શ્રી અન્નને અંગ્રેજીમાં મિલેટ (Millet) કહે છે જે ફ્રેન્ચ શબ્દ ‘મિલ્લે’ (Mille) ઉપરથી લેવામાં આવેલ છે. વિશ્વમાં ૯૩ દેશોમાં તેની ખેતી થાય છે. વિશ્વના વિકસિત વિસ્તારો પૈકી આફ્રિકા અને એશિયાના સૂકા વિસ્તારોમાંનો તે મુખ્ય ખોરાક છે. સામાન્યતઃ વિકસિત દેશોમાં ૯૭ ટકા મિલેટનું ઉત્પાદન અને વપરાશ થાય છે. ભારતમાં હરિયાળી ક્રાન્તિ બાદ ડાંગર અને મકાઇ જેવા ધાન્ય પાકોનું વાવેતર વધ્યુ જેને પરિણામે મિલેટના વિસ્તારોમાં ઘટાડો થવા પામ્યો છે.
એક મોજણી અનુસાર વિશ્વમાં ભારત દેશ બાળકોના કુપોષણ ક્ષેત્રે બીજુ સ્થાન ધરાવે છે અને વિશ્વના ત્રીજા ભાગથી વધુ કુપોષિત બાળકો ભારત દેશ ધરાવે છે. આ અગત્યનું ધાન્ય છે કે જે સૂક્ષ્મતત્વોેની ઉણપથી પેદા થતી ‘છૂપી ભૂખ’ (Hidden hunger) ને દૂર કરી શકે તેમ છે. મિલેટ કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને અન્ય સૂક્ષ્મતત્વોનો સારો એવો સ્ત્રોત છે. નાના મિલેટોમાં રાગી એ ઘઉં કે ડાગર કરતાં અંદાજે ૧૦ ગણું કેલ્શિયમ ધરાવે છે. મિલેટના આવા લાભો જોતાં અન્નની સલામતી માાટે તેનો ખેતીમાં સમાવેશ કરવો જોઇએ.
એશિયા અને આફ્રિકાના અર્ધ શુષ્ક ઉષ્ણ કટીબંધીય વિસ્તારો માટે મિલેટ એ મહત્વના પાકો છે. તેને પોષક અનાજ (nutri-cereals) પણ કહે છે. તેની ખેતી હેઠળના વિસ્તારોમાં રહેતા લાખો ગરીબ લોકો માટે તે શક્તિ, પ્રોટીન, વિટામિનો અને ખનીજ તત્વોનો મુખ્ય સ્ત્રોત છે. તેને હલકી જમીનોમાં કોઇપણ જાતના ઇનપુટ આપ્યા વિના ઉગાડી શકાય છે. તે સૂકા અને ઊંચા તાપમાનની પરિસ્થિતિમાં ટુંકા સમયમાં થતા અને ઉત્પાદન આપતા પાક હોઇ વધુ પસંદ કરાય છે. સૂકી પરિસ્થિતિ અને બિનપિયત સ્થિતિમાં અને ઘણા ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પણ થાય છે. મિલેટ નીચો કાર્બન અને ઓછા પાણી (મિલેટના પાક કરતાં ડાંગરના પાકને ત્રણ ગણું પાણી જોઇએ) એ થાય છે. આમ આરોગ્યની દષ્ટિએ અનેક લાભો અને ટકી શકે તેવો પાક હોવા છતાં છેલ્લા ૫૦ વર્ષોમાં તેના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે.
મિલેટના આરોગ્યલક્ષી લાભો :
અન્ય મુખ્ય ધાન્યોની સરખામણીએ મિલેટ વધુ ઊંચુ પોષણ મૂલ્ય તથા એનર્જી, કાર્બોહાઇડ્રેટ, ક્રુડ રેસા, ચરબી, પ્રોટીન (૮ થી ૧૯ ટકા), રાખ, ડાયેટરી રેસા (૧.૨ ગ્રામ પ્રતિ, ૧૦૦ ગ્રામ), એન્ટિઓકસીડેન્ટ, ચરબી (૩ થી ૮ ટકા), આયર્ન, ઝિંક વગેરે ધરાવે છે. તે રાઇબોફલેવિન, નિયાસિન અને થાયમિન જેવા વિટામિનો તથા ખનીજતત્વો (૨.૩ મિ.ગ્રા. પ્રતિ ૧૦૦ ગ્રામ) જેવા કે પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, ઝિન્ક, કોપર અને મેંગેનીઝનો ઊંચો સ્ત્રોત છે.
કેટલાક અભ્યાસો દર્શાવે છે કે મકાઇની સરખામણીએ મિલેટ ઊંચુ ક્રુડ પ્રોટીન અને એમિનો એસિડ (લાયસીન અને મીથીઓનાઇન) થી સમૃદ્ધ છે. વિકસિત દેશોમાં તેનો મુખ્ય ખોરાકમાં ૩૦ થી ૪૦ ટકા જેટલો વપરાશ કરવામાં આવે તો સૂક્ષ્મતત્વોની ઉણપ દૂર કરી શકાય છે. મિલેટમાં ઊંચા પ્રમાણમાં ધીમે ધીમે પાચ્ય થતો સ્ટાર્ચ રહેલો હોઇ તેનો ગ્લાયસેમિક આંક નીચો હોય છે. જેથી વર્તમાન સમયે આહાર, ખોરાકની ટેવ અને આહાર ઉદ્યોગમાં તેની વધુ પસંદગી કરવામાં આવે છે. મિલેટ એ ગ્લુટેન મુક્ત હોઇ તેનો લોટ સેલિયાક (Celiac) રોગથી પીડાતા વ્યક્તિઓ માટે વધુ અનુકુળ છે.
મિલેટ–ક્લાઇમેટ સ્માર્ટ પાક તરીકે :
મિલેટને સામાન્ય રીતે ફૂલો બેસવા માટે કોઇ ચોક્કસ પ્રકાશગાળાની જરૂર હોતી નથી એટલે કે તે ફોટો-અસંવેદશીલ છે અને વાતાવરણમાં થતા ફેરફારો સામે ટક્કર ઝીલી શકે છે. તે ઊંચા ઉષ્ણતામાનમાં પણ ટકી શકે છે. વાતાવરણમાં થતા ફેરફાર સમયે મિલેટ એ એક જ એવો પાક છે જે ટકી શકે છે જેથી ગરીબ સીમાંત ખેડૂતો માટે જોખમ વ્યવસ્થા સામેની વ્યૂહરચનામાં તે અગત્યના છે. પ્રાથમિક રીતે જોતાં તે પોતાનું જીવનચક્ર (બી થી બી પેદા કરવાનો સમયગાળો) ૧૨ થી ૧૪ અઠવાડીયા જેટલા ટુંકા સમયમાં પૂર્ણ કરે છે જ્યારે ડાંગર અને ઘઉંમાં આ સમયગાળો ૨૦ થી ૨૪ અઠવાડીયાનો છે. આ ઉપરાંત મિલેટ એ સી-૪ પ્રકારના છોડ છે કે જે ઊંચી પ્રકાશસંશ્લેષણ અસરકારક્તા, વધુ સૂકા પદાર્થના ઉત્પાદનની ક્ષમતા, ઓછા ઇનપુટ સાથે પ્રતિકુળ ખેત-હવામાનની પરિસ્થિતિમાં બચાવ તેમજ વધુ આર્થિક વળતર આપે છે. તે સી-૪ પ્રકારના છોડ હોઇ ઊંચી જળ વપરાશ કાર્યક્ષમતા ધરાવે છે કે જે સી-૩ પ્રકારના છોડ કરતાં ૧.૫ થી ૪ ગણી વધુ છે. દાખલા તરીકે કાંગને ૧ ગ્રામ સૂકો પદાર્થ પેદા કરવા માટે ૨૫૭ ગ્રામ પાણી જોઇએ જ્યારે મકાઇને ૪૭૦ ગ્રામ અને ઘઉંને ૫૧૦ ગ્રામ પાણી જોઇએ તેથી જ હવામાન સામે ટકી શકે તેવી પાકની જાતો વિકસાવવા માટે મિલેટ અગત્યના છે.
વૈશ્વિક દ્દષ્ટિએ મિલેટમાં ફેરફાર :
ખાસ કરીને આફ્રિકા અને એશિયાના સૂકા વિસ્તારોના વિકસિત દેશોમાં મિલેટ એ લોકોનો મુખ્ય ખોરાક છે. મોટા ભાગના મિલેટ આફ્રિકાના વતની છે અને ત્યારબાદ વિશ્વના અન્ય ભાગોમાં પ્રસરેલ છે. વિશ્વના ૯૩ દેશોમાં મિલેટની ખેતી થાય છે અને ફક્ત ૭ દેશો ૧૦ લાખ હેકટરથી વધુ વિસ્તાર ધરાવે છે. સામાન્ય રીતે વિકાસ પામતા દેશોમાં મિલેટનું ૯૭ ટકા ઉત્પાદન અને વપરાશ થાય છે. એક અંદાજ મુજબ આ દેશોમાં સને ૧૯૬૧ થી ૨૦૧૫ દરમ્યાન મિલેટના વાવેતરમાં ૨૫.૭૧ ટકા જેટલો ઘટાડોે થવા પામ્યો છે. જો કે મિલેટની ઉત્પાદક્તા સને ૧૯૬૧માં ૫૭૫ કિ.ગ્રા. પ્રતિ હેકટર હતી જે સને ૨૦૧૮માં વધીને ૯૦૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર થયેલ છે. છેલ્લા ૫૮ વર્ષની આંકડાકીય માહિતી જોતાં આફ્રિકા સિવાય વિશ્વના મોટા ભાગના દેશોમાં મિલેટના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળેલ છે. સને ૧૯૬૦ બાદ પશ્વિમ આફ્રિકામાં મિલેટના વાવેતરમાં બમણી વૃધ્ધિ થઇ છે. એશિયાના દેશોમાં મિલેટના વિસ્તારોમાં ૧૪૮ ટકા જેટલો ઘટાડો થવા પામ્યો છે. આ ઘટાડો થવાના કારણોમાં પાક સુધારણાના સઘન પ્રયાસોની ખામી, મિલેટને બદલે ઊંચા મૂલ્ય ધરાવતા પાકોનું વાવેતર, સરકારી નીતિનો અભાવ અને મિલેટની ખેતીમાં ઓછી નફાકારકતાનો સમાવેશ થાય છે. આમ વિશ્વમાં કેટલાક દશકોથી તેના વિસ્તારોમાં સતત ઘટાડો થતો હોઇ મિલેટનો ગૌણ ધાન્ય અથવા ઓછો વપરાશ ધરાવતા ધાન્યોમાં સમાવેશ કરવામાં આવેલ છે.
ભાતરમાં મિલેટનું વાવેતર :
ભારત એ સુદાન અને નાઇજીરીયા બાદ વિશ્વમાં કુલ મિલેટ ઉત્પાદનના અંદાજે ૪૧ ટકા ઉત્પાદન આપતો મોટો દેશ છે. ભારત વર્ષે અંદાજે ૧૨૦ લાખ ટન મિલેટનું ઉત્પાદન કરે છે. સને ૧૯૫૫-૫૬ થી સને ૨૦૦૮-૦૯ દરમ્યાન ગૌણ મિલેટના વિસ્તારમાં ૮૩ ટકા અને ઉત્પાદનમાં ૭૮.૨૬ ટકાનો ઘટાડો થયો હતો પરંતુ તેની ઉત્પાદક્તામાં ૨૬.૫ ટકા વધારો થવા પામેલ. મિલેટની નિકાસમાં ભારત દેશ અને ૨૦૨૦-૨૧માં પાંચમાં ક્રમે હતો. ભારતના ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, કર્ણાટક અને ઉત્તરાખંડ જેવા રાજ્યોના આદિવાસી વિસ્તારોમાં મિલેટ એ મુખ્ય આહાર છે. તાજેતરમાં તેના પોષણ મૂલ્યની ક્ષમતા જાણતાં શહેરી વિસ્તારોમાં પણ મિલેટ ખ્યાતિ પામેલ છે. ભારતમાંથી સને ૨૦૧૯-૨૦ દરમ્યાન ૨૮૫ લાખ ડોલરની મૂલ્ય ધરાવતા મિલેટની નિકાસ કરવામાં આવેલ. સને ૧૯૨૦-૨૧ દરમ્યાન ભારતમાંથી નેપાળ, યુએઇ અને સાઉદી અરેબિયા ખાતે અનુક્રમે ૬૦.૯, ૪૮.૪ સને ૩૮.૪ લાખ ડોલરના મૂલ્ય ધરાવતા મિલેટની નિકાસ કરવામાં આવેલ.
મિલેટના ઉત્પાદન અંગેની મુશ્કેલીઓ :
મિલેટનું ઓછુ ઉત્પાદન મળવાનું મુખ્ય કારણ હરિયાળી ક્રાંતિને લીધે ઘઉંની વધુ ઉત્પાદન આપતી જાતોના વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં થયેલ તીવ્ર વધારો છે કે જે ઇનપુટસનો વધુ પ્રતિભાવ આપે છે. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષોમાં ડાંગર, મકાઇ વગેરે ધાન્યોની પ્રાપ્યતામાં વધારો થવા પામ્યો છે. અન્ય કારણમાં ખેડૂતો અને વૈજ્ઞાનિકો ધ્વારા મિલેટના વધુ ઉત્પાદન માટેની તાંત્રિકતા અને આયોજન તરફ બેદરકારી દાખવવામાં આવી છે. મિલેટના વિસ્તારમાં થયેલ ઘટાડા માટે તેના પ્રોસેસિંગ અને વપરાશ માટેની આધુનિક તાંત્રિક્તાની ખામી પણ જવાબદાર છે.
મિલેટના વાવેતર માટેની મર્યાદાઓ :
(૧) ગૌૈણ મિલેટ માટેની યોગ્ય પદ્ધતિઓ અને પેકિંગની કામગીરી ખેડૂતો અપનાવતા નથી.
(૨) મિલેટના બિયારણની વાવણી પૂંખીને કરવામાં આવે છે અને કોઇપણ પ્રકારના સેન્દ્રિય અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવતો નથી.
(૩) મોટા ભાગે મિલેટ સીમાંત જમીનોમાં બિનપિયત ખેતી તરીકે ઉગાડવામાં આવે છે. કેટલાક મિલેટ ટેકરાળ વિસ્તારોમાં થાય છે.
(૪) મિલેટની સુધારેલી જાતોના ગુણવત્તા મુક્ત બિયારણો ખેડૂતોને પ્રાપ્ય નથી.
(૫) ખેડ, વાવણી, આંતરખેડ વગેરે ખેતીકીય કાર્યો સમયસર કરવામાં આવતા નથી.
(૬) મિલેટની કાપણી અને ત્યાર પછીના કાર્યો માટે આધુનિક તાંત્રિકતાની પ્રાપ્યતાની ખામી છે.
(૭) વધારાના ઉત્પાદનના વળતરદાથી ભાવો મળે તે રીતે માર્કેટિંગ કરવાની સવલતો ઉપલબ્ધ નથી.
મિલેટના ઉત્પાદન વધારવા માટેની વ્યૂહરચના :
(૧) મિલેટમાં પાક સુધારણા માટે સઘન પ્રયાસો હાથ ધરવાની જરૂરિયાત છે.
(૨) જૈવિક અને અજૈવિક તાણ સહન કરી શકે તેવી જાતોનો વિકાસ કરવો જોઇએ.
(૩) કૃષિની જૈવ વૈવિધ્યતાનું સંરક્ષણ અને ટકાઉપણા માટેની સંકલિત વ્યૂહરચનાનો વિકાસ કરવો જોઇએ.
(૪) ભારત સરકારે સને ૨૦૧૮ના વર્ષને મિલેટ વર્ષ તરીકે ઉજવણી કરેલ કે જેથી મિલેટના ઉત્પાદનમાં વધારો થાય અને પ્રોત્સાહન મળે.
(૫) સંયુક્ત રાષ્ટ્રસંઘની ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન ધ્વારા ભારત તરફથી સને ૨૦૨૩ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાની કરેલ દરખાસ્તને સ્વિકારી વિશ્વમાં મિલેટનો વિસ્તાર વધે તે માટે પ્રયાસો હાથ ધરેલ છે.
ઉપસહાર : હાલમાં અન્નની સલામતી અને ખેત-વૈવિધ્યતા જાળવવા માટે ઓછા વપરાશ ધરાવતા ગૌણ મિલેટનું સંરક્ષણ કરવાની જરૂરિયાત છે. ટકાઉ વિકાસના ધ્યેયને પહોંચી વળવા માટે પરંપરાગત ખેતી પદ્ધતિઓને સઘન બનાવવાની જરૂર છે. ખેડૂતો મિલેટના વાવેતરનું મહત્વ સમજે તે માટે તેઓને તાલીમો, અગ્ર હરોળના નિદર્શનો અને મિલેટની જાગૃતિ અંગેની ઝૂંબેશો હાથ ધરવી જોઇએ. બાયોટેકનોલોજી અને જીનોમ જેવી તાંત્રિકતાનો ઉપયોગ કરી ગુણવત્તા અને વધુ ઉત્પાદન આપે તેવી આશાસ્પદ જાતો વિકસાવવી જોઇએ. ગૌણ મિલેટ માટે પ્રોસેસિંગ એ એક ચાવીરૂપ પડકાર છે કે જે ગ્રાહકની માંગને અસર કરે છે. મિલેટમાં કાપણી તાંત્રિકતાઓ (જેવી કે પ્રોસેસિંગ, મૂલ્ય વર્ધિત આહાર, ઔષધિ, કાર્યાત્મક ખોરાક (ન્યુટ્રાશ્યુટિકલ્સ,) જૈવિક બળતણ અને અન્ય બનાવટો અંગેનું ઘનિષ્ઠ સંશોેધન હાથ ધરવું જોઇએ.
સ્ત્રોત : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જૂન ૨૦૨૩
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in