મિલેટમાં પાક સંરક્ષણ (Plant protection in millets)

        મિલેટમાં જીવાત નિયંત્રણના ધનિષ્ઠ પગલાંઓમાં પ્રથમ પગલું જીવાતને પાકમાં આવતી અટકાવવી તે છે. પાકમાં જીવાત અને રોગો આવતા અટકાવવા માટે ખેતીની સારી પદ્ધતિઓ જેવી કે ઉનાળામાં ઊંડી ખેડ કરવી, દરેક પાકની કાપણી બાદ ખેતરના શેઢા-પાળા સ્વસ્છ કરવા, ખેતરમાંથી પાક અવશેષોને દૂર કરવા રોગિષ્ઠ છોડને ઉપાડીને બાળી  નાખવા, પિયતના પાણી ધ્વારા ચેપને લાગતો અટકાવવો વગેરે અપનાવવાથી રોગ-જીવાત આવવાની શક્યતાઓ ઘટી જાય છે.

        જુવાર તેમજ અન્ય મિલેટ પાકોમાં નીચેના પગલાં લેવાથી રોગ-જીવાતનો ઉપદ્રવ થતો અટકાવી શકાય છે.

(૧) ખેતરમાંથી ગાભમારાની ઇયળ ધરાવતી કંટીઓવાળા છોડને ઉપાડી બાળી નાખવાથી ગાભમારાની ઇયળોના ઉપદ્ધવમાં ઘટાડો થાય છે. ચોમાસા પહેલાં પાકનાં જડીયાં ઢોરને ખવડાવી કે બાળી દેવાથી ભવિષ્યમાં તેનો ઉપદ્ધવ વધતો અટકે છે.

(૨) નીંદણો વૈકલ્પિક યજમાન છોડ, વોલન્ટીયર પાકો અને પાકની જંગલી જાતો વગેરે ગાભમારાની ઇયળ, સાંઠાની માખી, દાણાની મીંજ, શેરડીની મોલો, કણસલાંના ચૂસિયાં અને કંટીમાં લાગતી અન્ય જીવાતોને દૂર રાખે છે. ખેતરના શેઢા-પાળા અને આજુબાજુના વિસ્તારોમાંથી રોગકારકોના યજમાન છોડને દુર કરવાથી અરગટ, તળછારો, ગેરૂ, બ્લાસ્ટ, પાનનાં ટપકાં અને જીવાણુ તથા વિષાણુથી થતા રોગોને આવતા અટકાવી શકાય છે.

(૩) પાકની રોપણી પહેલાં અને પાકની કાપણી બાદ, ઊંડી ખેડ કરવાંથી ગાભમારાની ઇયળ, તીતીઘોડા, કાતરા અને ઘૈણ (ડોળ) જેવી જીવાતોનો પરજીવીઓ, પરભક્ષીઓ અને હવામાનની વિષમ પરિસ્થતિ જેવી કે ઊંચું તાપમાન અને ઓછા સાપેક્ષ ભેજને કારણે નાશ પામે છે. તે જમીન મારફતે ફેલાતા રોગો કે તળછારો, અંગારીયા, ચાર્કોલ રોટ અને કેટલાક ફુગ અને જીવાણુથી પાન ઉપર થતા રોગો વગેરેનો ચેપ ઘટાડવામાં મદદ કરે છે.

(૪) ચોમાસાની શરૂઆતમાં જ વહેલી વાવણી કરવાથી સાંઠાની માખીનું નુકસાન ઘટાડવામાં મદદ કરે છે

(૫) વાવણીમાં બિચારણનો દર દોઢ ગણો રાખવો અને છોડની આદર્શ સંખ્યા જાળવવા માટે મોડી છાંટણી કરવાથી સાંઠાની માખીનું નુકસાન ઓછુ કરી શકાય છે. છોડની આદર્શ સંખ્યા હેકટર ૧.૫ થી ૨ લાખ જેટલી જાળવવા માટે મોટા ભાગના મિલેટમાં હેકટરે ૮ થી ૧૦ કિ.ગ્રા. બિયારણ વાપરવાની ભલામણ કરવામાં આવે છે.

(૬) છોડ વચ્ચે આદર્શ અંતર જાળવવાથી અને નાઇટ્રોજન ખાતરના જથ્થાનું નિયમન કરવાથી બ્લાસ્ટ, તળછારો અને ચાર્કોલ રોટ જેવા રોગો ઘટાડી શકાય છે.

(૭) પાકમાં અંતરખેડ કરવાથી સાંઠાની માખી, ઘૈણ (ડોળ) અને લશ્કરી કીડાના કોશેટા પરજીવીઓ,પરભક્ષીઓ અને હવામાનની વિષમ પરિસ્થતિઓને લીધે નાશ પામે છે.

(૮) સમયસર નીંદામણ કરવાથી સાંઠાની માખી, ગાભમારાની ઇયળ, લશ્કરી કીડા વગેરેના યજમાન છોડ એટલે કે નીંદણોનો નાશ થવાથી તેઓને ઇંડાં મૂકવાની જગ્યા મળતી નથી જેને કારણે આ જીવાતોથી થતું નુકસાન ઘટે છે.

(૯) બિયારણને યાંત્રિક રીતે સાફ કરવાથી અને ૩૦ ટકા મીઠાના દ્રાવણમાં પલાળવાથી અરગટના ચેપવાળા બી દૂર થાય છે. બિયારણના પ્લોટોમાં આ રીતે અરગટના રોગને આવતો અટકાવી શકાય છે.

(૧૦) અંગારીયાના રોગની વ્યવસ્થા કરવા માટે ખેડૂતોને આ રોગ અંગેની જાણકારી હોવી જરૂરી છે. ખેતીમાં ચોખ્ખાઇ રાખવા અંગારીયાવાળી કંટીઓને કાપડની કોથળીમાં એકઠી કરી ઉકળતા પાણીમાં પલાળીને રોગકારકોનો નાશ કરવો જેથી બીજા વર્ષે ખેતીમાં આ રોગો નહિવત જોવા મળે

(૧૧) કેટલીક જીવાતો વિષાણુથી થતા રોગોના વાહક તરીકે કાર્ય કરે છે. આમ જીવાતો વિષાણુથી થતા નુકસાનવાળા ભાગ મારફતે કેટલીકવાર જીવાણુઓ પ્રવેશી રોગ પેદા કરે છે. આમ જીવાત નિયંત્રણ પણ આવા રોગોને થતા અટકાવે છે.

(૧૨) ખેતરને પડતર રાખવાથી કેટલીક જીવાતોની વસ્તી કાબૂમાં રહેતાં  ઉપદ્રવ ઘટે છે.

(૧૩) પાકની ફેરબદલી કરવાથી કેટલીક જીવાતોનો ઉપદ્રવ તેની સાંકળ તૂટતાં ઘટે છે. સામાન્ય રીતે જુવારના પાકની ફેરબદલી કપાસ, મગફળી  અથવા શેરડીના પાક સાથે થાય છે. પાકની ફેરબદલી સાંઠાની માખી, ગાભમારાની ઇયળ, દાણાની મીંજ, શેરડીની મોલો, કણસલાનાં ચૂસિયાં વગેરે જીવાતો અને જમીન મારફતે ચેપ ફેલાવતા રોગ જેવા કે તળછારો, અંગારીયો, ચારકોલ રોટ અને કેટલાક જીવાણુઓ તથા ફુગથી પાનમાં થતાં રોગો સામે વધુ અસરકારક છે.

(૧૪) ખેતરમાં લાઇટ ટ્રેપનો ઉપયોગ કરતાં ગાભમારાની ઇયળ, દાણાની મીંજ, બીટલ અને જીવાતોના ફુદાં વગેરે પુખ્ત આકર્ષાઇ નાશ પામે છે તેમજ આવી જીવાતોના  ઉપદ્રવ જાણકારી મળે છે.

(૧૫) હેકટરદીઠ ૧૨ જેટલા ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી જીંડવા કોરી ખાનાર ઇયળ, ગાભમાંરાની ઇયળ, ગુલાબી ઇયળ, લશ્કરી ઇયળ વગેરેની નિગાહ અને મોેજણી કરી શકાય છે.

(૧૬) જીવાત અને રોગ સામે પ્રતિકાર કરી શકે તેવી જાતોનો ઉપયોગ કરવો.

(ખ) રક્ષણાત્મક પગલાં :

        પાકોમાં રોગ-જીવાત નિવારવા માટેનાં પગલાં લેવામાં આવે તો તેના નિયંત્રણ માટે જૈવ નિયંત્રકો (Bio Control Agents) અથવા જૈવ જંતુનાશકો (Bio-Pesticides) નો ઉપયોગ કરવો જોઇએ.

(૧) જૈવ નિયંત્રકો :

        ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે હેકટર દીઠ તેના ઇંડાના પરજીવી એક લાખ ટ્રાયકોગ્રામા ચિલોનીસ (ટ્રાયકો કાર્ડ) ખેતરમાં છોડવા.

        જમીન મારફતે ફેલાતો રોગો અને જીવાતોના નિયંત્રણ માટે જૈવ નિયંત્રકોનો ઉપયોગ કરવો. ચારકોલ રોટનો ઉપદ્રવ અટકાવવા માટે અને બીનું વજન વધારવા શ્યૂડોમોનાઝ સ્પી. ના ટાલ્ક ફોર્મ્યલેશનનો બિયારણને પટ આપવો. ગૌણ (નાના) મિલેટમાં ફુટ રોટ અને શીથ રોટને અટકાવવા માટે ટ્રાયકોડર્મા અને શ્યૂડોમોનાઝની કેટલીક ખાસ સ્ટ્રેઇનનો જૈવ નિયંત્રક તરીકે ઉપયોગ કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવું.

(૨) રસાયણો :

        સામાન્ય રીતે મિલેટમાં રોગ-જીવાતની નિયંત્રણ વ્યવસ્થા માટે જંતુનાશક રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી, તેમ છતાં કોઇવાર નાછૂટકે રોગ-જીવાતના નિંયત્રણ માટે રસાયણોનો ઉપયોગ કરવો પડે છે. તેમાં પણ મોટે ભાગે બિયારણની માવજત માટે અને પ્રસંગોપાત જ છંટકાવ તરીકે રસાયણોનો ઉપયોગ કરવો જોઇએ.

(૩) રસાયણોનો આદર્શ પ્રમાણમાં ઉપયોગ :

        જંતુનાશક રસાયણોનો આદર્શ પ્રમાણમાં (નહિ ઓછા વધુ) ઉપયોગ કરવામાં આવે તો તે વાતાવરણને નુકસાન કરે છે અને ઓછા પ્રમાણમાં તેનો ઉપયોગથી કદાચ જીવાતની વસ્તીમાં પ્રતિકાર પેદા કરવા માટે પ્રોત્સાહન મળી શકે છે. દરેક રસાયણની જાણકારી મેળવી તેનો પ્રમાણસર જ ઉપયોગ કરવો જોઇએ. રસાયણનો કયા સમયે અને કઇ રીતે ઉપયોગ કરવો તે પાક જીવાત અને રસાયણ ઉપર આધાર રાખે છે. મિલેટની જીવાતો અને રોગો વિષે જે તે ભલામણ કરેલ રસાયણો જ વાપરવાં હિતાવહ છે.

જીવાતોના નિયંત્રણ માટે જંતુનાશકોનો ઉપયોગ :

(૧) બિયારણને માવજત : છોડની સંખ્યા જાળવવા, બિયારણને જૂસ્સાથી ઉગાડવા અને સાંઠાની માખી કણસલાંની જીવાતો અને રસ ચૂસતી જીવાતોના નિયંત્રણ માટે એક કિલોગ્રામ બિયારણને ૦.૧૬૫ ઇમિડાક્લોપ્રિડ અથવા ૩ ગ્રામ થાયોમેથોક્ઝામ ૭૦ ડબલ્યુએસ દવાનો પટ આપવો.

(૨) સાંઠાની માખીના ઉપદ્રવને નાથવા માટે હેકટર દીઠ ૨૫ કિ.ગ્રા કાર્બોફયુરાન ૩ જી ચાસમાં આપવી. જો ચાંઠાની માખીના ઉપદ્રવથી ૫ થી ૧૦ ટકા છોડમાં ‘ડેડ હાર્ટ’ નું નુકસાન જોવા મળે તો હેકટરદીઠ ૭૫૦ મિ.લિ. સાયપરમેથ્રિન ૧૦ ઇસી અથવા ૪૦૦ ગ્રામ કિવનાલફોસ ૨૫ ઇસી દવાનો છંટકાવ કરવો.

(૩) ગાભમારાની ઇયળોના નિયંત્રણ માટે હેકટરદીઠ ૮ થી ૧૨ કિ.ગ્રા કાર્બોફયુરાન ૩ જી દાણાદાર દવા ટોચના ભાગમાં આપવી અથવા મેટાસીસ્ટોક્ષ ૨૫ ઇસી દવાનો ૨ મિ.લિ. પ્રતિ લિટર મુજબ સમગ્ર ખેતરમાં છંટકાવ કરવો.

(૪) દાણાની મીજના નિયંત્રણ માટે ૫૦ ટકા ફૂલો આવ્યા હોય તે અવસ્થાએ ૦.૫ મિ.લિ. પ્રતિ લિટર પ્રમાણે સાયપરમેથ્રિન ૨૫ ઇસી દવાનો છંટકાવ કરવો.

(૫) કણસલાનાં ચૂસિયાં (કણસલાં દીઠ ૧ કે ૨) અને કણસલાંની ઇયળ (કણસલાં દીઠ ૨ થી ૩ ઇયળો ) નો ઉપદ્રવ  હોય તો ફૂલોની અવસ્થા પૂર્ણ થતી હોય અને દુધીયા દાણાના તબક્કે સાયપરમેથ્રિન ૨૫ ઇસી દવાનો ૦.૫ મિ.લિ પ્રતિ લિટર પ્રમાણે છંટકાવ કરવો.

(૬) લશ્કરી કીડા (કટ વર્મ), કાતરા વગેરેના નિયંત્રણ માટે ૧૦ કિ.ગ્રા રાઇસ બ્રાન (ચોખાનાં રાડાં) + ૧ કિ.ગ્રા. ગોળ + ૧ લિટર કિવનાલફોસ ૨૫ ઇસી ને મિશ્ર કરી ઝેરી પ્રલોભિકા તૈયાર કરી સાંજના સમયે તેની નાની ગોળીઓ બનાવી ખેતરમાં પૂંકી દેવી.

(૭) વેબ વર્મ (હેલિકોવર્પા, સેમીલૂપર) ના નિયંત્રણ માટે હેકટર દીઠ ૨૦ થી ૨૫ કિ.ગ્રા. પ્રમાણે મેલોથિયોન ૫ ટકા ભૂૂકીનો છંટકાવ કરવો.

(૮) મોલો, ચૂસિયાં વગેરે રસ ચૂસનાર જીવાતોના નિયંત્રણ માટે ૦.૦૩ ટકા ડાયમિથોઅટ, ૦.૦૪ ટકા લીંબોળીનું દ્રાવણ તથા સાબુનો છંટકાવ કરવો.

(૯) પાનકથીરીના નિયંત્રણ માટે ૨ મિ.લિ. ડાયકોફોલ ૧૮.૫ ઇસી પ્રતિ લિટર પ્રમાણે છંટકાવ કરવો.

(૧૦) ઊધઇનો ઉપદ્રવ જમીનમાં જોવા મળતો હોય તો વાવણી સમયે હેકટરદીઠ ક્લોરપાયરીફોસ ૫ ડી દવા ૩૫ કિ.ગ્રા. પ્રમાણે જમીનમાં આપવી. જો ઊભા પાકમાં ઊધઇનો ઉપદ્રવ જોવા મળે તો હેકટર દીઠ ૫ લિટર પાણીમાં ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી દવા મિશ્ર કરી તેને ૫૦ કિ.ગ્રા. માટીમાં મેળવીને એકસરખી રીતે ખેતરમાં હળવું પિયત આપ્યા બાદ પૂંકી દેવી.

(૧૧)સફેદ ઘૈણના નિયંત્રણ માટે ઊભાપાકમાં ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી અથવા કિવનાલફોસ ૨૫ ઇસી ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે આપવી અથવા હેકટર દીઠ ૩૦૦ મિ.લિ. ઇમિડાક્લોપ્રિડ ૧૭.૮ એસએલ દવાનું જમીનમાં ડ્રેિન્ચંગ કરવું.

        મિલેટમાં અન્ય સંકલિત જીવાત વ્યવસ્થાના (IPM) વિકસાવવામાં આવ્યા નથી તેથી મુખ્યત્વે જીવાતોને અટકાવવા માટેનાં અને જરૂરી જણાય તો મિલેટ માટે પણ આઇપીએમ પેકેજ વિકસાવી તેને પ્રોેત્સાહન આપવું જોઇએ.

જંતુનાશકોના સલામત અને અસરકારક ઉપયોગ માટેનું માર્ગદર્શન :

(ક) જતુનાશકોેની ખરીદી :

(૧)પ્રખ્યાત કંપનીઓ પાસેથી જરૂરિયાત મુજબની જંતુનાશક દવાઓ ખરીદવી.

(૨) દવાઓ ખરીદતી વખતે તેનું પેકેટ સીલબંધ છે કે નહી, તેની સાઇઝ અને વાપરવાની અંતિમ તારીખ એક્ષપાયરી ડેટ ચેક કરી લેવી.

(૩) દવાઓની ખરીદી બાબતે બીલ કે રીસીપ્ટ દુકાનદાર પાસેથી લેવાનું ચૂકવું નહિ.

(ખ) સંગ્રહ :

(૧) વધુ પડતો બિનજરૂરી સ્ટોકનોે સંગ્રહ ન કરો.

(૨) દવાઓનો હંમેશા સલામત રીતે સંગ્રહ કરો.

(૩) દવાઓ બાળકોથી, આગથી, સીધા સૂર્યપ્રકાશથી, અનધિકૃત વ્યક્તિઓ, પ્રાણીઓ અને ખાદ્ય પદાર્થોથી દૂર રાખો.

(૪) દવાઓના લીકેજ, નુકસાન અને દવા વપરાશની અંતિમ તારીખ બાબતે નિયમિત તપાસ કરતા રહો.

(ગ) દવાઓ વાપરતી વખતે :

(૧) દવાના લીફલેટ ઉપર આપેલી માહિતી કે સૂચનાઓને અનુસરો.

(૨) દવાઓ માટે ભલામણ કરેલ ડોઝને જ અનુસરો.

(૩) પ્રવાહી દવાઓને પાણીમાં યોગ્ય માપ મુજબ મિશ્ર કરો અને પાણીમાં દ્રાવ્ય ભૂકા રૂપ દવાઓને થોડા પાણીમાં ઓગાળી ત્યારબાદ પંપમાં લેવી.

(૪) પંપને તેના યોગ્ય સ્તર સુધી પાણી ભરી સરસ રીતે દવાના મિશ્રણને હલાવવું.

(ઘ) દવાઓને મિશ્ર કરતી વખતે :

(૧) દવાઓને ચામડીથી દૂર રાખવા માટે હાથમોજાં પહેરવાં.

(૨) પ્રવાહી દવા માટે જગ કે ડબા અને ભૂકા રૂપ દવાઓ માટે ચમચા જેવા સાધનોનો ઉપયોગ કરવો.

(૩) દવા છંટકાવ માટે શુદ્ધ પાણીનો ઉપયોગ કરવો.

(૪) સ્પ્રે પંપની ટાંકીમાં દવાઓ નાખવા માટે ગળણી કે ફિલ્ટરનો ઉપયોગ કરવો.

(ચ) ખેતરમાં દવાઓનો ઉપયોગ :

(૧) યોગ્ય તાલીમ લીધા વિના દવાઓનો ઉપયોગ ન કરવો.

(૨) દવાઓના છંટકાવ સમયે અન્ય મજૂરોને ખેતરમાં પ્રવેશવા દેવા નહિ

(૩) દવા છંટકાવ માટે યોગ્ય પરિસ્થિતિ છે કે નહિ તે જોવું.

(૪) પવનની ગતિ વધારે હોય ત્યારે દવાઓનો છંટકાવ કરવો નહિ.

(છ) દવાઓ માટે ગણતરી જરૂરી :

(૧) જીવાતના ઉપદ્રવ બાબતે નિયમિત ગાળે ખેતરની મુલાકાત લઇ નજર રાખવી.

(૨) જીવાત નિયંત્રણના ઉપાયો માટે સ્થાનિક કૃષિ નિષ્ણાતોનો તાત્કાલિક સંપર્ક સાધવો.

(૩) દવાઓ કેટલી લેવી તેની ગણતરી જે તે સૂત્ર મુજબ કરવી.

(૪) ભૂકા રૂપી દવાઓ તેના ભલામણ કરેલ ડોઝ મુજબ વજન કરીને લેવી.

(૫) ખેતરમાં ઝીણા ફોરે દવા દરેક છોડ ઉપર છંટાય તે રીતે છાંટવી.

(૬) પાકના જે તે તબક્કા મુજબ સ્પ્રેયરના પ્રકાર પ્રમાણે અંદાજે હેકટરે કેટલા લિટર જથ્થો જોઇએ તે નીચેના કોઠામાં દર્શાવેલ છે.

ક્રમસ્પ્રેનો પ્રકારહેકટરદીઠ પ્રવાહી દવાનો જથ્થો
અલ્ટ્રા લો વોલ્યુમ૬.૨૫ લિટર ઓછો
લો વોલ્યુમ-ઊંચી સાંદ્રતા૧૨.૫૦ થી ૩૭.૫ લિટર
લો વોલ્યુમ-મધ્યમ સાંદ્રતા૭૫ થી ૨૫૦ લિટર
હાઇ વોલ્યુમ૨૫૦ થી ૭૫૦ લિટર

સ્ત્રોત : મેન્યુઅલ ઓન ગુડ એગ્રિકલ્ચરલ પ્રેકટાઇસીસ ઇન મિલેટસ, આઇઆઇએમઆર, રાજેન્દ્રનગર, હૈદ્રાબાદ


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *