વિશ્વ બેંકના રિર્પોટ મુજબ સને ૨૦૨૦ માં ૫૬.૧૫ ટકા લોકો (એટલે કે ૪ અબજ ૩૫ કરોડની વસ્તી) શહેરોમાં રહે છે જે સને ૨૦૨૩ સુધીમાં ૬૦ ટકા એ પહોંચશે.શહેરીકરણ એ એક પ્રકારની સકારાત્મક પ્રક્રિયા છે કે જે રક્ષણ,રોજગારી અને આજીવિકા પુરી પાડે છે.જો કે ઝડપી શહેરીકરણ રહેઠાણની જગ્યા, પ્રદૂષણ,પીવાનું પાણી,ગરમીમાં વધારો,નવા રોગો થવા,ગરીબાઇમાં વધારો,કુપોષણ,જીવનધોરણ માટેના ખર્ચમાં વધારો,ગુનાખોરીમાં વૃદ્ધિ,વાતાવરણીય કટોકટી વગેરે જેવા પડકારો પેદા કરે છે. આ બધામાં મુખ્ય પડકાર શહેરોમાં રહેતા ગરીબ લોકોને અન્નની સલામતી પુરી પાડવાનો છે.બીજો પડકાર ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના જમીન વિસ્તારમાં થતો ઘટાડો,વસ્તીમાં થતો વધારો,હવામાન પરિવર્તનના જોખમો, માર્કેટિંગ,ખાધાખોરાકીની ચીજવસ્તુઓના ભાવમાં થતો વધારો વગેરે કારણોસર શહેરી વિસ્તારોના લોકોને ખોરાકનો પૂરવઠો વાહનો મારફતે પહોંચાડવો મુશ્કેલ છે.આ બાબત ધ્યાને લઇ ઉપરોક્ત પડકારોને પહોંચી વળવા શહેરી વિસ્તારમાં કૃષિ તરફ ધ્યાન આપવું જરૂરી છે.આ માટે જે તે જરૂરિયાતવાળા પાકોનો ઉછેર શહેરી વિસ્તારોમાં કરવો જોઇએે.
વિશ્વમાં હાલ ૧૦ થી ૨૦ કરોડ શહેરી ખેડૂતો શહેરોના માર્કેટમાં તાજી બાગાયતી પેદાશોનો પૂરવઠો પુરો પાડે છે.કોરોના કાળ દરમ્યાન લોકડાઉન સમયે આ શહેરી ખેડૂતોએ પોતાના ખોરાક માટે પાક ઉગાડેલ અને વધારાનો પૂરવઠો બજારમાં વેચાણ માટે મોકલેલ. આ જોતાં સંશોધકો,શિક્ષણકારો,નીતિ ઘડવૈયાઓ વગેરેએ શહેરીજનોને શહેરી વિસ્તારમાં ખેતી માટેની કૃષિ પદ્ધતિઓ અંગેનું જરૂરી જ્ઞાન અને તે અંગેના સ્ત્રોત પુરા પાડવા જોઇએ.
ઉપરોક્ત વિગતોને લઇ સેન્ટર ફોર એગ્રિકલ્ચરલ એક્ષટેન્શન ઇનોવેશન્સ,રીફોર્મ્સ એન્ડ એગ્રિક્લ્ચરલ એક્ષટેન્શન મેનેજમેન્ટ ((MANAGE-મેનેજ) એ હૈદ્રાબાદ અને સીકન્દરાબાદના ૨૫ શહેરી ખેડૂતોનો સંપર્ક સાધીને અભ્યાસ કરેલ તેની વિગતો અકત્રે રજૂ કરેલ છેઃ
શહેરીજનોએ પાક ક્યાં ઉગાડેલ ?
સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં ખેતીલાયક જમીનમાં ખેતી કરવામાં આવે છે.તેમ છતાં શહેરી વિસ્તારમાં ઘરના છાપરા ઉપર, ડોલ/પ્લાસ્ટિકના પીપ/મિનરલ વોટરના કેન અથવા શણના કોથળા કે અન્ય પ્લાસ્ટિકના કન્ટેનરમાં માટી ભરી અને તેમાં પોષકતત્વો ઉમેરી પાક ઉગાડવામાં આવેલ.કેટલાક શહેરીજનોએ પોતાના મકાનના પાછળ આવેલ વાડામાં ઘરના નકામા પાણીનો પિયત તરીકે ઉપયોગ કરી શાકભાજી અને વેલાવાળા શાકભાજી ઉગાડેલ. હૈદ્રાબાદ અને સીકન્દરાબાદ બંને શહેરોના લોકોએ પોતાની બાલ્કનીનો ઉપયોગ બગીચા માટે કરેલ.
કૃષિ માહિતીનો સ્ત્રોત :
મોટા ભાગના શહેરીજનો શિક્ષિત અને ઉચ્ચ મધ્યમ વર્ગમાંથી આવેલ હતા. પાકની દેખરેખ મોટે ભાગે મહિલાઓ અને નિવૃત્ત વ્યવસાયિકો ધ્વારા થતી હતી. તેઓ પોતાના શોખ માટે શાકભાજી/બગીચો ઉછેરતા હતા.પોતાની જરૂરિયાત માટે શહેરીજનો મર્યાદિત પણે માહિતી મેળવવાના સ્ત્રોતોનો ઉપયોગ કરતા હતા અને પાક ઉછેર માટેની પસંદગી,ખાતર આપવું,પિયત અને નિતાર તેમજ રોગ-જીવાતનું નિયંત્રણ વગેરે માહિતી મેળવતા હતા. આમ તેઓની સમજણ સારી હતી.
શહેરી ખેતી માટે વિસ્તરણ સેવાઓનો ટેકો :
દરેક શહેરોમાં શહેરી ખેતી માટે એક કૃષિ પાંખ શરૂ કરવામાં આવેલ જે કૃષિ અગેની જાણકારી તથા તેના વિસ્તરણની કામગીરી કરતી હતી.તેલંગણા રાજ્યમાં બાગાયત ખાતા ધ્વારા શહેરી ખેતીનો વિભાગ(અર્બન ફાર્મિંગ ડિવિઝન- UFD) સ્થાપવામાં આવેલ.શહેરી ખેતીની જાણકારી પુરી પાડવા માટે આ વિભાગે હૈદ્રાબાદના વિવિધ સ્થળોએ તાલીમો અને બેઠકો યોજેલ. શહેરીજનોને બેગ,બિયારણ અને ખાતર ધરાવતી અર્બન ફાર્મિંગ કીટ(UFK) પુરી પાડવામાં આવેલ. તેના વડે શહેરીજનોને કૃષિ અંગેનું પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવેલ. આ જાણકારીનો ઉપયોગ કરી કેટલાક શહેરીજનો છોડ ઉછેરે છે.અર્બન ફાર્મિંગ ડિવિઝન ધ્વારા દૈનિક સમાચારપત્રો,ટેલીવિઝન ચેનલ અને સ્થાનિક રેડિયો કાર્યક્રમોમાં અર્બન ફાર્મિંગ કિટનો પ્રસાર કરવામાં આવેલ.
સોસિયલ મીડિયા :
(ક) યુટયુબ ચેનલ મારફતે ખેત અનુભવ :
જોઇને માનવું (Seeing is believing) એ એક સિદ્ધાંત છે.શહેરીજનો યુટયુબ મારફતે ખેતરમાં થતા પાકોની ખેતી પદ્ધતિની માહિતી વીડિયો ધ્વારા મેળવેલ જે તેઓને ઉત્પાદન વ્યવસ્થા માટે કામમાં આવેલ. હૈદ્રાબાદ અને સીકન્દરાબાદ શહેરોના શહેરીજનોમાં શહેરી ખેતી માટેની નીચે જણાવેલ યુટયુબ ચેનલો પ્રખ્યાત છેઃ
(૧) ઇટીવી અભિરૂચિ (eTV Abhiruchi) :
આ એક પ્રખ્યાત તેલુગુ યુટયુબ ચેનલ છે.તેના ૭,૦૧,૦૦૦ જેટલા સભ્યો છે.તે તેલંગાણા અને આંધ્રપ્રદેશ વિસ્તારોમાં વિવિધ કિચન રેસીપીની માહિતી આપે છે.હૈદ્રાબાદ અને સિકન્દરાબાદમાં સફળ કિચન ગાર્ડન અંગેની ઉત્તમ પદ્ધતિઓની માહિતી આપે છે. શહેરીજનોના લાભાર્થે આવા સફળ શહેરી ખેતી કરનારાઓના વીડિયો બનાવી ચેનલમાં મૂકે છે.તેના કારણે છાપરા ઉપર બગીચા કરતા શહેરીજનો યુટયુબ ચેનલમાં સર્ચ કરી સંબંધિત માહિતી અને જ્ઞાન મેળવી શકે છે.
(૨) નેચર્સ વોઇસ (Nature’s Voice) :
આ તેલગુ યુટયુબ ચેનલ છે.તેના ૧,૫૩,૦૦૦ થી વધુ સભ્યો છે.તેમાં સજીવ ખેતીની પદ્ધતિઓ અને શહેરી કૃષિના કેટલાક વીડિયો મૂકવામાં આવેલા છે.
(૩)ગાર્ડન્સ ઓફ એબડન્સ (Gardens of abundance) :
આ અંગ્રેજી ભાષા આધારીત યુટયુબ ચેનલ છે.તેમાં પરમાકલ્ચર આધારિત શહેરી કૃષિના વીડિયો મૂકવામાં આવેલ છે.તેમાં છાપરા ઉપરની જગ્યા,બાલ્કની,અગાશી(ટેરેસ)અને વાડામાં શહેરી કૃષિની સફળતાની માહિતી મળે છે.ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં તેના ૫૩૨૦ સભ્યો છે.
(૪) કિચન ગાર્ડનિંગ (Kitchen Gardening):
તેમાં શાકભાજી પાકોના ઉછેર માટેની જમીન,કમ્પોસ્ટ,શહેરી ખેતી માટે કૂડાંની તૈયારી વગેરેની કામગીરી દર્શાવતા વિડીયો મૂકવામાં આવેલા છે.તેના ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં કુલ ૧૦,૩૦,૦૦૦ સભ્યો છે.
(ખ) વોટસએપ ગૃપ :
મોટા ભાગના શહેરીજનો પાક ઉત્પાદન અને રોગ જીવાતની વ્યવસ્થા અંગેની માહિતી વોટસએપ ગૃપ મારફતે મેળવે છે. દા.ત. સીકન્દરાબાદના સૈનિકપુરી વિસ્તારના ૧૫ થી વધુ શહેરીજનો શાકભાજી ઉગાડે છે.વિવિધ ધંધા અને સંસ્કૃતિની વિચારધારા વાળા શહેરીજનોએ ‘સૈનિકપુરી ગાર્ડન કલબ’ નામનું એક વોટસએપ ગૃપ બનાવેલ છે જેના મારફતે શાકભાજી ઉગાડવામાં પડતી મુશ્કેલીઓ, માહિતી અને અનુભવની એકબીજા સાથે આપલે કરી શકે છે.તેઓ પાકના રોગો અને જીવાતોના ફોટા મૂકી તેના ઉપાયો જાણી શકે છે.તે ઉપરાંત પ્રદર્શનો,તાલીમ,મીટિંગ અને અન્ય પ્રવૃત્તિઓની માહિતીની એકબીજા સાથે આપલે કરી શકે છે.આ વડે શહેરી ખેતીમાં ક્રાંતિ આવશે.
(ગ) ફેસબુક–શહેરી ખેતીના જ્ઞાન માટેનો અમર્યાદિત સ્ત્રોત :
હૈદ્રાબાદ અને સિકન્દરાબાદના મોટા ભાગના ખેતી સાથે સંકળાયેલ શહેરીજનો ઇન્ટિપન્તા ઓર્ગેનિક કિચન/ટેરેસ ગાર્ડનિંગ નામે ફેસબુક આધારીત અર્બન એગ્રિકલ્ચર ગૃપને સર્ચ કરી માહિતી મેળવી છે.આ ગૃપના ૪૦,૦૦૦ સભ્યો છે જે શહેરી સજીવ ખેતીની માહિતી,વિડીયો વગેરે એકબીજાને મોકલે છે.તે રોગ-જીવાતના ફોટા મૂકી અન્ય સભ્યો પાસેથી સજીવ ખેતી પદ્ધતિ ધ્વારા નિયંત્રણના ઉપાયો મેળવે છે.તેઓ જૈવ કીટનાશકો અને જૈવિક ખાતરો બનાવવાની રીત અંગેની માહિતીની આપલે કરી શકે છે.જે સભ્યો નિદર્શનોમાં હાજર રહી શકે તેમ ન હોય તેઓને વીડિયો ધ્વારા નિદર્શનોની માહિતી પુરી પાડે છે.
ઉટા ફ્રોમ યોર થોટા (Oota from Your Thota) નામનું ફેસબુક પેજ છે જે શહેરી સજીવકૃષિ અંગેની દુકાન છે જે સજીવ ખેતી કરનારાઓને એક પ્લેટફોર્મ ઉપર જોડવાનું કામ કરે છે. આ પેજને ૧૫,૦૦૦ થી વધુ લોકો અનુસરે છે.
કેટલાક શહેરીજનોએ ફેસબુક ઉપર પોતાની ખેતીનું પેજ બનાવેલ છે.દા.ત. સિકન્દરાબાદના સૈનિક પુરી વિસ્તારની શ્રીમતી વિજયાલક્ષ્મી એ ફેસબુક ઉપર પોતાનુ પેજ બનાવેલ છે.તેનું નામ માયએડીબલગાર્ડનઇન્ડિયા (My EdibleGardenindia) છે જેના ધ્વારા શહેરી કૃષિ ધ્વારા પેદા થતી પેદાશોનું વેચાણ કરે છે. તેને ૧૪૦૦ લોકો અનુસરે છે. તે આ પેજ ધ્વારા શહેરી કૃષિની નવિન પદ્ધતિના વિડીયો અને ઇન્ટરનેટ ઉપરથી મળતા સંબંધિત વીડિયો મૂકે છે. જે શહેરીજનો તેમના ઘરે શાકભાજી ઉછેરવાનો રસ ધરાવતા હોય તેમને આ વિડીયો ઉપયોગી થઇ પડે છે.
(ઘ) ડિજિટલ સામયિકો :
કેટલાક ડિજીટલ સામયિકો, કે જે શહેરી ખેતીની માહિતીના સ્ત્રોત છે તેના ધ્વારા શહેરી ખેતીની માહિતી મેળવી શકાય.
(૧) ગાર્ડન કલ્ચર મેગેઝીન (Garden Culture Magazine)
(૨) અર્બન એગ્રિકલ્ચર મેગેઝીન (Urban Agriculture Magazine)
(૩) અર્બન ફાર્મિંગ મેગેઝીન (Urban Farming Magazine)
(૪) અર્બન કિસાન (Urban Kisan)
સ્ત્રોતઃ LEISA India,માર્ચ,૨૦૨૨
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in