મિલેટ નહીં ‘પોષક અનાજ’ કહો- કૃષિ અને માનવ સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયક (Say ‘nutritious grains’, not millets-More beneficial for agriculture and human health)

       મિલેટ એટલે કે પોષક અનાજની ખેતી ભારત માટે વરદાન છે. તેના મુખ્ય બે કારણ છે. એક તો અન્ય અનાજની સલામતીએ ખેડૂતોને ઓછો ખર્ચ થાય છે અને બીજુ તેની ખેતીમાં પાણી, યુરિયા, અન્ય ખાતરો અને રસાયણોની ઓછી જરુર પડે છે.

       ભારત વિશ્વમાં એક મોટો મિલેટ ઉત્પાદક દેશ છે વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો અંદાજે ૪૧ ટકા ફાળો રહેલો છે. સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય કૃષિ સંગઠનના જણાવ્યા મુજબ સને ૨૦૨૦ માં દુનિયાનું મિલેટ ઉત્પાદન ૩.૦૪ કરોડ મે.ટન થયેલ જેમાં ભારતના ૧.૨૪ કરોડ મે.ટન નો સમાવેશ થાય છે. ભારતે સને ૨૦૨૧-૨૨ માં મિલેટના ઉત્પાદનમાં ૨૭ ટકા વૃદ્ધિનો અંદાજ દર્શાવેલ તે મુજબ મિલેટનું ઉત્પાદન ૧.૫૯ કરોડ મે.ટન થયેલ છે. કેન્દ્ર સરકારે પાંચ વર્ષમાં દેશના મિલેટ હેઠળનો વિસ્તાર ૫૦ લાખ હેકટર અને ઉત્પાદન ૧ કરોડ મે.ટન વધારવાનો લક્ષાંક નિર્ધારીત કરેલ છે.

       દેશના લગભગ બધા રાજ્યોમાં મિલેટની ખેતી થાય છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ. ઉત્તરપ્રદેશ, હરિયાણા, ગુજરાત, ઝારખંડ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં ખેડૂતો મિલેટની ખેતી કરે છે. આસામ અને બિહારમાં મિલેટનો મોટા પાયે વપરાશ થાય છે. આપણા દેશમાં ૧૬ જાતના મુખ્ય મિલેટનું ઉત્પાદન થાય છે અને તેની નિકાસ કરવામાં આવે છે. તેમાં જુવાર, બાજરી, રાગી, કાંગ, ચીણો, કોદરા, સામો, કુરી, કુટ્ટૂ, રાજગરો, બ્રાઉન ટોપ મિલેટ વગેરેનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકારો પણ મિલેટનું ઉત્પાદન વધારવા માટેના મિલેટ મિશન ચલાવી રહી છે. તેના  ધ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે છે. તેના ધ્વારા મિલેટની આયાત વધારવામાં વેગ મળશે.

મિલેટને ‘પોષક અનાજ’ કહો :

       ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિકશ્રી ડૉ. સુમેરપાલ સિંહ એ મિલેટના વિષય ઉપર વર્ષ ૨૦૨૩ થી મિલેટને મોટુ અનાજ ન કહેતાં ‘પોષક અનાજ’ એવું નામ આપેલ છે. તે પોષકતત્વોથી ભરપૂર હોવાને કારણે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. આ કારણે આપણા દેશમાં લગભગ ૧.૫ કરોડ હેકટર વિસ્તારમાં મિલેટની ખેતી કરવામાં આવે છે. તેમાંના અડધા ભાગમાં બાજરીની ખેતી થાય છે. ડૉ સિંહ એ બાબત ઉપર ભાર મૂકી કહે છે કે ‘‘પોષક અનાજની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી જોઇએ અને તેની ઉત્તમ જાતોનો ઉપયોગ કરવો જોઇએ’’.

ખેડૂતો માટે ફાયદાકારક મિલેટની ખેતી :

       આજે ખેડૂતોએ ખેતીમાં મિલેટની પસંદગી કરવી જોઇએ કે જે ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકે તેમ છે. આ માટે તેઓને એવો વિશ્વાસ હોવો જોઇએ કે મિલેટની ખેતીમાં તેઓને યોગ્ય ભાવ મળશે.  ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મિલેટ રિસર્ચ (IIMR) ના અર્થશાસ્ત્ર વિભાગના મુખ્ય વૈજ્ઞાનિક શ્રી ડૉ.બી.દયાકર રાવ ખેડૂતોને મિલેટની ખેતીનું મહત્ત્વ સમજાવતાં જણાવે છે કે “મિલેટ હવામાનને અનુકુળ પાક છે જે ખેડૂતો માટે સારૂ છે મિલેટ પોષણ માટે વધુ સારા અને આપણા માટે સર્વોત્તમ છે કારણ કે તે ખોરાક, ચારો જેવી અનેક ઉપયોગી વસ્તુઓ આપણને પુરી પાડે છે. મિલેટની કાપણી બાદ તેનું સંરક્ષણ અને સંગ્રહની જરૂર પડે છે. આઇસીએઆર-આઇઆઇએમઆર જેવી મુખ્ય સંસ્થાઓએ એવી ટેકનોલોજી વિકસાવી છે કે જે  મિલેટના ઉત્પાદનથી માંડી ઉપયોગ કરવા માટે મદદરૂપ થાય છે. તેની સાથે મિલેટના પ્રોસેસિંગના રસ્તાઓ ખુલતાં તેના ઉત્પાદકોને મિલેટની સારી કિંમત મળશે અને તેઓની આર્થિક સ્થિતિમાં સુધારો થશે.”

વિશેષજ્ઞોનું માનીએ તો :

       એક કિલો મિલેટના ઉત્પાદન માટે લગભગ ૨૦૦ થી ૩૦૦ મિ.લિ પાણીની જરૂર પડે છે જ્યારે એક કિલો ડાંગર અને ઘઉં પેદા કરવા માટે ૮,૦૦૦ થી ૧૨,૦૦૦ લિટર પાણી જોઇએ છે. મિલેટને વરસાદ આધારિત પરિસ્થિતિ મુજબ ઉગાડી શકાય છે. મિલેટની ખેતી ઉપર સૂકી જમીનની અસર થતી નથી એટલે કે ઓછી ફળદ્ધપ જમીનમાં પણ તેને ઉગાડી શતાય છે. તેને ઓછા ખર્ચે ટુંકી કે સીમાંત જમીન ઉપર પણ ઉગાડી શકાય છે. ઉષ્ણતામાનમાં વધારો થાય તો પણ ખેડૂતો મિલેટની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવી શકે છે. ખેડૂતોએ મિલેટની ખેતી માટે કોઇ મોટા રોકાણ કે ખર્ચ કરવાની ચિંતા રહેતી નથી. મિલેટને લગભગ કોઇ રાસાયણિક ખાતર કે કીટનાશકની જરૂર પડતી નથી. મિલેટ ઓછી ફળદ્રુપ જમીન અને ખરાબ હવામાનમાં પણ સારી રીતે થઇ શકે છે. મિલેટનું પાક ચક્ર ૭૦ થી ૯૦ દિવસનું હોય છે જેથી એક વર્ષમાં ખેડૂત ૨ થી ૩ પાક લઇ ઉત્પાદન મેળવી શકે છે. મિલેટની ખેતીમાં ઓછો ખર્ચ થતો હોઇ તેની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક છે. મિલેટ જલ્દીથી ખરાબ થતા ન હોઇ તેની જાળવણી કે સંગ્રહ માટે કોઇ ચિંતા રહેતી નથી. મિલેટ એ હવામાનને અનુકુળ પાક હોઇ વિશ્વમાં બદલાતા હવામાનની સામે તે વધુ સાનુકુળ પાક છે.

       સમયની સાથે ખેડૂતો પણ સ્વિકારવા લાગ્યા છે કે લોકોનો મિલેટ બાબતે રસ વધી રહ્યો છે. સ્વાસ્થ્યની સાથે લોકો મિલેટના ખોરાક તરીકે વાપરવાના રસ્તાઓ શોધી રહ્યા છે. એક સમય એવો હતો કે મિલેટમાંથી ઘરમાં ખાવાનું બનાવવામાં આવતું હતું. આજે ચોખા અને ઘઉંનો વપરાશ દરેક ઘરમાં મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે. ચોખા અને ઘઉંને બદલે બાજરીનો મુખ્ય ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે તો સૂકા વિસ્તારોમાં મિલેટની ખેતી કરતા મહેનતું ખેડૂતો અને તેમના પરિવારોના આર્થિક જીવનને સમૃદ્ધ બનાવી શકાય તેમ છે કારણકે આવા વિસ્તારોમાં મિલેટની ખેતી સહેલાઇથી થઇ શકે છે.

       મિલેટનો વપરાશ આપણા ઘરમાં વધે તે માટે સરકાર પણ એક ચળવળ ચલાવી રહી છે. ડૉ. સુમેર પાલસિંહ માને છે કે ‘‘પોષક અનાજની પૌષ્ટિકતા વિષે આપણે લોકોને જાગૃત કરવા જોઇએ કે જેથી તેની માંગ વધશે તેથી તેનું ઉત્પાદન વધશે, ખરીદ અને વેચાણ વધશે અને તેનો સીધો લાભ ખેડૂતોને થશે. સને ૨૦૧૮ ને ‘રાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ’ તરીકે ઉજવવામાં આવેલ અને સને ૨૦૨૩ ને ‘આતંરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ’ ના રૂપે ઉજવણી કરવામાં આવી રહી છે. આ સરકાર ધ્વારા પોષક અનાજને વધુ લોકપ્રિય બનાવવા માટે ઉઠાવવામાં આવેલ એક સરાહનીય પગલું છે. ’’

       મિલેટ ધ્વારા ફક્ત ઘરે બનાવેલ  આહાર જ નહિ પરંતુ આપણા સ્વાદને અનુરૂપ આધુનિક પ્રકારના સ્નેક્સ પણ બનાવી શકાય છે જે માટે લોકોને જાગૃત કરવાની જરૂર છે. જેમ જેમ લોકો તેનો ઉપયોગ શરૂ કરશે તેમ તેમ તેની વધુ જરૂર પડશે એટલે વેચાણ વધશે, માંગ વધશે અને મિલેટ ઉગાડતા ખેડૂતોને ફાયદો થશે. મિલેટની વધતી જતી માંગ કૃષિ વૈજ્ઞાનિકોને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બિયારણ પેદા કરવા માટે પ્રોત્સાહિત કરશે. તે ખેડૂતોને ડાંગર અને ઘઉંના ઉત્પાદન બદલે બાજરીના ઉત્પાદન ઉપર વધુ ધ્યાન આપવા ખેડૂતોને પ્રેરિત કરશે. તેથી આપણું, ખેડૂતોનું, તેના પરિવારનું કલ્યાણ થશે અને પર્યાવરણને ફાયદો થશે.

સતત વિકાસના લક્ષ્યને પહોંચી વળવા મિલેટ જરૂરી છે :

       મિલેટની ખેતી કરવાથી સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસના લક્ષ્યને પુરૂ કરવામાં મદદ મળી શકે છે. તેમાનું એક લક્ષ્ય છે ભૂખમરો ખતમ કરવાનું. આ ત્યારે જ શક્ય છે કે જ્યારે માનવીને બે ટંકનું ભોજન મળી શકે. તેમાં મિલેટ સહાયક બની શકે તેમ છે. તેને ઉગાડવું સરળ છે. તેની જરૂરિયાત ઓછી છે.  તેનો સંગ્રહ કરવો સરળ છે. તેની સારી કિંમત મળી શકે તેમ છે. આવી ઘણી બાબતો ઉપર સરકાર સતત કામ કરી રહી છે.

       કુપોષણમાં થતા વધારાને કારણે કેન્દ્ર સરકાર ખેડૂતોને મિલેટની ખેતી કરવા માટે વધુમાં વધુ પ્રોત્સાહિત કરી રહી છે. આ સિવાય મિલેટ પોષણ પુરૂ પાડવા માટે સારી ભૂમિકા ભજવી શકે તેમ છે. મિલેટમાં ખનીજતત્વો, વિટામિનો, ઉત્સેચક અને રેસા વધુ માત્રામાં રહેલા છે. આ સિવાય મિલેટમાં મુખ્ય અને સૂક્ષ્મ તત્વો પણ રહેલાં છે. આથી મિલેટ આહારમાં લેવાથી શરીરને જોઇના જરૂરી પોષકતત્વો મળી રહે છે જેથી તે કુપોષણને અટકાવે છે. મિલેટ ખાવાથી મોટાપો, વજન, પાચન, લોહીની ઉણપ, પેટની તકલીફો વગેરે દૂર કરવામાં મદદ મળે છે.

       બીજી મહત્ત્વપૂર્ણ બાબત છે આબોહવા પરિવર્તન. ડાંગરના પાકની સરખામણીએ રાગી, મકાઇ, બાજરી અને જુવારનો પાક આબોહવા પરિવર્તન પ્રત્યે ઓછો સંવેદનશીલ છે એટલે કે આબોહવા પરિવર્તનની અસર ડાંગર કે ઘઉંના પાક ઉપર થાય તેની સરખામણીએ મિલેટની ખેતી ઉપર ઓછી અસર થાય છે. આબોહવા પરિવર્તનની અસરને કારણે અન્ય અનાજની સરખામણીએ મિલેટના ઉત્પાદનમાં બહુ જ ઓછી ઘટ પડે છે. ખેડૂતો પણ માને છે કે મિલેટની ખેતીમાં વરસાદ, દુષ્કાળ, આબોહવા વગેરેની કોઇ ચિંતા કરવી પડતી નથી જ્યારે ડાંગર કે ઘઉં ઉગાડતા ખેડૂતોએ વરસાદ, દુષ્કાળ, આબોહવા વગેરેની વધુ ચિંતા રહે છે.

       આથી આપણે એમ કહી શકીએ કે કુપોષણનો પડકાર અને ખાદ્યાન્નની સમસ્યાને પહોંચી વળવા, ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા અને ખાદ્યાન્નની કિંમતો નક્કી કરવા માટે મિલેટ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ છે. એટલુ જ નહિ  શાળાઓમાં આપવામાં આવતા વર્તમાન ભોજનમાં પણ મિલેટનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

મિલેટનું માર્કેટિંગ કરવું જરૂરી છે :

       મિલેટના માર્કેટિંગમાં સરકારની મુખ્ય ભૂમિકા રહેલી છે. હવે સરકારી ખરીદીમાં મિલેટનો હિસ્સો વધારવો પડશે અને તેના ન્યૂનતમ ભાવો વધારવા પડશે. સાર્વજનિક વિતરણ પ્રણાલી ધ્વારા ગરીબ લોકો સુધી ઘઉં અને ચોખાની સરખામણીએ મિલેટનો વપરાશ વધારવા માટે તેનું વિતરણ સુનિશ્ચિત કરવું પડશે.

       તેની નિકાસમાં વધારો કરવા માટેનાં પગલાં ભરવાં પડશે. દેશની કૃષિ સંશોધન સંસ્થાઓ ધ્વારા મિલેટ અંગેના સંશોધનોમાં વધારો કરવો પડશે. મિલેટમાં વધુ ઉત્પાદન  મેળવવા માટે જૈવિક ખાતરોનો વપરાશ કરવો પડશે. મિલેટને લોકપ્રિય બનાવવા માટે તેની  સ્વાદિષ્ટ સ્નેક્સ બનાવવા માટેની દિશામાં કાર્ય કરવું પડશે. આવા પ્રયત્નો ધ્વારા મિલેટના બજારનો વિસ્તાર વધારવો પડશે તો જ ખેડૂતો તેની ખેતી કરવા માટે પ્રોત્સાહિત થશે. ડૉ. બી. દયાકર રાવે આપણું ધ્યાન દોરી જણાવેલ છે કે, ‘જે ઉદ્યમી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મિલેટનો વ્યવસાય સ્થાપવા માગે છે તેના માટે એક સારો અવસર છે. તે ભારતીય ખેડૂતો એટલે કે ઉત્પાદકોને ઉપભોક્તાના રૂપમાં પોતાનો હિસ્સો વધારવાનો અવસર આપે છે. વધારે આવક અને આજીવિકાનો અવસર તેમના જીવનમાં સુધારો લાવી શકે છે.’       

       વર્ષ ૨૦૨૩ ના અંતે મિલેટના ઉત્પાદન, વિતરણ, ખેડૂતોની સ્થિતિ અને તેનાથી થનાર ફાયદાઓમાં કેટલો અને કેવો ફેરફાર આવે છે તે જોવાનું રહે છે. સને ૨૦૨૩ ના અંતે આ વિષય ઉપર આકલન કરવાની જરૂરિયાત છે. તેની સાથોસાથ એ ધ્યાન રાખવું જરૂરી છે કે મિલેટ માટે કરવામાં આવનાર પ્રયાસોમાં કોઇ ઘટાડો થવો જોઇએ નહિ.


સંદર્ભ : ડ્રીમ 2047, ફેબ્રુઆરી 2023


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail : krushikiran2023@nvsonianand

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *