ભારતના ખેડૂતો માટે જમીન, મજૂર અને મૂડીની જેમ માહિતી પણ એક કિંમતી સ્ત્રોત હોવાનું મનાય છે. વિકાસશીલ દેશોમાં રહેતા મોટા ભાગના નાના અને સીમાંત ખેડૂતો પરંપરાગત અને નવા મીડિયાથી અજાણ છે. દેશના કુલ ખેડૂતો પૈકી ૮૦ ટકા ખેડૂતો નાના અને સીમાંત પ્રકારના હોઇ કૃષિ માહિતી અને તેનું જ્ઞાન ધરાવતા નથી.વધુમાં નબળી માળખાગત સુવિધાઓ અને હરોળને કારણે વૈજ્ઞાનિકો અને સંસ્થાઓ ધ્વારા ઉદ્દભવેલ જ્ઞાન નીચેના ખેડૂતો સુધી પહોંચી શકતું નથી. એક અંદાજ મુજબ ૫૦૦૦ ખેડૂતો દીઠ એક વિસ્તરણ કાર્યકર છે જે જોતાં વિસ્તરણ કાર્યકર દરેક ખેડૂતનો વ્યકિતગત સંપર્ક કરી તેના પશ્નોનું નિરાકરણ લાવી શકતો નથી.
એનએસએસઓ (NSSO) ૨૦૦૫ ની એક મોજણી મુજબ ભારતના ૪૦.૪ ટકા ખેડૂતો પાકોની ખેતી અંગેની આધુનિક તાંત્રિકતા જ્યારે ૫.૧ ટકા ખેડૂતો પશુપાલન સંબંધિત માહિતી મેળવે છે એટલે કે પશુપાલન અંગેની માહિતીનું વિસ્તરણ મર્યાદિત છે. એનએસએસઓ (૨૦૧૪) ના એક રિપોર્ટ મુજબ ફક્ત ૮ ટકા ખેડૂતો પશુપાલન સંબધિત સંસ્થાઓ પાસેથી માહિતી મેળવે છે. વિશ્વમાં ભારત એક વધુ દૂધ ઉત્પાદન આપતો દેશ હોવા છતાં વ્યક્તિગત રીતે માહિતી પહોંચાડવી મોંઘી હોઇ સીમાંત ખેડૂતો સુધી ગુણવત્તા યુક્ત માહિતી અને જ્ઞાન પહોંચી શકતું નથી જેની અસર ડેરી ક્ષેત્રના વિકાસ ઉપર થવા પામે છે. તેથી ભારત સરકારે આત્મનિર્ભર ભારત,ડિજિટલ ઇન્ડિયા જેવા આર્થિક સુધારણાના કાર્યક્રમો અમલમાં મૂકી ભારતનો વિકાસ દર વધારવાના પ્રયાસો શરૂ કરેલ છે. અન્નની સલામતી અને કૃષિ વિકાસને વેગ આપવા માટે ગ્રામ્ય સ્તરે ખેડૂતોને પ્રાધાન્ય આપ્યા વિના ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થવું શક્ય નથી. આથી ભારતના ખેડૂતોને અદ્યતન કૃષિ માહિતીનું પ્રસારણ કરી ખેતીના ધંધાને વધુ અર્થક્ષમ બનાવવો જરૂરી છે. આ હેતુ માટે સંદેશાવ્યવહારના સાધન તરીકે વોટસએપનો ઉપયોગ કરવો અનિવાર્ય છે કે જે સોસિયલ મીડિયામાં એક અગત્યનું સાધન છે.
કૃષિ માહિતીના એક સ્ત્રોત તરીકે સોસિયલ મીડિયાનો ઉપયોગ :
આજકાલ સોસિયલ મીડિયા એ ટીનેજર્સ અને યુવાનો તેમજ વૃદ્ધોમાં ઉંમર, જાતિ અને ભૌગોલિક વિસ્તારને ધ્યાને લીધા સિવાય દરેકને અસર કરતું માધ્યમ છે. સોસિયલ મીડિયા ધ્વારા દરેક વ્યકિત વિશ્વના કોઇપણ વ્યક્તિ સાથે સંપર્ક સાધી શકે છે. તેથી કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રની સાથે સંકળાયેલ દરેક વ્યક્તિએ તેના લાભો મેળવવા જોઇએ.વિસ્તરણ કાર્યકરો ગ્રામ્ય સમાજ અને ખેડૂતોને વિવિધ રીતે સોસિયલ મીડિયાના માધ્યમથી માહિતી પુરી પાડી શકે છે.છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી,વ્યવસાયિક અને સ્વૈચ્છિક સંસ્થાઓએ સોસિયલ મીડિયામાં પોતાની વેબસાઇટો બનાવી માહિતી મૂકેલ છે.
સોસિયલ મીડિયા તેનો ઉપયોગ કરનાર દરેક વ્યકિતને પોતાની વ્યક્તિગત માહિતી તથા વિચારોને અનૌપચારીક રીતે એકબીજા સાથે સંદેશા, ચિત્રો, ફોટા, અવાજ તથા વીડિયો વગેરેને નેટવર્ક ધ્વારા વ્યક્ત કરવા, ભાગીદાર બનવાની અને આપલે કરવા માટે એક સામાજીક પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. આ સોસિયલ મીડિયા આવ્યુ તે પહેલાં અન્ય માધ્યમો આટલાં પ્રચલિત ન હતાં. આ નવા મીડિયાનો ઉપયોગ શરૂ થતાં અગાઉના મીડિયાનો ઉપયોગ ઘટતો ગયો. જાન્યુઆરી ૨૦૨૦ ના ડિજિટલ રિપોર્ટ મુજબ આજે વિશ્વના ૬૦ ટકા લોકો ઇન્ટરનેટનો વપરાશ કરે છે.આ જોતાં કૃષિ અને તેના સંલગ્ન ક્ષેત્રોના વિકાસ માટે વિસ્તરણ કાર્યકરો ધ્વારા લોકો, ખેડૂતો અને યુવાનો સુધી મોટા પાયે પહોંચવા માટેની ક્ષમતા સોસિયલ મીડિયા ધરાવે છે જેથી આ માટે તેનો ઉપયોગ કરવો હિતાવહ છે.
ખેડૂતો માટે વિવિધ સોસિયલ મીડિયા :
ખેડૂતો માટે વિવિધ સોસિયલ મીડિયાના પ્લેટફોર્મની માહિતી અત્રે ટુંકમાં દર્શાવેલ છે કે જે ખેડૂૂતોના હિત માટે કાર્યરત છે.
(૧) સોસિયલ નેટવર્કિંગ સાઇટ :
આ પ્રકારના પ્લેટફોર્મનો ઉપયોગ મિત્રો, સાથીદારો અને નજીકના સંબંધીઓ સાથે વ્યક્તિગત અને સામાજીક ક્રિયા પ્રતિક્રિયા ધ્વારા સંબંધો બાંધવા માટે થાય છે. આ સૌથી પ્રખ્યાત સોસિયલ મીડિયા છે કે જે વધુ વ્યક્તિઓ સુધી પહોંચેલ છે. ખેડૂત આ મીડિયાનો ઉપયોગ કરી ખેતર, ખેતીપેદાશ વગેરે કાર્યો અને તેની માહિતી ગ્રાહકો, મિત્રો, જૂથો અને સંસ્થાઓને પહોંચાડી શકે છે જેમાં ગુગલ, ફેસબુક વગેરેનો સમાવેશ થાય છે.
(૨) પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ :
આ પ્રકારના પ્લેટફોર્મનો ઉપયોગ જે તે ક્ષેત્રના વ્યવસાયિક નિષ્ણાતો સાથે પોતાના ક્ષેત્રની માહિતીની આપલે અને ચર્ચા માટે કરે છે. સને ૨૦૦૩ માં સ્થપાયેલ લિન્કડઇન (LinkedIn) એ વધુ પ્રખ્યાત પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ છે કે જેનો આજે લાખો લોકો ઉપયોગ કરી રહ્યા છે. તે વ્યવસાયિકો માટે સંપર્ક અને નોેકરી શોધી આપવામાં મદદ કરે છે.
(૩) કન્ટેન્ટ કોમ્યુનિટીઝ :
તે ચોક્કસ પ્રકારની વિષયવસ્તુ (કન્ટેન્ટ) ને વધુ રસપ્રદ રીતે રજૂ કરે છે. તે વધુ અસરકારક માધ્યમ છે. યુટ્યુબ (You tube) તેનું એક ઉત્તમ ઉદાહરણ છે કે જે ઓનલાઇન વીડિયો મારફતે ગ્રાહકોને ઉપયોગી વિવિધ પ્રકારના વેપારધંધાની માહિતી આપે છે. ઘણી શૈક્ષણિક અને માહિતી આપતી ચેનલો મારફતે વ્યક્તિગત ખેડૂત નિષ્ણાત અને ખેડૂત સમાજ સુધી પહોંચી શકે છે. સને ૨૦૧૭ માં દર્શન સિંઘ ધ્વારા ફાર્મિગ લીડર હરિયાણા નામની યુટ્યુબ ચેનલ ખેડૂતો માટે અસરકારક જણાયેલ.
(૪) સોસિયલી ઇન્ટિગ્રેટેડ ફોર મેસેજિંગ :
ગૃપમાં મેસેજ મોકલવા માટેનો વિકલ્પ ધરાવવાને કારણે આ પ્લેટફોર્મ તાજેતરમાં વધુ ખ્યાતિ પામેલ છે. તેમાં વિષયવસ્તુ (કન્ટેન્ટ)વ્યક્તિગત અને ગૃપમાં મોકલી શકાય છે. આ માટે વોટસએપ એ એક સંદેશા મોકલવા માટેનું પ્લેટફોર્મ છે કે જેના ધ્વારા સંદેશા, ચિત્રો, ફોટા ઓડિયો (અવાજ) અને વીડિયો મોકલી શકાય છે. આ મીડિયા ખેડૂતો તેમજ પશુપાલકોને કૃષિ સંબંધિત દરેક માહિતી ઝડપથી પહોંચાડવા તેમજ તેની ચર્ચા કરવા માટેનું યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડે છે.
કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રો માટે સોસિયલ મીડિયા :
કૃષિ વિસ્તરણ સેવાઓમાં સોસિયલ મીડિયાનો ઉપયોગ જૂની પરંપરાગત પદ્ધતિઓ કરતાં ખેડૂતો, સંશોધકો અને વિસ્તરણ કાર્યકરોને એક કોમન પ્લેટફોર્મ પુરૂ પાડી એકબીજા સાથે ચર્ચા કરી સામાજીક સંબંધોમાં વધારો કરી કૃષિના વિકાસને પ્રોત્સાહન પૂરૂ પાડશે. પાક ઉત્પાદન, પ્રોસેસિંગ અને માર્કેટિંગની માહિતી ડિજિટલ થતાં વેબ આધારિત સ્ત્રોતો ધ્વારા દરેક વ્યક્તિ કે સંસ્થા તેનો ઉપયોગ કરી શકશે.
ગરીબ અને નાના ખેડૂતોને રસ પૂરો પાડી તેમનું વલણ બદલવા માટે માહિતી પુરી પાડવામાં સોસિયલ મીડિયા મોટો ભાગ ભજવશે. આ માટે સોસિયલ મીડિયા ઉપર લોકોની વિશ્વસનિયતા વધે તે માટેના પ્રયાસો હાથ ધરવા જરૂરી છે. વિસ્તરણની વિવિધ પદ્ધતિઓ પૈકી સોસિયલ મીડિયા એ મોટા પાયે વધુ લોકોને માહિતી પુરી પાડી પ્રોત્સાહિત કરવા માટે અગત્યની ઉત્તમ પદ્ધતિ છે. આજે સ્માર્ટફોનના વધુ ઉપયોગની સાથે તેની કિંમતોમાં થતો ઘટાડો વિશ્વને વધુ ડિજિટલાઇઝેશન તરફ દોરી જશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. પહેલાં સંદેશાવ્યવહાર માટે વ્યકિતગત વિસ્તરણ કાર્યકર સાથે મુલાકાત કરવી અથવા જે તે સંસ્થા કે સંશોધન મથકની રૂબરૂ મુલાકાત લેવામાં આવતી હતી પરંતુ હવે ફેસબુક અને વોટસએપ જેવા સોસિયલ મીડિયા જેવા સાધનો મારફતે ઓછા ખર્ચે વપરાશકારને મિત્રભાવે (યુઝર્સ ફ્રેન્ડલી) અને ભાગીદાર બનાવે તે રીતે સંદેશાની આપ લે કરી શકાય છે. આઇસીટી ટુલ્સ મારફતે સમયસર અને સરળતાથી સ્પષ્ટ સમજ સાથેની માહિતી પહોંચાડવામાં આવે છે જે માટે કોઇ ટેકનીક અને માળખાકીય સવલતોની જરૂર પડતી નથી.
વોટસએપ વિષે :
ડિજિટલ રિપોર્ટ ૨૦૨૦ માં જણાવ્યા મુજબ વિશ્વના બે અબજ લોકો જેડ કોઉમ અને બ્રિઆન એકટોન ધ્વારા શોધાયેલ પ્રખ્યાત વોટસએપ નામના સોસિયલ મીડિયાનો ઉપયોગ સક્રિય રીતે કરે છે. ગ્રામ્ય ભારતમાં વોટસએપ એ સાદુ,સરળ અને ઓછા ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરતું સાધન હોઇ તેનો ખ્યાતિમાં વધારો થતો જાય છે. ખેડૂતોમાં કૃષિ માહિતીનું વિસ્તરણ કરવા માટે વિસ્તરણ સંસ્થાઓ અને શિક્ષકો માટે વોટસએપ એક અસરકારક સાધન છે કે જે લખાણ,ચિત્રો,ઓડિયો અને વિડીયો વગેરે ઝડપથી મોકલવા માટેનું પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. આ માટે સ્માર્ટફોન જરૂરી છે. વોટસએપ ટુલ માટે કોઇ વધારાનો ખર્ચ કરવો પડતો નથી કારણ કે ઇન્ટરનેટના જોડાણના ખર્ચમાં જ તેનો સમાવેશ થઇ જાય છે. વોટસએપ એક જ સમયમાં દૈનિક ૧૦ અબજથી પણ વધુ મેસેજ મોકલી શકે છે. આ જોતાં કૃષિ વિસ્તરણ પ્રવૃત્તિઓ તેમજ તેના ફીડબેક માટે વોટસએપ એ એક સોસિયલ મીડિયા માટેનું ઉત્તમ સાધન છે.
વોટસએપ–ડેરી ફાર્મિંગની માહિતી તથા ચર્ચા માટેનું એક સાધન :
પશુપાલકો કામનું ભારણ,મજૂરો સાથેની કામગીરી અને અન્ય મુશ્કેલીઓને લીધે વિસ્તરણ કાર્યકારો પાસેથી માર્ગદર્શન માટે સંપર્ક સાધી શકતા નથી તેથી તેઓએ વોટસએપનો સંદેશાવ્યવહાર અને વાતચીત કરી શકે તે માટે ઉપયોગ કરવો જરૂરી છે. પશુપાલકો ચર્ચા માટે એક વોટસએપ ગૃપ બનાવી તાંત્રિક મુશ્કેલીઓ,માહિતી અને પોતાના પશ્નોનું નિરાકરણ મેળવી શકે છે. આ માટે નિષ્ણાત સાથે પણ પશુપાલકો ચર્ચા કરી શકે છે. આ માટે ઓનલાઇન ચર્ચા કરવા માટેનો અભિગમ પ્રખ્યાત થતો જાય છે. પહેલાંના સમયે પશુ માંદુ પડે ત્યારે માહિતી અને મુશ્કેલીઓને કારણે પશુ ગુમાવવું પડતું હતું જ્યારે આજે વોટસએપ મારફતે ઓડિયો-વિડીયો ધ્વારા ફોટાસહિત માહિતી સમયસર મળવાને કારણે પશુપાલકોને ઘણા બધા ફાયદાઓ થવા પામ્યા છે. નવેમ્બર ૨૦૨૦ સુધીમાં અંદાજે ૫૮૦ લાખ લોકોએ વોટસએપ પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરેલ છે. સેન્સરટાવર ડોટ કોમ (sensortower.com)વેબસાઇટના જણાવ્યા મુજબ ભારત દેશમાં ૧૦ ટકા લોકોએ વોટસએપનો ઉપયોગ કરેલ છે. આમ વોટસએપની ખ્યાતિ ભારતમાં ગ્રામ્ય સ્તરે વિશેષ જોવા મળેલ છે. આથી વિસ્તરણ એજન્સીઓએ તેનો ભરપુર લાભ લેવો જોઇએ.
પશુપાલકો ધ્વારા વોટએપનો સફળ ઉપયોગ :
ભારત દેશમાં ખેડૂત સમાજ ધ્વારા વોટસએપના ગૃપ બનાવી તેનો લાભ લેવામાં આવેલ છે જેના કેટલાક દાખલા અત્રે જણાવેલ છે.
(૧) પશુ પાલન (Pashu palan-Animal Husbandry) :
પશુપાલકો ધ્વારા ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને ગુજરાત વગેરે પશુપાલકોના વોટસએપ ગૃપ બનાવી તેનું સંચાલન કરવામાં આવે છે.તેના ધ્વારા પશુ સંવર્ધન, પશુ આરોગ્ય અને પશુ આહાર અંગેની માહિતી પુરી પાડવામાં આવે છે.
(૨) ઇન્ડિયાઝ ડેરી ફાર્મર્સ (India’s dairy farmers) :
મધ્યપ્રદેશના ઇન્દોર સ્થિત ૫૦ થી વધુ ભેંસો ધરાવતા આનંદ વાજપેયી ધ્વારા આ વોટસએપ ગૃપથી શરૂઆત કરવામાં આવેલ. તેનો એડમિન ખાંડવા જીલ્લાનો રપ વર્ષનો પશુપાલક સર્વોદય પાટીદાર છે. તેમાં મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબના ૨૦૦ પશુપાલકો સહિત કેટલાક પશુ દાકતરો પણ જોડાયેલ છે. તેમાંના કેટલાક મોટા ડેરી ફાર્મના માલિકો છે અને મધ્યમ અને નાના કદના ઉદ્યોગોનું સંચાલન કરે છે.
(૩) શેતકરી મિત્ર (Shetkari mitra)
આ મહારાષ્ટ્ર રાજ્યના યવતમાલ સ્થિત એમ. એસ. સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશનના વિલેજ રિસોર્સ સેન્ટર ધ્વારા સને ૨૦૧૬ માં શરૂ કરેલ વોટસએપ ગૃપ છે. તેની શરૂઆત ૧૩૦ સભ્યોથી થયેલ જે કૃષિને સંલગ્ન માહિતી પુરી પાડવાના એક પ્લેટફાર્મ તરીકે કાર્ય કરે છે. તેમાં પાકને થતું નુકસાન, નવી પિયત પદ્ધતિઓ, પાક ચક્ર, જંતુનાશક દવાઓ આપવાની રીત, પાક રોગોને અટકાવવાના પગલાં, ઉત્પાદન વધારવાના પગલાં, પશુઓની માવજત વગેરે માહિતીઓની આપલે કરે છે. ખેડૂત નિયમિત રીતે તેના કોઇ પશ્નો હોય તો તે મોકલીને તેનું નિરાકરણ મેળવી શકે છે. આ વોટસએપ ગૃપ મારફતે સમયસર મળતી માહિતી સભ્યોને વધુ લાભકર્તા નીવડે છે.
સોસિયલ મેસેજીસ પ્લેટફોર્મ ધ્વારા કૃષિ વિસ્તરણ અને તાંત્રિકતાનો પ્રસારઃ
કૃષિ વિસ્તરણ ધ્વારા કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રના ઉત્પાદન લક્ષી પશ્નોનું નિરાકરણ, બજાર, વેલ્યૂ ચેઇન, તાંત્રિકતા, પશુઓની સુધારણા વગેરે અંગેની કામગીરી કરવામાં આવે છે. તે સંદર્ભમાં ખેડૂતોને કૃષિની માહિતી પુરી પાડવામાં કૃષિ વિસ્તરણની અનેકવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જે દરેક પદ્ધતિના ચોક્કસ લાભો અને મર્યાદાઓ હોય છે. હાલમાં ખેડૂતો વ્યક્તિગત રીતે આઇકેએસએલ(IKSL)અને આરએમલ (RML) જેવા ખાનગી સર્વિસ પ્રોવાઇડર ધ્વારા સલાહ મેળવી શકે છે. ભારત સરકારની કૃષિ વિસ્તરણ કામગીરી અતર્ગત એમ-કિસાન પોર્ટલ(M-Kisan Portal) અને કિસાન કોલ સેન્ટર (Kisan Call Centre-KCC) મારફતે ટેલીફોન ધ્વારા ખેડૂત પોતાના પ્રશ્નોનું નિરાકરણ પ્રશ્ન પૂછીને મેળવી શકે છે. મોટે ભાગે આ અંગેની સામાન્ય સલાહ નિષ્ણાત ધ્વારા આપવામાં આવે છે પરંતુ ત્યારબાદ તેના અમલ કે ઉપયોગ અંગેની દરકાર લેવામાં આવતી નથી એટલે પ્રત્યક્ષ રીતે તે ઓછી ઉપયોગી માલૂમ પડે છે. આ મર્યાદા ધ્યાને લેતાં ખેડૂત સમાજ વિષય નિષ્ણાતોનો લાભ વોટસએપ ગૃપ બનાવી મેળવી શકે છે. ઇન્ટરનેટના માધ્યમ ધ્વારા વોટસએપ ગૃપ મારફતે ખેડૂત હજારો કિલોમીટર દૂર હોવા છતાં કોઇપણ જાતની મુસાફરી કર્યા વિના પોતાનું નિરાકરણ ઓછા સમયમાં અને ત્વરિત માહિતી ઓડિયો-વિડીયો ધ્વારા મેળવી શકે છે. આ વોટસએપ ગૃપ મારફતે ખેડૂતો ઓછા ખર્ચે એકબીજા સાથે સમયે સમયે સંપર્ક સાધી પોતાના પશ્નોનું નિરાકરણ મેળવી શકે છે.

સારાંશ :
ઉપરોક્ત વિગતો જોતાં કૃષિના વિકાસ માટે સોસિયલ મીડિયાનો ઉપયોગ અનિવાર્ય છે. વોટસએપ એ એક અસરકારક માધ્યમ તરીકે વિકાસશીલ દેશોના લોકોમાં પ્રચલિત બનેલ છે. તેના ઉપયોગ ધ્વારા ખેડૂત સમાજમાં ઓછા ખર્ચે અને સમયસર, ઝડપી રીતે તાંત્રિકતાઓનો પ્રચાર અને પ્રસાર કરી શકાય તેમ છે. ગૃપના એક સલાહકાર થકી અન્ય સભ્યો સાથે જોડાઇ સામૂહિક રીતે માહિતી મેળવી તેનો પ્રચાર-પ્રસાર કરી જે તે પશ્નોનું નિરાકરણ જલ્દીથી મેળવી શકાય છે. ગૃપના સભ્યો સાથે એસએમએસ ધ્વારા સંદેશાઓ, માહિતી, ફોટા, ચિત્રો, ઓડિયો-વિડીયો વગેરેની આપલે કરી શિક્ષણ આપી શકાય છે. ટુંકમાં ખેડૂત અને સંશોધક વચ્ચે રહેલ માહિતીની ખાઇને વોટસએપ ગૃપ મારફતે પુરી શકાય છે અને તેને જ્ઞાનથી સક્ષમ બનાવી કૃષિના વિકાસની સાથે આર્થિક વિકાસ સાધી જીવનધોરણ સુધારી શકાય છે.
સ્ત્રોત : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ફેબ્રુઆરી-૨૦૨૨
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in