ગુંદાની નવી જાત – મરૂ સમૃદ્ધિ (Maru samruddhi – A new variety of lasora)

            ગુંદો એ મધ્યમ કદનું ઘટાદાર પાનખર વૃક્ષ છે. તેને અંગ્રેજીમાં Lasora કહે છે. તેવું વૈજ્ઞાનિક Cordia myxa L  નામ છે. તેનો વૃક્ષો ઉમર ભારતના સૂકા અને અર્ધસૂકા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. તે સૂકારાની પરિસ્થિતિ સામે ટકી રહેવાની વધુ ક્ષમતા ધરાવે છે. તે વિવિધ ઉપયોગીતા ધરાવે છે. તેના અપકવ ફળો શાક અને કેરી સાથે અથાણું બનાવવા માટે વપરાય છે જે તંદુરસ્તી માટે સારા અને પોષણદાયી છે. ઑફ સીઝનમાં ઉપયોગ માટે તેના ફળોની સૂકવણી કરવામાં આવે છે.

મરૂ સમૃદ્ધિ જાત :

                ગુંદાની આ નવી જાત સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, જોધપુર ખાતેથી બહાર પાડવામાં આવી છે. સને ૨૦૦૬ થી ર૦૧૫ દરમ્યાન પસંદગીની રીત વડે આ જાત વિકસાવવામાં આવી છે આ જાતના લક્ષણોમાં તે જૂસ્સાદાર, છોડની સરેરાશ ઊંચાઈ ૪.૮ મીટર, પૂર્વ-પશ્ચિમ ફેલાવો ૬.૮૫ મીટર અને ઉત્તર-દક્ષિણ ફેલાવો ૭.૧ મીટર, કોલરનો વ્યાસ ૨૪.૭ સે.મી., પાન પહોળા, પાન તળિયેથી ગોળાકાર, ફળનું સરેરાશ વજન ૧૦.૫ ગ્રામ, ઝૂમખાનું વજન ૬૧.૫ ગ્રામ, ઝૂમખા દીઠ ૧૪ ફળો, ૫લ્પ સ્ટોન રેશિયો – ૬.૫, ક્રુડ પ્રોટીન – ૧૧.૬ ટકા (સૂકા વજન પ્રમાણે), ક્રુડ ફાયબર – ૧૩.૪ ટકા (સૂકા વજન પ્રમાણે), ડ્રાય મેટર – ૧૫.૩૭ ટકા, ફળો ગોળાકાર અને રંગે લીલા હોય છે. બી થી  ઉછરેલ વૃક્ષોમાં પાંચમા વર્ષે અને કલમથી ઉછરેલ વૃક્ષોમાં ત્રીજા વર્ષે ફૂલો આવે છે. ફેબ્રુ-માર્ચમાં ફૂલો આવી એપ્રિલ-મે માં ફળો બેસે છે. છોડદીઠ પાંચ વર્ષનું સરેરાશ ફળોનું ઉત્પાદન ૮૪.૫ કિ.ગ્રા. નોંધાયેલ છે.

વર્ધન :

() બી વડે :

                મે-જૂનમાં મળતા ગુંદાના પક્વ ફળોમાંથી બી મેળવાય છે. એકદમ પાકેલ ફળો પીળાશ પડતા ક્રીમ રંગના થઈ પાકીને વૃક્ષ પરથી નીચે પડે છે. તેવા ફળોમાંથી બી એકઠું કરવામાં આવે છે. બીની ટકાઉશકિત ઓછી હોઈતરત જ એકત્ર કરેલ બી ને વાવવામાં આવે છે. ફળોમાંનો માવો દૂર કરી, બી ને કાઢી પાણીથી ધોઈ છાંયામાં સૂકવવામાં આવે છે. બી ને વાવણી પહેલાં ૪ ગ્રામ/ કિ.ગ્રા. પ્રમાણે બાવિસ્ટીન દવાનો પટ આપવામાં આવે છે. બી ને તરત જ ૨૫ સે.મી. X ૧૦ સે.મી. ના માપની પોલીથીન બેગમાં કમ્પોસ્ટ, માટી અને રેતી (૧:૧:૬ નું પ્રમાણ) ભરી  મે ના પ્રથમ અઠવાડીયામાં વાવવામાં આવે છે. બેગમાં બી ને ૧.૫ ઈંચ ઊભું વાવી ઉપર માટીથી ઢાંકી તરત જ પાણી આપવામાં આવે છે. વાવણી બાદ ૧૫ થી ૩૦ દિવસમાં પૂરેપુરા બી ઉગી જાય છે. વાવણી બાદ ૭૫ દિવસે રોપા ફેરરોપણી માટે તૈયાર થાય છે.

(૨) વાનસ્પતિક રીતે :

                ગુંદાનું વર્ધન સામાન્ય રીતે બી વડે કરવામાં આવે છે પરંતુ તે પરપરાગીત જાતનું વૃક્ષ હોઈ બી વડે ઉછેરતા તેના વૃક્ષોના લક્ષણોમાં વિવિધતા જોવા મળે છે. તેથી એક જાતના લક્ષણો ધરાવતા વૃક્ષો મેળવવા માટે વાનસ્પતિક રીતે વર્ધન કરવું ઈચ્છનીય છે. આ માટેની સહેલી રીત કલિકારોપણ છે. આ માટે વેપારી ધોરણે મોટા કે નાના ફળોના બી માંથી ઉછરેલા ૭૫ થી ૯૦ દિવસના છોડ મૂલકાંડ તરીકે વપરાય છે. પસંદ કરેલ સારી અને વધુ ઉત્પાદન આપતા જાતના માતૃછોડમાંથી મૂલકાંડના વ્યાસ જેટલા માપની આંખવાળી ડાળી ઉપરોપ તરીકે પસંદ કરવામાં આવે છે. મૂલકાંડ ઉપર જમીનથી ૧૫ થી ૨૦ સે.મી. ની ઊંચાઈએ બધી ફ્રુટ અને પાન દૂર કરી જુલાઈ-ઑગષ્ટ માસ દરમ્યાન પસંદ કરેલ ઉપરોપની કલિકા લઈ તેનું ઢાલાકાર કે અંગ્રેજી ‘ટી’ અકારની રીત વડે કલિકા ઉપરોપણ કરવામાં આવે છે. કલિકા ઉપરોપણ બાદ ૩૦ થી ૪૦ દિવસે ઑગષ્ટ-સપ્ટેમ્બર માસમા રોપા ફેરરોપણી લાયક તૈયાર થાય છે.

રોપણી :

                મરૂ સમૃદ્ધિ કે અન્ય જાતની રોપણી પાક અને પવન અવરોધક વાડ તરીકે ખેતરની હદ ઉપર કરી શકાય છે જે પાક માટે અનુકુળ વાતાવરણ પુરૂ પાડે છે. આખા ખેતરમાં વૃક્ષોનો ઉછેર કરવો હોય તો જમીનમાંથી જંગલી ઝાડી ઝાડવા દૂર કરી, ઊંડી ખેડ કરી, જમીન સમતળ કરી રોપણી માટે સામાન્ય રીતે બે છોડ વચ્ચે ૫ થી ૭ મીટરનું અંતર રાખવામાં આવે છે. રોપાની રોપણી ચોરસ કે લંબચોરસ પધ્ધતિ મુજબ કરવામાં આવે છે. રોપણીના એક માસ પહેલાં ૬૦ સે.મી. X ૬૦ સે.મી. X ૬૦ સે.મી. ના માપના ખાડા ખોદવા. દરેક ખાડા દીઠ ૨૦ કિ.ગ્રા. સારૂ કોહવાયેલ છાણિયુ ખાતર માટી સાથે મિક્ષ કરી ભરવું. પહેલા અઠવાડીયામાં આંખ ચઢાવેલ કલમોની રોપણી કરવી અને તરત જ પાણી આપવું. દર ૩ થી ૪ દિવસના અંતરે રોપ ચોંટી ન જાય ત્યા સુધી પાણી આપતા રહેવું. રોપણી માટેનો ઉત્તમ સમય જુલાઈ-ઑગષ્ટ છે પરંતુ પિયતની સગવડતા હોય તો ફેબ્રુઆરી-માર્ચ દરમ્યાન રોપણી કરી શકાય છે.

ખાતરો :

                પ્રથમ વર્ષે ખાડા દીઠ ૨૦ કિ.ગ્રા. છાણિયું ખાતર માટી સાથે મિક્ષ કરી રોપણી સમયે આપવું. ત્યારબાદ બીજા વર્ષથી છોડદીઠ ૧૦ કિ.ગ્રા. છાણિયું ખાતર જુલાઈ-ઑગષ્ટ માસ દરમ્યાન આપવું. પાંચ વર્ષ કે તેથી ઉપરની ઉમરના વૃક્ષને ૪૦ કિ.ગ્રા. છાણિયું ખાતર અથવા ૩૦ કિ.ગ્રા. કમ્પોસ્ટ ખાતર વૃક્ષ દીઠ સરખા હપ્તામાં જુલાઈ અને ફેબ્રુઆરી માસ દરમ્યાન ફળો આવતાં પહેલાં આપવું. રાસાયણિક ખાતરોના પ્રમાણ અંગેની કોઈ ભલામણ થયેલ નથી.

છાંટણી :

                કલિકાથી ઉછરેલ છોડમાં નીચેની ફુટ દૂર કરવી અને ચારે બાજુ ફેલાય તેમ ૩ થી ૪ ડાળીઓ રાખવી. મૂલકાંડના ભાગમાં જે ફુટ આવે તે કાઢતા રહેવું. સૂકાયેલી અને વધુ પડતી ગાઢ શાખાઓને ફેબ્રુઆરીના પહેલા અઠવાડીયામાં છટણી કરવી.

પિયત :

                પ્રથમ ત્રણ વર્ષ દરમ્યાન છોડના સ્થાયીકરણ માટે પિયત આપતા રહેવું. એક વાર છોડ સ્થાયી થયા બાદ ઘણા ઓછા પાણીની જરૂર પડે છે અથવા ચોમાસા અને શિયાળાની ઋતુ દરમ્યાન પિયત આપવાની જરૂર પડતી નથી. ઑકટોબર થી જાન્યુઆરી દરમ્યાન પિયત આપવું નહિ જેથી ડિસેમ્બર-જાન્યુઆરી માસ દરમ્યાન સહેલાઈથી પાંદડા ખરી પડે. પ્રથમ પિયત ફેબ્રુઆરીની શરૂઆતમાં આપવું ત્યારબાદ ૭ થી ૧૦ દિવસના ગાળે નિયમિત રીતે (અંદાજે ૪૦૦ લિટર/ છોડ / પિયત) મે ના પ્રથમ અઠવાડીયા સુધી હવામાનની પરિસ્થિતિ મુજબ પાણી આપતા રહેવું. છોડ ઉપર ફેબ્રુઆરીના મધ્યથી ફૂલો આવવાનું શરૂ થાય છે અને માર્ચમાં ફળો મળે છે.

પાંદડાં ખરી પડવાં :

                ગુંદાના પાકમાં વહેલાં અને  એક સાથે ફળો આવે તે માટે પાંદડાં ખરી પડવાં જરૂરી છે. આ કાર્ય જાન્યુઆરી માસમા કરવું. પાંદડાં હાથ વડે અથવા રસાયણનો છંટકાવ કરી ખેરવવા એક સાથે પાંદડાં ખેરવવા જાન્યુઆરીના પ્રથમ અઠવાડીયામાં ૧૦૦૦ પીપીએમના પ્રમાણ મુજબ ઈથરલનો છંટકાવ કરવો. ખરી પડેલ પાંદડાંનું જમીન ઉપર આવરણ થશે જે જમીનમાં ભેજનું સંરક્ષણ કરશે. સમય જતાં ખરી પડેલ પાંદડાં કહોવાઈને જમીનમાં ઉમેરાતાં જમીનને ફળદ્રુપ બનાવશે.

નીંદણ નિયંત્રણ :

                ચોમાસુ ઋતુ દરમ્યાન ઉગી નીકળતા નકામા ઘાસને દૂર કરી પાકને નીંદણમુક્ત રાખવા માટે બે હાર વચ્ચે કરબ મારી આંતરખેડ કરવી. છોડનાં ખામણાંને ગોડ મારી પાંદડાંના મલ્ચ ધ્વારા નીંદણ મુક્ત રાખવા.

રોગજીવાત :

                માર્ચ-એપ્રિલ દરમ્યાન કોઈવાર ગમોસીસ અને ડાળીઓ સૂકાઈ જતી જોવા મળે છે. ગુંદરના પ્રવાહને કારણે અંતિમ ડાળીઓ સૂકાય છે. ગમોસીસ માટેનું હજુ કોઈ કારણ જાણવા મળેલ નથી. ગમોસીસની હાનિકારક અસર નિવારવા સૂકાઈ ગયેલી અને ગુંદરવાળી ડાળીઓની છાંટણી કરવી અને બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવો.

                આ પાકમાં કોઈ ખાસ જીવાતનું ગંભીર નુકસાન જોવા મળતુ નથી પરંતુ વાદળવાળા દિવસોમાં કોઈકવાર કુમળા પાન અને ફળો ઉપર મોલો કે તડતડીયાનો ઉપદ્રવ જોવા મળે છે. તેના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ ૨૫ ટકા એસએલનો ૧ મિ.લિ. / લિટર પાણી દીઠ છંટકાવ કરવો.

કાપણી :

                પાકમાં ફૂલો આવવાની શરૂઆત ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડીયાથી થાય છે અને માર્ચ-એપ્રિલ માસમાં ફળો બેસે છે. ફળો ૩૦ થી ૪૦ દિવસ બાદ કાપણીલાયક બને છે. પાકવાની શરૂઆત થાય તે પહેલા લીલા રંગના ફળોની કાપણી કરવામાં આવે છે. જેમ જેમ ફળો તૈયાર થાય તેમ તેમ મે ના પહેલા અઠવાડીયા સુધીમાં ઉતારવામાં આવે છે. ફળો પાકવાની શરૂઆત મે ના પ્રથમ અઠવાડીયાથી થાય છે. ફળો પાકતાં પીળાશ પડતા ક્રીમ રંગના અને સ્વાદમાં ઘણા મીઠા બને છે. જો કે પકવ ફળોનું બજેર મૂલ્ય નથી પરંતુ નર્સરીમાં મૂલકાંડ ઉછેરવામાં માટે પાકેલા ફળોના બી ઉત્તમ છે. પાકા ફળો પણ નર્સરી ઉછેરનારોઓને ઊંચી કિંમતે વેચી શકાય છે.

વિશેષ માહિતી માટે : ડા. પી.આર.મેઘવાલ, સાયન્ટીસ, સેન્ટ્રલ એરિડ ઝોન  રિસર્ચ ઈન્સ્ટિટયૂટ, જોધપુર (રાજસ્થાન) ખાતે સંપર્ક સાધવો.


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *