ટુંકા અને લાંબા ગાળા દરમિયાન પાકના સંતોષકારક વિકાસ કરવાની જમીનની ક્ષમતાને જમીનની ફળદ્રુપતા કહી શકાય. જમીનની ફળદ્રુપતા જાળવવા માટે સેન્દ્રિય પદાર્થો જરૂરી છે. તે જમીનની ભૌતિક સ્થિતિને સારી રીતે જાળવી રાખે છે જેમાં જમીનનો બાંધો, હવાની અવરજવર અને ભેજધારણશક્તિનો સમાવેશ થાય છે. જમીનમાંથી મળતા પોષકતત્વો પાણીમાં દ્રાવ્ય થઇ પાકના મૂળ મારફતે શોષાય છે. પાકના તંદુરસ્ત વિકાસ માટે જમીનોમાં રહેલા આ પોષકતત્વો પુરતાં નથી. ઓર્ગેનિક ખેતીના વાવેતરમાં સેન્દ્રિય ખાતરો/સેન્દ્રિય પદાર્થો જમીનમાં નાખતાં તે પોષકતત્વોનો ઉમેરો કરે છે. સામાન્ય રીતે જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા પ્રાથમિક ખાતરોની ઉણપ જોવા મળે છે કારણકે પાક તેના વિકાસ અને જીવન માટે આ પોષકતત્વો મોટા જથ્થામાં વાપરે છે. ઓર્ગેનિક ખેતીમાં લાંબા ગાળા સુધી જમીનની ઉત્પાદકતા ટકાવી રાખવી અથવા તેમાં વધારો કરવો એ ચાવીરૂપ બાબત છે. તેથી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરવાં જોઇએ જેથી જમીનના ભૌૈતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મો જાળવી શકાય અથવા તેમાં સુધારણા થાય, જમીનનું ધોવાણ ઘટાડી શકાય, પાકને પોષકતત્વો પુરા પાડી શકાય, જમીનની ફળદ્રુપતા જાળવી શકાય, જમીનમાં સેન્દ્રિય પદાર્થોની જાળવણી કરી શકાય અથવા સુધારણા થાય પરતું તેની સાથે પાક, જમીન અને પાણીને પોષકતત્વો, રોગકારકો, ભારે ધાતુઓ અથવા પ્રતિબંધિત પદાર્થોના અવશેષોથી થતું નુકસાન ઘટાડી શકાય તે જરૂરી છે.
ઓર્ગેનિક ખેતી ધરાવતા મિલેટના ખેતરોમાં વધારાના પોષકતત્વોનો નાશ થયા વિના જમીનની ઉત્પાદકતા જળવાય અથવા સુધારો થાય તે મુજબના પાકને જરૂરી પોષકતત્વો આર્થિક રીતે મળે તેવી પોષણ વ્યવસ્થા ગોઠવવી જોઇએ. જમીનમાંના પોષકતત્વોની પ્રાપ્યતા જમીનના વિવિધ ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણો તથા પાક પદ્ધતિ સાથે તેની પ્રતિક્રિયા ઉપર આધાર રાખે છે. પાકનો સારો વિકાસ એ જમીનની ઉત્પાદકતા દર્શાવતી શ્રેષ્ઠ સૂચક છે અને મોટા ભાગની જમીનોના ગુણો પાકના વિકાસના આધારે માપવામાં આવે છે.
મિલેટ ઉગાડતા ખેડૂતોએ ઉત્પાદકતા ટકાવી રાખવા જમીનના ભૌતિક અને રાસાયણિક ગુણોમાં સુધારણા કરવા માટે નીચે દર્શાવેલ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઇએ.
(૧) સેન્દ્રિય પદાર્થો જમીનમાં ઉમેરવા :
(ક) સેન્દ્રિય ખાતરો :
મિલેટમાં ઓર્ગેનિક ઉત્પાદન મેળવવા માટે જમીનમાં સેન્દ્રિય ખાતરો ઉમેરવાં એ પોષકતત્વોની પ્રાપ્તિનો અમૂલ્ય સ્ત્રોત છે. પાકને બધા જ પોષકતત્વોની માંગ પુરી પાડવા માટે સેન્દ્રિય ખાતરો આપતાં ફોસ્ફરસ જેવા કેટલાક તત્વોમાં વધારો થાય છે કારણ કે પાક ફોસ્ફરસ કરતાં નાઇટ્રોજન અને પોટાશનો વધુ ઉપયોગ કરે છે એટલે કે જમીનમાંથી શોષે છે. સેન્દ્રિય ખાતરોના ઉપયોગથી જમીનમાં ઉમેરાતો વધારાનો ફોસ્ફરસ પાકને નુકસાનકારક નથી પરંતુ તેનો ધોવાણ થવાથી નાશ થાય છે. ઓર્ગેનિક ખેતી પદ્ધતિમાં સેન્દ્રિય ખાતરોમાં રહેલો નાઇટ્રૌજન જૈવિક રીતે સ્થિર થાય તે જરૂરી છે. ઓર્ગેનિક ખાતરો પાકની કાપણીના ૧૨૦ દિવસ પહેલાં જમીનમાં આપવાં જોઇએ જેથી પાક તેમાંના પોષકતત્વો શોષી શકે. વિવિધ ઓર્ગેનિક ખાતરોમાં રહેલ સરેરાશ પોષકતત્વોની માહિતી કોઠામાં દર્શાવેલ છે. ઓર્ગેનિક ખાતરોમાં રહેલ પોષકતત્વોના પ્રમાણનો આધાર ખાતર બનાવવાની રીત, સંગ્રહ, હેરફેર, પશુઓને આપવામાં આવતો આહાર, પશુની ઉંમર અને હવામાનની પરિસ્થિતિ વગેરે ઉપર રહેલો છે.
ઓર્ગેનિક ખાતરોમાં રહેલ સરેરાશ પોષકતત્વો
ક્રમ | ઓર્ગેનિક ખાતર | નાઇટ્રોજન (ટકા) | ફોસ્ફરસ(ટકા) | પોટાશ(ટકા) |
(ક) સેન્દ્રિય ખાતરો | ||||
૧ | પશુઓનું છાણ | ૦.૩-૦.૪ | ૦.૧-૦.૨ | ૦.૧-૦.૩ |
૨ | ઢોરનું તાજુ છાણ | ૦.૪-૦.૫ | ૦.૩-૦.૪ | ૦.૩-૦.૪ |
૩ | ઘોડાનું તાજુ છાણ | ૦.૫ | ૦.૪-૦.૬ | ૦.૩-૦.૧ |
૪ | મરઘાંનુ તાજુ ખાતર | ૧.૦-૧.૮ | ૧.૪-૧.૮ | ૦.૮-૦.૯ |
૫ | સુએજ સ્લજ (સૂકુ) | ૨.૦-૩.૫ | ૧.૦-૫.૦ | ૦.૨-૦.૫ |
૬ | સુએજ સ્લજ (એક્ટીવેટ ડ્રાય) | ૪.૦-૭.૦ | ૨.૧-૪.૨ | ૦.૫-૦.૭ |
૭ | ઢોરનું મૂત્ર | ૦.૯-૧.૨ | ઘણી ઓછી માત્રામાં | ૦.૫-૧.૦ |
૮ | માનવ મૂત્ર | ૦.૬-૧.૦ | ૦.૧-૦.૨ | ૦.૨-૦.૩ |
૯ | ઘેટાંનું મૂત્ર | ૧.૫-૧.૭ | ઘણી ઓછી માત્રામાં | ૧.૮-૨.૦ |
૧૦ | કોલસાની રાખ | ૦.૭૩ | ૦.૪૫ | ૦.૫૩ |
૧૧ | ઘરની રાખ | ૦.૫-૧.૯ | ૧.૬-૪.૨ | ૨.૩-૧૨.૦ |
૧૨ | લાકડાંની રાખ | ૦.૧-૦.૨ | ૦.૮-૫.૯ | ૧.૫-૩૬.૦ |
૧૩ | ગ્રામ્ય કમ્પોસ્ટ (સૂકુ) | ૦.૫-૧.૦ | ૦.૪.૦.૮ | ૦.૮-૧.૨ |
૧૪ | શહેરી કમ્પોસ્ટ (સૂકુ) | ૦.૭-૨.૦ | ૦.૯-૩.૦ | ૧.૦-૨.૦ |
૧૫ | છાણિયુ ખાતર | ૦.૪-૧.૫ | ૦.૩-૦.૯ | ૦.૩-૧.૯ |
૧૬ | ફિલ્ટર પ્રેસ કેક | ૧.૦-૧.૫ | ૪.૦-૫.૦ | ૨.૦-૭.૦ |
૧૭ | ડાંગરની ફોતરી (હસ્ક) | ૦.૩-૦.૫ | ૦.૨-૦.૫ | ૦.૩-૦.૫ |
૧૮ | મગફળીનાં ફોતરાં | ૧.૬-૧.૮ | ૦.૩-૦.૫ | ૧.૧-૧.૭ |
૧૯ | કેળ (સૂકા) | ૦.૬૧ | ૦-૧૨ | ૧.૦ |
(ખ) અખાદ્ય ખોળ | ||||
૧ | દિવેલીનો ખોળ | ૪.૩ | ૧.૮ | ૧.૩ |
૨ | કપાસિયાનો ખોળ | ૩.૯ | ૧.૮ | ૧.૬ |
૩ | કરંજનો ખોળ | ૩.૯ | ૦.૯ | ૧.૬ |
૪ | મહૂડાનો ખોળ | ૨.૫ | ૦.૮ | ૧.૮ |
૫ | લીમડાનો ખોળ | ૫.૨ | ૧.૦ | ૧.૪ |
૬ | કસુંબીનો ખોળ | ૪.૯ | ૧.૪ | ૧.૨ |
(ગ) ખાદ્ય ખોળ | ||||
૧ | કોપરાનો ખોળ | ૩.૦ | ૧.૯ | ૧.૮ |
૨ | મગફળીનો ખોળ | ૭.૩ | ૧.૫ | ૧.૩ |
૩ | રામતલનો ખોળ | ૪.૭ | ૧.૮ | ૧.૩ |
૪ | સરસવનો ખોળ | ૫.૨ | ૧.૮ | ૧.૨ |
૫ | તલનો ખોળ | ૬.૨ | ૨.૦ | ૧.૨ |
આવા ખાતરોમાં નાઇટ્રોજન કાર્બનિક અને એમોનિયમ સ્વરૂપે રહેલો હોય છે. એમોનિયા રૂપે રહેલ નાઇટ્રોજન ત્વરિત પાકને પ્રાપ્ય બને છે એટલે તેનો નાશ થતો નથી. પાકને ઓમોનિયા રૂપે નાઇટ્રોજનની પ્રાપ્તિનો આધાર ખાતર અપવાની રીત, સમય, ઉષ્ણતામાન, વરસાદ અને પિયત ઉપર રહેલો છે. ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોએ પાકની માંગ મુજબ સેન્દ્રિય ખાતરો રૂપે નાઇટ્રોજન પાકને મળી રહે તેવી ખેતી પદ્ધતિ અપનાવવી જોઇએ. પરંપરાગત રીતે ઓર્ગેનિક ખાતરો પાકની વાવણી પહેલાં જમીનમાં આપવામાં આવે છે કે જે ધ્વારા પાક નાઇટ્રોજન મેળવે છે. ઓર્ગેનિક પાકને નિયમિત રીતે એક થી વધુ હપ્તે સેન્દ્રિય ખાતરો ધ્વારા નાઇટ્રોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.
(ખ) કમ્પોસ્ટ :
મોટા જથ્થામાં રહેલ ઓર્ગેનિક કચરાનું નિયંત્રિત પરિસ્થિતિમાં જૈવિક પ્રક્રિયા ધ્વારા કહોવાણ કરી વધુ પોષકતત્વો ધરાવતું કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવામાં આવે છે. મોટા જથ્થામાં ઓર્ગેનિક પદાર્થોની સરખામણીએ કમ્પોસ્ટને હેરફેર કરવામાં સરળતા રહે છે તેમજ કમ્પોસ્ટની પ્રક્રિયા દરમ્યાન કેટલાક રોગકારકો અને નીંદણના બીજનો નાશ થાય છે. તાજા ઓર્ગેનિક પદાર્થોની સરખામણીએ કમ્પોસ્ટ ઓછી ખરાબ વાસ અને પ્રમાણમાં ઓછા સૂક્ષ્મજીવો ધરાવે છે તેમજ તેનાથી સૂક્ષ્મજીવોનો ચેપ લાગવાનું જોખમ ઓછુ રહે છે. તૈયાર થયેલ કમ્પોસ્ટમાં કાર્બન : નાઇટ્રોજનનો ગુણોત્તર ૨૦:૧ થી ઓછો હોય છે. કમ્પોસ્ટ ખેતરમાં આપતાં પહેલા પાકની વાવણી દરમ્યાન તેમાં રહેલ મોટા ભાગનો નાઇટ્રેટ અને એમોનિયમ પાકને લભ્ય થાય છે અને બાકીનો ફક્ત ૧૫ ટકા ઓર્ગેનિક નાઇટ્રોજન બીજી ઋતુના પાકને પ્રાપ્ત થાય છે. કમ્પોસ્ટ નાઇટ્રોજન ઉપરાંત અન્ય તત્વો તથા સૂક્ષ્મતત્વોનો મહત્ત્વનો સ્ત્રોત છે. અન્ય સેન્દ્રિય પદાર્થોની માફક કમ્પોસ્ટ જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ, કેટાયન વિનિમય ક્ષમતા, જમીનની છીદ્રાળુતા, જમીનની સ્થિરતા અને ભેજધારણ ક્ષમતામાં સુધારો કરે છે. જો કે આ માટે વર્તમાન તબક્કે જમીનમાં રહેલ સેન્દ્રિય પદાર્થોનું સ્તર અગત્યનું છે. જમીનમાં કમ્પોસ્ટ આપ્યા બાદ જમીનના જૈવિક ગુણધર્મો જેવા કે સૂક્ષ્મજીવોની સંખ્યા, સૂક્ષ્મજીવોની ઉત્સેચકીય પ્રવૃત્તિ અને નાઇટ્રિફિકેશન ક્ષમતા વગેરેમાં વધારો થાય છે. કમ્પોસ્ટના આવા લાભો હોવા છતાં સેન્દ્રિય ખાતરો હજુ પ્રખ્યાત છે કારણકે કમ્પોસ્ટ બનાવવા માટે વધુ ખર્ચ કરવો પડે છે અને કમ્પોસ્ટની પ્રક્રિયા દરમ્યાન નાઇટ્રોજનના પ્રમાણમાં ઘટાડો થાય છે.
(ગ) જૈવિક ખાતરો (બાયોફર્ટિલાઇઝર્સ) :
જૈવિક ખાતરો એ જૈવિક રીતે સક્રિય પદાર્થો છે અથવા જીવાણુ, ફુગ, આલ્ગી વગેરે સૂક્ષ્મજીવો ધરાવે છે જે સીધી કે આડકતરી રીતે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. કેટલાક સૂક્ષ્મજીવો છોડને પોષકતત્વોનું શોષણ કરવામાં મદદ કરે છે અને એ રીતે છોડના ચયાપચયની ક્રિયામાં સીધો લાભ કરે છે. આ જૈવિક ખાતરો એવી રીતે બનાવેલ છે કે જે પોષકતત્વોની લભ્યતા અને શોષણમાં વધારો કરે છે, પાકના વિકાસને ઉત્તેજન આપે છે, જૈવિક રીતે નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે, જીવાતો અને રોગો સામે રક્ષણ પૂરૂ પાડે છે, જૈવિક ખાતરો બનાવટ મુજબ તેના હેતુ પ્રમાણે જમીનમાં, છંટકાવથી અથવા બિયારણને પટ આપવા માટે વાપરવામાં આવે છે. જૈવિક ખાતરો ઓછાથી મધ્યમ પ્રમાણમાં સેન્દ્રિય પદાર્થો અને પોષકતત્વોની પ્રાપ્યતા ધરાવતી જમીનોમાં આપતાં કે છંટકાવ કરતાં વધુ ફાયદો કરે છે. ત્રણ ટકાથી વધુ સેન્દ્રિય પદાર્થો ધરાવતી જમીનમાં જૈવિક ખાતરો આપતાં તેના ભાગ્યે જ લાભ જોવા મળે છે.
મિલેટસના પાકોને નાઇટ્રોજનને સ્થિર કરે તથા ફોસ્ફરસ અને પોટેશિયમને દ્રાવ્ય બનાવે તેવી જાતના જૈવિક ખાતરો આપવામાં આવે છે. એઝોસ્પાયરીલમ હવામાંના નાઇટ્રોજનનું એમોનિયા રૂપે સ્થિરીકરણ કરે છે. બેસિલસ અને શ્યૂડોમોનાસ એવા સૂક્ષ્મજીવો છે જે ફોસ્ફરસને દ્રાવ્ય બનાવે છે. તે જમીનના પીએચમાં ઘટાડો કરી જમીનની સાથે જકડાયેલ ફોસ્ફેટને છૂટો પાડી પાકને લભ્ય બનાવે છે. તે ચૂનાવાળી જમીનોમાં વધુ અસરકારક છે. માયકોરાઇઝા નામની ફુગ જમીનમાંનો ફોરસ્ફરસ, ઝિન્ક અને કોપરને છોડના મૂળ મારફતે શોષે છે.
(૨) કવર પાક (કવર ક્રોપ) :
કવર પાક જમીનના ભૌતિક ગુણો પોષકતત્વોનું ચક્ર અને જમીનમાંના સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિઓમાં સુધારો કરી શકે છે. વધારામાં તે જમીનમાં રહેલ નાઇટ્રોજનને ઉડી જતો કે નિતાર ધ્વારા થતો વ્યય અટકાવે છે. કાર્બનિક નાઇટ્રોેજનના અન્ય સ્ત્રોતની માફક કવર પાકના જથ્થામાં રહેલ નાઇટ્રોજન ત્યારપછી જમીનમાં લેવામાં આવતા પાકને પ્રાપ્ય થતો નથી. કવર પાકના અવશેષોેનો કાર્બન નાઇટ્રોજન ગુણોતર અગત્યનો ગણવામાં આવે છે. કેટલીક જાતો (દા.ત ઘાસ) ઊંચો કાર્બન નાઇટ્રોજનને ગુણોત્તર (>૨૦:૧) ધરાવે છે જે જમીનમાંના નાઈટ્રોજનને ટુંકા સમયમાં સ્થિર કરે છે જ્યારે કઠોળ જેવા પાકોની જાતો નીચો કાર્બન નાઇટ્રોજન ગુણોત્તર (<૨૦:૧) ધરાવે છે જે કહોવાતાં તૈયારીમાં જ નાઇટ્રોજન પાકને પ્રાપ્ય થાય છે. તેથી કવર પાકને પુખ્ત થાય તે પહેલાં કાર્બન નાઇટ્રોજન ગુણોત્તર વધે તે પહેલાં જમીનમાં દબાવી દેવા જોઇએ અને તેના અવશેષોના કહોવાણ, કાર્બનિક નાઇટ્રોજનનું ખનીજીકરણ અને જમીનમાં ભેજ જળવાય તે માટે પૂરતો સમય આપવો જોઇએ. અંતમાં કવર પાક તરીકે કઠોળપાકો વાવી તેનું ફૂલ આવે તે અવસ્થાએ અને પાકની રોપણીનાં એક અથવા બે અઠવાડીયા પહેલાં જમીનમાં દબાવી દેવા જોઇએ. કવર પાકની સાથે ઓર્ગેનિક સુધારકો વાપરતાં પાકની ફોસ્ફરસ, પોટેશિયમ અને સૂક્ષ્મતત્વોની માંગ પુરી થાય છે અને ઓર્ગેનિક ઉત્પાદનમાં ઓછા ખર્ચે પોષકતત્વો સ્ત્રોત કવર પાક ધ્વારા પુરો પાડી શકાય છે.
(૩)લીલા ખાતરો : લીલાં પાંદડાં, કહોવાયા વિનાના છોડનો ઉપયોગ ખાતર તરીકે કરીએ ત્યારે તેને લીલા ખાતરો કહેવામાં આવે છે. તે બે પ્રકારે મેળવી શકાય છે. એક તો ખરાબાની પડતર જમીન, ખેતરના પાળા અને જંગલોમાં લીલાં પાંદડાં આપતા છોડ ઉછેરી તેનાં પાંદડાં, કુમળી કુંપળો ભેગી કરી લીલા ખાતર તરીકે વપરાય છે. બીજુ કઠોળ વર્ગના છોડને ખેતરમાં ઉગાડી તેનો વિકાસ થયા બાદ જમીનમાં દબાવી દેવામાં આવે છે જેને લીલો પડવાશ કહે છે. લીલા પડવાશના અગત્યના પાકોમાં શણ, ઇક્કડ, પિલ્લિપેસારા (Pillipesara), ગુવાર અને સીસબેનિયા (Sesbania rostrana) નો સમાવેશ થાય છે.
લીલા પડવાશના પાકો અને લીલાં પાંદડાંના ખાતરમાં રહેલ પોષકતત્વો
ક્રમ | વિગત | વૈજ્ઞાનિક નામ | નાઇટ્રોજન (ટકા) | ફાસ્ફરસ ટકા | પોટાશ ટકા |
(ક) લીલા પડવાશના પાકો | |||||
૧ | શણ | Crotalaria juncea | ૨.૩૦ | ૦.૫૦ | ૧.૮૦ |
૨ | ઇક્કડ | Sesbania aculeata | ૩.૫૦ | ૦.૬૦ | ૧.૨૦ |
૩ | સીસબેનિયા | Sesbania speciosa | ૨.૭૧ | ૦.૫૩ | ૨.૨૧ |
(ગ) લીલાં પાંદડાંનુ ખાતર | |||||
૧ | વન વૃક્ષોના પાંદડાં | – | ૧.૨૦ | ૦.૬૦ | ૦.૪૦ |
૨ | લીલાં નીંદણોના પાંદડાં | – | ૦.૮૦ | ૦.૩૦ | ૦.૨૦ |
૩ | કરંજનાં પાદડાં | Pongamia glabra | ૩.૩૧ | ૦.૪૪ | ૨.૩૯ |
(૪) પાકની ફેરબદલી : પાકની ફેરબદલી જમીનના ભૌતિક ગુણોમાં સુધારણા, જીવાત વ્યવસ્થા, પોષકતત્વોની લભ્યતા, પોષકતત્વોના ઉપયોગની અસરકારકતા અને પાક ઉત્પાદનમાં નોંધપાત્ર ફાળો આપે છે. પાકની ફેરબદલીમાં કઠોળપાકોના ઉપયોગ જૈવિક રીતે નાઇટ્રોજનનું મૂળની ગાંઠોમાં સંગ્રહ કરી ત્યાર બાદ કરવામાં આવતા પાક માટે નાઇટ્રોજન પુરો પાડે છે જ્યારે કઠોળ વર્ગ સિવાયના પાકો ઓછા પ્રમાણમાં નાઇટ્રોજન સ્થિર કરે છે. ઘાસચારા તરીકે ઉગાડાતાં કઠોળ ધાન્ય અથવા શાકભાજી તરીકે ઉગાડતા કઠોળ કરતાં વધુ પ્રમાણમાં નાઇટ્રોજન જમા કરે છે. કવર પાક ધ્વારા મળતા નાઇટ્રોજનની સરખામણીએ ઘાસચારા તરીકે ઉગાડાતા કઠોળ તેના વાનસ્પતિ જથ્થા ધ્વારા વધુ નાઇટ્રોજન ઉમેરે છે. ધાન્યપાક અને બિનકઠોળ પાકો વારાફરતી ઉગાડવાથી જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો વધારો કરી શકાય છે.
(૫) મિશ્ર પાક પદ્ધતિ :
આ પદ્ધતિમાં ખેતી સાથે પશુપાલન એટલે કે પાકોના વાવેતરની સાથે પશુઓનો ઉછેર પણ કરવામાં આવે છે. પશુઓના છાણમાંથી છાણિયુ ખાતર બનાવી ખેતરમાં આપવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે જેને પરિણામે પાકના ઉત્પાદનમાં વધારો થાય છે.
(૬) પાક અવશેષ વ્યવસ્થાપન :
પાકના અવશેષોને જમીનમાં ઉમેરતાં પવન અને પાણીથી થતું જમીનનું ધોવાણ અટકે છે અને જમીનમાં ભેજ જળવાય છે. પાકના અવશેષોમાં જૈવિક પ્રક્રિયા કરી કમ્પોસ્ટ ખાતર બનાવી ખેતરમાં નાખી જમીનની ફળદ્રુપતામાં વધારો કરી શકાય છે.
ઓર્ગેનિક ખેતીમાં પોષણ વ્યવસ્થા એ લાંબા સમયનું આયોજન માંગે છે અને તેમાં વિવિધ ખેતી પદ્ધતિઓ અને ઇનપુટસનું સંકલન કરવું જોઇએ.
સંદર્ભ : એન ઇનસાઇટ ઇનટુ ઓર્ગેનિક ફાર્મિંગ ઇન ન્યુ નટ્રિસીરીયલ્સ, એઆઇસીઆરપી ઓન સ્મોલ મિલેટસ એઆરએસ, વિઝિઆનગર, આચાર્ય એન.જી.રંગા એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, ગુન્ટુર, અધ્રપ્રદેશ
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in