કાંગનું પોષણ મૂલ્ય,ઔષધિય ઉપયોગ અને ભાવિ સંભાવનાઓ (Nutritional value, medicinal uses and future prospects of foxtail millet)

        વિશ્વના સૂકા વિસ્તારોના લોકોના મુળ પરંપરાગત ખોરાક ધાન્યો છે.ધાન્યો ઊંચુ પોષણ મૂલ્ય અને ઊંચા પોષકતત્વો ધરાવવા માટે જાણીતા છે જેમાં પ્રોટીન,આવશ્યક ફેટી એસિડસ,ખાદ્ય રેસા,વિટામિનો અને  કેલ્શિયમ,આયર્ન,ઝિંક,પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનીજતત્વોનો સમાવેશ થાય છે.ર્કાંગને અંગ્રેજીમાં Foxtail millet કહે છે જેનુ વૈજ્ઞાનિક નામ Setaria italica છે.તે એશિયા અને આફ્રિકા ખંડના દેશોમાં મોટા પાયે સૂકા અને અર્ધસૂકા વિસ્તારના  ખેતી પાક તરીકે ઉગાડવામાં આવે છે.તે ખાસ કરીને અજૈવિક તણાવ,સૂકા વિસ્તારો અને નબળી જમીનમાં સાનુકુળ રીતે ઉગાડી શકાય છે.

        ર્કાંગ એ સહેલાઇથી વાવેતર કરી શકાય તેવું ધાન્ય છે.તે પોએસી કુટુંબની સેટારીયા જાતિનો છોડ છે.તે દુનિયામાં પુરાતન કાળથી વવાતો પાક છે.વિવિધ રાજ્યોમાં તે વિવિધ સ્થાનિક નામે ઓળખાય છે જેમ કે હિન્દીમાં ર્કાંગની,કન્નડમાં નવાને,તમિલમાં તેનાઇ અને મરાઠીમાં રાલા.વિશ્વના ઘણા વિસ્તારોમાં તે ગૌણ મહત્ત્વના પાક તરીકે ઉગાડવામાં આવે છે ખાસ કરીને ઉત્તર ચીન વિસ્તાર.તે હાલમાં મુખ્યત્વે ચીન અને ભારત દેશમાં વવાય છે.ભારતમાં હરિયાણા, ગુજરાત,મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ,આંધ્રપ્રદેશ,તામિલનાડુ,રાજસ્થાન, કર્ણાટક,મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ વગેરે રાજ્યોમાં તેનું મુખ્યત્વે વાવેતર થાય છે.તે ૧૨૦ થી ૧૮૫ સે.મી.ઊંચુ થતું સીધુ વધતું,પાતળુ પાન ધરાવતું થડ છે.તે સફેદ લાલ,કાળો,બદામી અથવા પીળા રંગનો ગુંદર આપે છે.તે ગરમ ઋતુનો પાક છે અને સૂકા તથા અર્ધસૂકા વિસ્તારોમાં તેનું વાવેતર કરવામાં આવે છે.ઘાસચારા માટે આ પાકની કાપણી જે તે જાત મુજબ વાવેતરના ૭૦ થી ૭૫ દિવસ  બાદ કરવામાં આવે છે.તે સ્વપરાગિત પાક છે અને ૮૫ થી ૯૫ દિવસે પાકતાં દાણાનું ઉત્પાદન આપે છે.

પોષણ મૂલ્ય :

        ર્કાંગ ઊંચુ પોષણ મૂલ્ય ધરાવે છે.તે ગ્લુટામેટ લ્યુસીન,એલેનાઇન,પ્રોલીન અને એસ્પરેટિક એસિડ વગેરે એમિનો એસિડ ધરાવે છે. તેનામાં આઇસોલ્યુસીન, લ્યુસીન, લાયસીન, મેથિયોનાઇન, ફીનાઇલએલેનાઇન, થ્રીઓનાઇન, વેલાઇન અને ટ્રીપ્ટોફેન એમ આઠ જાતના આવશ્યક એમિનો એસિડ રહેલા છે.તે ફેટી એસિડસ અને ખનીજતત્વો સારા પ્રમાણમાં ધરાવે છે. તે મુખ્યત્વે અસંતૃપ્ત ફેટી એસિડસ લીનોલીક,ઓલીક અને લીનોલેનિક તથા  સંતૃપ્ત ફેટી એસિડસ પાલ્મિટિક અને સ્ટીયરિક ધરાવે છે. તે સહેલાઇથી પાચ્ય અને એલર્જીવિહીન ધાન્ય હોઇ માનવ આરોગ્ય માટે તેનું નોંધપાત્ર મહત્ત્વ છે.તેના દાણા એટલે કે બીજ ૧૦ થી ૧૨ ટકા પ્રોટીન,૪.૭ થી ૬.૬ ટકા ફેટ,૬૦.૬ થી ૬૪.૫ ટકા કાર્બોહાઇડ્રેટ,૨.૨૯ થી ૨.૭૦ ટકા લાયસીન અને ૦.૫૯ મિ.ગ્રા.થાયમિન ધરાવે છે.ર્કાંગ વજનના હિસાબે ૭૫ ટકા કાર્બોહાઇડ્રોટ ધરાવે છે.તે રીડયુસિંગ સુગર સ્ટાર્ચ અને સેલ્યુલોઝ ધરાવે છે જેમાં કાર્બોહાઇડ્રેટના સ્વરૂપે સ્ટાર્ચ મુખ્ય છે.ર્કાંગનું થુંલુ(બ્રાન)કુલ તેલના ૬૭ ટકા લિનાલેેઇક એસિડ ધરાવે છે.ર્કાંગમાં મુખ્યત્વે ઝિએઝેન્થિન,ક્રીપ્ટોઝેન્થિન અને ઝેન્થોફીલ નામનું પીળું રંગદ્રવ્ય રહેલું છે.આ રંગદ્રવ્ય ઊંચી થર્મલ સ્થિરતા ધરાવે છે અને ઓેક્સિડોક્ષન સામે પ્રતિકારક છે પરંતુ પ્રકાશ અને એસિડ માટે સંવેદનશીલ  છે.તે ૫.૪ થી ૧૯.૬ મિ.ગ્રા./કિ.ગ્રા.પીળું રંગદ્રવ્ય ધરાવે છે.તાજેતરમાં થયેલ એક અભ્યાસ મુજબ તેનો ખાદ્ય લોટ કુદરતી એન્ટિઓકસીડેન્ટ ધરાવે છે.કાઁગ ૭૮ થી ૩૬૬ મિ.ગ્રા. કેરોટીનોઇડસ પ્રતિ ૧૦૦ ગ્રામ ધરાવે છે.વિવિધ ધાન્યો જેવા કે રાગી (Little Millet),નાની બાજરી,ર્કાંગ અને ચીણો અનુક્રમે ૧૯૯+૭૭,૭૮+૧૯,૧૭૩+૨૫ અને ૩૬૬+૧૦૪ માઇક્રોગ્રામ/૧૦૦ ગ્રામ પ્રમાણે કુલ કેરોટીનોઇડ ધરાવે છે.તે ઊંચા પ્રમાણમાં ટોકોફીરોલ ધરાવે છે જે બળતરાને ઘટાડે છે.જો કે ર્કોંગમાં ટોકોફીરોલનું સ્તર નીચું છે.રાગી અને ચીણાની જાતો ૩.૬ થી ૪ મિ.ગ્રા/૧૦૦ ગ્રામ ટોકોફીરોલ જ્યારે ર્કોંગ અને નાની બાજરી ૧.૩ મિ.ગ્રા./ ૧૦૦ ગ્રામ  ટોકોફીરોલ ધરાવે છે.રાગી,નાની બાજરી,ર્કાંગ અને ચીણો કુલ એન્ટિઓકસીડેન્ટ ક્ષમતા અનુક્રમે ૧૫.૩+૩.૫,૪.૮+૧.૮,૫.૦+૦.૦૯ અને ૫.૧+૧.૦ mM TE/g ધરાવે છે.ટુંકમાં આ ધાન્યો એન્ટિઓકસીડેન્ટ માટેના સારા સ્ત્રોત છે. ઓછો ગ્લાયસેમિક આંક ધરાવતા ડાયાબીટીસના દર્દી માટે ખાદ્ય તરીકે આવા ધાન્યો અનુકુળ છે.ર્કાંગમાં રહેલ ફાયટિક એસિડ અને ટેનિન જેવા પ્રતિપોષકદ્રવ્યોને યોગ્ય પ્રક્રિયા ધ્વારા ઘટાડી શકાય છે.ર્કાંગ સાથે અન્ય ધાન્યોના પોષકતત્વોના પ્રમાણની માહિતી કોઠામાં દર્શાવેલ છેઃ

વિવિધ ધાન્યોમાં રહેલ પોષકતત્વો(૧૦૦ ગ્રામમાં)

ઔષધિય ઉપયોગ :

               ર્કાંગ તમારી ભૂખને સુધારવામાં મદદ કરે છે.તેમાં રહેલ ઊંચા ટેનિનને કારણે તે એક સારો બંધક/સ્તંભક છે.તે મૂત્રવધર્ક હોઇ મૂત્રપિંડની કામગીરીમાં સુધારો કરવામાં મદદ કરે છે જે ર્કાંગનો મોટામાં મોટો આરોગ્યલક્ષી ફાયદો છે.તે ચામડીને સુંવાળી બનાવે છે.તે લોહીમાં શર્કરા અને કાલેસ્ટીરોલના પ્રમાણનું નિયંત્રણ કરે છે.તે ઊંચું એન્ટિઓકસીડેન્ટનું પ્રમાણ  ધરાવે છે જે બળતરા ઘટાડવામાં,કેન્સર થતું અટકાવવામાં,વૃદ્ધાવસ્થા અટકાવવામાં વગેરેમાં લાભકર્તા છે.તે કુદરતી રીતે ગ્લુટેન મુકત હોઇ એકંદરે આરોગ્યમાં સુધારો કરે છે.

           ઉપરોકત માહિતીને ધ્યાને લઇ સંશોધન ધ્વારા ર્કાંગની સારી ગુણવત્તા ધરવતી જાતોનો વિકાસ કરવો જોઇએ અને આવા ધાન્યના ઉત્પાદન તથા તેના ઉદ્યોગોના વિકાસ માટે પ્રોત્સાહન પૂરૂ પાડવું જોઇએ.

ભાવિ આશાઃ

           વર્તમાન સમયે ર્કાંગની સારી ગુણવત્તા ધરાવતું જર્મપ્લાઝમનો સ્ત્રોત મર્યાદિત પણે ઉપલબ્ધ છે અને જનીનિક રીતે તેનું ગુણવત્તા આધારિત સંવર્ધન કરવું મુશ્કેલ છે તેમ છતાં ર્કાંગના પોષકતત્વો અંગે સંશોધન ધ્વારા પ્રસિદ્ધ થયેલ વિવિધ અહેવાલો મુજબ તેનુ હજુ વધુ સારી રીતે પૃથકકરણ કરવુ જરૂરી છે અને સારી ગુણવત્તા ધરાવતી જાતો શોધવા માટે ર્કાંગના સંવર્ધન અંગેના કાર્યક્રમો હાથ ધરવા જોઇએ.


સંદર્ભઃ ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ,ઓગસ્ટ-૨૦૨૧


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *