સજીવ ખેતી તરફ આંતરરાષ્ટ્રીય આકર્ષણ પેદા થયેલ છે જે માટે પર્યાવરણીય સંરક્ષકો સભાનતાપૂર્વકના પ્રયત્નો કરી પૃથ્વીને મનુષ્ય સાથે જોડે છે. વર્તમાન વિશ્વમાં વૈશ્વિક બજારમાં ઓર્ગેનિક પ્રોડક્ટસને દાખલ કરવા અંગેની નીતિ ઘડવામાં આવેલ છે. સજીવ ખેતી વ્યાપારી ધોરણે, સામાજીક અને પર્યાવરણની રીતે પ્રોત્સાહક જણાયેલ છે. એકાદ સદી સુધી સજીવ ખેતી તરફ બેદરકારી દાખવવામાં આવેલ હતી. હવે તે તરફ પ્રોત્સાહન આપવાનું શરૂ કરવામાં આવેલ છે. પહેલાંના સમય કરતાં હાલની આધુનિક ઓર્ગેનિક ચળવળ અલગ પ્રકારની છે. ભારતની કૃષિમાં વધુ ઉત્પાદન આપતી જાતો અને ખાતરો તથા જંતુનાશક દવાઓના ઉપયોગને કારણે હરિયાળી ક્રાંતિ આવેલ જેને પરિણામે ભારત દેશ અન્નની અછતને પહોંચી વળી અન્ન ઉત્પાદનમાં સ્વનિર્ભર બનેલ.સને ૧૯પ૦-પ૧માં પ૦૮.ર લાખ ટન અન્ન ઉત્પાદન હતું જે હરિયાળી ક્રાંતિ બાદ સને ર૦૧૩-૧૪માં ચાર ગણુ વધીને ૨૬૫૫.૭ લાખ ટન થયેલ. આ પછીના સમયમાં વધુ પ્રમાણમાં રસાયણોના ઉપયોગ થવાને કારણે કૃષિમાં ઉત્પાદન ટકાવી રાખવા માટેનું ધ્યાન આપવાની જરૂરિયાત ઊભી થઈ.હાલમાં જમીનનું આરોગ્ય જાળવી, આરોગ્યપ્રદ ખોરાક પેદા કરી મનુષ્યનું આરોગ્ય જળવાય તે માટેના આદર્શ પ્રયત્નો કરી પર્યાવરણ સ્વચ્છ રહે તેવા પ્રયાસો તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે.
ભારતમાં સજીવ ખેતીનો ઉદ્ભવ :
ભારતમાં સજીવ ખેતીના વિકાસ માટેના બે પ્રવાહો વિકસાવવામાં આવ્યા છે. પ્રથમ પ્રવાહમાં બિન સરકારી સ્વૈચ્છિક સંસ્થાઓ સજીવ ખેતીનો વિકાસ કરી નાના અને સીમાંત ખેડૂતોની ગરીબાઈ દૂર કરવાના પ્રયાસો કરે છે જ્યારે બીજો પ્રવાહ મોટા ખેડૂતો અને ધંધાર્થીઓને સજીવ ખેતી પેદાશોના નિકાસ માટેની તકોને ઝડપી પાડવા માટેના પ્રયાસો કરે છે.
વિશ્વમાં સજીવ ખેતી :
ઈન્ટરનેશનલ ફેડરેશન ફોર એગ્રિકલ્ચર મુવમેન્ટ (આઈએફઓએએમ-IFOAM), રિસર્ચ ઈન્સ્ટિટયૂટ ઍાફ ઓર્ગેનિક એગ્રિકલ્ચર લેન્ડ (એફઆઈબીએલ -FiBL) અને ઈન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર (આઈટીસી-ITC) દ્વારા સંકલન સાધી ઓર્ગેનિક કૃષિ અંગેની આંકડાકીય માહિતી ફેબ્રુઆરી ર૦૦૯માં બાયોફેક, ન્યુરેમબર્ગ (જર્મની) ખાતે રજૂ કરેલ. દુનિયાના કુલ ૧૪૧ દેશો સજીવ ખેતી સાથે સંકળાયેલ છે.
સજીવ ખેતીનો વિસ્તાર :
સને ૨૦૦૭ની આંકડાકીય માહિતી મુજબ ૧ર લાખ ઉત્પાદકો (નાના ખેડૂતો સહિત) દ્વારા ૩૨૨ લાખ હેકટર જમીનમાં સજીવ ખેતી થાય છે. વિશેષમાં ૪ લાખ હેકટર વિસ્તાર ઓર્ગેનિક એકવાકલ્ચર અને ૩૧૦ લાખ હેકટર જંગલ વિસ્તાર સજીવ ખેતીની પેદાશ એક્ત્ર કરવા માટે પ્રમાણિત કરેલ છે. ઓસાનિયા, યુરોપ અને લેટિન એમરિકા, ઓસ્ટ્રેલિયા,આર્જેન્ટીના અને બ્રાઝિલ વગેરે દેશોમાં મોટા ભાગોના વિસ્તારોમાં સજીવ ખેતી કરવામાં આવે છે.યુગાન્ડા, ભારત અને ઈથોપિયા વગેરે દેશો વધુ સંખ્યામાં ઓર્ગેનિક ઉત્પાદકો ધરાવે છે. અડધાથી વધુ ઓર્ગેનિક ઉત્પાદકો આફ્રિકામાં આવેલા છે. ઓર્ગેનિક કૃષિ હેઠળની મોટે ભાગે ૬૭ ટકા જેટલી જમીન (ર૦૦ લાખ હેકટર) ઓર્ગેનિક કૃષિમાં ઘાસચારા હેઠળ આવે છે.
બજાર :
સજીવ ખેતીની પ્રોડક્ટસ માટેનું વૈશ્વિક બજાર ૧પ થી રપ ટકાના દરે વધવા પામે છે. સને ૨૦૦૭માં ૪૬.૧ અબજ અમેરિકન ડોલરની સજીવખેતીની પ્રોડક્ટસનું વેચાણ થયેલ જે સને ર૦૦૮માં વધીને પ૦ અબજ અમેરિકન ડોલર એ પહોંચેલ.ઉત્તર અમેરિકા અને યુરોપમાં સજીવ ખેતીની પ્રોડક્ટસની માંગ વધુ છે. ઓર્ગેનિક ખોરાકના આંતરરાષ્ટ્રીય વેપારમાં ૯૭ ટકા વેપાર આ બંને દેશોમાં થાય છે જયાં વપરાશકારોની મોટી માંગ છે.
ધોરણ (માનક) અને નિયમન :
વર્તમાનમાં સજીવ ખેતીના નિયમોનો ૭૧ દેશોએ અમલ કરેલ છે અને અન્ય ર૧ દેશોમાં તેનો અમલ પ્રક્રિયા હેઠળ છે. વિશ્વમાં યુરોપિયન યુનિયન, યુનાઈટેડ સ્ટેટસ, જાપાન,દક્ષિણ કોરીયા, ચીન, કેનેડા અને બ્રાઝિલ વગેરે દેશોની ૪૮૧ જેટલી સંસ્થાઓ સજીવખેતીમાં પ્રમાણન અંગેની કામગીરી કરે છે.
ભારતમાં સજીવ ખેતી :
છેલ્લા દસ વર્ષમાં સજીવ ખેતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થયેલ છે જેમાં ખેડૂતો અને સ્વૈચ્છિક સંસ્થાઓનો ફાળો મોટો છે. સરકારની દરમ્યાનગીરી અને બજારના પરિબળોને ભારતમાં સજીવ ખેતીને સારા એવા તબક્કે પહોંચાડી છે.
વિકસતા વિસ્તારો :
સને ર૦૦૩-૦૪માં ૪ર,૦૦૦ હેકટરથી ઓછો વિસ્તાર સજીવ ખેતી હેઠળ પ્રમાણિત થયેલ જે ચાર વર્ષમાં માર્ચ ર૦૦૯ સુધીમાં ર૯ ગણો વધવા પામેલ છે.ભારતમાં ૯ર લાખ હેકટર વિસ્તાર સજીવ ખેતી માટેના પ્રમાણનની પ્રક્રિયા હેઠળ છે. તેમાંનો ૧ર લાખ હેકટર વિસ્તાર ખેતી હેઠળ જ્યારે ૮૦ લાખ હેકટર વિસ્તાર જંગલી વનો હેઠળ આવેલ છે. ભારતમાં અપેડાના જણાવ્યા મુજબ વર્ષ ર૦૧૧-૧ર દરમ્યાન રાજ્ય દીઠ સજીવ ખેતી પ્રમાણન નીચે આવરી લેવાયેલ વિસ્તારની માહિતી કોઠો-૧માં દર્શાવેલ છે.
કોઠો–૧ : ભારતમાં રાજ્ય દીઠ સજીવ ખેતી પ્રમાણન હેઠળ આવરી લેવાયેલ વિસ્તાર
(વર્ષ : ૨૦૧૧-૨૦૧૨)
રાજ્ય | વિસ્તાર (હેકટરમાં) |
આંધ્રપ્રદેશ | ૪૭,૪૫૬.૭૭ |
અરૂણાચલ પ્રદેશ | ૫૨૦.૪૩ |
આસામ | ૨,૦૪૮.૨૭ |
આંદામાન | ૦ |
બિહાર | ૧૮૮.૬૦ |
છત્તીસગઢ | ૨,૯૯,૯૭૦.૬૦ |
દિલ્હી | ૧,૦૦,૨૩૮.૦૦ |
ગોવા | ૧,૫૩,૬૮૪.૬૦ |
ગુજરાત | ૪૧,૯૭૮.૯૪ |
હરિયાણા | ૧૭,૪૪૨.૩૬ |
હિમાચલ પ્રદેશ | ૯,૩૩,૭૯૮.૨૦ |
જમ્મુ અને કાશ્મીર | ૨૬,૮૩૪.૨૬ |
ઝારખંડ | ૨૯,૭૯૪.૪૨ |
કર્ણાટક | ૧,૧૮,૭૩૯.૭૦ |
કેરાલા | ૧૫.૭૯૦.૪૯ |
લક્ષદ્રીપ | ૮૯૧.૯૩ |
મધ્યપ્રદેશ | ૪,૩૨,૧૨૯.૫૦ |
મહારાષ્ટ્ર | ૨,૪૫,૩૩૯.૩૦ |
મણિપુર | ૧,૨૯૬.૯૧ |
મેઘાલય | ૨૮૮.૨૩ |
મિઝોરામ | ૭,૦૨૩.૯૭ |
નાગાલેન્ડ | ૭,૭૬૨.૬૦ |
ઓરિસ્સા | ૪૩,૮૬૮.૦૦ |
પંજાબ | ૯૨૭.૨૮ |
રાજસ્થાન | ૨,૨૨,૩૧૯.૧૦ |
સિક્કીમ | ૨૫,૭૧૬.૫૫ |
તામિલનાડુ | ૩૮,૫૫૪.૩૩ |
ત્રિપુરા | ૪.૦૫ |
ઉત્તરપ્રદેશ | ૨૫,૯૩,૮૨૧.૦૦ |
ઉત્તરાખંડ | ૧,૨૨,૮૮૦.૬૦ |
પશ્ચિમ બંગાળ | ૧૯,૦૯૫.૫૫ |
કુલ | ૫૫,૫૦,૪૦૫.૦૦ |
સરકારની દરમ્યાનગીરી :
સજીવ ખેતીના વિકાસમાં નેશનલ પ્રોજેકટ ઓન ઓર્ગેનિક ફાર્મિંગ,રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY), નેશનલ હોર્ટિકલચર મિશન (NHM) અને ટેકનોલોજી મિશન ઓન હાર્ટિકલ્ચર વગેરે સરકારી યોજનાઓનેા નોંધપાત્ર ફાળો રહેલો છે. ઘણી રાજ્ય સરકારોએ પણ પોતાના રાજ્યમાં સજીવ ખેતીના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપેલ છે. નેશનલ પ્રોજેકટ ઓન ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ થયા બાદ સજીવ ખેતી વ્યવસ્થા હેઠળ ર.૭૯ લાખ ખેડૂતો જોડાયા છે અને ૧.૭૭ લાખ હેકટર વિસ્તાર સજીવ ખેતી હેઠળ આવરિત થયેલ છે. અન્ય એક સફળ કાર્યક્રમ દ્વારા નાણાંકીય ટેકો આપી સને ર૦૧૧-૧ર દરમ્યાન દૈનિક ૭૦૮ લાખ ટન ખેતીના કચરામાંથી કમ્પોસ્ટ ખાતર, ૪,૦૩,ર૪૦ લાખ ટન જૈવિક ખાતર અને વાર્ષિક ૬,૯ર,૧૪૦ લાખ ટન વર્મિકલ્ચર અને વર્મિકમ્પોસ્ટનું ઉત્પાદન કરવામાં આવેલ છે. ખેડૂતો સજીવ ખેતી અપનાવે તે માટેની જાણકારી પુરી પાડવા, તાંત્રિકતાની માહિતી આપવા અને પ્રોત્સાહિત કરવા માટે ૪૭૦૦ તાલીમ કાર્યક્રમો અને ૬૭પ૦ થી વધુ નિદર્શનો યોજવામાં આવેલ છે.
રાજ્યની નીતિઓ :
ભારતના ૧ર રાજ્યોએ સજીવ ખેતી અંગેની નીતિ નક્કી કરી છે અને ચાર રાજ્યોએ પોતાના રાજ્યમાં ૧૦૦ ટકા સજીવ ખેતી કરવાનું નક્કી કરેલ છે. કર્ણાટકની સરકારે ર૬ જાન્યુઆરી ર૦૦૯માં કર્ણાટક ઓર્ગેનિક એગ્રિકલ્ચરની સ્થાપના કરી ઊચુ મૂલ્ય ધરાવતા પાકોમાં મૂલ્ય વર્ધન દ્વારા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં સજીવ ખેતીની પેદાશોનું વેચાણ કરવાનું ઠરાવેલ છે.
ગુણવત્તાની ખાતરી :
સજીવ ખેતીની પેદાશોની નિકાસ,આયાત અને ઘરેલું બજારમાં ગુણવત્તાની ખાતરી માટે પ્રમાણન પ્રક્રિયા નક્કી કરવામાં આવેલ છે. વેપાર અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા નેશનલ પ્રોગ્રામ ઓન ઓર્ગેનિક પ્રોડકશન (NPOP) સ્થાપવામાં આવેલ છે અને વિદેશ વ્યાપાર વિકાસ અને નિયમન કાયદા (ફોરેન ટ્રેડ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એકટ-FTDR) હેઠળ નિકાસની જરૂરિયાત અંગેની દેખરેખ રાખવામાં આવે છે. કૃષિ મંત્રાલય અંતર્ગત એગ્રિકલ્ચરલ પ્રોડયુસ ગ્રેડિંગ, માર્કિંગ અને સર્ટિફિકેશન (APGMC) એકટ હેઠળ આયાત અને ઘરેલું બજાર માટેના ગુણવત્તા પરિમાણોની કાળજી લેવામાં આવે છે. કુલ ૧૮ જેટલા એક્રેડિટેડ માન્ય પ્રમાણન સર્ટિફિકેશન એજન્સીઓ પ્રમાણન પ્રક્રિયા અને પ્રોડક્ટસને પ્રમાણિત કરવા માટેની કામગીરી સંભાળે છે જેને યુરોપિયત યુનિયન, સ્વીડન અને યુએસએ જેવા ઘણા દેશોએ સ્વીકારેલ છે. આ એજન્સીઓ પૈકી ચાર જાહેર ક્ષેત્રની અને ૧૪ ખાનગી ક્ષેત્રની છે, તેમાંની નવ એજન્સીઓ આંતરરાષ્ટ્રીય જોડાણો ધરાવે છે અને નવ ભારતીય છે.
સજીવ ખેતીનું ભાવિ :
સજીવ ખેતી એ ભારતમાં વપરાતી પરંપરાગત કૃષિ પદ્ધતિઓનો જ એક ભાગ છે પરંતુ આધુનિક વિજ્ઞાન અને કૃષિ ઈનપુટસનો ઘનિષ્ઠ ઉપયોગ દ્વારા તેના વિકાસને વેગ મળેલ છે. જેમ જેમ ખોરાકની સલામતી અને ગુણવત્તા લક્ષી જાણકારીમાં વધારો થશે તેમ તેમ લાંબે ગાળે આ પદ્ધતિનો વ્યાપ વધશે.છેલ્લા પાંચ વર્ષમાં સજીવ ખેતીના વિસ્તારમાં ર૯ ગણો વધારો થયો છે. આવતા પાંચ વર્ષમાં વાર્ષિક ૩૦ ટકાના દરે સજીવ ખેતીનો વધારો થવા પામશે.પંચવાર્ષિક યોજના દરમ્યાન સંસ્થાકીય ધોરણે અને સરકારી સહાય દ્વારા તેના વિકાસમાં વધારો થયો છે. જો કે ખેડૂતોને તેની પેદાશો બજાર સુધી પહોંચતી કરવા માટેના પ્રયાસો કરવાની જરૂર છે. સજીવ ખેતીનો વ્યાપ વધારવા માટે તેના સંશોધન અને ખેતરમાં સ્ત્રોત વ્યવસ્થામાં વધારો કરવાની તાતી જરૂર છે. સજીવ ખેતી માટે હજારો કરોડ ખર્ચવામાં આવે તો સ્ત્રોતોના સંરક્ષણ,જમીન આરોગ્ય અને રાસાયણિક ખાતરોની સહાય માટે ખર્ચવામાં આવતા હજારો કરોડ રૂપિયાની બચત કરી શકાય.
સ્ત્રોત : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, એપ્રિલ ૨૦૨૧
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in