તબીબી ક્ષેત્રે થયેલ વિવિધ સંશોધનો,આરોગ્યલક્ષી સેવાઓ, સુધારેલી જીવનચર્યા અને રહેણીકરણીમાં ફેરફાર વગેરે કારણોસર સમગ્ર વિશ્વમાં માનવીના આયુષ્યમાં વધારો થવા પામેલ છે. તબીબી ક્ષેત્રે થયેલ આવિસ્કારોને કારણે દર વર્ષે પ્રજનન દરમાં અને મૃત્યુ દરમાં ઘટાડો થતો જાય છે. તેના કારણે યુવાનોની વસ્તી ઘટતી જાય છે અને વૃદ્ધોની વસ્તી વધતી જાય છે. આમ વિશ્વની કુલ વસ્તીમાં વૃદ્ધોની સંખ્યાનો દર વધતો જાય છે.
વિશ્વમાં સને ૨૦૦૫ માં ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વડીલોની સંખ્યા ૬૭.૨૮ કરોડ હતી. સને ૨૦૦૦ માં વડીલોની વસ્તી ૧૦ ટકા હતી જે સને ૨૦૨૫ માં વધીને ૧૫ ટકા અને સને ૨૦૫૦ માં વધીને ૨૧ ટકાએ પહોંચશે તેવો એક અંદાજ છે.આજ સુધી વડીલોની વસ્તીમાં થતો આ વધારો એ વિકસિત થયેલ દેશો માટેનો પડકાર છે એમ માનવામાં આવતું હતું પરંતુ તાજેતરમાં થયેલ અભ્યાસ મુજબ ભારત જેવા વિકાસશીલ દેશમાં પણ આ એક પડકાર રૂપ બાબત છે.
ભારતમાં વયવૃદ્ધિ :
ભારત વિશ્વમાં ચીન પછી વધુ વસ્તી ધરાવતો બીજો દેશ છે જેમાં વડીલોની વસ્તી ઝડપી દરે વધતી જાય છે. ભવિષ્યમાં વડીલોની સંખ્યા ઊંચા દરે વધવા પામશે તેવો અંદાજ છે. વસ્તી ગણતરી અંગેના સેન્સસમાં જણાવ્યા મુજબ સને ૧૯૦૧ માં વડીલોનું પ્રમાણ ૪.૯ ટકા, સને ૧૯૫૧ માં ૫.૫ ટકા અને સને ૨૦૦૧ માં ૭.૪ ટકા હતું. એક અંદાજ મુજબ વડીલોનું પ્રમાણ વધીને સને ૨૦૨૫ માં ૧૨ ટકા અને સને ૨૦૫૦ માં ૧૭.૫૦ ટકા એ પહોંચશે. સને ૨૦૦૧ ના સેન્સસ મુજબ ભારત વિશ્વમાં વડીલોની સંખ્યાની દૃષ્ટિએ બીજો દેશ છે.
ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે વયવૃદ્ધિ :
ભારતની અર્થવ્યવસ્થા ગ્રામ્ય વર્ચસ્વ ધરાવે છે કારણ કે ભારત દેશની અંદાજે ૭૨ ટકા વસ્તી ગામડાઓમાં રહે છે જે મોટે ભાગે કૃષિના ધંધા ઉપર નિર્ભર છે. આપણા દેશની અંદાજે ૬૫ ટકા વસ્તી સીધી રીતે ખેતી ઉપર નભે છે અને દેશની કુલ જીડીપીમાં ૨૨ ટકા જેટલો ફાળો આપે છે.
એક અંદાજ મુજબ શહેરી વિસ્તારોમાં પ્રજનન દર અને મૃત્યુ દરમાં ઝડપી રીતે ઘટાડો થતો હોઈ વડીલોની સંખ્યા ઝડપી રીતે વધે છે. ગ્રામ્ય ક્ષેત્રમાંથી યુવાનોનું શહેરો પ્રતિ પ્રયાણ થતાં અને વૃદ્ધોને ગામડાઓમાં જ છોડીને જતા હોઈ તેમજ નિવૃત્ત થયેલ લોકો ગામડાઓમાં રહેવા માટે વતનમાં આવતા હોવાથી ગામડાઓમાં વડીલોની સંખ્યા શહેરો કરતા ઝડપી રીતે વધવા પામી છે.
શહેરોમાં મજૂરીના ઊંચા દર, મજૂરોની ઊંચી માંગ અને સારી સામાજીક સેવાઓના કારણે ગ્રામ્ય લોકો શહેરી વિસ્તારોમાં જવા માટે લલચાય છે. શહેરો પ્રત્યેના ખેંચાણ માટે ગ્રામ્ય ક્ષેત્રે બેરોજગારી, ગરીબાઈ, માળખાકીય સવલતો અને સામાજીક સેવાઓની ખામી તથા કૃષિ પેદાશોનું નીચું બજાર વગેરે કારણો જવાબદાર છે. ભારતમાં અંદાજે ૭૮ ટકા વડીલો ગ્રામ્ય વિસ્તારોમાં જીવન ગુજારે છે.
યુવાનો શિક્ષણ અને રોજગારીની તલાશ માટે ગામડાઓમાંથી શહેરો તરફ પ્રયાણ કરે છે જેથી સંયુક્ત કુટુંબો તુટી વિભક્ત કુટુંબો બને છે. ગામડાઓમાં રહેલ વડીલો ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિઓ સંભાળે છે. આમ વડીલો જમીન માલિક, ખેડૂત, ખેતમજૂર, ઘરના સભ્ય એમ બહુલક્ષી ભૂમિકાઓ નિભાવે છે. મોટા ભાગના વડીલો પોતાની કોઠાસૂઝ દ્વારા પોતાના કુટુંબના સભ્યો અને સમાજની સારી સેવા કરે છે.
ગ્રામ્ય વડીલ ખેડૂતોની ખેતી ઉપર અસર :
ગામડાઓમાંથી શહેરો તરફ પ્રયાણ અને ગ્રામ્ય ક્ષેત્રે વડીલોની સંખ્યામાં થયેલ વધારો કૃષિ પધ્ધતિઓ, કૃષિ ઉત્પાદન,અન્નની સલામતી અને સ્થિરતા ઉપર નોંધપાત્ર અસર કરે છે જેની વિગતો અત્રે દર્શાવેલ છેઃ
(૧) ગ્રામ્ય ક્ષેત્રે વડીલોની વસ્તી અનિવાર્ય પણે કૃષિ મજૂરોની સંખ્યા અને ગુણવત્તા ઉપર અસર કરે છે. યુવાનોના શહેરો તરફ પ્રયાણ અને પ્રજનન દરમાં થયેલ ઘટાડાને કારણે કૃષિ ક્ષેત્રે મજૂરોની માંગ વધવા પામી છે. આમ કૃષિ ઉત્પાદન માટે મજૂરો ઉપર આધાર રાખવો પડતો હોઈ કૃષિ ઉત્પાદનને જાળવવું અને તેમાં વધારો કરવો એ એક ગંભીર સમસ્યા છે.
(૨) ખેતીમાં વડીલોની સંખ્યામાં થયેલ વધારો તેઓના ભૌતિક અને આર્થિક સ્ત્રોતો મર્યાદિત હોઈ લાંબે ગાળે ખેતીના વિકાસમાં અવરોધ ઊભો કરશે.
(૩) કૃષિ ક્ષેત્રે ઉત્પાદન માટે ઓછા મજૂરો વડે કામગીરી કરાવતાં ઘનિષ્ઠ ખેતીમાં કે ખેતીલાયક વિસ્તારમાં ઘટાડો થવા પામશે જેના કારણે કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થશે.
(૪) કૃષિ ઉત્પાદન ફક્ત નિર્વાહલક્ષી બનવા પામશે.
(૫) ઉપલબ્ધ ખેતી લાયક જમીનને બિન ખેતીલાયક તરીકે વેચવાનું કે ભાડે આપવાનું પ્રમાણ વધશે જેથી નવીન તાંત્રિકતાઓ અપનાવવાનું પ્રમાણ ઘટશે.
(૬) વધુ ઉત્પાદન આપતા બિયારણની જાતો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરે સુધારેલા ઈનપુટસ શહેરી વિસ્તારોમાં ઉપલબ્ધ હોઈ ત્યાંથી અશક્ત વડીલો લાવી શક્તા નહિ હોવાથી તેનો ઉપયોગ ના થવાને કારણે કૃષિ ઉત્પાદકતામાં ઘટાડો થશે.
(૭) ખેતીકાર્યો માટે વડીલો ભાડૂતી મજૂરો ઉપર આધાર રાખતા હોઈ તેમજ મજૂરોની માંગ સામે પૂરવઠો ઓછો હોઈ ખેતીકાર્યો મર્યાદિત પ્રમાણમાં કરી શકાશે તેમજ ઘનિષ્ઠ ખેતી નહિ થઈ શકે. આમ મજૂરોની ખેંચને કારણે ખેતીલાયક જમીનોનું શહેરી વિસ્તારોમાં મકાનો માટે અને ઔદ્યોગિક હેતુ માટેના પ્લોટમાં રૂપાંતર થવા પામશે. આમ ખેતીની જમીનોનો પુરતો ઉપયોગ નહિ થવાને કારણે કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થવા પામશે. આ કારણે પાક પધ્ધતિમાં ફેરફાર થશે જેથી અન્નની સલામતી જોખમાશે.
વડીલો પાસે પરંપરાગત રીતે ટકાઉ ખેતી માટેની પધ્ધતિઓનું પુરતું જ્ઞાન અને અનુભવ રહેલો છે જેથી તેઓ કુટુંબ માટે જ નહિ પરંતુ રાષ્ટ્રીય અર્થતંત્ર માટે પણ કિંમતી સ્ત્રોત છે. ભારતની ખેતીના ટકાઉ વિકાસ માટે તેઓની ખાસ જરૂર છે પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે વડીલોની અવગણના કરવામાં આવે છે અને તેઓની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે યોગ્ય વસવાટની સવલત, પૂરતું પોષણ અને સમયસર આરોગ્ય સેવાઓ વગેરે પુરી પાડવામાં આવતી નથી. શહેરોમાં રહેતા વડીલોની સરખામણીએ ગામડાઓમાં રહેતા વડીલોની પરિસ્થિતિ બહુ ખરાબ જોવા મળે છે.
ગ્રામ્ય ક્ષેત્રે વડીલ ખેડૂતોના જીવનની ગુણવત્તા સુધારવા માટેના ઉપાયો :
વડીલો જો દરેક રીતે તંદુરસ્ત હોય તો પોતાના કુટંબ અને સમાજના સામાજીક અને આર્થિક વિકાસમાં સારો એવો ફાળો આપી શકે છે. સમાજે વડીલોને એક થાપણ તરીકે ગણી તેની સેવા થકી જાળવણી કરવી જોઈએ. વડીલો કાર્યરત અને તંદુરસ્ત રહી શકે તે માટે યોગ્ય નીતિઓ અને કાર્યક્રમો ઘડી તેને અમલમાં મૂકવા જોઈએ.અત્રે ગ્રામ્ય ક્ષેત્રે રહેતા વડીલ ખેડૂતોના જીવનની ગુણવત્તા સુધારવા માટેના કેટલાક ઉપાયોની વિગતો દર્શાવેલ છે.
(૧) વડીલ ખેડૂતોનું મંડળ રચવુંઃ
સામાન્ય હેતુ માટે ગામડાઓમાં રહેતા વડીલોનું એક મંડળ રચવું જોઈએ. આવુ જૂથ બનવાને કારણે વડીલો એકબીજાની મદદરૂપ થઈ પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરી શકે, પોતાનો સમય સુખરૂપ પસાર કરી શકે અને સમયનો સદુઉપયોગ કરી શકે. આવા મંડળના વડીલ સભ્યો એકબીજાની જરૂરિયાતોને જાણી શકે છે અને ગ્રામ્ય ક્ષેત્રે રચવામાં આવેલ આવા વડીલ મંડળો ગરીબ વડીલોની સુખાકારી માટે મોડેલ રૂપ પુરવાર થયેલા છે.
(૨) કૃષિ સાધન કેન્દ્રોની સ્થાપના કરવી :
ગ્રામ્ય ક્ષેત્રે કૃષિ સાધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવે તો બિયારણ, ખાતરો, દવાઓની જરૂરિયાત તેમજ મશીનરી ભાડે મળી શકે તેવી વ્યવસ્થા વડીલ ખેડૂતો માટે કરી શકાય જેથી શહેરથી દૂરના સ્થળે આવી સગવડ મળતાં ખેતીમાં પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે.આ ધ્વારા ગામડાઓમાં રહેલ કેટલાક યુવાનોને રોજગારી પણ પુરી પાડી શકાય. વિશેષમાં આવા કેન્દ્રો મારફતે વડીલ ખેડૂતો ધ્વારા ખેતરમાંથી પેદા થયેલ ખેતપેદાશોની ખરીદી અને વેચાણ કરવામાં આવે તો વડીલ ખેડૂતો ઉપર થતો ખરીદ-વેચાણનો બોજો ઘટાડી શકાય તેમજ દૂરના બજારોમાં ખેતપેદાશ વેચાણ કરવાની મુશ્કેલી દૂર કરી શકાય.
(૩) વડીલ–મિત્ર કૃષિ તાંત્રિકતાઓનો વિકાસ કરવો :
કૃષિ સંશોધન સંસ્થાઓ ધ્વારા એવી નવીન તાંત્રિકતાઓ વિકસાવવામાં આવે કે જેમાં મજૂરોની જરૂરિયાત ઓછી હોય, વડીલ-મિત્ર પ્રેમી હોય, ઓછા ઈનપુટનો ઉપયોગ ધ્વારા વધુ ઉત્પાદન મળે તેવી હોય, સ્થાનિક સ્ત્રોતો (જેવા કે શૂન્ય ખેડ (ઝીરો ટિલેજ), સજીવ ખેતી,ઘનિષ્ટ ખેતી,સૂક્ષ્મ પિયત,ફર્ટિગેશન,રીમોટ ધ્વારા પિપત પદ્ધતિનો ઉપયોગ વગેરે)નો વધુ ઉપયોગ કરી શકાય તેવી હોય વગેરે.આવી તાંત્રિકતાઓનો ઉપયોગ વડીલ ખેડૂતોને કૃષિ ઈનપુટસને શહેરી વિસ્તારોમાંથી પ્રાપ્ત કરવા માટે તથા મજૂરોની જરૂરિયાત માટેનો બોજો હળવો કરશે.
(૪) વડીલ ખેડૂતોને કૃષિ વિસ્તરણ સેવાઓ પુરી પાડવી :
યુવાનોનું શહેરો પ્રતિ પ્રયાણ ગ્રામ્ય ક્ષેત્રે વડીલ-ખેડૂતો કે મહિલા ખેડૂતો પર ખેતી કરવી એ એક બોજા રૂપ બને છે. આવા સંજોગોમાં રાજ્યની કૃષિ વિસ્તરણ એજન્સીઓએ વડીલ ખેડૂતોને ધ્યાને લઈ વિસ્તરણ શિક્ષણ માટે નવી વ્યૂહરચના અને કાર્યક્રમો યોજવા જોઈએ કે જે તેઓની જરૂરિયાતો પુરી પાડી શકે.વડીલ ખેડૂતોને કૃષિ ધિરાણ માટેની સેવાઓ પણ સહેલાઈથી મળી શકે તેવા પ્રયાસ કરવા જોઈએ કે જેથી ખેતી કરવા માટેનો આત્મવિશ્વાસ વધે.
(૫) ગ્રામ્ય ક્ષેત્રે વડીલો માટે આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવી :
વર્તમાનમાં ગ્રામ્ય ક્ષેત્રે ઉપલબ્ધ પ્રાથમિક આરોગ્યલક્ષી સેવાઓ સંભાળતા કર્મચારીઓને વડીલોને લગતા આરોગ્યલક્ષી પ્રશ્નો અને તેના નિરાકરણ માટેના ઉપાયોનું શિક્ષણ અને તાલીમ પુરી પાડવી જોઈએ જેથી તેઓ ગામડાઓમાં રહેતા વડીલોને સારી આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડી શકે.આરોગ્ય કર્મચારીઓ વડીલોને ઘરે સંભાળ રાખવી, કુટુંબના સભ્યોને મદદ કરવી, સુધારેલી કુશળતાઓ ધ્વારા કાળજી લેવી, હકારાત્મક વલણ પેદા કરવું વગેરે કામગીરી કરી શકે. ગ્રામ્ય વિસ્તારોમાં વડીલો માટે રાજ્ય સરકાર ૧૦૮ની માફક મોબાઈલ સર્વિસ પુરી પાડી શકે.
(૬) આદ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે સામુદાયિક સ્થળ ઊભું કરવું :
માનવજાત માટે શાંતિ અને પ્રભુની પ્રાર્થના એક આદ્યાત્મિક પ્રવૃત્તિ છે જેમાં વડીલોને વધુ રસ હોય છે. તેઓ પોતાની મુશ્કેલીઓ માટે પ્રભુને પ્રાર્થના કરે છે અને તેઓ પાસે આશીર્વાદ માગે છે. ગામડાઓમાં વડીલો એક સ્થળે એકઠા થઈ સામૂહિક રીતે પ્રભુ ભજન, પ્રાર્થના કે આદ્યાત્મિક પ્રવૃત્તિઓ કરી શકે તે હેતુથી દરેક ગામમાં સામૂહિક કેન્દ્ર માટે મકાનનું બાંધકામ કરવું જોઈએ.
ઉપરોક્ત વિગતોને ધ્યાને લઈ કૃષિ ઉત્પાદન વધારવા અને અન્ન સલામતી માટે ગ્રામ્ય વડીલો પ્રત્યે નોંધપાત્ર ધ્યાન આપવાની જરૂર છે. ભવિષ્યમાં ગ્રામ્ય ક્ષેત્રે વડીલોની સંખ્યા વધવાની છે તેને ધ્યાને લઈ તે અંગેની તાંત્રિકતાઓનો વિકાસ કરવાની, તેને અનુરૂપ નીતિ ઘડવાની અને કાર્યક્રમો ગોઠવવાની તાતી જરૂર છે જેથી ગ્રામ્ય વડીલોની ક્ષમતાઓનો પુરેપુરો ઉપયોગ કરી અસરકારક વ્યવસ્થા ધ્વારા ભવિષ્યમાં ઊભા થનાર પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય.
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in