કેરાલા રાજ્યના વાયનાડ જીલ્લાની મુખ્ય વસ્તી ૧૨ જેટલા આદિવાસી સમાજોની બનેલી છે જે રહેણી કરણી સંસ્કૃતિ,બોલી,રીત રીવાજ અને સામાજીક-આર્થિક પરિસ્થિતિ વગેરેમાં વિવિધતા ધરાવે છે. મોટા ભાગની આદિવાસી વસ્તી આર્થિક રીતે વન ઉપર આધારીત છે.આવી વન આધારીત વસ્તીનો અભ્યાસ કરતાં તેઓ હવામાનની પ્રતિકુળ પરિસ્થિતિ,વન પેદાશ માટે પ્રતિબંધ,બજારમાં વન પેદાશોની ન્યૂનતમ કિંમત અને વન પેદાશોના એકત્રિતકરણ અને નિષ્કર્ષણ સાથે સંકળાયેલ જોખમો વગેરે પડકારોનો સામનો કરે છે.આ બાબતો વન આધારિત સમાજની આવક ઉપર અસર કરે છે.
ગૌણ વન્ય પેદાશોનું એકત્રિકરણ કરવું એ એક પડકાર છે અને તેનું પ્રોસેસિંગ કરવામાં ન આવે તો ફાયદો થતો નથી. આદિવાસીઓ દિલથી મહેનત કરી હાથ વડે ગૌણ વન્ય પેદાશોનું એકત્રિકરણ કરે છે પરંતુ આ પેદાશોની બજારમાં તેના મૂલ્ય કરતાં ઓછી કિંમત ઉપજવી,તેનું યોગ્ય રીતે માપન ન થવું, વચેટીયાઓ ધ્વારા લેવાતી દલાલી,કેટલીક પેદાશોની આવરદા ઓછી હોવી,સીઝન દરમ્યાન માલના પેદાશનો ભરાવો થવો,સંગ્રહ માટે નાણાંની જરૂરિયાતનો અભાવ અને પેદાશના પેકિંગની ખામી વગેરે કારણોસર આદિવાસીઓની આ પ્રવૃત્તિ ઉપર અસર થવા પામે છે.વિશેષમાં કેટલીક ગૌણ વન્ય પેદાશોની આવરદા ઓછી હોઇ આદિવાસીઓએ તેને સસ્તા ભાવે વેચી દેવી પડે છે.તેને પરિણામે તેઓ ગરીબાઇમાંથી બહાર આવી શકતા નથી અને બજારમાં પેદાશની ઊંચી કિંમત મેળવી શકતા નથી.
મૂલ્ય વર્ધનની પહેલ :
કેરાલાના વાયનાડ જીલ્લામાં પૂથાડી ગ્રામ પંચાયત હેઠળ ૭૩ જેટલી જગ્યાઓએ સરકારી વાવેતર કરવામાં આવેલ છે જેને મુખ્યત્વે પાનિયન,કટુનાયકન અને મુલ્લુક્રુમા સમાજનું પ્રભુત્વ ધરાવતા ૩૦૨ જમીનવિહોણા આદિવાસી કુંટુંબોને ફાળવેલ છે.આ પૈકી કટુનાયકન સમાજ વન ઉપર આધારીત હોઇ તેના કુટુંબો ગૌણ વન પેદાશો એકત્ર કરવા માટે સ્થાનિક વિસ્તારમાં પ્રખ્યાત છે જ્યારે અન્ય બે સમાજના આદિવાસીઓ કુદરત સાથે સંપર્કમાં રહેતા હોઇ ગૌણ પેદાશો એકત્રિત કરવામાં માહિતગાર છે. કુલ ૩૦૨ આદિવાસી કુટુંબો પૈકી ૫૩ કુટુંબો મુખ્યત્વે પોતાના ઘરવપરાશ અને આજીવિકા માટે વન્ય ગૌૈણ પેદાશો ઉપર વધુ આધાર રાખે છે.ગૌણ વન્ય પેદાશોના એકત્રિકરણ માટેના સમય દરમ્યાન તેઓ ૯૦ ટકાથી વધુ આવક ગૌણ વન્ય પેદાશોમાંથી મેળવે છે. તેના પ્રાથમિક આંકડાઓ જોતો ગૌણ વન્ય પેદાશોનું મૂલ્ય વર્ધન કરવામાં આવે તો તેઓ વધુ આવક પ્રાપ્ત કરે તેવી ક્ષમતા દર્શાવે છે.
કેરાલાના વાયનાડ ખાતે એમ.એસ.સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશન સંચાલિત કોમ્યુનિટી એગ્રોબાયોડાવર્સિટી સેન્ટર ધ્વારા ગૌણ વન્ય પેદાશોના મૂલ્ય વર્ધનની શરૂઆત કરવામાં આવી છે. તેનો હેતુ માર્કેટ સાથેના યોગ્ય જોડાણની ખામીને કારણે પેદાશમાં ઘટ પડવી તેને અટકાવવાનો જ નહિં પરંતુ વચેટીયાઓને દૂર રાખી પેદાશોની સારી કિંમત મળે અને મૂલ્ય વર્ધન ધ્વારા પેદાશની આવરદામાં વધારો થાય તે છે.તેની શરૂઆત નાબાર્ડ અને ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સહયોગથી કરવામાં આવી છે.
આ કેન્દ્ર ધ્વારા સને ૨૦૧૮ થી ક્ષેત્ર અભ્યાસો અને તાલીમો યોજવામાં આવી છે જેથી ગૌણ વન્ય પેદાશોના એકત્રિકરણમાં પડતી મુશ્કેલીઓ અને મૂલ્ય વર્ધન અંગેની માહિતી મેળવી શકાય.આવી તાલીમો ત્રણ તબક્કા યોજવામાં આવેલ જેમાં પ્રથમ તબક્કામાં ગૌણ વન્ય પેદાશોના જ્ઞાન આધારીત તાલીમો,બીજા તબક્કામાં મૂલ્ય વર્ધન માટે કુશળતા માટેની તાલીમો અને અંતિમ ત્રીજા તબક્કે ઉત્પાદન અને માર્કેટિંગ અંગેની તાલીમો ગોઠવવામાં આવેલ.
આદિવાસી સમાજની છ મહિલાઓ અને ચાર પુરૂષોની ભાગીદારીથી ‘વનમલ્લિકા’નામનું સ્વ સહાય જૂથ શરૂ કરવામાં આવેલ.તેઓને પેદાશની પ્રોડકટમાં મહત્તમ પોષણ જળવાય,પરિરક્ષક રસાયણ અને તેમાં ઉમેરાતા પદાર્થોના પ્રમાણમાં ઘટાડો કરવો તથા ઋતુ પ્રમાણે ઉપલબ્ધ વપરાશી વન્ય પેદાશોનું પ્રોસેસિંગ અને મૂલ્ય વર્ધન કરવું વગેરે વિષયો ઉપર તાલીમ આપવામાં આવી.આ તાલીમમાં ઘરવપરાશમાં પોષણની સલામતી અને આવક પેદા કરવા ઉપર ભાર મૂકવામાં આવેલ. ટુંકમાં ગૌણ વન્ય પેદાશોનું પ્રોસેસિંગ અને મૂલ્ય વર્ધન ઉપર મુખ્યત્વે ઝોક આપવામાં આવેલ.
તાલીમ ઉપરાંત માર્કેટિંગ માટે જાણકાર વ્યકિતઓનો ટેકો પણ પુરો પાડવામાં આવેલ.મોટા પાયા પર મૂલ્ય વર્ધન કરનાર ફાર્મર પ્રોડયુસર્સ ઓર્ગેનાઇઝેશનના સભ્યોના નેટવર્ક સાથે કાચા માલ અથવા પ્રોડકટસ માટે જોડાણ કરવામાં આવેલ.હાલમાં સ્વ સહાય જૂથ પેદાશના સીધા વેચાણ ધ્વારા અને રાજ્યમાં સજીવ ખેતીનું વેચાણ કરતી દુકાનો મારફતે એમ બે રીતે માર્કેટિંગ કરે છે.આવનાર વર્ષોમાં નિષ્ણાતની ટીમ ધ્વારા વધુ સફળતા મળશે તેવી આશા છે.
મૂલ્ય વર્ધનની અસર :
વનમલ્લિકા સ્વ સહાય જૂથ ધ્વારા ગૌણ વન્ય પેદાશોનું મૂલ્ય વર્ધન કરવામાં આવે છે જેની વિગત કોઠામાં દર્શાવેલ છેઃ
| ક્રમ | ગૌણ વન્ય પેદાશ | મૂલ્ય વર્ધિત બનાવટો |
| ૧ | જંગલી આમળાં | અથાણુ,મધયુક્ત આમળા,આમળા કેન્ડી,સૂકાં આમળાં,આમળાં પાઉડર, ઔષધિ તરીકે આમળાંનાં બીજ |
| ૨ | મધ | પ્રોસેસ્ડ મધ |
| ૩ | જેકફ્રુટ | પાયસમ, જેક વારાત્તી, જેક બીરીયાની, જેક ફિટ્ટર્સ, જેક સમોસા, જેક સીડ પાઉડર |
| ૪ | આદુ | સૂંઠ પાઉડર, સૂંઠ,જીંજર કોફી |
| ૫ | રતાળુ | યામ મિક્ષ્ચર |
| ૬ | મીઠો લીમડો | મીઠા લીમડાનો પાઉડર, મીઠી લીમડી અને આમલીનો મિક્ષ પાઉડર |
| ૭ | સરગવો | સરગવાના પાનનો પાઉડર |
મૂલ્ય વર્ધનની અસર :
ગૌણ વન્ય પેદાશની અસર જાણવી મુશ્કેલ બાબત છે.એક અભ્યાસ મુજબ હાલમાં જંગલી એરોરૂટ પાઉડરની બજારમાં ઊંચી માંગ છે કારણ કે બજારમાં ભેળસેળ મુક્ત સારી ગુણવત્તા ધરાવતો એરરૂટ પાઉડર ભાગ્યે જ ઉપલબ્ધ થાય છે.જો કે તે માટે પ્રોસેસિંગની ખામી જણાય છે.આ પ્રોડક્ટની માંગ હોવા છતાં તેનું ઉત્પાદન પરંપરાગત પદ્ધતિઓ ધ્વારા થતું હોઇ વધુ સમય માંગે છે.જંગલી એરોરૂટ પુરતા પ્રમાણમાં જંગલમાં ઉપલબ્ધ છે પરંંતુ તેના કાચા માલની ન્યૂનતમ કિંમત મળતી હોઇ તેનું એકત્રિકરણ કરવામાં આવતું નથી.આ અંગેની મશીનરી ઉપલબ્ધ હોઇ હવે તેનું પ્રોસેસિંગ સહેલુ થવાથી ઊંચી કિંમતે બજારમાં વેચી શકાય છે.ગત વર્ષે ૨૦ કિલો પ્રોસેસ્ડ એરોરૂટ કિલોના રૂપિયા ૧૫૦૦ લેખે વેચવામાં આવેલ.ટુંકમાં વાર્ષિક અંદાજે એક લાખ રૂપિયાની મૂલ્ય વર્ધિત ગૌણ વન્ય પેદાશોનું વેચાણ કરવામાં આવેલ.
આવા મૂલ્ય વર્ધનના પ્રયાસોને કારણે આદિવાસી મહિલાઓની નાણાકીય સદ્ધરતા વધી છે અને સામાજીક તથા આર્થિક રીતે તેમનો સમાજ ઊંચો આવેલ છે.સ્વ સહાય જૂથના સભ્યોમાં મૂલ્ય વર્ધિત પેદાશોનું વેચાણ કરવાની તથા ઉદ્યોગસાહસિકતાની કુશળતાનો વિકાસ થયો છે.તેઓને પોતાનામાં ક્ષમતાઓની જાણકારી મળી છે.આ કેન્દ્ર ધ્વારા મળેલ તાલીમ વડે જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત થતાં તેઓનું સશકિતકરણ થયેલ છે.
કોવિડના કારણે આદિવાસી વિસ્તારોમાં મોટા પાયે મજૂરોનો પશ્ન ઊભો થયેલ તેવા સંજોગોમાં વનમલ્લિકા સ્વ સહાય જૂથોના સભ્યોએ મૂલ્ય વર્ધિન પેદાશોના ઉત્પાદન અને માર્કેટિંગ ધ્વારા દૈનિક ૬૦૦ રૂપિયાની આવક પ્રાપ્ત કરેલ.સ્વ સહાય જૂથે ‘‘ન્યુટ્રિ-રિચ ’’નામની મૂલ્ય વર્ધિત પેદાશના નિદર્શન વડે વપરાશકારોમાં ઊંચા લેવલની જાણકારી પેદા કરેલ.આમ વનમલ્લિકા જૂથે પેદા કરેલ મૂલ્ય વર્ધિત પેદાશો ખાવા માટે સલામત છે કારણ કે તે ઘરે બનાવેલ કુદરતી સજીવ પેદાશ છે.
મૂલ્ય વર્ધન અંગેના પડકારો અને ભાવિ પ્રયાસો :
કોવિડ મહામારીને કારણે મૂલ્ય વર્ધન પ્રક્રિયામાં કટોકટી ઊભી થવા પામેલ જેના કારણે મોટા ભાગની ગૌણ વન્ય પેદાશો સ્વ સહાય જૂથો ધ્વારા જે તે ઋતુમાં એકઠી કરી મૂલ્ય વર્ધિત પ્રોડક્ટસ બનાવવામાં આવેલ જેવી કે જંગલી એરોરૂટ,જંગલી ગુઝબેરી,જંગલી મધ,જંગલી કેરી,જેકફ્રુટના બી વગેરે.આવી ગૌણ વન્ય પેદાશો વપરાશી વસ્તુ હોઇ તેને વર્ષ દરમ્યાન સંગ્રહિત કરવા માટે તાંત્રિકતા અને મોંઘી સવલતોની જરૂર પડે છે.વધુમાં મૂલ્ય વર્ધન ત્યારે જ નફાકારક બને કે જ્યારે કાચો માલ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય.
આ સિવાય અપુરતી સંગ્રહ સવલતો,ઉતરતી કક્ષાનું ગ્રેડિંગ(અપૂર્ણ પેકિંગને કારણે પ્રોડકટની આવરદા ઘટે તેમજ ગ્રાહકોનું આકર્ષણ ન જળવાય), માર્કેટિંગની વ્યૂહરચનાનો અભાવ(જેમ કે જાહેરાત કરવાની મર્યાદા)વગેરે બાબતો પણ ગૌણ વન્ય પેદાશોના બજારોને અસર કરે છે. વિશેષમાં કોવિડની પરિસ્થિતિને કારણે પ્રોડક્ટસ પૂરવઠાની હરોળ ખોરવાઇ ગયેલ જેને કારણે પણ મુશ્કેલી થવા પામેલ.
આદિવાસીઓ ધ્વારા કેટલીક ચોક્કસ ગૌણ વન્ય પેદાશોનું એકત્રિકરણ કરવામાં નહિ આવતાં તેનો પૂરવઠો લભ્ય થતો નથી.વળી આદિવાસીઓ પાસેથી ધંધાકીય રીતે કામ લેવું પણ સરળ અને સહેલું નથી.તેના પરિણામે પેદાશના ઉત્પાદન અને વહેંચણી ઉપર માઠી અસર થવા પામે છે. આથી આદિવાસીઓના સ્વ સહાય જૂથો બનાવી ગૌણ વન્ય પેદાશોની વિવિધ પ્રોડક્ટસ બનાવવા અને તેની વહેંચણી કરવાની ક્ષમતાઓ વિકસાવી તેઓનું સશક્તિકરણ કરવું જરૂરી છે કે જેથી તેઓ વધુ સારી રીતે પોતાનું જીવનધોરણ જીવી શકે.
સ્ત્રોતઃ Leisa india, જૂન-૨૦૨૧
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

