ભારતનું અર્થકરણ કૃષિ આધારિત છે તેથી કોલ્ડ ચેઇનનો માળખાકીય વિકાસ કરવામાં આવે તો ખાદ્ય પેદાશોનો નાશ અને બગાડ અટકાવી શકાય, ખેડૂતોની આવકમાં વધારો થાય, સ્થાનિક ક્ષેત્રે લોકોને રોજગારી પુરી પાડી શકાય અને ખેડૂતોના જીવનધોરણમાં સુધારો કરી શકાય જેને પરિણામે દેશની આર્થિક વ્યવસ્થામાં સુધારો થવા પામે અને વિશ્વ કક્ષાએ ખાદ્ય ક્ષેત્રે આપણો દેશ અગ્ર ક્રમે આવી શકે. અત્રે ભારતની ફળો અને શાકભાજી ક્ષેત્રને માટે કોલ્ડ ચેઇનની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ ભાવિ પડકારો અંગેનો ઉલ્લેખ કરેલ છે. કોલ્ડ ચેઇનની માળાખાકીય સુવિધાઓમાં ગ્રેડિંગ, સોર્ટિંગ, પેકિંગ, સંગ્રહ, પ્રોસેસિંગ અને વાહનવ્યવહાર વગેરેનો પૂરવઠા હરોળના નેટવર્કમાં સમાવેશ થાય છે.
ફળ અને શાકભાજી એ ઝડપથી વૃદ્ધિ પામતું ક્ષેત્ર છે જે ભારતના કુલ બાગાયતી ઉત્પાદનના ૯૦ ટકા ઉત્પાદન આપે છે. વૈશ્વિકરણ, શહેરીકરણમાં વધારો, વિભક્ત કુટુંબપ્રથા, કામ કરતી મહિલાઓ,આવકનો વપરાશ, જીવનશૈલીમાં ફેરફાર અને સંગઠિત રીટેઇલરો વગેરે જેવી બાબતોેને કારણે ભારતમાં ફળ અને શાકભાજીની પૂરવઠા હરોળનું ભવિષ્ય ઉજળું છે. ફળ અને શાકભાજીની નાશવંત પ્રકૃતિ અને ઓછી આવરદા હોવાને કારણે આ ક્ષેત્રે પૂરવઠા હરોળ એક નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આવી ખેતપેદાશની આવરદા જાળવવા માટે કોલ્ડ ચેઇનનું માળખું એક અગત્યનો ભાગ ભજવી શકે છે. તાજેતરના વર્ષોમાં ફળો, શાકભાજી, માંસ અને પોલ્ટ્રી વગેરેની ઊંચુ પોષણમૂલ્ય ધરાવતી પેદાશોના ઉત્પાદનમાં ભારત દેશ એ નોંધપાત્ર પ્રગતિ કરી છે પરંતુ ડેરી ક્ષેત્ર માટે કોલ્ડ ચેઇનની માળખાકીય સવલતો વિકસાવવામાં આવેલ નથી. કૃષિની પેદાશોની માંગ અને પૂરવઠામાં મોટો તફાવત છે અને તેના ભાવોમાં પણ મોટી વધ-ઘટ થતી રહે છે.
વિશ્વ કક્ષાએ ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં ભારત એક મોટો ઉત્પાદક દેશ છે. કાપણી બાદ તેમાં થતા ૨૫ થી ૩૦ ટકા જેટલા ઘટાડાને કારણે વ્યક્તિદીઠ ફળ અને શાકભાજીની પ્રાપ્યતા ઓછી થાય છે. વધુમાં ગ્રાહકો સુધી પેદાશ પહોંચે તે દરમ્યાન તેની ગુણવત્તામાં પણ ઘટાડો થવા પામે છે. પાકની કાપણી બાદ તેની પેદાશનો તરત વપરાશ કરી શકાતો નથી જેથી પેદાશની નાશવંત પ્રકૃતિ હોઇ તેની ગુણવત્તા જાળવવા અને તેની આવરદા વધારવા માટે કોલ્ડ ચેઇન વ્યવસ્થા કરવી જરૂરી છે. કોલ્ડ સ્ટોરેજ અને સંબંધિત કોલ્ડ ચેઇનની સવલતોના અભાવને કારણે ખેડૂતોએ કાપણી બાદ પોતાનો માલ નીચા ભાવે વેચી દેવાની ફરજ પડે છે. કેટલીક વાર ખેડૂતોને માલ વેચતાં કાપણી તથા વાહતૂક માટે થયેલો ખર્ચ પણ પરત મળતો નથી. તેના પરિણામે સખત મહેનત કરવા છંતા ખેડૂતને પાક ઉત્પાદનમાં સ્થિરતા જોવા મળતી નથી તેમજ ખેડૂત એકને બદલે બીજા વર્ષે અન્ય પાક લે છે અને આમ ચક્ર ચાલ્યા જ કરે છે. ઊંચા મૂલ્ય ધરાવતા ફળ અને શાકભાજી પાકો ઉગાડવાનું જોખમ લેવા છતાં ખેડૂતને સારા ભાવો ન મળતાં તે ગરીબ બનતોે જાય છે. કોલ્ડ સ્ટોરેજની સવલત ધ્વારા ખેડૂતને તેના પાકનો નાશ થવાનું જોખમ દૂર થાય છે અને તે પોતાનો માલ સારા ભાવે વેચી સારૂ વળતર મેળવી શકે છે. ભારતમાં ફળ અને શાકભાજીની કાપણી બાદની નબળી વ્યવસ્થા અને માળખાકીય સવલતોની ખામી હોવાને કારણે પૂરવઠા હરોળમાં પ્રમાણમાં પેદાશનો નાશ થાય છે.
કોલ્ડ ચેઇન પદ્ધતિ :
કોલ્ડ ચેઇન એ લોજીસ્ટીક પ્રવૃત્તિની હરોળ છે જે કાપણી બાદ માલને વપરાશકાર સુધી પહોંચાડવા માટેના જોડાણની સેવા પુરી પાડે છે. કોલ્ડ ચેઇન લોજીસ્ટીક ક્ષેત્ર હેઠળ ખેતી પેદાશને સારી સ્થિતિમાં રાખી વપરાશકાર સુધી પહોંચાડે છે. કોલ્ડ ચેઇન પદ્ધતિ પેદાશની વેલ્યૂમાં વધારો કરતું નથી પરંતુ સલામત રાખીને તાજા દેખાવમાં પેદાશનું વહન કરે છે. કોલ્ડ ચેઇન પદ્ધતિમાં મુખ્યત્વે કૂલિંગ અને પેકેજિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી સારી રીતે યોગ્ય જથ્થામાં ખેતીપેદાશ પહોંચાડી શકાય. આમ કોલ્ડ ચેઇન ઉત્પાદકને પોતાનો માલ દૂરના સ્થળે અને બજારોમાં પહોંચાડવાની ક્ષમતા બક્ષે છે. કોલ્ડ ચેઇનનો ઉપયોગ તાજા ફળો અને શાકભાજી, માંસ, ડેરીની બનાવટો, દવાઓ અને રસાયણો વગેરે બહુવિધ પ્રોડક્ટસ માટે થાય છે. ખાસ કરીને કાપણી બાદ બાગાયતી પેદાશોને વૈજ્ઞાનિક રીતે પહોંચાડવા માટે તેનો ઉપયોગ થાય છે.
કોલ્ડ ચેઇન પ્રક્રિયામાં ખેતીપેદાશોને પેકહાઉસમાં એવી રીતે પેક કરવામાં આવે છે કે જેથી તેની ગુણવત્તા સલામત રાખી શકાય અને બજારમાં સહેલાઇથી વેચી શકાય. ખેતીપેદાશની આવરદામાં વધારો અને વાહનવ્યવહારમાં સરળતા થવાને કારણે કોલ્ડ ચેઇન મારફતે તેને એક કરતાં વધારે માર્કેટોમાં પહોંચાડી શકાય છે.
કોલ્ડ ચેઇન માળખાગત સુવિધાની પ્રવર્તમાન સ્થિતિ :
ભારતમાં અંદાજે ૯૦૦ લાખ ટન ફળો અને ૧૬૦૦ લાખ ટન શાકભાજીનું વાર્ષિક ઉત્પાદન થાય છે. વિવિધ ખેત હવામાન પરિસ્થિતિ અને સારી ખેત પદ્ધતિઓના ઉપયોગને કારણે દર વર્ષે ઉત્પાદન વધતું જાય છે. આ ઉત્પાદનમાં વધારો થવાનો વિશાળ અવકાશ છે પરંતુ આ વધારા મુજબ કોલ્ડ સ્ટોરેજ અને કોલ્ડ ચેઇન સવલતોની ક્ષમતાની ખામી છે. હાલમાં કોલ્ડ સ્ટોરેજની જે સવલતો ઉપલબ્ધ છે તેનો મોટે ભાગે બટાટા, ઓેરેન્જ, સફરજન, દ્રાક્ષ, અનાનસ, ફૂલો વગેરે જેવી એક જ પેદાશના ઉપયોગ માટે થાય છે એટલે કે કોલ્ડ સ્ટોરેજની ક્ષમાતાનો પુરેપુરો ઉપયોગ થતો નથી.
માળખાકીય સવલતોની જરૂરિયાત :
એનસીસીડી (NCCD)ના વર્ષ ૨૦૧૫ ના રિપોર્ટ મુજબ ભારત પાસે ૩૧૮.૨ લાખ ટન ધરાવતા કોલ્ડ સ્ટોરેજની સવલત ઉપલબ્ધ છે. હાલમાં ૩૨.૮ લાખ ટન કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા વધારવાની જરૂરિયાત છે. છેલ્લા સાત વર્ષમાં એટલે કે સને ૨૦૦૭ થી ૨૦૧૪ દરમ્યાન કોલ્ડ સ્ટોરેજની ક્ષમતામાં ૧૦૫.૮ લાખ ટન વધારો થયો છે. એમઓએફપીઅાઈ (MOFPI) હેઠળ કુલ ૧.૯ લાખ ટનની સ્ટોરેજ ક્ષમતામાં વધારો થયો છે. એમઆઇડીએચ (MIDH-NHM/HMNEH/NHB) હેઠળ કુલ ૧૦૩.૯ લાખ ટન સ્ટોરેજ ક્ષમતામાં વધારો થયો છે.ભારતમાં વિવિધ યોજનાઓ હેઠળ પ્રવર્તમાન કોલ્ડ ચેઇનની માળખાગત સવલતોની માહિતી કોઠા-૧ માં દર્શાવેલ છે.
કોઠો-૧ : ભારતમાં પ્રવર્તમાન કોલ્ડ ચેઇનની માળખાગત સવલતો
ક્રમ | માળખાગત સુવિધા | સંખ્યા | ક્ષમતા (દશ લાખ ટન) |
૧ | આધુનિક પેકહાઉસ | ૨૪૯ | – |
૨ | કોલ્ડ સ્ટોરેજ હબ | ૫૩૬૭ | ૫૦૦૩ |
૩ | કોલ્ડ સ્ટોરેજ બલ્ક | – | – |
૪ | રાઇપનિંગ ચેમ્બર | ૮૧૨ | – |
૫ | રીફર ટ્રાન્સપોર્ટ | ૯૦૦૦ | ૬ થી ૧૨ ટન |
૬ | લાસ્ટ માઇલ ટ્રાન્સપોર્ટ | – | ૮૪ ટન |
૭ | રીટેઇલ/ફ્રન્ટ એન્ડ | ૧૯.૬૮ લાખ આઉટલેટસ | – |
સ્ત્રોતઃ એમઓએફપીઆઇ (૨૦૧૨)
એનસીસીડી ધ્વારા સને ૨૦૧૫ માં કરવામાં આવેલ સર્વે મુજબ પેકહાઉસ અને વાહતૂક ક્ષમતા વચ્ચે મોટી ગેપ હોવાને કારણે કોલ્ડ ચેઇનનું સંકલન શક્ય બનેલ નથી. ખેતરોમાંની પેદાશ ગ્રાહક સુધી પહોંચે તેવી કોલ્ડ ચેઇન વ્યવસ્થા વિકસાવી ને પેકહાઉસ અને ગ્રામ્ય કક્ષા સુધી ટ્રાન્સપોર્ટ કેન્દ્રો સ્થાપી તેનું સંકલન કરવું જોઇએ.
ગ્રામ્ય સ્તરે પેકહાઉસની પાસે ફૂડ પ્રોસેસિંગ એકમો ઊભા કરવા જોઇએ કે જેથી ખેતપેદાશોને બગડતી અટકાવી અથાણાં, જામ વગેરે બનાવટો બનાવી શકાય.
કોલ્ડ ચેઇન પૂરવઠાની અડચણો :
ભારતમાં હાલ કોલ્ડ ચેઇન એ વિકસતું ક્ષેત્ર છે. બાગાયતી ક્ષેત્ર માટે અસરકારક કોલ્ડ ચેઇન માળખાની ખાસ જરૂરિયાત છે.ભારત દેશ વિશ્વમાં ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં બીજા ક્રમે હોઇ સંપૂર્ણ વિકસિત કોલ્ડ ચેઇન વ્યવસ્થાની ખાસ જરૂરિયાત છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં કોલ્ડ ચેઇન સવલતોના વિકાસનો સારો એવો અવકાશ રહેલ છે.
કોલ્ડ ચેઇનના પૂરવઠા માટેની મુખ્ય અડચણોમાં કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ સવલતોની ખામી,વીજળીનો અનિયમિત પૂરવઠો તથા વીજળીની ખામીને કારણે કોલ્ડ ચેઇન તાંત્રિકતા ચલાવવામાં મુશ્કેલી,ખેતરની નજીક કોલ્ડ સ્ટોરેજની સવલત ન હોવી,કોલ્ડ સ્ટોરેજની અપુરતી ક્ષમતા, વાહનવ્યવહારની નબળી માળખાકીય સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે. કોલ્ડ ચેઇન પૂરવઠામાં ઉપરોેક્ત અડચણોને કારણે આ ક્ષેત્ર બિનઅસરકારક બને છે અને ખેતપેદાશોની ગુણવત્તામાં ઘટાડો થતાં ખેડૂતોની આવક ઉપર અસર થવા પામે છે.
અંદાજે ૯૫ ટકા કોલ્ડ સ્ટોરેજનું સંચાલન ખાનગી ધોરણે થાય છે અને તેના ઊંચા દર હોવાને કારણે સરેરાશ ભારતીય ખેડૂત આવી કોલ્ડ સ્ટોરેજ સવલતનો લાભ લેવાની ક્ષમતા ધરાવતો નથી. કોલ્ડ ચેઇન ધરાવતી વ્યક્તિઓ પોતાનો જ લાભ જોતા હોઇ સરેરાશ નફા તરફ ધ્યાન આપવામાં આવતું નથી.તેના કારણે કાપણી પછી પેદાશનો બગાડ થાય છે. ભારતના ઉત્તર અને પૂર્વના વિસ્તારો પહાડી પ્રદેશ ધરાવે છે જે ફળો અને શાકભાજીનું વધુ ઉત્પાદન આપે છે. આ વિસ્તારોમાં કોલ્ડ ચેઇન માટેની સુવિધા માટે રસ્તાઓના જોડાણની વ્યવસ્થા નબળી છે. પરિણામે તાજાં ફળ અને શાકભાજીને બજાર સુધી પહોંચાડવામાં વધુ સમય લાગે છે જેને પરિણામે બાગાયતી પેદાશોની ગુણવત્તા, આવરદા અને તાજગીમાં ઘટાડો થાય છે અને કેટલીક વાર બગાડ પણ થાય છે. યોગ્ય કોલ્ડ ચેઇન વ્યવસ્થાની ખામીને કારણે પણ તાજાં ફળો અને શાકભાજી બગડી જાય છે. આથી સરકાર અને એજન્સીઓ કે લાગતાવળગતા સર્વેએ કોલ્ડ ચેઇન વ્યવસ્થામાં સુધારો કરી ફળો અને શાકભાજીમાં મોટા પાયે થતો નાશ અને નાણાંનો વ્યય અટકાવવો જોઇએ.
અડચણોના નિવારણ માટેની ભલામણો :
(૧) તાજી પેદાશની સ્થાનિક પ્રાપ્યતા અને માંગ તથા આવરદાની ખાસિયત મુજબ સંકલન કરી વપરાશી કેન્દ્રોની સંગ્રહ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરી માલનો બફર સ્ટોક કરવો. જો પેદાશ વધારે થઇ હોય કે હેરફેર દરમ્યાન બગાડ થયેલ હોય તો તેને ફૂડ પ્રોસેસિંગ એકમો મારફતે ખાદ્ય બનાવટો તૈયાર કરી મૂલ્યમાં વધારો કરી શકાય.સૂક્ષ્મ,નાના અને મધ્યમ પ્રકારના લઘુ ફૂૂડ પ્રોસેસિંગ એકમોને માલ પુરો પાડવા માટે પેકહાઉસ બનાવી તેનું જોડાણ કરવું જોઇએ જેથી ગ્રામ્ય સ્તરે વધુ તકોનો ઉમેરો કરી શકાય.
(૨) કોલ્ડ ચેઇન માટે પેકહાઉસની સાથે યોગ્ય સંખ્યામાં ફૂડ પ્રોસેસિંગ એકમો વિકસાવવા એ અગત્યનું છે. આ ભારતના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે એક બહુમૂલ્ય બાબત છે.
(૩) ભારતમાં એકબીજા સ્થળે અને ભારત બહાર નાશવંત પેદાશોને સલામત રીતે મોકલવા માટેની હેરફેર માટે વાહનવ્યવહારની સારી માળખાકીય સુવિધા અને રાષ્ટ્રકક્ષાએ માર્કેટની ગ્રીડ સ્થાપવાની જરૂરિયાત છે. આ માટે મલ્ટી-મોડેલ કોલ્ડ ચેઇન નેટવર્ક સ્થાપી વૈજ્ઞાનિક રીતે પેદાશોની હેરફેર કરવાની જરૂરિયાત છે જેથી હેરફેર દરમ્યાન થતો ઘટાડોે અટકાવી શકાય.
(૪) ખાનગી વ્યક્તિઓ કે સંસ્થાઓને કોલ્ડ ચેઇન વ્યવસ્થા માટે મૂડીરોકાણને પ્રોત્સાહન મળે તે માટે સરકારે નાણાકિય પ્રોત્સાહન પૂૂરૂ પાડવું જોઇએ. આ ક્ષેત્રને વિકસાવવા માટે જાહેર ખાનગી ભાગીદારી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ-પીપીપી) નો અભિગમ અપનાવવો જરૂરી છે.
(૫) હાલની વેરહાઉસ વ્યવસ્થા અને વાહનવ્યવહારની પદ્ધતિ પુરાતન છે અને નાશવંત પેદાશોના ઉત્પાદન અને માંગમાં વધારો થતો જાય છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ મારફતે ભારતીય કંપનીઓ કોલ્ડ ચેઇન વ્યવસ્થાનું આધુનિકરણ કરી રહી છે. ભારતના બજાર માટે થ્રીપીએલ (3PL)ની જરૂરિયાત છે કે જેના વડે ભવિષ્યમાં લોજીસ્ટીક સેવાઓનું સારૂ સંકલન કરી શકાય.
(૬) સંકલિત કોલ્ડ ચેઇન સોલ્યુસન્સઃભારતમાં તાજી અને ફ્રોજન કરેલ પેદાશોના કોલ્ડ સ્ટોરેજ અને રેફિજરેટેડ પરિવહન માટે કોલ્ડ સ્ટાર લોજીસ્ટીક્સ (Cold Star Logistics)કસ્ટમાઇઝડ સોલ્યુસન પુરૂ પાડે છે જેને તુસ્કાન વેન્ચર નામની એક લોજીસ્ટીક કંપનીએ પ્રમોટ કરેલ છે. તે ખાસ રેફ્રીજરેટેડ સંગ્રહ, વેરહાઉસિંગ, વાહનવ્યવહાર વહેંચણી અને લોજીસ્ટીક્સ વગેરે સેવાઓ પુરી પાડે છે.
(૭) વ્યાપક કૃષિ લોજીસ્ટીક્સ સોલ્યુસન્સઃસ્ટાર એગ્રિ (Star Agri) જેવી ખાનગી કંપનીઓ સંકલિત કાપણી પછીની વ્યવસ્થાના સોલ્યુસન્સ પૂરા પાડે છે.
સારાંશ :
ફળ અને શાકભાજીનો પૂરવઠો પહોંચાડવા માટેની સપ્લાય ચેઇન નબળી હોઇ ભારતમાં કોલ્ડ ચેઇનની માળખાકીય સુવિધાઓ ઊભી કરવી જરૂરી છે. કોલ્ડ ચેઇન એ ફળ અને શાકભાજીના પૂરવઠા હરોળની કરોડરજ્જૂ છે જેની અડચણના પરિણામે ઉત્પાદન તેમજ નાણાં એમ બંને રીતે ખોટ જાય છે. આ ખોટને યોગ્ય કોલ્ડ ચેઇન સવલતો પુરી પાડીને અટકાવી શકાય છે જેમાં કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસિંગની સવલતો અને રેફ્રીજરેટેડ વાહનવ્યવહાર પદ્ધતિ વગેરેનો સમાવેશ થાય છે. માળખાકીય સવલતો ઊભી કરવા માટે મોટા પાયે કૃષિ વેપાર સાથે સંકળાયેલ સર્વને આકર્ષવા જરૂરી છે. ખેતીપેદાશોનો બગાડ અટકાવવા અને ખેડૂતોની ગરીબાઇ દૂર કરવા માટે સરકાર અને ખાનગી સંસ્થાઓએ આગળ આવી કોલ્ડ ચેઇનની માળખાગત સવલતો ઊભી કરવી જોઇએ.
આપણા દેશનું અર્થકરણ કૃષિ આધારિત છે તેથી ઘરેલુ બજાર અને વૈશ્વિક બજારમાં મૂૂલ્ય વૃદ્ધિ કરી પેદાશોને કોલ્ડ ચેઇનના માળખા ધ્વારા પહોંચાડવાની વિશાળ ક્ષમતા રહેલી છે જેના ધ્વારા ખેતીપેદાશોનો નાશ અને બગાડ અટકશે,ખેડૂતની આવકમાં વધારો થશે, નિકાસ ધ્વારા દેશની રેવન્યુ આવક વધશે, સ્થાનિક લોકોને રોજગારીની તકો મળશે અને ખેડૂતોના જીવનધોરણમાં સુધારો થશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
સ્ત્રોત : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ડિસેમ્બર-૨૦૨૧
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in