પાક ઉત્પાદનમાં ઘટાડો એ કુદરતી રીતે અથવા તો માનવજાત, પ્રાણીઓ કે અન્ય બહારના પરિબળોને કારણે પેદા થાય છે.ટકાઉ ખેતીને લક્ષમાં લેતાં અજૈવિક પર્યાવરણીય તણાવની જમીન અને પાણીના સ્ત્રોતો ઉપર અસર થાય છે. તેની સીધી અસર પાક ઉત્પાદન ઉપર થવા પામે છે જેના પરિણામે માનવીની મુળભુત જરૂરિયાતો જેવી કે ખોરાક, બળતણ, રેસા અને આશ્રય માટેના બાંધકામની વસ્તુઓના ઉત્પાદન ઉપર અસર થાય છે
સૌ પ્રથમ પાક ઉત્પાદનમાં ઘટાડાની અસરો જાણવા માટે તણાવ શું છે તે જાણવું જરૂરી છે. છોડની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે સારૂ પર્યાવરણ જરૂરી છે. તેને ખરાબ અસર કરતી બાબતોને તણાવ કહેવાય. આવા તણાવને નવી તાંત્રિકતા વડે નાથી શકાય છે જયારે કેટલાકને નાથી શકાતા નથી. આવા તણાવના બે પ્રકારો છે.એક અજૈવિક અને બીજો જૈવિક.
અજૈવિક તણાવઃ
આવા તણાવ પાણી,ઉષ્ણતામાન, પવન વગેરે જેવા જીવવિહીન વસ્તુઓના કારણે થાય છે જે નીચે મુજબ છેઃ
(૧)પાણીની અછત : અર્ધસૂકા વાતાવરણમાં ભેજનો પશ્ન ઊભો થાય છે જેનો આધાર જમીનનો પ્રકાર,વરસાદની તીવ્રતા,વરસાદની નબળી વહેંચણી અને વરસાદની ખામી વગેરે ઉપર રહેલો છે.
(૨)પાણીનો ભરાવો : સામાન્યતઃ નબળી નિતારશકિત ધરાવતી અને ચીકણી જમીનમાં પાણીનોે ભરાવો થાય છે. આવી જમીનોમાં પાક ઉત્પાદન મેળવવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવી પડે છે.
(૩) પોષકતત્વોની ખામી : એક કે વધુ પોષકતત્વોની ખામીવાળી જમીનમાં સારી જાતના બિયારણને વાવતાં સારૂ ઉત્પાદન મેળવી શકાતું નથી. આવી જમીનમાં પાક ઉગાડતાં નબળું ઉત્પાદન મળે છે જે પોષકતત્વોની અછત દર્શાવે છે.
(૪) તત્વોની ઝેરી અસર : એલ્યુમિનિયમ અને મેંગેનીઝ જેવા તત્વો જમીનમાં વધુ પ્રમાણમાં હોય તો તેની ઝેરી અસર પાક ઉપર થાય છે.
(૫) જમીનમાં ક્ષારીયતા : જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય ત્યાં ક્ષારીયતાના પશ્નો ઊભા થાય છે.
ભૌતિક પશ્નો :
જમીનના ભૌતિક પ્રશ્નો સામાન્ય રીતે અજૈવિક તણાવ સાથે સંકળાયેલા છે જેમ કે (૧)માટીનો પોપડો(૨)જમીનનું જમીન કોમ્પેકશન(૩)સખત માટી (૪)સપાટી કઠણ થવી(૫)સખત પોપડાની વ્યવસ્થા(૬)ખડકને લગતી મર્યાદા વગેરે.
(૧) જમીનનો પોપડો અથવા ખડબચડી સપાટી : આ પ્રકારની સપાટી સીધી જ બિયારણના ઉગાવા પર અસર કરે છે જેમ કે પાણીને જમીનમાં ઉતરવા દેતું નથી,જમીન પાણીને ધારણ કરી શકતી નથી કે પાણીનું ધોવાણ થાય છે. તેથી જમીન પોપડાના બાંધા વિષે જાણી તે મુજબ યોગ્ય વ્યવસ્થાકીય પદ્વતિઓ અપનાવવી જોેઇએ.
(૨) જમીનનું કોમ્પેકશન : માટીની અધોગતિની પ્રકિયા સાથે જમીનનું કોમ્પેકશન અને ખેડને લીધે અજૈવિક તણાવ થતાં છોડના મૂળનો ફેલાવો મર્યાદિત થવા પામે છે,જમીનમાં પ્રાપ્ત ભેજના ઉપયોગમાં ઘટાડો થાય છે અને પાક નિષ્ફળ જાય છે.
(૩) સર્વસામાન્ય ભૌતિક પશ્નઃ જમીન ઉપરનું સખત પડ એ એક સર્વસામાન્ય ભૌંતિક પશ્ન છે કે જે કુદરતી રીતે જમીન બનતાં ઉદ્ભવેલ છે. જમીનની મોજણી ધ્વારા જ આ પ્રકારની માહિતી મેળવી શકાય છે.જમીનની ભેજ પકડી રાખવાની ક્ષમતા અને તેની અસરો જાણી અજૈવિક તણાવને ધ્યાને લઇ વ્યવસ્થાકીય પદ્વતિઓનો ઉપયોગ કરવો જોઇએ.
હવામાનને લગતા પશ્નો :
વરસાદ,ઉષ્ણતામાન અને કિરણોત્સર્ગ એ ત્રણ હવામાનના પરિબળો છે જે પૈકી સૂકી ખેતીવાળા વિસ્તારોમાં સફળતા માટે વરસાદ એ અગત્યનો છે. વરસાદની પુર્વ ધારણા કરી શકાતી નથી.તેમાં ઊંચી વિવિધતા રહેલી છે જેથી ઋતુ દરમ્યાન વરસાદ વધુ કે ઓછો પડશે તેવી ધારણા બાંધી શકાતી નથી. સૂકી ખેતી વિસ્તારોમાં મોટા ભાગે દક્ષિણ- પશ્ચિમના મોસમી પવનો ૭૬ ટકા અને ઉતર-પૂર્વના મોસમી પવનો બાકીનો વરસાદ લાવે છે. આમ દક્ષિણ-પશ્વિમના મોસમ ઉપર વરસાદનો આધાર રહેલો છે કે જે નસીબ ઉપર અવલંબે છે.
તણાવનો પહોંચી વાવવા માટેના ઉપાયો :
સૂકી ખેતીમાં વરસાદ અને જમીન એ બંને અગત્યના કુદરતી સ્ત્રોતો છે.વરસાદનો જથ્થો અને તેની વહેંચણી ઉપર તેમજ પાક પદ્વતિ ઉપર સૂકી ખેતીની સફળતાનો આધાર રહેલો છે. વરસાદનો જથ્થો અને વહેંચણીના આધારે પાક પદ્ધતિ નક્કી કરવી પડે છે કે જેથી સૂકી ખેતીવાળા વિસ્તારમાં થતા વરસાદથી સફળતા મળી શકે.સામાન્ય રીતે આવા વિસ્તારોમાં વરસાદ મર્યાદિત હોય છે અને તેની પ્રાપ્યતાનો સમય અનિર્ણિત હોય છે . આમ ભેજની પ્રાપ્યતાનો મુખ્ય પશ્ન સૂકી ખેતી વિસ્તારોમાં રહેલો છે.ભેજની પ્રાપ્યતા મુજબ સૂકા વિસ્તારોના પ્રદેશોના વિભાગ પાડવામાં આવે છે. આવી જમીનો ઉપર વૃક્ષો ઉછેરવા અથવા તો પડતર જમીનમાં ખેતીને અનુકુળ પાકો ઉગાડવા જોઇએ. આવા જમીન વિસ્તારોમાં વનીય ખેતી, બાગાયતી ખેતી અને સિલ્વિપાશ્ચર વૃક્ષોની ખેતી અપનાવવી જોઇએ.
જમીનના ઉપયોગની વૈકલ્પિક પદ્ધતિ :
પ્રવર્તમાન અથવા પરંપરાગત રીતે થતા જમીનના ઉપયોગોથી જમીનનાં ઉપયોગની વૈકલ્પિક પદ્ધતિ અલગ પડે છે. તેમાં ઉપયોગમાં લેવામાં આવતી ખેતીકીય પદ્ધતિઓ પર્યાવરણીય મિત્ર હોય,આર્થિક રીતે લાભકર્તા હોય અને સામાજીક રીતે ટેકો આપે તેવી હોવી જેઇએ.આ પદ્ધતિના મુખ્ય ધ્યેયો નીચે મુજબ છેઃ
(૧) સ્ત્રોતોની ગુણવત્તામાં વધારો થાય તેમ આદર્શ રીતે સ્ત્રોતોનો ઉપયોગ કરવો.
(૨) પાક અને પશુઉછેરનું સંકલન કરવું.
(૩) બહારના ઇનપુટસ ઉપર ઓછો આધાર રાખી શકાય તેવી ખેતી કરવી.
(૪) રોજગારીની ક્ષમતામાં વધારો થાય તેવા પ્રયાસો કરવા.
(૫) ખેતીમય જીવનની ગુણવત્તામાં સરવાળે સુધારો થાય તેવા પ્રયાસો કરવા.
જમીનના ઉપયોગનો હેતુ તેને બગડતી અટકાવવાનો અને કુદરતી સ્ત્રોતોનો સારો ઉપયોગ થાય તે છે.સામાન્ય રીતે જમીનના વૈકલ્પિક ઉપયોગ નીચે મુજબ છેઃ
ખેતી વન(એગ્રો ફોરેસ્ટ્રી) :
આ જમીન ઉપયોગની એવી પદ્ધતિ છે જેમાં ખેતી સાથે વૃક્ષોને ઉછેરવામાં આવે છે.તેના એગ્રિસિલ્વિકલ્ચર,એલેય ક્રોપિંગ, સિલ્વિપાશ્ચર અને એગ્રિહોર્ટિકલ્ચર એમ વિવિધ પ્રકારો પણ પાડવામાં આવ્યા છે.આ પદ્વતિ એકલા વૃક્ષોનો ઉછેર કરવા કરતાં જુદી છે એટલે દર વર્ષે ખેતીપાકોમાંથી આવક મેળવી શકાય છે અને વૃક્ષોની થોડા વર્ષો બાદ કાપણી કરી આવક મેળવી શકાય છે. બીજી બાજુ વૃક્ષોના કારણે વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે. એમ આ ખેત વન પદ્ધતિ ખોરાક,બળતણ અને ચારો એમ ત્રણ વસ્તુઓની જરૂરિયાત પુરી પાડે છે. વિશેષમાં આમાંની કેટલીક પદ્વતિ મજૂરોને રોજગારીની તકો પુરી પાડે છે. તેના ચાર વિભાગોની માહિતી અત્રે દર્શાવેલ છે :
(ક) એગ્રિસિલ્વિકલ્ચર :
આ જમીન ઉપયોગની પદ્વતિમાં વાર્ષિક પાકોની સાથે વૃક્ષોને ઉછેરવામાં આવે છે. વૃક્ષો ચારોે,બળતણ કે ઇમારતી લાકડાનું ઉત્પાદન આપે છે.તેનાં લીલાં પાંદડાંમાંથી ખાતર તૈયાર કરી શકાય છે.જે વિસ્તારમાં વાર્ષિક ૭૫૦ મિ.મી. જેટલો વરસાદ થતો હોય તે વિસ્તારમાં આ પદ્વતિ વધુ સારી રીતે અનુકુળ આવે છે.
વૃક્ષોની જાતોમાં સુબાવળ (લ્યુસીના) ઝડપી ઉગે છે. વૃક્ષ નીચે થતા પાકો માટે મૂળમાં નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે અને તેના ખેરવેલાં પાંદડાં અને સીંગો જમીન ઉપર પડી જમીનની ગુણવત્તામાં સુધારો કરે છે.સુબાવળમાં આંતરપાક તરીકે જુવાર ઉછેરી શકાય છે.
(ખ) સિલ્વિપાશ્ચર :
આ પદ્ધતિના ઉપયોગ વડે ચારાની છતવાળા વિસ્તારોમાં ચારાનો પૂરવકો પુરો પાડી શકાય છે.ખેતી સાથે પશુપાલન ધ્વારા કુદરતી સ્ત્રોત જમીનનું સંરક્ષણ કરી તેની ગુણવત્તા સુધારી શકાય છે.આ અંગે થયેલ અભ્યાસો જણાવે છે કે,
(૧) સીમાંત વિસ્તારમાં આ પદ્વતિ હેઠળ કઠોળ કરતાં ઘાસચારો ઉછેરવાથી સારો ફાયદો થાય છે.
(૨) ઉછરતાં વૃક્ષો નીચેના જમીન વિસ્તારમાં ઘાસચારો સફળતાપૂર્વક ઉગાડી શકાય છે.
(૩) ઘાસચારાના પાકો લેવા કરતાં આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી વધુ ફાયદાઓ મળે છે.
(ગ) એલેય ક્રોપિંગ :
આ પદ્ધતિ વાર્ષિક ૫૦૦ થી ૭૫૦ મિ.મી. વરસાદ પડતો હોય તેવા વિસ્તારોમાં વધુ અનુકુળ છે. સામાન્ય રીતે કન્ટુર ઉપર વૃક્ષો કે નાનાં ઝાડવાંની બે હાર વચ્ચે ખેતપાકો ઉછેરવામાં આવે છે. આ રીતે વાડ તરીકે ઉછેરાતા પાકો જમીન ધોવાણ થતું અટકાવવામાં મદદરૂપ થાય છે. આવા વાડના છોડની અમુક હદ સુધીની ઊંચાઇ રાખી નિયમિત ધોરણે છાંટણી કરી જાળવણી કરવામાં આવે છે. છાંટણી કરવામાં આવેલ ભાગો લીલા ખાતર અને મલ્ચ તરીકે વપરાય છે. તેનો ચારા તરીકે પણ ઉપયોગ થાય છે.
(ઘ) એગ્રિહોર્ટિકલ્ચર :
આ જમીન ઉપયોગની પદ્ધતિમાં ખેતી પાકોની સાથે બાગાયતી છોડ પણ ઉછેરવામાં આવે છે. જે વિસ્તારમાં પૂરક પિયત માટેના પાણીની સવલત હોય તેવા વિસ્તારોમાં આ પદ્ધતિમાં વધુ સફળતા મળે છે. પાકની કટોકટી અવસ્થાએ પિયત આપી શકાય તેવી વ્યવસ્થા હોય તો જ આ જમીન ઉપયોગ પદ્ધતિ સાનુકુળ નીવડે છે
(ચ) લે ફાર્મિગ :
આ પદ્ધતિમાં કઠોળ અને ત્યારબાદ ધાન્ય કે હલકા ધાન્યપાકોની વારાફરતી ખેતી કરવામાં આવે છે. જમીનમાં કઠોળ વાવેતર કરતાં તે જમીનની ફળદ્વપતામાં સુધારો કરે છે. સૂકી ખેતીવાળા વિસ્તારમાં પશુઓ માટે સારો ઘાસચારો મેળવવા માટે આ પદ્ધતિ વધુ સારી છે.
(છ) વૃક્ષોની ખેતી :
જે જમીન ખેતપાકો માટે સાનુકુળ નથી તેવી જમીનોમાં વૃક્ષો ઉછેરવામાં આવે છે પરંતુ વૃક્ષોના ઉછેરથી શરૂઆતના વર્ષોમાં આવક મળતી નથી પણ બીજી બાજુએ જોતાં પુખ્ત થયેલ વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે.
સામાજીક વનીકરણ :
એવા વૃક્ષોનો ઉછેર વિસ્તાર કે જેમાંથી સમાજને ઉપયોગી થાય તે માટેનું લાકડું,બળતણ,ઘાસચારો અને ગુંદર,રેઝીન,રંગ,ફળો વગેરે આડપેદાશો મળી રહે.
ટકાઉ જમીન વ્યવસ્થા :
સામાજીક-આર્થિક સિદ્ધાંતોની સાથે પર્યાવરણને જોડીને તાંત્રિકતાઓ અને નીતિઓ ઘડીને તેનો જમીન વ્યવસ્થાને ટકાઉ બનાવવા માટે ઉપયોગી કાર્યો કરવા જોઇએ જેવા કે
(૧) ઉત્પાદન કે સેવાઓમાં વધારો કરવો અથવા તેની જાળવણી કરવી.
(૨)ઉત્પાદન માટેના જોખમોના સ્તરમાં ઘટાડો કરવો.
(૩) પર્યાવરણ સલામત રાખી તેની જાળવણી કરવી.
(૪) આર્થિક રીતે અનુકુળ અને સામાજીક રીતે સ્વિકાર્ય હોય તેવી કામગીરી કરવી.
ટકાઉ જમીન વ્યવસ્થા જળસ્ત્રાવના જળને જાળવી રાખવા સાથે સંકળાયેલી છે. ઉપરોકત ચારે બાબતો તેની સાથે જોડાયેલી છે જેનાથી દરેક સ્તરે ઉત્પાદકતા વધી શકે છે. તણાવની સામે રક્ષણ મેળવવા માટે નીચે જણાવેલ વ્યવસ્થાકીય પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઇએ :
(૧) જમીનના યોગ્ય ઉપયોગ અંગે ચોેક્કસ આયોજન કરવું જોઇએ.
(૨) તણાવને કારણે બાહ્ય અને આંતરિક અસરો થવા પામે છે.
(૩) પર્યાવરણ અને સામાજીક-આર્થિક મુશ્કેલીઓને ધ્યાને રાખીને તણાવ દૂર કરવા માટેની તાંત્રિકતાઓ વિકસાવી તેને અપનાવવી જોઇએ
જમીન ઉપયોગના આયોજન સંંબંધી સંશોધન અને વિકાસ માટે લેવાનાં યોગ્ય પગલાં :
(૧) સંશોધકો અને નીતિ ઘડવૈયાઓએ વધુ ગંભીરતાપૂર્વક હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ સંશોધન અને નીતિઓ ઘડવી જોઇએ.
(૨) વિવિધ વ્યવસ્થાકીય પદ્ધતિઓ જાણી તેના વડે સમગ્ર વિસ્તારની વ્યવસ્થા માટેનાં પગલાં હાથ ધરવાં જોઇએ.
(૩) ફકત એક જ ભલામણ ન કરતાં ખેડૂતોને િસ્વકાર્ય અને આકર્ષક લાગે તેવી ભલામણ કરવી જોઇએ
(૪) ટકાઉ જમીન વ્યવસ્થા માટે જરૂરી પ્રોત્સાહન આપવું જોઈએ અને નિયમો બનાવી તેનો અમલ કરવો જોઇએ
જળસ્ત્રોતની વ્યવસ્થા :
વિશ્વમાં અંદાજે ચાર ટકા વિસ્તાર સૂકા અને અર્ધસુકા વિસ્તાર હેઠળ આવેલ છે જેમાં ૭૦ કરોડથી વધુ લોકો જીવન ગુજારે છે. એક અંદાજ મુજબ ૬૦ ટકા જેટલો સૂકો વિસ્તાર વિકસિત દેશોમાં આવેલો છે જે વિશ્વ માટે જુવાર, ઘઉં, જવ, બાજરી, ચણા, તુવેર, ચોખા અને મગફળી જેવા અનાજ અને કઠોળનું મોટા પાયે ઉત્પાદન કરે છે. છેલ્લા દસકમાં આ વિસ્તારોમાં આવેલ કેટલાક દેશોના વ્યકિતગત અનાજ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયેલ છે.
સૂકા વિસ્તારમાં આવેલ જમીનોનો પાક ઉત્પાદન માટે ઉપયોગ થાય છે.આવી જમીનો ખરબચડી,રેતાળ અને ઓછી ફળદ્ધપતા અને ભેજધારણ શકિત ધરાવે છે. આવી જમીનોમાં જમીન અને જળ સંરક્ષણ પદ્ધતિઓનો પણ નહિવત ઉપયોગ થાય છે એટલે કે તેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી. આવી જમીનોનું સહેલાઇથી પવન અને પાણી ધ્વારા જમીન ધોવાણ થવા પામે છે. ભારત દેશમાં કુલ પાક ઉત્પાદનનાં ૪૫ ટકા ઉત્પાદન આવા સૂકા વિસ્તારની જમીનોમાંથી મેળવાય છે. સૂકા વિસ્તારોમાં અત્રે જણાવેલ ત્રણ તાંત્રિકતાઓનો ઉપયોગ કરવામાં આવે તો તેની અસરકારકતામાં વધારો કરી શકાય તેમ છે.
(૧)વરસાદના પાણીનું ધોવાણ અટકાવવું :
આ માટે નીચે જણાવેલ પદ્ધતિઓનો ઉપયોગ કરવાથી વરસાદના પાણીનું ધોવાણ થતું અટકાવી શકાય છેઃ
(ક) પાક અવશેષ વ્યવસ્થા : જમીનની સપાટી ઉપર પાકના અવશેષોની જાળવણી કરી પાથરવામાં આવે તો વરસાદના પાણીનું ધોવાણ અટકે છે અને ભેજ સંગ્રહાય છે. પાકના અવશેષોેને કારણે બાસ્પોત્સર્જન ઘટે છે જેથી ત્યાર બાદ લેવામાં આવતા પાકને વધુ ભેજ મળી રહે છે.
(ખ) બાસ્પોત્સર્જનમાં ઘટાડો કરવો : જયારે જમીન ખુલ્લી હોય ત્યારે જમીનની સપાટી ઉપરથી મોટા પાયે પાણી ઉડી જાય છે.
(ગ) આવરણ(મલ્ચ)નો ઉપયોગ : પ્રાચીન સમયથી જાણીતી જમીન ઉપર આવરણ કરવાની પદ્ધતિના ઉપયોગ વડે પાણીનું સંરક્ષણ કરી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. પાકની કાપણી બાદ પાકના અવશેષોનું ખેતરમાં આવરણ કરવાથી નીંદણનો પણ નાશ થાય છે, પવન અને પાણીથી થતું જમીનનું ધોવાણ અટકે છે,જમીનનું ધોવાણ ઘટે છે અને બાસ્પોત્સર્જન ધીમુ થતાં ભેજનો ઓછો નાશ થાય છે.
(૨) ઉત્સ્વેદનના સંદર્ભમાં બાસ્પોત્સર્જનને ઘટાડવું :
અર્ધ સૂકા વિસ્તારોની ખેતીમાં આવરણનો અને સુધારેલી ખેડ વ્યવસ્થા પદ્ધતિઓનો ઉપયોગ કરી જમીનની સપાટી ઉપરથી દૂર થતા ભેજને ઉડતો અટકાવી તેના પ્રમાણમાં ઘટાડો અને જમીનની જળ ગ્રહણ શકિતમાં વધારો કરી શકાય છે તથા પાકની કટોકટીના તબક્કાએ અસરકારક પિયત પદ્ધતિનો ઉપયોગ કરી પૂરક પિયત આપી શકાય છે. ઘનિષ્ઠ પાક પદ્ધતિમાં પાકના વિકાસના તબક્કે પૂરક પિયત આપી વધુ પાક ઉત્પાદન મેળવી શકાય છે.
(૩) સૂકી પરિસ્થિતિનો સામનો કરી શકે તેવી પાકની જાતોનો ઉપયોગ કરવો :
વરસાદની પેટર્ન મુજબ પાક અને તેની જાતની પસંદગી કરવી એ એક મહત્ત્વની બાબત છે. હવામાન મુજબ પાકના કેલેન્ડર પ્રમાણે પાકની પસંદગી કરવી જોઇએ.સૂકી ખેતી માટે વિકસાવેલ જાતોનો ઉપયોગ કરવો જોઇએ.
સ્ત્રોત : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, મે ૨૦૨૧
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in