બ્રાઉન ટોપ મિલેટ/છોટી કંગનીની ખેતી (Brown top millet/ Korale millet farming)

        બ્રાઉન ટોપ મિલેટ એ એક પ્રકારનું ઘાસ છે. તેને હિન્દીમાં છોટી કંગની, મક્રા કે મુરાત કહે છે. તેનું અંગ્રેજી નામ Brown Top Millet કે Korale Millet અને વૈજ્ઞાનિક નામBrachiaria ramosa છે. તે ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાનું વતની છે. તે ભારતના દરેક રાજ્યમાં નીંદણ તરીકે ઉગતું જોવા મળે છે.

        બ્રાઉનટોપ મિલેટ ઊંચા પ્રમાણમાં પોષકતત્વો ધરાવતો હોઇ ગ્રામ્ય વિસ્તારોમાં કુપોષણ અને શહેરી તથા અર્ધશહેરી વિસ્તારોમાં જીવનશૈલીને કારણે થતા રોગોમાં લાભદાયી છે. બુદેલખંડ વિસ્તારમાં મર્યાદિત પ્રમાણમાં તેનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે.બ્રાઉન ટોપ મિલેટ એ ઝડપી ચારાનું ઉત્પાદન આપવા માટે જાણીતું છે. તે નાળિયેરી અને સોપારીના પાકમાં કવર પાક, જમીનનું ધોવાણ અટકાવવા અને ચારા ઉત્પાદન એમ વિવિધ હેતુઓ માટે ઉછેરવામાં આવે છે. તેનાં છોડના પાન અણીદાર હોઇ નાળિયેરી અને સોપારીના પાકમાં ઉંદરોને ખેતરમાં ઘુસણખોરી કરતા અટકાવવા માટે ખેડૂતો આ પાકની વાવણી કરે છે.

ઇતિહાસ :

        તે ઇ.સ. પૂર્વે ૩૦૦૦ દરમ્યાન દક્ષિણ એશિયાના દક્ષિણ ભારત અને ઉત્તર ભારત વિસ્તારનું વતની મનાય છે. તેનો દક્ષિણમાં ડેક્કન થી તામિલનાડુ અને ઉત્તરમાં ગુજરાત સુધી ઇ.સ પૂર્વે ૨૦૦૦ વર્ષના અંત પહેલાં પ્રસાર થયો હતો. આ સમય દરમ્યાન સ્થાનિક મિલેટ અને ચણા તથા કળથી સાથે તેનું વાવેતર થતું હતું. સમય જતાં તેનો ઉપયોગ ઘટતો ગયો. ઇ.સ. ૭૦૦ માં મહારાષ્ટ્રના પાઇથાન વિસ્તારમાં તેની હાજરી હતી. ત્યારબાદ જુવાર અને કાંગ જેવા વધુ ઉત્પાદન આપતા મિલેટનું વાવેતર વધતાં તેનું વાવેતર ધીરે ધીરે ઘટતું ગયું.સને ૧૯૧૫ માં ભારતથી તેની આયાત કરી, યુ.એસ ના જ્યોર્જીયા, ફલોરીડા અને અલાબામાના એક લાખ એકર વિસ્તારમાં દર વર્ષે તેનું વાવેતર થાય છે.

વાવેતરઃ

        તેનું દક્ષિણ ભારતમાં મર્યાદિત વાવેતર થાય છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશની હદવાળા સૂકા વિસ્તારો જેવા કે કર્ણાટકના તુમકુર, ચિત્રદુર્ગ અને ચિક્કાબલ્લાપુરા જીલ્લાઓ અને આંધ્રપ્રદેશના અનંતપુર જીલ્લામાં તેનું વાવેતર થાય છે. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં તેનું ગૌણ પાક તરીકે ખોરાક તથા ઘાસચારા માટે વાવેતર થાય છે.બ્રાઉન ટોપ મિલેટ દુષ્કાળ અને ગરમીનો સામનો કરી શકે છે. જ્યાં પાણી ભરાઇ રહેતું હોય તેવા વિસ્તારોમાં તેનું વાવેતર કરી શકાય છે.તે આમલીના વૃક્ષોની છાંયામાં પણ ઉગી શકે છે. કર્ણાટકના પાગગઢ, મધુગિરિ અને સિરા જેવા સ્થળોએ આજે પણ આમલીના વૃક્ષોની છાંયામાં થાય છે.

ઉપયોગ :

        યુ.એ.સ. માં તેના બીજ બટેર, કબુતર અને રમત પક્ષી  (ગેઇમ બર્ડ) ને ખોરાક તરીકે આપવામાં આવે છે.તે ઓછા ખર્ચે પક્ષીઓ માટેનો ખોરાક એટલે કે બી આપે છે. તે બાજરી કરતાં જલદીથી ઉગતો છોડ હોઇ ઘાસચારાના પાક તરીકે ઉગાડાય છે.

પોષણ અને ઔષધિય મૂલ્ય :

        બ્રાઉન ટોપ મિલેટ એ ફક્ત પોષણદાયી જ નહિ ઘણું સ્વાદિષ્ટ પણ છે.તે કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વોથી સમૃદ્ધ છે. તે ગ્લુટેન વિહીન અને જરૂરી પોષકતત્વોથી સમૃદ્ધ છે. તે અન્ય ધાન્યોની સરખામણીએ કુદરતી રેસાનો સમૃદ્ધ સ્ત્રોત છે. તે ૧૨.૫ ટકા રેસા ધરાવે છે તેથી જીવનશૈલીને કારણે થતા રોગોમાં તે ઔષધિ તરીકે વપરાય છે. તે ઓછો ગ્લાયસેમિક આંક ધરાવે છે તેથી ડાયાબીટીસના દર્દીઓ માટે લાભદાયી ખોરાક છે. કાયમ આ મિલેટનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તેઓમાં રક્તવાહિનીના રોગ, જઠરનાં ચાંદાં અને ડાયાબિટીસ જેવા રોગો ઘણા ઓછા જોવા મળે છે.

આબોહવા :

        તે સખત પાક છે. તે સૂકા વિસ્તારો માટે અનુકુળ છે. તે સમુદ્રની સપાટીથી ૨૫૦૦ મીટર ઊંચાઇ સુધી થઇ શકે છે.પ્રતિકુળ વાતાવરણની પરિસ્થિતિમાં પણ ટકી શકે છે.

જમીન :

        તે નબળી ખડકાળ અને છછરી જમીનોમાં થઇ શકે છે. તે વિવિધ પ્રકારની જમીનોમાં થઇ શકે છે પરંતુ સારા નિતારવાળી લોમ પ્રકારની જમીન વધુ માફક આવે છે.

જમીનની તૈયારી :

        તેના બીના સારા સ્કુરણ માટે એક હળની ખેડ અને કરબની બે આંતરખેડ કરવી જોઇએ.

વાવણી :

        મોટા ભાગના સ્થળોએ એપ્રિલના મધ્યથી ઓગષ્ટના મધ્ય દરમિયાન વાવેતર કરી શકાય છે. મોટા ભાગના વિસ્તારોમાં જુલાઇથી ઓગષ્ટ માસ દરમ્યાન વાવણી કરવામાં આવે છે.તેથી વધુ મોડી વાવણી કરવામાં આવે તોે ઉત્પાદન ઓછુ મળી શકે છે તે ટુંકા ગાળાનો પાક હોઇ જો ચોમાસુ મોડુ બેસે તો ઓગષ્ટના અંતે પણ તેની વાવણી કરી શકાય છે. તેનું એકલ પાક તરીકે અથવા અન્ય પાક કે અન્ય મિલેટ સાથે મિશ્ર પાક તરીકે વાવેતર થાય છે ચણા સાથે મિશ્ર પાક તરીકે ચણાની દર ૧૨ હાર બાદ એક હાર બ્રાઉનટોપ મિલેટની રાખવામાં આવે છે.

બિયારણનો દર :

        તેનું પૂંખીને પણ વાવેતર થાય છે. હારમાં વાવેતર કરવા માટે હેકટર દીઠ ૧૦ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે.

વાવણી અંતર :

        બે હાર વચ્ચે ૪૫ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૧૦ સે.મી. અંતર રાખી વાવેતર કરવું. બી જમીનમાં ૩ થી ૪ સે.મી. ઊંડે વાવવું.હારમાં વાવેતર કરવાની ભલામણ છે.

બીની માવજત :

        એક કિલો બિયારણને નાઇટ્રોજન ફીક્ષ કરતા જીવાણુઓ Azospirullum  brasilense  ૨૫ ગ્રામ અને ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ ફુગ Aspergillus awamori ૨૫ ગ્રામનો પટ આપવો લાભદાયી છે.

ખાતરો :

        વાવણીના એક માસ અગાઉ હેકટર દીઠ ૫ થી ૬ ટન છાણિયુ ખાતર આપવું. હેકટરદીઠ ૪૦+૨૦+૨૦ કિ.ગ્રા.ના.ફો.પો.ની ભલામણ છે. પુરેપુરો ફોસ્ફરસ અને પોટાશ તથા અડધો નાઇટ્રોજન વાવણી સમયે પાયાના ખાતર તરીકે અને બાકીનો અડધો નાઇટ્રોજન વાવણી બાદ ૩૦ દિવસે આપવો.

પિયત :

        ખરીફ ઋતુમાં પિયત આપવાની જરૂર પડતી નથી. જો લાંબો સમય માટે દુકાળની સ્થિતિ હોય તો વાવણી બાદ ૨૫ થી ૩૦ દિવસે ફુટ સમયે અને વાવણી બાદ ૪૫ થી ૫૦ દિવસે કંટી નીકળવાના સમયે પિયત આપવું.

નીંદણ વ્યવસ્થાઃ

        વાવણીના પ્રથમ ૩૦ દિવસ દરમ્યાન પાકને નીંદણ મુક્ત રાખવો જરૂરી છે. આંતરખેડ અને એક હાથનીંદામણ અસરકારક નીંદણ વ્યવસ્થા માટે જરૂરી છે.

કાપણી :

        આ પાક અંદાજ ૫૦ થી ૬૦ દિવસના ટુંકા ગાળે કાપણી માટે તૈયાર થાય છે.

ઉત્પાદન :

        હેકટર દીઠ ૧,૭૦૦ થી ૨,૦૦૦ કિ.ગ્રા. દાણા અને ૧૦ ટ્રેકટર ભરાય તેટલો સારી ગુણવત્તાવાળો ચારો મળે છે.

કર્ણાટકમાં બ્રાઉનટોપ મિલેટની ખેતી :

         માન્ડય જીલ્લામાં સતત ત્રણ વર્ષ દુષ્કાળ પડેલ તેથી આ વિસ્તારના ખેડૂતોએ બ્રાઉન ટોપ મિલેટનું ફરીથી વાવેતર કરવાનું શરૂ કરેલ છે. આ વિસ્તારમાં ખરીફ અને રવી પાકોના વાવેતર માટે કૃષ્ણ રાજા સાગર ડેમમાંથી પાણી પૂરૂ પાડવામાં આવતું હતું. પરંતુ પાણીની ખેેંચને કારણે ખેડૂતોએ પિયત પાકોને બદલે અન્ય વૈકલ્પિક પાકની શોધમાં હતા સને ૨૦૧૫ માં સહજ સમૃદ્ધ ધ્વારા એક વર્કશોપ અને મિલેટ મેળાનું આયોજન કરવામાં આવેલ તે સમયે રવી ઋતુમાં વૈકલ્પિક પાક તરીકે બ્રાઉન ટોપ મિલેટ વિષે માહિતી આપવામાં આવેલ. પાકની જાતો દુષ્કાળનો સામનો કરી શકે તેવી હોઇ ખેડૂતોએ તેની વાવણી કરી સફળતાપૂર્વક ઊંચુ ઉત્પાદન મેળવેલ.

ખેડૂત અનુભવ :

        હાલેબુદાનુરૂના ખેડૂત પુટ્ટાસ્વામી જણાવે છે કે ‘‘મિલેટને વધુ પાણી જોઇતું નથી અને ડાંગરની સરખામણીએ તેની ખેતી સરળ છે. મેં બ્રાઉન ટોપ મિલેટની ખેતી કરી અને સખત ઉનાળો તથા ભેજના ઘટાડાને કારણે વધુ ઉત્પાદન મળશે તેવી આશા ન હતી પણ મારા  આશ્ચર્ય વચ્ચે આ પાકે દુષ્કાળ હોવા છતાં સારૂ ઉત્પાદન આપેલ. વધુમાં પાકમાં કોઇ જીવાતો કે રોગોનો ઉપદ્રવ પણ જોવા મળેલ ન હતો’’ તેઓ યાદ કરી જણાવે છે કે “બ્રાઉન ટોપ મિલેટ માન્ડય પ્રદેશનો મુખ્ય પાક અને ખોરાક હતો અને છેલ્લા ત્રણ થી ચાર દસકામાં તેની જગ્યા ડાંગર અને ઘઉંના પાકે લીધી છે.”

        માન્ડય જીલ્લા ગુલુરૂડોડ્ડીના ખેડૂત શ્રી સી.પી.કૃષ્ણા જણાવે છે કે “ફ્કત બિયારણ ખરીદવા સિવાય અન્ય કોઇ ખર્ચ કરેલ નથી અને રાસાયણિક ખાતરો કે જંતુનાશકો વાપરેલ નથી. ખેતરમાં રહેલ ભેજ વડે પાક સારી રીતે થયેલ અને સારૂ ઉત્પાદન મળેલ હતું. હવે અમે સમજ્યા કે ખેડૂતોએ પાણીની તંગી હોઇ સૂકા વિસ્તારમાં આવા સખત પાક ઉગાડી લાભ લેવા જોઇએ.” તુમકુર જીલ્લાના સીતા તાલુકાના હેનડોર ગામના બ્રાઉન ટોપનું બિયારણ પેદા કરતા, મૂલ્ય વર્ધન અને માર્કેટિંગ સાથે સંકળાયેલ શ્રી રઘુ જણાવે છે કે “ઓછા ખર્ચે બ્રાઉન ટોપ મિલેટની ખેતી થાય છે. ઓછામાં ઓછુ રોકાણ કરી ખેડૂતો નોંધપ્રાત્ર રીતે વધારે વળતર મેળવે છે.”

        ઉત્તર કર્ણાટકના કેટલાક ભાગોમાં તેની ખેતી પ્રચલિત થઇ છે. ઘારવાડ જીલ્લાના કુંડગોલ તાલુકાના હનુમાનહલ્લી અને મથીઘટ્ટા ગામોના ઘણા ખેડૂતોએ બ્રાઉન ટોપ મિલેટની ખેતી શરૂ કરી છે. તે છાંયામાં થતો પાક હોઇ કોપ્પાલ વિસ્તારના કેટલાક ખેડૂતોએ પણ છેલ્લા ત્રણ વર્ષથી અન્ય પાકોને બદલે તેની ખેતી શરૂ કરી છે. હાલ કર્ણાટકના અંદાજે ૨૦૦૦ થી વધુ ખેડૂતો આ પાકની ખેતી કરે છે.

પાક સામેના પડકારો :

        હવામાન પરિવર્તનને કારણે ખેડૂતો વૈકલ્પિક પાક તરીકે બ્રાઉન ટોપ મિલેટની ખેતી કરી શકે છે. તેની ખેતી સરળ છે પરંતુ તેના બીજ ઉપર સખત પડ હોઇ તેનું પ્રોસેસિંગ કરવું મુશ્કેલ છે. તેના પરિણામે ખેડૂતો ૧૦૦ કિલો બીમાંથી ફક્ત ૪૦ થી ૫૦ કિ.ગ્રા દાણા મેળવી શકે છે. પહેલાં બીજ ઉપરનું પડ દળવાના પથ્થર વડે છુટુ પાડવામાં આવતું હતું જે હવે જોવામાં આવતા નથી. ફલોર મિલમાં નાગલીની જેમ તેનું પ્રોસેસિંગ કરવામાં આવે છે. તેના દાણાનું કદ નાનું હોઇ ફ્લોર મિલમાં પ્રોસેસિંગ દરમ્યાન કાળજી રાખવી પડે છે. કેટલીક વાર પ્રોસેસિંગ કર્યા બાદ પણ દાણા ઉપર છોતરૂ રહી જાય છે જે માટે તેને ઝાટકવું પડે છે. આથી તેના નાના દાણાને લક્ષમાં રાખી યોગ્ય ડીઝાઇન ધરાવતી પ્રોસેસિંગ મશીનરી વિકસાવવાની જરૂર છે. આજથી ત્રીસ વર્ષ પહેલાં બ્રાઉન ટોપ મિલેટને બદલે મગફળીનું વાવેતર કરવામાં આવેલ હતું. જો તેનું પ્રોસેસિંગ સરળ રીતે થઇ શકે તો બ્રાઉન ટોપ મિલેટમાંથી સારી આવક મળી શકે.

        આ પાકના ઘણા લાભો હોવા છતાં કેટલાક ચોક્કસ વિસ્તારો સુધી જ તેની ખેતી પ્રચલિત બની છે. તે ઓછા પ્રમાણમાં લેવામાં આવતો પાક છે અને લુપ્ત થવાને આરે છે પણ જો તેના સરળ પ્રોસેસિંગ માટેના સાધનોની શોધ કરવામાં આવે તો અન્નની સલામતી, કુપોષણ, હવામાન પરિવર્તન વગેરે સમસ્યાઓનો હલ કરી ખેડૂતોની આજીવિકાનું રક્ષણ કરી શકાય.


સ્ત્રોત : Leisa India અને આઇ.આઇ.એમ.આર., હૈદ્રાબાદ


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *