નવી ટેકનોલોજી અપનાવી કૃષિ ઉત્પાદનમાં વધારો કરો (Enhancing production through new technologies)

        કૃષિ ટેકનોલોજીમાં વિવિધ પ્રકારની સુધારેલી પધ્ધતિઓ, રીતો, સાધનો, પ્રક્રિયાઓ અને પ્રોડકટસ વગેરેનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ કરી ખેડૂતો ખેતીમાં ઉત્પાદન, ઉત્પાદકતા, ઈનપુટનો નફાકારક રીતે ઉપયોગ કરી પોતે સારૂ ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે છે. સામાન્ય રીતે ટેકનોલોજીનો ઉપયોગ માનવની પરિસ્થિતિ, કુદરતી પર્યાવરણ અને અન્ય સામાજીક-આર્થિક પ્રવૃત્તિઓમાં સુધારણા કરવા માટે થાય છે. કૃષિ ટેકનોલોજી એ વિવિધ સામગ્રી, પ્રક્રિયાઓ અને જ્ઞાનના મિશ્રણ ધ્વારા પેદા થતી એક જટીલ ટેકનોલોજી છે.

કૃષિ ટેકનોલોજીનું વર્ગીકરણ :

        કૃષિ ટેકનોલોજીનું બે રીતે વર્ગીકરણ કરવામાં આવે છે.

() હાર્ડવેર (મટેરીયલ ટેકનોલોજી) : તેમાં વિવિધ સામગ્રી જેવી કે સાધનો, ખેતરસાયણો, બિયારણ, દવાઓ વગેરેનો સમાવેશ થાય છે.

() સોફટવેર (નોલેજ બેઝડ ટેકનોલોજી) : તેમાં જ્ઞાન, વ્યવસ્થાકીય કુશળતા અને અન્ય પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે કે જેના થકી ખેડૂતો કે ગ્રામ્ય લોકો પોતાના વ્યવસાયમાં સારૂ ઉત્પાદન મેળવી શકે છે. ટેકનોલોજીના સંદર્ભમાં માનવી જ્ઞાનને અપનાવી ઉપલબ્ધ સ્ત્રોતોનો સંયુક્ત રીતે ઉપયોગ કરી ઈચ્છિત પ્રોડક્ટ પેદા કરી શકે છે, મુશ્કેલીઓનું નિરાકરણ કરી શકે છે, જરૂરિયાતો પુરી પાડી શકે છે, પોતાની ઈચ્છાઓ સંતોષી શકે છે જે માટે વિવિધ તાંત્રિક પધ્ધતિઓ, કુશળતાઓ, પ્રક્રિયાઓ, વિવિધ સામગ્રી (ઈનપુટસ), ટુલ્સ, સાધનો વગેરેનો ઉપયોગ કરવો જરૂરી છે.

ટેકનોલોજીનો વિકાસ :

        કૃષિમાં સંશોધન અને વિકાસ ધ્વારા જે તાંત્રિકતાઓની ભલામણ થાય તેને ઉપરના સ્તરેથી ખેડૂત સુધી પરંપરાગત રીતે પહોંચાડવામાં આવતી. ખેડૂતો પોતાની આર્થિક સ્થિતિ મુજબ તેનો પુરેપુરો, અડધો કે અંશતઃ અમલ કરતા હતા. નવીન સંશોધનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કેન્દ્રોની પ્રયોગશાળાઓ કે સંશોધન કેન્દ્રો પરથી વિવિધ સ્ત્રોતો મારફતે ખેડૂતો સુધી પહોંચાડવામાં આવતા. આવા સ્ત્રોતોમાં સંશોધન વિચાર ધરાવતા ખેડૂતો, સંશોધન વિચાર ધરાવતા વહીવટકર્તાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ અને વિસ્તરણ એજન્સીઓ વગેરેનો સમાવેશ થાય છે. બહુવિધ સ્ત્રોતોનો ઉપયોગ કરી સંશોધનો ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે.

ભારતમાં નવી કૃષિ તાંત્રિકતાઓ :

() ખેતી ઓજારો અને યંત્રો : કૃષિના વિકાસ માટે ખેતીઓજારો અને યંત્રો મહત્ત્વના છે. સમયાનુસાર વૈજ્ઞાનિક સંશોધનોની આગેકૂચની સાથે ખેતી ઓજારો અને યંત્રોમાં સુધારો કરી સુધારેલ ખેતી ઓજારો અને યંત્રો વિકસાવવામાં આવ્યા જેવા કે કરબ, કરબડી, હળ, થાળીવાળો કરબ, રીપર, સીડ ડ્રિલર, ઓટોમેટિક વાવણિયો, પંપ, થ્રેસર, ટ્રેકટર (ટ્રોલી સહિત) વગેરે. આવા સુધારેલા ઓજારો અને યંત્રો તથા ટ્રેકટરના ઉપયોગથી ખેતીકાર્યોમાં ઝડપ વધી, સમયનો બચાવ થયો, મજૂરોની ઓછી જરૂરિયાત, પાક ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદનમાં વધારો થયો.

() પિયતની તાંત્રિકતા : પાણી એ દરેક સજીવ માટે મહત્ત્વનું છે. ભારત જેવા દેશમાં અન્નની માંગ વધુ હોઈ છોડના સારા વિકાસ માટે પાણી જરૂરી છે. નાના અને સીમાંત ખેડૂતો માટે પિયત વ્યવસ્થા એ ખર્ચાળ, વધુ મજૂરી અને સમય માંગે છે. જમીનમાંથી પિયત માટેનું પાણી ખેંચવા માટે ઈલેકટ્રીક, ડિઝલ અને સૌર પંપનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્ય માટે નીચે જણાવેલ તાંત્રિકતાઓ વધુ અસરકારક છે.

() ટ્રેડલ પંપ : જે વિસ્તારમાં પાણીનું સ્તર ઊંચુ (૨૫ ફૂટથી વધુ ઊંડુ પાણી ન હોય) હોય ત્યાં પંપ વડે સંચાલિત પાણી ઉલેચવાના સાધન વડે પાણી ખેંચવામાં આવે છે. નાના ખેડૂતો માટે ટ્રેડલ પંપ એ ઓછા ખર્ચે અને સહેલાઈથી ચલાવી શકાય તેવું સાધન છે.

() ટપક પિયત પધ્ધતિ : ટપક પિયત પધ્ધતિ એ પાણીની બચત કરતી તાંત્રિકતા છે કે જેમાં પ્લાસ્ટિકની પાઈપોનો ઉપયોગ કરી છોડના મૂળ સુધી નિયમિત અને ધીરે ધીરે પાણી પહોંચાડવામાં આવે છે. આ પધ્ધતિના ઉપયોગથી પાકની ઉત્પાદકતા વધે છે એટલે કે ઉત્પાદન વધારે મળે છે, વાતાવરણ અને જમીનનું સંરક્ષણ થાય છે, પાણી અને રાસાયણિક ખાતરો ઓછા વપરાય છે અને ખેડૂતની આવકમાં વધારો થાય છે. ભારત સરકાર ધ્વારા પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં આ તાંત્રિકતાને અપનાવવા માટે ખેડૂતોને સહાય પણ આપવામાં આવે છે.

તાંત્રિકતાઓનો પ્રચાર :

        કૃષિની ઉત્પાદકતા વધારવા માટે, ખેતીની યોગ્ય તાંત્રિકતાઓ, માધ્યમો, ધિરાણ, ઈનપુટસની માંગ અને પૂરવઠાની પધ્ધતિ, કિંમત અને બજાર, તાલીમ પામેલ વ્યક્તિઓ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. કૃષિ તાંત્રિકતાઓનો પ્રચાર કરવાના બે રસ્તાઓ છે

(૧) સરકાર મારફતે : વિસ્તરણ કાર્યક્રરો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, ખેડૂત તાલીમ કેન્દ્રો, એગ્રિ ક્લિનિક અને પ્લાન્ટ ક્લિનિક તથા આત્મા, એનએટીપી, એનએસઈપી, એનએઈપી જેવા વિસ્તરણ કાર્યક્રમો વગેરે

(૨) ખાનગી સંસ્થાઓ મારફતે : સ્વૈચ્છિક સંસ્થાઓ, ઈનપુટસ એજન્સીઓ, ખાનગી એગ્રિ-ક્લિનિક, કિસાન કોલ સેન્ટર. ઈ-ચોપાલ, ખેડૂતોની સંસ્થાઓ વગેરે

ભારતમાં સરકારી કાર્યક્રમો ધ્વારા કૃષિ તાંત્રિકતાનો પ્રસાર :

        સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ એમ ત્રણેની કામગીરી એકબીજા સાથે સંકળાયેલ હોઈ તેનું મહત્વ સમજી ઈન્ડિયન કાઉસીલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઈસીએઆર) ધ્વારા સને ૧૯૭૧ માં વિસ્તરણ શિક્ષણની એક ભાગ તરીકે સ્થાપના કરવામાં આવી જેને સુદૃઢ બતાવી તેને ‘વિસ્તરણ શિક્ષણ વિભાગ’ નામ આપવામાં આવ્યું. તેનો આશય સંશોધન સંસ્થાઅો, કૃષિ યુનિવર્સિટીઓ અને તેને સંલગ્ન સંસ્થાઓ વચ્ચે કાર્યકારી સંબંધ સ્થાપવાનો હતો. આઈસીએઆર ધ્વારા તાંત્રિકતાના પ્રસાર માટે મુખ્ય ચાર પ્રોજક્ટ શરૂ કરવામાં આવેલ જેમાં (૧) ઓલ ઈન્ડિયા કો-ઓર્ડિનેટેડ પ્રોજકટસ ઓન નેશનલ ડેમોન્સ્ટ્રેશન્સ (AICPND), (૨) ઓપરેશનલ રિસર્ચ પ્રોજેકટ (ORP), (૩) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK)અને (૪) લેબ ટુ લેન્ડ પ્રોજક્ટ (LLP) નો સમાવેશ થાય છે. તેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એ વ્યવસાયિક તાલીમ કેન્દ્ર છે જ્યારે અન્ય ત્રણ પ્રોજેકટસ મોબાઈલ ટાઈપ હતા જેની ટુંકી વિગત અંગે દર્શાવેલ છે.

(૧) રાષ્ટ્રીય ધોરણે મુખ્ય પાકો ઉપર નિદર્શનો યોજવા માટેનો કાર્યક્રમ સને ૧૯૬૪ માં શરૂ કરવામાં આવ્યો હતો. તેમાં વૈજ્ઞાનિકો ધ્વારા ખેડૂતોની અગેવાની હેઠળ તેઓના ખેતરમાં નિદર્શનો યોજવામાં આવેલ. ભારતના વિવિધ ભાગોમાં એકસરખી રચના અને માળખા મુજબ આ કાર્યક્રમનો અમલ કરવામાં આવેલ.

(૨) કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના ખેડૂતોને જરૂરિયાત મુજબની કુશળતાલક્ષી વ્યવસાયિક તાલીમ આપવા વિસ્તરણ કાર્યમાં જોડાયેલ કાર્યકરોને તાલીમ આપવા અને ખેડૂતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી કરવામાં આવેલ.

(૩) સને ૧૯૭૪-૭૫ માં ઓપરેશન રિસર્ચ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ જેનો મુખ્ય હેતુ સાબિત થયેલી તાંત્રિકતાઓને ખેડૂતોમાં પ્રસાર કરવો અને જળસ્ત્રાવ આધારીત આખુ ગામ, ગામનો સમૂહ/જૂથમાં સુધારેલી તાંત્રિકતાના પ્રસારમાં પડતી તાંત્રિક, વિસ્તરણ કે વહીવટી મુશ્કેલીઓનો અભ્યાસ કરવાનો હતો.

(૪) આઈસીએઆર ધ્વારા તેના ૫૦ વર્ષ પૂરા થતાં ગોલ્ડન જ્યુબિલીના ઉજવણીના ભાગ રૂપે સને ૧૯૭૯ માં લેબ-ટુ-લેન્ડ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ. તેનો મુખ્ય હેતુ નાના અને સીમાંત ખેડૂતો તથા જમીનવિહોણા ખેતમજૂરો, અનુસૂચિત જાતિ અને જનજાતિ વગેરેની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે કૃષિ યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ અને વિવિધ સંશોધન કેન્દ્રો મારફતે વિકસાવાયેલ નવી સુધારેલી તાંત્રિકતાઓનો પ્રસાર કરવાનો હતો.

મોબાઈલ ફોન ધ્વારા કૃષિ તાંત્રિકતાઓની માહિતી :

        દેશમાં રહેતા તમામ ખેડૂતો હવે વિવિધ પાકોમાં થતા રોગ-જીવાત વિષેની માહિતી મોબાઈલ ફોન ધ્વારા ત્વરિત રીતે પ્રાપ્ત કરી શકે છે. વાયરલેસ નેટવર્ક ધ્વારા જમીન, પાણી, વરસાદ અને રોગ-જીવાતના પરિબળો વિષેની માહિતી કૃષિ નિષ્ણાંતો ધ્વારા ગામડાઓમાંથી એકત્ર કરવામાં આવે છે. ટાટા કન્સલટન્સ સર્વિસીસ (TCS) ધ્વારા પાકમાં રોગો માટેની એમકૃષિ (mKrushi) નામની એક નવી એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. બે વર્ષ બાદ તે અંગેની તાંત્રિકતા આખા દેશમાં પ્રાપ્ત બનશે. એક વખત મોબાઈલ ફોનમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવશે એટલે કૃષિ નિષ્ણાંતો ધ્વારા મોકલવામાં આવતા રોગો અંગેના પ્રશ્નો અને માહિતી સ્થાનિક ભાષામાં ખેડૂતને ઉપલબ્ધ બનશે. ખેડૂતે ‘હા’ કે ‘ના’ માં જ જવાબ આપવાનો રહેશે. નિષ્ણાતો ધ્વારા ચિન્હો પરથી રોગની ઓળખ કરવામાં આવશે અને વ્યક્તિગત ખેડૂતને તે અંગેના ઉપાયો સૂચવવામાં આવશે. વધુમાં ખેડૂત રોગિષ્ટ છોડના ફોટા પાડીને નિષ્ણાતને મોકલી શકશે. હાલ પંજાબ એગ્રિકલચરલ યુનિવર્સિટીના નિષ્ણાંતો ધ્વારા ખેડૂતોને આ એપથી મદદ કરવામાં આવે છે.

કિસાન એસએમએસ પોર્ટલ :

        ખેડૂતો માટે સને ૨૦૧૩ માં કિસાન એસએમએસ પોર્ટલની સ્થાપના કરવામાં આવેલ. તેના મારફતે વધુમાં વધુ ખેડૂતોને એસએમએસ ધ્વારા માહિતી, સેવા અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે. નિષ્ણાતો ધ્વારા વિવિધ યોજનાઓની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. માર્કેટની માહિતી રાજ્ય, જીલ્લા અને તાલુકા કક્ષાએ એમ પાક અને પ્રવૃત્તિઓ મુજબ વર્ગીકૃત કરી આપવામાં આવે છે. અધિકારીઓ એસએમએસ ધ્વારા, તેમના તાબા હેઠળના વિસ્તારના ખેડૂતોને માહિતી આપે છે. ખેડૂતોનું સ્થળ, પાક અને પ્રવૃત્તિઓ મૂજબ જૂથો પ્રમાણે સંબંધિત માહિતી એસએમએસ ધ્વારા ખેડૂતોને જે તે રાજ્યની માતૃભાષામાં આપવામાં આવે છે. આ સેવા મેળવવા માટે ખેડૂતે કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ અથવા વેબ પોર્ટલ ઉપર નોંધણી કરાવવી પડે છે. એસએમએસ ધ્વારા પણ નોંધણી કરાવી શકાય છે. ખેડૂતને પોતાના પાક/પ્રવૃત્તિઓ માટે આઠ જેટલી પસંદગી આપવામાં આવે છે. તેમાં કૃષિ અને બાગાયત ઉપરાંત પશુપાલન, મત્સ્યપાલન, ડેરી અંગેની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. જે ખેડૂતો એસએમએસ કરી શકે તેમ ન હોય તેઓ માટે ‘વોઈસ મેસેજ’ની સુવિધા પણ પુરી પાડવામાં આવશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર ખાતે નોંધણી પામેલ ખેડૂતોનો જે ડેટા બેઈઝ છે તેને કિસાન કોલ સેન્ટર સાથે જોડી પોર્ટલ સાથે સંકલન કરવામાં આવશે. નિષ્ણાતો ધ્વારા સલાહ/માહિતી/બજાર વગેરે ખેડૂતોને સમયસર પુરી પાડવામાં આવશે જેથી ખેડૂતોને નીચે દર્શાવ્યા મુજબની મદદ મળશે.

(૧) હવામાન અંગેની આગોતરી જાણકારી ખેડૂતોને મળતાં હવામાનની વિપરીત પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાશે અને તે મુજબ ખેતીમાં કાર્યો અસરકારક રીતે કરી નુકસાન થતું અટકાવી શકાશે.

(૨) મોબાઈલ ધ્વારા જમીન ચકાસણીના પરિણામો ઉપલબ્ધ થતાં યોગ્ય રાસાયણિક ખાતરોની પસંદગી અને તેનું પ્રમાણ નક્કી કરવામાં મદદરૂપ થશે.

(૩) ભારત સરકારની વિવિધ યોજના અને કાર્યક્રમોની માહિતી મેળવી ખેડૂતો તે યોજનાઓના લાભો મેળવી શકશે.

(૪) સમયસર અને ત્વરિત રોગ/જીવાત અંગેના નિયંત્રણ માટેની સલાહ / માર્ગદર્શન ખેડૂતો મેળવી શકશે.

(૫) બજાર અંગેની માહિતી સમયસર મળતાં ખેડૂતોનો બાર્ગેનિંગ પાવર વધવા પામશે જેથી સારા ભાવો મળતાં આર્થિક રીતે ખેડૂતોને ફાયદો થશે.

(૬) સારી જાતો / ઓલાદોની પસંદગી કરવાની માહિતી/માર્ગદર્શન ખેડૂતો મેળવી શકશે.

(૭) સ્થાનિક પરિસ્થિતિને અનુકુળ પાક અંગેની સલાહ/માર્ગદર્શન મેળવી ખેડૂતો વધુ અનુકુળ હોય તેવી તાંત્રિકતા અપનાવી શકશે.


સ્ત્રોત : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ઓગષ્ટ-૨૦૨૦


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *