સંયુક્ત રાષ્ટ્ર ધ્વારા ૨૦૨૩ ના વર્ષને ઇન્ટરનેશનલ મિલેટ ઓફ ઇયર એટલે કે આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ તરીકે જાહેર કરેલ છે. ભારત દેશ એ તેની પહેલ કરી જેનો ઉદેશ વિશ્વમાં આ પોષક અનાજની ખેતીમાં વધારો કરવાનો, ખેડૂતોની આવકમાં વધારો કરવાનો, ખાદ્ય સુરક્ષા અને કુપોષણથી વિશ્વને મુક્ત કરવાનો છે જે આ દિશામાં એક નવું પગલું છે. આ વર્ષે ભારતની આગેવાની હેઠળ વિશ્વના ૭૦ થી વધુ દેશોમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આજે વિશ્વના તમામ દેશો ભૂખમરો અને કુપોષણનો સામનો કરી રહ્યા છે તેમજ હવામાન પરિવર્તનને કારણે પ્રતિકુળ મોસમ અને હાનિકારક પરિસ્થિતિઓને કારણે ઘઉં, ડાંગર, મકાઇ, વગેરે મુખ્ય ધાન્યોના ઉત્પાદનમાં અસર થવા પામી છે. આ પડકારોને પહોંચી વળવા માટે નિષ્ણાતો પોષક અનાજ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપે છે. તેથી આજે વૈશ્વિક સ્તરે બાજરી, જુવાર, રાગી, કોદરા, સામો, કુટકી, રાજગરો વગેરે પોષક અનાજના ઉત્પાદન, વપરાશ, સંવધર્ન તેમજ સંસાધનોમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
સૂક્ષ્મ પોષકતત્વો સારી માત્રામાં તથા જીવનશૈલી સાથે જોડાયેલી બિમારીઓ માટે ફાયદાકારક હોવાને કારણે આ પોષક અનાજ ફક્ત ગરીબો કે ગ્રામ્ય વિસ્તારો માટેનું અનાજ ન રહેતાં હવે સર્વ લોકો ‘સુપર ફૂડ’ તરીકે અપનાવી રહ્યા છે. આજે બજારમાં પોષક અનાજમાંથી બનાવવામાં આવેલ વિવિધ પ્રકારના ઉત્પાદનો જેવા કે પૌવા, બ્રેડ, બિસ્કીટ, ઇડલી, કેક, દાળ, મીઠાઇઓ, મઠરી, નમકીન વગેરે વેચાતા જોવા મળે છે. તેના લોટ પણ વેચાય છે જેમાંથી રોટલી સિવાય અન્ય કેટલાક પ્રકારની પૌષ્ટિક વાનગીઓ બનાવી શકાય છે. આ વર્ષને સંયુક્ત રાષ્ટ્ર ધ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કરવાને કારણે તમામ દેશોની સાથે આપણા દેશની સરકારે મોટા પાયા પર તેનો પ્રચાર અને જાગૃતિ અંગેનું અભિયાન ચલાવેલ છે. તેના કારણે સમાજના તમામ વર્ગોના લોકોનું ધ્યાન આ પોષક અનાજ તરફ ખેંચાયેલ છે.
એશિયા અને આફ્રિકાનો પરંપરાગત આહાર :
આ પોષક અનાજ એશિયા અને આફિકામાં પરંપરાગત આહારના રૂપે ઉપયોગમાં લેવાતા પાકો છે. ઇ.સ. પૂર્વે ૩૦૦૦ પહેલાં તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવાના પ્રમાણ મળેલ છે. સિંધુ ઘાટીના સભ્ય લોકો પોતાના આહારમાં પોષક અનાજનો ઉપયોગ કરતા હતા. વર્તમાન સમયે એશિયા અને આફ્રિકાના લગભગ ૫૯ કરોડ લોકો પોષક અનાજનો પરંપરાગત રીતે આહારમાં ઉપયોગ કરે છે.
મુખ્ય પોષક અનાજ અને તેનું ઉત્પાદન :
મુખ્ય પોષક અનાજમાં જુવાર, બાજરી, રાગી, કાંગ, ચીણો, કોદરા, સામો, કુટકી, કુટ્ટૂ (બક વ્હીટ), રાજગરો, બ્રાઉન ટોપ મિલેટ, ફોનીયો મિલેટ, ટેફ વગેરેનો સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) ના જણાવ્યા મુજબ આજે વિશ્વમાં ૭૪૭.૭ લાખ હેકટર વિસ્તારમાં પોષક અનાજનું વાવેતર થાય છે જેમાંથી ૯૨૬ લાખ ટન ઉત્પાદન મળે છે જેમાં જુવાર અને બાજરીનું યોગદાન ૯૧.૬૩ ટકા છે. બાકીના ૮.૩૭ ટકામાં રાગી, કાંગ, ચીણો, કુટકી, સામો અને કોદરાનો ફાળો રહેલો છે.
ભારતમાં લગભગ ૧૨૬.૮ લાખ હેકટર વિસ્તારમાં પોષક અનાજનું વાવેતર થાય છે જેમાંથી અંદાજે ૧૬૯ લાખ ટન ઉત્પાદન મળે છે જેનું રાષ્ટ્રીય ખાદ્યાન્ન ઉત્પાદનમાં લગભગ ૬ ટકા યોગદાન છે. વિવિધ પોષક અનાજ પૈકી દેશમાં સૌથી વધુ વિસ્તાર (લગભગ ૭૦ લાખ હેકટર) માં બાજરીની ખેતી થાય છે જેમાંથી બાજરીનું ૧૦૧ લાખ ટન ઉત્પાદન મેળવાય છે. ત્યારબાદ ૪૦ લાખ હેકટર વિસ્તારમાં જુવારની ખેતી થાય છે જેમાંથી ૪૬.૩ લાખ ટન ઉત્પાદન મળે છે. રાગીનું વાવેતર ૧૧ લાખ હેકટર વિસ્તારમાં થાય છે જેમાંથી ૧૮ લાખ ટન ઉત્પાદન મળે છે. અન્ય પોષક અનાજની ખેતી ૪.૪ લાખ હેકટર વિસ્તારમાં થાય છે જેમાંથી ૩.૫ લાખ ટન ઉત્પાદન મળે છે.
કુપોષણથી મુક્તિ અને ખાદ્ય સુરક્ષા :
હવામાન પરિવર્તનને કારણે ઉત્પન્ન થતી પ્રતિકુળ પરિસ્થિતિઓ, કોવિડ-૧૯ જેવી સદીની સૌથી મોટી મહામારી અને દુનિયામાં વધતા જતા રાજનૈતિક સંઘર્ષ સાથે જોડાયેલા આર્થિક પડકારોની સાથે આજે દુનિયાના કરોડો લોકો ભૂખમરો, કુપોષણ યા અલ્પ પોષણની સમસ્યાથી પીડાઇ રહ્યા છે. હવામાન પરિવર્તને ફક્ત રોજી-રોટી, પીવાનું પાણી અને માનવ સ્વાસ્થ્ય માટે સંકટ પેદા કરેલ છે એટલું જ નહિ ખાદ્ય સુરક્ષા માટે મોટો પડકાર પેદા કરેલ છે. આ બધા કારણોસર તેની સીધી અસર માનવ સ્વાસ્થ્ય અને પોષણ ઉપર થઇ છે અને આ જ કારણે આજે કુપોષણ એ એક વિશ્વ વ્યાપી સમસ્યા બની ચૂકી છે. વિકાસશીલ વિશ્વની અડધાથી પણ વધુ વસ્તી આજે કુપોષણનો શિકાર છે. આર્યન, ઝિંક વગેરે જેવા સૂક્ષ્મ પોષકતત્વો અને વિટામિન ‘એ’ ની ખામી એ એક વ્યાપક જન-સ્વાસ્થ્ય સમસ્યા છે. ભારતની કુલ વસ્તીના ૧૬.૩ ટકા વસ્તી એટલે કે ૨૨.૪ કરોડ લોકો અલ્પ પોષિત છે જેમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા વિશેષ છે. ભારતમાં લગભગ ૪૦ ટકા નાના બાળકો, ૨૪ ટકા ભણતાં બાળકો, ૪૦ ટકા યુવતીઓ અને ૫૦ ટકાથી વધુ સગર્ભા મહિલાઓ રક્ત અલ્પતાથી પીડાય છે. પાંચ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા લગભગ ૫૨ ટકા બાળકોમાં ઝિન્કની ખામી છે જ્યારે આ બાબતે વયસ્કોની સંખ્યા ૧૭ થી ૩૨ ટકા જેટલી છે. સૂકા અને અર્ધસૂકા વિસ્તારોમાં રહેતા ગરીબ લોકોમાં મોટા પ્રમાણમાં સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ જોવા મળે છે.
વર્તમાન સમયે ભારત સહિત પુરા વિશ્વમાં કુુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા વધારે છે જે ભવિષ્ય માટે સારો સંકેત નથી. આ સાથે વિશ્વ ઉપરના હવામાન પરિવર્તન સંકટે ખાદ્ય સુરક્ષા માટે એક પડકાર ઊભો કરેલ છે. આવા સમયે પોષક અનાજ તેના વિશેષ ગુણોને કારણે કુપોષણમાંથી મુક્તિ મેળવવા માટે એક સકારાત્મક ભૂમિકા ભજવી શકે તેમ છે. તેને સરળતાથી પ્રાકૃતિક રીતે ઉગાડી શકાય છે. આ પાકોને ઓછા પાણી અને ખાતરની જરૂરિયાત રહે છે. તે રોગ-જીવાતનો સામનો કરી શકે છે. ખરાબ હવામાન અને સૂકી પરિસ્થિતિમાં પણ તેને સહેલાઇથી ઉગાડી શકાય છે તેમજ તેની વધુ દેખરેખ રાખવાની જરૂરિયાત પડતી નથી.
આ પોષક અનાજ સંતુલિત પોષણના સારા સ્ત્રોત છે. તેમાં સંતુલિત રૂપે એમિનો એસિડ રહેલા છે તથા તે લાઇસિન, મેથિયોનિન અને સિસ્ટીનના સારા સ્ત્રોત છે. બાજરીમાં ચરબી અને સૂક્ષ્મ પોષકતત્વો વધુ માત્રામાં હોય છે જ્યારે જુવારમાં પ્રોટીન, કેલેરી, આયર્ન અને ઝિન્ક ભરપુર માત્રામાં રહેલા છે. રાગી કેલ્શિયમ અને પોટેશીયમ (૪૦૦-૪૨૦ મિ.ગ્રા.પ્રતિ ૧૦૦ ગ્રામ) નો ઉમદા સ્ત્રોત છે. અન્ય પોષક અનાજમાં ફોરફરસ અને આયર્નની સાથે ફાયટોરસાયણ પણ રહેલા છે.
ફાયટોરસાયણ એન્ટિઓક્સીડેન્ટના રૂપે સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયી છે. પોષક અનાજના આ ગુણ કુપોષણથી શિકાર બનેલ મોટી આબાદી માટે પોષણ સુનિશ્ચિત કરે છે એટલે જ આજે નિષ્ણાતો, વૈજ્ઞાનિકો અને નીતિ ઘડવૈયાઓ પોષક અનાજ પ્રત્યે આશાભારી નજરે જોઇ રહ્યા છે અને એટલે જ તેના પ્રોત્સાહન માટે ૨૦૨૩ ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરી વિશ્વમાં તેની ઉજવણી થઇ રહી છે.
નિર્ધનતા એટલે કે ગરીબાઇને કારણે વિશ્વની એક મોટી આબાદી પૌષ્ટિક આહારથી વંચિત રહે છે જે કુપોષણનું એક મુખ્ય કારણ છે. આ એક સર્વવિદિત બાબત છે. આ પરિસ્થિતિમાં ન્યૂનતમ સંસાધનોના ઉપયોગ કરી સસ્તામાં ઉપલબ્ધ થનારા પોષક અનાજ સીમાંત અને આદિવાસી વિસ્તારોના લોકો, ગ્રામ્ય સમુદાયો અને ઓછી આવક ધરાવતા લોકોને કુપોષણથી મુક્ત કરવા માટે જરૂરથી સહાયક નીવડશે.
આવા પોષક અનાજને એક જન આંદોલન ધ્વારા પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેનાથી ભારત સરકારના રાષ્ટ્રીય પોષણ મિશન કાર્યક્રમના હેતુઓને સફળ બનાવવા માટેની દિશા પ્રાપ્ત થશે અને તેના સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે.
હવામાન પરિવર્તનના પડકારને અનુકુળ :
આજે હવામાન પરિવર્તનથી પેદા થયેલ સંકટોનો સામનો કોઇ ને કોઇ રૂપે વિશ્વ કરી રહ્યુ છે. તાપમાનમાં થતો વધારો, મોસમમાં ફેરફાર અને અન્ય હવામાનની ઘટનાઓને કારણે ઘઉં, ડાંગર જેવા મુખ્ય પાકોના ઉત્પાદન ઉપર અસર થવાને કારણે વિશ્વમાં ખાદ્ય સુરક્ષા માટે એક સંકટ પેદા થયું છે. આમ આ ક્ષેત્રે હવામાન પરિવર્તનને કારણે ઓછી અસર થાય તેવા પોેષક અનાજના પાકોનું મહત્વ વધી ગયું છે.
સૂકી પરિસ્થિતિમાં પણ આ પાકો વધુ સારી રીતે થાય છે. વધુ વરસાદ ઉપર નભતા આ પોકો સૂકી પરિસ્થિતિનો સામનો કરી શકે તેવા હોઇ સૂકી ખેતી માટે પણ અનુકુળ છે. તેની એ વિશેષતા છે કે સૂકી પરિસ્થિતિ સહન કર્યા બાદ વરસાદ પડે ત્યારે ઝડપથી તેની વૃધ્ધિ થાય છે. આ પાક પર્યાવરણને પણ વધુ અનુકુળ છે.
સતત વિકાસના લક્ષ્યો હાંસલ :
સંયુક્ત રાષ્ટ્ર એ સતત (ટકાઉ) વિકાસ માટે વર્ષ ૨૦૨૩ સુધીમાં જે લક્ષ્ય નિર્ધારીત કરેલ છે તેમાંના કેટલાક નીચે દર્શાવેલ મહત્વપૂર્ણ લક્ષ્યોની પ્રાપ્તિ માટે પોષણ અનાજ માટેના આંતરરાષ્ટ્રીય ઉજવણીની વિશેષ ભૂમિકા રહેશે.
(૧) સતત વિકાસ લક્ષ્ય-૨-ભૂખમરાની સમાપ્તિ :
પોષક અનાજની ખેતીને પ્રોત્સાહન આપવાને કારણે ભૂખમરાને દૂર કરી ખાદ્ય સુરક્ષા તેમજ પોષણ સુનિશ્ચિત કરી શકાશે. આવા પાકો ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સૂકા મોસમમાં પણ સફળતાપૂર્વક ઉગાડી શકાય છે જેથી ત્યાં વસતા લોકોને પૌૈષ્ટિક આહાર ઉપલબ્ધ થઇ શકશે. તેની સાથે આવા પાકોથી જૈવ વૈવિધ્યતામાં વધારો થશે અને જમીનની ફળદ્રુપતા ટકી રહેશે.
(૨) સતત વિકાસ લક્ષ્ય-૩-સારૂ સ્વાસ્થ્ય તથા આરોગ્ય :
પોષક અનાજમાં ખનીજ તત્વ, પ્રોટીન, પથ્ય રેસા અને એન્ટિઓકસીડેન્ટસ સારી માત્રામાં હોય છે. તેનો ગ્લાયસેમિક આંક ઓછો હોવાને કારણે તે ડાયાબીટીસના દર્દીઓ માટે લાભદાયી છે. તેમાં રહેલા વધુ રેસાને કારણે પાચનક્રિયા પણ સારી થાય છે. ઉછરતા બાળકો અને મહિલાઓ માટે પોષક અનાજ વિશેષ હિતકારક હોવાથી સુપર ફૂડ અને ઇમ્યુનિટી બુસ્ટર તરીકે તેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
(૩) સતત વિકાસ લક્ષ્ય-૮-સન્માનનીય આજીવિકા તથા આર્થિક પ્રગતિ :
પુરાતન કાળમાં પોષણ અનાજ દક્ષિણ આફ્રિકા અને એશિયાના લાખો લોકોનો મુખ્ય આહાર હતો. આજે પણ તે વિસ્તારની સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાઓ તેની સાથે જોડાયેલી છે. તેનું ઉત્પાદન, વપરાશ અને વેપારમાં વધારો થવાથી લોકો તેમના પુરાતન સાથે જોડાશે અને તેમનામાં સ્વ-સ્વમાનની ભાવના જાગશે. સ્થાનિક નાના-સીમાંત ખેડૂતોની આજીવિકામાં વધારો થશે અને તેઓની આવકમાં વધારો થતાંની સાથે આર્થિક પ્રગતિને પણ બળ મળશે.
(૪) સતત વિકાસ લક્ષ્ય-૧૨-ટકાઉ ઉપભોગ તથા ઉત્પાદન :
ટકાઉ ઉપભોગ તથા ઉત્પાદનની દષ્ટિએ પોષક અનાજ મહત્ત્વપૂર્ણ વિકલ્પ સાબિત થશે. તેનું ઉત્પાદન વધવાથી અનાજની વિવિધતામાં વધારો થશે જેથી ચોખા-ઘઉં જેવા મુખ્ય ધાન્યોના ઉત્પાદનમાં અચાનક થયેલ કમીને કારણે ઊભી થયેલ ખાદ્ય સુરક્ષા પણ જળવાશે. જેમ જેમ તેનું ઉત્પાદન વધશે તેમ તેમ તેનો ઉપયોગ પણ વધતો જશે. તેનો ઉપયોગ વધતાં વિશ્વના બજારમાં પોષક અનાજની માંગ વધશે અને ઉત્પાદકોની આવકમાં પણ વધારો થશે.
(૫) સતત વિકાસ લક્ષ્ય-૧૩-સારૂ પર્યાવરણ :
હવામાન પરિવર્તનને કારણે ઉત્પન્ન થયેલ વિવિધ સમસ્યાઓની વચ્ચે અનુકુલન સાધવા અને તેનું શમન કરવા માટે પોેષક અનાજને અપનાવવું સારૂ રહેશે. મોસમમાં થતા ફેરફાર સામે ઓછી અસર બતાવતા પોષક અનાજના પાકોની ખેતી કરવા માટે સ્થાનિક અને સીમાંત સમુદાયના ખેડૂતોને પ્રોત્સાહિત કરવાથી પર્યાવરણ સારૂ રાખી શકાશે.
(૬) સતત વિકાસ લક્ષ્ય-૧૫-પૃથ્વી ઉપર જીવન :
પોષક અનાજના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવાથી પરિસ્થિતિકીય તંત્રને સુરક્ષિત રાખવામાં મદદ મળશે જમીનનું ધોવાણ થતું અટકશે અને પર્યાવરણને મદદરૂપ થશે, જૈવ વૈવિધ્યતાને થતું નુકસાન અટકશે તથા ટકાઉ કૃષિ ખાદ્ય પ્રણાલીનો વિકાસ થશે જેથી ધરતી ઉપરનું જીવન સારી રીતે જીવી શકાશે.
કેટલાક પોષક અનાજ વિષે :
(૧) બાજરી :
બાજરીનો ઉપયોગ ભોજનમાં તેમજ ચારા તરીકે થાય છે. આફ્રિકામાં બાજરીનો દાળિયાના રૂપે ઉપયોગ થાય છે. સંશોધન અભ્યાસમાં બાજરીનું પોષણ મૂલ્ય ચોખા અને ઘઉંથી સારૂ માલૂમ પડેલ છે. બાજરીમાં ઊંચી માત્રામાં ચરબી રહેલી છે. તે પ્રોટીનનો પણ સારો સ્ત્રોત છે. તેનામાં અન્ય પોષક અનાજની સરખામણીએ લાઇસિન એમિનો એસિડ વધુ પ્રમાણમાં રહેલો છે. તે સિવાય તે વિટામિનો અને ખનીજતત્વોનો સારો સ્ત્રોત છે. તેનું સેવન ડાયાબીટીસ, હૃદયરોગીઓ, એનીમીયા ગ્રસ્ત લોકો, સગર્ભા તેમજ દુગ્ધપાન કરાવતી મહિલાઓ માટે ઉત્તમ ગણાય છે.
(૨) જુવાર :
જુવાર એ વિશ્વમાં ઉગાડવામાં આવતું પાંચમા નંબરનું મુખ્ય અનાજ છે. રેસાથી ભરપુર જુવાર કબજીયાતને દૂર કરી પાચનક્રિયાને સારી બનાવે છે. તેનામાં રહેલ ખનીજ તત્વો હાડકાંને મજબૂત બનાવવા માટે ઉપયોગી છે. તે એનીમીયાને દૂર કરે છે. તેનું સેવન સગર્ભા મહિલાઓ અને પ્રસુતિ પછીના દિવસોમાં લાભદાયી છે.
(૩) કોદરા :
કોદરાની ખેતી મુખ્યત્વે છત્તીસગઢના આદિવાસી વિસ્તારોમાં થાય છે. ત્યાંના વનવાસીઓનો આ મુખ્ય ખોરાક છે. કોદરામાં કેટલીક માત્રામાં ચરબી અને પ્રોટીન રહેલું છે. તેનો ગ્લાયસેમિક આંક ઓછો હોવોને કારણે ડાયાબીટીસના દર્દીઓને ચોખાની જગ્યાએે આપવામાં આવતાં ફાયદાકારક નીવડે છે. ખનીજતત્વોની સાથે તેમાં નિયાસિન, પેન્ટોથેનિક એસિડ અને ફોલેટ (૩૯.૫ મિ.ગ્રા/૧૦૦ ગ્રામ) તથા વિટામિન એ વધુ માત્રામાં રહેલું છે. ફોલેટની વધુ માત્રા હોવાને કારણે લોહીની ખામી (રક્ત અલ્પતા) દૂર કરવા માટે ઉત્તમ છે. કોદરામાં રહેલ લેસિથિનની ઊંચી માત્રા જ્ઞાનતંત્રની મજબૂતી માટે ફાયદાકારક છે. તેમાં રહેલ ફિનોલિક્સ નામનું ફાયટોકેમિકલ હૃદયરોગીઓ માટે લાભદાયી છે.
(૪) સામો :
સામાનો ઉપયોગ ચોખાની માફક રાંધીને કરવામાં આવે છે. તેમાંથી દાળ, ખીચડી, ઇડલી, ઢાંસા વગેરે બનાવવામાં આવે છે. આજકાલ બેકરી ઉત્પાદનોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે પ્રોટીન, પથ્ય રેસા અને ખનીજતત્વોનો સારો સ્ત્રોત છે. સગર્ભા અને દુગ્ધપાન કરાવતી મહિલાઓ, ટાઇપ-૨ ડાયાબીટીસ અને મોટાપો ધરાવતા લોકો માટે તેનું સેવન ફાયદાકારક છે. તેમાં એન્ટિઓકસીડેન્ટ અને કેન્સર વિરોધી તત્વો વધુ માત્રામાં રહેલા છે.
(૫) રાગી (નાગલી) :
રાગીનો ઉપયોગ મુખ્યત્વે રોટલા, ઢોંસા, ખીચડી વગેરે રૂપે કરવામાં આવે છે. તેમાં કોલેસ્ટીરોલ અને સોડિયમ હોતુ નથી. તે પથ્ય રેસા, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપુર છે. વજન ઘટાડવા, ડાયાબીટીસ, એનીમીયા અને ઓસ્ટીયોપોરોસીસમાં તે લાભદાયી છે. કેલ્શિયમની સારી માત્રા (૩૫૦ મિ.ગ્રા./કિ.ગ્રા.) હોવાને કારણે તેનું સેવન ઉછરતાં બાળકો તેમજ વૃદ્ધોના હાડકાંને મજબૂતી બક્ષે છે. તેમાં રહેલ પાચનશીલ કાર્બોહાઇડ્રેટ આંતરડાઓ માટે લાભદાયી છે.
(૬) કાંગ :
કાંગનો ઉપયોગ ખોરાકમાં ચોખાની માફક ખીચડી કે રોટલીના રૂપે થાય છે. તેનો લોટ મિશ્ર કરી પુરીઓ, બ્રેડ, કેક, નૂડલ્સ વગેરે પણ બનાવવામાં આવે છે. તેમાં પ્રોટીન અને ખનીજો વધુ માત્રામાં રહેલાં છે. તેનું સેવન ટાઇપ-૨ ડાયાબીટીસ તેમજ હૃદયરોગીઓ માટે વધુ લાભદાયી છે. તેમાં રહેલ ફાયટોકેમિક્લ શરીરમાંના ફ્રી રેડિકલ્સને દૂર કરે છે.
(૭) કુટકી :
કુટકીનું સેવન ચોખાની જેમ બાફીને ઇડલી, ઢોસા વગેરે રૂપે થાય છે. તેનો લોટ મિશ્ર કરી બ્રેડ, બિસ્કીટ, કેક વગેરે બનાવવામાં આવે છે. તે પ્રોટીન, ચરબી તેમજ પથ્ય રેસાનો સારો સ્ત્રોત છે. તેમાં ખનીજતત્વો પણ રહેલાં છે. તેના હાઇપોગ્લાયસેમિક અને હાઇપોલેપિડેમિક ગુણને કારણે કુટકી ડાયાબીટીસ અને હૃદયરોગીઓ માટે ફાયદાકારક છે. તેનામાં રહેલ વધુ રેસાને કારણે તે કબજીયાતને દૂર કરે છે.
(૮) ચીણો :
સામાન્ય રીતે ભારતમાં ચીણાનો ઉપયોગ બાફેલા ચોખાની જેમ અથવા તેના લોટની રોટલી બનાવી કરવામાં આવે છે. તેમાં પ્રોટીન ઊંચી માત્રા (૧૨.૫ ટકા) માં રહેલું છે. તે લ્યુસિન તથા આઇસોલ્યુસિન નામના પ્રોટીનની વધુ માત્રા માટે જાણીતું છે. તે સલ્ફર યુક્ત એમિનો એસિડ, મેથિયોનીન અને સિસ્ટોનનો સારો સ્ત્રોત છે. તે નિયાસિન અને ફોલિક એસિડ યુક્ત વિટામિન બી ભરપુર માત્રામાં ધરાવે છે. તેમાં મેંગેનીઝ, આયર્ન અને પોટેશિયમ જેવા ખનીજ વધુ પ્રમાણમાં હોય છે. તેના ઉપયોગથી કોલેસ્ટીરોલ, ચયાપચય નિયંત્રણ, ટાઇપ-૨ ડાયાબીટીસ, મોટાપો વગેરેની સમસ્યાઓમાં લાભદાયક અસર થાય છે. તેમાં રહેલ લેસિથિનની ઊંચી માત્રા જ્ઞાનતંત્રના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
પોષક અનાજ-વર્તમાન અને ભાવિ :
ભારતમાં જુવાર, બાજરી તથા સાત લઘુ પોષક અનાજ (રાગી, કુટકી, કોદરા, કાંગ, સામો, ચીણો અને બ્રાઉન ટોપ મિલેટ) પોષક અનાજ પરિવારમાં સામેેલ છે. દેશના સૂકી ખેતી અને પહાડી વિસ્તારની ખેતી પ્રણાલીમાં થતા એ પરંપરાગત પાકો છે જે ગરીબ લોકોનું મુખ્ય ખાદ્યાન્ન છે. દેશની મોટી વસ્તીને પોષણ અને ખાદ્ય સુરક્ષા પુરી પાડવા માટે પોષક અનાજની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. પરંતુ હરિયાળી ક્રાંતિને કારણે ઘઉં. ડાંગર અને મકાઇ જેવા પાકોને વધુ પ્રોત્સાહન આપવાને કારણે પોષક અનાજનું પ્રમાણ ખેતીમાં ઘટી ગયું. તેની સાથે ખરીફ ઋતુમાં પોષક અનાજની ખેતીને બદલે વધુ લાભદાયક સોયાબીન, સૂર્યમુખી, મકાઇ અને કપાસ જેવા પાકો થવા લાગ્યા જેથી પોષક અનાજની ખેતીમાં નિરંતર ઘટાડો થતો ગયો. તેના ફળ સ્વરૂપ તેનું ઉત્પાદન પણ ઘટવા લાગ્યું. બીજી બાજુ ઝડપી આધુનિકરણને કારણે લોકોની ખાવા-પીવાની ટેવો પણ બદલાતી ગઇ. આ બધી બાબતોના પ્રભાવને કારણે ભોજનની થાળીમાંથી પોષક અનાજ દુર થતા ગયા અને પોષક અનાજ પરત્વે લોકોની રૂચિ પણ ઓછી થઇ. આંકડાઓ પર નજર દર્શાવીએ તો ભારતમાં વર્ષ ૨૦૧૦-૧૧ થી ૨૦૧૪-૧૫ સુધી પોષક અનાજ અંતર્ગત કુલ વિસ્તારમાં ૫.૪ ટકા સીએજીઆરથી ઘટાડો થયો અને તેના કુલ ઉત્પાદનમાં પ્રતિવર્ષ ચાર ટકાનો ઘટાડો નોંધાયેલ છે. જો કે છેલ્લા પાંચ વર્ષમાં તેના વિસ્તારમાં ઘટાડાની અપેક્ષાએ તેની ઉત્પાદક્તામાં ૧-૨ ટકા સીએજીઆરથી વૃદ્ધિ જોવા મળેલ છે.
લઘુ પોષક અનાજના કુલ ઉત્પાદનમાં લગભગ ૪૪ ટકા ઘટાડો થયો છે. સને ૧૯૫૬-૬૧ ના સમય દરમ્યાન લઘુ પોષક અનાજનો વિસ્તાર ૪.૯ ટકા હતો જે ૨૦૧૪-૧૯ ના સમયમાં ઘટીને ૦.૮૮ ટકા થયો છે. કુલ ખાદ્યાન્ન ઉત્પાદનમાં લઘુ પોષક અનાજનો હિસ્સો વર્ષ ૧૯૫૬-૬૧ ના સમય દરમ્યાન ૫.૨ ટકા હતો જે વર્ષ ૨૦૧૬-૨૧ સમય દરમ્યાન ઘટીને ૦.૭૧ ટકા થયો છે. આમ લઘુ પોષક અનાજના વાવેતરમાં સને ૧૯૫૧ થી ૨૦૨૧ દરમ્યાન વધારે ઘટાડો થવા પામેલ છે. પાછલા ૨૦ વર્ષોમાં રાગીના વિસ્તારમાં લગભગ ૪૫ ટકા ઘટાડો થયો છે. અન્ય લઘુ પોષક અનાજની વાત કરીએ તો સને ૧૯૬૦ સુધી તેનું વાવેતર ૫૦ લાખ હેકટરમાં થતું હતું ત્યાર બાદ તેમાં ઘટાડો થતાં વર્ષ ૧૯૮૦ સુધીમાં ૪૦ લાખ હેકટર વિસ્તાર થયો ત્યારબાદ ૨૫ વર્ષોમાં ૨૫ ટકા ઘટાડો અને ૨૦૨૦ ના વર્ષ સુધીમાં ૧૦ ટકા વિસ્તાર રહ્યો. જો કે પાકમાં સારી ખેતી પદ્ધતિઓ અપનાવવાને કારણે ઉત્પાદનમાં વધારો થયો. સને ૧૯૫૦-૫૧ માં ઉત્પાદક્તા ૩૮૦ કિ.ગ્રા./હેકટર હતી જે વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યિાન ૮૦૦ કિ.ગ્રા./હેકટર થઇ. રાગીની ઉત્પાદકતા વર્ષ ૧૯૫૦-૫૧ માં ૬૪૯ કિ.ગ્રા/.હેકટર હતી જે સને ૨૦૧૯-૨૦ દરમ્યાન વધીને ૧૭૪૭ કિ.ગ્રા/હેકટર થઇ.
લઘુ પોષક અનાજનો વિસ્તાર ઓછો થયો અને તેનું પોષણ તથા સ્વાસ્થ્ય ક્ષેત્રે મહત્ત્વ સમજાતાં વર્ષ ૧૯૮૬ માં લઘુ પોષક અનાજ માટે ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટેડ રિસર્ચ પ્રોગ્રામ (AICRP) ની શરૂઆત કરવામાં આવી જેના ધ્વારા ઉત્તમ જાતો અને ખેતી પદ્ધતિઓનો નોંધપાત્ર વિકાસ થયો.
આ કાર્યક્રમ હેઠળ જે તે વિસ્તારને અનુરૂપ વધુ ઉત્પાદન, વહેલી પાકતી અને રોગ-જીવાત સામે ટકી શકે તેવી જાતોનો વિકાસ કરવામાં આવ્યો. આ વિષય ઉપર સતત પ્રયાસો અને જન-જાગૃતિના પરિણામ સ્વરૂપ લઘુ પોષક અનાજના ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થયો છે અને તેના પર પુરતુ ધ્યાન આપવામાં આવે છે. સરકારી સ્તરે આ માટે વધુ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક બિનસરકારી સંગઠનો તથા સ્વ સહાય જૂથો લઘુ પોષક અનાજની ખેતી, દૈનિક આહારમાં તેનો ઉપયોગ, પ્રોસેસિંગ અને શહેરી ઉચ્ચ વર્ગમાં તેની માંગ વધે તે માટે કાર્ય કરી રહ્યા છે.
તેના પ્રચાર અને પ્રસાર ધ્વારા પ્રોત્સાહન આપવાને કારણે લોકોના ભોજનની થાળીમાં પોષક અનાજ એક હિસ્સો બની રહેલ છે. આ સુખદ સંકેત છે કે જેના ધ્વારા આપણે ફરીથી પોષક અનાજ તરફ વળીને તેનું સંરક્ષણ અને સંવર્ધન કરી આપણી પરંપરાગત સંસ્કૃતિને પુનઃજીવિત કરી ખેડૂતોને સમૃદ્ધ બનાવીશું.
સંદર્ભ : ડ્રીમ 2047, ફેબ્રુઆરી 2023
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail : krushikiran2023@gmail.com
www.krushikiran.in