આદ્ગભૂમિ એટલે ઘાસવાળી ભીની જમીન જેને અંગ્રેજીમાં વેટલેન્ડ કહે છે.તે દરિયા કિનારાના વિસ્તારો,નદી કિનારો,સરોવર,જળાશયો,જંગલો વગેરે સ્થળે જોવા મળે છે.આ પૃથ્વી ઉપરના પરિસ્થિતિકીય તંત્રમાં વધુ ઉત્પાદન આપે તેવી ભૂમિ છે જે માનવ સમાજને મહત્ત્વની સેવા પુરી પાડે છે.જમીનનો ઉદભવ,ભૌગોલિક સ્થળ,પાણી ધરાવતો વિસ્તાર અને તેની રાસાયણિક ખાસિયત,તેમાં થતી વનસ્પતિઓ,જમીન અને તેના લક્ષણો વગેરેને કારણે વિવિધ સ્થળોએ આદ્રભૂમિમાં વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં આદ્ગભૂમિનો વિસ્તાર અંદાજે ૯,૧૭૦ થી ૧૨,૭૫૦ લાખ હેકટર વચ્ચે આવેલ છે જેનું અંદાજે આથિર્ક મૂલ્ય ૧૫ ટ્રીલિયન યુએસ અમેરિકન ડોલર થાય.આ ભૂમિ કાર્બન સિન્ક તરીકે કામ આપે છે પરંતુ જો તેની યોગ્ય રીતે વ્યવસ્થા ન કરવામાં આવે તો તે ગ્રીનહાઉસ ગેસના સ્ત્રોત બને છે.જો કે આ અંગેના મર્યાદિત અભ્યાસ થયા છે.તેને નેચર્સ કિડની એટલે કે કુદરતના મૂત્રપિંડ કહેવામાં આવે છે.
આદ્ગભૂમિને બાયોલોજીકલ સુપરમાર્કેટ પણ કહે છે કારણકે તે ઘનિષ્ટ ખોરાકવાળો વિસ્તાર છે જે પ્રાણીઓની અનેક પ્રજાતિઓને આકર્ષે છે અને તે ઊંચી જૈવવૈવિધ્યતા ધરાવે છે.પૃથ્વીની જમીનના કુલ સ્તરના ૫ થી ૮ ટકા વિસ્તાર ધરાવે છે. આ વિસ્તારની જમીનમાં અંદાજે ૧૫૦૦ ગીગા ટન સેન્દ્રિય કાર્બન સંગ્રહાયેલો છે.આદ્રભૂમિનું આગવું મહત્વ હોવા છતાં ઇતિહાસ મુજબ સને ૧૭૦૦ સુધીમાં ૮૭ ટકા આદ્રભૂમિનો વિસ્તાર નાશ પામ્યો છે પરિણામે આદ્રભૂમિમાં રહેલો કાર્બન નોંધપાત્ર રીતે છૂટો પડી વાતાવરણમાં ભળીને નુકસાન કરે છે.વિશ્વમાં આદ્રભૂમિનોે વિસ્તાર અને તેના કુદરતી વર્ગોના વિસ્તારની ટકાવરી કોઠા-૧ અને ૨ માં દર્શાવેલ છે
કોઠો-૧ : વિશ્વમાં આદ્રભૂમિની વહેંચણી (ટકા)
| ક્રમ | વિસ્તાર | ટકા |
| ૧ | એશિયા | ૩૧.૮ |
| ૨ | ઉત્તર અમેરિકા | ૨૭.૧ |
| ૩ | લેટીન અમેરિકા અને કેરેબિયન | ૧૫.૮ |
| ૪ | યુરોપ | ૧૨.૫ |
| ૫ | આફ્રિકા | ૦૯.૯ |
| ૬ | ઓસેનિયા | ૦૨.૯ |
કોઠો–૨ આદ્રભૂમિના કુદરતી વર્ગોના વિસ્તારો (ટકા)
| ક્રમ | વિસ્તાર | ટકા |
| ૧ | કુદરતી સરોવર | ૨૯ |
| ૨ | બિન-જંગલ પીટલેન્ડ | ૨૭ |
| ૩ | ઘાસવાળી ભીની અને કીચડવાળી જમીન | ૨૨ |
| ૪ | વન્ય આર્દ્રભૂમિ | ૧૦ |
| ૫ | નદી અને ઝરણાઓ | ૦૬ |
| ૬ | જંગલની પીટલેન્ડ | ૦૬ |
કાર્બન સિન્ક :
કાર્બન સિન્ક અંગારવાયુને છોડે છે તેના કરતાં કાર્બનનું વધુ શોષણ કરે છે.તે કુદરતી કે કૃત્રિમ (માનવ સર્જિત)રીતે અમર્યાદિત સમય માટે કાર્બનનો સંચય કરતો જળ વિસ્તાર છે. કાર્બન સિન્ક વાતાવરણમાંના અંગારવાયુને દૂર કરે કરવાની પ્રકિયા કરે છે તેને કાર્બન સીકવીસ્ટ્રેશન કહે છે. વનસ્પતિ (છોડ),જમીન અને સમુદ્ર એ કુદરતી કાર્બન સિન્ક છે. નિતાર અને આદ્રભૂમિમાં નકામો ફેરફાર થવાથી તેમાં સંચય પામેલ કાર્બન છૂટો પડી મીથેનના રૂપે વાતાવરણમાં ભળે છે અને આદ્રભૂમિની કાર્બન સંચય ક્ષમતા ઘટે છે.સારી વ્યવસ્થા પદ્ધતિઓના ઉપયોગ કરવામાં આવે તો આ સંચય થયેલ કાર્બનનું સંંરક્ષણ કરી શકાય.પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમ્યાન વનસ્પતિ હવામાંના અંગારવાયુને વાપરે છે.તેમાંનો કેટલાક કાર્બન વનસ્પતિનો નાશ થવાથી કે કહોવાતાં જમીનમાં ઉમેરાય છે.પૃથ્વી પરની જમીન અને દરિયાનો સિન્ક વિસ્તાર માનવ પ્રવૃત્તિઓને કારણે ઉત્સર્જન પામતા અંગારવાયુના અડધા જથ્થાનું શોષણ કરે છે.
કાર્બન સિન્કનું મહત્ત્વ :
હવામાન ફેરફાર એ એક પડકારૂપ બાબત છે.પૃથ્વી પરના હવામાનમાં વણકલ્પેલા દરથી ફેરફાર થતા જોવા મળે છે. હવામાન ફેરફારને કારણે વાવાઝોડા,દરિયાની સપાટીમાં વધારો,વારંવાર પુર આવવું,દુષ્કાળ પડવો વગેરે ફેરફારો અલગ અલગ સ્થળે અને વિવિધ તીવ્રતા રૂપે થતા જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલ સને ૨૧૦૦ સુધીમાં ૨0 સે.ની મર્યાદામાં તાપમાનમાં વધારો જાળવી રાખવો અગત્યનો છે. આ એક સહેલુ કાર્ય નથી.સને ૨૦૫૦ સુધીમાં ૪૦ થી ૭૦ ટકા સુધી ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરી તેને સદીના અંત સુધીમાં શૂન્ય સ્તરે લાવવો પડશે.હવામાન ફેરફારના પડકારનો સામનો કરવા માટે કાર્બન સિન્ક એક મહત્ત્વનો ભાગ ભજવશે.વિશ્વમાં કુલ જમીન વિસ્તારના અંદાજે ત્રણ ટકા વિસ્તાર આદ્રભૂમિ હેઠળ છે જે અન્ય જમીનો કરતાં જૂદી પડે છે.વિવિધ પ્રકારની આદ્રભૂમિ ૩૫૦ થી ૫૩૫ ગીગા ટન કાર્બન ધરાવે છે જે વિશ્વના કાર્બનના ૨૦ થી ૨૫ ટકા થાય છે.
આર્દ્રભૂમિમાં કાર્બન સંગ્રહ પદ્રતિ :
આર્દ્રભૂમિ એ અનુપમ લક્ષણો ધરાવે છે કે જે સાંસ્કૃતિક,આર્થિક અને જૈવિક વૈવિધ્યતાના સ્ત્રોત છે.આવા અનુપમ લક્ષણો કાર્બનની ગતિશીલતાને અસર કરે છે પરિણામે આદ્ગભૂમિ કાર્બનનો સંગ્રહ કરવામાં મદદરૂપ થાય છે. વાનસ્પતિક છોડ હવામાંથી પણરંધ્રો ધ્વારા અંગારવાયુ શોષે છે અને પ્રકાશસંશ્લેષણ ધ્વારા હવામાંના આ વાયુનું કાર્બન રૂપે મૂળ,થડ અને પાનની પેશીઓમાં સંગ્રહ કરે છે. પશુઓ કે પ્રાણીઓ જે વાનસ્પતિક છોડનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તે તેના મળમૂત્ર ધ્વારા જમીનમાં કાર્બનનો ઉમેરો કરે છે. વનસ્પતિ અને પ્રાણીઓ જ્યારે નાશ/મૃત્યુ પામે ત્યારે તેનું જમીનમાંના સૂક્ષ્મજીવો ધ્વારા કોહવાણ થતાં તેમાંથી કાર્બન છૂટો પડે છે.જમીનમાં તે ખનીજ રૂપે સંગ્રહ પામે છે જેને હયુમસ કહે છે.દરિયામાં તરતો સેન્દ્રિય પદાર્થોનો સમૂહ (પ્લાન્કટોન) અને પાણીમાં થતી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ ધ્વારા અંગારવાયુને શોષે છે.જયારે તે નાશ પામે ત્યારે દરિયાના તળિયે કહોવાઇને જમા થાય છે અને કાર્બનને જમા કરે છે.
કાર્બનના સંગ્રહને અસર કરતાં પરિબળો અને આર્દ્રભુમિમાં લાબાગાળા સુધી તેનો સંગ્રહઃ
સેન્દ્રિય તત્વોનું ઉત્પાદન તથા તેનું કહોવાણ અને મીથેનનું ઉત્પાદન બંને વચ્ચેની સમતુલા અને તેને પરિણામે આદ્રભૂમિમાં થતા કાર્બનના સંગ્રહને કેટલાક પરિબળો અસર કરે છે જેવા કે,
- આદ્રભૂમિનું ભૌગોલિક સ્થાન અને ભૂસ્તશાસ્ત્રીય રૂપરેખા
- જળયુકત વિસ્તાર
- ચોક્કસ જાતની વનસ્પતિની હાજરી
- જમીનનું તાપમાન અને ભેજ
- પીએચ આંક અને આકારવિદ્યા
વિવિધ પ્રકારની આદ્ગભૂમિમાં વૈશ્વિક ધોરણે કાર્બનનો સંચય :
આદ્ગભૂમિ એ કાર્બનને જકડી અને તેનો સંગ્રહ કરી હવામાન ફેરફારનો સામનો કરી શકે છે.તે કાર્બન સંગ્રહમાં અને ગ્રીનહાઉસ ગેસનું નિયમન કરવામાં એમ બંને ક્ષેત્રે મહત્વનો ફાળો આપે છે.જળ,આદ્ગભૂમિ,જૈવવૈવિધ્યતા અને હવામાન ફેરફાર અંગે નિષ્ણાતોની બેઠક કે જેમાં રામસર સાયન્ટિફિક એન્ડ ટેકનીકલ રીવ્યુ પેનલ (STRP) ના સેક્રેટરી અને કન્વેશન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી (CBD) ના સેક્રેટરીનો સમાવેશ થયેલ.તેઓના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય સમાજને આર્દ્રભૂમિનું કાર્બન સંચય માટેનું મહત્ત્વ જણાવી તેનું સંરક્ષણ કરવાના પ્રયાસો હાથ ધરવા માટે જણાવેલ છે.આર્દ્રભૂમિમાં કાર્બનની સમતુલા માટે વિશ્વનો આર્દ્રભૂમિ વિસ્તાર અને પ્રવર્તમાન કાર્બન સંગ્રહ અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તે છે.શ્રી રામસર એસટીઆરપી એ સને ૨૦૦૭ માં કરેલ ગણતરી મુુજબ અંદાજે પૃથ્વીના જમીનની ઉપરના પડના ૯ ટકા એટલે કે ૧૨,૮૦૦ લાખ હેકટર જમીન આદ્ગભૂમિ હેઠળ આવેલી છે. એક અંદાજ મુજબ તે વૈશ્વિક કાર્બનના ૩૫ ટકા કાર્બન ધરાવે છે.
આદ્ગભૂમિ દરિયા કિનારાના વિસ્તારો અને દરિયાનું ક્ષારવાળુ પાણી ધરાવતા વિસ્તારોમાં છવાયેલી છે જે વિશ્વના કુલ વિસ્તારના પ્રમાણમાં ઘણી મર્યાદિત વિસ્તારમાં છે. દરિયાની સપાટીના ૦.૨ ટકા જેટલો ઓછો વિસ્તાર દરિયાઇ ઘાસથી છવાયેલ છે જે દર વર્ષે અંંદાજે ૧૦ ટકા જેટલો કાર્બનનો સંગ્રહ કરે છે.દર વર્ષે તે ૧.૫ ટકાના દરે નાશ પામે છે જે વિશ્વ કવરેજના અંદાજે ૩૦ ટકા થાય છે.
વિશેષમાં વિશ્વમાં ચેરીયાં (મેન્ગ્રુવ) હેઠળ ૧૪૦ થી ૧૫૦ લાખ હેકટર જમીન વિસ્તાર આવેલો છે જે ધીમે ધીમે અદ્રશ્ય થતો જાય છે.
કિનારાના વિસ્તારોનો જંગલ વિસ્તાર દર વર્ષે અંદાજ ૩૧ થી ૩૪ અબજ કિ.ગ્રા.કાર્બન સંચય કરે છે જે કાર્બન સંચય પાવર હાઉસ તરીકે કાર્ય કરે છે. પીટ અંદાજે વિશ્વની જમીનની સપાટીના ત્રણ ટકા જેટલો વિસ્તાર(૪૦ લાખ ચો.કિ.મી.)આવરી લે છે જે પૃથ્વીનો વધુમાં વધુ કાર્બન સંચય કરતો વિસ્તાર હોવાનું માનવામાં આવે છે.પીટલેન્ડ વિસ્તાર અંદાજે ૩૦ ટકા કાર્બન(૪૦૦ થી ૭૦૦ ગીગા ટન) નો સંચય કરે છે. પુરનો મેદાની વિસ્તાર ઘણીવાર વધુ ઉત્પાદક વિસ્તાર છે અને તેની કાર્બન સંચય ક્ષમતા વધુ ઊંચી હોય છે તેમ છતાં પુરથી બનતા મેદાનોમાં પાણીનો ભરાવાને કારણે અવાતજીવી પરિસ્થિતિને કારણે વાતાવરણમાં મીથેન વધુ પ્રસરે છે.
સારાંશ :
આદ્રભૂમિ એ કાર્બન ચક્ર,જળ અને પોષકતત્વો,આહાર અને રેસાનું ઉત્પાદન, જળ, શુદ્ધિકરણ, પ્રવાહનું નિયમન, પ્રાણીઓના રહેઠાણમાં સ્થળાતંર,ટુરીઝમ (યાત્રા સંબધી) અને રચનાત્મક સેવાઓ વગેરેમાં મહત્ત્વનો ફાળો આપે છે. આવી જમીનો ઊંચી ઉત્પાદકતા ધરાવે છે અને કાર્બનનો વધુ સંચય કરે છે.
સંદર્ભઃસીએયુ ફાર્મ મેગેઝીન,ઓકટો-ડિસે.૨૦૧૯
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

