ડાયાબીટીસ વિષે જાણો (Know about diabetes)

                ભારતની અંદાજે ૭.૭ કરોડ વસ્તી જ્યારે ચીનની ૧૧.૬ કરોડ વસ્તી ડાયાબીટીસના રોગથી પીડાય છે જેથી વિશ્વમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. ઈન્ટરનેશનલ ડાયાબીટીસ ફાઉન્ડેશનને પ્રકાશિત કરેલ ડાયાબીટીસ એટલાસની નવમી આવૃત્તિમાં જણાવ્યા મુજબ આવતા રપ વર્ષ બાદ એટલે કે સને ર૦૪પમાં ભારતની ૧૩.૪ કરોડ વસ્તી ડાયાબીટીસના રોગથી પીડાતી હશે તેવો એક અંદાજ છે. એક મોજણી અનુસાર ભારતમાં ડાયાબીટીસના દર્દીઓની વિવિધ વર્ગ પ્રમાણેની ટકાવારી કોઠામાં દર્શાવેલ છે

ક્રમ ડાયાબીટીસના દર્દીઓનો પ્રકાર ડાયાબીટીસનું પ્રમાણ (ટકા)
વેપારીઓ અને શેઠીયાઓ ર૪.૩
બેંક મેનેજરો અને એકાઉન્ટટન્સ ૧૩.૦
જમીનદારો ૧ર.૧
વકીલો અને કાયદાશાસ્ત્રીઓ ૧૧.૮
કારકૂનો ૬.૭
વૈદ અને ડૉકટરો પ.૭
એન્જિનીયરો પ.૬
મોટા અધિકારીઓ પ.૧
શિક્ષકો અને પ્રોફેસરો ૪.૩
૧૦ પોલીસ અને સૈનિકો ર.૦
૧૧ વર્ગીકરણ વિનાના અન્ય ૯.૪

સ્ત્રોત : રોગ અને આરોગ્ય. લે. એચ. ડી. ગાંધી

ડાયાબીટીસ એટલે :

                આપણા શરીરમાં જઠરની જરાક નીચે અને પાછલી બાજુએ પેન્ક્રિયાસ નામની ગ્રંથિ આવેલી છે જેમાં આવેલા કોષો ઈન્સ્યુલીન નામનો સ્ત્રાવ પેદા કરે છે. જો કોષોમાં પુરતા પ્રમાણમાં ઈન્સ્યુલીન પેદા ન થાય તો શરીરમાં  ખાંડનું પ્રમાણ વધી જાય છે. આ વધારાની, બિનઉપયોગી અને નુકસાનકારક ખાંડને પેશાબ વાટે શરીર બહાર ફેંકે છે. આ સ્થિતિને મીઠી પેશાબ, મધુપ્રમેહ, મધુમેહ કે ડાયાબીટીસની બિમારી કહે છે.

                સામાન્ય રીતે વ્યક્તિના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ કોઠામાં દર્શાવ્યા મુજબ હોય છે. જો લોહીમાં આથી વધુ પ્રમાણ જોવા મળે તો તે વ્યક્તિને ડાયાબીટીસનો રોગ થયો છે તેમ કહેવાય.

વ્યક્તિના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ

લોહીમાં ગ્લુકોઝ માપવાનો સમય સામાન્ય  પ્રમાણ
ભૂખ્યા પેટે ૬૦ થી ૯૦ મિ.ગ્રા.%
જમ્યા પછી બે કલાકે ૧પ૦ મિ.ગ્રા. % સુધી
દિવસના કોઈપણ સમયે ૧૩૦ મિ.ગ્રા. % સુધી

ડાયાબીટીસના પ્રકાર :

                આયુર્વેદ એ પેશાબના રંગના આધારે કફના દશ, પિત્તના છ અને વાયુના ચાર એમ કુલ ર૦ પ્રકારના ડાયાબીટીસ ગણાવેલ છે જ્યારે મેડિકલ સાયન્સ દ્વારા તેના બે પ્રકાર ગણાવ્યા છે.  એક માઈલ્ડ (નરમ) ડાયાબીટીસ અને બીજો સીવિયર (તીવ્ર)  ડાયાબીટીસ.

                માઈલ્ડ ડાયાબીટીસ આધેડ વયના સ્થુલ સ્ત્રી/પુરુષમાં જોવા મળે છે. આ ડાયાબીટીસમાં બધા રોગચિન્હો હોવા છતાં રક્તામ્લતા (એસેટોન કે કેટોન) ના તત્વો હોતા નથી. આ રોગમાં વજન અને આહારની સંભાળ રાખતાં બધુ બરાબર થઈ જાય છે જ્યારે સીવીયર ડાયાબીટીસ (ટાઈપ-ર) મોટે ભાગે યુવાનોને લાગુ પડે છે.  ચાલીસ વર્ષની ઉંમર પહેલાં અને બાળકોમાં તે તીવ્ર રૂપમાં  જોવા મળે છે. આ રોગમાં ઈન્સ્યુલીન બહુ જ ઓછા પ્રમાણમાં કે બિલકુલ ઉત્પન્ન થતું નથી.

ડાયાબીટીસ થવાના કારણો :

  • અયોગ્ય આહાર, વધુ આહાર અને આહારનું અયોગ્ય મિશ્રણ
  • કૌટુંબિક આહાર અને રહેણીકરણી
  • બેઠાડું અને નિષ્ક્રીય જીવન અને શરીરની સ્થૂળતા
  • વધુ લહેજતદાર, પચવામાં ભારે, સત્ત્વહીન અને ભેળસેળવાળો ખોરાક
  • ઊંચા જીવનધોરણ સાથે ઊંચા થતા મનાવેગો
  • શારીરિક શ્રમ, ચિન્તા અને વ્યગ્રતા
  • તન-મનને કચડી નાખતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ
  • માનસિક આવેગ, દબાણો અને ઉશ્કેરાટ
  • વેપાર-ધંધામાં નુકસાન, માનસિક આઘાત કે કૌટુંબિક ઉથલપાથલ
  • જૂની કબજીયાત અને આંતરડાનો સડેા

ડાયાબીટીસના લક્ષણો અને અસરો :

                ડાયાબીટીસ એ માનવજાતનો છૂપો દુશ્મન છે જેથી વરસો સુધી શિકાર બન્યા છતાં તેની ઘણીવાર ખબર પડતી નથી.

  • પેશાબની ખણસ વારંવાર થાય છે.
  • રાત્રે પણ અનેક વખત પેશાબ કરવા જવું પડે છે.
  • પેશાબ સ્વાદમાં મીઠો અને વાસમાં મધુરો હોય છે જેથી પેશાબની આસપાસ કીડી-મંકોડાઓ ચોંટેલા નજરે પડે છે.
  • અતિશય તરસ લાગે છે.
  • ચામડી સૂકી અને ખરબચડી બની તેના પર ગૂમડાં, ખસ, ખરજવા જેવા દર્દો લાગુ પડે છે.
  • પાચનતંત્ર અસમતોલ બની ખાઉધરાવૃત્તિ કે અપચાને જન્મ આપે છે.
  • આળસ, સૂઈ રહેવાની ઈચ્છા, હાથ-પગ-કમરનો દુઃખાવો અને કળતર થાય છે.
  • ઝાડાની કબજીયાત, સ્વભાવમાં પરિવર્તન, નિંદા, ગ્લાનિ અને તન્દ્રા એ સર્વસામાન્ય લક્ષણો છે.
  • શરીર પર સાધારણ ઉઝરડો કે ઘા પડેલ હોય તો જલ્દી રૂઝ આવતી નથી.
  • ડાયાબીટીસને કારણે સ્ત્રીની  યોનિમાં ભારે ખંજવાળ આવે છે ને યોનિના ભાગો સૂઝી જાય છે.
  • ડાયાબીટીસને કારણે  દાંતને પાયોરિયા લાગુ પડે છે.
  • ડાયાબીટીસને કારણે કાન પાકવાની તકલીફ થાય છે.
  • આ રોગથી ફેફસા અને ચામડી પર બૂરી અસર થાય છે, દર્દી ક્ષયનો ભોગ બને છે.
  • આ રોગની બૂરી અસરથી પાઠું, ગુદાનો દાહ અને ગ્રેંગ્રીનનો ભોગ બને છે.
  • શરીરમાં એસિટોન વધી જાય તો દર્દી તંદ્રા-બેશુદ્ધિમાં પડી જાય છે.
  • ડાયાબીટીસની અસર જાતીય જીવન પર થતાં પુરૂષ ક્રમશઃ પુરૂષત્વ ખોતો જાય છે અને સ્ત્રીમાં રજોનિવૃત્તિ જલ્દી આવે છે જેથી માસિકસ્ત્રાવ કાયમ માટે બંધ થઈ જાય છે.
  • ડાયાબીટીસની સારવારના મુદ્દાઓ :
  • સર્વ પ્રથમ શરીરનું શોધન કરવું.
  • ડાયાબીટીસ પેદા કરનાર આહાર બંધ કરી યોગ્ય આહારની યોજના બનાવવી.
  • લોહીમાં રહેલ વધારાની ખાંડનો નિકાલ થાય તેવી યોજના બનાવવી.
  • જીવનશક્તિના નાશથી બચવું.
  • શરીરની રોગપ્રતિકારક શક્તિ અને જીવનશક્તિ વધારવી.
  • લોહીમાં અમ્લતા ન વધે તે ઉપર ધ્યાન આપવું.

ડાયાબીટીસની સારવાર :

  • કોઈપણ પ્રકારનો નકામો, અયોગ્ય કે પચવામાં ભારે ખોરાક ન લેવો.
  • બે ખોરાક વચ્ચે સરખો સમય રાખવો અને રોજ ચોક્કસ સમયે  જ જમવાનું રાખવું.
  • કબજીયાત ન થાય તે બાબતે સંભાળવું. કબજીયાત માટે કોઈપણ પ્રકારનો જુલાબ ન લેવો.
  • શરીરશોધન માટે થોડા દિવસ એકાંતરે પાણીમાં થોડું દિવેલ કે સાબુનું ફીણ નાંખી એનિમા લઈ મોટા આંતરડા સાફ કરવાં.
  • ઉપવાસ કરવાથી ખોરાકમાં સાકર આવતી બંધ થતાં ફાયદો થાય છે. દૂબળા-પાતળા રોગીએ એકાદ દિવસથી વધુ ઉપવાસ ન કરવા જ્યારે ચરબીપ્રધાન દરદીએ દર મહિને એક થી પાંચ દિવસના ઉપવાસ કરવા.
  • નિયમિત રૂપે  રોજ સવારે  કે સાંજે ૧પ થી ૩૦ મિનિટ કટિસ્નાન લેવું અથવા પેટ ઉપર માટી પાથરી, તેના પર કપડું વિંટાળી ૩ થી ૪ કલાક રહેવા દેવું.
  • ઠંડા પાણીએ સ્નાન  કરવું. દરદીને તરવાની ખાસ ભલામણ છે.
  • દરદીએ પેટ અને કરોડરજ્જૂ તેમજ ગરદનના ભાગો પર સરસવના તેલની માલિશ કરવી ત્યારબાદ સૂર્યસ્નાન લેવું.
  • દરદીએ પ થી ર૦ મિનિટ સુધી વરાળ સ્નાન લેવું.
  • પાયોરીયા ન થાય તે માટે દર્દીએ રોગની શરૂઆતથી દાંત સંભાળવા. દાંત ઉપર પેસ્ટ ઘસવી નહિ, બ્રશ ન વાપરવું ને સારી જાતનું મંજન ઘસવું.
  • માનસિક ચિંતા કે પ્રત્યાઘાતાનેે કારણે લોહીમાં ખાંડનું પ્રમાણ વધે છે તેથી તેનાથી બને એટલું દૂર રહેવું.
  • હવાફેર માટે પહાડો કે સુંદર સ્થળે ફરવા જવું.
  • દરદીઓ ખાંડને બદલે સેકરીનની ટીકડીઓ ચા-કોફીમાં  વાપરે છે જે બેસ્વાદ, વિજાતીય દ્રવ્યોથી ભરેલી અને પાચનતંત્રને બગાડનાર હોઈ લેવી નહિ.
  • દરદીઓ લોહીની અમ્લતા દૂર કરવા સોડા-બાયકાર્બ લેતા હોય છે જેનાથી રક્તામ્લતા દૂર થતી નથી પરંતુ હોજરીની કુદરતી અમ્લતાનો નાશ થઈ પાચનતંત્ર બરબાદ થઈ જાય છે.
  • દરદીએ આહારમાં મીઠાનો ઉપયેાગ ખૂબ ઓછો કરવો અને બની શકે તો મીઠું સાવ બંધ કરવું.
  • દરદીએ શરીરમાંની વધારાની શર્કરાનો નિકાલ કરવા માટેનો કુદરતી અને ફાયદાકારક પ્રયોગ નિયમિત ફરવાનો વ્યાયામ છે. નિયમિત ૩૦ મિનિટની કસરત કરવી જોઈએ. ચરબીપ્રધાન વ્યક્તિએ  દોરડા કૂદવાનો ને દોડવાની કસરત કરવી. સૂર્યનમસ્કાર પણ સરસ વ્યાયામ છે. કસરત દ્વારા રોજની ૩૦૦ થી ૪૦૦ કેલરી અને અઠવાડિયામાં ર૦૦૦ કેલરી વાપરવી જોઈએ. ઘૂંટણના વાના દર્દીને ડાયાબીટીસ હોય તો સ્થાયી સાયકલ એક કે બે ગીયરમાં રોજ ર થી ૪ કિ.મી. ચલાવવી જોઈએ.
  • સર્પાસન, હલાસન, ધનુરાસન, શલભાસન, પશ્ચિમોત્તાસન, સર્વાંગાસન અને શીર્ષાસન જેવા આસનો કરવા.
  • ઊંડા શ્વાસોશ્વાસની કસરત કરવી. દૂર સુધી ખુલ્લી હવામાં ફરવાનું રાખવું.
  • ધૂમ્રપાન, ફેકી પીણાં, શરાબ, તમાકુ વગેરેનો ઉયપોગ બંધ કરવો.

ડાયાબીટીસમાં આહાર આયોજન :

  1. ખોરાકમાંથી મળતી કેલેરીનું નિયમન અતિ આવશ્યક છે.
  2. કસરત દ્વારા કેલેરીનું દહન અને તે રીતે કેલેરી નિયમન આહાર આયોજનનો અગત્યનો નિયમ બને છે.
  3. કાર્બોદિત ઘટકનો ઉપયેાગ નિયંત્રિત કરવો જોઈએ.
  4. આહાર પ્રમાણ, પ્રકાર અને જમવાનો સમય લગભગ એક જ હોવો જોઈએ.
  5. કાર્બોહાઈડ્રેટ ઘટકવાળા ખોરાકમાં સરળતા ખાતર ૧પ ગ્રામ પ્રતિ એકમના અંદાજે કુલ ૧૦ થી ૧૪ એકમ લઈ શકાય જેની વિગત નીચે જણાવેલ છે.

ગૃપ : ધાન્ય, દાળ, કંદ :

  1. ધાન્ય વિભાગમાંથી ૧પ ગ્રામ કાર્બોહાઈડ્રેટ માટે ર૦ ગ્રામનું એકમ લેવું પડે અને તેવા ૭ થી ૧૦ એકમ લઈ શકાય.
  2. દાળ-કઠોળમાંથી ૧પ ગ્રામ કાર્બોહાઈડ્રેટ માટે રપ ગ્રામનું એકમ લેવું પડે અને એવા ર થી ૩ એકમ લઈ શકાય.
  3. કંદમાંથી ૧પ ગ્રામ કાર્બોહાઈડ્રેટ મળે રપ થી ૧૦૦ ગ્રામનું એકમ લેવું પડે અને એવા ૧ થી ર એકમ લઈ શકાય.
  4. આરારૂટમાંથી ૧પ ગ્રામ કાર્બોહાઈડ્રેટ માટે ર૦ ગ્રામ લેવું પડે.

ગૃપ : શાકભાજી :

શાકભાજી બને તેટલા વધુ પ્રમાણમાં લેવા જોઈએ. તેના ૩ થી ૪ એકમ લઈ શકાય.

ગૃપ બી : ફળો :

૧પ ગ્રામ કાર્બોહાઈડ્રેટ માટે કેળુ-પ૦ ગ્રામ / ખજૂર ર૦ ગ્રામ /  કેરી ૧૦૦ ગ્રામ / અન્ય ફળો ૮૦-૧૦૦ ગ્રામ મુજબ ૧ થી ૩ એકમ લઈ શકાય.

ગૃપ : તેલીબિયાં, ઈંડા, માછલી, મટન :

                તેલીબિયાં ખૂબ જ ઓછા પ્રમાણમાં લેવાં જોઈએ. વધુ ચરબીને કારણે વધુ કેલેરી આપે છે. અન્ય માંસાહારી ખોરાક માફકસર પ્રમાણમાં લેવા જોઈએ.

ગૃપ બી : દૂધ અને દૂધની બનાવટો :

                ૧પ ગ્રામ કાર્બોહાઈડ્રેટ માટે ર૦૦ મિ.લિ.નું એકમ લેવું પડે. એવા ૧ થી ૩ એકમ લઈ શકાય.

ગૃપ : માખણ, ઘી, વનસ્પતિ ઘી, તેલ :

                તેમાં કાર્બોહાઈડ્રેટ શૂન્ય છે પણ ચરબીને કારણે વધુ કેલેરી આપે છે.  તેથી ૧૦ થી ૧ર ગ્રામથી વધુ ન લેવાય તેની કાળજી લેવી જોઈએ.

ગૃપ બી : ખાંડ, મધ, ગોળ, સાબુદાણા, મીઠાઈ :

                ૧પ ગ્રામ કાર્બોહાઈડ્રેટ માટે ૧પ ગ્રામનું એકમ લેવું પડે અને આવું એક એકમ લઈ શકાય.

આહાર ઘટક સર્વિંગ્સ (૧પ ગ્રામ કાર્બોહાઈડ્રેટ માટે)
રોટલી / ભાખરી / બ્રેડ ર થી ૪ નંગ (કદ પ્રમાણે)
રાંધેલું કંદનું શાક અડધી વાટકી
રાંધેલું લીલું શાક પોણાથી એક વાટકી
ફળ પ૦ થી ૧૦૦ ગ્રામ
ભાત પા થી અડધી વાટકી
દાળ, કઠોળ અડધી વાટકી
મલાઈ વગરનું દૂધ એક વાટકી
દહીં પોણાથી એક વાટકી
ખાંડ / ગોળ અડધી થી ર ચમચી પ્રતિ દિન
ઘી ૧ થી ર ચમચી પ્રતિ દિન

ડાયાબીટીસમાં શું ખાવું ?

  • ખાંડ અને ખાંડની બનેલી વાનગીઓ ન લેવી.
  • ફળ, નીરો, શેરડી રસ વગેરે દ્વારા સીધી મીઠાશ શરીરમાં ન પહોંચાડવી.
  • કેફી પીણા ન લેવાં.
  • યકૃત પાસે વધુ કામ કરાવે તેવા વિજાતીય દ્રવ્યો ન લેવા.
  • પાઉં, બિસ્કીટ, સમોસા, પેટિસ વગેરે સ્ટાર્ચયુક્ત ને નકામો આહાર ન લેવો.
  • અંજીર, જરદાલું જેવા ચરબી અને શર્કરાપ્રધાન સૂકા ફળો ન લેવા.
  • આહારમાં બટાટા, ભાત જેવા પદાર્થો વિના ચલાવી લેવું.
  • પચવામાં ભારે, વધુ પડતા ઘી-તેલવાળો અને ખૂબ મરચાં-મસાલાવાળો ખોરાક ન લેવો.
  • વાસી, સડેલો કે તળેલો આહાર ન લેવો.
  • ફરસાણ ન લેવું.
  • આહારમાં દૂધનો ઉપયોગ વધુ ન કરવો.
  • મીઠાં ફળોનો ઉપયોગ સંભાળપૂર્વક કરવો.
  • પીઝા ખાવા નહિ.

મીઠાઈઓ, જામ, મુરબ્બો, પેસ્ટ્રી, કેક, મધ, માખણ, ચીઝ, પનીરનો ખોરાકમાં ઉપયોગ કરવો નહિ.

ડાયાબીટીસમાં શું ખાવું ?

ઓછામાં ઓછો અમ્લતા ઉત્પાદક આહાર લેવો.

બદામ, અખરોટ, સીંગ, કાજૂ વગેરે લેવા પણ તેમાંથી પ્રતિદિન ૧૦૦ થી વધુ કેલેરી  ન મળવી જોઈએ.

ફળો લેવા પણ તેમાંથી પ૦ થી ૧૦૦ કેલરી રોજની મળવી જોઈએ તેથી વધુ નહિ.

આહારમાં તાંદળજો, મૂળા, લૂણી, પાલક, મેથી, સુવા વગેરેની લીલી ભાજી લેવી.

ખોરાકમાં કારેલા, રીંગણ, દૂધી, કંટોલા, પરવળ, ટીંડોળા, ડુંગળી, લસણ, મૂળા, ટામેટા, કાકડી, ધાણા અને કાચુ પપૈયું લેવું.

જાંબુની ઋતુમાં રોજ જાંબુ ખાવાં. જાંબુના ઠળીયાનું ચૂર્ણ દિવસમાં ર-૩ વાર લેવું.

રોજ એક પાણીવાળું નાળિયેર (ત્રોફા) લેવું. તેમાંનું પાણી પીવું અને નરમ કોપરૂ ચાવીને ખાવું.

કોબી, ફલાવર, ખાટાં લીંબુ વગેર વિટામિન બી અને સી ધરાવતો આહાર લેવો.

ખોરાકમાં છાશનો છૂટથી ઉપયોગ કરવો.

સારા પાકેલ છાંટવાળા એક કે બે કેળા ખૂબ ચાવીને ખાવા.

આયુર્વેદમાં તૂરા અને કડવા આહારને ડાયાબીટીસમાં ઉપયોગી માનવામાં આવેલ છે.

(ક)        રાત્રે પ૦ થી ૧૦૦ મિ.લિ. પાણીમાં ર૦ ગ્રામ જેટલા મેથીના દાણા પલાળી સવારે તે પાણી પી જવું ને દાણા ચાવીને ખાવા.

(ખ)       લીમડાની અંતરછાલ લાવી તેનો ઉકાળો બનાવી તેમાં થોડું મધ નાખી લેવો.

(ગ)       જવના ઉકાળો મધ નાખી લેવો.

ડાયાબીટીસના દર્દીને ખોરાક માટેની સાદી સલાહ :

(ક) ત્યાજ્ય ખોરાક : સાકર, ગોળ, મીઠાઈઓ, ચોકલેટ્‌સ, સૂકોમેવો (જેવા કે બદામ, કાજૂ, પિસ્તા, કોપરૂ વગેરે) ચીઝ, ક્રીમ, મીઠા પીણાં, ફરસાણ ( તેલમાં તળેલાં ભજીયા, કચોરી, વડા, પેટીસ વગેરે), અથાણાં, સોસ, સૂપ, મેંદો, કોર્ન ફલોર, માખણ, ઘી, કોપરેલ, જેલી, આઈસ્ક્રીમ, ગળ્યા ફળો, ગળ્યા બિસ્કીટ, ચરબીયુક્ત મટન, ચીકન, માછલી.

(ખ) મર્યાદિત જથ્થો ખોરાકમાં લઈ શકાય : દરેક પ્રકારનું ધાન્ય (જેવા કે ઘઉં, મકાઈ, બાજરી, ચોખા), કઠોળ (જેવા કે મગ, મઠ, તુવેર, વાલ), મગફળી, દૂધ, દહીં, જાડી છાશ, ફિક્કા ફળ, રસ, મોળી બ્રેડ, મોળા બિસ્કીટ, ચરબી વિહિન મટન, ઈંડાં.

(ગ) છૂટથી ખોરાકમાં લઈ શકાય : કચૂંબર, કાચા ટામેટા, મરચાં, મૂળા, ગાજર, લીલી ડુંગળી, કોબીજ, દૂધી, કાકડી, તરબૂચ, શક્કરટેટી, દરેક લીલાં શાકભાજી, પાતળું વેજીટેલબલ સૂપ, લીંબુનું પાણી, પાતળી છાશ, ટામેટાનો રસ, લીલા નાળિયેરનું પાણી, ખાંડ વિહિન પીણાં, સોડા, મલાઈ વિહિન દૂધ.

ગ્લાયસેમિક ઈન્ડેક્ષ :

                ૧૦૦ ગ્રામ ગ્લુકોઝ લોહીમાં ૧૦૦ ટકા ગ્લુકોઝ વધારે છે. આ જાણકારીને આધાર રાખીને અન્ય આહાર ઘટકોના ગ્લાયસેમિક ઈન્ડેક્ષ નક્કી કરવામાં આવે છે.

                કાર્બોહાઈડ્રેટવાળો ખોરાક શરીરમાં લોહીની સુગરમાં સીધો જ વધારો કરે છે. કાર્બોહાઈડ્રેટનો નાનામાં નાનો એકમ ગ્લુકોઝ છે. ગ્લુકોઝના વજન બરાબર કોઈપણ આહાર ઘટકના વજન દ્વારા લોહીમાં થતા ગ્લુકોઝના વધારાને આધારે જે તે ખોરાકનો ગ્લાયસેમિક ઈન્ડેક્ષ મેળવાય છે. ખોરાક લીધા પછી ર થી ૩ કલાક બાદ લોહીની સુગરના પ્રમાણમાં થતા વધારાને આધારે તે ખોરાકનો ગ્લાયસેમિક ઈન્ડેક્ષ નક્કી કરવામાં  આવે છે. ગ્લાયસેમિક ઈન્ડેક્ષ કયા પ્રકારનો કાર્બોદિત આહાર લેવો તે નક્કી કરવામાં મદદરૂપ થાય છે.

                ઓછો ગ્લાયસેમીક ઈન્ડેક્ષ ધરાવતા ખોરાકનો વધુ જથ્થો લઈ શકાય છે. આવો ખોરાક શરીરમાં ચરબીનું સ્થાપન મંદ કર છે અને આવા ખોરાકની હાજરીમાં શરીરના વિકાસ માટેના જરૂરી અંતઃસ્ત્રાવો વધુ સ્ત્રવે છે જ્યારે તેનાથી ઉલટુ વધુ ગ્લાયસેમિક ઈન્ડેક્ષ ધરાવતો ખોરાકનો વધુ જથ્થો લઈ શકાય નહિ. આવો ખોરાક શરીરમાં ચરબીનું સ્થાપન ઉત્તેજીત કરે છે અને  આવા ખોરાકની હાજરીમાં શરીરના વિકાસ માટેના જરૂરી અંતઃસ્ત્રાવ ઓછા સ્ત્રવે છે.

                અત્રે ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન ગ્લાયસેમિક ઈન્ડેક્ષ ધરાવતા આહાર ઘટકની માહિતી કોઠામાં દર્શાવેલ છે.

ગ્લાયસેમિક ઈન્ડેક્ષ મુજબ આહાર ઘટકનું વર્ગીકરણ

ઉચ્ચ ગ્લાયસેમિક મધ્યમ ગ્લાયસેમિક નિમ્ન ગ્લાયસેમિક
ગ્લુકોઝ ૧૦૦ સંતરાનો રસ પ૭ સફરજન ૩૬
શેકેલા બટાટા ૮પ સફેદ ભાત પ૬ નાસપત્તી ૩૬
કોર્ન ફલેક્સ ૮૪ પોપકોર્ન પપ સ્કીમ દૂધ ૩ર
ચેરી ૭૪ મકાઈ પપ લીલી તુવેર ૩૦
મધ ૭૩ બ્રાઉન રાઈસ પપ મસૂરની દાળ ર૯
તરબૂચ ૭ર શક્કરીયાં પ૪ વાલ ર૭
સફેદ બ્રેડ ૭૦-૭ર પાકા કેળા પ૦ ગ્રેપ ફ્રૂટ રપ
ટેબલ સુગર ૬પ આઈસ્ક્રીમ ૪૯ જવ રપ
સૂકી દ્રાક્ષ ૬૪ સંતરા ૪૩ ચણાની દાળ ર૩
  સફરજનનો રસ ૪૧ સોયાબીન ૧૬

નોધ : કોઠામાં દર્શાવેલ અંક ગ્લાયસેમિક ઈન્ડેક્ષ દર્શાવે છે.


સંદર્ભ :  (૧) રોગ અને આરોગ્ય લે. એચ.ડી. ગાંધી  (ર) આહાર સંહિતા લે. ડૉ. આર. એસ. નાણાવટી અને ડૉ. પી.કે. ગુમાશ્તા


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *