જમીનનું આરોગ્ય અને ફળદ્રુપતા જાળવવામાં સેન્દ્રિય ખાતરો મદદ કરે છે. તેને જમીનમાં આપવાથી વિવિધ લાભો મળે છે જેવા કે ઓછા ખર્ચાળ છે, ગરીબ ખેડૂતો સહેલાઇથી આપી શકે છે, પાક ઉત્પાદનમાં વધારો કરે છે, પર્યાવરણ માટે સલામત છે અને પાક ઉત્પાદનમાં સફળતા આપે છે. સામાન્યપણે ખેડૂૂતો પ્રવાહી સેન્દ્રિય ખાતરોની બનાવટો વાપરે છે પરંતુ તેની આવરદા બાબતે ખેડૂતો પાસે પુરતી માહિતી હોતી નથી.
ભારતની જમીનો સેન્દ્રિય તત્વો અને પાકને જોઇતા મુખ્ય પોષકતત્વોમાં નબળી છે. જમીનમાંના સેન્દ્રિય તત્વોની ગેરહાજરી હોય તો જમીન એ ફક્ત રેતી, કાંપ અને માટીનું મિશ્રણ છે. સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો જમીનના જીવન અને જૈવિક પ્રવૃત્તિઓમાં વધારો કરે છે. સેન્દ્રિય પદાર્થો જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણો ઉપર લાભદાયી અસર કરે છે. આધુનિક ખેતીમાં મોટે ભાગે આ બાબતે નિષ્કાળજી રાખવામાં આવે છે. જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું આદર્શ સ્તર જાળવી રાખવા માટે નિયમિત રીતે સેન્દ્રિય કચરાનું રીસાયકલ કરવું એ અસરકારક પદ્ધતિ છે.
ઓર્ગેનિક ખેતીમાં સેન્દ્રિય ખાતરોનું મહત્ત્વ :
(૧) તે જમીનમાંના કાર્બનઃનાઇટ્રોજન ગુણોત્તર જાળવી રાખે છે. અને જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદક્તામાં વધારો કરે છે.
(૨) તે જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણોમાં સુધારો કરે છે.
(૩) તે જમીનની રચના અને માળખાને સુધારે છે.
(૪) તે જમીનની જળ ગ્રહણ શક્તિમાં વધારો કરે છે.
(૫) જૈવિક પ્રવૃત્તિઓમાં વધારો થવાને કારણે છોડને પોષકતત્વો લભ્ય બને છે.
લીલો પડવાશ :
જમીનના ભૌતિક માળખાને અને ફળદ્ધપતાને સુધારવા માટે જમીન ઉપર ઉગાડેલ લીલા છોડવાઓને દબાવી દેવાની ક્રિયાને પડવાશ કહે છે. લીલા પડવાશ એ જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરવાનું એક સાધન છે. લીલા પડવાશના પાકો જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો પૂરવઠો પુરો પાડે છે અને જો કઠોળપાકનો લીલો પડવાશ કરેલ હોય તો તેના મૂળની ગંડિકાઓ કે જે હવામાંના નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે તેના લીધે નાઇટ્રોજન પણ જમીનમાં ઉમેરાય છે. લીલા પડવાશના પાક જમીનને ધોવાણ અને નિતાર સામે રક્ષણ પૂરૂ પાડે છે. લીલા પડવાશના પાકોને ફૂલો આવે તો પહેલાં જમીનમાં દબાવી દેવામાં આવે છે જેથી લીલાં પાનમાં રહેલ ઊંચા પોષકતત્વો જમીનમાં ઉમેરાવાથી જમીન ફળદ્રુપ બને છે. જમીનમાં દબાયેલ પાકના અવશેષો ધીરે ધીરે કહોવાતા હોઇ તેમાંથી છૂટા પડતા પોષકતત્વો ત્યારબાદ લેવાતા બીજા પાકને પણ લભ્ય બને છે.
લીલા પડવાશ તરીકે લેવામાં આવતા વિવિધ પાકો :
(૧) ચોળા (Phaseolus vulgaris) :

ચોળા કે કઠોળ વર્ગનો લીલાં પાંદડાંનું ખાતર આપતો મહત્ત્વનો પાક છે. તેના છોડ સહેલાઇથી કહોવાઇ જતા હોઇ લીલા ખાતરના હેતુ માટે વધુ સારી રીતે અનુકુળ આવે છે. ખાતર તરીકે તેનું જૂન-જુલાઇ માસમાં વાવેતર કરવું સાનુકુળ જણાયેલ છે.
(૨) ઇક્કડ (Sesbania aculeata) :

તે લોમ અને ચીકણી જમીનમાં અનુકુળ છે. તે દુષ્કાળ અને પાણીના ભારવાનો પણ સામનો કરી શકે છે. તે આલ્કલાઇન જમીનમાં પણ સારી રીતે ઉગે છે અને જો સતત ૪ થી ૫ વર્ષ લીલો પડવાશ તરીકે લેવામાં આવે તો આલ્કલીનિટીમાં સુધારો કરે છે.
(૩)સેસ્બાનિયા (Sesbania speciosa) :

વેટલેન્ડ એટલે કે ભીનાશવાળી જમીનો માટે તે કિંમતી લીલો પડવાશ છે. તે દરેક પ્રકારની જમીનોમાં થાય છે.તેની શીંગોમાં કીટકોનો ઉપદ્રવ વારંવાર થવા છતાં તેમાં બીજ ઉત્પાદન સારૂ થાય છે.આ પાકનો ઉછેર ખેતરની હદ ઉપર કરવામાં આવે છે.
(૪) શણ (Crotalaria juncea):

તે ઝડપથી વધતો લીલો પડવાશનો પાક છે. પાકની વાવણી બાદ ૪૫ દિવસે તે જમીનમાં દબાવવા માટે તૈયાર થાય છે.
(૫) સેસ્બાનિયા (Sesbania rostrata):

આ લીલા પડવાશની મહત્ત્વની ખાસિયત છે કે તે મૂળ ઉપર ગાંઠોની જેમ વધારામાં થડ ઉપર પણ ગાંઠો બનાવે છે. પાણીના ભરાવાની સ્થિતિમાં થડ ઉપર ગાંઠો થાય છે.
(૬) શરપુંખો (Wild indigo/Tephrosia purpurea):

તે ધીરે ધીરે ઉછરતો લીલા પડવાશનોે પાક છે જેને પશુઓ ચારા માટે પસંદ કરતા નથી. ખાસ કરીને ભીનાશવાળા જમીનો (વેટલેન્ડ) માં એક પાક લેવાતો હોય તેવી હલકી જમીનો માટે આ લીલા પડવાશનો પાક અનુકૂળ છે.
(૭) ગળી (Indigo, indigofera tinctoria):

જંગલી ગળી કરતાં તેમાં લીલા પાનનો વિકાસ સારો થાય છે. તે ચીકણી જમીનમાં એક બે પિયત આપી સારી રીતે ઉગાડી શકાય છે.
(૮) પિલ્લિપેસારા (Pillipesara, Phaseolus trilobus):

તે પશુઓ માટે સારી જાતના ચારાનું ઉત્પાદન અને લીલુ ખાતર એમ બંને હેતુ માટે ઉગાડાય છે. જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે ગરમ ઋતુમાં પણ આ પાક થાય છે.
(૯) ગ્લિરિસિડા (Glyricidia maculata):

ગ્લિરિસિડા ભેજવાળી પરિસ્થિતિમાં સારી રીતે ઉગી શકે તેવું ઝાડવું છે. સારી પરિસ્થિતિમાં તે એક ઝાડ તરીકે પણ વિકસે છે. તેને ખરાબાની જમીન, ખેતરના રસ્તાઓની હદ અને ખેતરના પાળા ઉપર ઉછેરી શકાય છે.
(૧૦) કરંજ (Pongamia glabra):

ખરાબાની જમીનમાં થતું આ કઠોળ વર્ગનું ઝાડ છે. આ ઝાડ સરેરાશ ૧૨૦ થી ૧૨૦ કિ.ગ્રા. લીલુ ખાતર આપી શકે છે.
(૧૧) આકડો (Calotropis gigantea):

રસ્તાની હદ અને ખરાબાની જમીન ઉપર તેના છોડ વિવિધ હવામાનની પરિસ્થિતિમાં જંગલી રીતે ઉગે છે.
લીલા પડવાશના લાભો :
(૧) તે ઝડપથી કહોવાઇ જતું હોઇ જમીનમાં સરળતાથી સેન્દ્રિય પદાર્થો ઉમેરે છે.
(૨) લીલુ ખાતર જમીનના ભૌતિક અને રાસાયણિક ગુણોમાં સુધારો કરે છે.
(૩) તે જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોને શક્તિ પુરી પાડે છે.
(૪) તે ખેતરમાં ઊભા પાકને તથા ત્યારબાદ લેવામાં આવનાર બીજા પાકને પોષકતત્વો પુરાં પાડે છે.
(૫) જમીનમાં લીલુ ખાતર ઉમેરવાની સાથે તે મલ્ચ તરીકે કાર્ય કરે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે.
(૬) હલકી જમીનોમાં લીલું ખાતર ઉમેરતાં તે પોષકતત્વોનો નિતાર થતો અટકાવે છે.
(૭) લીલા પડવાશ પાકો લેવાથી નીંદણ નિયંત્રણ થાય છે.
(૮) મોટે ભાગે લીલા પડવાશના પાકો કઠોળવર્ગના હોઇ નાઇટ્રોજન ખાતરોનો વપરાશ ઘટાડી શકાય છે.
કમ્પોસ્ટ :
કમ્પોસ્ટ એ ઘટકોનું મિશ્રણ છે કે જેનો ઉપયોગ જમીનને ફળદ્રુપ બનાવવા અને સુધારવા માટે થાય છે. તે મોટે ભાગે છોડ અને ખોરાકના બગાડમાં કહોવાણ અને સેન્દ્રિય પદાર્થોને રીસાયકલ કરી તૈયાર કરવામાં આવે છે. આ મિશ્રણ છોડને જોઇતા પોષકતત્વો અને ફાયદાકારક સૂક્ષ્મજીવોથી સમૃદ્ધ હોય છે. કમ્પોસ્ટ બગીચા, લેન્ડસ્કેપિંગ, બાગાયત, શહેરી ખેતી અને ઓર્ગેનિક ખેતીમાં જમીનની ફળદ્રુપતા સુધારે છે. વિન્ડ્રોવિંગ
કમ્પોસ્ટ બનાવવાની વિવિધ પ્રક્રિયાઓ :
(1) વિન્ડ્રોઇંગ (Windrowing) :

કચરાના પદાર્થો(વેસ્ટ મટીરિયલ્સ) ના નાના નાના ટુકડા કરી ૩ મીટર પહોળા અને ૧.૨ મીટર ઊંચા અને જમીનની પ્રાપ્યતા મુજબ લાંબા ઢગલા કરવા.
(2) ઇનોક્યુલેશન (Inoculation) :

એક ટન કચરા પદાર્થોના ઢગલા ઉપર ૪ કિ.ગ્રા. પ્રમાણે મિશ્ર કરેલ સૂક્ષ્મજીવોનો છંટકાવ કરવો. જો પ્રવાહી સ્વરૂપે હોય તો એક ટન દીઠ ૨ લિટર પ્રમાણે છંટકાવ કરવો કારણકે ઘન સ્વરૂપ કરતાં પ્રવાહી સ્વરૂપમાં ફુગ અને જીવાણુઓની વસ્તી ૧૦૦ ગણી વધારે હોય છે.
(3) એરો ટિલિંગ (Aero tilling) :

એરો ટિરલ નામના ખાસ મશીન વડે અથવા મેન્યુઅલ રીત આંતરે દિવસે ઢગલાને ફેરવવો.તેનાથી એકસરખુ મિશ્રણ થાય છે અને સૂક્ષ્મજીવોને પ્રાણવાયુ પુરો પાડે છે.
ક્મ્પોસ્ટ બનાવવાની રીત :

સંપૂર્ણ રીતે ક્મ્પોસ્ટ ખાતર બનાવવાનું ચક્ર ૧૧ અઠવાડીયાનું છે જેમાં નીચે મુજબની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
પ્રથમ અઠવાડીયું :
(૧) કચરાની સામગ્રીને ખેંચી એકઠી કરવી.
(૨) તેના નાના ટુકડા કરી ઢગલા બનાવવા.
(૩) સામગ્રીને એકસરખી મિશ્ર કરવા અને ભેજના સ્તરને આદર્શ પ્રમાણ સુધી લાવવા માટે એરો ટિલિંગ કરવું.
(૪) સૂક્ષ્મજીવોનો ચેપ લગાડવો કે જેમાં ઊંચા તાપમાનને સહન કરી શકે તેવા જીવાણુઓ અને ફૂગ હોય.
બીજા થી આઠમા અઠવાડીયા સુધી :
વોશ આપવો અને એરો ટિલિંગ કરવું.ભેજ અંગે દેખરેખ રાખવી અને થર્મોમીટર વડે ઢગલાનું ઉષ્ણતામાન ચેક કરતા રહેવું.
નવ થી અગિયારમા અઠવાડીયા સુધી :
૧૧મા અઠવાડીયા બાદ તૈયાર થયેલ બાયોકમ્પોસ્ટને જૈવિક ખાતરો વડે સમૃદ્ધ કરવું.આ માટે એક ટન કમ્પોસ્ટ દીઠ ઘન સ્વરૂપે ૨ કિલો કે પ્રવાહી સ્વરૂપે ૧ લિટર મુજબ નાઇટ્રોજન સ્થાયી કરતા જીવાણુઓ (Azotobacter, Azospirillun) ધરાવતું જૈવિક ખાતર ઉમરેવું. તે જ પ્રમાણે એક ટન કમ્પોસ્ટ દીઠ ઘન સ્વરૂપે ૪ કિ.ગ્રા કે પ્રવાહી સ્વરૂપે ૨ લિટર મુજબ ફોરફરસને દ્રાવ્ય કરતા જીવાણુઓ (Bacillus polymixa etc.) તથા તેટલા જ પ્રમાણમાં પોટાશને એકત્ર કરતા જીવાણુઓ (Fraturia aurantia) ધરાવતા જૈવિક ખાતરો ઉમેરવા.
કમ્પોસ્ટને બાયોએજન્ટથી સમૃદ્ધ કરવું :
એક ટન ક્મ્પોસ્ટ દીઠ ઘન સ્વરૂપે ૨ કિ.ગ્રા. કે પ્રવાહી સ્વરૂપે ૫૦૦ મિ.લિ. મુજબ જૈવ નિયંત્રકો (જેવા કે ટ્રાયકોડર્મા વિરિડી, શ્યૂડોમોનાસ ફ્લુરોસન્સ) ઉમેરવા.
છાણિયુ ખાતર (ફાર્મ યાર્ડ મેન્યોર) :

છાણિયુ ખાતર એ છાણ, મૂત્ર, રાડાં વગેરેના મિશ્રણનું બનેલ હોય છે. ઢગલામાં મોટે ભાગે અપાચ્ય પદાર્થો અને પાચ્ય પદાર્થોમાં મૂત્ર હોય છે. ઢગલામાં ૫૦ ટકાથી વધુ સેન્દ્રિય પદાર્થો લિગ્નિન અને પ્રોટીન ધરાવતા પદાર્થો રૂપે હોય છે જે ફરીથી કહોવાતા અટકે તેવા છે તેથી આ છાણિયા ખાતરમાં રહેલા પોષકતત્વો ધીરે ધીરે છૂટા પડે છે. એક ટન છાણિયુ ખાતર અંદાજે ૫ થી ૬ કિ.ગ્રા નાઇટ્રોજન, ૧.૨ થી ૨ કિ.ગ્ર ફોરફરસ અને ૫ થી ૬ કિ.ગ્રા પેટાસ ધરાવે છે.
સારી ગુણવત્તા ધરાવતું છાણિયુ ખાતર બનાવવા માટે બે પદ્ધતિઓનો ઉપયોગ થાય છેઃ
(૧) ખાડા પદ્ધતિ :
આ પદ્ધતિમાં ૨ મીટર પહોળા ૧ મીટર ઊંડા અને સગવડ મુજબ લાંબા ખાડા બનાવી તેમાં પશુઓના વાડાનો છાણ કચરો વગેરે ભેગો કરી નાખવામાં આવે છે. ખાડામાં તળિયે એક પશુ દીઠ ૩ થી ૫ કિ.ગ્રા. મુજબ રાડાં (સ્ટ્રો) પાથરવામાં આવે છે. તેની ઉપર છાણ, મૂત્ર, સ્ટ્રો વગેરેને બરાબર મિશ્ર કરી તેનું દરરોજ રાડાં ઉપર પાથરી બનાવેલ ખાડો પુરવામાં આવે છે.દરરોજ પાથરવામાં આવતા મિશ્રણને પ્રેસ કરવામાં આવે છે ને જો સૂકુ હોય તો પાણી નાખી ભેજવાળુ કરી ઉપર ૩ થી ૫ સે.મી સારી ફળદ્રુપ માટીનું પડ કરવામાં આવે છે જેથી કહોવાણ જલ્દી થાય અને એમોનિયાનું શોષણ થાય. તેમાં વરસાદનું પાણી ભળે નહિ તે માટે ઊંચાણવાળી જગ્યાએ ખાડા બનાવવા.
(૨) ઢગલા પદ્ધતિ :
જમીનની ઉપર એક મીટર ઊંચો ઢગલો થાય ત્યાં સુધી દરરોજ છાણ, મૂત્ર, રાડાં વગેરેનું મિશ્રણ પાથરવામાં આવે છે. ઢગલા ઉપર માટી અને છાણનું મિશ્રણ બનાવી લગાવવું.
આ બંને પદ્ધતિમાં શરૂઆતમાં હવાની અવરજવર થવી જરૂરી છે ત્યારબાદ અનએરોબિક પરિસ્થિતિ લાંબો સમય સુધી રહે છે. પાંચ થી છ મહિના બાદ ખાતર વપરાશ માટે તૈયાર થઇ જાય છે. ચોમાસા પહેલાંથી આ બંને પદ્ધતિઓથી ખાતર બનાવવાની પ્રક્રિયા ચાલુ થાય છે જે આખુ વર્ષ ચાલુ રહે છે. જો યોગ્ય રીતે ખાતર બનાવવામાં આવે તો એક વર્ષમાં એક પશુ દીઠ વધુમાં વધુ ૪ થી ૫ ટન ખાતર પેદા કરી શકાય છે જે ૦.૫ ટકા નાઇટ્રોજન ધરાવે છે.
વર્મિકમ્પોસ્ટ :

શાકભાજી કે ખોરાકનો કચરો કે બગાડ, ગમાણનો છાણ-મૂત્ર-રાડાં વગેરેના મિશ્રણમાં વિવિધ પ્રકારના કીડા, અળસિયાં વગેરેના ઉપયોગ કરી કહોવાણની પ્રક્રિયા બાદ મળતા ખાતરને વર્મિકમ્પોસ્ટ કહે છે. આ પ્રક્રિચયાને વર્મિકમ્પોસ્ટીંગ જ્યારે અળસિયાં મેળવવાનો હેતુ હોય ત્યાર તેને વર્મિકલ્ચર કહે છે.
અળસિયાં ધ્વારા સેન્દ્રિય પદાર્થોમાંથી મેળવાતા પદાર્થોને વર્મિકાસ્ટ કહે છે જેમાં વર્મિકમ્પોસ્ટીંગ પહેલાંના સેન્દ્રિય પદાર્થો કરતાં ઊંચા પ્રમાણમાં પોષકતત્વો અને ચેપનું પ્રમાણ ઓછુ હોય છે.
વર્મિકમ્પોસ્ટ પાણીમાં દ્રાવ્ય પોષકતત્વો ધરાવે છે એ તે ઉત્તમ, પોષકતત્વોથી સમૃદ્ધ સેન્દ્રિય ખાતર અને સોઇલ કન્ડિશનર છે. તેનો ખેતીમાં અને નાના પાયે ઓર્ગેનિક ખેતીમાં ઉપયોગ થાય છે.
વર્મિકમ્પોસ્ટિંગ પ્રક્રિયા :
આ અળસિયાંની પ્રવૃત્તિઓ ધ્વારા સેન્દ્રિય પદાર્થોનું કહોવાણ કરી હયુમસથી સમૃદ્ધ ખાતર બનાવવાની ક્રિયા છે.
વર્મિકમ્પોસ્ટિંગ એકમ માટે ગાય-ભેંસનું છાણ, ઘેટાંની લીંડીઓ, હાથીની લાદ, પ્રેસમડ, શેરડીની પાતરી, શહેરી ઘન કચરો, મરઘાં ફાર્મનો બગાડ અને ઘરનો કચરો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.
આ માટે તેનો ૩૦ થી ૬૦ સે.મી. ઊંચાઇનો ઢગલો કરવામાં આવે છે.
તેને સૂર્યપ્રકાશથી બચાવવા માટે ગ્રીનહાઉસની જેમ શેડ કરવામાં આવે છે.
ટપક પિયત વડે અથવા હાથથી ઝારા વડે પાણીનો છંટકાવ કરી ૫૦ થી ૫૫ ટકા આદર્શ ભેજ જાળવવામાં આવે છે.
તેમાં ખાસ આફ્રિકન જાતિના અળસિયા (Udrilus ugenous) છોડવામાં આવે છે.
તે પોતાની પ્રવૃતિથી અંશતઃકહોવાયેલા પદાર્થોને હયુમસથી વર્મિકમ્પોસ્ટ બનાવે છે.
ખાતર બનવાની પ્રક્રિયા ૬૦ થી ૯૦ દિવસમાં પૂર્ણ થાય છે. આ સમયગાળાનોે આધાર ચોરસ મીટર દીઠ કેટલા અળસિયાં છે તેની ઉપર રહેલ છે. એક દિવસમાં એક ગ્રામ વજન ધરાવતા અળસિયાં ૫ ગ્રામ કચરાને એકત્ર કરે છે.
આ પ્રક્રિયા પુરી થયા બાદ અળસિયાં એકત્ર કરી બીજા કચરાના ઢગલાઓમાં મૂકવાં.
વર્મિકમ્પોસ્ટિંગના ફાયદાઓ :
(૧) અળસિયાં ધ્વારા સેન્દ્રિય કચરામાંથી ઝડપથી ખાતર બનાવાય છે જે બિનઝેરી અને આર્થિક રીતે મહત્ત્વનું છે. તેનો ઉપયોગ સોઇલ કન્ડિશનર અને ખાતર તરીકે કૃષિ અને બાગાયતી પાકોમાં થાય છે.
(૨) કમ્પોસ્ટ બનાવવાની પ્રક્રિયાને કારણે કચરાના મોટા જથ્થામાં ઘટાડો કરી શકાય છે.
(૩) વર્મિકમ્પોસ્ટિંગમાં અળસિયાંને કારણે નાઇટ્રોજનના મિનરલાઇઝેશન દરમાં વધારો થાય છે અને આ પ્રક્રિયા ઝડપી બને છે.
(૪) વર્મિકમ્પોસ્ટિંગમાં ફુલ્વિક એસિડ કાર્બનમાં ઘટાડો અને હયુમિક એસિડ કાર્બનની ટકાવારીમાં વધારો થાય છે. હ્યુમિક પદાર્થોમાં ૪૦ થી ૬૦ ટકાનો વધારો થાય છે.
(૫) વર્મિક્મ્પોસ્ટિંગ ભારે ધાતુઓની પ્રાપ્યતામાં કમ્પોસ્ટિગની સરખામણીએ ઘટાડો કરે છે.
(૬) વર્મિક્મ્પોસ્ટિંગમાં ઓકઝીન્સ જેવા હોર્મોનના પદાર્થો હોઇ છોડની વૃદ્ધિમાં વધારો કરે છે
(૭) કમ્પોસ્ટ કરતાં વર્મિકમ્પોસ્ટના ઉપયોગથી સ્કુરણની ટકાવારી ઊંચી નોંધાયેલ છે.
સ્ત્રોત : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, મે-૨૦૨૨
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in