ભારત સરકારે સને ૨૦૧૬-૧૭ ના બજેટની નીતિમાં પાંચ વર્ષમાં એટલે કે સને ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષાંક નક્કી કરેલ. ખેતી ઉત્પાદન વધારવાના હેતુથી ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી જેવી કે જમીન સ્વાસ્થ્ય સૂચિ (સોઇલ હેલ્થ કાર્ડ), પીએમ ફસલ યોજના, નેશનલ મિશન ઓન માઇક્રો ઇરિગેશન,ખેડૂતોને લોન માફી, પીએમ સિંચાઇ યોજના વગેરે. વસ્તીના પ્રમાણમાં કૃષિ ઉત્પાદન વધે અને દેશ અન્ન તથા પોષણની દ્રષ્ટિએ સલામત બને તે માટે બદલાતા હવામાન, નવી જીવાતો અને રોગોનો ઉપદ્રવ વગેરે પ્રવર્તમાન પરિસ્થિતિને જોતાં તે તરફ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આથી આધુનિક કૃષિ ટેકનોલોજી જેવી કે સંકલિત ખેત પદ્ધતિ, જળસ્ત્રાવ અભિગમ, જીએમ પાકો, જમીન અને જળ સંચયનાં પગલાં, આઇસીટી, સૂક્ષ્મ પિયત વગેરે અપનાવી તેને માર્કેટ અને પાક વીમાનો ટેકો આપી આવનાર વર્ષોમાં ખેડૂતોની આવક બમણી કરી શકાય તેમ છે.
ભારતની અંદાજે ૫૦ ટકાથી વધુ વસ્તી ખેતી ઉપર જીવન ગુજારે છે. પાંચ વર્ષના ટુંકા ગાળામાં ખેડૂતોની આવક બમણી કરવી એ એક પડકારજનક બાબત છે. સને ૨૦૦૪-૦૫ થી સને ૨૦૧૧-૧૨ દરમ્યાન ખેડૂતોની આવકમાં ૬૪ ટકા વધારો થયાનો સાહિત્યમાં ઉલ્લેખ છે. ધી નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO) અને સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્લ ઓફિસ (CSO) ના જણાવ્યા મુજબ ખેડૂતોની આવકમાં સને ૨૦૦૨-૦૩ થી ૨૦૧૨-૧૩ દરમ્યાન ૩૪ ટકાનો વધારો થયેલ હતો.એનેએસએસઓના સિચ્યુએશનલ એસેસમેન્ટ ઓફ એગ્રિકલ્ચરલ હાઉસહોલ્ડજ અંગેના રિપોર્ટમાં જણાવ્યા મુજબ સને ૨૦૦૩ માં ખેડૂતની સરેરાશ માસિક આવક રૂ.૧૦૬૦ હતી જે સને ૨૦૧૩ માં વધીને રૂ.૩૮૪૪ થઇ હતી જેનો કમ્પાઉન્ડ વાર્ષિક આવક વૃદ્ધિ દર ૧૩.૭ ટકા હતો. આ માહિતી મુજબ સને ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે કમ્પાઉન્ડ વાર્ષિક આવક દર ૧૫ ટકા થવો જરૂરી છે જે ખેતીની પ્રક્રિયાઓમાં અને નીતિગત ફેરફારો ધ્વારા હાંસલ કરી શકાય તેમ છે.
શા માટે ખેડૂતોની આવક બમણી કરવી જરૂરી છે.?
ભારતના કૃષિ વિકાસની પહેલાંની વ્યૂહરચનામાં અન્ન ઉત્પાદનમાં વધારો કરવા ધ્યાન આપવામાં આવેલ જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
(૧) સારી ટેકનોલોજી અને જાતો વડે ઉત્પાદક્તામાં વધારો કરવો.
(૨) વળતર રૂપ ભાવો અને સહાય મળે તેવું પ્રોત્સાહન માળખુ ગોઠવવું.
(૩) ખેતી માટે જાહેર રોકાણ કરવું.
(૪) સંસ્થાઓને સવલતો પુરી પાડવી.
સને ૧૯૬૦ની મધ્યમાં અન્નની તીવ્ર ખેંચ ઊભી થઇ. સને ૧૯૬૫ થી ૨૦૧૫ દરમ્યાન છેલ્લા ૫૦ વર્ષમાં ભારતના અન્ન ઉત્પાદનમાં હરિયાળી ક્રાંતિ અપનાવવાને પરિણામે ૩.૭ ગણો વધારો થયો જેની સામે ભારતની વસ્તીમાં ૨.૫૫ ગણી થઇ. આમ વ્યકિત દીઠ અન્ન ઉત્પાદનમાં ૪૫ ટકા વધારો થયો જેથી ભારત દેશ અન્ન ક્ષેત્રે સલામત અને અન્નની નિકાસ કરતો દેશ બન્યો.આ વ્યૂહરચનામાં ખેડૂતની આવક વધે તેવા પ્રયાસો અને ખેડૂતના કલ્યાણ માટેના કોઇ સીધા પગલાં લેવામાં આવેલ ન હતા. કેટલાક ક્સ્સિાઓમાં ખેડૂતોની આવકમાં વધારો જોવા મળેલ જ્યારે ઘણા ક્સ્સિાઓમાં ખેડૂતોની આવક વધી ન હતી. જે ખેડૂતો ગરીબ હતા તેઓની આવક ઓછી હતી.આ જોતાં છ વર્ષની અંદર ખેડૂતોની આવક બમણી કરવા માટે નીચે જણાવેલ પાંચ વિભાગો હેઠળ ભલામણ કરેલ કુલ ૪૦ ઉપાયો હાથ ધરવા જરૂરી છે.
(ક) ઉત્પાદક્તામાં સુધારો કરી આવકમાં વધારો કરવો :
(૧) જીએમ પાકોનો ઉપયોગ કરવો :
પાક અને પશુુઓના ઉત્પાદન, પોષણ, તનાવ સામે રક્ષણ અને પાક સંરક્ષણમાં વધારો કરવા માટે બાયોટેકનોલોજી એ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. જીએમ એટલે જીનેટિકલી મોડિફાઇડ પાકો. જનીનિક ફેરફાર ધ્વારા આનુવંશિક રીતે બિયારણ તૈયાર કરવામાં આવે છે જેમ કે બીટી કપાસ જે જીંડવાની ઇયળો સામે પાકને રક્ષણ આપે છે.તેથી આપણા દેશમાં યોગ્ય સલામતીના પગલાં સાથે જીએમ પાકોનું વેપારી ધોરણે ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ.
(૨) ભારતનાં સૂકા પ્રદેશોની કૃૃષિ ઉત્પાદક્તામાં સુધારો કરવો :
હાલમાં ભારતના કુલ ખેતી પાક વિસ્તારના અંદાજે ૫૧ ટકા વિસ્તાર બિનપિયત એટલે કે સૂકી ખેતી હેઠળ આવેલો છે. ડાંગરના ઉત્પાદનમાં ૪૦ ટકા, કપાસમાં ૬૮ ટકા, તેલીબિયાંમાં ૭૩ ટકા, કઠોળમાં ૮૦ ટકા, પોષક ધાન્યોમાં ૮૩ ટકા, અનાજના વિસ્તારમાં ૪૮ ટકા,આધારીત વસ્તીમાં ૪૦ ટકા અને અન્ન ઉત્પાદનમાં ૪૪ ટકા ફાળો ધરાવે છે. તે ૬૭ ટકા પશુપાલનને ટેકો પુરો પાડે છે જેમાં ૭૫ ટકા બકરાં, ૬૪ ટકા ઘેટાં અને ૭૮ ટકા ગાય-ભેંસનો સમાવેશ થાય છે. આમ તે અન્નની સલામતી પુરી પાડે છે. વધુમાં ભારતના ખોરાકમાં તે મુખ્યત્વે પ્રોટીન અને ફેટ પૂરી પાડે છે. આ બિનપિયત એટલે કે સૂકો વિસ્તાર ૭.૫ થી ૧૦ માસ દરમ્યાન પાણીની ખેંચ સહન કરે છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને અન્ય સૂક્ષ્મતત્વોની મોટી ઉણપ જણાય છે, ધોવાણ વધુ થાય છે, સરેરાશ ૧૮૦ સે.થી વધુ તાપમાન અને અલ્ફીસોલ્સ તથા એરિડીસોલ્સ જમીનની પ્રભુતા વગેરે સમસ્યાઓથી પીડાય છે. આથી આ વિસ્તારમાં પિયતની સગવડતા ઊભી કરવા માટે નીતિ વિષયક વ્યૂહરચના ઘડવી જોઇએ. ખેડૂત સમાજનું જીવનધોરણ ઊંચે આવે અને પાકને જીવન બચાવ પિયત આપી ઉત્પાદન વધારી શકાય તે હેતુથી જળસ્ત્રાવ અભિગમની સાથે જળ એકત્રિકરણ કરવું જોઇએ તથા ચેક ડેમ અને ખેત તલાવડીઓ બનાવવી જોઇએ.
(૩) રાજ્યોે વચ્ચે ઉત્પાદનમાં રહેલ અંતરને ઘટાડવું :
રાજ્યો વચ્ચે પાકની ઉત્પાદક્તામાં મોટું અંતર રહેલ છે. રાષ્ટ્રીય કક્ષાએ લેવામાં આવતા અગ્ર હરોળ નિદર્શનોના પાક ઉત્પાદન અને ખેડૂતના ખેતરોમાં લેવાતા પાક ઉત્પાદન વચ્ચે વિવિધ પાકોમાં ૧૫ થી ૮૦ ટકાંનો તફાવત જોવા મળે છે. આ દર્શાવે છે કે પાક ઉત્પાદકતા વધારવા માટે સુધારેલી ટેકનોલોજી અપનાવવા તરફ વધુ ધ્યાન આપવાની જરૂર છે. દા.ત પંજાબ અને છત્તીસગઢ વચ્ચે ડાંગરના ઉત્પાદનમાં અંદાજે ત્રણ ગણોે તફાવત છે. ખેડૂતોને મદદરૂપ થવા માટે જે તે રાજ્યોએ ખેડૂતોની આંતર રાજ્ય એક્ષ્પોઝર મુલાકાતો ગોઠવવી જોઇએ.
(ખ) જળ અને ઇનપુટ માટેની નીતિઃ
(૧) ખાતર સહાય અને એનપીકેના તર્કસંગત ભાવો નક્કી કરવા
જમીનમાં એનપીકેનું પ્રમાણ જળવાય અને ખાતરોની અસરકારકતા વધે તેવી ટેકનોલોજી અપનાવવી જોઇએ તથા વાર્ષિકી૨૫ થી ૩૦ હજારની ખાતર સહાયમાં ઘટાડો કરવો જોઇએ. જે તે પાક માટે ખાસ પ્રકારના ખાતરો અને ફર્ટિગેશન અંગેની નીતિને પ્રોત્સાહન આપવું જોઇએ. ઉપરાંત જૈવિક ખાતરોના પ્રમાણનો અને નિયમનો નક્કી કરવા જોઇએ. આ માટે સોઇલ હેલ્થ મિશન રચવાની જરૂરિયાત છે.
(૨) પાકમાં થતા નુકસાનને અટકાવવું :
ભારતમાં દર વર્ષે પાકમાં અંદાજિત રૂપિયા ૯૦,૦૦૦ થી ૧,૫૦,૦૦૦ કરોડનું નુકસાન થાય છે. જંતુનાશકો પાક ઉત્પાદક્તા, ખર્ચમાં ઘટાડો અને ગુણવત્તામાં સુધારણા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે એટલુ જ નહિ પાકને જીવાતો અને રોગોથી બચાવે છે. ખેડૂતોને જંતુનાશકોના વપરાશથી થતા ખર્ચની સામે આવક વધુ મળે તેવા પ્રયાસો હાથ ધરવા જોઇએ.
(૩) ખેતીમાં યાંત્રિકરણનો ઉપયોગ :
ભારતમાં ટ્રેકટરનો ઉપયોગ વધારી ખેતીમાં યાંત્રિકરણ કરવું જોઇએ. નાના ખેતરો માટેની જરૂરિયાતોને ધ્યાને લઇ મીની ટ્રેકટર ધ્વારા સંચાલિત યાંત્રિક સાધનો અને ટુલ્સને પ્રોત્સાહન આપવું જોઇએ. આવી મશીનરી અને સાધનો રાહત દરે ભાડેથી આપી શકે તેવા કેન્દ્રો ઊભા કરવા જોેઇએ. નેશનલ સેન્ટર ફોર મેનેજમેન્ટ ઓફ એગ્રિકલ્ચરલ એક્ષટેન્શન (મેનેજ-MANAGE) સંસ્થા હૈદ્રાબાદ કે રાજ્ય સરકારો ધ્વારા એગ્રિ કિલનિક-એગ્રિ બિઝનેસ સેન્ટરો (AC-ABCs) શરૂ કરી મશીનરી ભાડે આપવી જોઇએ અને તેને સંબંધિત માર્ગદર્શન પૂરૂ પાડવું જોઇએ.

(૪) સંકલિત જળ વપરાશ નીતિની જરૂરિયાત :
ભારત દેશમાં જળ વપરાશ અંગેની હાલની સ્થિતિનો બારીકાઇથી અભ્યાસ અને ચકાસણી કરી એવી પદ્ધતિનો અમલ કરવો કે જેથી જળના ન્યાયપૂર્ણ અને સંકલિત ઉપયોગ અંગેની વ્યવસ્થા હાથ ધરી શકાય.
(૫) જળ વપરાશ બાબતે ખેડૂતોને તાલીમ :
ખેડૂતો ખેતરમાં રેલાવીને પાણી આપે છે તેનાથી જમીનની ઉત્પાદક્તાને ખરાબ અસર અને પાણીનો બગાડ થાય છે. તેથી જળ વપરાશ બાબતે ખેડૂતોને શિક્ષણ આપવાની જરૂરિયાત છે.આ માટે પાક આયોજનમાં જે તે પ્રદેશમાં ઉપલબ્ધ પાણીનો સ્ત્રોત અને પાકને પાણીની જરૂરિયાત કેટલી છે તે બાબત ધ્યાને રાખવી મહત્ત્વની છે.
(ગ) સંકલિત ખેતી પદ્ધતિનો ઉપયોગ :
(૧) સંકલિત ખેતી પદ્ધતિના અભિગમને પ્રોત્સાહન આપવું :
ખેતી પાકોની સાથે બાગાયત, ડેરી, મત્સ્યપાલન, મરઘાં ઉછેર વગેરે અપનાવવું જોઇએ જેથી નિયમિત આવક મળી રહે, નાના ખેડૂતો/જમીન ધારકોને રોજી મળી રહે, સ્ત્રોતોનો બહુધિય ઉપયોગ થાય, ખેતી ખર્ચ ઘટે અને હવામાન પરિવર્તન સામે રક્ષણ મળે.
(૨) નાના ખેડૂતો ધ્વારા પશુપાલન :
એક કુંટુંબ ત્રણ ગાયો કે ભેંસો રાખીને વાર્ષિક રૂપિયા ૫૦ થી ૬૦ હજારની આવક મેળવી આપણા દેશી ઓલાદોનું સંરક્ષણ કરી શકે છે. વધુ ઉત્પાદન આપતા પશુઓને યોગ્ય આહાર ખવડાવી છાણાંના જથ્થામાં ત્રણ થી ચાર ગણો વધારો કરી વધુ બાયોગેસ અને કૃષિ ઉત્પાદન મેળવવું જોઇએ.
(૩) ઘનિષ્ઠ રીતે શાકભાજી ઉત્પાદનને પ્રોત્સાહન આપવું.
ભારતીય એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન (બાયફ-BAIF) સંસ્થાએ આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર રાજ્યોમાં કરેલ અનુભવો મુજબ શાકભાજીની ખેતીમાં સુધારેલી જાતો, સેન્દ્રિય ખાતરો અને સૂક્ષ્મ પિયતનો ઉપયોગ કરવામાં આવે તો વાર્ષિક આવકમાં પાંચ ગણો (એકર દીઠ રૂપિયા ૪૦ હજારને બદલે રૂપિયા બે લાખ વધારો કરી શકાય છે.
(ઘ) સારા બજારભાવ મળવાની અનુભૂતિ :
(૧) એપીએમસી એકટમાં સુધારણા :
રાજ્યોના એપીએમસી એકટમાં સુધારા કરી તેનું યોગ્ય અમલીકરણ કરાવવું જોઇએ જેથી બજારમાં હરિફાઇને ઉત્તેજન મળે. નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ (NAM) માં ભાગીદાર બનવું જોઇએ.
(૨) નામ (NAM) ના લાયસન્સની પ્રક્રિયા સરળ બનાવી :
ભારત દેશમાં ખરીદકર્તાઓ કોઇપણ જગ્યાએથી માલ ખરીદી શકે તે માટેના ધોરણો જેવા કે કોઇપણ પ્રતિબંધ વગર પેદાશની હેરફેર, એકસમાન ટેક્ષ (જીએસટી), ગ્રેડના સ્ટાન્ડર્ડ, ઇલેકટ્રોનિક ટ્રેડ વગેરે સરળ બનાવવાં જોઇએ.
(૩) પાન–ઇન્ડિયા ટ્રેડસની મંજૂરી માટે એપીએમસી એકટમાં સુધારો કરવો :
સમગ્ર દેશમાં કોઇપણ સ્થળે વેરહાઉસિંગ રસીદો મુજબ ઇલેકટ્રોનિક ઓકશન (હરાજી) અને ટ્રેડિંગ (વેપાર) કરી શકાય તે માટેની મંજૂરી આપવા માટે એપીએમસી એકટમાં સુધારો કરવો જોઇએ.
(૪) કૃષિની માળખાગત સુવિધાઓ,સંગ્રહ વ્યવસ્થા અને માર્કેટ યાર્ડની ક્ષમતામાં વધારો કરવો :
ખેડૂતો સીધા ભાગીદાર બને અને ખાસ કરીને નામ (NAM) માં ઓનલાઇન જોડાય તે માટે વધારે બહુુવિધ માર્કેટ યાર્ડ, ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ અને ખેડૂત સેવા કેન્દ્રો (ફાર્મર્સ સર્વિસ સેન્ટર) ઊભા કરવા જોઇએ.
(૫) કાપણી બાદ પડતી ઘટ અટકાવવી :
અનાજ સંગ્રહ ક્ષમતામાં વધારો,વપરાશી ચીજવસ્તુઓ માટે કૂલ ચેઇન પદ્ધતિનો ઉપયોગ, કાપણી પછી પ્રોસેસિંગ, વાણિજય અને વેપાર વગેરે ધ્વારા કાપણી બાદ પડતી ઘટ અટકાવવી જોઇએ.
(ચ) ખાસ પગલાં/ઉપાયો :
(૧) જમીનને ભાડે આપવી અને માર્કેટ પરના પ્રતિબંધો વગેરે બાબતે કૃષિ સંબંધિત માળખાકીય સુધારા કરવાની જરૂર છે. બજારનું નિયમન ખાનગી ખેલાડીઓના હાથમાં હોય તો બજારના વિકાસ અને ખેડૂતને મળતા ભાવ ઉપર અસર થાય છે.
(૨) રાષ્ટ્ર કક્ષાએ પાક હરિફાઇનો અભ્યાસ થવો જોઇએ. રાજ્યના પાકો અને પશુપાલન અંગે રાષ્ટ્રીય અને વિશ્વ કક્ષાએ થતા ખર્ચ ગુણવત્તા અને ઉત્પાદક્તા સાથે સરખામણી કરવી જોઇએ અને તેને આધારે ટુંકા, મધ્યમ અને લાંબા ગાળાના લાભો મેળવવા માટેની વ્યૂહરચના ગોઠવવી જોઇએ.
(૩) કોનકરંટ યાદીમાં કૃષિનો સમાવેશ કરવો જોઇએ. કૃષિના ઉત્પાદન બાદ કરવામાં આવતી પ્રવૃત્તિઓ જેવી કે કાપણી પછીની પ્રક્રિયા, માર્કેટિંગ,પ્રોસેસિંગ, કૃષિ વેપાર વગેરેનો બંધારણની કોનાકરંટ યાદીમાં સમાવેશ કરવો જોઇએ જેવી કેન્દ્રિય ધોરણે સારૂ આયોજન થઇ શકે.
(૪) વર્તમાન સમયે ખેતી માટે આપવામાં આવતું ધિરાણ અને સહાયના વિતરણની સમિક્ષા કરવી જોઇએ. વિવિધ રૂપે આપવામાં આવતી સહાયના બધા નાણાકીય લાભો ઇ-ગર્વનન્સ મારફતે સીધા જ ખેડૂતોના ખાતામાં જમા કરાવવા જોઇએ.
(૫) રાષ્ટ્રીય કક્ષાએ એક જ પ્લેટફોર્મથી સંચાલિત થાય તેવા મહત્વાકાંક્ષી એગ્રિબિઝનેસ હબ મોડેલ સ્થાપવા જોઇએ.દેશની દરેક ગ્રામ પંચાયત દીઠ એક પ્રમાણે કુલ ૨.૪૦ લાખ બહુવિધ એગ્રિબિઝનેસ હબ ઊભા કરવા જોઇએ.
(૬) ખેતીમાં મોટા પાયે વૈજ્ઞાનિક રીતે સૂક્ષ્મ પિયત પદ્ધતિના ઉપયોગ બાબતે પ્રેત્સાહન આપવું જોઇએ. ખેડૂતોને સૂક્ષ્મ પિયત અસરકારક રીતે આપી શકે તેવા સક્ષમ બનાવવા જોેઇએ.
(૭) આઇસીટી આધારિત કૃષિ વિસ્તરણ ધ્વારા અકલ્પનીય તકો પુરી પાડી ખેડૂતોને સક્ષમ બનાવવા જોઇએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) ના ઉપયોગ ધ્વારા સારો પાક, ખાતરો અને જંતુનાશકોના ઉપયોગનું આયોજન અને રોગનું નિરીક્ષણ અને અટકાવ વગેરે બાબતે માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડવું જોઇએ.
(૮) કૃષિમાં વૈૈવિધ્યકરણ કરવું જરૂરી છે. ખેડૂત કોઇ ચોક્કસ પાક કે પેદાશમાંથી નફો મેળવે છે. તેના બદલે દા.ત ઘઉંની જગ્યાએ ખેડૂત મકાઇ, સોયાબીન, કઠોળ, તેલીબિયાં, ફળો અને શાકભાજી વગેરે પાકો લઇ વધુ નફો મેળવી શકે છે.
(૯) કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ મળતી તમામ સહાયનું સંકલન કરવું જોઇએ. ફક્ત ઇનપુટસનો ખર્ચ ઘટાડવાને બદલે ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય વિકાસ ધ્વારા કૃષિવેપાર, ફૂડ પ્રોસેસિંગ, જળ વ્યવસ્થા, જમીન આરોગ્ય,બીજ ઉત્પાદન અને પ્રોસેસિંગ, કસ્ટમનું ભાડુ, પાક સંરક્ષણ,ડેરી,મરઘાં પાલન,મત્સ્ય પાલન અને ઉદ્યોગો વગેરેનું સંકલન કરી ખેડૂતોને સક્ષમ બનાવવા જોઇએ જેથી કૃૃષિને ટકાઉ બનાવી ખેતીની નફાકારકતામાં વધારો કરી શકાય.
(૧૦) ભાતરમાં ઓર્ગેનિક ફૂડ પ્રોગ્રામની ક્ષમતામાં વૈશ્વિક બજારના ૧૦ ટકા જેટલો વધારો કરવો જોઇએ. ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારો,હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ વગેરે કુદરતી રીતે જ ઓર્ગેનિક ફૂડ પેદા કરતા વિસ્તારો હોઇ ઉત્પાદકોને ઓર્ગેનિક પ્રક્રિયા હેઠળ લાવવા જેથી પેદાશની ઊંચી બજાર કિંમત મેળવી શકાય.
(૧૧) નિકાસલક્ષી અને ઉદ્યોગોમાં ઉપયોગી થાય તેવા પાકો માટે સ્પેશ્યલ એગ્રિકલ્ચરલ ઝોન (SAZ) ની સ્થાપના કરવી જોઇએ.વૈશ્વિક ક્ષેત્રે ભારતની ખેતીપેદાશને ભૌૈગોલિક વિસ્તારોની દષ્ટિએ પ્રોત્સાહન આપવું જોઇએ જેમ કે ઓર્ગેનિક ઝોન તરીકે ઉત્તર પૂર્વ પ્રદેશ, મરીમસાલા માટે કેરાલા, ઇલાયચી માટે સિક્કીમ,કેરી માટે મલિહાબાદ અને રત્નાગિરિ, ઓરેન્જ માટે નાગપુર, સફરજન માટે કાશ્મીર, લીચી માટે બિહાર, ચા, માટે દાર્જિલિંગ, સોયાબીન માટે ઇન્દોર વગેરે. ચા માટે ટી બ્લેટ ઓફ આસામ અને કપાસ માટે કોટન બેલ્ટ ઓફ સાઉથ ઇન્ડિયા છે તે જ રીતે ચોખા માટે રાઇસ બેલ્ટ, ઘઉં માટે વ્હીટ બેલ્ટ કે મકાઇ માટે કોર્ન બેલ્ટ, કઠોળ માટે પલ્સ બેલ્ટ,ટામેટા માટે ટામેટા બેલ્ટ, હળદર માટે ટર્મેરિક બેલ્ટ, સંત્રા, લીંબુ લેમન વગેરે માટે ઓરેન્જ-લાઇમ-લેમન બેલ્ટ, ઓર્કિડ બેલ્ટ, કટફલાવર બેલ્ટ, જેક્રફ્રુટ બેલ્ટ, પીચ અને પ્લમ બેલ્ટ બનાવવા જોઇએ.
ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ :
આવનાર વર્ષોમાં અત્રે દર્શાવેલ કૃષિ ટેકનોલોજી ખેડૂતોની આવક બમણી કરવામાં મદદરૂપ થશે.
(૧) જમીન સ્વાસ્થ્ય સૂચિ (સોઇલ હેલ્થ કાર્ડ) :

ભારતની જમીનની ચકાસણી કરવા માટે સોઇલ હેલ્થ કાર્ડ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે જેના ધ્વારા જમીનની ચકાસણી કરી તેના અહેવાલને આધારે રાસાયણિક ખાતરો અને સૂક્ષ્મતત્વો જમીનમાં ઉમેરી જમીનની ઉત્પાદક્તામાં વધારો કરી શકાય છે. આ યોજનામાં બધા ખેડૂતોનો સમાવેશ કરવો જોઇએ. ખેડૂત ફક્ત એક જ કલાકની મુસાફરી કરી જમીન ચકાસણી પ્રયોગશાળામાં જઇ જરૂરી સાધનો વડે ગુણવત્તાયુક્ત ચકાસણી કરી શકે અને તે માટે યોગ્ય ધોરણોનો અમલ થવો જોઇએ. સોઇલ હેલ્થ કાર્ડને લાંબા ગાળાના ધિરાણ સાથે જોડવામાં આવે તો જમીન આરોગ્ય જાળવવા માટે જરૂરી પ્રોત્સાહન પૂરૂ પાડી શકાય.
(૨) વેરહાઉસિંગ માળખાનો ઉપયોગ :
ખેડૂતો વેરહાઉસનો ઉપયોગ કરે તે માટે તેઓને પ્રોેત્સાહન પૂરૂ પાડવું જોઇએ. આ માટે ત્વરિત કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા જોઇએ. કોલ્ડ સ્ટોરેજ ખેતપેદાશોનો બગાડ અટકાવી શકતા નથી તે માટે કોલ્ડ સ્ટોરેજ ટ્રકોની સવલત પણ જરૂરી છે કે જેથી ફળો,શાકભાજી તથા અન્ય પેદાશોની અડચણ વિના હેરફેર કરી શકાય.
(૩) ઇ–નામ (e-NAM) :

અન્ય રાજ્યોના પુરાવા મુજબ ઓનલાઇન માર્કેટના ઉપયોગને કારણે ખેડૂતોને તેની પેદાશોના સરેરાશ ૧૦ ટકા વધુ ભાવ મળ્યા છે એટલે ખેડૂતોએ આ માર્કેટનો વધુ ઉપયોગ કરવો જોઇએ.
(૪) કૃષિની વેલ્યૂ ચેઇનનું ડિજિટલાઇઝેશન :


ખેડૂતો જૂથ કે સમૂહ આધારિત અભિગમ અપનાવી ઇનપુટસ ખર્ચમાં ઘટાડો અને નફાના માર્જીનમાં વધારો કરી શકે છે. ખેડૂતો ડિજિટલ પ્લેટફોર્મ મારફતે જૂથમાં વેચાણ કરી સારી એવી રકમ બચાવી તેનો ઉપયોગ સાધનો ખરીદવા કે માળખાકીય સુવિધાના વિકાસ માટે કરી શકે છે. દા.ત ઇ-કિસાન (E-Kisan by SFAC) અને ઇ-રકમ (E-RAKAM) પોર્ટલ ધ્વારા ખેડૂત પોતાની પેદાશનું મોટા માર્કેટમાં વેચાણ કરી શકે છે.
(૫) એસઆરઇ ટેકનોલોજીનો ઉપયોગઃ

એસઆરઆઇ એટલે સીસ્ટમ ઓફ રાઇસ ઇન્ટેન્સિફિકેશન.સને ૨૦૧૬ દરમ્યાન ૫.૮૧ લાખ હેકટર જમીનમાં પાણીના અસરકારક ઉપયોગ માટે એસઆરઇ ટેકનોલોજીના પેકેજનો ઉપયોગ કરવામાં આવેલ જેને કારણે પાકને ફાયદો થતાં ઉત્પાદન વધુ મળે છે.
(૬) ખેતરોમાં યાંત્રિકરણ :
મોટા ભાગના સાધનો ખેડૂતો ખરીદતા નથી પરંતુ ભાડે લઇ વાપરે છે તેથી ખેડૂતો કિફાયત દરે આવા સાધનો ભાડે લઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ.ખેડૂતોને વાવણી અને કાપણી માટે મશીનરી ભાડેથી ઉપલબ્ધ કરાવવામાં આવે તો ખેતી ખર્ચમાં મોટો ઘટાડો કરી શકાય.
(૭) સૂક્ષ્મ પિયત :

વર્તમાન સમયમાં ૧૦ ટકાથી પણ ઓછો વિસ્તાર સૂક્ષ્મ પિયત હેઠળ આવરી લેવાયો છે. જો તેમાં વધારો કરવામાં આવે તો પાક પદ્ધતિમાં ફેરફાર થતાં પાક ઉત્પાદનમાં વધારો કરી વધુ આવક પ્રાપ્ત કરી શકાય.તાજેતરમાં પ્રધાન મંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ જળના સ્ત્રોત, વિતરણ અને વપરાશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે.
(૮) ઓર્ગેનિક ખેતી :
રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ જેવા ખર્ચાળ ઇનપુટસનો ઉપયોગ ઘટાડવા અને કૃષિને ટકાઉ બનાવવા માટે ઓર્ગેનિક ખેતી, ચોક્સાઇપૂર્વકની ખેતી (પ્રીસિઝન ફાર્મિંગ) વગેરેને પ્રોત્સાહન આપવું જોઇએ.
(૯) એગ્રોવોલ્ટેઇક સીસ્ટમ (AVS) :

આ એક જ સમયે એક જ જમીન ઉપર પાકની સાથે સોલર પેનલ લગાવી ખેતીનો વિસ્તાર કવર કરવાની સંયુક્ત પદ્ધતિ છે. સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (CAZRI), જોધપુર અને રીજીયોનલ રિસર્ચ સ્ટેશન (RRS),ભુજ ખાતે અનુક્રમે ૧૦૫ કિલોવોટ અને ૨૫ કિલોવોટની ક્ષમતા ધરાવતી સોલર પેનલ લગાવવામાં આવેલ છે.
(૧૦) વધુ ઉત્પાદન આપતી જાતો અને સંકર જાતોનો ઉપયોગ :
સફળ પાક ઉત્પાદન મેળવવા માટે વધુ ઉત્પાદન આપતી જાતો (HYV) અને સંકર (હાઇબ્રિડ) જાતોનો ઉપયોગ કરવો જોઇએ જેથી જે તે પાક મુજબ ૧૫ થી ૨૦ ટકા વધુ ઉત્પાદન મેળવી શકાય. જો અન્ય ઇનપુટસની અસરકારક રીતે વ્યવસ્થા કરવામાં આવે તો ૪૫ ટકા જેટલુ ઉત્પાદન વધારી શકાય છે.
(૧૧) માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી (ICT) :
આઇસીટી આધારિત કૃષિ વિસ્તરણના ઉપયોગ વડે ખેડૂતોને તકો પુરી પાડવી જોઇએ.ઇન્ફોર્મેશન અતુલ્ય ટેકનોલોજી (IT) વડે સારો પાક,રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો યોગ્ય ઉપયોગ તથા આયોજન, રોગ-જીવાતની ઓળખ અને અટકાવ, પાક અને પશુ માટે જરૂરી નાણાકીય વ્યવસ્થા, સારા ભાવ મળે તેવા માર્કેટ સાથેનું જોડાણ વગેરે બાબતો અંગે ખેડૂતોને માહિતી પુરી પાડવી જોઇએ.
(૧૨) ખર્ચ ઘટાડે તેવી ટેકનોલોજીનો ઉપયોગ :
શૂન્ય ખેડ(ઝીરો ટિલેજ), રોટાવેટર, બિયારણની વાવણીની રીત (હેપી સીડર રીત) વગેરે ધ્વારા સંરક્ષિત ખેતી અપનાવી ખેતી ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતોની આવક વધારવી જોઇએ.
(૧૩) સ્થળ સંબંધિત ખાસ ટેકનોલોજી :
રાજસ્થાન રાજ્યમાં ખરીફમાં જમીન પડતર રાખવાને બદલે ગુવાર જેવા ટુંકા ગાળાના પાક લેવા અથવા લીલોે પડવાશ કરવો જોેઇએ. રાજ્સ્થાન અને ઉત્તરપ્રદેશમાં રાઇની એક હાર સાથે ચણાની ચાર હાર અને રાઇની એક હાર સાથે મસુરની ૬ હાર લેવી જોઇએ.
(૧૪) ખાસ વિસ્તાર દીઠ કલાઇમેટ રેઝીલિયન્ટ ટેકનોલોજી :
હવામાનમાં થતો ફેરફાર કૃષિની ઉત્પાદકતા અને અન્ન સલામતી માટે એક જોખમી બાબત છે. તેથી પ્રતિકુળ હવામાનનો સામનો કરી પાક ઉત્પાદન વધારી શકે તેવી ટેકનોલોજી અપનાવવી જોઇએ જેવી કે દુષ્કાળ, ગરમી, જીવાત વગેરેનો સામનો કે સહન કરી શકે તેવી પ્રતિકારક જાતો, પાક વ્યવસ્થાની પદ્ધતિઓમાં સાધારણ ફેરફાર, જળ વ્યવસ્થા ટેકનોલોજીનો ઉપયોગ, સંરક્ષિત ખેતી ટેકનોલોજીનો ઉપયોગ, સારી જીવાત વ્યવસ્થા,હવામાનની આગોતરી જાણકારી વગેરે.
(૧૫) ચોમાસામાં જળ એકત્રિકરણ પદ્ધતિનો ઉપયોગ :
ચોમાસા દરમ્યાન ટેકરીઓવાળા વિસ્તારોમાં પડતા વરસાદના વહી જતા પાણીને એકત્ર કરી ગુરૂત્વાકર્ષણ ધ્વારા ઓછો ખર્ચ થાય તેવી પાઇપલાઇન નાખી નજીકના ગામમાં આવેલ તળાવમાં પાણીનો સંગ્રહ કરવો જોઇએ.
સ્ત્રોત : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, મે-2022
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in