ઓર્ગેનિક ખેતી શા માટે ? (Why Organic Farming ?)

        હજારો વર્ષોથી માનવી કૃષિ ઉપર નિર્ભર રહેલો છે અને આજે પણ દુનિયાની ૫૦ ટકા વસ્તીની આજીવિકા કૃષિ છે. ખેતીની સામાન્ય રીતે ચોમાસા ઉપર આધારિત જુગાર તરીકે ગણના થાય છે કારણ કે ચોમાસુ અનિયમિત હોઇ જો વરસાદ ન પડે તો દુષ્કાળ અને દુઃખદ પરિસ્થિતિ પેદા થવા પામે છે.

        હરિયાળી ક્રાંતિ પહેલાં ભારતની નાના અને સીમાંત ખેડૂતો ધ્વારા અન્ન અને પશુપાલનની પેદાશ પોતાના કુટુંબ અને ગામડાંઓના સ્થાનિક લોકો માટે પેદા કરવામાં આવતી હતી તેમ માનવામાં આવતું હતું. કૃષિમાં વ્યક્તિગત ખેડૂતો પરંપરાગત રીતે હવામાન, જમીનની સ્થિતિ, રોગ-જીવાત નિયંત્રણની રીતો, જમીનની ફળદ્ધપતા અને બાંધા વગેરે મુજબ જે તે જાતના પાક ઉગાડતા હતા અને તે માટે કોઇ રાસાયણિક દવાઓ અને ખાતરોનો ઉપયોગ કરતા ન હતા. જમીનનું આરોગ્ય અને જીવાત નિયંત્રણ માટે પાકની ફેરબદલી, સંરક્ષણ પશુના છાણનો ખાતર તરીકે ઉપયોગ, ખેતીની આડપેદાશ, પાક ચક્રમાં કઠોળ પાકોનો સમાવેશ વગેરે પદ્ધતિઓનોે ઉપયોગ કરતા હતા. ખેતરમાં મિત્રપાકો લેતા હતા જેથી હવામાનની વિપરિત પરિસ્થિતિ કે જીવાતની મહામારી થાય તો પાકનો સંપૂર્ણ નાશ થતો અટકાવી શકાય. આમ આંતરપાક, પાક ચક્ર, જમીન પડતર રાખવી, કમ્પોસ્ટ કે છાણિયુ ખાતર આપવું વગેરે તમામ પદ્ધતિઓનો ખેતરમાં ઉપયોગ કરી હજારો વર્ષોથી પાકનું ઉત્પાદન મેળવી પાકને રોગ અને જીવાતથી મુક્ત રાખી શક્યા છે.

        બ્રિટિશરોના શાસન દરમ્યાન ભારતમાં અનાજના અર્થકરણમાં એકપક્ષીય શોષણ કરવામાં આવતું હતું.તેના ઉપર ૫૦ થી ૬૩ ટકા કર લેવામાં આવતો હતો જેના કારણે ત્રીજા ભાગની જમીનોમાં ઉત્પાદન લેવામાં આવતું ન હતું. સમય જતાં ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ ઉપરાછાપરી સંવેદનશીલ દુષ્કાળ, નાણાંકીય અસ્થિરતા અને ઓછી ઉત્પાદકતાને કારણે દેશ નબળો બન્યો. સને ૧૯૬૪-૬૫ અને ૧૯૬૫-૬૬ દરમ્યાન ભારત દેશમાં તીવ્ર દુષ્કાળની અસર જોવા મળી જેને કારણે અનાજની ખેંચ વર્તાઇ અને દેશની વસ્તી ઉપર અસર થઇ.આ કારણોસર ભારત દેશને વિકસિત કરવાના હેતુથી હરિયાળી ક્રાંતિની વ્યૂહરચના ગોઠવવામાં આવી.

        ભારતમાં હરિયાળી ક્રાંત્તિની શરૂઆત થયા બાદ પાકની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરો અને પાક સંરક્ષણ રસાયણોના વપરાશ થવાને કારણે અન્ન ઉત્પાદનમાં વધારો થવા પામ્યો. ખેતીમાં તંદુરસ્ત જમીનમાં રસાયણોના વપરાશને કારણે પ્રથમ નજરે ઉત્પાદનમાં વધારો થયો અને રાસાયણિક ખાતરોના કારણે કોઇ નોંધપાત્ર નુકસાન જોવા ન મળ્યું. જીવાતોએ પણ રસાયણો સામે પ્રતિકારક શક્તિ વિકસાવી નહીં. આ કારણોસર ખેતીમાં ક્રાંતિ થઇ તેમ માની સમગ્ર વિશ્વમાં આ તાંત્રિકતાનો ફેલાવો થયો.

        પરંતુ કેટલોક સમય વિત્યા બાદ સમજાયું કે જમીનના આરોગ્યના ભોગે ઉત્પાદનમાં વધારો થયો છે અને ઉત્પાદનને ઉચ્ચ કક્ષા સુધી જાળવવું હશે તો જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે જે તે યોગ્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડશે. વર્તમાનમાં આપણી ૬૦ ટકા ખેતીલાય જમીનોમાં રાસાયણિક ખાતરો અને પિયતનો આડેધડ ઉપયોગ થવા પામ્યો છે. આમ અયોગ્ય ખેતી પદ્ધતિઓના ઉપયોગને કારણે પર્યાવરણીય અધોગતિ થવાને પરિણામે ખેડૂતો, વૈજ્ઞાનિકો, સંરક્ષણવાદીઓ વગેરેને  કૃષિને ટકાઉ બનાવવા માટેની જરૂરિયાત ઉપર ચિંતા થયેલ છે. આમ જમીન બગડવી અને ફળદ્રુપતામાં ઘટાડો થવો વગેરે પ્રશ્નોના નિરાકરણ માટેનો એક વૈકલ્પિક ઉપાય ઓર્ગેનિક ખેતી છે.

ઓર્ગેનિક ખેતી શા માટે ?

        વિશ્વમાં વસ્તી ઝડપથી વધી રહી છે તે જોતાં તેના માટે ઉત્પાદનમાં પણ વધારો કરવો જરૂરી છે. હવામાનમાં ફેરફારો, જૈવવૈવિધ્યતાનો નાશ, જમીન ધોવાણ અને પ્રદૂષણની મહત્ત્વના કુદરતી સ્ત્રોતો ઉપર અસર જેવા વૈશ્વિક પશ્નોને કારણે ખેતી ઉપર અસર થવા છતાં ઉત્પાદન ટકાવી રાખવું અગત્યનું છે.

        ઉપરોક્ત પશ્નો હોવા છતાં વૈશ્વિક અન્નની માંગને પહોંચી વળવા માટેના પ્રયાસો ઘણા દેશોએ ઓર્ગેનિક ખેતી અપનાવી કરેલ છે.  આ ફ્કત ખેતી પદ્ધતિ નથી પરંતુ કુદરતને સાથે રાખી કાર્ય કરવાની ફિલસૂફી છે. સર્વગ્રાહી ક્ષેત્ર વ્યવસ્થાનો અભિગમ ધરાવતી ઓર્ગેનિક ખેતીનો હેતુ પર્યાવરણીય અને આર્થિક રીતે સમાજ માટે ટકાઉ અન્ન ઉત્પાદન મેળવવાનો છે. વધુ ચોક્કસાઇથી જોઇએ તો ઓર્ગેનિક ખેતી એગ્રો ઇકોસીસ્ટમ ઉપર આધારિત છે નહિ કે બહારથી આપવામાં આવતા કૃત્રિમ રાસાયણિક ખાતરો, ઉમેરણો અને આનુવંશિક રીતે સુધારેલ સજીવો.

ઓર્ગેનિક ખેતીના મુખ્ય સિદ્ધાંતો :

        ઓર્ગેનિક ખેતીનું કેટલાક સિદ્ધાંતો ધ્વારા કકડપણે નિયમન કરવામાં આવે છે.

(૧) આરોગ્યનો સિદ્ધાંતઃ ઓર્ગેનિક ખેતી જમીનમાં રહેલ સૂક્ષ્મજીવો અને માનવી વગેરેના આરોગ્યનું રક્ષણ કરે છે તથા તેમની તંદુરસ્તીમાં વધારો કરે છે.

(૨) પરિસ્થિતિવિજ્ઞાનનો સિદ્ધાંત : ઓર્ગેનિક ખેતી પર્યાવરણ (લેન્ડસ્કેપ, હવામાન, કુદરતી જીવો, જૈવવૈવિધ્યતા, હવા, પાણી અને જમીન) નું રક્ષણ અને ફાયદો કરે છે.

(૩) નિષ્પક્ષતાનો સિદ્ધાંત : તેઓ હેતુ સામાજીક અને પરિસ્થિતિ મુજબ પર્યાવરણીય સ્ત્રોતોને ધ્યાને લઇ યોગ્ય વ્યવસ્થા ગોઠવી ગુણવત્તાયુક્ત અન્ન અને અન્ય પેદાશોનો પૂરતો પૂરવઠો પુરો પાડવાનો છે.

(૪) કાળજીનો સિદ્ધાંત : ઓર્ગેનિક ખેત વ્યવસ્થામાં તકેદારી અને જવાબદારી પૂર્વક કામ કરવું એ ચાવી રૂપ બાબતો છે.

ઓર્ગેનિક ખેતીના હેતુઓ :

(૧) એવી ટકાઉ ખેતી પદ્ધતિ વિકસાવવી કે જે જમીનની ફળદ્રુપતાને જાળવી રાખે કે જમીનની ફળદ્રુપતામાં સુધારો કરે કે જેથી પુરતા પ્રમાણમાં અન્ન ઉત્પાદન મેળવી ભવિષ્યની જરૂરિયાતો પુરી કરી શકાય.

(૨) ખેતીમાં આત્મનિર્ભરતા લાવવા જે તે સ્થાનિક ઉપલબ્ધ સ્ત્રોતોનો ઉપયોગ થાય તેવી પદ્ધતિ અપનાવવી અને આયાતી સ્ત્રોતો ઉપર આધારિત રહેવું નહિ.

(૩) કુદરતી ઇકોસીસ્ટમ મુજબ જૈવિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી ખેતી કરવી.

ઓર્ગેનિક ખેતી વ્યવસ્થાની પદ્ધતિઓ :

(૧) પાક પરિપ્રમણ (પાક ચક્ર): તેનો ઉપયોગ કરી જમીનની ફળદ્ધપતા જાળવવી અને વિવિધ જીવાતોના નુકસાન સામે પાકનું રક્ષણ કરવું.

(૨) કાર્બનિક પોષક વ્યવસ્થાપનઃ છાણિયુ ખાતર,કમ્પોસ્ટ ખાતર અને મલ્ચિંગ ધ્વારા જમીનમાંના સેન્દ્રિય પદાર્થોમાં સુધારો કરવો.

(૩) કવર પાક ઉગાડવા : જીવાતો અને નીંદણોનું નિયંત્રણ,જમીન ધોવાણ અટકાવવું અને જમીનમાંના પોષકતત્વોમાં સુધારો કરવા માટે કવર પાક ઉગાડવા એ લાભદાયક પદ્ધતિ છે.

(૪) પાક સંરક્ષણના ઉપાયોઃ રોગ અને જીવાત સામે પ્રતિકાર કરે તેવી જાતો અપનાવી તથા વાવણી, રોપણી/કાપણી સમયમાં અનુકુળ સમય અપનાવી પાકનું સંરક્ષણ કરવું .

(૫) જૈવિક નિયંત્રણના ઉપાયો અનુસાર કુદરતી પરજીવી/પરભક્ષીઓનો ઉપયોગ કરવો.

(૬) નીદાંમણ કરવું કે જે બિન રાસાયણિક નીંદણ નિયંત્રણ  પદ્ધતિ છે.

(૭)  અવાતજીવી જમીન જીવાણુનાશકો કે જે જમીનમાં રહેતી જીવાતોેને દૂર રાખે છે કે ઘટાડે છે. 

(૮) પાકની યોગ્ય અંતરે વાવણી/રોપણી કરવી.

(૯) જમીનમાં યાંત્રિક ખેડ કરવી.

(૧૦) સામગ્રીનો ફેરઉપયોગ કરવો.

(૧૧) નવિનીકરણીય સ્ત્રોતો ઉપર આધાર રાખવો.

ઓર્ગેનિક ખેતીના લાભો :

(૧) ઓર્ગેનિક ખેતી પર્યાવરણને બગડતું અટકાવે છે અને બગડેલી જમીનોવાળા વિસ્તારોને પુનઃસજીવ કરે છે.

(૨) ઓર્ગેનિક ખેતી પર્યાવરણને રાસાયણિક દવાઓના પ્રવાહી અને ભૂકા રૂપી છંટકાવથી થતી ખરાબ અસરોથી મુક્ત રાખે છે.

(૩) રાસાયણિક ખાતરોના ઉપયોગથી ઉગાડેલ પાક કરતાં ઓર્ગેનિક ખેતી ધ્વારા ઉગાડેલ પાક માનવી અને પશુઓને આરોગ્યપ્રદ અને ઊંચો પોષણયુક્ત આહાર પુરો પાડે છે.

(૪) ઓર્ગેનિક ખેતી ધ્વારા ઉગાડેલ પાક રોગ અને જીવાત સામે વધુ પ્રતિકારક શક્તિ ધરાવતા હોઇ રોગ જીવાતના નિયંત્રણ માટે ઘણી ઓછી માવજતની જરૂર રહે છે.

(૫) ઓર્ગેનિક ખેતી ધ્વારા ઝેરી રસાયણોેના અવશેષોથી મુક્ત ખેતપેદાશો મળતી હોઇ ગ્રાહકોમાં તેની માંગ ઉત્તરોત્તર વધતી જાય છે.

(૬) ઓર્ગેનિક ખેતી ધ્વારા ઉત્પાદિત થયેલ પેદાશો ઊંચી ગુણવત્તા અને ઝેરી અવશેષોથી મુક્ત હોઇ તેની ઊંચી કિંમત મળે છે.

(૭) સેન્દ્રિય ખાતરોની છોડના સંપૂર્ણ ખોરાક તરીકે ગણના થાય છે જ્યારે રાસાયણિક ખાતરોના સતત ઉપયોગથી જમીન એસિડિક બને છે.

(૮) ઓર્ગેનિક ખેતીમાં સેન્દ્રિય ખાતરો અગત્યના છે જે જમીનમાં આદર્શ સ્થિતિ પેદા કરી છોડને જરૂરી ના.ફો.પો અને દ્રિતિયક તથા સૂક્ષ્મતત્વો પુરા પાડી છોડના વિકાસ અને દેહધાર્મિક ક્રિયાઓમાં સુધારો કરી ઊંચુ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળો પાક પેદા કરે છે..

(૯) મોટા ભાગના સેન્દ્રિય પદાર્થો એ બગાડમાંથી કે આડપેદાશોમાંથી મેળવાય છે કે જે એકત્ર થાય તો પ્રદૂષણ પેદા કરે છે. આમ આવા સેન્દ્રિય પદાર્થોેનો ઓર્ગેનિક ખેતીમાં ખાતર ઉપયોગ કરાતાં પ્રદૂષણનું પ્રમાણ નહિવત રહે છે.

(૧૦) ઓર્ગેનિક ખેતીમાં વધુ મજૂરોની જરૂર પડે છે જેથી ગ્રામ્ય વિસ્તારોમાં વધુ રોજગારી પેદા કરવામાં મદદ કરે છે.

(૧૧) સમગ્ર રીતો જોતાં ઓર્ગેનિક ખેતી અપનાવવાથી સારૂ અને સંતુલિત પર્યાવરણ મળી રહે છે, સારી પેદાશો મળે છે અને માનવજાત સારી રીતે જીવન ગુજારી વસવાટ કરી શકે છે.

શુ સેન્દ્રિય ખાતરો રાસાયણિક ખાતરોની જગ્યા લઇ શકે ?

        તાજેતરના વર્ષોેમાં ઊંચુ ઉત્પાદન જાળવવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે રાસાયણિક ખાતરોના બદલે સેન્દ્રિય ખાતરોના ઉપયોગ તરફ વધુ ધ્યાન દોરાયેલ છે. નજીકના દસકાઓમાં અન્ન ઉત્પાદનમાં થયેલ વધારો મોટા ભાગે રાસાયણિક ખાતરો પાછળ કરેલ ભારે રોકાણ આધારિત હતો. કોઇપણ પાક માટે જરૂરી પોષકતત્વો ખાતરો રૂપે કાર્બેનિક અને અકાર્બનિક એમ બે પ્રકારે ઉપલબ્ધ છે.આ બંને પ્રકારના ખાતરો પાકને જરૂરી પોષકતત્વો પુરાં પાડી છોડને આરોગ્ય બક્ષી મજબૂત બનાવે છે. આ બંને પૈકી કયા ખાતરો વાપરવાં તે વ્યક્તિગત પસંદગી ઉપર આધાર રાખે છે. જો કે દરેક ખાતર વિવિધ પ્રકારના પોષકતત્વો ધરાવે છે ને વિવિધ રીતે છોડને પોષકતત્ત્વો પુરાં પાડે છે. ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ પર્યાવરણને તંદુરસ્ત રાખે છે જ્યારે અકાર્બનિક ખાતરો ઝડપી પોષણ પૂરૂ પાડે છે.

કાર્બનિક (ઓર્ગેનિક) અને અકાર્બનિક (ઇનઓર્ગેનિક) ખાતરો :

(ક) કાર્બનિક ખાતરો :

(૧) તે છોડ અથવા પશુઓની આડપેદાશ તરીકે કુદરતી પ્રક્રિયા ધ્વારા પેદા થયેલ પદાર્થો છે જેવા કે છાણિયુ ખાતર, પાંદડાં, કમ્પોસ્ટ વગેરે

(૨) ઓર્ગેનિક ખાતરોનો  મોટો ફાયદો તે વધુ પડતા ખાતરોના ઉપયોગથી પેદા થતો ભય ઘટાડે છે કારણકે તેના ધ્વારા પોષકતત્વો ધીરે ધીરે છૂટા પડી લાંબા સમય સુધી પાકને મળે છે અને તેને એક જ વાર આપવાની જરૂર પડે છે નહિ કે વારંવાર.

(૩) ઓર્ગેનિક ખાતરો જમીનની પાણી અને પોષકતત્વો ગ્રહણ કરવાની શક્તિમાં વધારો કરે છે અને જમીનનું ધોવાણ તથા વરસાદ અને પવનનેે કારણે માટીના પોપડાને થતું નુકસાન અટકાવે છે.

(૪) ઓર્ગેિંનક ખાતરો જમીનમાં વધુ કુદરતી પોષકતત્વો તથા અગત્યના સૂક્ષ્મ જીવો ઉમેરે છે અને જમીનના બાંધામાં સુધારો કરે છે.

(૫) ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ કરવાથી છોડ જરૂરી પોષકતત્વો તેમાંથી લઇ લે તેમ છતાં જમીનની ગુણવત્તામાં સુધારો કરે છે તથા તેનો  લાંબા ગાળા સુઘી ઉપયોગ કરવાથી જમીનનું બંધારણ અને બાંધા સારો થાય છે.

(૬) પોષકતત્વો છોડને તરતજ  લભ્ય બનતાં નથી કારણકે તેને છૂટા પડવા માટે સમય જોઇએ છે. આમ છોડને ખાતર મેળવવા માટે મુશ્કેલી વેઠવી પડે છે જે એક ચમત્કારિક કાર્ય છે.

(૭) તેઓ વધુ પડતા ખર્ચાળ છે અને અકાર્બનિક ખાતરોની સરખામણીએ ઓછા ઉપલબ્ધ છે.

(૮) જમીનમાં પોષકતત્વો ઉમેરવાનું અનુમાન ઘણી બાબતો ઉપર આધારિત છે જેવી કે કાચા પદાર્થોની ઉંમર, તે કયાંથી આવેલ છે, જમીનની સ્થિતિ કેવી છે હવામાનની સ્થિતિ કેવી છે વગેરે.

(ખ) અકાર્બનિક ખાતરો :

(૧) તેને કૃત્રિમ ખાતરો કહે છે જે કૃત્રિમ રીતે કારખાનાઓમાં બનાવવામાં આવે છે જે ખનીજતત્વો અથવા કૃત્રિમ રસાયણો ધરાવે છે.

(૨) કૃત્રિમ નાઇટ્રોજન ખાતરો પેટ્રોલીયમ અથવા કુદરતી ગેસમાંથી ખાસ પદ્ધતિથી જ્યારે અકાર્બનિક ખાતરો ફોરફરસ, પોટાશ અને અન્ય તત્વો પૃથ્વીની ખાણોમાંથી ખોદકામ કરી મેળવાય છે.

(૩) અકાર્બનિક ખાતરો અથવા રસાયણો ભૂકો, પ્રવાહી, પેલેટ અને પ્રવાહીમાં દ્રાવ્ય થાય તેવી વિવિધ બનાવટોમાં મળે છે જે ધીરે ધીરે મુક્ત થઇ છોડને મળે છે.

(૪) અકાર્બનિક ખાતરો છોડને તૈયાર મળે તે રીતે પોષકતત્વો પુરાં પાડે છે.

(૫) અકાર્બનિક ખાતરો જરૂરી જથ્થામાં અને વૃદ્ધિ કરવામાં મદદ કરે છે.

(૬) જો અકાર્બનિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો તેનો જમીનમાં નિતાર થતાં જમીનને ક્ષારીય બનાવે છે જેથી છોડને નુકસાન થવા પામે છે.

(૭) રાસાયણિક ખાતરો જમીનને ગુણવત્તા યુક્ત બનાવતાં નથી અને તેનો લાંબા ગાળા સુધી ઉપયોગ કરતાં જમીનમાં રહેલ કિંમતી સજીવોમાં ઘટાડો થવા પામે છે.

અકાર્બનિક ખાતરો અને અન્ય ખેત રસાયણોના છોડ અને જમીન ઉપર ઉપયોગ કરતાં થતા મુખ્ય ગેરલાભ :

        રાસાયણિક ખાતરો અને અન્ય ખેત રસાયણો કે જે આધુનિક ખેતીમાં મહત્ત્વના ઇનપુટસ છે તેનો વધુ પ્રમાણમાં ઉપયોગ થવાથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે અને જમીન ઉપર રહેલ પાણીમાં પ્રદૂષણ પેદા થાય છે.

(૧) જ્યારે પાણીમાં દ્રાવ્ય ખાતરો જમીનમાં આપવામાં આવે છે ત્યારે તેમાંના મોટા ભાગના પોષકતત્વો પાકના છોડને પ્રાપ્ય થતાં નથી અને હવામાં ઉડી જાય છે કે જમીનમાંના સૂક્ષ્મજીવોે તેને અપ્રાપ્ય બનાવે છે પરિણામે ખર્ચનું પૂરૂ વળતર મળતું નથી.

(૨) અકાર્બનિક ખાતરોમાં વિવિધ રૂપે રહેલ પોષકતત્વો ઝડપી દરે નાશ પામે છે અને નાઇટ્રિફિકેશન ધ્વારા જમીનની એસિડિટીમાં વધારો કરે છે.

(૩) ડીનાઇટ્રિફિકેશનના પરિણામે જમીનમાં રહેલ એમોનિયા, મીથેન, નાઇટ્રસ ઓકસાઇડ અને નાઇટ્રોજન તત્વને દૂર કરે છે.

(૪) ખાસ કરીને સલ્ફર જેવા દ્રિતિયક અને ઝિન્ક સૂક્ષ્મતત્વોના પ્રમાણમાં ઘટાડો કરે છે.

(૫) સલ્ફર અને ઝિન્ક જેવા તત્વોની અછતને લીધે મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફેરસ, મોલિબ્ડેનમ, બોરોન અને કોપરની મર્યાદિત ઉપલબ્ધિ થતાં ખાસ કરીને ડાંગર જેવા ઘણા ક્ષેત્રિય પાકોની ઉત્પાદકતામાં ઘટાડોે થાય છે.

(૬) આધુનિક ખેતીમાં સેન્દ્રિય ખાતરોના ઉપયોગ વિના મોટા જથ્થામાં નાઇટ્રોજન ખાતરો જમીનમાં આપતાં જમીનમાંના હ્યુમસમાં ભયંકર ઘટાડો થાય છે. અને પાક ઉત્પાદન ઘટે છે. આ પરિસ્થિતિને ફક્ત સેન્દ્રિય અવશેષો અને ખાતરો ઉમેરીને દૂર કરી શકાય છે.

(૭) જ્યારે ખાસ કરીને નાઇટ્રેટ રૂપે રહેલ નાઇટ્રોજનયુક્ત ખાતરો ઊંચા સ્તરે જમીનમાં આપવામાં આવે ત્યારે પિયત વિસ્તારમાં પીવાના પાણીમાં નાઇટ્રેટનું પ્રદૂષણ ગંભીર સ્વરૂપે જોવા મળે છે કે જ્યાં આપવામાં આવતા નાઇટ્રોજનના ૪૦ થી ૫૦ ટકા જથ્થાનો નિતાર ધ્વારા વ્યય થાય છે.

(૮) નિયમિત રીતે ફોસ્ફરસયુક્ત ખાતરોનો મોટા જથ્થામાં ઉપયોગ કરવામાં આવે ત્યારે આર્સેનિક, ફલોરાઇડ, કેડમિયમ જેવી સૂક્ષ્મ ધાતુઓની કોઇકવાર છોડ અને જમીન ઉપર નુકસાન કારક અસર જોવા મળે છે. સિંગલ સુપર ફોસ્ફેટમાં રહેલ કેડમિયમ છોડને કેડમિયમ કલોરાઇડ તરીકે લભ્ય બને છે. તે જ રીતે મ્યુરેટ ઓફ પોટાશ અને એમોનિયમ કલોરાઇડમાં રહેલ કલોરાઇડ કઠોળ,લીંબુ, દાક્ષ, લેટ્યુસ, બટાટા વગેરે જેવા ઘણા પાકોમાં ઝોરી અસર પેદા કરે છે. આવા ઝેરી તત્વો આહાર શૃંખલા મારફતે માનવીના શરીરમાં દાખલ થઇ આરોગ્યના પશ્નો પેદા કરે છે. (૯) પાણીમાં દ્રાવ્ય પોષકતત્વોે સરોવરો અને ઝરણાંઓમાં નિતાર ધ્વારા ભળતાં આલ્ગી અને જલીય નીંદણોનો વધુ પ્રમાણમાં વિકાસ થાય છે જેના કારણે પાણીની સપાટી ઉપર ઓક્સીજનની ખામીવાળી પરિસ્થિતિ પેદા થાય છે. આવી પરિસ્થિતિ પાણીમાં રહેતા સજીવો માટે તંદુરસ્ત નથી.


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *