તે ભારતનું વતની છે. ચીણાને અંગ્રેજીમાં Proso millet કે Common millet કહે છે જેનું વૈજ્ઞાનિક નામ Panicum miliaceum છે.તે હિન્દીમાં ચેના, બારી તરીકે ઓળખાય છે.
પોષણ મૂલ્ય :
ચીણો સારા પ્રમાણમાં પ્રોટીન,કાર્બોહાઇડ્રેટ,ફેટ, ખાદ્ય રેસા, ખનીજતત્વો, મેગ્નેશિયમ, ગૌણ તથા સૂક્ષ્મતત્વો અને એન્ટિઓકસીડેન્ટ ગુણ ધરાવે છે તેમજ દૈનિક કાર્યો માટે જરૂરી ઝિન્ક, વિટામિન બી-૬ અને આયર્ન પુરતા પ્રમાણમાં શરીરને પૂરૂ પાડે છે. તેના ૧૦૦ ગ્રામ દાણા ૭૦.૪ ગ્રામ કાર્બોહાઇડ્રેટસ,૧૨.૫ ગ્રામ પ્રોટીન, ૧.૧ ગ્રામ ફેટ, ૨.૨ ગ્રામ ક્રુડ રેસા, ૧.૯ ગ્રામ ખનીજતત્વો, ૧૪ મિ.ગ્રા. કેલ્શિયમ, ૨૦૬ મિ.ગ્રા. ફોસ્ફરસ અને ૦.૮ મિ.ગ્રા. આયર્ન ધરાવે છે અને ૩૪૧ ગ્રામ શક્તિ (એનર્જી)આપે છે. તે એસિડ પેદા કરતું ન હોઇ સહેલાઇથી પચી જાય છે. તે રેસાથી સમૃદ્ધ હોઇ લાંબા સમય સુધી જઠરને ભરેલું રાખે છે અને વધારે ખાવાનું અટકાવે છે.
ઉપયોગ :
તેના દાણા અતિ લીસા અને પીળા રંગના હોય છે જે ભાતની જેમ રાંધીને ખવાય છે. તેના લોટનો ઉપયોગ રોટલી અને ખીર બનાવવા માટે થાય છે. મોટે ભાગે ઘોડા, મરઘાં, બતકાંને ખવડાવવા માટે વપરાય છે. મરઘાં માટે તે સારો આહાર છે. તેનો ચારો લીલો હોય ત્યારે પશુઓ ખાય છે.તેનું પરાળ પશુઓ માટે સારો ચારો છે.
વાવેતર :
યુરોપમાં રોમન સંસ્કૃતિ વખતથી વાવેતર થાય છે. રશિયામાં પણ વાવેતર થાય છે. ભારતમાં ચીણાનું વાવેતર મુખ્યત્વે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશનો પૂર્વ ભાગ, બિહાર, તામિલનાડુ, મહારાષ્ટ્ર, તેલંગણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટક વગેરે રાજ્યોમાં થાય છે.સામાન્ય રીતે વરસાદ આધારિત વિસ્તારોમાં ચીણાનું વાવેતર ચોમાસા દરમ્યાન કરવામાં આવે છે પરતું જ્યાં પિયતની સવલત હોય ત્યાં ઉનાળામાં આ પાકનું નફાકારક રીતે વાવેતર કરી શકાય છે. નબળી જમીનો અને પ્રતિકુળ હવામાનની પરિસ્થિતિ હોય ત્યાં પણ ચીણાનું સારૂ ઉત્પાદન મળે છે.ચીણો સૂકી પરિસ્થિતિનો સામનો કરી શકે છે અને ઝડપથી પરિપક્વ થાય છે. તે ૬૦ થી ૯૦ દિવસ જેટલા ગાળામાં ઓછા પાણીની જરૂરિયાત વડે થતો પાક હોઇ સૂકા વિસ્તારોમાં તેનું ઘનિષ્ઠ વાવેતર કરી શકાય છે.
ચીણાની જાતો : વિવિધ રાજ્યોમાં વાવેતર કરવામાં આવતી ચીણાની જાતો કોઠા દર્શાવેલ છે.

આબોહવા :
વિશ્વમાં તે સખત પાક (હાર્ડી ક્રોપ) હોઇ તેનું ગરમ પ્રદેશોમાં ઘનિષ્ઠ વાવેતર કરવામાં આવે છે. દુષ્કાળ સામે પ્રતિકાર કરી શકે તેવો પાક હોઇ જે વિસ્તારમાં વરસાદની અછત હોય તેવા વિસ્તારોમાં થઇ શકે છે. કેટલીક હદ સુધી તે પાણીના ભરાવા સામે ટકી શકે છે.
જમીન :
ચીણાનું વાવેતર લોમ થી ભારે કાળી એમ વિવિધ પ્રકારની જમીનોમાં કરી શકાય છે. ચીણાના વાવેતર માટે કાંકરા રહિત અને ઊંચા સેન્દ્રિય તત્વો ધરાવતી જમીન આદર્શ ગણાય છે.
જમીનની તૈયારી :
જમીનને બે થી ત્રણ વખત કરબ મારી સમાર મારી તૈયાર કરવી.ઉનાળામાં જમીન તૈયાર કરતા અગાઉ એક પિયત આપવું જોઇએ.
વાવણી સમય :
- ખરીફ પાક તરીકે ચોમાસુ બેસી ગયા બાદ જુલાઇના માસ અને ઉનાળુ પાક તરીકે જાન્યુઆરી – ફેબ્રુઆરી માસમાં વાવેતર કરવું.
- તામિલનાડુ અને આંધ્રપ્રદેશ રાજ્યમાં રવી પાક તરીકે સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં વાવેતર કરવામાં આવે છે.
- બિહાર અને ઉત્તરપ્રદેશ રાજ્યમાં માર્ચની મધ્યથી મે ના મધ્ય સુધીમાં પિયત પાક (કેચ ક્રોપ) તરીકે વાવેતર કરવામાં આવે છે.
વાવણી અંતર :
બે હાર વચ્ચે ૨૨.૫ થી ૩૦ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૭ થી ૧૦ સે.મી અંતર રાખી વાવેતર કરવું. બિયારણને જમીનમાં ૩ થી ૪ સે.મી ની ની ઊંડાઇએ વાવવું. હારમાં વાવેતર કરવાથી સ્કુરણ સારૂ થાય છે, બિયારણની જરૂરિયાત ઘટે છે અને આંતરખેડ સારી રીતે કરી શકાય છે.
બિયારણનો દર :
હારમાં વાવેતર કરવા માટે હેકટર દીઠ ૧૦ કિ.ગ્રા. બિયારણ અને પૂંકીને વાવેતર કરવા માટે હેકટર દીઠ ૧૫ કિ.ગ્રા. બિયારણની જરૂર રહે છે.
ખાતરો :
પાકની વાવણીના એક માસ અગાઉ હેકટર દીઠ ૫ ટન કમ્પોસ્ટ અથવા છાણિયુ ખાતર જમીનમાં આપવું. સામાન્ય રીતે સારો પાક લેવા માટે હેકટર દીઠ ૪૦+૨૦ +૨૦ કિ.ગ્રા. ના.ફો.પો. ખાતરો આપવાની ભલામણ છે. જમીન ચકાસણી અહેવાલ મુજબ ખાતરો આપવા. પાકની વાવણી સમયે ફોસ્ફરસ અને પોટાશનો પુરેપુરો જથ્થો અને નાઇટ્રોજનનો અડધો જથ્થો આપવો અને નાઇટ્રોજનનો બાકીનો અડધો જથ્થો પાકની વાવણી બાદ ૩૦ દિવસે આપવો. પિયત પાક માટે હેકટર દીઠ ૪૦ થી ૬૦ +૩૦ +૨૦ કિ.ગ્રા. ના.ફો.પો. ખાતરો આપવાની ભલામણ છે.
નીંદામણ અને આંતરખેડ :
હારમાં વાવેતર કરવામાં આવેલ પાક માટે બે આંતરખેડ અને એક હાથનીંદામણ કરવાની ભલામણ છે. પાક ૩૦ દિવસનો થાય તે વખતે કરબડી ધ્વારા આંતરખેડ કરવાની ભલામણ છે. પૂંખીને વાવેતર કરેલ પાકમાં પ્રથમ નીંદામણ પાકના ઉગાવા બાદ ૧૫ થી ૨૦ દિવસે અને બીજુ નીંદામણ પ્રથમ નીંદામણ કર્યા બાદ ૧૫ થી ૨૦ દિવસ બાદ કરવાની ભલામણ છે.
પાક પદ્ધતિ :
બિહાર અને ઉત્તરપ્રદેશમાં ચીણા અને મગ /અડદનું ૨:૧ ના પ્રમાણે હારમાં વાવેતર કરવામાં આવે છે. બિહારમાં બટાટા બાદ ચીણાનું વાવેતર થાય છે.
પિયત :
તેનું વાવેતર મુખ્યત્વે વરસાદ આધારિત પાક તરીકે કરવામાં આવે છે તેથી ખરીફ પાકમાં પિયતની જરૂરિયાત રહેતી નથી. જો વરસાદ વધુ ખેંચાય તો તેવા સમયમાં ફૂટ સમયે, ફૂલો આવે ત્યારે અને દાણા બેસવાની અવસ્થાએ પિયત આપવાની જરૂર પડે છે. જમીનના પ્રકાર અને હવામાનની પરિસ્થિતિને આધારે ઉનાળુ પાકમાં ૨ થી ૫ પિયત આપવાની જરૂર પડે છે.
રોગ :
આ પાકમાં કોઇ ગંભીર રોગનો ઉપદ્રવ જોવા મળતો નથી. ચીણામાં સામાન્ય રીતે અંગારીયો (હેડ સ્મટ) રોગ જોવા મળે છે.
અંગારીયો :
લક્ષણો : ડૂંડામાં દાણાની જગ્યાએ કાળા ભૂકીથી ભરાયેલ દાણા જોવા મળે છે. રોગની તીવ્રતા વધારે હોય તો ડૂંડામાં રોગિષ્ઠ દાણાનું પ્રમાણ વધતાં ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આ રોગ કાપણી પહેલાની ડૂંડા અવસ્થાએ વધુ જોવા મળે છે.
નિયંત્રણ : રોગપ્રેરક બીમાં રહેલ હોઇ એક કિ.ગ્રા. બિયારણને ૩ ગ્રામ સેરેસાન ફુગનાશક દવાનો પટ આપવો અથવા બીને ૫૫૦ સે. ગરમ પાણીમાં ૭ થી ૧૨ મિનિટ માટે પલાળી રાખવાં.
જીવાત :
ચીણામાં મુખ્યત્વે સાંઠાની માખી નામની જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે.
નુકસાન : પાકની વાવણીથી માંડી પાક છ અઠવાડીયાનો થાય તે સમય દરમ્યાન આ જીવાતનું નુકસાન જોવા મળે છે. તેના કીડા સાંઠામાં કોરાણ કરી વિકાસ પામતા પીલાને કાપી ખાય છે પરિણામે વચ્ચેનો પીલોે સુકાઇને મરી જાય છે જેને ‘ડેડ હાર્ટ’ કહે છે. પાછલી અવસ્થાએ ફુટ ઓછી થાય છે. નુકસાન પામેલ ફુટના ડૂંડાં દેખાય છે પરંતુ તેમાં દાણા હોતા નથી.
નિયંત્રણ :
(૧) ચોમાસુ બેસે તેના ૭ થી ૧૦ દિવસ અગાઉ વહેલું વાવેતર કરવું.
(૨) બિયારણના દરમાં વધારો કરવો અને ડેટ હાર્ટ વાળા છોડ દૂર કરવા જેથી ખેતરમાં છોડની આદર્શ સંખ્યા જળવાઇ રહે.
(૩) એક કિલો બિયારણ દીઠ ૧૦ થી ૧૨ મિ.લિ. ઇમિડાક્લોપ્રિડ અથવા ૩ ગ્રામ થાયમેથોકઝામ ૭૦ ડબલ્યુએસ ફુગનાશક દવાનો પટ આપવો.
(૪) પાકની વાવણી સમયે જમીનના ચાસમાં હેકટર દીઠ ૨૦ કિ.ગ્રા. પ્રમાણે કાર્બોફયુરાન (ફયુરાડાન ૩જી) અથવા ફોરેટ ૧૦ જી કીટનાશી દવા આપવી.
કાપણી :
કંટીમાં દાણા પાકટ થયે પાકની કાપણી કરવી. વાવણી બાદ સામાન્ય રીતે ૬૫ થી ૭૫ દિવસે પાક કાપણી લાયક બને છે.
ઉત્પાદન :
હેકટરદીઠ ૨,૦૦૦ થી ૩,૦૦૦ કિ.ગ્રા. દાણા અને ૫,૦૦૦ થી ૬,૦૦૦ કિ.ગ્રા. ઘાસ ઉત્પાદન મળે છે.
સ્ત્રોત : આઇ.આઇ.એમ.આર., હૈદ્રાબાદ
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in