ભારતમાં કોલ્ડ ચેઇન વ્યવસ્થાની જરૂરિયાત (Requirement of cold chain management in India)

આઝાદીના ૭૦ વર્ષ પછી પણ આપણો દેશ દુનિયાના વધુમાં વધુ ગરીબ લોકોની સંખ્યા ધરાવે છે.ભારતની ૧૨૦ કરોડની વસ્તી પૈકી ૨૬.૦૩ કરોડ લોકો ગરીબાઇની રેખા હેઠળ જીવન ગુજારે છે.વધુમાં ભારતની ૬૫ ટકા વસ્તી ખેતી ઉપર નભે છે અને ખેતીનો આધાર મોસમ ઉપર રહેલો છે.મોટા ભાગના ખેડૂતો નાના અને સીમાંત છે જેથી કુદરતી સ્ત્રોતોનો અસરકારક ઉપયોગ કરી શકતા નથી અને તેઓની ઉત્પાદકતા યાંત્રિકરણ ઉત્પાદન અને આવક સ્તર નીચું છે.વિશાળ કુદરતી સ્ત્રોતો અને પુરતુ કૃષિ ઉત્પાદન પેદા કરવા છતાં પણ નિકાસતી દષ્ટિએ ભારતનું સ્થાન દસની અંદર આવેલ છે.ફળ અને શાકભાજીમાં ૨ ટકા,માંસ અને પોલ્ટ્રીમાં ૨ ટકા,આધુનિક ડેરી ધ્વારા દૂધમાં ૧૪ ટકા,માછલીમાં ૪ ટકા અને બલ્ક મીટ ડે-બોનિંગમાં ૨૧ ટકા પ્રોસેસિંગ કરવામાં આવે છે.

        અન્નનો બગાડ એ વૈશ્વિક પ્રશ્ન છે અને ભારત તેનો સામનો કરી રહયું છે.ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન(એફએઓ)ના એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ વિશ્વના કુપોષિત બાળકોમાં દર ત્રીજુ બાળક ભારતીય છે.તેમછતાં રોજરોજ ટન બંધી અનાજ બરબાદ થઇ જાય છે.સને ૨૦૧૭ ની આંકડાકીય માહિતી મુજબ ભારતમાં ખાદ્ય ચીજવસ્તુઓની કાપણી બાદ તેની હેરફેરના વિવિધ તબક્કા,કાપણી બાદ આતરમાળાખાકીય સુુવિધાની ખામી,કોલ્ડ ચેઇન વાહનવ્યવહાર અને સંગ્રહ વ્યવસ્થાને કારણે અંદાજે રૂપિયા એક લાખ કરોડનું દૈનિક નુકસાન થાય છે.ઉદાહરણ તરીકે યુકેમાં એક વર્ષ દરમ્યાન વપરાતા ફળ અને શાકભાજી જેટલા જથ્થાનો ભારતમાં દર વર્ષે બગાડ થાય છે.ખોરાકીય ચીજવસ્તુઓ ગ્રાહકો સુધી પહોંચે ત્યાં સુધીમાં તેનો ૪૦ ટકા જેટલો જથ્થો બગડી જાય છે.ઘરઉપયોગી ખાદ્ય  ચીજોનું કાપણી બાદ બિનઅસરકારક રીતે પરિવહન થવાથી તેમાં ઘટ પડે છે જેને વધતી જતી માંગ અને ઉત્પાદન વધારવા સાથે સાંકળી શકાય નહી.

        ભારતમાં વપરાશી અને બગડી જાય તેવી ખેતી તથા બાગાયતી પેદાશોનું સારી રીતે વહન કરવા માટે સંકલિત કોલ્ડ ચેઇનની ખામી  જોવા મળે છે.તેના કારણે એકથી વધુ હાથોમાં ખેતપેદાશોની હેરફેર થતાં ખેડૂતને નકારાત્મક વળતર મળે છે.ભારતમાં વપરાશી ચીજવસ્તુઓના વેચાણથી ખેડૂતને ઓછો નફો મળે છે જ્યારે બજારના વચેટીયાઓ ખેડૂત પાસેથી માલ ખરીદી વેચાણ ધ્વારા વધુ નફો મેળવે છે.આમ ઓછુ વળતર મળવાને કારણે વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂત નિરૂત્સાહી બને છે.આથી બાગાયતી પેદાશ મત્સ્ય,પોલ્ટ્રી અને માંસ જેવી વપરાશી અને જલ્દીથી બગડી જતી વસ્તુઓની જીવન મર્યાદા વધારવા માટે શીતાગાર અને કોલ્ડ ચેઇન પદ્ધતિ જરૂરી છે.

        ભારતમાં કોલ્ડ ચેઇન નેટવર્ક પ્રાયોગિક રીતે જોેતાં અસ્તિત્વમાં નથી પરંતુ શીતાગારની સગવડતાઓ તેની સાથે જોડાયેલ છે. મોટા ભાગના શીતાગાર સિંગલ ચેમ્બર યુકત છે અને ખાસ કરીને બટાટા અને બટાટાના બિયારણના સંગ્રહ માટે તેનો ઉપયોગ થાય છે. જયારે વર્ષના બાકીના છ માસ માટે તે પડી રહે છે.યુકે સ્થિત મીકેનિકલ એન્જીનીયર્સ સંસ્થાના રીપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતમાં અંદાજે ૬૩૦૦ શીતાગાર આવેલા છે જે ૩૦૧.૧ લાખ ટનની સંગ્રહ ક્ષમતા ધરાવે છે.જો કે  તેમાંના ૭૫ થી ૮૦ ટકા શીતાગાર ફકત બટાટાના સંગ્રહ માટે વપરાય છે.ભારતમાં શીતાગારનું વિસ્તરણ કરવું જરૂરી છે કે જેથી કૃષિનો અર્થકરણમાં ફાળો વધારી શકાય છે

        સને ૨૦૧૪ ની આંકડાકીય માહિતી મુજબ ભારતમાં ૬૭ ટકા શીતાગારો ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા છે જેમાં ઉત્તરપ્રદેશ ૪૧ ટકા સંગ્રહ ક્ષમતા ધરાવે છે.એસોચેમ(ધી એસોસિયેટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા)ના ઓપોર્ચ્યુર્નિટીઝ ઇન કોલ્ડ ચેઇન-ઇમર્જીંગ ટ્રેન્ડસ એન્ડ માર્કેટ ચેલેન્જીસ નામના તાંત્રિક રીપોર્ટમાં જણાવ્યા મુજબ કોલ્ડ ચેઇન ઉદ્યોગનો વાર્ષિક વૃદ્ધિ દર ૨૫.૮ ટકા થશે અને સને ૨૦૧૭ માં તેનું મૂલ્ય રૂપિયા ૬૪,૦૦૦ કરોડ એ પહોંચશે.શીતાગારની ક્ષમતા સને ૨૦૧૨ માં ૩૦૧.૧ લાખ મે.ટન હતી જેમાં ૩૬૮.૩ લાખ મે.ટન જેટલી સંગ્રહ ક્ષમતા વધારવાની જરૂરિયાત છે.આ રીપોર્ટમાં બાગાયતી પેદાશોની માંગ વધવાની સાથે ઉષ્ણતામાન નિયંત્રિત ગોડાઇનની પણ માંગ નોંધપાત્ર રીતે વધવા પામશે તેવું જણાવેલ છે.કેટલાક રાજ્યો શીતગાર ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કરવામાં નિષ્ફળ રહ્યા છે.

        વર્તમાનમાં ઉપલબ્ધ શીતાગારોની સંગ્રહ ક્ષમતા પૈકી ફકત ૪૮ ટકાનો જ ઉપયોગ થવા પામે છે.ફકત બટાટાના સંગ્રહ માટે જ શીતાગારો બનાવેલ હોઇ ઉત્તરપ્રદેશ,પ.બંગાળ,બિહાર અને પંજાબમાં તેની સંગ્રહ ક્ષમતાનો ઉપયોગ રાષ્ટ્રીય સંગ્રહ ક્ષમતા કરતાં નીચો છે.શીતાગારો માટે ઊંચુ મૂડીરોકાણ જોઇએ છે.આધુનિક તાંત્રિકતાનો ઉપયોગ કરી શીતાગરો બનાવવા માટે આપવામાં આવતી  સહાયનું ધોરણ પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે ઓછુ પડે છે.બાગાયતી પેદાશના સંગ્રહ માટે કોલ્ડ ચેઇનને પ્રોત્સાહન આપવામાં આવતું નથી જે બાગાયતી પેદાશના સંગ્રહ માટે બિન અર્થક્ષમ નીવડે  છે.

        કૃષિ વેપાર માટે કોલ્ડ ચેઇન એક અગત્યનો ભાગ ભજવે છે જે ઉત્પાદકોને વપરાશકારો સાથે જોડાવાનું કાર્ય કરે છે.કેટલાક પ્રોસસ્ડ ફૂડ માટે કોલ્ડ ચેઇન ઝડપી રીતે કાર્ય કરે તે જરૂરી છે જેમ કે દૂધને પહોંચાડવા માટે દિવસમાં બે વાર ઝડપી વિતરણ કરવું પડે છે જ્યારે આઇસ્ક્રીમના વિતરણ માટે બજારમાં માંગ સીધી રીતે સંકળાયેલ છે.તેની સાથે રીટેઇલ ખાતે ફ્રીઝર કેબિનેટની સવલત હોવી જરૂરી છે. ફ્રોઝન વટાણા જેવી બનાવટો જ્યારે તેની ઋતુ દરમયાન બનાવાય તે સમયે કોલ્ડ ચેઇન ધ્વારા માંગ મુજબ જે તે બજારમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવી જરૂરી છે.એકવાર પેદાશ કે માલ ફેકટરીની બહાર જાય એટલે તેને રીટેઇલ ખાતે ડીપ ફ્રીજમાં પહોંચાડવો પડે.આ જ બાબત માછલી,પોલ્ટ્રી અને માંસની પેદાશો માટે લાગુ પડે છે જેમાં પેદાશનું ઉત્પાદન,તેની બજારમાંગ અને પેદાશની સંગ્રહ ક્ષમતા અગત્યની છે.

        ખાદ્યપેદાશો બનાવતા અને છૂટક રીતે વેચાણ કરતા ઉદ્યોગો કે વ્યક્તિઓ માટે આરોગ્યલક્ષી ધોરણો અને નિયમનો દરેક દેશની સરકારે નક્કી કરેલા હોય છે તેનું દરેકે પાલન કરવું જરૂરી છે.તાજેતરમાં ઇલેકટ્રોનિક ટેગિંગનો ઉપયોગ ઘણો લાભદાથી બન્યો છે કે જેના વડે પેદાશના ઉષ્ણાતામાનની દેખરેખ અને આવરદા જાણી શકાય છે.

        તાજેતરમાં મોટા ભાગના ફળો અને શાકભાજીના નિકાસકારોએ કોલ્ડ ચેઇન મારફતને પેદાશને સફળતાપૂર્વક વપરાશકારોને પહોંચાડવાડના પ્રયાસો કરેલ છે.નાના અને સીમાંત ઉત્પાદકો માટે આર્થિક રીતે અનુકુળ આવે તેવી સંકલિત કોલ્ડ ચેઇનની જરૂરિયાત ઉદ્યોગસાહસિકો ધ્વારા પુરી પાડવાના નિદર્શનો કરેલ છે.

        કોલ્ડ ચેઇન શરૂ કરવા માગતા ઉદ્યોગસાહસિકો માટેના ચાવીરૂપ અવરોધક પરિબળોમાં ઊર્જાની જરૂરિયાત માટેનો ઊંચો ખર્ચ,કોલ્ડ ચેઇન ચલાવવા માટેનો ખર્ચ અને વ્યાજની જવાબદારી મુખ્ય છે. તેથી આવા ખાસ ક્ષેત્રના ઝડપી વિકાસ માટે ઉદ્યોગસાહસિકોને રાહત પુરી પાડવી જરૂરી છે.રાજ્ય સરકાર ધ્વારા અલગ ટેરીફ અને વીજળીની વ્યવસ્થા પુરી પાડવી જોઇએ કે જેથી ઊર્જા માટે થતો ખર્ચ ઘટાડી શકાય. સરકારે નેશનલ ગ્રીન ફંડ ઊભું કરી કોલ્ડ ચેઇનની સવલત માટે વ્યાજમાં રાહત આપવી જોઇએ જેથી તેને ચલાવવામાં તકલીફ ન પડે.રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ધ્વારા કેન્દ્ર સરકારે કોલ્ડ ચેઇન અને તેના ભાગોમાં રોકાણ કરે તેનો કૃષિની માફક અલગ કેટેગરીમાં સમાવેશ કરવો જોઇએ.

        કોલ્ડ ચેઇન ઉદ્યોગને ઇન્ફ્રાસ્ટ્રકચર ઉદ્યોગ તરીકેનો દરજ્જો આપી ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને  મળતા ફાયદાઓની માફક લાભો પુરા પાડવા જોઇએ.સરકારે પસંદ કરેલ વપરાશી ખાદ્ય ચીજવસ્તુઓના શીતાગારમાં સંગ્રહ માટે અને ગોડાઉનના ઉપયોગ માટે ટુંકી મુદતના ધિરાણો પુરા પાડવા જોઇએ.

        આગળ પડતા વિકસિત દેશોમાં વોલ્માર્ટ,ટેસ્કો વગેરે રીટેઇલરો ખાદ્ય ચીજવસ્તુઓના ઉત્પાદકો ધ્વારા ઉત્પાદિત વસ્તુઓનો પુરવઠો પુરો પાડવા માટેના ચેનલ માસ્ટરો છે.ભારતમાં મોટા સુપર સ્ટોરો નથી,આર્થિક ધોરણો નથી,વધુ પડતા વચેટીયાઓ છે એટલે કે આ ક્ષેત્રે શૂન્યતા પ્રર્વતે છે.એટલે કે કોઇ ચેનલ માસ્ટર નથી કે જે પૂરવઠો વ્યવસ્થિત રીતે પુરો પાડી શકે.આમ આ ક્ષેત્રે વિપુલ તકો રહેલી છે.

        વળતર પણ ધીરે ધીરે મળે છે.આ ક્ષેત્રે ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણની છૂટ આપવામાં આવેલી છે જેમાં ફૂલર્સ,વેરહાઉસ,રેફ્રીજરેટેડ ટ્રકસ,કેરીયર્સ,શોપિંગ મોલ વગેરેનો સમાવેશ થાય છે.આ ક્ષેત્રના જોખમો અંગેનો વ્યકિતગત અભ્યાસ કરવો જરૂરી છે.કોલ્ડ ચેઇન માટેના જોખમોમાં ચોમાસાથી નુકસાન,રોગ-જીવાતને કારણે પાક કે કાચા માલનો પૂરવઠો ન મળવો વગેરેનો સમાવેશ થાય છે.

        ખાદ્ય પૂરવઠો મોકલવાની ચેઇનમાં ઉષ્ણતામાન અને હેરફેર થકી ખાદ્ય પેદાશોની ગુણવત્તા અને આવરદામાં ઘટાડો થાય છે. આ ન થવા પામે તે માટે પૂરવઠાકારો એરકન્ડિશન ટ્રકો,ઓટોમેટિક હેરફેરના સાધનો અને તાલીમ પામેલ માણસોની મદદ લઇ શકે છે.આ માટે  રાજ્યમાં ક્રોસ ડોકિંગ જેવી ટેકનીકનો લાભ લઇ વહન સમય માં ઘટાડો કરી શકે છે.

        ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ભારત સરકારે ૧૦૦ ટકા વિદેશી રોકાણની છૂટ આપેલ છે.એગ્રિ એક્ષપોર્ટ ઝોન કે અન્ય ક્ષેત્રે પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવે છે.ફળો,શાકભાજી અને માંસ જેવો કાચો માલ ઔદ્યોગિક ધોરણો મુજબ મળી શકે તેવા વિસ્તારોમાં એગ્રિ એક્ષપોર્ટ ઝોન ઊભા કરેલા છે.દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય પૂર્વના દેશમાં નિકાસ માટે હલાલ હબ,ભારતની ૨૦ ટકા વસ્તી અને વિદેશ માટે વેજીટેરીયન હબ,યુરોપ અને યુએસએ માટે ઓર્ગેનિક હબ અને સીફૂડ હબ સ્થાપવા માટેની ભારતમાં વિશાળ તકો ઊભી કરી શકાય તેમ છે.

        સાત ટ્રીલીયન યુએસ ડોલર ધરાવતા વૈશ્વિક અર્થકરણમાં રીટેઇલ ક્ષેત્રનો ફાળો ઘણો મોટો છે. ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં ખર્ચ અને માક્રેટિંગ ચેનલના કારણે હરિફાઇનો સામનો કરવો પડતો નથી.વિશ્વમાં ૭૨ ટકાથી વધુ ખાદ્યપેદાશોનું વેચાણ સુપર સ્ટોર મારફતે થાય છે. ભારતમાં ૧૨૦ લાખ આઉટલેટસ(ગાડાં મારફતે,તાજી પેદાશો વેચતા માર્કેટ,કિરાણા સ્ટોર)મારફતે થાય છે. કિરાણા સ્ટોર ઘણી ઓછી જગ્યા ધરાવે છે અને કોલ્ડ સ્ટોરની સવલતો ધરાવતા નથી.તેઓને મૂડીની પણ અછત હોઇ વેચાણ માટે વિવિધ માલ રાખી શકતા નથી.

        સને ૨૦૧૫-૨૦ ના ૧૬.૭ સંયુકત વાર્ષિક વૃદ્ધિદર(સીએજીઆર)મુજબ સને ૨૦૨૦ સુધીમાં રીટેઇલ ઉદ્યોગ ૧.૩ ટ્રીલીયન યુએસ ડોલર જેટલો વૃદ્ધિ પામે તેવો અંદાજ છે.વિશ્વમાં રીટેઇલ ક્ષેત્રે ભારત પાંચમા સ્થાન ઉપર છે માર્કેટમાં સંગઠીત ક્ષેત્રનો ફાળો ફકત ૧૦ ટકા છે.આથી કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ તથા અન્ય ઉદ્યોગોમાં રીટેઇલ ક્ષેત્રે રહેલ ગેપ પુરી પાડવાની તાતી જરૂરિયાત છે.વર્તમાન સમયમાં આ ક્ષેત્રે વિદેશી કંપનીઓને ૧૦૦ ટકા રોકાણની છૂટ નથી.

        ભારતમાં રીટેઇલ ક્ષેત્રે ઘણી વિશાળ તકો રહેલી હોઇ તે ક્ષેત્રે ક્રાંતિ લાવવી ખાસ જરૂરી છે.વૈશ્વિક બજારમાં ભારતનો ફાળો ઘણો ઓછો છે જેથી હરીફાઇ ઓછી છે.ભારતમાં અમૂલ, રૂચિ,નેસ્લે, એમટીઆર,આઇટીસી, ડાબર, બ્રિટાનિયા, એચએલએલ જેવી ઘણી ઓછી મોટી ફૂડ કંપનીઓ અને કોક તથા પેપ્સી જેવી પીણાંં બનાવતી મોટી કંપનીઓ આવેલી છે. પોલ્ટ્રી ક્ષેત્રે ગોદરેજ એગ્રોવેટ,સુગુના,પાયોનિયર અને વેંકટેશ્વરા જેવી રેડી ટુ ઇટ ચિકન ફૂડ બનાવતી કંપનીઓ આવેલી છે.ભારતમાં પ્રોસેસ્ડ ફૂડ ઉપર ઊંચા આયાતી નૂર અને નવજાત કોન્ટ્રાકટ ફાર્મિંગ અંગેના મુખ્ય પ્રશ્નો છે.તેથી સપ્લાય ચેઇન માટેના કેટલાક નિયમનોમાં સુધારા વધારા કરવા જોઇએ કે જેથી કોલ્ડ ચેઇન વ્યવસ્થાને વેગ મળે.

        ખેડૂતોને સીધા જ કોલ્ડ ચેઇન ધ્વારા બહુવિધ બજાર સાથે જોડવામાં આવે તો તેની સીધી અસર આર્થિક અને સામાજીક પરિવર્તન ઉપર થઇ શકે છે.ખેડૂતે પોતાની પેદાશ કે જે સહેલાઇથી બગડી જાય તેવી હોય તેને નજીકના બજારમાં જ વેચવી પડે  છે એટલે કોલ્ડ ચેઇનની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો ખેડૂત તેની પેદાશો દૂરનાં બજાર સુધી પહોંચાડી વધુ ભાવો મેળવી શકે.ખેડૂતો સીધા જ બજાર સાથે જોડાય તો વચેટીયાઓ પણ દૂર થતાં આર્થિક રીતે ખેડૂતને પોતાની પેદાશનું સારૂ વળતર મળે તેની સાથોસાથ ગ્રાહકને પણ તાજો માલ મળે.


સ્ત્રોતઃઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ,જાન્યુઆરી-૨૦૧૮


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *