ભારતીય સમાજમાં ફૂલોનો ઉપયોગ દરેક પ્રસંગમાં વણાયેલો છે.વૈશ્વિક કક્ષાએ ફૂલ ઉદ્યોગ એ ગતિશીલ અને ઝડપથી વિકાસ પામતો એક ઉદ્યોગ છે.ફૂલઉદ્યોગમાં કટફલાવર્સ (આધુનિક ફૂલો) અને પરંગપરાગત રીતે વપરાતાં ફૂલોનો સમાવેશ થાય છે.આધુનિક ફૂલોમાં ગુલાબ,કોર્નેશન અને ઓર્કિડ જ્યારે પરંગરાગત ફૂલોમાં મોગરો, સેવંતી, ચમેલી, લીલી અને હજારીગોટાનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક દશકાઓમાં ફૂલ ઉદ્યોગનો સારો એવો વિકાસ થયો છે.ભારત સરકારે પણ ફૂલ ઉદ્યોગને સો ટકા નિકાસલક્ષી ઉદ્યોગ ગણેલ છે.
ફૂલોની ખેતી ઘણા પ્રાચીન સમયથી ભારતમાં થાય છે જે નાના અને સીમાંત ખેડૂતોને સ્વરોજગારી પુરી પાડે છે.તાજેતરના વર્ષોમાં ફૂલ ઉદ્યોગ એક નફાકારક વ્યવસાય તરીકે વિકસ્યો છે.વિશ્વના વિકસિત અને વિકાસશીલ દેશોના નાગરિકોમાં ફૂલોના ઉપયોગ પ્રત્યે વધુ સભાનતા અને જાગૃતિ આવી જેને કારણે ફૂલોની પેદાશોની વૈશ્વિક માંગ વધવા પામી છે.ફૂલોની ખેતી એ બાગાયતી ખેતીનો એક ભાગ છે કે જે ધ્વારા ફૂલો અને સુશોભન છોડનો ઉછેર કરી તેનું વેચાણ સૌંદર્યલક્ષી હેતુથી કરવામાં આવે છે.ઘરેલું તથા વિદેશોમાં પણ તેનું બજાર એકધારી રીતે વૃદ્ધિ પામ્યું છે.ભારતે પણ ફૂલોના ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર ફાળો નોંધાયેલ છે.ફૂલોનું આર્થિક તેમજ વ્યાપારી રીતે પણ મહત્ત્વ છે.ગ્રીનહાઉસ,પોલીહાઉસ અને નેટહાઉસ વગેરેમાં સંરક્ષિત ખેતીમાં ફૂલોની ખેતી થવા માંડી છે.વિશ્વમાં ફૂલોની માંગ અને પૂરવઠા વચ્ચે રહેલી ખાઇને પુરવામાં ઝડપી ગતિએ ભારત ફાળો આપી શકે તેમ છે.
ભારતમાં ફૂલોનું ઉત્પાદન :
ભારતમાં ફૂલોની ખેતીનો વિસ્તાર અને ઉત્પાદન અંગેની વિગતો કોઠો-૧ માં દર્શાવેલ છે જે ફૂલોની ખેતીના વિસ્તારમાં સતત વધારો દર્શાવે છે જ્યારે છૂટાં ફૂલો કરતાં નિકાસમાં કિંમત વધુ મળતાં કટફલાવર્સના ઉત્પાદનમાં વિશેષ વધારો જોવા મળે છે.ભારતમાં વેપારી ધોરણે થતી કટફલાવર્સની ખેતીમાં ગુલાબ, હજારીગોટા, જર્બેરા, ક્રીસેન્થીમમ, ગ્લેડિયોલસ, એન્થુરીયમ, કાર્નેશન, ઓર્કિડ, લીલી, લિલિયમ અને અલ્સ્ટ્રોમેરિયાનો સમાવેશ થાય છે.
કોઠો-૧: ભારતમાં ફૂલોનો વાવેતર વિસ્તાર અને ઉત્પાદન
વર્ષ | વિસ્તાર (હેકટર) | છૂટાં ફૂલોનું ઉત્પાદન (૧૦,૦૦૦ લાખ ટન) | કટફલાવરનું ઉત્પાદન (૧૦,૦૦૦ લાખ ટન) |
૨૦૧૨-૧૩ | ૨,૩૩,૦૦૦ | ૧૭૨૯ | ૫૧૮ |
૨૦૧૩-૧૪ | ૨,૪૫,૦૦૦ | ૨૨૯૭ | ૫૪૩ |
૨૦૧૪-૧૫ | ૨,૪૯,૦૦૦ | ૧૬૫૯ | ૪૮૪ |
૨૦૧૫-૧૬ | ૨,૭૮,૦૦૦ | ૧૬૫૨ | ૫૨૮ |
૨૦૧૬-૧૭ | ૩,૨૮,૦૦૦ | ૧૬૯૫ | ૫૮૨ |
૨૦૧૭-૧૮ | ૩,૨૪,૦૦૦ | ૧૯૬૨ | ૮૨૩ |
સંદર્ભઃનેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ ડેટાબેઝ ૨૦૧૬ અને ૨૦૧૭-૧૮
ભારતમાંથી ફૂલોની નિકાસ :
ભારત દેશમાંથી અપેડાએ દર્શાવ્યા મુજબ અને સને ૨૦૧૪-૧૫ થી ૨૦૧૬-૧૭ તથા સને ૨૦૨૧-૨૨ માં થયેલ ફૂલોના નિકાસ અને તેના મૂલ્યની વિગત કોઠા-૨ અને ૩ માં દર્શાવેલ છે જે નિકાસ અને મૂલ્યમાં સતત વૃદ્ધિ દર્શાવે છે.કટફલાવર્સની આ નિકાસ આર્થિક ઉદારીકરણ અને વેપારી નીતિને આભારી છે. બિયારણની નવી નીતિ આંતરરાષ્ટ્રીય જાતોના મટીરિયલ્સને આયાત કરવામાં સહાયરૂપ બનેલ છે.નિકાસના હેતુથી પરંગપરાગત ફૂલોની ખેતી હવે કટફલાવર્સની ખેતી તરફ વળી છે.ગ્રીનહાઉસ જેવા નિયંત્રિત વાતાનુકુલિત પરિસ્થિતિવાળા સંપૂર્ણ નિકાસલક્ષી ફલોરીકલ્ચર એકમો સ્થાપવા માટે ભારતના ઉદ્યોગસાહસિકો પ્રવૃત્ત થયા છે.
કોઠો–૨: ભારતમાંથી ફૂલોની નિકાસ અને તેનું મૂલ્ય
વર્ષ | ફૂલોની નિકાસ(૧૦ લાખ ટન) | મૂલ્ય(કરોડ) |
૨૦૧૪-૧૫ | ૨૨,૯૪૭.૨૭ | ૪૬૦.૭૭ |
૨૦૧૫-૧૬ | ૨૨,૫૧૮.૫૮ | ૪૭૯.૪૨ |
૨૦૧૬-૧૭ | ૨૨,૦૮૬.૧૦ | ૫૪૮.૭૪ |
૨૦૨૧-૨૨ | ૨૩,૫૯૭.૧૭ | ૭૭૧.૪૧ |
સંદર્ભઃઅપેડા ૨૦૧૬ અને ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ,જાન્યુઆરી-૨૦૧૮
કોઠો-૩: વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ફલોરીકલ્ચર પ્રોડકટસની પ્રથમ ૧૦ દેશમાં થયેલ નિકાસ
ક્રમ | દેશનું નામ | જથ્થો (૧૦ લાખ ટન) | મૂલ્ય (લાખ રૂપિયામાં) |
૧ | યુએસએ | ૩૫૨૦.૦૫ | ૨૨,૨૩૧.૦૨ |
૨ | નેધરલેન્ડ | ૨૨૦૬.૩૭ | ૧૪,૭૧૦.૭૭ |
૩ | જર્મની | ૧૨૦૮.૬૩ | ૫,૦૭૧.૪૨ |
૪ | યુ.કે. | ૯૧૭.૬૯ | ૩,૯૬૨.૩૦ |
૫ | યુ.એ.ઇ. | ૩૦૭૪.૭૯ | ૩,૬૫૯.૬૫ |
૬ | કેનેડા | ૭૬૮.૬૯ | ૩,૩૫૬.૭૭ |
૭ | ઇટાલી | ૨૬૧.૧૮ | ૨,૧૩૬.૭૬ |
૮ | મલેશિયા | ૮૮૨.૧૩ | ૧,૮૩૨.૨૮ |
૯ | ફ્રાન્સ | ૩૦૨.૫૯ | ૧,૫૭૮.૩૯ |
૧૦ | સિંગાપોર | ૧૯૩૨.૩૦ | ૧,૫૫૮.૧૬ |
સ્ત્રોતઃ ડીજીસીઆઇએસ એન્યુઅલ એક્ષપોર્ટ (અપેડા) ૨૦૨૧-૨૨
કટફલાવર્સના ઉત્પાદન માટે નિકાસલક્ષી ફલોરીકલ્ચર એકમો સ્થાપવા માટે નિમેલ ભારત સરકારની નિષ્ણાત સમિતિએ બેંગ્લોર,પુના,નવી દિલ્હી અને હૈદ્રાબાદના સ્થળોને પસંદ કરેલ છે.બેંગલોર અને પુના વચ્ચેનો વિસ્તાર ૧૫૦ થી ૩૦૦ સે.ઉષ્ણતામાન ધરાવતો હોઇ આદર્શ વાતાવરણીય સ્થિતિ પુરી પાડે છે જે ફૂલોની ખેતી માટે લાભદાયી છે.
ભારત દેશમાંથી ગુલાબ,લીલી,કાર્નેશન અને ઓર્કિડ વગેરે કટફલાવર્સની નિકાસ કરવામાં આવે છે.ફૂલોની આયાત કરતા મુખ્ય દેશોમાં યુએસએ,નેધરલેન્ડ,જર્મની,યુ.કે.,કેનેડા અને જાપાન વગેરે દેશોનો સમાવેશ થાય છે.આમ કટફલાવર્સના નિકાસની વિશાળ તકો અને ક્ષમતા રહેલી છે.આ ઉપરાંત તેની સાથે સૂકા ફૂલોનો ઉદ્યોગ અને આવશ્યક તેલ ઉદ્યોગનો પણ વિકાસ કરી શકાય છે.
ભારત સૂકા ફૂલોની નિકાસમાં પાંચમુ સ્થાન અને સૂકા પર્ણસમૂહ(ફોલિએજ)માં દ્ધિતીય સ્થાન ધરાવે છે. સૂકા ફૂલોની નિકાસ મુખ્યત્વે યુએસએ,નેધરલેન્ડ,યુ.કે અને જર્મનીના બજારમાં થાય છે.
ભારતમાં ફૂલોનું બજાર :
ભારતમાં કટફલાવર્સનું બજાર અસંગઠીત છે.ભારતના શહેરોમાં મોટા ભાગે જથ્થાબંધ બજારમાં ફૂલોનું ખુલ્લામાં વેચાણ કરવામાં આવે છે ત્યાંથી ફૂલો છૂટક બજારમાં વેચાણ માટે મોકલવામાં આવે છે જ્યાં રસ્તાની બાજુએ કે ટોપલાઓમાં ફૂલો વેચવામાં આવે છે.ફક્ત મેટ્રો શહેરોમાં વાતાનુકુલિત પરિસ્થિતિવાળા શોરૂમમાં ફૂલોનું વેચાણ કરવામાં આવે છે.ભારત સરકાર ધ્વારા ફૂલોની હરાજીના પ્લેટફોર્મ પુરાં પાડવામાં આવે છે તેમજ ફૂલોની આવરદા વધારવા માટે સારી સંગ્રહ સવલતો ધરાવતી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.હાલમાં અવૈજ્ઞાનિક રીતે ખેતરોમાંથી ફૂલોને પેકિંગ કરી વાહનો ધ્વારા છૂટક બજારમાં પહોંચાડવામાં આવે છે.ફૂલોને તેની જાત મુજબ શણના કોથળાઓ,વાંસના ટોપલાઓ કે જૂના પેપરમાં વીંટાળીને રસ્તા કે રેલ્વે મારફતે બજારમાં મોકલવામાં આવે છે.ભારત સરકાર ધ્વારા પ્રીકૂલિંગ ચેમ્બર,શીતાગાર અને રીફર વાન જેવી સવલતો પુરી પાડવામાં આવે છે.રેફ્રીજરેટેડ કારગો વાન માટે પણ સહાય આપવામાં આવે છે.
સરકારી કાર્યક્રમો અને નીતિ :
કૃષિ અને સહકાર મંત્રાલય ફૂલઉદ્યોગના વિકાસ માટે ધ્યાન આપે છે તેમજ કૃષિનો ઝડપી વિકાસ સિદ્ધ કરવા માટે જમીન,પાણી અને સ્ત્રોતોનો આદર્શ ઉપયોગ કરવા માટેના કાર્યક્રમો અને નીતિઓ ઘડવા માટેનું કાર્ય કરે છે.નિકાસ માટે કટફલાવર્સના ઉત્પાદનને પણ તે ટેકો આપે છે.ભારતમાંથી ફૂલોના નિકાસને વેગ આપવા માટે ધી એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડઝ પ્રોડકટસ એક્ષપોર્ટ ડેવલપમેન્ટ એજન્સી(અપેડા-APEDA)સંસ્થા ધ્વારા કેટલીક યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેમાં માળખાકીય સવલતોનો વિકાસ,પેક્રેજિંગ,બજારનો વિકાસ,કટફલાવર્સ અને ટિશ્યૂકલ્ચર છોડના નિકાસ માટે વિમાની નૂરમાં સહાય,ડેટાબેઝનું અપગ્રેડેશન વગેરેનો સમાવેશ થાય છે.સો ટકા નિકાસલક્ષી એકમોને મૂડીરોકાણ માટે આયાત દરમાં મુક્તિ (ડયૂટી ફ્રી ઇમ્પોર્ટ)નો લાભ આપવામાં આવે છે.કટફલાવર્સ,ફૂલોના બિયારણ અને ટિશ્યૂકલ્ચર છોડ ઉપરના આયાતી દર ઘટાડવામાં આવે છે.આંતરરાષ્ટ્રીય વિમાની મથકો ઉપર નિકાસ માટેની પેદાશના સંગ્રહ માટે શીતાગારની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે.
શીતાગારના એકમો સ્થાપવા માટે ૫૦ ટકાની સહાય આપવામાં આવે છે.સુધારેલ પેકિંગ મટીરિયલ્સનો ઉપયોગ વધારવા માટે અપેડા ધ્વારા આયાતમાં સહાય આપવામાં આવે છે.ઉદ્યોગસાહસિકોને ફલોરીકલ્ચર ક્ષેત્રે આકર્ષવા માટે હાઇટેક એકમો સ્થાપવા માટે નાબાર્ડ ધ્વારા ઓછા વ્યાજ દરે નાણાકીય મદદ પુરી પાડવામાં આવે છે.
ભારત સરકાર ધ્વારા કલોરીકલ્ચરના વિકાસ માટે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ કોમર્સિયલ ફલોરીકલ્ચર નામની યોજના શરૂ કરવામાં આવી છે જેનો મુખ્ય હેતુ પરંપરાગત ફૂલો અને કટફલાવર્સના ઉત્પાદન અને ઉત્પાદક્તામાં સુધારણા કરવી જે માટે સારી ગુણવત્તા ધરાવતા પ્લાન્ટિંગ મટીરિયલ્સ મેળવવું ઓફ સીઝનમાં ઉત્પાદન લેવું,સંરક્ષિત ખેતી હેઠળ ગુણવત્તા યુક્ત ફૂલો મેળવવા,ખેડૂતોને ફલોરીકલ્ચરની વૈજ્ઞાનિક તાલીમ આપવી વગેરે પ્રવૃત્તિઓ હાથ ધરવાનો છે.
ફલોરીકલ્ચરનું સંશોધન કાર્ય ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (ICAR) અને કાઉન્સીલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ(CSIR),રાજ્યની કૃષિ યુનિવર્સિટીના બાગાયત/ફલોરીકલ્ચર વિભાગો અને ઓલ ઇન્ડિયા કો-ઓર્ડિનેટેડ ફલોરીકલ્ચર ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેકટ હેઠળના ૨૦ કેન્દ્રો ખાતે ચાલે છે.સંશોધન અંગેના મુખ્ય ક્ષેત્રોમાં પાક સુધારણા સુધારેલી સંવર્ધન પદ્ધતિઓ સહિત ખેતી પદ્ધતિઓનું પ્રમાણીકરણ,પાક સંરક્ષણ અને પાકની કાપણી પછીની વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે.તાજેતરના વર્ષોમાં સંરક્ષિત ખેતી અને મોટા જથ્થામાં છોડ મેળવવા માટે ટિશ્યૂકલ્ચર પદ્ધતિ તરફ મુખ્ય ધ્યાન ખેંચાયું છે.મોટી સંખ્યામાં કટફલાવરની આશાસ્પદ જાતો વિકસાવવામાં આવી છે.આ બધા જ પ્રયત્નો સરકાર ધ્વારા આ ક્ષેત્રમાં સુધારણા કરવા અને ઉદ્યોગસાહસિકતાના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરૂ પાડવાનો છે.
સારાંશઃ
ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ફલોરીકલ્ચર એક મહત્ત્વનો કૃષિ વેપાર છે કે જે રોજગારીની તકો અને ઉદ્યોગસાહસિકતા પુરી પાડે છે.નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ ફૂલ ઉદ્યોગના વેપાર માટે મદદ પુરી પાડે છે.અપેડા સંસ્થા શીતાગારની સવલત અને નૂરમાં ઉદ્યોગસાહસિકોને રાહત આપે છે.એકમ વિસ્તારોમાં મોટા ભાગના ખેતી પાકોને બદલે ફૂલપાકોની ખેતી ઊંચું વળતર આપી શકે છે.છેલ્લા દસકામાં કટફલાવર્સની નિકાસમાં વધારો થયો છે.શહેરી લોકો પણ પોતાના દૈનિક જીવન વ્યવહારમાં ફૂલોનો ઉપયોગ કરતા થયા છે.આમ ખેડૂતોને ફૂલોની ખેતી ધ્વારા વધુ આવક પેદા કરવા સક્ષમ બનાવે છે.નાના અને સીમાંત ખેડૂતો પણ પોતાની ટુંકી જમીનમાં ફૂલોની ખેતી કરી સારી આવક રળી શકે છે.ફલોરીકલ્ચર ઉદ્યોગમાં ફૂલોનું ઉત્પાદન,બજાર,નિકાસ અને સંશોધનનો સમાવેશ થાય છે જેમાં ફાર્મ મેનેજર,પ્લાન્ટેશન એક્ષપર્ટ, સુપરવાઇઝર, પ્રોજેકટ કો.ઓર્ડિનેટર જેવી નોકરીઓ પેદા કરી રોજગારી સર્જન કરે છે.યોગ્ય તાલીમ બાદ કન્સલટન્ટ અથવા લેન્ડસ્કેપ આર્કિટેકની સવિસ મળી શકે છે.આ ઉપરાંત સેવા ક્ષેત્રે ફલોરલ ડીઝાઇનર, લેન્ડસ્કેપ ડીઝાઇનર, લેન્ડસ્ક્રેપ આર્કીટેક અને હોર્ટિકલ્ચર થેરાપિસ્ટ જેવી સીર્વિસ મળી શકે છે.સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે પણ રોજગારી મળી રહે છે.
આમ ભારતમાં ફલોરીકલ્ચર ઉદ્યોગની ઉત્તમ તકો હોઇ તે ક્ષેત્રે સારૂ એવું રોકાણ કરી રોજગારીની તકોમાં વધારો કરી શકાય તેમ છે.
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in