ભારતના અર્થકરણમાં કૃષિનો મોટો ફાળો રહેલો છે.દેશની ૫૮ ટકાથી વધુ વસ્તી ખેતી ઉપર નભે છે.ભારતની જીડીપીમાં ખેતીની સાથે મત્સ્યપાલન અને જંગલોનો પણ મોટો ફાળો રહેલો છે.કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રોમાં સમયસર,ચોક્કસ અને યોગ્ય માહિતી મળે તે આજના સમયની તાતી જરૂરિયાત છે.આ બાબત ધ્યાને લઇ ખેડૂતોને સમયસર ઓછા ખર્ચે માહિતી મળી રહેે તેવા પ્રયાસો કરવામાં આવે છે.માહિતી અને સંદેશાવ્યવહાર તાંત્રિકતા(આઇસીટી)વડે ખેડૂતોમાં જ્ઞાનની આપલે થાય છે.આઇસીટી ધ્વારા મોબાઇલ ફોન મારફતે ખેડૂતો એકબીજા સાથે માહિતીની આપલે કરી શકે છે.મોબાઇલ એપ્લિકેશન ધ્વારા આ બાબત શકય બની છે.કૃષિ ક્ષેત્રમાં બજારની માહિતી,હવામાન સંબધી માહિતી,છોડની તંદુરસ્તી,ખેતીના ઇનપુટસનું વિતરણ,ખેડૂત શિક્ષણ વગેરેની જાણકારી મોબાઇલ એપ્સ મારફતે મેળવી શકાય છે.
શહેરી અને ગ્રામ્ય વિસ્તારો સાથે સમગ્ર સમાજમાં આઇસીટીની મોબાઇલ તાંત્રિકતાથી માહિતી પહોંચે છે.કૃષિ વિસ્તરણની આ પદ્ધતિ ધ્વારા ખેડૂતોના ખેતર સુધી જ્ઞાન પહોંચે છે.મોબાઇલ મારફતે સંદેશાવ્યવહાર અને સેવાઓની પ્રક્રિયા વધુ ઝડપે થાય છે.વિવિધ મોબાઇલ એપ્સની સવલતો મળતાં સંદેશાવ્યવહારમાં ક્રાન્તિ આવેલ છે.મોબાઇલ એપ્સને કારણે ખેડૂતો અને તેની સાથે સંકળાયેલ સમુદાયને અનેકવિધ ફાયદાઓ થાય છે.સ્માર્ટ ફોનના ઉપયોગથી અનેકગણા કામો થઇ શકે છે.ખેડૂતો અને વિસ્તરણ કાર્યકરોને જોડવાનું કામ મોબાઇલ કરે છે એટલે કે બંને વચ્ચે રહેલી ખાઇ પૂરે છે.ખેડૂતો પાકની નવી જાતો,વાવણી સમય,બી-ખાતર-મશીનરી જેવા ઇનપૂટસ,બજારભાવ,હવામાન,રોગ અને જીવાત,પોષણ વ્યવસ્થા વગેરે વિષયોની માહિતી સમયસર મેળવી શકે છે જેના લીધે કૃષિમાં ઉત્પાદક્તા ઉત્પાદનની કાર્યક્ષમતા અને ખેતી નફાકારકતામાં વધારો થાય છે.
મોબાઇલ એપ્સ :
તવંગર થી માંડી ગ્રામ્ય કારીગર સુધીના સમાજના તમામ લોકો મોબાઇલ ધ્વારા મોબાઇલ એપ્સનો સામાન્યતઃ ઉપયોગ કરે છે.તેમાં ખેડૂતો પણ પાછળ નથી.ખેડૂતો બજારની માહિતી,નિષ્ણાતની સલાહ અને ખેતીના કાર્યો અને ઓનલાઇન સેવાઓનો લાભ મોબાઇલ એપ્સ મારફતે લે છે.જો કે નાના અને સીમાંત ખેડૂતોમાં તેનો ઉપયોગ મર્યાદિત છે.
વર્તમાન સમયે કેટલીય મોબાઇલ એપ્સ ધ્વારા, કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રની માહિતી મેળવાય છે.ખાસ પ્રકારના સોફટવેર વડે બનાવેલ મોબાઇલ એપ્સ મોબાઇલ હેન્ડસેટ,ટેબલેટ અથવા કોમ્પ્યુટરના ઉપયોગથી ખાસ પ્રકારની માહિતી અને સેવાઓ નાણાંની આપલે વગેરે સેવાઓ પુરી પાડે છે.ઇન્ટરનેટ થકી મફતમાં કે નક્કી કરેલ રકમથી આવી મોબાઇલ એપ્સ મોબાઇલમાં ડાઉનલોડ કરી ખેડૂત સરળ રીતે ત્વરિત પોતાને જોઇતી જરૂરી માહિતી મેળવી શકે છે.ખેતીકાર્ય, રોગ-જીવાત અને સરકારી યોજનાઓ વિષેની માહિતી મોબાઇલમાં સંગ્રહી પણ શકાય છે.ખેડૂતો ઇન્ટરનેટના જોડાણો થકી મોબાઇલમાં રોજેરોજની હવામાનની અને બજારભાવની વર્તમાન ગતિવિધિની માહિતી તેમજ વિસ્તરણની માર્ગદર્શન સેવાઓનો લાભ મેળવી શકે છે.એસએમએસ ધ્વારા ખેડૂતો જે તે સંસ્થા તરફથી મોકલવામાં આવતી એકતરફી માહિતી સંદેશા ધ્વારા મેળવી શકે છે.આવી પરિસ્થિતિમાં ખેડૂત ઓનલાઇન નિષ્ણાતનો સંપર્ક સાધે તો તેને વર્તમાન પ્રશ્નો/મુશ્કેલીઓ અંગેની સલાહ મેળવી શકે છે.આવી મોબાઇલ એપ્સ આધારીત ઘણીબધી સેવાઓ મેળવી શકાય છે.તેમાંની કેટલીક એપ્સની માહિતી અત્રે દર્શાવેલ છેઃ
(ક)ઉત્પાદન તાંત્રિકતા અને ખેત સલાહ સેવા
(૧)કિસાન સુવિધા–Kisan suvidha :

સને ૨૦૧૫માં ભારત સરકારના કૃષિ અને ખેડૂત મંત્રાલય ધ્વારા કિસાન સુવિધા નામની મોબાઇલ એપ વિકસાવવામાં આવી છે.તેનો હેતુ ખેડૂતોને સમયસર સંબંધિત અને સાચી માહિતી પૂરી પાડવાનો છે.આ એપ ધ્વારા નીચે દર્શાવેલ માહિતી વિવિધ ભાષાઓમાં(જેવી કે અંગ્રેજી,હિન્દી,તમિલ,ગુજરાતી,ઉડિયા અને મરાઠી)પુરી પાડવામાં આવે છે.
હવામાન : તેમાં ભેજ,ઉષ્ણતામાન,પવનની ગતિ અને દૈનિક વરસાદ તથા આવનાર પાંચ દિવસોના હવામાનના પૂર્વાનુમાન વગેરે માહિતીનો સમાવેશ થાય છે.એકાએક હવામાનમાં પલટો જેમ કે વા-વંટોળિયો અથવા કમોસમી વરસાદની માહિતી પણ આપવામાં આવે છે.
બજારભાવ : નજીકમાં આવેલ બજારમાં વેચાતા ખેતીપેદાશોના ભાવો અને જીલ્લા,રાજ્ય તથા દેશના વધુમાં વધુ બજારભાવની માહિતી આપવામાં આવે છે.
ખેત સલાહ : કૃષિ અધિકારીઓ અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ મારફતે સ્થાનિક ભાષામાં ખેડૂતોને કૃષિ સલાહ વિભાગ મારફતે સંદેશાઓ આપવામાં આવે છે.
સોઇલ હેલ્થ કાર્ડ (જમીન સ્વાસ્થ્ય સૂચિ)ઃ જે ખેડૂતો નોંધણી પામેલ છે તેઓના જમીન સ્વાસ્થ્ય સૂચિની માહિતી પ્રાપ્ય છે.
ડીલરોની માહિતીઃ ખેતીના ઇનપુટસ જેવા કે બિયારણ,જતુંનાશક દવાઓ,રાસાયણિક ખાતરો અને ફાર્મ મશીનરી વગેરેના ડીલરોની માહિતી પૂરી પાડે છે.
પાક સંરક્ષણઃ આ વિભાગ ધ્વારા પાકમાં થતા રોગ,જીવાત,નીંદણ વગેરેના નિયંત્રણ તેમજ પાકની વાવણી થી માંડી કાપણી સુધીની વ્યવસ્થાકિય પ્રક્રિયાઓ દરમ્યાન કરવામાં આવતી વ્યવસ્થાની માહિતી આપે છે.ખેડૂત પોતાના ખેતરના ફોટા પાડી કૃષિ વૈજ્ઞાનિક કે વિષય નિષ્ણાતને મોકલી તેના પશ્નનો ઉકેલ મેળવી શકે છે.
કિસાન કોલ સેન્ટરઃ આ એપ ખેડૂતને કિસાન કોલ સેન્ટર સાથે જોડે છે કે જેથી તે વૈજ્ઞાનિક કે વિષય નિષ્ણાત પાસેથી પોતાના પશ્નોનો ઉકેલ મેળવી શકે છે.
કોલ્ડ સ્ટોરેજ અને ગોડાઉનઃ આ એપમાં કોલ્ડ સ્ટોરેજ અને ગોડાઉનની માહિતી પણ સમાવેશ કરેલી છે.ખેડૂત મોબાઇલ નંબર વડે તાલુકા,જીલ્લા અને રાજ્યની નોંધણી કરાવી સંગ્રહ માટેની સવલતોનો લાભ મેળવી શકે છે.
(૨) પુસા કૃષિ–Pusa Krishi :

આ એપ સને ૨૦૧૪માં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ધ્વારા વિકસાવવામાં આવેલી છે. તે ખેડૂતોને ખેતરો સુધી અદ્યતન કૃષિ તાંત્રિકતા પહોંચાડવા માટે શરૂ કરવામાં આવેલ જેમાં નીચેની વિગતોનો સમાવેશ થાય છેઃ
- ઇન્ડિયન કાઉન્સીલ ઓફ ઍેગ્રિકલ્ચરલ રિસર્ચ(ICAR)મારફતે વિકસાવવામાં આવેલ નવી જાતોની માહિતી ખેડૂતોને પુરી પાડવી.
- સંસાધનોનું સંરક્ષણ કરે તેવી ખેતીની પદ્ધતિઓ અને ફાર્મ મશીનરીનો ઉપયોગ અને ઉત્પાદન તાંત્રિકતાઓ અંગેના માર્ગદર્શનનો પ્રચાર કરવો.
- ખેડૂતો,વૈજ્ઞાનિકો અને વિસ્તરણ અધિકારીઓ, ખેતર સ્તરે કાર્ય કરતા કામદારો વગેરે પાસેથી જે તે સમયે ચર્ચા કરી પ્રત્યુત્તર(ફીડબેક)મેળવવા.
(૩)ભુવન હેઇલસ્ટ્રોમ એપ–Bhuvan Hailstorm app :

આ મોબાઇલ એપ પાકમાં કુદરતી તોફાનો કે કુદરતી નુકસાન ધ્વારા પડતી ઘટની માહિતી જે તે ભૌગોલિક સ્થળ અને તેના ફોટા ધ્વારા મેળવાય છે.જે તે સમયની માંગ મુજબ ખેતી અધિકારી મોબાઇલ અથવા લેપટોપ સાથે ખેતરમાં જઇ માહિતી ભેગી કરી નુકસાનની આકારણી કરે છે જેમાં નીચેની વિગતોનો સમાવેશ થાય છેઃ
- આ એપની રચનામાં અક્ષાંશ અને રેખાંશ મુજબ જે તે સ્થળનો ફોટો,પાક,વાવણી તારીખ,કાપણીની સંભવિત તારીખ,પિયતનો સ્ત્રોત અને અન્ય બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.
- આ એપથી મેળવેલ આંકડાકીય માહિતી સીધી જ ભુવન પોર્ટલ ઉપર પહોંચી જાય છે અને આ માહિતીનું પૃથક્કરણ સહેલાઇથી કરી શકાય છે.
(ખ)પાકની રોગ અને જીવાત વ્યવસ્થા :
(૧)કૃષિ વીડિયો એડવાઇસ મોબાઇલ એપ – Krishi video advice mobile app :
આ એપ હૈદ્રાબાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એગ્રિકલ્ચર એક્ષટેન્શન મેનેજમેન્ટ (MANAGE)સંસ્થા ધ્વારા સને ૨૦૧૫માં ખેડૂત અને નિષ્ણાતો વચ્ચે રહેલ માહિતીની ખાઇ પુરવાના હેતુથી વિકસાવવામાં આવી છે કે જે સ્માર્ટફોન કે ટેબ મારફતે ચલાવી શકાય છે.આ એપ ધ્વારા નિષ્ણાતો કે ખેડૂત ત્રણ જેટલી પાકની જીવંત ઇમેજ જાતે જ લઇને અપલોડ કરી શકે છે.આવી પાકની ઇમેજ જોયા બાદ કિસાન કોલ સેન્ટર ઉપર રહેલ નિષ્ણાત તે અંગેની સલાહ આપી શકે છે.આ એપની વિગત નીચે મુજબ છેઃ
- સ્માર્ટફોન કે ટેબલેટ ધ્વારા ખેડૂત આ મોબાઇલ એપનો ઉપયોગ કરી રોગ/જીવાતથી ગ્રસ્ત પાક કે પશુના ફોટા પાડી તેની ઇમેજ નિષ્ણાતની સલાહ લેવા માટે મોકલી શકે છે.
- કિસાન કોલ સેન્ટર ઉપર રહેલ નિષ્ણાત ખેડૂતે મોકલેલ પશ્નને તપાસી તે અંગેની સલાહ જે તે ખેડૂતને આપે છે.
- ખેડૂત નિષ્ણાતે આપેલ સલાહને પોતાના મોબાઇલમાં મેળવી શકે છે,તેનો સંગ્રહ કરી શકે છે અને ભવિષ્યમાં જાણવા માટે તેનો ઉપયોગ કરી શકે છે.
- ખેડૂત કિસાન કોલ સેન્ટરના નિષ્ણાતની ખેતરના પશ્નો અંગે વીડિયો કોન્ફરન્સ ગોઠવી માહિતી મેળવી શકે છે.
- સ્માર્ટ ફોન ૩જી તાંત્રિકતાવાળો હોવો જોઇએ.આ પદ્ધતિનો ખેડૂતો,ખેડૂતના વિવિધ પ્રકારના જૂથો,સ્વૈચ્છિક સંસ્થાઓ,અધિકારીઓ વગેરે ઉપયોગ કરી શકે છે અને ખેડૂતો વિસ્તરણ સેવાનો લાભ મેળવે છે.
(૨)પ્લાન્ટિકસ–Plantix :

આ એપ સને ૨૦૧૫ માં જર્મનીની પ્રોગ્રેસીવ એન્વારોનમેન્ટલ એન્ડ એગ્રિકલ્ચર ટેકનોલોજી(Progressive Environmental & Agricultural Technology-PEAT)નામની સ્ટાર્ટ અપ કંપનીએ પાકના રોગનું નિદાન અને નિગાહ રાખવા માટે વિકસાવેલ છે.આ એપ વિશ્વના તમામ વપરાશકારોને રોગ અટકાવવાનાં પગલાં,ઉત્તમ પદ્ધતિ અને કરવાની કામગીરીની માહિતી પુરી પાડે છે.આ એપ સ્માર્ટ ફોન મારફતે અસર પામેલ છોડના ફોટા મોકલી ઓળખ થકી રોગોની માહિતી આપે છે અને રોગ-જીવાત પર નિગરાની રાખે છે.તેની વિગત નીચે મુજબ છેઃ
- સાચા સમયે નિદાનઃઆ એપ ૩૦ પાકની પાંચ લાખ ફોટા આવરી લઇ ૧૨૦ થી વધુ પાક રોગોનો ડેટાબેઝ ધરાવતી હોઇ જે તે ઇમેજનું પૃથક્કરણ કરી રોગ અંગેની ચોક્કસ માહિતી આપે છે.
- નાના ખેડૂતો અને વપરાશકારો : આ એપ ખેડૂતો ડાઉનલોડ કરી સ્થાનિક ભાષામાં તેનો ઉપયોગ કરી વિના ખર્ચે માહિતી સહેલાઇથી મેળવી તેનો ઉપયોગ કરી શકે છે.
- હૈદ્રાબાદની ઇક્રીસેટ (ICRISAT) અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓએ જર્મનીની પીટ(PEAT)કંપની જોડે કરાર કરી તેલુગુ ભાષામાં એપ લોન્ચ કરી છે.તે આંધ્રપ્રદેશ અને તેલંગણાના ખેડૂતોમાં પ્રખ્યાત થઇ છે અને તેનું સફળતા પૂર્વક નિદર્શન કરવામાં આવેલ છે.
(૩)ઇફકો કિસાન એગ્રિકલ્ચર–IFFCO kisan agriculure :

સને ૨૦૧૫ માં ઇન્ડિયન ફાર્મર્સ ફાર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ લિ.(ઇફકો) ધ્વારા ઇફકો કિસાન એપ વિકસાવવામાં આવેલ. તે અંગ્રેજી સહિત ભારતની ૧૧ ભાષાઓમાં ઉપલબ્ધ છે અને કિસાન કોલ સેન્ટર સાથે સંપર્કમાં રહી હેલ્પલાઇન નંબરો સાથે જોડે છે. તે કૃષિ સલાહ,હવામાન,બજારભાવ તેમજ ફોટા,ઓડિયો,વીડિયો અને ટેક્ષ્ટ વગેરે ધ્વારા કૃષિ વિષયક માહિતી પુરી પાડે છે.આ એપની વિગતો અત્રે દર્શાવેલ છેઃ
- હવામાનઃ આ વિભાગ ધ્વારા જે તે સ્થળનું આવનાર પાંચ દિવસ દરમ્યાન ઉષ્ણતામાન,ભેજ,વરસાદની શકયતા,પવનની ઝડપ અને ગતિ વગેરેની માહિતી ખેડૂતો મેળવી શકે છે.
- બજારભાવઃખેડૂતો પોતાની ખેતીપેદાશના બજારભાવની માહિતી મેળવી શકે છે જેનો સ્ત્રોત એગમાર્કનેટ (AGMARKNET)અને નાસડેક્ષ (NCDEX) છે.
- કૃષિ માર્ગદર્શનઃટેક્ષ્ટ અને ઓડિયો કલીપ ધ્વારા વિવિધ ખેતહવામાન વિસ્તારના જે તે ખાસ પાકની માહિતી સંશોધન નિષ્ણાતો મારફતે પુરી પાડવામાં આવે છે.
- નિષ્ણાત સાથે પૂછપરછઃખેડૂતો કૃષિ નિષ્ણાતની સલાહ લેવા માટે તેઓને પૂછી શકે છે.તેઓ ખેતરમાં આવતા રોગ-જીવાતનો ફોટા લઇ નિષ્ણાતને મોકલી તે અંગેનું નિરાકરણ પૂછી શકે છે.
- કૃષિ લાયબ્રેરીઃકૃષિ લાયબ્રેરી વિવિધ પાકોની માહિતી,તેનું વાવેતર,પિયત વ્યવસ્થા,રોગો વગેરે વિષયક માહિતી પુરી પાડે છે.
- બજારનું પ્લેટફોર્મઃ તે ખેતીપેદાશ વેચનાર ખેડૂતો અને તેને ખરીદનાર વેપારીઓ વચ્ચેનું પ્લેટફોર્મ પૂરૂ પાડે છે જે માટે ખેતીપેદાશો વેચનાર અને ખરીદનારે નોંધણી કરાવવાની રહે છે.
(ક) માર્કેટિંગ (બજાર) :
(૧)ઇ–નામ (e-NAM) મોબાઇલ એપઃ

ભારત સરકાર ધ્વારા નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ (NAM)નામનું ઇલેકટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે જે ખેતી પેદાશના વેચાણ માટે રાષ્ટ્રીય કક્ષાએ બજારનું નેટવર્ક પુરૂ પાડે છે.સ્માર્ટ ફોન ધ્વારા તે માહિતીની સવલત પુરી પાડે છે.આ એપમાં નીચેની વિગતોનો સમાવેશ કરવામાં આવેલ છેઃ
(ક) ટ્રેડર્સ :
- પ્રાપ્ય ખેતીપેદાશના જથ્થાનો ભાવ મૂકી શકે છે.
- તાજા ભાવ મૂકી શકે છે કે ભાવમાં ફેરફાર કરી શકે છે.
- જાહેર હરાજીમાં લઘુતમ અને મહતમ ભાવ જોઇ શકે છે.
- વધુ ભાવે કોને મળ્યા,ભાવોનો ઇતિહાસ તથા ફાળા અંગેની માહિતી જોઇ શકે છે.
(ખ)ખેડૂતો અને અન્ય વપરાશકર્તાઓ :
- રાજ્ય મુજબ ઇ-નામ બજારની માહિતી જોઇ શકે છે.
- બજાર મુજબ થતી પેદાશની આવકની માહિતી જોઇ શકાય છે.
- બજારમાં મળતા લઘુત્તમ અને મહત્તમ ભાવની માહિતી મેળવી શકાય છે.
કૃષિ પૂરવઠાની હરોળ સાથે સંકળાયેલ ખેડૂતો,વેપારીઓ,કમિશન એજન્ટો,પ્રોસેસર્સ,નિકાસકારો,બજાર સાથે સંલગ્ન કાર્યરત લોકો તેનો લાભ મેળવે તેવો તેનો ઉદેશ છે.
(૨)એગ્રિ માર્કેટ–Agri market :

આ મોબાઇલ એપ ખેડૂતોને પાકના બજાર ભાવથી માહિતગાર કરવા માટે વિકસાવવામાં આવેલી છે તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ
- આ મોબાઇલ એપથી ૫૦ કિ.મી.ના મર્યાદિત વિસ્તારમાં આવેલ બજારમાંના પાકના ભાવ જાણવા માટે વાપરી શકાય છે.
- મોબાઇલમાંના જીપીએસનો ઉપયોગ કરી ૫૦ કિ.મી.વિસ્તારમાં આવેલ બજારના સ્થળોએ મળતા ખેતપેદાશના ભાવોની સરખામણી ખેડૂત કરી શકે છે.જીપીએસના ઉપયોગ વિના પણ ખેડૂત કોઇ પણ બજાર અને કોઇ પણ પાકના ભાવોની માહિતી મેળવી શકે છે.
- ખેતપેદાશના ભાવોની માહિતીનો સ્ત્રોત એગમાર્કનેટ પોર્ટલ છે.આ એપ હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.
(૩)ડીજીટલ મંડી ઇન્ડિયા–Digital Mandi India :

ભારતમાં આવેલ વિવિધ રાજ્યો અને જીલ્લાઓના બજારમાં ખેતપેદાશના છેલ્લા ભાવની માહિતી આ મોબાઇલ એપથી મેળવી શકાય છે.ખેતીપેદાશ મુજબ અને રાજ્ય મુજબ વર્ગીકૃત કરેલ ભાવની માહિતી મેળવી શકાય છે.આ એપમાં નીચેની વિગતોને સમાવેશ થાય છેઃ
- કોઇપણ વ્યક્તિ વિવિધ પ્રકારની પેદાશોના ભાવો અને વિવિધ બજારોમાં પસંદ કરેલ પેદાશોની ભાવોની નોંધ મેળવી શકે છે.
- કોઇપણ વ્યકિત વિવિધ બજારોમાંના ભાવોની માહિતી મેળવી શકે છે.
- પસંદ કરેલ બજારમાં પેદાશના ભાવો સુધી પહોંચી જાણકારી મેળવી શકાય છે.
- ખેતીપેદાશના ભાવોની કોપી કરી તેને સોસિયલ મીડિયા ઉપર શેર કરી શકાય છે.
- તે ભારત સરકારના એગમાર્કનેટ પોર્ટલ સાથે જોડાયેલ છે.
(ઘ)ચોક્કસ પાકની એપ :
(૧)રાઇસ એકક્ષપર્ટ– riceXpert :

આ એપ સને ૨૦૧૬ માં કટક સ્થિથિત આઇસીએઆરની નેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ(NRRI)ધ્વારા વિકસાવવામાં આવેલ છે.તેના ધ્વારા અંગ્રેજી અને ઉડિયા એમ બંને ભાષામાં ડાંગરની તાંત્રિકતાની માહિતી સમયસર ખેડૂતોને પહોંચતી કરવામાં આવે છે.આ એપમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ
- તેના ધ્વારા ખેડૂતો ડાંગરના રોગો,કીટકો,કૃમિ,નીંદણો,પોષકતત્વોની ખામી અને ઝેરી અસર વગેરેનું નિદાન મેળવી શકે છે.
- તે ડાંગરની અદ્યતન જાતો,ખેતીનો ઓજારો,સમાચારો,નિષ્ણાતો પાસેથી સલાહ/માર્ગદર્શન અને હવામાનની માહિતી આપે છે.
- જીવાતના પશ્નોનું નિરાકરણ આપે છે.
- ડાંગરની પરિસ્થિતિ અને પાકના વિસ્તાર પ્રમાણે રાસાયણિક ખાતરોની ભલામણ કરે છે.
- ખેડૂતો અને મહિલા ખેડૂતો આ એપનો ઉપયોગ કરી ડાંગરના ખેતરોનો ફોટા મોકલી,લખાણ કે વિડિયો ધ્વારા ચર્ચા કરી,નિષ્ણાતની પેનલ પાસેથી જે તે પશ્નોનું નિરાકરણ મેળવી શકે છે તેમજ એસએમએસ મારફતે ભલામણ અંગેના સંદેશા પ્રાપ્ત કરી શકે છે.
- ખેડૂતોને પોતાની ડાંગર વેચવા માટેનું પ્લેટફોર્મ પણ પૂરૂ પાડે છે.ખેડૂત પોતાની પેદાશ અને ડાંગર સંબંધિત અન્ય પેદાશની માહિતી એપ ધ્વારા વેપારીઓને પહોંચાડી શકે છે અને વેપારીઓ આવી માહિતી આ એપ ધ્વારા મેળવી ખરીદી કરી શકે છે જેથી ખેડૂતને વધુ ભાવ મળવાની શકયતા રહે છે.
- આ એપ ડાંગરના પાક સાથે સંકળાયેલ સંશોધકો,વૈજ્ઞાનિકો,વિદ્યાર્થીઓ અને ગ્રામસેવકો માટે પણ ઉપયોગી છે.
(૨) મના વેરૂસનાગા એપ–Mana verusanaga app :

આ એપ હૈદ્રાબાદની આચાર્ય એન.જી. રંગા એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી અંતર્ગત તિરૂપતિ ખાતે આવેલ રીજીયોનલ એગ્રિકલ્ચર રિસર્ચ સ્ટેશન ધ્વારા વિકસાવવામાં આવી છે.તે ખેડૂતો અને વિસ્તરણ અધિકારીઓને મગફળીની ખેતીના તમામ પાસાઓની માહિતી પુરી પાડે છે.તેમાં નીચેની બાબતોનો સમવેશ થાય છે:
- આ એપમાં બિયારણથી બી પેદા કરવા સુધીની માહિતી ઓફલાઇન અને તેલુગુ ભાષામાં આપેલ છે.તેનો ઉપયોગ એસએમએસ ધ્વારા નોંધણી કરાવ્યા બાદ થઇ શકે છે.
- તેમાં મગફળીની જાતો,બિયારણ,પોષણ વ્યવસ્થા,જીવાતો અને રોગો,ખેતીમાં યાંત્રિકરણ,મૂલ્ય વર્ધન અને સંપર્ક સહિતની માહિતી ફોટા સાથે મૂકવામાં આવેલી છે.
(૩)કેન ઓડવાઇઝર – Cane advisor:

આ એપ આઇસીએઆર અંતર્ગત તામિલનાડુના કોઇમ્બતુર ખાતે આવેલ સુગરકેન બ્રિડિંગ ઇન્સ્ટિટયૂટ ધ્વારા વિકસાવવામાં આવી છે.શેરડી પિલનાર મિલરોને આ એપ શેરડીની માહિતી અને માર્ગદર્શન પૂરૂ પાડે છે.તે ભારતના શેરડી ઉગાડતા વિસ્તારો માટે પાકની રોપણી થી કાપણી સુધીની માહિતી એસએમએસ અને ગ્રાફ્કિસ સાથે પુરી પાડે છે.તેમાં નીચેની વિગતોનો સમાવેશ થાય છેઃ
- આ એક વિરલ પ્રકારની એપ છે જેમાં શિડ્યુલર એપ અને ક્વેરી હેન્ડલરનો સમાવેશ થાય છે.તેનો ઉપયોગ કરનારને પોતાની વ્યકિતગત નોંધણી કરાવે તો તેને પોતાની રોપણી તારીખ જણાવતાં ખેતી કાર્યો અંગેની સલાહ અને સંદેશા એસએમએસ મારફતે સમયસર મળી રહે છે.
- કવેરી હેન્ડલર :ખેડૂતોને સંદેશા,ફોટા વગેરે મોકલવામાં મદદ કરી તેનો પ્રત્યુત્તર એસએમએસ કે ઇ-મેઇલ મારફતે મેળવી શકે છે.
- આ એપ અંગ્રેજી,હિન્દી અને તામિલ ભાષામાં ઉપલબ્ધ છે.
(ચ)ખેત સલાહ સેવા આપતી એપ્સ :
(૧)આરએમએલ ફાર્મર–RML Farmer :

આ એપ ધ્વારા ખેડૂતો હવામાનનું પૂર્વ અનુમાન,બજારભાવ,પાક અંગે સલાહ,ખેતી અંગેના સમાચાર વગેરે માહિતીઓ પોતાની માતૃભાષામાં મેળવી શકે છે.આ એપ ખેતીની ભલામણો તેમજ રોગ-જીવાતના હૂમલાઓ સંબંધી માર્ગદર્શન આપે છે.તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ
- રોગ-જીવાત,નીંદણ વગેરેનું નિયંત્રણ અને અટકાવવાના ઉપાયો જણાવે છે.
- પોતાની ખેતીપેદાશ ઊંચા ભાવે વેચવા માટેના બજારની માહિતી પુરી પાડે છે.
- ખેતરની પોષણ જરૂરીયાત અંગેની માહિતી પુરી પાડે છે.
- ખેડૂતને જમીન ચકાસણી ધ્વારા તેના પૃથક્કરણની માહિતી પુરી પાડે છે.
- ખેડૂતો પાકમાં જીવાત પડે તો તેના ફોટા મોકલી RML ના નિષ્ણાતો ધ્વારા તેના ઉપાયો અંગેની માહિતી મેળવી શકે છે.
- કૃષિ માહિતીની લાયબ્રેરી મારફતે ખેડૂતો પાક અને યાંત્રિકરણ સંબંધી માહિતી મેળવી શકે છે.
(૨)માય એગ્રિ ગુરૂ – MyAgriGuru :

આ એપ મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર કંપનીની મહિન્દ્ર એગ્રિ સોલ્યુશન્સ ધ્વારા વિકસાવવામાં આવી છે જે દેશના ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોને જોડવાનું કામ કરે છે.તેના ધ્વારા વિવિધ ૯૦ પાકો(જેમાં કપાસ,ઘઉં,ટામેટા થી માંડી તુલસી,કુવારપાઠું,અને ફૂલો વગેરે)માટે ખેડૂત-કૃષિ નિષ્ણાત આંતરચર્ચા ગોઠવવામાં આવે છે.તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ
- આ એપના પ્લેટફોર્મ મારફતે એક ખેડૂત બીજા ખેડૂતો અને કૃષિ નિષ્ણાત સાથે જોડાઇ ચર્ચા શરૂ કરી ભાગ લઇ શકે છે.સર્વે એકબીજાને જોઇ પણ શકે છે.સફળવાર્તા અન્ય ખેડૂતો સુધી પહોંચાડી શકે છે.
- ખેડૂતો ખેતીના આધુનિક કૃષિ સમાચારો અને દેશમાં બનતા બનાવોની માહિતી સહિત બિન-પરંપરાગત પાકોની ખેતીની પ્રત્યક્ષ માહિતી મેળવી શકે છે.
- આ એપ દેશમાં આવેલ એપીએમસીના બજારભાવો અને હવામાનના પૂર્વાનુમાનની માહિતી પણ પુરી પાડે છે.
- આ એપ હાલમાં હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે જે ભવિષ્યમાં વધુ ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવનાર છે.
(૩)રીથુ નેસ્થમ–Rythu nestham :

આ એપ રીથુ નેસ્થમ ફાઉન્ડેશન ધ્વારા વિકસાવવામાં આવી છે.આ એપ સજીવ ખેતી કરતા ખેડૂતોને મદદ કરે છે.તે અંગ્રેજી અને તેલુગુ એમ બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે.તેમાં નીચેની વિગતોનો સમાવેશ થયેલ છેઃ
- સજીવ ખેતીની પદ્ધતિઓની તાંત્રિકતાની માહિતી આપે છે.
- પાકના રક્ષણ કરવાની પદ્ધતિઓ જણાવે છે.
- પાક વીમાની માહિતી આપે છે.
- નજીકના સ્ટોર,મદદ કરનાર સેન્ટર અને સંશોધન પ્રયોગશાળાના સ્થળની માહિતી આપે છે.
- ખેતીપેદાશના રોજબરોજના ભાવોની માહિતી આપે છે.
- જે તે વિસ્તાર દીઠ હવામાનનું પુર્વાનુમાન જણાવે છે.
- ખેડૂતોને સજીવ ખેતીની સવલતો અંગની માહિતી આપે છે.
- સજીવ ખેતીની સફળવાર્તાઓ દર્શાવે છે.
(છ)કૃષિ સંબંધિત અન્ય મોબાઇલ એપ્સ :
ઉપર જણાવેલ મોબાઇલ એપ્સ ઉપરાંત ૧૦૦ થી વધુ મોબાઇલ એપ્સ ઉપલબ્ધ છે જે ખેડૂતો/ગ્રાહકોને વિવિધ પ્રકારની જે તે જરૂરિયાત મુજબની માહિતી પુરી પાડે છે જે પૈકી કેટલીક મોબાઇલ એપ્સની ટુંકી માહિતી અને દર્શાવેલ છેઃ
(૧)સોઇલ હેલ્થ કાર્ડ–Soil health card-SHC–મોબાઇલ એપ :

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ધ્વારા આ એપ વિકસાવવામાં આવેલ છે.
(૨)ક્રોપ કટિંગ એક્ષપરીમેન્ટસ–એગ્રિ મોબાઇલ એપ–Crop cutting experiments-agri mobile app :

આ એપ પણ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ધ્વારા વિકસાવવામાં આવેલ છે.તેનો ઉપયોગ પાકની કાપણીના અખતરાના આંકડા મેળવવા થાય છે.તે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે કામ કરે છે
(૩)ક્રોપ ઇન્શ્યુરન્સ–Crop insurance :

આ એપ પણ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ધ્વારા પાક વીમાની વિગતવાર માહિતી પુરી પાડવા માટે વિકસાવવામાં આવી છે
(૪)અપેડા ફાર્મર કનેકટ–Apeda farmer connect :

આ એપ એગ્રિકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડકટસ એક્ષપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA)ધ્વારા વિકસાવવામાં આવી છે.
(૫)હવામાન કૃષિ–Havaamana krishi :

આ એપ ધારવાડ સ્થિત યુનિવર્સિટી ઓફ એગ્રિકલ્ચરલ સાયન્સીસ અંતર્ગત એઆઇસીઆરપી ઓન એગ્રિમીટીરીયોલોજીના વિજયપુરા કેન્દ્ર ખાતેથી વિકસાવવામાં આવેલ છે.
(૬)લૂપ–Loop :
બિહાર રાજ્યમાં ડીજીટલ ગ્રીન કંપની ધ્વારા લૂપ નામની મોબાઇલ એપ શરૂ કરવામાં આવી છે જે નાના ખેડૂતોને શાકભાજીના વેચાણમાં ઊંચા ભાવો મળે તેવા બજારોની માહિતી પુરી પાડવામાં મદદ કરે છે.
(૭)મોબાઇલ એપ ઓન કેસ્ટર(દિવેલા) – Mobile app on castor :

આ એપ આઇસીએઆર ધ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ઓઇલસીડઝ રિસર્ચ(IIOR)ધ્વારા વિકસાવવામાં આવી છે.
(૮)સોલાપુર અનાર – Solapur anar :

આ મોબાઇલ એપ આઇસીએઆરના નેશનલ રિસર્ચ સેન્ટર ઓન પોમેગ્રેનેટ(NRCP)ધ્વારા વિકસાવવામાં આવેલ છે.
સારાંશઃ
મોબાઇલ એ હવે આપણી જીવનચર્યાનો એક ભાગ બની ગયેલ છે.ખેડૂતો અનેક જરૂરિયાતો માટે મોબાઇલનો ઉપયોગ કરતા થયા છે જેમ કે માહિતી,શિક્ષણ અને મનોરંજન.આ મોબાઇલ એપની શોધ ખેડૂતોને ખેતીમાં આવનાર પડકારોનો અસરકારક રીતે સામનો કરવાનું સશકિતકરણ પૂરૂ પાડે છે.વધુમાં આ એપ ખેડૂત અને પાક નિષ્ણાતને જોડી સલાહ મેળવી ઇનપુટસના ખર્ચમાં ઘટાડો કરી પાક ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદરૂપ નીવડે છે.મોબાઇલ એપ ધ્વારા ખેતીમાં નવી તરાહ, સાધનો, તાંત્રિકતાઓ,પદ્ધતિઓ, રોગ-જીવાતની ઓળખ અને નિયંત્રણ વ્યવસ્થા,હવામાનની સાચી માહિતી, હવામાન પ્રતિકુળતા અંગેની આગોતરી માહિતી,વંટોળ સામે સાવચેતી,સ્થાનિક બજારમાં ઊંચા ભાવો અને વળતર,જીવન ધોરણ સુધારણા જેવી અનેવિધ માહિતી ખેડૂતો મેળવી શકે છે.ટુંકમાં મોબાઇલ એપ્સ ખેડૂત માટે ખેતરની ઉત્પાદકતા,ઉત્પાદનની અસરકારકતા અને ખેતીમાં નફાકારકતા માટે વધુ ઉપયોગી સાબિત થઇ છે અને થશે.
સ્ત્રોત : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, સપ્ટે.૨૦૨૧
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in