપચયનો દર મહિલાઓના ચયાપચયના દર કરતાં વધુ હોય છે કારણ કે પુરુષોની માંસપેશીઓ મહિલાઓ કરતાં વધુ પાતળી હેાય છે. આનુવંશિકતા ચયાપચયની ક્રિયામાં  મહત્ત્વનો ભાગ ભજવે છે. કેટલાક લોકો સ્વાભાવિક રૂપે વધુ કે ઓછા ચયાપચયની સાથે જન્મ લે છે. આવું થવાનું કારણ આપણા માતાપિતા દ્વારા વારસામાં મળેલ જનીન છે. આ રીતે મનુષ્યની આનુવંશિકતા ચયાપચય અને ભોજનમાં પોષકતત્વો અને અન્ય જૈવિક ઘટકોની પ્રતિક્રિયાને અસર કરે છે.

ચયાપચયના આનુવંશિક વિકાર :

                જીનોટાઈપમાં અંતર અને વ્યક્તિગત ભિન્નતાઓ મુજબ ચયાપચયની ક્રિયા અને ફીનોટાઈપ પર અસર થાય છે જેની પોષણ સંશોધનમાં નોંધ કરવામાં આવી છે. આનુવંશિક પ્રગતિની સાથે પોષણથી થતા રાસાયણિક ફેરફાર અને આનુવંશિકતા જોડેનો સંબંધ જોવા મળેલ. ચયાપચયના આનુવંશિક વિકારોમાં ફ્રુકટોઝ અસહનીયતા જે ફળો, શેરડી અને કેટલીક શાકભાજીમાં હોય છે અને ગેલેકટોસેમિયા જેના કારણે કાર્બોહાઈડ્રેટનું ગેલેકટોજ અને ગ્લુકોઝમાં રૂપાંતર કરવાની ક્ષમતા રહેતી નથી.

આકૃતિ-૧ : સામાન્ય વ્યક્તિ અને ગેલેકટોસેમિયા ધરાવતી વ્યક્તિ દ્વારા ડેરીની બનાવટોનો ઉપયોગ

                કેટલીક વ્યક્તિઓ તેમની આનુવંશિકતાને લીધે ગ્લુટેન અસહનીયતા કે લેકટોઝ અસહનીયતા અથવા તો બંને ધરાવે છે. આવી વ્યક્તિઓએ ગ્લુુટેન મુક્ત આહાર લેવો જોઈએ અને કોઈપણ સમસ્યાથી બચાવ માટે દૂધ અને દૂધમાંથી બનાવેલ આહાર ખોરાકમાં લેવો ન  જોઈએ. અન્ય પ્રકારના આનુવંશિક વિકારોમાંનો એક વિકાર લેપ્ટિન અંતઃસ્ત્રાવના જનીનની બહુરૂપતા છે. જેના પરિણામે મોટાપો (ઓબેસિટી) આવે છે. લેપ્ટિન એક એડિપોઝ કોશિકાથી બનેલ અંતઃસ્ત્રાવ છે જે ભૂખને રોકી ઊર્જા સંતુલનને નિયમિત કરવામાં  મદદ કરે છે. ચયાપચયના આવા આનુવંશિક વિકાર આહારમાં ફેરફાર કરીને કેટલીક હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.

ન્યુટ્રિજેનોમિક્સજનીન અભિવ્યક્તિ ઉપર પોષકતત્વોની અસરનો અભ્યાસ :

                વીસમી સદીના અંત સુધીમાં પોષણ વિજ્ઞાનનું ધ્યાન વિટામિન અને ખનીજોનું મહત્ત્વ, તેનો ઉપયોગ અને તેની કમીને કારણે થતા રોગોને અટકાવવા માટે કેન્દ્રિત હતું. જેમ લોકોને પોષણ સંબંધી સ્વાસ્થ્યની સમસ્યાઓ જેવી કે અતિ પોષણ, મોટાપો અને હૃદયરોગ, મધુપ્રમેહ, હાડકાંની નબળાઈ વગેરે તરફ ગયું તેમ ર૧મી સદીમાં પોષણવિજ્ઞાન સંબંધી સંશોધનોમાં મોટો ફેરફાર થયો. આહાર સંબંધી રોગોની વધતી જતી ઘટનાઓને ધ્યાને લઈ મોટા પાયા ઉપર આહારની ભૂમિકા માટેનું સંશોધન કરવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં જ માનવીને રોગ સામે રક્ષણ આપવા માટે પોષણ સાથે જોડાયેલ વૈજ્ઞાનિકો જનીન, પ્રોટીન અને ચયાપચયની ક્રિયાના સ્તરે પોષણ સંબંધી અન્યોન્ય પ્રક્રિયાઓ કઈ રીતે કામ કરે છે  તે શોધી રહ્યા છે તેના પરિણામ સ્વરૂપે માનવી જીનોમમાં રહેલા હજારો જનીનો  ઉપર પોષકતત્વોનો પ્રભાવ જાણવા માટે ન્યુટ્રિજેનોમિક્સની ઉત્પત્તિ થઈ છે.

                ન્યુટ્રિજેનોમિક્સ પોષણ અને જનીન વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરતું એક નવું ક્ષેત્ર છે. તેને કોઈવાર પોષણ જેનોમિક્સ પણ કહેવામાં આવે છે. તે આપણા દ્વારા ખોરાકમાં લેવાતો આહાર અને આપણા જનીનો વચ્ચે થનાર અન્યોન્ય પ્રક્રિયાઓની આપણા સ્વાસ્થ્ય પર પડતી અસર શોધવાનું કાર્ય કરે છે એટલે કે વ્યક્તિના જીનોટાઈપ મુજબ શરીર જુદા  જુદા પોષકતત્વો માટે અલગ અલગ પ્રતિક્રિયા કરે છે. ઉદાહરણ તરીકે એક પ્રારંભિક શોધ મુજબ કેટલાક જુદા પ્રકારની જનીનોની ઓળખ થઈ છે કે જે ચરબી સાથે અલગ અલગ રીતે ક્રિયા કરે છે. જીનોટાઈપ-એ ધરાવતી વ્યક્તિ સંતૃપ્ત ચરબીનું સ્તર થોડું વધારે હોય તો પણ તેને સહન કરવાની ક્ષમતા ધરાવે છે. તેના વિના એલડીએલ કોલેસ્ટીરોલ પર નકારાત્મક અસર પડે છે. બીજી તરફ જીનોટાઈપ-બી ધરાવતી વ્યક્તિને તેના આહારમા સંતૃપ્ત ચરબીની ઘણી ઓછી આવશ્કયતા છે પણ જો તે વધુ પ્રમાણમાં સંતૃપ્ત ચરબી લે તો તેનું એલડીએલ કોલેસ્ટીરોલ પ્રમાણ વધી જાય છે. એવું નોંધવામાં આવેલ છે કે એચડીએલસી સાંદ્રતા પર પુફા (પોલી એનસેચ્યુરેટેડ ફેટી એસિડ)ના ખોરાકની અસર એપીઓએ૧ જનીનમાં પરિવર્તન દ્વારા ઓછી કરી શકાય છે. આ પ્રકારનું જ્ઞાન હૃદયરોગના જોખમને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. આમ ખોરાકના ચયાપચય ઉપર વ્યક્તિના જીનોટાઈપની અસર દર્શાવે છે એટલે કે લેવામાં આવેલ ખોરાક પ્રતિ વ્યક્તિગત પ્રતિક્રિયાઓનું અંતર દર્શાવે છે.

            મનુષ્યોમાં એક એવું આનુવંશિક અંતર હોય છે જે સામાન પોષકતત્વો પ્રત્યે કેટલાક લોકોની પ્રતિક્રિયા અન્ય લોકોની સરખામણીએ અલગ હોવાનું કારણ સમજાવે છે. લાંબા સમયથી એવું જાણવા મળેલ છે કે કેટલીક દવાઓ અને પૂરક આહાર માટે પણ પ્રત્યેક વ્યક્તિની પ્રતિક્રિયા જુદી જુદી હોય છે. અમેરિકન મેડિકલ એસોસિએશનની એક પત્રિકામાં દર્શાવેલ  એક અભ્યાસ મુજબ કેટલીક વ્યક્તિઓમાં કોફીનું સેવન હૃદયરોગના જોખમમાં ઘટાડો કરે છે કારણ કે તેઓમાં  CYP1A2 જનીન તીવ્ર રૂપે હોય છે જે કેફીનને બહુ જ તીવ્રતાથી તોડી નાખે છે અને કોફીને સ્વાસ્થ્યવર્ધક પ્રતિઓકસીકારક (એન્ટિઓકસીડેન્ટ) તરીકે સંરક્ષિત કરે છે.

            આ પ્રતિઓકસીકારક હૃદયને સુરક્ષા પુરી પાડે છે પરંતુ કેટલીક વ્યક્તિઓ તેટલી જ માત્રામાં કેફીનયુક્ત કોફીનું સેવન કરે તો તે હૃદયરોગનું જોખમ વધી જાય છે કારણ કે તેઓના જનીનમાં કેફીનને તોડવાની ક્ષમતા સીમિત હોય છે. આ સંબંધી અન્ય કેટલાક અભ્યાસ થયા છે જેવા કે માછલીના તેલના ઉપયોગ વડે રક્ત લિપિડમાં ઘટાડો સંતૃપ્ત ચરબીના ઘટાડાની પ્લાઝમા કોલેસ્ટીરોલના સ્તર ઉપર અસર અને કેટલાક ફાયટોકેમિકલ્સ કેટલીક વ્યક્તિઓમાં જૈવિક રીતે સક્રિય જોવામાં આવે છે. કેટલાક અભ્યાસ એવું દર્શાવે છે કે જે લોકોમાં PPARg જનીનનો  એક વિશિષ્ટ એલીલ હોય છે તેઓ માછલીના તેલ દ્વારા રક્ત લિપિડમાં ઘટાડો કરવાની પ્રક્રિયા પર્ત્યે વધુ અનુકૂળ હોય છે.  કેટલાક અભ્યાસ પરથી માલૂમ પડયું છે કે આહારની જનીન પર અસર ઉપર સંશોધન કરી શકાય છે. ઉદારહણ તરીકે એક આંતરરાષ્ટ્રીય સંશોધન ટુકડી દ્વારા જાણવા મળેલ છે કે દક્ષિણ એશિયા સહિત કેટલાક જન સમુદાયોમાં લેવાતા ફળો અને કાચા શાકભાજીયુક્ત આહાર હૃદયરોગનું જોખમ વધારવામાં સહાયક માનવ રંગસૂત્ર 9 ઉપર 9p21 જનીનનો પ્રભાવ નિષ્ફળ કરવામાં સફળતા મળી છે.  નોર્વેજીયન યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોની એક અન્ય ટુકડીએ કહ્યું છે કે આહાર હૃદયરોગ, કેટલીક જાતના કેન્સર, પાગલપણું અને ટાઈપ-ર મધુપ્રમેહ સહિત જીવનશૈલી સંબંધિત સઘળા રોગો પેદા કરતા જનીનને પ્રભાવિત કરે છે એટલે કે પોષણ એ જનીનને અસર કરતું એક પર્યાવરણીય પરિબળ બની ગયું છે. આ શોધથી આપણને એ જાણવા મળ્યું કે સમાન પોષકતત્વો પ્રત્યે કેટલીક વ્યક્તિઓની પ્રતિક્રિયા અન્ય લોકોથી કેમ અલગ હોય છે.

સારાંશ :

                ન્યુટ્રિજેનોમિક્સ એક ઝડપથી આગળ વધતું વિજ્ઞાન છે કે જે હાલ પ્રારંભિક અવસ્થામાં છે. તે જનીન અને આહારની વચ્ચેના સંબંધોની શોધ કરવાનો પ્રયાસ કરે છે. જેનું અંતિમ લક્ષ્ય વ્યક્તિગત આહારના માધ્યમ વડે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારૂ બનાવવાનું છે. વૈજ્ઞાનિકોનો તર્ક એ છે કે રોગના પ્રત્યે વ્યક્તિની આનુવંશિક સંવેદનશીલતાને નિયંત્રિત કરવા માટે આહાર મહત્ત્વપૂર્ણ છે. એક વિશિષ્ટ પોષણ કોઈ ભયંકર રોગને પ્રકટ કરવા માટે જનીનની અંભિવ્યક્તિમાં ફેરફાર કરી શકે છે. જ્યારે કોઈ અન્ય પોષકતત્વોની શરૂઆત આ પ્રક્રિયાને પૂર્ણ રીતે બદલી શકે છે. આહાર લેવાની પદ્ધતિઓ અને વિશેષ પ્રકારના આહાર માટેના ચાર્ટ વિકસિત કરવાની પ્રબળ સંભાવનાઓ છે જે અસંખ્ય સ્વાસ્થ્ય સ્થિતિઓમાં સારવાર કરવા અથવા તેની સામે લડવા માટે સહાયક નીવડે તેવી સંભાવના છે. કોઈ દર્દી માટે વ્યક્તિગત રીતે સારવાર માટેની દવા શોધવી એ પણ વ્યક્તિગત ચિકિત્સા માટેનું એક નવું ક્ષેત્ર છે કે જેમાં અતિ આધુનિક ડીએનએ પરિક્ષણોનો ઉપયેાગ થાય છે.  આમ ન્યુટ્રિજેનોમિક્સની જાણકારી  વધતા અને આ ક્ષેત્રનો વિકાસ થતાં હૃદયરોગ, ટાઈપ-ટુ ડાયાબીટીસ, મોટાપો જેવા તથા અન્ય જૂના તથા ગંભીર આહાર સંબંધી રોગોના વિસ્ફોટને રોકવામાં સફળતા મળશે તેવી આશા છે.


સ્ત્રોત : ડ્રીમ ર૦૪૭ ડિસે. 2015


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *