રેશમના કીડાનું પોષણ, ઔષદ્યિય અને સૌંદર્યપ્રસાધન તરીકેનું મૂલ્ય જાણો (Nutritive, pharmaceutical and cosmetic value of mulberry silkworm)

                રેશમ ઉછેર એ ખેતી આધારિત અગત્યનો વ્યવસાય છે. રેશમના કીડાનો રેશમ ઉદ્યોગ માટેનો ઉપયોગ પ્રચલિત છે.તે સિવાય ઔષદ્યિય, સૌંદર્યપ્રસાધનો, ખોરાક, પીણા અને અન્ય નવા ઉપયોગોથી રેશમ ઉત્પાદનનું મૂલ્ય વધારી શકાય છે. તેની ઈયળો અને કોશેટો પ્રોટીન અને વિટામિનોનો સ્ત્રોત છે અને તેમાંથી મળતો કચરો કે આડપેદાશ વિવિધ રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. કીડાઓનો ઉપયોગ ‘ચાઈનીઝ ડેકોકેશન્સ’ (ઉકાળો) માટે થાય છે જેનો ઉપયોગ, શ્વાસનળીનો અસ્થમા, ચહેરાનો લકવો, ચેતાતંત્રનું દર્દ અને ચહેરા તથા મસ્તકમાં રહી રહીને ઉપડતું ચસકાનું દર્દ વગેરેની સારવારમાં થાય છે. કીડાનું નિષ્કર્ષણ ખીલ વિરોધી ક્રીમના બંધારણમાં એક ઘટક તરીકે વપરાય છે.ઓછા ખર્ચે વેકસીનના ઉત્પાદન માટે કીડા એ બાયોરીએક્ટર તરીકે કાર્ય કરે છે. તેના કોશેટા ખોરાક તરીકે અને તેનું તેલ દવા તરીકે વપરાય છે. તેનો માછલીઓ, મરઘા અને ભૂંડના આહાર તરીકેનો ઉપયોગ પ્રચલિત છે. તેનો ઉપયોગ યકૃત અને લોહીના રોગોની સારવાર માટે થાય છે. કોશેટોમાં રહેલ સેરાટિયો પેપ્ટીડેઝ બળતરા વિરોધી છે અને તેનો ઉપયોગ ઘાની સારવારમાં થાય છે. તેના ઈંડા ટ્રાન્સજેનિક અભ્યાસ માટે ઉપયોગમાં લેવાય છે. રેશમના ફૂદાનો ઉપયોગ પ્રખ્યાત ‘મોથ વાઇન’ બનાવવા માટે થાય છે. રેશમના કીડાના વેસ્ટનો ઉપયોગ હોજરીના વિકારની દવા તરીકે અને તે ઉપરાંત હીપેટાઈટિસ, લ્યુકેમિયા અને એક્યુટ પેનક્રીયાટિસની સારવાર માટે થાય છે.

            રેશમના કીડાને અંગ્રેજીમાં ‘મલબેરી સિલ્કવર્મ’ કહે છે અને તેનું વૈજ્ઞાનિક નામ બોમ્બીકસ મોરી (Bombyx mori) છે. તે ચીનનું વતની છે પરંતુ વિશ્વના ઉષ્ણ અને સમશીતોષણ કટીબંધવાળા દરેક વિસ્તારોમાં સારી રીતે થાય છે.તે એક આર્થિક રીતે મહત્ત્વનું કીટક છે કે જે કુદરતી રેશમનો એક સ્ત્રોત છે. તેના ઈંડાથી માંડીને પુખ્ત અવસ્થાના દરેક તબક્કા ઔષદ્યિય, સૌંદર્યપ્રસાધન અને આહાર ઉદ્યોગોમાં ઉપયોગ માટેની વિશાળ ક્ષમતા ધરાવે છે.રેશમના ઉત્પાદન ઉપરાંત રેશમના કીડાનો તેની આડપેદાશોમાંથી અનેક મૂલ્ય વર્ધિત બનાવટો બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે. તાજેતરમાં પરંપરાગત રેશમ માટેના કોશેટા મેળવવા ઉપરાંત જનીનિક એન્જિનીયરિંગ મટીરિયલ્સના સંશોધન માટે પણ રેશમના કીડા ઉપયોગી માલૂમ પડેલ છે. તેના કીડા હૃદયરોગ, ડાયાબીટીસ, શ્વાસનળીનો અસ્થમા, ચેતાતંત્રનું દર્દ (ટ્રીગેમિનલ ન્યૂરલજીયા),વોકલ નોડ્યુલ્સ અને પોલીપ્સ, ચહેરાનો લકવો વગેરેના દરદીઓ માટે તંદુરસ્ત ખોરાક (હેલ્થ ફૂડ) તરીકે વપરાય છે. તેના કોશેટા પ્રોટીન, વિટામિન બી-૧, બી-૨ અને ઈ, ડાયપોઝ હોર્મોન, એમિનો એસિડ વગેરેના સ્ત્રોત છે અને તે જીવાણુવિરોધી અને એલર્જીવિરોધી બનાવટોના એક ભાગ તરીકે વપરાય છે.તેના નર ફુંદા વંધ્યત્વની સારવાર માટે વપરાય છે.રેશમના કીડાની વિસ્ટા નિષ્કર્ષણ કરી પેસ્ટ ક્લોરોફીલ, પેક્ટીન, ફાયટોલ, કેરોટીન, ટ્રાયએકોન્ટાનોલ, સોલાનેસોલ વગેરે મેળવાય છે જેનો ઉપયોગ હીપેટાઈટિસ, એક્યુટ પેનક્રીયેટિટિસ, ક્રોનિક  નેફ્રેટિસ, જઠરના વિકારો, લ્યુકોસાયટોપેનિયા, કોલેસ્ટીરોલ વગેરે વિવિધ રોગોની સારવારમાં થાય છે. રેશમના કોશેટામાંથી પેલોડે મેળવાય છે જે સહેલાઈથી પાચ્ય છે અને ખોરાક તરીકે કિંમતી ઘટક છે.તે કોલેસ્ટીરોલ અને લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે.પેલોડમાંથી ક્રાયસાલિડસ જૂદુ પાડવામાં આવે છે જે પાલ્મિટિક, સ્ટીયરિક, ઓલેઈક અને લિનોલેઈક એસિડ ધરાવે છે. રેશમના કીડા પ્રોટીન (૪૮.૪૨ ટકા), લિપિડ (૨૧ થી ૩૮ ટકા),ક્રુડ ફાયબર(૮.૪૨ ટકા) અને એશ (૮.૩૪ ટકા) થી સમૃદ્ધ છે.આ વિગતો જોતાં રેશમના કીડા એ ઔષદ્યિ, સૌંદર્ય પ્રસાધનો અને આહારના સારા સ્ત્રોત તરીકેની ક્ષમતા ધરાવે છે જે માટે યોગ્ય ધ્યાન આપવાની અને માનવજાતને ઉપયોગી થાય તે જોવાની જરૂર છે.

રેશમના કીડાના વિવિધ તબક્કાના ઉપયોગ અને તેની બનાવટો :

(ક) ઈંડા : રેશમના કીડાના ઈંડા કોરિઓનિન્સ અને સીસ્ટેઈન પ્રોટીનેઝ ધરાવે છે. તેના ઈંડાનો ઘનિષ્ઠ પ્રમાણમાં ટ્રાન્સિજેનિક અભ્યાસ માટે ઉપયોગ કરવામાં આવે છે.

(ખ) ઈયળ (કીડા) :

(૧) ખોરાક તરીકે :

  • હોંગકોંગ, ચીન, કોરીયા અને જાપાન વગેરે દેશોમાં રેશમના તંદુરસ્ત કીડાને નિર્જીવીકરણ બાદ શૂન્યાવકાશમાં સૂકવણી (વેક્યુમ ડ્રાય)કરી વ્યાપારી ધોરણે ખોરાક તરીકે વેચાણ કરવામાં આવે છે.
  • સુપ અને સોસમાં પ્રાણીજ પ્રોટીન તરીકે રેશમના કીડાનો પાઉડર સામાન્ય સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
  • પ્રોસેસ કરેલ કીડાનો ઉપયોગ હૃદયરોગ અને ડાયાબીટીસના દરદીઓને ખાસ ખોરાક (સ્પેશ્યલ ડાયટ) તરીકે આપવામાં થાય છે કારણ કે તે ઓછો કોલેસ્ટીરોલ ધરાવે છે.

(૨)        બાયોરીએક્ટર : વિવિધ ચેપી રોગોની સામે વપરાતી વેક્સીન (રસી) નું ઓછા ખર્ચે        ઉત્પાદન કરવા માટે રેશમના કીડા બાયોરીએક્ટર તરીકે વપરાય છે.

(૩)        ચાઈનીઝ ડેકોકશન્સ (ઉકાળો) : રેશમના કીડાને બ્યુવેરીયા બેસિયાના (Beauveria bassiana) ફુગનો ચેપ લાગેલ હોય તેને પ્રોસેસ કરી વિવિધ પ્રકારના ચાઈનીઝ ઉકાળા બનાવવામાં આવે છે જે શ્વાસનળીનો અસ્થમા, ચહેરાનો લકવો, ચેતાતંત્રનું દર્દ, વોકલ નોડ્યુલ્સ અને વોકલ પોલીપ્સ વગેરેની સારવાર માટે વપરાય છે.

(૪)       ચાઈનીઝ દવા : નર કીડા ‘પિલ્લ’ (Pill) નામની ચાઈનીઝ દવાની બનાવટમાં વપરાય છે જે વંધ્યતાની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે.

(૫)         રેશમના કીડાનું નિષ્કર્ષણ : તે અસંતૃપ્ત ફેટી એસિડસ, વિટામિનો, પ્રોટીન, એમિનો એસિડસ,      સેફાલિન વગેરે ધરાવે છે. તે નર હોર્મોન પણ ધરાવે છે. આ બધા પદાર્થો ધરાવતું હોઈ           એન્ડોક્રોઈન તેમજ નરના પ્રજનનતંત્ર માટે પૌષ્ટિક છે.

(૬)        ખોરાક ઉમેરણ (ફૂડ એડિટિવ્ઝ) : રેશમના કીડાને – ૩૦ સે. ઉષ્ણતામાને ફ્રીઝમાં સૂકવીને              તેનો પાઉડર બનાવી હેલ્થ ફૂડમાં ઉમેરવામાં આવે છે જેથી તે યકૃતનું રક્ષણ કરે છે અને       ઉંમરલાયક વ્યક્તિઓમાં થતા રોગોને અટકાવે છેે.

()     સૌંદર્યપ્રસાધન તરીકે ઉપયોગ : તેના કીડાનું નિષ્કર્ષણ ખીલ વિરોધી ક્રીમની બનાવટમાં એક ભાગ તરીકે વપરાય છે જેની આડ અસર નહિવત છે.

(૮)       પ્રોટીન : તેની ઈયળ ‘D66b’ અને ઈ-હયુમન કાર્સિનોએમ્બ્રોયોનિક એન્ટિજન પ્રોટીન ધરાવે છે.રેશમના કીડાનું હેમોલિમ્ફ ગ્લુટેમાઈન, હિસ્ટાડાઈન, લાયસિન, સેરિન અને ગ્લાયસિનથી સમૃદ્ધ છે. રેશમના કીડાના હેમોલિમ્ફને ઇકોલાઈથી રસીકરણ કરવામાં આવે તો તેમાં ત્રણ નોવેલ જીવાણુવિરોધી લેબોસિન પેપ્ટાઈડસ નોંધાયા છે.

()     કોશેટા :

() ખોરાક તરીકે : રેશમના કીડાના કોશેટા ખોરાક અને ઔષધિ માટેના તેલનો સ્ત્રોત છે.

જૈવરાસાયણિક બંધારણ :

  • તે વિટામિન બી-૧, બી-૨ અને ઈ જેવા વિવિધ પોષકતત્વો ધરાવે છે.
  • સોયાબીન, માછલી અને માંસ કરતાં રેશમના કીડાના કોશેટોમાં રહેલ પ્રોટીન ઊંચા પ્રકારનું છે.
  • તેના કોશેટામાંથી કાઈટિન અને ટ્રાયએકોન્ટાનોલ નામના મહત્ત્વના રસાયણો અલગ પાડવામાં આવે છે.
  • કોશેટા ૪૮.૭ ટકા પ્રોટીન અને ૩૦ ટકા ફેટ જ્યારે સ્પેન્ટ કોશેટા ૨૬ ટકા તેલ અને ૭૫ ટકા પ્રોટીન ધરાવે છે. કોશેટોના કુલ સૂકા વજનમાં ૩૦ ટકા જેટલી ફેટ હોય છે.
  • કોશેટાનું પૃથક્કરણ કરતા ંતેના નિષ્કર્ષણમાં ૩૧.૧ ટકા ક્રુડ પ્રોટીન ઉપરાંત લાયસીન અને મીથિયોનાઈન જેવા ૫૧.૬ ટકા એમિનો એસિડ હોય છે.
  • મૃત કોશેટાઓ માછલી, ડુક્કર અને મરઘાંના આહાર તરીકે વપરાય છે.
  • પેપ્ટોન્સ, એમિનો એસિડસ અને સુગંધિત પ્રોડકટ તૈયાર કરવા કે જે ઊંચું પોષણ મૂલ્ય ધરાવે છે તેનો કાચા માલ તરીકે કોશેટાઓનો  ઉપયોગ થાય છે. જાપાનમાં ઊંચુ મૂલ્ય ધરાવતી રેશમના કોશેટામાંથી બનાવેલ કેકનો વપરાશ સામાન્ય છે.

(૨)        કોશેટામાંથી પ્રોટીન : તેનો ઉપયોગ કૃત્રિમ રેસા અને મેમ્બ્રેઈન બનાવવા માટે થાય છે.

(૩)        જીવંત કોશેટા : જીવંત કોશેટા જીવાણુવિરોધી પેપ્ટાઈડસના સંશ્લેષણના માધ્યમ તરીકે               વપરાય છે.

(૪)      ટાર : કોશેટામાંથી રોગનિવારક ટાર મેળવવામાં આવે છે. વનસ્પતિમાંથી મેળવેલ ટાર                કરતાં તેના ટારની જીવાણુનાશક અને એલર્જીવિરોધી ક્રિયા ઊંચા પ્રકારની છે.

(૫)       કાઈટિન : કોશેટાની ત્વચા કાઈટિન ધરાવે છે જેમાંથી કાઈટોસાન, કાઈટિન સલ્ફેટ, કાઈટિન       નાઈટ્રેટ, કાઈટિન ઝેન્થેટ, સોડિયમ કાર્બોક્ષી મીથાઈલ કાઈટિન વગેરે જેવી વિવિધ ઉપયોગી      પ્રોડક્ટસ બનાવાય છે. કોશેટાના સૂકા વજનના ચાર ટકા કાઈટિન મળે છે.

  • કાઈટિન અને કાઈટોસન યુક્ત બનાવટોનો ઉપયોગ ઘાની સારવાર, દવાઓ નિયંત્રણથી આપવા માટે તથા કોન્ટેક લેન્સમાં થાય છે.
  • નબળી દ્રાવ્ય દવાઓના વિસર્જન ગુણોની વૃદ્ધિ કરવા માટે ઉપયોગી છે.
  • કોશેટાનું કાઈટિન સહેલાઈથી વાપરી શકાય તેવું, ઓછા હેમોફેઝ ધરાવતું, દર્દમાં સારી રાહત આપતું અને જલ્દીથી રૂઝ લાવે તેવા ગુણો ધરાવતું હોઈ ઓપરેશન બાદની સારવાર (જેવી કે કોન્કોટોમી, ડેવિયોટોમી,પોલીપેકટોમી વગેરે માં)તેનો ઉપયોગ થાય છે.
  • કાઈટિનનો ઉપયોગ વિષાણુ વિરોધી એજન્ટ તરીકે, બેક્ટેરીયોસ્ટેટિક, ફ્ન્જાઈસ્ટેટિક, એન્ટિ-સોરડેસ એજન્ટ તરીકે,દાંતમાં કેન્સર પેદા કરતા જીવાણુઓને અટકાવવા અને મોટી સર્જરીમાં લોહીને વહેતું અટકાવવા માટે થાય છે.

(૬)        કોશેટાનું તેલ : કોશેટામાંથી મેળવાતા તેલનો ઉપયોગ યકૃત અને લોહીના રોગોની       સારવારમાં થાય છે.

  • મૃત કોશેટામાંથી મેળવેલ તેલ સાબુ બનાવવામાં અને તેની આડપેદાશ મરઘાના આહાર તરીકે વપરાય છે.
  • સ્પેન્ટ કોશેટોમાંથી ‘ક્રાયસાલિસ ઓઈલ’ મેળવાય છે જે લિનોલેનિક તેલનો સમૃદ્ધ સ્ત્રોત છે.ઓછા ઉષ્ણતામાને ક્રાયસાલિસ ઓઈલ અળસીના તેલ જેવું જ જણાય છે.

(૭)       સેરાટિયો પેપ્ટીડેઝ : સેરોટિયો પેપ્ટીડેઝ કોશેટામાંથી પ્રાપ્ય બને છે જેનો બળતરા વિરોધી, એક્યુટ સાયનસ, ટોન્સીલેક્ટોમી અને મોંની સર્જરી વગેરેમાં ઔષદ્યિ તરીકે વપરાય છે.

()     પુખ્ત ફૂદુ : તેનો ઉપયોગ વાઈન અને ઔષદ્યિ બનાવવા માટે થાય છે. નર ફૂદુ વંધ્યતાની સારવાર માટેની ચાઈનીઝ દવા બનાવવા માટે વપરાય છે. નર ફુંદાના માથાના ભાગમાંથી લિયોફિલિક પેપ્ટાઈડ અલગ મેળવવામાં આવે છે જે બાયોએક્ટીવ સામગ્રી તરીકે ઈંડા ડાયપોઝને પ્રેરિત કરવા વપરાય છે.

()     રેશમના કીડાનો વેસ્ટ :

(૧)        રેશમના કીડા અને કચરો : રેશમના કીડાના વિષ્ટા પેસ્ટ ક્લોરોફીલ,સોડિયમ કોપર ક્લોરોફાયલિન, પેક્ટીન,ફાયટોલ કેરોટીન અને ટ્રાયએકોન્ટાનોલ વગેરે વિવિધ બનાવટોના કાચા માલ તરીકે કામ આપે છે જે ઔષદ્યિ અને આહારમાં વપરાય છે. ક્લોરોફીલના નિષ્કર્ષણ બાદ છોડી દેવામાં આવેલ વિષ્ટામાંથી પેક્ટીન,કેરોટીન, ફાયટોલ અને ટ્રાયએકોન્ટાનોલ મેળવવામાં આવે છે. રેશમના કીડાના કચરામાંથી નિષ્કર્ષણ કલોરોફીલ,સોડિયમ કોપર ક્લોરાફાયલિન, પેકટીન, ફાયટોલ અને કેરોટીન મેળવાય છે જે યુએસમાં ૩૦ જાતની દવાઓ બનાવવામાં વપરાય છે.

(૨)        ક્લોરોફીલ એક્ષટ્રેકટેડ : અલ્સર અને હીપેટાઈટીસ જેવા હોજરીના વિકારોમાં રેશમના કીડાની વિષ્ટામાંથી મેળવેલ ક્લોરાફીલ એક્ષટ્રેકટેડનો દવા તરીક ઉપયોગ થાય છે.તે યકૃત અને લોહીના રોગોની સારવારમાં પણ વપરાય છે. રેશમના કીડાના કચરામાંથી મેળવેલ ક્લોરોફીલનો ઉપયોગ ઝેજીઆંગ એકેડેમી ઓફ ચાઈનીઝ મેડિસિન ધ્વારા હીપેટાઈટિસ અને લ્યુકેમિયાની સારવાર માટે વપરાય છે.

(૩)        જીવાણુ વિરોધી તરીકે : પેસ્ટ ક્લોરોફીલમાંથી નિષ્કર્ષણ ધ્વારા મેળવેલ સોડિયમ કોપર ક્લોરોફાયલિન જીવાણુવિરોધી તરીકે કાર્ય કરે છે અને તેનો દવા તરીકે ઉપયોગ થાય છે.તે હીપેટાઈટિસ, એક્યુટ પેનક્રીયાટિટિસ, ક્રોનિક નેફ્રીટિસ, હોજરીના વિકારો અને વિવિધ લ્યુકોસાપટોપેનિયા વગેરેની સારવાર માટે વપરાય છે.

(૪)       સોલાનસોલ : રેશમના કીડાની વિસ્ટા સોલાનસોલ ધરાવે છે જે હૃદયરોગની ઘણી દવાઓ માટે ઊંચુ મૂલ્ય ધરાવતી પુરોગામી છે.

(૫)       ગ્રોથ હોર્મોન તરીકે : રેશમના કીડાના કચરામાં ગ્રોથ હોર્મોન નોંધાયેલ છે. ૩:૧ ના પ્રમાણમાં એ અને બી એમ ‘બે’ પ્રકારના ક્લોરોફીલ મેળવાય છે જે ચીન અને જાપાન દેશોમાં ઔષદ્ય અને સૌંદર્યપ્રસાધનોમાં વપરાય છે.

(૬)        પેક્ટીન : રેશમના કીડાના મળમાંથી મેળવેલ પેકટીન લોહીમાંના ટ્રાયગ્લિસરાઈડ અને  કોલેસ્ટીરોલને ઘટાડે છે.

(૭)       વિટામિન : રેશમના કીડાના મળમાંથી નિષ્કર્ષણ ધ્વારા ફાયટોલ મેળવાય છે જે વિટામિન ઈ, કે અને કેરોટિન બનાવવા માટે વપરાય છે જે વિટામિન એ નો સ્ત્રોત છે.


સંદર્ભ : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ,એપ્રિલ ૨૦૨૦


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *