દેશમાં વિકાસની સાથે સાથે ખેતી ઉપર વસ્તીનું ભારત ઘટતું જાય છે. ગરીબ દેશોમાં સામાન્ય રીતે ૬૭ ટકા વસ્તી કૃષિ ક્ષેત્રે નિર્ભર છે જ્યારે સમૃદ્ધ દેશોમાં પ ટકાથી ઓછી વસ્તી કૃષિ પર નભે છે. ભારતની પ૮ ટકા વસ્તીના જીવનનો પ્રાથમિક આધાર ખેતીનો વ્યવસાય છે. કૃષિ ઉત્પાદનમાં થતો વધારો માર્કેટિંગ, વાહનવ્યવહાર, શીતાગાર, વેરહાઉસિંગ સેવા, ધિરાણ, વીમો અને લોજીસ્ટીક સેવાઓ વગેરેમાં રોજગારીની મુક્ત તકો પુરી પાડે છે. ભારતનું કૃષિ ક્ષેત્ર રોજગારીની વિશાળ તકો પેદા કરી શકે તેમ છે. ફળો, શાકભાજી, અનાજ, મશરૂમ, ઔષધિય અને સુગંધિત પાકો વગેરે ધ્વારા કૃષિ ક્ષેત્રોમાં ઊંચી રોજગારી પેદા કરી શકાય છે. તેની ટુંકમાં અત્રે વિગતો દર્શાવેલ છે.
(૧) સજીવ ખેતી માટે ગ્રીનહાઉસ :

સજીવ ખેતી પેદાશોની માંગમાં સતત વધારો થતો હોઈ તેની પહોંચી વળવા ગ્રીનહાઉસ ઊભા કરી તેમાં સજીવ ખેતી કરવાની વિશાળ ક્ષમતા અને તકો રહેલી છે. નાના પાયે ગ્રીનહાઉસમાં સજીવ ખેતીની પેદાશોનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવું જોઈએ.
(ર) મશરૂમની ખેતી :

ઓછા મૂડી રોકાણ દ્વારા થોડાક જ અઠવાડીયામાં મશરૂમ ઉછેર કરી વધુ નફાકારક એવો મશરૂમનો ઉદ્યોગ શરૂ કરી શકાય છે.
(૩) સૂર્યમુખીની ખેતી :

સૂર્યમુખીની વેપારી ધોરણે ખેતી કરવા માટે જમીન એ પ્રાથમિક જરૂરિયાત છે. સૂર્યમુખીના બીજમાંથી તેલ મેળવવા માટેના ઉદ્યોગની તકો રહેલી છે.
(૪) સોયાબીન પ્રોસેસિંગ :

મધ્યમ મૂડીરોકાણ કરી ઉદ્યોગસાહસિક સોયાબીનનું પ્રાસેસિંગ કરી દૂધ, સોયાલોટ, સોયા સોસ, સોયાબીનનું તેલ વગેરે પેદાશો ઉત્પન્ન કરી તેના વેચાણ દ્વારા વધુ નફો મેળવી શકે છે.
(પ) જેટ્રોફાની ખેતી :

બાયોડીઝલ મેળવવા માટે વેપારી ધારણે જેટ્રોફાની ખેતી કરવી એ કૃષિ ક્ષેત્રે એક નવો વિચાર છે. આધુનિક ખેતી અપનાવી ખેડૂતો જેટ્રોફાનું ઉત્પાદન કરી બાયોડીઝલ માટેનો કાચો માલ પેદા કરી શકે છે.
(૬) પરદેશી શાકભાજીની ખેતી :

નફાકારક વેપાર માટે પરદેશી શાકભાજીની ખેતી કરવી એ એક નવો વિચાર છે. ઉદ્યોગસહસિક નવીન પ્રકારના અને સારી ગુણવત્તા ધરાવતા પરદેશી શાકભાજી પોતાની જમીનમાં ઉગાડી શકે છે.
(૭) અૌષધિય છોડવાઓની ખેતી :

વેપારી ધોરણે ઔષધિય છોડવાઓની ખેતી કરવી એ એક નવો વિચાર છે. જમીન હોય અને ઔષધિય છોડવાઓના બજારની માહિતી હોય તો મધ્યમ મૂડીરોકાણ કરી ઉદ્યોગસાહસિક ઔષધિય છોડવાઓની ખેતી કરી તેનો વેપાર કરી શકે છે.
(૮) પ્રાથમિક પ્રોસેસિંગ :
પ્રાથમિક પ્રોસેસિંગ એ તાંત્રિક રીતે પ્રોસેસિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી. અત્રે પ્રાથમિક પ્રોસેસિંગ એટલે એવી પ્રોસેસિંગ પદ્ધતિઓ કે જેમાં ખાસ કોઈ મશીનરીનો ઉપયોગ વિના ઘરે જ કરવામાં આવે છે જેના દ્વારા આવક ઊભી કરી શકાય છે.
(૯) મરીમસાલા પ્રોસેસિંગ :

વિશ્વમાં મરીમસાલાની માંગ ઝડપથી વધતી જાય છે. નાના પાયે મૂડીરોકાણ કરી મરીમસાલા તૈયાર કરી વેચાણ કરી શકાય છે. સારી ગુણવત્તા ધરાવતા મરીમસાલાની સારી માંગ રહે છે.
(૧૦) ફલોર મિલિંગ :

ફલોર મિલિંગ એટલે લોટ દળવાનો ધંધો કે જ ઘણી વિવિધતા ધરાવે છે. ઉદ્યોગસાહસિક ચોક્કસ આયોજન દ્વારા વેપારની યોજના તૈયાર કરી શકે છે. પોતાની બ્રાન્ડ તૈયાર કરી વધુ નફાકારકતા મેળવવા માટેનો આ ઉદ્યોગ સ્થાપી શકે છે.
(૧૧) વર્મિકમ્પોસ્ટ – સજીવ ખાતરનું ઉત્પાદન :

ભારતમાં વર્તમાન સમયે બહુ જ ઓછા રોકાણથી ખેત ઉદ્યોગ તરીકે વર્મિકમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરવામાં આવે છે. ઉદ્યોગસાહસિક વ્યક્તિ તેની પદ્ધતિ વિષે જાણી વર્મિકમ્પોસ્ટ ખાતર તૈયાર કરી રોજગારી પેદા કરી શકે છે.
(૧ર) ખાતર વિતરણ ક્ષેત્ર :
ભારતમાં સરકારના નિયમન હેઠળ ખાતર વિતરણની કામગીરી કરવામાં આવે છે. મધ્યમ મૂડી રોકાણ કરી આ ક્ષેત્રે ખાતર વિતરણનો ધંધો શરૂ કરી શકાય છે.
(૧૩) ફળોના જ્યુસ–જામ–જેલીનું ઉત્પાદન :

ફળોના જયુસ, જામ અને જેલીનું ઉત્પાદન કરી વેચાણ કરવું એ એક બજારની વિશાળ તકો પુરી પાડતો અને રોજગારી પેદા કરતો ઉદ્યોગ છે. નાના પાયા પર આ ઉદ્યોગ શરૂ કરી શકાય છે અને તે માટેના ઉત્પાદનની પ્રક્રિયા પણ એટલી જટીલ નથી.
(૧૪) સૂકા ફૂલો :
વિશ્વમાં ખાસ પ્રકારના સૂકા ફૂલોનો ઉદ્યોગ એક નફાકારક ક્ષેત્ર છે. વિશાળ માંગને લઈ દરેક પ્રકારના ફૂલોનું ઉત્પાદન મેળવવા ફૂલોની ખેતી કરવી લાભદાયી છે. છેલ્લા દશ વર્ષમાં કટફલાવર્સના સૂકા ફૂલોની માંગમાં સતત વધારો થયો છે.
(૧પ) ફલોરીસ્ટ :
ફલોરીસ્ટ એ એક વધુ નફાકારક કૃષિ વેપાર છે. એકદમ ઓછી જગ્યામાં ફૂલ ઉગાડતા ખેડૂતોનો સંપર્ક સાધી ફૂલોનો વેપાર શરૂ કરી શકાય છે. ઉદ્યોગસાહસિક ઘરે માલ મોકલવાની સુવિધા ઊભી કરી ગ્રાહકોને ઓનલાઈન વેચાણ કરી શકે છે.
(૧૬) ફળ અને શાકભાજીની નિકાસ :
સ્થાનિક ખેડૂતો પાસેથી ફળો અને શાકભાજીની ખરીદી કરી ઉદ્યોગસાહસિક તેની નિકાસ કરી શકે છે. ઉદ્યોગસાહસિક પોતાના ઘરે જ ઈન્ટરનેટ જોડાણ થકી ફોન અને કોમ્પ્યુટરનો ઉપાયેગ કરી ફળ અને શાકભાજીની નિકાસનો વેપાર કરી શકે છે.
(૧૭) બાસ્કેટ અને સાવરણી ઉત્પાદન :
ગ્રામ્ય કૃષિ ક્ષેત્રે બાસ્કેટ અને સાવરણીનું ઉત્પાદન એ એક સામાન્ય બાબત છે. ઉદ્યોગસહસિક આ પ્રકારનો ઉદ્યોગ શરૂ કરી તેમાં સુશોભન તરીકેની નવીનતા પેદા કરી શકે છે. તે બનાવટોનું સ્થાનિક રીતે તેમજ ઓનલાઈન વેપાર કરી શકે છે. બાસ્કેટ બનાવવા માટેનો નફાકારક ઉદ્યોગ શરૂ કરવા માટે વ્યવસ્થિત આયોજન, ઊંચા પ્રકારની સર્જનાત્મકતા અને રચનાત્મકતાની જરૂર રહે છે.
(૧૮) ડેરી ફાર્મિંગ :
વેપારી ધોરણે ડેરી ફાર્મિંગ કરવું એ એક નવીન નફાકારક ઉદ્યોગ શરૂ કરવાની એક તક છે. દૂધ ઉત્પાદનની સાથોસાથ મોટા જથ્થામાં છાણિયું ખાતર પણ પેદા થાય છે. વેપારી ધોરણે દૂધ ઉત્પાદન મેળવવા માટે ડેરી ફાર્મિંગ શરૂ કરવું એ એક નફાકારક ઉદ્યોગ છે.
(૧૯) પશુઓના ખાણ–દાણનું ઉત્પાદન :
આ એક નાના પાયા પરનો ઉદ્યોગ છે. ખાણ-દાણનું નાના પાયે ઉત્પાદન કરી ઉદ્યોગસાહસિક તેનું વેચાણ અને વિતરણ કરી સારી આવક રળી શકે છે.
(ર૦) મરઘાં ઉછેર :
ભારતમાં છેલ્લા ત્રણ દસકાથી મરઘાં ઉછેર એક વેપાર વેપાર ધંધા તરીકે વિકસ્યો છે. કૃષિ ક્ષેત્રે મરઘાં ઉછેર એ ઝડપથી વૃદ્ધિ પામતો અને રોજગારી પુરી પાડતો એક ઉદ્યોગ બન્યો છે.
(ર૧) ભૂંડ ઉછેર :
જરૂર પુરતી જમીન હોય તો ઉદ્યોગસાહસિક ભૂંડ ઉછેરનો ઉદ્યોગ શરૂ કરી શકે છે. ભૂંડ એ માંસ ઉત્પાદન આપતું ખાસ પશુ છે. ભૂંડ ઉછેરમાં મકાન અને સાધનો માટે થોડા પ્રમાણમાં મૂડી રોકાણ કરવું પડે છે.
(રર) ઘેટાં ઉછેર :
ભારતમાં માંસ ઉત્પાદન માટે મુખ્યત્વે ઘેટાં ઉછેરવામાં આવે છે. તેનું માંસ વધુ પસંદ કરવામાં આવે છે અને તેની ઘરેલું વિશાળ માંગ પણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેની સારી માંગ હોઈ ઘનિષ્ઠ રીતે વેપારી ધોરણે ઘેટાંનું ઉત્પાદન કરવામાં આવે છે.
(ર૩) ગોકળગાયની ખેતી :
ખાસ કરીને માનવ વપરાશ માટે ખોરાક તરીકે ગોકળગાયની ખેતી કરી શકાય છે. ગોકળગાય ઊંચા પ્રમાણમાં પ્રોટીન, લોહ, ઓછી ચરબી અને મોટે ભાગે બધા જ પ્રકારના એમિનો એસિડ ધરાવે છે જે માનવ શરીર માટે ઉપયોગી છે.
(ર૪) મત્સ્ય ઉછેર :
મત્સ્ય ઉછેર દ્વારા બારે માસ મત્સ્ય વેચાણ કરી આવક મેળવી શકાય છે. ઉદ્યોગસાહસિક મધ્મય મૂડી રોકાણ કરી જગ્યા ભાડે લઈ આધુનિક પદ્ધતિઓ અપનાવી મત્સ્ય ઉછેર કરી આવક અને રોજગારી મેળવી શકે છે.
(રપ) મત્સ્ય નર્સરી (ફિશ હેચરી) :
મત્સ્ય ઉછેર માટેની માછલીઓ પેદા કરવા માટે કૃત્રિમ રીતે સંવર્ધન કરી ઈડા અને તેમાંથી નાની માછલીઓ મેળવવા માટે મત્સ્ય હેચરીનો ઉદ્યોગ અગત્યનો છે. હેચરી દ્વારા એકવાકલ્ચર ઉદ્યોગ માટે જરૂરી માછલીઓ પૂરી પાડવામાં આવે છે.
(ર૬) શ્રિમ્પ/પ્રોનની ખેતી :
માનવના ખોરાક વપરાશ માટે તાજા પાણીમાં શ્રિમ્પ/પ્રોનની ખેતી કરવી એ એક એકવાકલ્ચર વેપાર છે. વિશ્વમાં તેની માંગ વધવા પામી છે.
સારાંશ :
ઉપરોકત વિગતો જોતાં કૃષિ ક્ષેત્ર એ રોજગારી પેદા કરવા માટેનું એક મહત્ત્વનું ક્ષેત્ર છે કે જેના ઉપર ભારતના લાખો ખેડૂતો નિર્ભર છે. ભારત પાસે કૃષિ વેપાર માટેનો વિશાળ અવકાશ રહેલો છે અને તેના દ્વારા મોટા પ્રમાણમાં રોજગારી પેદા કરી શકાય તેમ છે. ઉપર જણાવેલ મોટા ભાગની પ્રવૃત્તિઓ દેશના પસંદગી કરેલ વિસ્તારોમાં શરૂ કરી શકાય. ત્યારબાદ જરૂરી માળખાકીય સવલતો, સંસ્થાઓ અને પ્રોત્સાહક યોજનાઓ દ્વારા તેમાં વધારો કરી શકાય છે.
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in