‘ગ્રીન ગુડ ડીડઝ’ નામની સામાજીક ચળવળ પર્યાવરણ,વન અને હવામાન પરિવર્તન વિભાગના કેન્દ્રિય મંત્રીશ્રી ડૉ. હર્ષવર્ધન ધ્વારા પર્યાવરણનું સંરક્ષણ અને દેશના લોકોનેં સારૂ જીવન જીવવા માટેનું પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે શરૂ કરવામાં આવી છે જેને વૈશ્વિક સમુદાયે સ્વિકારી છે. પર્યાવરણ માટે કાર્યરત દક્ષિણ આફ્રિકાના ડરબન સ્થિત બ્રિક્રસ (BRICS)સમુદાયના મંત્રીપદેથી ગ્રીન ગુડ ડીડઝનો સત્તાવાર કાર્યસૂચિમાં સમાવેશ કરવાની સંમતિ આપી હવે પછીના બ્રાઝિલ ખાતેના મંત્રીપદે અને રશિયા ખાતે યોજનાનાર બેઠકમાં તેનો સમાવેશ કરેલ છે. બ્રિકસ સમુદાયના મંત્રી પદેથી પર્યાવરણ અંગેની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ‘ગ્રીન ગુડ ડીડઝ’ અંગેની જાહેરાત કરવામાં આવશે તેવું ડૉ. હર્ષવર્ધને જણાવેલ છે.
‘ગ્રીન ગુડ ડીડઝ’ અંગે જાન્યુઆરી ૨૦૧૮માં કેન્દ્રિય મંત્રીશ્રી ડૉ. હર્ષવર્ધન ધ્વારા રાષ્ટ્રીય ઝૂંબેેશની શરૂઆત કરવામાં આવેલ. તેઓએ વિદ્યાર્થીઓે, શિક્ષકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, નિવાસી કલ્યાણ સંઘો/મંડળો અને વ્યવસાયિકો મળી હજારો લોકોને સારા કાર્યો (ગુડ ડીઝ) અપનાવવા માટે સહકાર આપવા જણાવેલ. ભારતના પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલયે ૫૦૦ થી વધુ ગ્રીન ગુડ ડીડઝની યાદી આપી લોકોને સામાજીક જવાબદારી નિભાવવા માટે સારી વર્તણૂંક કરવા માટે પૂછવામાં આવેલ. પર્યાવરણના સંરક્ષણ માટે વ્યક્તિ અથવા સંસ્થાઓને હકારાત્મક કાર્યો કરવા માટે ડૉ. હર્ષ વર્ધન (Dr Harsh Vardhan) નામની મોબાઇલ એપ મૂકવામાં આવી છે.
ઓપરેશન ગ્રીન્સ (OG-Operation Greens) ની ખરેખર સફળતા પોષાય તેવી કિંમતે વપરાશકારો/ગ્રાહકોને ખેતપેદાશો મળે તે છે. ભારતની હરિયાળી ક્રાંતિના પિતાશ્રી ડૉ.એમ.એસ. સ્વામિનાથનના જણાવ્યા મુજબ જો ખેતી નિષ્ફળ જશે તો બાકી બધુ નિષ્ફળ જશે. ઓપરેશન ગ્રીન્સ એ ખેતીની નિષ્ફળતાને અટકાવવા માટેનું સરકારનું આવકારદાયક પગલું છે કે જે ભારતીય ખેડૂતને વિશ્વમાં સારૂ સ્થાન આપશે. ભારતની અર્થવ્યવસ્થા મોટા ભાગે કૃષિ અને તેને સંલગ્ન ડેરી, વન, મત્સ્ય વગેરે ક્ષેત્રો ઉપર આધારીત છે કે જે અંદાજે ભારતની કુલ ઘરગથ્થુ ઉત્પાદકતા (જીડીપી)ના ૧૮ ટકા જેટલી છે. ભારતની કુલ વસ્તીના ૫૭ ટકા વસ્તી કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રોના વ્યવસાયમાં રોકાયેલી છે.ભારત ધાન્યના ઉત્પાદનમાં અગ્રણી છે. કઠોળ, મરીમસાલા અને તેની પેદાશો ઉત્પન્ન કરી ભારતના વપરાશકારોને વેચી ૬૦ થી ૭૦ ટકા નાણાં ખેડૂતો મેળવે છે. ડાંગર, ઘઉં, કઠોળ, મગફળી, સરસવ, શાકભાજી, ચા, તમાકુ અને બીજી અનેક કૃષિ પેદાશોના ઉત્પાદનમાં ભારત દેશનો દુનિયાના પ્રથમ ત્રણ દેશમાં સમાવેશ થાય છે. આમ ભારત કૃષિ ક્ષેત્રે છેલ્લા દસકાઓથી અગ્રતા ક્રમે હોવા છતાં ભારતના ખેડૂતોની સ્થિતિ દયાજનક છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર અનેક પશ્નોનો સામનો કરી રહ્યુ છે તેમાંના કેટલાક કારણો અત્રે દર્શાવેલ છેઃ
(૧) ખેડૂતોમાં નિરક્ષરતા અને અજ્ઞાનતા :
ખેડૂતો સરકારી યોજનાઓ અને તેના લાભો વિષે અજાણ છે. જોે તેઓ યોજનાઓ વિષે જાણતા હોય તો પણ તેની વિગતો અને પદ્ધતિનો લાભ લેવાની ક્ષમતા ધરાવતા નથી.તેથી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે વચેટીયાઓ/દલાલો ઉપર આધાર રાખે છે કે જે તેઓને ખોટી માહિતી આપી છેતરે છે જેથી જે તે યોજનાના લાભો મેળવી શકતા નથી.
(૨) મૂડીની અછત :
દરેક ધંધાની માફક ખેતી પણ એક ધંધો હોઇ તેના માટે પણ મૂડીરોકાણની જરૂર પડે છે.આધુનિક ખેતીની તાંત્રિકતાઓનો અમલ કરવા માટે મૂડી એક સાધન તરીકે વધુ મહત્ત્વની છે. જો કે ભારત સરકાર આધુનિક કૃષિના માળખા અને આધુનિક ખેત સાધન માટે નાણાકીય સહાય આપે છે પરંતુ ખેડૂતે પ્રથમ તેનાં નાણાં ચૂકવવાનાં કહે છે. નાણાકિય સહાયની રકમ ખેડૂતને પછીથી તેના બેંક ખાતામાં સરકાર ધ્વારા જમા કરાવવામાં આવે છે. આથી મોટા ભાગના ખેડૂતો પોતાની પાસે જરૂરી નાણાં ન હોવાથી સરકારશ્રીની યોજનાઓનો લાભ મેળવી શકતા નથી.
(૩) ઓછી જમીન ધરાવતા સીમાંત ખેડૂતો :
ભારતમાં ૬૯ ટકા સીમાંત ખેડૂતો આવેલા છે જે એક હેકટરથી પણ ઓછી જમીન ધરાવે છે. તેના કારણે ભારતની ખેતી આથિંક રીતે વ્યવહારૂ નથી.
(૪) કૃષિના ઇનપુટસની ઊંચી કિંમતો :
ઊંચી કિંમતો ધરાવતા કૃષિના ઇનપુટસમાં બિયારણ, જતુંનાશક દવાઓ અને કૃષિ તાંત્રિકતાનો સમાવેશ થાય છે. આધુનિક ખેતી કરવા માટે ઊંચી ગુણવત્તા ધરાવતા બિયારણો માટે ઊંચો ખર્ચ કરવો પડે છે અને તેનો ઉપયોેગ બીજા વર્ષનું બિયારણ પેદા કરવા માટે થઇ શકતો નથી એટલે જ આવા બિયારણો પરંપરાગત રીતે ખેતી કરતા ખેડૂતો માટે આર્થિક રીતે અવ્યવહારૂ છે.
(૫) યોગ્ય પિયત સવલતોની ખામી :
ભારતની ખેતી મોટે ભાગે ચોેમાસા ઉપર આધારિત છે કે જે અચોક્કસ, અવિશ્વસનીય અને અનિયમિત છે. સૂકી ખેતી વિસ્તારમાં જો અપૂરતો વરસાદ પડે તો ખેતી સંપૂર્ણ રીતે નિષ્ફળ પામે છે. કૂવાઓ ધ્વારા જ્યાં પિયત કરવામાં આવે છે તેવા ખેતીના વિસ્તારોમાં પાણીનો ભરાવોે અને ક્ષારીયતા તથા ભાસ્મિકતાના પશ્નો ઊભા થાય છે.
(૬) યાંત્રિકરણ અને આધુનિક કૃષિ તાંત્રિકતાની ખામી :
કૃષિમાં યાંત્રિકરણની ખામીને કારણે માનવ મજૂરોનો વ્યય થાય છે અને ખેતીની ઉત્પાદક્તા ઘટવા પામે છે. જો કૃષિ તાંત્રિકતાઓનો યાંત્રિકરણ વડે અમલ કરવામાં આવે તો અસરકારક અને ઝડપી રીતે કૃષિ કાર્યો થાય છે જેને પરિણામે બહુવિધ પાકોની ખેતીમાં સવલત રહે છે.
(૭) જમીન આરોગ્ય અને તેની માહિતીનો અભાવ :
ખેડૂતો જ્ઞાનના અભાવે પોતાના ખેતરની જમીન માટે કયો પાક લેવો ઉત્તમ છે તે અને પાક માટે કેટલા જથ્થામાં ખેત રસાયણોની જરૂર પડશે તે જાણવાની ક્ષમતા ધરાવતા નથી. જો જમીન આરોગ્ય અને તેની વ્યવસ્થાની વ્યૂહરચનાનું જ્ઞાન ખેડૂત પાસે હોય તો તે કૃષિ ઉત્પાદન ખર્ચમાં સારો એવો ઘટાડો કરી શકે છે.
(૮) કૃષિ માર્કેટિંગની નબળી સેવાઓ :
આપણા દેશ માટે કૃષિ માર્કેટિંગ એ એક પડકારજનક બાબત છે. ખેડૂતો યોગ્ય માર્કેટિંગ સવલતોના અભાવને લીધે પોતાની ખેતી પેદાશના વેચાણ માટે સ્થાનિક વેપારીઓ અથવા વચેટીયાઓ/દલાલો ઉપર આધાર રાખે છે. ખેડૂતની આ લાચારીનો લાભ સ્થાનિક વેપારીઓ અથવા વચેટિયાઓ/દલાલો મેળવે છે અને નાખી દેવાના ભાવે ખેતીપેદાશ ખરીદી લે છે. આમ ખેડૂતને પોતાની પેદાશના યોગ્ય ભાવ મળતા નથી.
(૯) કાપણી બાદ સંગ્રહ અને વહનની અપુરતી સવલતો :
ખેડૂતો પોતાની પેદાશોનો સંગ્રહ કરી શકે તેવી તેમજ તેના વહનની યોગ્ય વ્યવસ્થાની ખામીને કારણે પોતાની ખેતીપેદાશ વચેટીયાઓને નાખી દેવાની કિંમતે વેચવી પડે છે.
ઉપરોક્ત પશ્નોના નિરાકરણ માટે સમયે સમયે સરકાર ધ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે છે તેમછતાં તે અંગે હજુ ઘણું કરવાનું બાકી છે.
ખેડૂતોમાં નિરક્ષરતા :
સરકાર ધ્વારા અમલમાં મૂકાયેલ સાક્ષરતા કાર્યક્રમ નિષ્ફળ જવાના મુખ્ય કારણો નીચે જણાવેલ છે :
(૧) આ કાર્યક્રમ મરજીયાત છે એટલે કે ફરજીયાત નથી.
(૨) લોકો પોતાના દૈનિક જીવનમાં સાક્ષરતાને જોડતા નથી.
(૩) આર્થિક સ્થિતિને કારણે ઘણા લોકો આહાર, આરોગ્ય,રોજગાર અને આત્મનિર્ભર માટેના પશ્નોથી ઘેરાયેલા રહે છે.
(૪) આવા કાર્યક્રમોમાં જોડાયેલ વ્યક્તિ અને તેના સંચાલકો વચ્ચે અભિપ્રેરણા અને ઉત્સાહની ખામી જોવા મળે છે.
(૫) મજબૂત રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ છે.
આ જોતાં વર્તમાન સમયે આવા કાર્યક્રમોમાં વિવિધ નિષ્ણાતોની સમિતિઓ બનાવી તેમાં સુધારા વધારા કરી તેનો યોગ્ય રીતે અમલ કરવા માટે મજબૂત ઉપાયો હાથ ધરવા જોઇએ.
છૂટીછવાયી /ખંડિત જમીનો :
ખંડિત કે છૂટીછવાઇ જમીનોનો પશ્ન હલ કરવા માટે જમીનના એકીકરણ માટેના કાયદાનો અમલ કરવો જોઇએ જેમ કે ચાકબંધી. આ ચાકબંધીનો અમલ પંજાબ અને હરિયાણા રાજ્ય તથા ઉતરપ્રદેશના કેટલાક ભાગોમાં કરવામાં આવેલ છે પરતું તેનો પુરેપુરો અમલ ભારતના બિહાર, કેરાલા, પશ્ચિમ બંગાળ જેવા વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં કરવાની ખાસ જરૂર છે કે જ્યાં એક હેકટરથી ઓછી જમીન ધારણ કરતા ખેડૂતોની સંખ્યા વધુ છે.
મૂડીની અછત :
ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા અને કૃષિમાં મૂડીની પ્રાપ્યતામાં વધારો કરવા માટે ભારત સરકારે કેટલાક પગલાં ભરવાં જોઇએ. સરકારે ખેડૂતને કેેન્દ્રમાં રાખી કેટલીક યોજનાઓ શરૂ કરેલ છે.
(૧) કિસાન ક્રેડિટ કાર્ડ :
ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ મારફતે પોતે ઉગાડેલ પાક માટે લોન મેળવી શકે છે. ખેડૂત પાકની નિષ્ફળતા સામે વીમો મેળવી શકે છે.
(૨) વ્યાજ સહાય યોજના :
ખેડૂતને ચાર ટકાના અસરકારક વ્યાજ દરે રૂપિયા ત્રણ લાખની લોન સમયસર લોન ભરપાઇ કરવાની શરતે પુરી પાડવામાં આવે છે.
(૩) લોન યોજના :
આ યોજના હેઠળ પિયત, કૃષિ યાંત્રિકરણ, જમીન વિકાસ, વાવેતર, બાગાયત અને ખેતપેદાશની કાપણી પછીની વ્યવસ્થા વગેરે માટે ખેડૂતોને લોન પુરી પાડવામાં આવે છે.
બિયારણ, ખેત રસાયણો અને આધુનિક તાંત્રિકતાઓ :
ગુણવત્તાયુક્ત બિયારણો, ખેતી રસાયણો અને આધુનિક તાંત્રિકતાઓના પશ્નોનો ઉકેલ નાણાંની તંગીનું નિરાકરણ કરીને અને જ્ઞાનના પ્રસાર તથા તાલીમ ધ્વારા લાવી શકાય.
કૃષિમાં અદ્યતન વિકાસના પ્રસારણ માટે ભારત સરકારે ‘ડીડી કિસાન’ નામની ટીવી ચેનલ શરૂ કરી છે. ઉપરાંત ડીડી નેશનલ ટીવી ઉપર પણ કૃષિના કેટલાક કાર્યક્રમો દર્શાવવામાં આવે છે. કિસાન કોલ સેન્ટરની સવલત ધ્વારા ખેડૂતો ટેલીફોન અને મોબાઇલ મારફતે કોઇપણ પ્રકારની માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે.આ કિસાન હેલ્પલાઇન મફત છે અને તેની સેવાઓ વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત ભારતમાં આવેલ કૃષિ યુનિવર્સિટીઓ ધ્વારા નવી તાંત્રિકતાઓની ખેડૂતોને જાણકારી માટે કૃષિમેળાઓ યોજવામાં આવે છે અને કૃષિ પેદાશોના વહન અને વેચાણના પશ્નો હલ કરવાની માહિતી આપવામાં આવે છે. ભારત સરકારની નીતિ મુજબ વિવિધ ખેતીપેદાશોના ટેકા રૂપ ભાવ જાહેર કરવામાં આવે છે તેનાથી નીચા ભાવે કોઇ માલ ખરીદી શકે નહિ. આ યોજના હેઠળ ખેડૂતોને ખેતપેદાશના વળતરરૂપ અને નિર્ધારીત ભાવ મળી રહે છે જેથી તેલીબિયાં, કઠોળ અને કપાસ જેવા પાકોની ખેતીપેદાશોના ભાવ ટેકા રૂપ જાહેર કરેલ ભાવોથી ઘટી શકે નહિ. ખેડૂતો પોતાની ખેતપેદાશોના વધુ ભાવો મળી રહે તે માટે તાજેતરમાં ઇ-નામ નામનું ઇલેકટ્રોનિક માર્કેટ શરૂ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ભારત સરકારે ખેડૂતોના લાભાર્થે વિવિધ યોજનાઓ શરૂ કરેલ છે જેની માહિતી કોઠામાં દર્શાવેલ છે.
ખેડૂતોના લાભાર્થે ભારત સરકાર ધ્વારા શરૂ કરાયેલ વિવિધ યોજનાઓ
ક્રમ | યોજનાનું નામ | હેતુ | માહિતી |
૧ | પ્રધાન મંત્રી કૃષિ સિંચાઇ યોજના | નબળા ચોમાસાના સમયે ખેડૂૂતોને મદદ કરવી | દરેક ખેડૂતને પિયતની સવલતો પુરી પાડવી પાણીના વપરાશ અને સંરક્ષણ અંગેની તાલીમ આપવી આધુનિક પિયત તાંત્રિકતાઓની જાણકારી પુરી પાડવી પિયત, જળ સંરક્ષણ અને વ્યવસ્થા અંગેના રોકાણને પ્રોત્સાહન આપવું |
૨ | પરમ પ્રગટ પ્રમોટ બાયોફાર્મ કૃષિ વિકાસ યોજના | જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવું | કુલ ૫૦ એકર જમીનમાં ૫૦ ખેડૂતોનું કલસ્ટર બનાવી જૈવિક ખેતી અંગે પ્રોત્સાહન આપવામાં આવે છે.દરેક ખેડૂતને એકરદીઠ ૨૦,૦૦૦ રૂપિયા ત્રણ વર્ષ દરમ્યાન આપવામાં આવે છે જેનો ઉપયોગ ખેડૂત જૈવિક બિયારણની ખરીદી, ખેતપેદાશની કાપણી, વહન અને બજાર માટે કરી શકે. |
૩ | સોઇલ હેલ્થ કાર્ડ (જમીન સ્વાસ્થ્ય સૂચિ) | જમીનમાં પોષકતત્વનું પ્રમાણ અને ફળદ્રુપતા અંગેની માહિતી આપવી | સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતને જમીનમાંના પોષાકતત્વોનું પ્રમાણ અને ફળદ્રુપતાની માહિતી પુરી પાડે છે જેથી ખેડૂતને જમીનમાં ક્યા, કેટલા રાસાયણિક ખાતરો, કેટલા પ્રમાણમાં ઉમેરવાં તે જણવામાં મદદ કરે છે. |
૪ | પ્રધાન મંત્રી ફસલ વિમા યોજના | પાકમાં થતા કુદરતી નુકસાન સામે ખેડૂતને રાહત આપવી | ફક્ત ૧.૫ થી ૨ ટકા જેટલુ સામાન્ય વીમા પ્રીમિયમ લઇ કુદરતી જોખમોથી થતા નુકસાન સામે ખેડૂતને જે તે પાક માટેનો વીમોે આ યોજના હેઠળ આપવામાં આવે છે જેમાં સરકાર બાકીનું પ્રીમિયમ ભરે છે. કુદરતી જોખમોથી પાકને થતું નુકસાન રીમોટ સેિન્સંગ, સ્માર્ટ ફોન અને ડ્રોનના ઉપયોગ વડે તાત્કાલિક ચકાસી ચૂકવવામાં આવે છે. કાપણી સમયે થતા નુકસાનને પણ આ યોજનામાં આવરી લેવાય છે. |
૫ | નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ (e-nam) | ખેતી પેદાશમના માર્કેટિંગ માટે ઇલેકટ્રોનિક પ્લેટફોર્મ પૂરૂ પાડવું | હાલમાં કૃષિ ઉત્પાદન બજાર સમિતિઓ એપીએમસી- એગ્રિકલ્ચરલ પ્રોડક્ટસ માર્કેટિંગ કમિટી (APMC) ના નેટવર્કનો ઉપયોગ કરી ઇ-નામ નામનું નેશનલ ટ્રેડિંગ પોર્ટલ ખેતપેદાશોના વેચાણ માટે શરૂ કરવામાં આવેલ છે જેનો હેતુ એક માર્કેટથી બીજા માર્કેટ સુધી ખેતીપેદાશોનું સરળતાથી વહન કરવાનું, ખેડૂતોના માર્કેટ માટેનો સમય બચાવવાનું અને ગ્રાહકોને વ્યાજબી કિંમતે માલ પુરો પાડવાનું છે. |
૬ | ઇન્ડિયા ઇમરજન્સી કેમ્પેઇન થ્રુ વિલેજ ઇમરજન્સ | જીવનધોરણના સાધનોમાં સુધારણા, ગ્રામ્ય વિકાસ અને પંચાયતી રાજની વ્યવસ્થાને મજબૂત બનાવવી. | આ યોજનાનો હેતુ ગ્રામ્ય નિવાસીઓને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ,ખેતી તાંત્રિકતાઓ,સાધનો,ગ્રામ્ય વિકાસ વગેરેનું જ્ઞાન અને જાણકારી પુરી પાડવા માટે નિષ્ણાતો ધ્વારા તાલીમ આપવી. |
દેશના વિવિધ ભાગોમાંથી ખેડૂતોના આપઘાત કરવાના બનાવોના સમાચાર આવતા હોય છે. આ માટેના મુખ્ય બે કારણોમાં લોનની પરત ચૂકવણી ના કરવી અને ખેતપેદાશના ટેકારૂપ ભાવ ન મળવા તે છે. આ સરકાર માટે કૃષિના વૃદ્ધિ દરને અસર કરતી એક પડકારજનક બાબત છે.
હાલની કેન્દ્ર સરકારે સને ૨૦૧૮ ના કેન્દ્રિય બજેટમાં ‘ઓપરેશન ગ્રીન્સ’ નામે ૫૦૦ કરોડ રૂપિયાની ઓપરેેશન ફલડની યોજના જેવી એક યોજના રજૂ કરેલ છે. તેનો મુખ્ય હેતુ ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે. સને ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની નેમ છે. આ જાહેરાત દેશના ખેડૂતો માટે એક આશાનું કિરણ બની છે. આ માટે નીતિ આયોગ અને ઇકોનોમિક થિન્ક-ટેંક એ ચાર મુદાની કાર્ય યોજના ઘડી કાઢેલ છે જેમાં નીચેના પગલાંઓનો સમાવેશ થાય છેઃ
(૧) વર્તમાન માર્કેટિંગના બાંધામાં સુધારણા કરી ખેડૂતોને પોતાની ખેતપેદાશનું સારૂ વળતર મળે તેવા ભાવો આપવા.
(૨) આધુનિક, વૈજ્ઞાનિક, પર્યાવરણની રીતે સલામત અને ટકાઉ કૃષિ તાંત્રિકતાઓનો ઉપયોગ કરી પાક ઉત્પાદકતામાં વધારો કરવો.
(૩) નાના સીમાંત ખેડૂતો આર્થિક રીતે વેપારી ખેતી કરી શકે તે માટે જમીન નીતિમાં સુધારણા કરવી.
(૪) ખેડૂતોને આર્થિક રીતે ટેકો પુરો પાડવા માટે મૂડી, સહાય અને વીમા માટેની યોજનાઓ શરૂ કરવી.
‘ઓપરેશન ગ્રીન્સ’ માં સૂચવેલ બાબતો એ કોઇ નવી વાત નથી પરંતુ ખેડૂતોની આવક બમણી કરવા માટેનો લક્ષાંક પૂર્ણ કરવા માટે પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ અને સામૂહિક ઉત્સાહની જરૂરિયાત છે. સ્વચ્છ ભારત મિશનની સફળતા જોઇને સરકારના આ મિશન માટે ખેડૂતોને સારી આશા બંધાઇ છે. સને ૧૯૭૦ માં ‘ઓપરેશન ફલડ’નામની યોજના દૂધ ઉત્પાદનમાં વધારો કરવા અને ખેડૂતોને સક્ષમ બનાવવા માટે શરૂ કરવામાં આવેલ જે થકી ૪૬ વર્ષ બાદ ભારત દેશે દૂધના આયાત કરતા દેશને બદલે વિશ્વનો પ્રથમ ઉત્પાદક દેશ બન્યો છે. ઓપરેશન ફલડની સફળતાનો આધાર લેવામાં આવેલ કેટલાક નવીન પગલાંઓ ઉપર હતો. સરકાર તે જ પ્રમાણે ઓપરેશન ગ્રીન્સ હેઠળ પગલાં લેવા માંગે છે.
નેશનલ મિલ્ક ગ્રીડ (NMG)ની માફક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ (e-NAM) ની રચના કરવી :
ઓપરેશન ફલડ યોજનાની સફળતાનો મુખ્ય આધાર નેશનલ મિલ્ક ગ્રીડની રચના ઉપર હતો કે જેણે ગ્રામ્ય દૂધ ઉત્પાદકોને શહેરના ગ્રાહકો સાથે જોડેલ. આ ગ્રીડ ધ્વારા સહકારી દૂધ મંડળીઓની રચના થતાં વચેટીયાઓ/દલાલો અસરકારક રીતે દૂર થયા. આ વચેટીયાઓ/દલાલો નાબૂદ થતાં પશુપાલકોને તેમની દૂધની પેદાશના સારા ભાવો મળ્યા અને માંગ અને પૂરવઠામાં રહેલ ગેપ પુરાઇ ગઇ. દૂધ મંડળીઓની રચનાને કારણે આ અસંગઠીત ક્ષેત્ર એ સંગઠીત ક્ષેત્રમાં ફેરવાઇ ગયું. તેને કારણે દૂધનો પૂરવઠો મોકલવા, પ્રોસેસિંગ અને દૂધ તથા દૂધની પેદાશોનું સીધુ વેચાણ કરવા માટેની માળખાકીય સવલતોનો વિકાસ થયો.
સરકાર ‘ઓપરેશન ગ્રીન્સ’ હેઠળ ખેત ઉત્પાદન બજાર સમિતિઓને એકબીજાની સાથે જોડી ઇ-નામ નામનું ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ ઊભું કરવા માંગે છે, કે જે ખેતપેદાશના માર્કેટિંગ માટે ડિજિટલ પ્લેટફોર્મ પૂરૂ પાડશે. આ યોજના સન ૨૦૧૬માં સરકાર ધ્વારા શરૂ કરવામાં આવી છે અને હાલમાં એપીએમસી હેઠળના ૫૮૫ બજારોને જોડવાનું વિસ્તરણ કાર્ય ચાલુ છે જે પૈકી હાલમાં ૪૭૦ બજારો ઇ-નામ સાથે જોડાયેલ છે અને સને ૨૦૧૮ સુધીમાં બીજા ૧૧૫ બજારો જોડાશે. ઇ-નામ ધ્વારા ખેતપેદાશોની મુક્ત રીતે હેરાફેરી થશે અને ભારતમાં ખેતપેદાશના ભાવો તર્કસંગત બનશે.
દૂધ ઉત્પાદનના આધુનિકરણની જેમ ખેતીનું આધુનિકરણ કરવું :
ઓપરેશન ફલડ યોજના હેઠળ આધુનિક તાંત્રિકતાઓનો ઉપયોગ, સારો પશુઆહાર અને વધુ ઉત્પાદન આપતી ઓલાદોના વિકાસ ધ્વારા દૂધના ઉત્પાદનમાં વધારો થવા પામેલ. તે જ પ્રમાણે ‘ઓપરેશન ગ્રીન્સ’ યોજના હેઠળ આધુનિક અને ટકાઉ કૃષિ તાંત્રિકતાઓનો ઉપયોગ કરી પાક ઉત્પાદનમાં વધારો કરવો, પાકના રોગોનું નિયંત્રણ કરવું અને જે તે વવાતા પાકો તથા શાકભાજીના પાકોની વધુ ઉત્પાદન આપતી જાતોનો વિકાસ કરવો તે છે. સરકાર આધુનિક કૃષિ તાંત્રિકતાઓ અંગેની જાણકારી ખેડૂતોને પુરી પાડી સક્ષમ બનાવવા માટેના સઘન પ્રયાસો કરે છે.
ખેતીપેદાશોના વહન, સંગ્રહ અને કૃષિ બજારની સવલતોમાં સુધારણા કરવી :
ભારતમાં ખેતપેદાશના ઉત્પાદન કરતાં તેના વહન, સંગ્રહ અને માર્કેટિંગ માટેના પશ્નો વધુ છે. અગાઉ જણાવ્યા પ્રમાણે ઘણી ખેતીપેદાશોના ઉત્પાદનમાં ભારત આગળ પડતુ છે પરંતું યોગ્ય માળખાકીય સુવિધાઓના અભાવને કારણે ખેતીપેદાશોના વહન, સંગ્રહ અને માર્કેટિંગમાં ખેડૂતો મુશ્કેલીઓ અનુભવે છે અને ખેતપેદાશના યોગ્ય ભાવો મેળવી શક્તા નથી. આ યોજના હેઠળ સરકારે કૃષિની માળખાકીય સવલતો ઊભી કરવા માટે રૂપિયા ૨૦૦૦ કરોડની જોગવાઇ કરેલ છે અને સંસ્થાકીય ધોરણે કૃષિના વેરહાઉસનું વિસ્તરણ ચાલુ છે.
આ યોજના હેઠળ સરકારે મુખ્ય ત્રણ શાકભાજી ઉપર કેન્દ્રિત કરેલ છે જેમાં ટામેટા, ડુંગળી અને બટાટાનો સમાવેશ થાય છે. ભારત સરકાર આ ખેતપેદાશની ખેડૂતોને તેમની સખત મહેનતના ફળ સ્વરૂપે સારી વળતરદાયી આવક મળી રહે તેવા પ્રયાસો કરે છે. ઘણીવાર ખેડૂતોને શાકભાજીના વળતરદાયી ભાવો મળતો નથી તેથી પોતાની ખેતી પેદાશ રસ્તા ઉપર ફેંકી દેવી પડે છે. કેટલીક વાર શાકભાજીનો સ્ટોક કરી વેપારીઓ તેના ભાવ ઊંચકે છે જેના કારણે સામાન્ય માણસ તેમજ સરકાર મુશ્કેલભરી પરિસ્થિતિમાં મૂકાય છે.
ઓપરેશન ફલડની સફળતા મળવાનું મુખ્ય કારણ સરકારશ્રીની ખાતરી હોવાથી વપરાશકારો ધ્વારા દૂધની ૭૦ ટકા જેટલી રકમ ખેડૂતો પાસે સીધી જ પહોંચતી હતી. આ જ બાબતનો ઓપરેશન ગ્રીન્સમાં સમાવેશ કરવામાં આવેલ છે. પ્રથમ વચેટીયાઓ/દલાલોની દરમ્યાનગીરી વિના ખેતી પેદાશોના ઉત્પાદન કેન્દ્રોને મુખ્ય વપરાશી કેન્દ્રો સાથે જોડવાની જરૂર છે.બીજુ શાકભાજી/ખેતીપેદાશોનો બગાડ અટકાવવા માટે આધુુનિક વેરહાઉસ/સંગ્રહ સ્થળો વગેરે ધરાવતી મજબૂત માળખાકીય સુવિધાઓ વિકસાવવાની જરૂર છે. ત્રીજા પીક સમયે પેદા થતા શાકભાજીના ચોથા ભાગના જથ્થાનો ઉપયોગ પ્રોસેસિંગમાં કરવા માટે છૂટક બજારમાંથી સંગઠીત રીતે એકત્ર કરી પ્રોસેસિંગ ઉદ્યોગ સાથે સાંકળવાની જરૂર છે.
ઓપરેશન ગીન્સની ખરેખર સફળતા ખેડૂતોને તેની ખેતપેદાશોની ૬૦ થી ૭૦ ટકા કિંમત છેલ્લા વપરાશકાર/ગ્રાહક પાસેથી મળી રહે તેમજ વપરાશકાર/ગ્રાહકને પણ તેને પોષાય તેવી કિંમતે ખેતીપેદાશ મળી રહે તેના ઉપર રહેલો છે. ટુંકમાં ખેતીમાં લેવામાં આવેલ આ પગલું આવકારદાયક છે કે જેથી ભારતનો ખેડૂત વિશ્વને વધુ સારૂ બનાવી શકશે.
સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ઓકટોબર-૨૦૨૧
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in