પીળી તલવણીને ગુજરાતીમાં તનમની, કચ્છીમાં પીળો બિઘરો કે બઘાડો અને સંસ્કૃતમાં બસ્તગંઘા, ઉગ્રગન્ધા, કર્ણસ્ફોટા, તિલપર્ણી, બર્બરા કે આદિત્યભકતા, હિન્દીમાં હુરહુરીયા, હુલહુલ કે કનફટીયા, મરાઠીમાં કાનફટી કે કાનફોડી, પંજાબીમાં બોઘરા અને તામિલમાં નયવલી તરીકે ઓળખવામાં આવે છે. તેના બીજને અરબી ભાષામાં ‘બઝર-ઉલ-બંજ’ કહે છે.તે કરીરાદિ (કેપેરિડી) વર્ગનો છોડ છે. તેનું વૈજ્ઞાનિક નામ(Cleome viscosa Linn)છે. આ એક પ્રકારનું નીંદણ છે જે રસ્તાઓની બાજુએ, ચરિયાણ ઘાસમાં, ખેતર અને વાડીઓને શેઢે, ખંડેરો કે વગડાઓમાં ઉગે છે. તે ભારત, પાકિસ્તાન, ચીન, યુ.એસ.એ., નાઈજીરીયા તેમજ ઉષ્ણ કટિબંધમાં આવેલ દેશોમાં જોવા મળે છે.
છોડનું વર્ણન :
તે વર્ષાયુ છોડ છે જે ૧૫ થી ૯૦ સે.મી. અને કોઈવાર ૧૫૦ સે.મી. જેટલા ઊંચા થાય છે. તેના છોડવા પર સાદા કે ગોળ મથાળાવાળા ચીકણા વાળ આવેલા હોય છે. એ ચીકાશમાંથી અણગમતી વાસ નીકળે છે. એના છોડાવાના નીચલા ભાગમાં ઘણું કરીને પંચપર્ણી અને ઉપરના ભાગમાં ત્રિપર્ણી એટલે કે ત્રેખડાની પેઠે પાન નીકળેલા હોય છે. તેને પીળા રંગના ફૂલ આવે છે. ફળ એટલે કે શીંગો ઊભી, ૨ થી ૯ સે.મી. લાંબી અને તેનીં સપાટી ઉપર ઊભી હાંસો તથા ચીકણા વાળ પણ આવેલા હોય છે. શીંગમાં કાળા રંગનાં, કડવા સ્વાદવાળાં સૂક્ષ્મ ઘણાં બીજ આવેલા હોય છે.
વિવિધ ઉપયોગો :
છોડમાં કિલયોમેસ્કીન, ક્લિયોમેલ્ડેઈક એસિડ, ક્લિયોમિસ્કોસિન એ, બી અને સી જેવા મહત્ત્વના ફાયટોકેમિકલ્સ રહેલા છે.
(ક) ઔષધિ તરીકે :
- તેના આખા છોડનો ઉપયોગ પરંપરાગત રીતે દાદર, પેટનું ફૂલવું, અજીર્ણ, કફ,શ્વાસનળીનો સોજો,હૃદયની બિમારી,યકૃતના રોગો, સાંધાનો દુઃખાવો અને માનસિક વિકારોની સારવારમાં થાય છે.
- તેના સર્વાંગ ઉષ્ણ ,સ્વેદલ,દીપન,ઉદરરોગહર, વાતહર,કૃમિધ્ન છે.તે ગુલ્મ,શૂળ,આફરો,બરલ અને અન્ય ઉદરરોગને મટાડે છે.તે કફ અને સોજાને હરનારી છે.
- તેના બી ગરમ, તીખા,કૃમિધ્ન,વાતહર,ઉદરવાયુહર,ઉત્તેજક,ગ્રાહી વગેરે ગુણો ધરાવે છે.તે ઝાડો બંધ કરે છે.
- તેના બીજ યકૃતના રોગો અને કરમિયાનો નાશ કરવા માટે વપરાય છે.
- તેના બીને લીબુંના રસ સાથે વાટીને ચોપડવાથી દાદર, ખસ,ખરજવું મટે છે.
- કૃમિ ઉપર તલવણીના બીજની ફાકી સાકર સાથે અપાય છે.
- તાવ અને ઝાડા પર તેના બીજ કાકચની સાથે અપાય છે.
- અજીર્ણ અને પેટના વાયુ પર એના બીજ મીઠા સાથે ખવાય છે.
- તેના બીજની ચટણી બનાવાય છે જે પાચક અને વાયુહર્તા ગણાય છે.
- તલવણીના પાનનું શાક ખાવાથી બગડેલું લોહી સુધરે છે
- તેના પાન ધીમાં ઉકાળી તાજા જખમો ઉપર લગાડવામાં આવે છે.
- તેના પાંદડાનો રસ કે સૂકા પાન તેલમાં કાલવી, કર્ણશૂળ, કર્ણપાક કે બહેરાપણા માટે વપરાય છે.
- તેની પેસ્ટ ઘા કે ચાંદા ઉપર લગાડાય છે.
- તેના પાંદડાનો રસ તાવમાં અપાય છે.
- તેના પાંદડા અને કુમળી ડાળીઓ શાકભાજી તરીકે રાંધીને ખાવાથી વાથી ઝુલાઈ ગયેલ શરીર સારૂ બને છે.
- તેના મૂળ સ્કર્વી અને સંધિવાની સારવારમાં વપરાય છે.
- યુએસ માં તેના મૂળ જંતુઘ્ન તરીકે વપરાય છે.
(ખ) અન્ય ઉપયોગઃ –
- તેના પાનની ભાજી ગરીબ લોકો ખાય છે.
- તેના બીજ રાઈની જગ્યાએ શાક અને કઢીના વઘારમાં વપરાય છે.
- બીજને હીંગમાં વાટી ગરમ પાણીમાં નાખી વાળમાં પડેલ જૂ નો નાશ કરવા માટે વપરાય છે.
- તેના સૂકવેલા પાંદડાના ભૂકો ચોળાના સંગ્રહ દરમ્યાન તેમાં ઉમેરતાં ચાંચવાનો ઉપદ્રવ થતો નથી.
ખેતી પદ્ધતિ :
(૧) હવામાન :
તેને વિવિધ પ્રકારનું હવામાન અનુકુળ આવે છે. તે દરિયાની સપાટીથી ૨૪૦૦ મીટરની ઊંચાઈ સુધી થઈ શકે છે. તે ઊંચા અને નીચા એમ બંને પ્રકારના ઉષ્ણતામાનમાં થાય છે. છાંયાવાળી જગ્યા પર છોડ બરાબર ઉગી શકતો નથી એટલે કે તેને સૂર્યપ્રકાશની જરૂર પડે છે.
(૨) જમીન :
તે દરેક પ્રકારની રેતાળથી માંડીને માટીયાળ જમીનમાં, ૫.૫ થી ૭ પી.એચ. ની વચ્ચે થઈ શકે છે. તેની ખેતી માટે સારા નિતારવાળી, લોમ પ્રકારની, સેન્દ્રિય તત્વોથી ભરપુર અને પુરતા પ્રમાણમાં ખનીજતત્વો હોય તેવી જમીન વધુ અનુકુળ આવે છે.
(૩) જાતો :
ભારતમાં તેની કોઈ સુધારેલ જાતો ઉપલબ્ધ નથી. તેના સંશોધન કાર્યક્રમ અંગેના કોઈ રિપોર્ટ ઉપલબ્ધ નથી.
(૪) મિશ્રપાક તરીકે :
ઉત્તરાખંડ રાજ્યમાં એપ્રિલ થી મે દરમ્યાન મિશ્રપાક તરીકે તેની વાવણી થાય છે જેને ‘બાર અનાજ’ કહે છે જેમાં વિવિધ પ્રકારના ૧૨ પાકોના બિયારણની એક સાથે વાવણી કરવામાં આવે છે જેમાં બક વ્હીટ (કુટુ અનાજ) (Fagopyrum tataricum), રાગી (Eleusine coracana), રાજગરો (Amaranthus frumentaceous), સોયાબીન (Glycine hispida), ચોળા (Vigna catiang), કળથી (Dolichos biflorus), રાજમા (Phaseolus vulgaris), પીળી તલવણી, નવરંગી (Vigna umbellate),
જુવાર (Sorghum vulgare), તુવેર (Cajanus cajan) અને અડદ (Phaseolus mungo) નો સમાવેશ થાય છે.
જમીનની તૈયારી :
પીળી તલવણીનું બી નાનું હોઈ તેના સારા ઉગાવા માટે જમીનને ખેડી, સમાર મારી, વ્યવસ્થિત રીતે સમતલ કરવી. એક ઊંડી ખેડ અને એક-બે વખત આડી-ઊભી કરબડી કાઢવી. વાવણી સમયે જમીનમાં યોગ્ય ભેજ હોવો જરૂરી છે. ખેતર નીંદણથી મુક્ત હોવું જોઈએ.
વાવણી સમય :
પાકમાં બિયારણનું સારૂ ઉત્પાદન લેવા માટે વાવણી સમય અગત્યનો છે. ઉત્તરાખંડના તરાઈ વિસ્તારમાં પિયતની સવલત હોય તો એપ્રિલના પ્રથમ પાખવાડીયાથી લઈ જુલાઈના બીજા પખવાડીયા દરમ્યાન બીજનું સારૂ ઉત્પાદન લેવા માટે વાવણી કરવામાં આવે છે. ઉત્તરાખંડની ટેકરીઓવાળા વિસ્તારમાં એપ્રિલના મધ્ય થી મે માસના મધ્યમાં વાવણી કરવામાં આવે છે.
બીજનો દર અને વાવણી પધ્ધતિ :
બિયારણની વાવણી ૪પ સેમી. x ૧૫ સે.મી. અથવા ૬૦ સે.મી. x ૨૦ સે.મી.ના અંતરે કરવામાં આવે છે. આ માટે હેકટરે ૪ થી ૫ કિ.ગ્રા. બિયારણની જરૂર રહે છે. બીજ જમીનમાં ૧.૫ થી ૨ સે.મી. ની ઊંડાઈએ છીછરૂ વાવવામાં આવે છે. જો બી ઊંડુ વાવવામાં આવે તો ઉગાવા પર અસર થતાં છોડની સંખ્યા ન જળવાતાં બીજુ ઉત્પાદન ઓછું મળે છે. ૨૧ દિવસ બાદ બે છોડ વચ્ચે યોગ્ય અંતર જાળવી છોડ આછા કરવા.
બીજની માવજત :
એક કિલો બિયારણ દીઠ ૩ ગ્રામ બાવિસ્ટિન ફુગનાશક દવાનો પટ આપવો જેથી જમીનમાં રહેલ રોગોથી બીને નુકશાન ન થાય.
ખાતર વ્યવસ્થા :
જમીનની ચકાસણી કરાવીને જરૂર મુજબ સમતોલ પ્રમાણમાં ખાતરો જમીનમાં ઉમેરવા. સેન્દ્રિય અને રાસાયણિક બંને ખાતરોનો આ પાક સારો પ્રતિભાવ આપે છે. જમીનની તૈયારી સમયે ૧૫ થી ૨૦ ટન સારૂ કોહવાયેલુ છાણિયું ખાતર ઉમેરવું. વધુ ઉત્પાદન મેળવવા માટે હેકટરે ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૫૦ થી ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૪૦ કિ.ગ્રા પોટાશ ખાતરો આપી શકાય. ફોસ્ફરસ અને પોટાશનો પુરેપુરો જથ્થો અને નાઈટ્રોજનનો અડધો જથ્થો પાયાના ખાતર તરીકે આપવો અને બાકીનો નાઈટ્રોજનનો અડધો જથ્થો છોડ ઉપર ફૂલો આવે ત્યારે આપવો.
પિયત વ્યવસ્થા :
ઉતરાખંડમાં સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન ટેકરીઓ પર તેની ખેતી થાય છે. ફળો આવતાં પહેલાં અને બી બેસવાના તબક્કે જો ખેતરમાં પિયત આપવામાં આવે તો સારૂ અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે. પાકને વધુ પાણી ન આપવું, નહિ તો પાણીનો ભરાવો થવાથી છોડ ઢળી પડે છે.
નીંદણ નિયંત્રણ :
પીળી તલવણીની ખેતીમાં સામાન્ય રીતે મોટા ભાગે ચીઢો નામનું નીંદણ વધુ જોવા મળે છે. તે નીંદણનો પાક સામનો કરી શકતું નથી તેથી પ્રથમ ૬ અઠવાડીયા દરમિયાન ખેતર નીંદણથી મુક્ત રાખવું જોઈએ. નીંદણ દૂર કરવા કરબ મારવી અથવા નીંદણનો હાથથી ઉપાડીને નાશ કરવો.
કાપણી અને લણણી :
છોડની ઊંચાઈ ૧૫ સે.મી. જેટલી થાય એટલે આખા છોડને મૂળ સહિત ઉપાડીને કાપણી કરવી અથવા તો જમીન સરસા છોડ કાપવા અથવા છોડ પરથી પાંદડાંને ચૂંટવાં. જ્યારે પાકની શીંગો પીળાશથી કથ્થાઈ રંગની થાય તે સમયે કાપણી કરવી જોઈએ. શીંગોમાંથી બી ખરી પડે તે પહેલાં વહેલી સવારે તેની કાપણી કરવામાં આવે છે જેથી શીંગોમાંથી બી ખરી જતાં ઉત્પાદનમાં ઘટ પડે નહિ. લાકડી વડે જૂડીને બી છૂટાં પાડવાં. સાફ કરેલ બીમાં ભેજ ૮ ટકા થી ઓછો થાય ત્યાં સુધી એટલે કે ૫ થી ૭ દિવસ સૂર્યપ્રકાશમાં સૂકવવા.
ઉત્પાદન : પિયત પાક તરીકે સારો પાક હોય તો હેકટરે ૮ થી ૧૦ ક્વિન્ટલ બિયારણ મળે છે.
આમ ઉતરાખંડના સ્થાનિક લોકોમાં પરંપરાગત આરોગ્યના હેતુથી ખરીફ ઋતુમાં પીળી તલવણીની ખેતી કરવા ઉપર ભાર મૂકવો જરૂરી છે કે જેથી ઔષધિય ઉદ્યોગોનો વિકાસ થતાં તે વિસ્તારના લોકોની સામાજીક અને આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે.
સંદર્ભ : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, એપ્રિલ ૨૦૨૦ તથા વનસ્પતિ વર્ણન લે. જ.ઈ. ઠાકર
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in