ખેડૂતોનું આર્થિક ધોરણ ઊંચુ આવે તે માટે સરાકારે ખેડૂતોના હિતમાં ખેતપેદાશોના ઓછા ટેકાના ભાવ (મીનીમમ સપોર્ટ પ્રાઈસ) મળે, લોન માંડવાળ કરવી, લોન મેળા યોજવા, કિસાન ક્રેડિટ કાર્ડ વિતરણ અને માર્કેટ માટે ઈ-નામ (e-NAM) વગેરે પ્રયાસો કર્યા છે. હવે સરકાર ડાયરેકટ ઈન્કમ સપોર્ટ (DIS) દ્વારા સારા પરિણામો મળશે તેવી આશા રાખે છે.
ભારત દેશમાં કૃષિ એ એક મહત્ત્વનું ક્ષેત્ર છે જે અંદાજે પ૦ ટકા મજૂરોને રોજગારી પૂરી પાડે છે. ખેતીને એક ધંધા તરીકે ગણી ખેડૂતને તેની ખેતીપેદાશના ઓછા ખર્ચે કેમ વધુ ઉત્પાદન મળે અને વધુ કિંમત મળે તે અગત્યનું છે. આ માટે ખેડૂતો તેમજ ભૂમિહિન ખેતમજૂરોને વધુમાં વધુ રોજગારી મળે અને તેઓનો ઉત્પાદન વધારવામાં વધુને વધુ ઉપયોગ થાય તે જરૂરી છે. સરકારશ્રી દ્વારા કૃષિમાં આવક વધારવા માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવું અને ખેતપેદાશના પોષણક્ષમ ભાવ મળે તે ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપાયો થકી જ સારા પરિણામો મળશે તેવી સરકારની અપેક્ષા છે.
ભારતનો કૃષિ ક્ષેત્રે વિકાસ :
ભારતમાં કૃષિનો વિકાસ દર સને ૧૯૬૦-૬૧ થી ૧૯૬૮-૬૯ દરમિયાન ૧.૦૪ ટકા હતો જે સને ર૦૧૪-૧પ થી ર૦૧૭-૧૮ દરમ્યાન વધીને ર.પપ ટકા થયો છે. (જૂઓ કોઠો-૧) કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રનો વિકાસ દર સને ર૦૧ર-૧૩ દરમિયાન ૧.પ ટકા હતો જે સને ર૦૧૬-૧૭ દરમ્યાન વધીને ૪.૯ ટકા એ પહોંચ્યો છે.(જૂઓ કોઠો-ર) આમ કૃષિ ક્ષેત્રે વિકાસ દરમાં વધારો થતો જાય છે.
કોઠો–૧ : ભારતનો કૃષિ વિકાસ દર
સમયગાળો (વર્ષ) | વિકાસ દર (ટકા) |
૧૯૬૦-૬૧ થી ૧૯૬૮-૬૯ | ૧.૦૪ |
૧૯૬૮-૬૯ થી ૧૯૭પ-૭૬ | ર.ર૪ |
૧૯૭પ-૭૬ થી ૧૯૮૮-૮૯ | ર.૪૭ |
૧૯૮૮-૮૯ થી ૧૯૯પ-૯૬ | ર.૭૬ |
૧૯૯પ-૯૬ થી ર૦૦૪-૦પ | ર.ર૮ |
ર૦૦૪-૦પ થી ર૦૧૪-૧પ | ૩.૭ર |
ર૦૧૪-૧પ થી ર૦૧૭-૧૮ | ર.પપ |
કોઠો–ર : ભારતમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોનો વિકાસદર
વર્ષ | વિકાસ દર (ટકા) |
૨૦૧૨-૧૩ | ૧.૫ |
૨૦૧૩-૧૪ | ૫.૬ |
૨૦૧૪-૧૫ | -૦.૨ |
૨૦૧૫-૧૬ | ૦.૭ |
૨૦૧૬-૧૭ | ૪.૯ |
સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ (CSDS)) એ સને ર૦૧૮માં આપેલ એક અહેવાલ મુજબ ભારતના ૭૬ ટકા ખેડૂતો ખેતીને બદલે અન્ય વ્યવસાય અપનાવવાનું પસંદ કરે છે જેનું મુખ્ય કારણ ખેતીમાંથી મળતી અપુરતી આવક છે.
જો કે હરિયાળી ક્રાંતિને કારણે દેશમાં દુષ્કાળની જે પરિસ્થિતિ અગાઉ હતી તે દૂર કરી શકાઈ છે. પ્રતિ વર્ષ ખાદ્યાન્ન, બાગાયતી તેમજ અન્ય પેદાશોમાં વધારો થતો જાય છે. સને ર૦૧૪-૧પમાં ર૬૪૦ લાખ મે. ટન અનાજ, ૧૬૬ લાખ મે. ટન કઠોળ અને ર૬પ૦ લાખ મે. ટન ફળ-શાકભાજીનું ઉત્પાદન મળેલ જ્યારે સને ર૦૧૮-૧૯માં ર૯૧૦ લાખ મે. ટન અનાજ, ર૪૦ લાખ મે. ટન કઠોળ અને ૩૧પ૦ લાખ મે. ટન ફળ-શાકભાજીનું ઉત્પાદન મળેલ. આ આંકડા જોતાં ઉત્પાદનમાં સારો એવો વધારો થયો છે.
સરકારશ્રી મારફતે સૂક્ષ્મ પિયત હેઠળ ભાર મૂકવામાં આવતાં બિઝનેસલાઈન ર૦૧૯માં આપેલ માહિતી મુજબ સને ર૦૧૪-૧પમાં સૂક્ષ્મ પિયત હેઠળ ૭૬ લાખ હેકટર વિસ્તાર હતો જે સને ર૦૧૭-૧૮માં વધીને ૧૧૧ લાખ હેકટર થયો છે એટલે કે તેમાં ૪પ ટકાનો વધારો થયો છે.
કૃષિ ક્ષેત્રે ખાનગી રોકાણમાં ઘટાડો :
કૃષિ ક્ષેત્રમાં નફાકારકતામાં ઘટાડો થતો હોઈ આ ક્ષેત્રે ખાનગી રોકાણમાં પણ ઘટાડો થવા પામ્યો છે. સને ર૦૧૩-૧૪માં ગ્રોસ વેલ્યૂ એડેડ (CVA)નો રેશિયો ૧૭.૭ ટકા હતો જે સને ર૦૧૮-૧૯માં ઘટીને ૧૪.૪ ટકા એ પહોંચ્યો છે.
કોઠો–૩ : ગ્રોસ વેલ્યૂ એડેડમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો (ટકા)
વિગત | ર૦૧ર-૧૩ | ર૦૧૩-૧૪ | ર૦૧૪-૧પ | ર૦૧પ-૧૬* | ર૦૧૬-૧૭* | ર૦૧૭-૧૮* | ર૦૧૮-૧૯* |
કૃષિ, વન અને મત્સ્યઉછેર | ૧૭.૮ | ૧૭.૮ | ૧૬.૫ | ૧૫.૪ | ૧૫.૨ | ૧૪.૯ | ૧૪.૪ |
પાક | ૧૧.૫ | ૧૧.૪ | ૧૦.૩ | ૯.૨ | ૯.૦ | ૮.૭ | – |
પશુપાલન | ૪.૦ | ૪.૦ | ૪.૦ | ૪.૦ | ૪.૧ | ૪.૧ | – |
વન અને લોગીંગ | ૧.૫ | ૧.૫ | ૧.૪ | ૧.૩ | ૧.૨ | ૧.૨ | – |
મત્સ્ય ઉછેર અને એકવાકલ્ચર | ૦.૮ | ૦.૮ | ૦.૮ | ૦.૯ | ૦.૯ | ૦.૯ | – |
આમ થવાનું મુખ્ય કારણ કૃષિ ક્ષેત્રે ખાનગી રોકાણોમાં થયેલ ઘટાડો છે. સને ર૦૧૮-૧૯માં થયેલ એક આર્થિક સર્વેક્ષણ મુજબ સને ર૦૧૩-૧૪માં કૃષિ ક્ષેત્રે ખાનગી રોકાણ ૮૮.૧ ટકા હતું જે સને ર૦૧૬-૧૭માં ઘટીને ૮ર.૭ ટકાએ પહોંચ્યું છે. આમ થવાનું મુખ્ય કારણ પાકોના ગ્રોસ વેલ્યૂ એડેડ માં થયેલ ઘટાડો છે.
બિન અર્થક્ષમ જમીન ધારણ :
એક અંદાજ મુજબ ૮૩ ટકા ગ્રામ્ય લોકો ર.પ એકરથી પણ ઓછી જમીન ધરાવે છે જ્યારે ફક્ત ૧૦ ટકા લોકો પ એકર સુધીની, ર ટકાથી પણ ઓછા લોકો ૧૦ એકર સુધીની જ્યારે ફક્ત ૦.રપ ટકા લોકો ર૦ હેકટરથી વધુ જમીન ધરાવે છે. જમીન ધારકોનું વિભાગીકરણ કોઠા-૪માં દર્શાવેલ છે.
કોઠો-૪ : જમીનધારકોનું વિભાગીકરણ (૧૦૦૦ની સંખ્યામાં)
ક્રમ | જમીન ધારક વર્ગ | ૧૯૭૦-૭૧ | ૧૯૯૦-૯૧ | ર૦૧પ-૧૬ |
૧ | ૧ હેકટર સુધી જમીન ધારણ કરતા ખેડૂતો (માર્જીનલ) | ૩૬,૨૦૦ | ૬૩,૩૮૯ | ૯૯,૮૫૮ |
૨ | ૧ થી ર હેકટર જમીન ધારણ કરતા ખેડૂતો (સ્મોલ) | ૧૩,૪૩૨ | ૨૦,૦૯૨ | ૨૫,૭૭૭ |
૩ | ૩ થી ૪ હેકટર જમીન ધારણ કરતા ખેડૂતો (સ્મોલ મીડિયમ) | ૧૦,૬૮૧ | ૧૩,૯૨૩ | ૧૩,૭૭૬ |
૪ | ૪ થી૧૦ હેકટર જમીન ધારણ કરતા ખેડૂતો (મીડિયમ) | ૭,૯૩૨ | ૭,૫૮૦ | ૫,૪૮૫ |
૫ | ૧૦ હેકટર અને તેથી વધુ જમીન ધારણ કરતા ખેડૂતો (મોટા) | ૨,૭૬૬ | ૧,૬૫૪ | ૮૩૧ |
કુલ | ૭૧,૦૪૧ | ૧,૦૬,૬૩૭ | ૧,૪૫,૭૨૭ |
ભારતમાં સરેરાશ જમીન ધારણ ક્ષમતા સને ૧૯૭૦-૭૧માં ર.ર૮ હેકટર હતી જે સને ૧૯૯૦-૯૧માં ઘટીને ૧.૪૧ હેકટર સને ર૦૧પ-૧૬માં ૧.૦૮ હેકટર થયેલ છે. એગ્રિકલ્ચરલ સેન્સસમાં જણાવ્યા મુજબ દેશમાં ખેતી કરતા ખેડૂતોની સંખ્યા અને ર૦૧૦-૧૧માં ૧૩૮૦ લાખ હતી જે સને ર૦૧પ-૧૬માં વધીને ૧૪૬૦ લાખ એ પહોંચી છે. આ અભ્યાસ દર્શાવે છે કે ર હેકટરથી ઓછી જમીન ધારણ કરતા ખેડૂતોની સંખ્યા સને ૧૯૭૦-૭૧માં ૭૦ ટકા હતી જે વધીને સને ર૦૧૦-૧૧માં ૮પ ટકા એ પહોંચી છે. સને ર૦૧પ-૧૬ના એગ્રિકલ્ચરલ સેન્સસમાં જણાવ્યા મુજબ ભારતના ૮૬ ટકા નાના અને સીમાંત ખેડૂતો ૦.પ૧ હેકટર જમીન ધારણ કરે છે. ભારતના ખેડૂતોને સરેરાશ જમીન ધારણ ક્ષમતા કોઠા-પમાં દર્શાવેલ છે.
કોઠો-પ : ભારતના ખેડૂતોની સરેરાશ જમીન ધારણ ક્ષમતા (હેકટરમાં)
ક્રમ | ખેડૂતોનો વર્ગ (જમીન ધારણ) | ૧૯૭૦-૭૧ | ૧૯૯૦-૯૧ | ર૦૧પ-૧૬ |
૧ | સીમાંત ખેડૂતો (૧ હે. સુધી) | ૦.૪૦ | ૦.૩૦ | ૦.૩૮ |
૨ | નાના ખેડૂતો (૧ થી ર હે. સુધી) | ૧.૪૪ | ૧.૪૩ | ૧.૪૧ |
૩ | મધ્યમ નાના ખેડૂતો (ર થી ૪ હે. સુધી) |
૨.૮૧ | ૨.૭૩ | ૨.૭૦ |
૪ | મધ્યમ ખેડૂતો (૪ થી ૧૦ હે. સુધી) | ૬.૦૮ | ૫.૮૪ | ૫.૭૨ |
૫ | મોટા ખેડૂતો (૧૦ હે. થી વધુ) | ૧૮.૧૦ | ૧૭.૨૦ | ૧૭.૧૦ |
સરેરાશ | ૨.૨૮ | ૧.૪૧ | ૧.૦૮ |
જમીન સુધારણાના કાયદાઓના અમલ બાદ આજે પણ ગ્રામ્ય લોકો પાસે પોતાની જમીન નથી એટલે કે જમીનની માલિકી થોડા જ લોકો પાસે છે. જો કે ગામડાની ૭૦ ટકા વસ્તી ખેતી અને તેને સંલગ્ન વ્યવસાય ઉપર આધારિત છે. સને ર૦૧૧માં થયેલ સોસિયો ઈકોનોમિક અને કાસ્ટ સર્વેમાં જણાવ્યા મુજબ પ૪ ટકા ગ્રામ્ય લોકો પાસે પોતાની જમીન નથી. સને ર૦૧૧-૧રના એગ્રિકલ્ચરલ સેન્સસમાં જણાવ્યા મુજબ ભારતમાં પ ટકા ખેડૂતો ૩ર ટકા ખેતીની જમીન સંભાળે છે.
ખેતીમાં દેવું :
ધી એનએસએસઓ સિચ્યુએશન એસેસમેન્ટ સર્વે ઓફ એગ્રિકલ્ચરલ હાઉસહોલ્ડસ (ર૦૧૩)માં દર્શાવ્યા મુજબ દેશના પર ટકા ખેડૂતો દેવાદાર છે. કેટલાક રાજ્યોમાં આ પ્રમાણ ૮૦ ટકા થી ૯ર ટકા સુધી છે એક અનુમાન મુજબ વર્ષોવર્ષ દેવાના પ્રમાણમાં વધારો થતો જાય છે. સંસ્થાકીય સ્ત્રોતની માહિતી મુજબ નાના અને સીમાંત ખેડૂતોનું સરેરાશ દેવું રૂ.૧૭,પ૭૦ જ્યારે મધ્યમ અને મોટા ખેડૂતોનું સરેરાશ દેવું રૂ.૧,૪૧,૮૦૪ જોવા મળેલ સને ર૦૧પ-૧૬ દરમ્યાન નાબાર્ડ એ કરેલ સર્વે મુજબ ખેડૂત કુટુંબનું સરેરાશ દેવું. રૂ.૧,૦૪,૬૦ર અને બિન ખેડૂત કુટુંબનું સરેરાશ દેવું રૂ.૭૬,૭૩૧ હતું. આ આંકડા ખેડૂતોની દેવાદાર સ્થિતિ દર્શાવે છે.
ખેડૂતોમાં આપઘાતનું પ્રમાણ :
ખેતીના ધંધામાં નિષ્ફળતાના અનેક કારણો છે જેને લીધે ખેડૂતોમાં આપઘાતના બનાવો જોવા મળે છે. સને ર૦૧૪માં ૧ર,૩૬૦ ખેડૂતોએ આપઘાત કરેલ. સને ર૦૧૪માં આ પ્રમાણ ઊંચુ (૧૮,ર૪૧) હતું. ધી ન્યુ ઈન્ડિયન એકસપ્રેસ (૧૯ મે ર૦૧૯)માં જણાવ્યા મુજબ સરકારી સર્વે મુજબ ૧૧૦ કુટુંબંના વડાઓએ આપઘાત કરેલ જે પૈકી ૯રને ધિરાણની જરૂર હતી, ૭૭ ને કૂવાઓ બનાવવા હતા અને ૬૮ને ખેતીમાં કુશળતાનો વિકાસ કરવો હતો. ખેડૂતોને આપઘાત તરફ દોરી જવાના કારણોમાં ખેડૂતોના કૌટુંબિક પ્રશ્નો, અસાલમતી, માંદગી, દારૂનું વ્યસન, ડ્રગનું સેવન, બેંકની જપ્તિ, દેવું તેમજ મિલ્કત સંબંધી ઝઘડા વગેરેનો સમાવેશ થાય છે.
અપૂરતુ સંસ્થાકીય ધિરાણ :
તાજેતરમાં કૃષિ ક્ષેત્રે સંસ્થાકીય ધિરાણનું પ્રમાણ નોંધપાત્ર તરીકે વધવા પામ્યું છે. દેશના આઠ રાજ્યોમાં ૭૦ ટકા સંસ્થાકીય ધિરાણ (રૂા. ૧ર લાખ કરોડ) પુરૂ પાડવામાં આવેલ જ્યારે ભારતના પૂર્વીય, મધ્ય અને દક્ષિણ રાજ્યોને બિન સંસ્થાકીય ધિરાણ ઉપર આધાર રાખવો પડયો હતો. આ પણ એક પ્રશ્ન છે. ભારતમાં નાના અને સીમાંત ખેડૂતો કુલ કૃષિ ધિરાણના ૪૦ ટકા ધિરાણ મેળવે છે. બેંકો મારફતે ખેડૂતોને વિવિધ કામગીરી માટે લોન આપવામાં આવે છે. નાના અને સીમાંત ખેડૂતોને ખાસ હેતુઓ માટે લોન આપવાનું શરૂ કરવામાં આવેલ છે.
ખેડૂતોની આવક વધારવા માટેના પ્રયાસો :
(૧) ડાયરેકટ ઈન્કમ સપોર્ટ (DIS) :
ખેડૂતોને મદદ કરવાનો સારામાં સારો રસ્તો તેમના ખાતામાં સીધી જ રોડક રકમ જમા કરાવવાનો છે. ખેડૂતોને આપવામાં આવતી સહાયની રકમ સીધી જ તેના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. વિશ્વ વેપાર સંગઠન (WTO) પણ ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ને પસંદ કરે છે નહિ કે ઈનપુટ તરીકે મદદ કે ઈનપુટ સબસિડી આપવાનું.
(ર) પીએમ–કિસાન (PM-Kisan) :

ધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત સને ર૦૧૯-ર૦ના બજેટમાં કરવામાં આવેલ જેનો મુખ્ય હેતુ ભારતના ૧ર કરોડ ખેડૂતો કે જેઓ ર હેકટરથી ઓછી ખેતીલાયક જમીન ધરાવે છે તેમના બેંક ખાતામાં વર્ષમાં ત્રણ હપ્તે હપ્તાદીઠ રૂ.ર૦૦૦/- મુજબ કુલ રૂ.૬૦૦૦/- જમા કરાવવા. આ યોજના એનડીએ-રના શાસનમાં દરેક ખેડૂત માટે લાગુ પાડવામાં આવી છે. આ યોજના ગરીબ ખેડૂતોને ઈનપુટના ખર્ચ પેટે અને વપરાશી જરૂરિયાતો પુરી પાડવામાં મદદરૂપ નીવડે છે. આ યોજનાથી ૧૪.પ કરોડ ખેડૂતોને સીધો ફયદો થયો છે. ભારત સરકારે સને ર૦૧૯-ર૦ના વર્ષમાં રૂ.૮૭,ર૧૭.પ કરોડનું ફંડ આ યોજનામાં ફાળવેલ છે.
(૩) પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PMKMY) :

આ યોજના તા. ૧૦/૦૮/ર૦૧૯ એ શરૂ કરવામાં આવી છે જે ર હેકટરથી ઓછી જમીન ધારણ કરતા ૧૮ થી ૪૦ વર્ષની વયના ખેડૂતો માટે છે. આ યોજનામાં જોડાવા માટે ખેડૂતે દર મહિને રૂ.પપ થી ર૦૦ જેટલું પ્રીમિયમ ભરવાનું રહેશે અને ૬૦ વર્ષની ઉંમર બાદ ખેડૂતને દર મહિને રૂ.૩૦૦૦/-નું પેન્શન મળશે. સને ર૦૧૯ના સપ્ટેમ્બર માસ સુધીમાં આ યોજનામાં ૧૬ લાખ ખેડૂતો નોંધાયા છે.
(૪) તેલંગણા રીથુ બંધુ યોજના (Telengana Rythy Bandhy Scheme) :

આ યોજના તેલંગણા સરકારે સને ર૦૧૭માં શરૂ કરી હતી. આ યોજનામાં વર્ષ ર૦૧૮ માં પાકની સીઝન મુજબ એક સીઝનના એકરદીઠ રૂ.૪૦૦૦/- અને બે સીઝનના રૂ.૮૦૦૦/- ખડૂતને સીધા બેંકના ખાતામાં ડીબીટીથી જમા કરાવેલ છે. સરકારે આ યોજના હેઠળ કુલ રૂ.પ,૧૦,૦૦૦ કરોડ નો ખર્ચ કરેલ છે.
(પ) કૃષિ એસિસ્ટન્ટ ફોર લાઈવલીહૂડ એન્ડ ઈન્કમ એગ્મેન્ટેશન (KALIA) યોજના :

આ યોજના ઓરિસ્સા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે જે અન્ય યોજનાની સરખામણીએ ગામડાના મોટા ભાગના કુટુંબોને આવરી લે છે. આ યોજના હેઠળ ખેડૂતને રાજ્ય સરકાર દ્વારા પાંચ સીઝન દરમ્યાન રૂ.રપ૦૦૦/-ની રકમ આપવામાં આવે છે. આ યોજના ૩૦.૧૮ લાખ એટલે કે રાજ્યના ૯ર ટકા ખેડૂતોને આવરી લે છે.
(૬) વાયએસઆર રીથુ ભરોસા – પી એમ કિસાન યોજના :

આંધ્રપ્રદેશ રાજ્યમાં આ યોજના હેઠળ વાર્ષિક રૂ.૧૩,પ૦૦/-ની રકમ (કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનાની રૂ.૬૦૦૦ની મદદ સહિત) ખેડૂતને આપાવમાં આવે છે. આમ પાંચ વર્ષ દરમ્યાન ખેડૂતને કુલ
રૂ.૬૭,પ૦૦/-ની રકમ મળે છે. આ રકમનો પ્રથમ હપ્તો રૂ.૪૦૦૦/-નો રબી ઋતુ એટલે કે ઓકટોબરમાં, બીજો હપ્તો રૂ.૭પ૦૦/- નો ખરીફ ઋતુ પહેલા અને છેલ્લા હપ્તો રૂ.ર૦૦૦/- જાન્યુઆરીમાં આપવામાં આવે છે. આ યોજનાથી દરેક વર્ગના કુલ પ૪ લાખ ખેડૂતોને આર્થિક ફાયદો થયો છે.
ખેડૂતોની આવક વધારવા શું કરી શકાય ?
ખેડૂતોની આવક વધારવા માટે કુદરતી સ્ત્રોતોના વપરાશની અસરકારકતા સુધારવા ઊંચુ મૂલ્ય ધરાવતા પાકોની ખેતી કરી ઉત્પાદન વધારવું તેમજ પશુપાલન કરવું જરૂરી છે. ખેડૂતોએ સરકારી મદદ ઉપર ઓછો આધાર રાખવો જોઈએ. મહારાષ્ટ્ર રાજ્યના જાલના જીલ્લાના કડવાંચી (Kandwanchi) વિસ્તારના કે જે દુષ્કાળ પીડિત સૂકો વિસ્તાર છે ત્યાંના ખેડૂતો દેશના ખેડૂતોની સરેરાશ આવક કરતા ચાર ગણી આવક મેળવે છે. તેનું મુખ્ય કારણ તે વિસ્તારના ખેડૂતોએ પાણીના એક એક બુંદનો ઉપયોગ કરી દ્રાક્ષની ખેતી અપનાવી છે. આ પ્રદેશમાં જળ સંરક્ષણના વિવિધ ઉપાયો હાથ ધરી વરસાદના પાણીનું અસરકારક રીતે જળ વ્યવસ્થાપન કર્યું છે. તા. ૧-૬-ર૦૧૯ના બિઝનેસ લાઈન અંકમાં જણાવ્યા મુજબ કડવાંચીના ખેડૂતોની સરોરાશ વાર્ષિક આવક સને ૧૯૯૬માં રૂ.૪૦,૦૦૦/- હતી જે સને ર૦૧રમાં વધીને રૂ.૩,ર૧,૦૦૦/- થઈ છે.
સંકલિત કૃષિ પદ્ધતિ :
સને ર૦૧૭-૧૮ના ઈકોનોમી સર્વેમાં નોંધવામાં આવ્યું છે કે કૃષિ પાકોની પદ્ધતિમાં ફેરફાર કરી ખેડૂતોએ ખેત પેદાશના ભાવોમાં ફેરફાર અને પાક ઉત્પાદનમાં ખોટ વગેરે જેવા જોખમો સામે સારી રીતે રક્ષણ મેળવ્યું છે. વિશ્વના ૯.૬ ટકા ખેતીલાયક જમીન ધરાવતો ભારત દેશ જો પાક પદ્ધતિમાં ફેરફાર અપનાવે તો ખેતી આર્થિક રીતે નફાકારક બની શકે છે. આ હેતુથી આપણા ખેડૂતોએ સંકલિત કૃષિ પદ્ધતિ અપનાવવી જોઈએ. આ પદ્ધતિમાં કુદરતી સ્ત્રોતોનો પુનઃ વપરાશ, બગાડની વ્યવસ્થા (વેસ્ટ મેનેજમેન્ટ) વગેરે દ્વારા ખેતરની ઉત્પાદકતા વધારવી જોઈએ. આ માટે જમીનની જાળવણી, હવામાન સંરક્ષણ અને ઓર્ગેનિક (કુદરતી) ખાતરોના વપરાશ ઉપર ભાર મૂકવો પડશે. આ પદ્ધતિમાં પાક બાગાયત, પશુપાલન, ખેત જંગલ, રેશમ ઉછેર, એરીકલ્ચર, એકવાકલ્ચર વગેરેનો સમાવેશ થાય છે. વિવિધ હવામાન વિસ્તારો મુજબ ઉપરોક્ત પદ્ધતિઓનો ઉપયોગ કરી વિવિધ મોડેલ તૈયાર કરી અપનાવી શકાય છે.
સજીવ ખેતી (ઓર્ગેનિક ફાર્મિંગ) :
ભારત સરકારશ્રી દ્વારા સજીવ ખેતી ઉપર ભાર મૂકવામાં આવે છે. આ એક કુદરત તરફ પ્રયાણ (બેક ટુ નેચર) છે. સજીવ ખેતીમાં જમીનની ફળદ્રુપતા વધારવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે જે માટે કમ્પોસ્ટ ખાતર, સુએઝ ખાતર, છાણિયું ખાતર, વર્મિકમ્પોસ્ટ, પાકના અવશેષો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. વધુમાં પાકની ફેરબદલી ઉપર પણ ભાર મૂકવામાં આવે છે.
સજીવ ખેતી એ ટકાઉ કૃષિ વિકાસ તરફ દોરી જાય છે જેના દ્વારા જમીનની ફળદ્રુપતા અને પાણીની ગુણવત્તામાં સુધારો થાય છે, રાસાયણિક ખાતરો ઉપરનો આધાર ઘટે છે તેમજ હવામાન ફેરફારને લીધે થતી પ્રતિકૂળ અસરો સામે રક્ષણ મેળવી શકાય છે. વધુમાં કંઈક અંશે જૈવવૈવિધ્યતામાં પણ વધારો થવા પામે છે. તળાવના કાંપનો પણ સજીવ ખેતીમાં ઉપયોગ થાય છે. ભારત સરકારશ્રીના સોઈલ હેલ્થ કાર્ડ યોજનાના ઉપયોગથી અંદાજે ૪૦ ટકા જેટલા રાસાયણિક ખાતરોનો બચાવ થયો છે અને પાક ઉત્પાદનમાં પ ટકાનો વધારો થયો છે.
સારાંશ :
ઉપરોક્ત વિગતો જોતાં ખેડૂતોની આવક વધારવા માટે ખાસ અગ્રિમતા આપવાની જરૂર છે. પાક વિમાને પણ એટલું જ મહત્ત્વ આપવાની જરૂર છે કે જેથી ખેડૂતોને કુદરતી જોખમો સામે રક્ષણ મળે. વિશેષમાં હાલમાં બજારમાં વચેટીયાઓ એટલે કે દલાલોને કારણે ખેડૂતોને ખેતપેદાશના પૂરતા ભાવો મળતા નથી તે જોતા ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન્સ (FPO)ને પ્રોત્સાહન આપવાની જરૂર છે. ઈ-નામ (e-NAM) એ આ દિશામાં એક યોગ્ય પગલું છે. આપણા દેશમાં મોટા ભાગની ખેતી વરસાદ આધારિત છે જે કૃષિ ક્ષેત્રની જીડીપીના ૬૦ ટકા આવરી લે છે. આ હેતુથી ખેડૂતોને સરકારે આર્થિક મદદ કરવી જરૂરી છે પરંતુ તે મદદનો ઉપયોગ ખેતીની ઉત્પાદકતા વધારવામાં થવો જોઈએ, તો જ ખેડૂતોની આવક વધી શકે.
સ્ત્રોત: કિસાન વલ્ડૅ, જુલાઇ-૨૦૨૦/કૃષિગોવિદ્યા-ફેબ્રુઆરી-૨૦૨૧
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in