તે ચીનનું વતની છે. તેનું અંગ્રેજી નામ Foxtail millet, Italian millet, German millet અને વૈજ્ઞાનિક નામ Setaria italica છે. તેને હિન્દીમાં કાંગની, કકુમ અને સંસ્કૃતમાં કુંગુની, ધાન્ય પ્રિયંગુ કહે છે.તે સ્વપરાગીત, ટુંકા ગાળાનો, સી-૪ ધાન્ય, મનુષ્યના આહાર માટે સારો ખોરાક, મરઘાં ને પક્ષીઓ માટે ખોરાક અને પશુઓ માટે ચારા તરીકે વપરાય છે. દક્ષિણ યુરોપ અને એશિયાના ઉષ્ણ અને ઉપોષ્ણ કટીબંધવાળા વિસ્તારોમાં રહેતા લાખો ગરીબ લોકો પોતાના ખોરાક માટે આ વિશ્વના બીજા નંબરે ઉત્પાદિત થતા ધાન્ય ઉપર નભે છે.
પોષણ મૂલ્ય :
કાંગના ૧૦૦ ગ્રામ દાણામાં ૬૦.૯ ગ્રામ કાર્બોહાઇડ્રેટસ, ૧૨.૩ ગ્રામ પ્રોટીન, ૪.૩ ગ્રામ ફેટ, ૮ ગ્રામ ક્રુડ ફાયબર, ૩.૩ ગ્રામ ખનીજ પદાર્થ, ૩૧ મિ.ગ્રા. કેલ્શિયમ, ૨૯૦ મિ.ગ્રા. ફોસ્ફરસ, ૨.૮ મિ.ગ્રા. આયર્ન રહેલું છે અને તે ૩૩૧ ગ્રામ શક્તિ (એનર્જી) આપે છે. તે ખાદ્ય રેસા, ખનીજતત્વો, સૂક્ષ્મતત્વો,પ્રાટીન વગેરેથી સમૃદ્ધ છે અને નીચો ગ્લાયસેમિક આંક ધરાવે છે.
ઔષધિય મૂલ્ય :
કાંગ શીતળ, વાતકારક, રૂક્ષ, ધાતુવર્ધક, સ્વાદુ, ગુરૂ, ભાંગેલા હાડકાંને સાંધનાર, ગર્ભપાત અટકાવવામાં હિતાવહ અને કફ તથા પિત્તનો નાશ કરે છે. અન્નદ્રવ શૂળ ઉપર કાંગની ખીર ખાવી. તે રક્તપિત્તના દર્દીઓ માટે સારૂ ખાદ્ય છે. સુશ્રુતે તેને કુધાન્ય ગણેલ છે. જો વધુ ખાવામાં આવે તો ઝાડા થાય છે. કસુવાવડવાળી મહિલા માટે કાંગ પૌષ્ટિક છે. અમ્લપિત્ત જેવા રોગમાં કાંગની રાબડી આપવી હિતાવહ છે. અલ્સરમાં પણ કાંગ હિતાવહ છે.કાંગ ચયાપચયની અસર કર્યા વિના ક્રમશ : ગ્લુકોઝ છોડે છે. કાંગનો ખોરાક તરીકે ઉપયોગ કરતા લોકોમાં ડાયાબિટીસ રોગ જોવા મળતો નથી.
ઉપયોગ :
તેના દાણા પીળા હોય છે અને રાંધીને ભાતની જેમ ખવાય છે. તેની ડૂંડીમાંથી મળતા ઝીણા પીળા દાણાને ખાંડી તેમાંથી સફેદ બીજ કાઢવામાં આવે છે જેને કાંગના કુરીયાં કહે છે. તેને ચોખાની પેઠે રાંધીને ખવાય છે. તે ખાદ્યે ઠંડી છે. તે મરઘાં અને પક્ષીઓ માટે ખોરાક તરીકે વપરાય છે. પશુઓ માટે કાંગનો ચારો સારો છે. ઘોડાને કાંગ ખવડાવવી ગુણદાયી છે.તેનો ઉપયોગ સગર્ભા મહિલાઓ, ધાત્રી મહિલાઓ, માંદી વ્યક્તિઓ અને બાળકોને શક્તિ પુરી પાડવા માટે થાય છે. તે ડાયાબેટિક ફૂડ એટલે કે ડાયાબીટીસના દર્દી માટેના ખોરાક તરીકે ખ્યાતિ પામેલ છે.
વાવેતર :
કાંગ એ દુનિયામાં પુરાતન કાળથી વવાતો પાક છે જેનું એશિયા, આફ્રિકા અને અમેરિકા ખંડના અંદાજે ૨૩ દેશોમાં વાવેતર થાય છે.તેનું વાવેતર ભારતમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તામિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને થોડા પ્રમાણમાં ઉત્તર પૂર્વના રાજ્યોમાં થાય છે.
કાંગની જાતો : ભારતના વિવિધ રાજ્યોમાં વાવેતર કરવામાં આવતી કાંગની જાતો કોઠામાં દર્શાવેલ છે.

આબોહવા :
તે ઉષ્ણ અને ઉપોષ્ણ કટીબંધવાળા વિસ્તારમાં થતો પાક છે. તે દરિયાની સપાટીથી ૨૧૦૦ મીટર ઊંચાઇ સુધી થઇ શકે છે. તેની વૃદ્ધિ માટે ૨૬ થી ૨૯૦ સે. ઉષ્ણતામાન આદર્શ ગણાય છે અને જે વિસ્તારમાં વાર્ષિક સરેરાશ વરસાદ ૫૦૦ થી ૭૦૦ મિ.મી. થતો હોય તે વિસ્તારોમાં તેનો સારો વિકાસ થાય છે. તેને વધુ પડતું પાણી ભરાઇ રહે તેવી અને દુષ્કાળની પરિસ્થિતિ અનુકૂળ નથી.
જમીન :
કાંગને સારા ઉત્પાદન માટે મધ્યમ ફળદ્રુપતા ધરાવતી એલ્યુવિયલ, લોમ અને રેતાળ લોમ પ્રકારની સારા નિતારવાળી જમીન જોઇએ છે તેમ છતાં તે નબળી તેમજ રેતાળ થી ભારે કાળી જમીનમાં પણ થઇ શકે છે.
જમીનની તૈયારી :
જમીનને હળથી ઊંડી ખેડ કર્યા બાદ બે કરબ મારી તૈયારી કરવી.
વાવણી સમય :
ખરીફ ઋતુમાં જુલાઇના પ્રથમ કે દ્ધિતિય પખવાડીયામાં, રવી ઋતુમાં નવેમ્બરના પ્રથમ પખવાડીયામાં અને ઉનાળુ ઋતુમાં જાન્યુઆરી માસમાં વાવણી કરવી.રાજ્ય પ્રમાણે વિવિધ સમયે વાવેતર થાય છે.
ખરીફ : જૂન-બિહાર/ઉત્તરપ્રદેશ
જુલાઇ-ઓગસ્ટ-કર્ણાટક
જુલાઇ-તામિલનાડુ, તેલંગણા, આંધ્રપ્રદેશ
જુલાઇનું બીજુ-ત્રીજુ અઠવાડીયું-મહારાષ્ટ્ર
રવી : ઓગષ્ટ – સપ્ટેમ્બર -તામિલનાડુ
ઉનાળુ : જાન્યુઆરી-તામિલનાડુ
બિયારણનો દર : હારમાં વાવેતર કરવા માટે હેકટર દીઠ ૧૦ કિ.ગ્રા. જ્યારે પૂંખીને-વાવેતર કરવા માટે હેકટર દીઠ ૧૫ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે.
બીની માવજત :
સરેસાન ૩ ગ્રામ અથવા રીડોમિલ ૨ ગ્રામ અથવા કોર્બન્ડાઝિમ ૨ ગ્રામ પ્રતિ એક કિલો બીજ દીઠ માવજત આપવી.એક કિલોગ્રામ દીઠ ૨૫ ગ્રામ નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરતા બેકેટેરીયા (Azospirillum brasilense) અને ૨૫ ગ્રામ ફોસ્ફરસ દ્રાવ્ય બનાવનાર ફુગ (Aspergillus awamori ) ની માવજત આપવાની ભલામણ છે.
વાવણી અંતર :
૨૫ થી ૩૦ સે.મી અંતર રાખી હારમાં વાવેતર કરવું.હારમાં બે છોડ વચ્ચે ૮ થી ૧૦ સે.મી અંતર રાખવું. જમીનમાં ૨ થી ૩સે.મી ઊંડે બિયારણની વાવણી કરવી.
ખાતરો :
પાકની વાવણીના એક મહિના અગાઉ હેકટર દીઠ ૫ થી ૬.૨૫ ટન કમ્પોસ્ટ અથવા છાણિયુ ખાતર જમીનમાં ભેળવવું. પાકના સારા વિકાસ માટે ૪૦ કિ.ગ્રા. નાઇટ્રોજન, ૨૦ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૨૦ કિ.ગ્રા. પોટાશની હેકટર દીઠ ભલામણ કરેલી છે. જમીન ચકાસણી અહેવાલના આધારે ખાતરો આપવાં હિતાવહ છે. રાસાયણિક ખાતરોમાં ફોરફરસ અને પોટાશનો પુરો જથ્થો અને નાઇટ્રોજનનો અડધો જથ્થો પાકની વાવણી સમયે જ્યારે વાવણી બાદ ૩૦ દિવસે નાઇટ્રોજનનો અડધો જથ્થો આપવો.
નીંદામણ અને આંતરખેડ :
પાકને શરૂઆતના ૩૫ દિવસ સુધી નીંદણ મુક્ત રાખવાથી પાકની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે.હારમાં વાવેલ પાકમાં બે વાવણી બાદ ૧૫ દિવસે અને ૨૫ દિવસે એમ બે વખત આંતરખેડ અને એકવાર હાથનીંદામણ કરવાની ભલામણ છે. પાક ૩૦ દિવસનો થાય ત્યારે કરબથી આંતરખેડ કરવાની ભલામણ છે. પૂંખીને વાવેલ પાકમાં પ્રથમ નીંદામણ બી ઉગ્યા બાદ ૧૫ થી ૨૦ દિવસે અને બીજું નીંદામણ પ્રથમ નીંદામણ બાદ ૧૫ થી ૨૦ દિવસે કરવાની ભલામણ છે. પાકની વાવણી બાદ પાકના સ્કુરણ પહેલાં (પ્રી ઇમરજન્સ) હેકટર દીઠ ૦.૫ કિ.ગ્રા. આઇસોપ્રોટયુરોન સક્રિય તત્વ અને પાકના ઉગાવાના ૨૦ થી ૨૫ દિવસ પછી હેકટરદીઠ ૦.૭૫ કિ.ગ્રા ૨,૪,ડી સોડિયમ સોલ્ટના સક્રિય તત્વનો છંટકાવ કરવાથી અસરકારક રીતે નીંદણ નિયંત્રણ થાય છે.
પિયત :
ખરીફ ઋતુમાં પિયતની જરૂર રહેતી નથી અથવા તો નહિવત જરૂર પડે છે. તેમ છતાં જો સૂકો ગાળો લંબાય તો વાવણી બાદ ૨૫ થી ૩૦ દિવસે પ્રથમ પિયંત અને ૪૦ થી ૪૫ દિવસે બીજુ પિયત આપવાથી ઉત્પાદન સારૂ મળે છે. ઉનાળામાં જમીનના પ્રકાર અને હવામાનની પરિસ્થિતિ મુજબ ૨ થી ૫ પિયત આપવાની જરૂર પડે છે.
આંતરપાક / રીલે પાક / પાક હરોળ પદ્ધતિ :
કાંગ અને તુવેર / કપાસ પાક ૫ઃ૧ ની હાર મુજબ,કાંગ અને મગફળી પાક ૨ઃ૧ ની હાર મુજબ, કાંગ અને દિવેલા પાક ૭ઃ૧ ની હાર મુજબ તથા કાંગ અને મઠ / મગ પાક ૪ : ૨ ની હાર મુજબ આંતરપાક તરીકે લેવામાં આવે છે. જો ચોમાસુ વહેલુ હોય તો, કાંગને ૪૫ સે.મી.ના અંતરે વાવણી કરવી અને તે કાપણી લાયક થાય તે પહેલાં રવી જુવાર રીલે પાક તરીકે લેવી.
વર્ષમાં નીચે પ્રમાણેની પાક હરોળ પદ્ધતિ અપનાવવામાં આવે છે.
(૧) કાંગ (ખરીફ)-રાઇ / મગ / તુવેર / સૂર્યમુખી / કસુંબી (રવી)
(૨) કાંગ (ખરીફ)-ભીંડા / ચણા (રવી) /જુવાર (પિયતની સવલત હોય તો રવી ઋતુમાં કાળી જમીનમાં લઇ શકાય )
રોગ :
(૧)કરમોડી અને ગેરૂ:
લક્ષણો : પાન ઉપર ત્રાકાકાર ટપકાં પડે છે અને વધુ ઉપદ્રવમાં પાન સુકાય છે. ગેરૂમાં રંગનાં લંબગોળ અસંખ્ય ટપકાં સમાંતરે પાન ઉપર જોવા મળે છે.
નિયંત્રણ :
(ક) બ્લાસ્ટ : કાર્બેન્ડાઝિમ ૦.૦૧ ટકા અથવા ટ્રાયસાયક્લોઝોલ ૦.૦૫ ટકા દવાનો છંટકાવ કરવો
(ખ) ગેરૂ : મેન્કોઝેબ ૦.૨ ટકા દવાનો છંટકાવ કરવો. જો પાકના વિકાસની શરૂઆતના તબક્કામાં ગેરૂ રોગ જોવા મળે તો જ છંટકાવ કરવો.
(૨) દાણાનો અંગારીયો :
લક્ષણો : દાણાની જગ્યાઓ વેલવેટ જેવી ગાંઠો જોવા મળે છે. દાણાની જગ્યાએ કાળી ભૂકીથી ભરેલા દાણા જોવા મળે છે.
નિયંત્રણ : એક કિલો બિયારણ દિઠ ૨ ગ્રામ કાર્બોક્સીન અથવા કાર્બેન્ડાઝિમ દવાનો પટ આપવોે.
(૩) તળછારો :
લક્ષણો : ડૂંડાનો આકાર બદલાઇ જઇ વાંકડીયા પાન જેવી લીલી ફુટ જોવા મળે છે જેનો આકાર સાવરણી જેવો દેખાય છે.
નિયંત્રણ : એક કિલો બિયારણ દીઠ ૬ ગ્રામ રિડોમિલ એમઝેડ દવાનો પટ આપવો. અસરગ્રસ્ત છોડને ઉપાડી લેવા.
જીવાત :
કોઇવાર લશ્કરી કીડા, કટ વર્મ અને લીફ સ્ક્રેપિંગ બીટલનો ગંભીર ઉપદ્રવ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં સાંઠાની માખી (શૂટ ફલાય)નો ઉપદ્રવ કવચિત જોવા મળે છે.
સાંઠાની માખી :
નુકસાન :
સામાન્ય રીતે પાકના ઉગાવાથી પાક છ અઠવાડીયાનો થાય તે દરમ્યાન આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. તેના કીડા વચલી ડૂંખમાં દાખલ થઇ કોચીને ડૂંખ કાપી નાખે છે જેને ડેડ હાર્ટ કહે છે. તેમાં છોેડની ફુટતી કુંપળ સુકાઇ જાય છે. પાકની વહેલી અવસ્થાએ ડેડ હાર્ટ અને પાછલી અવસ્થાએ ફુટ ઉપર અસર થાય છે. તેનાથી નુકસાન પામેલ કંટીમાં દાણા હોતા નથી.
નિયંત્રણ :
(૧) ચોમાસુ બેસતાં પહેલાં ૭ થી ૧૦ દિવસ અગાઉ પાકની વહેલી વાવણી કરવી
(૨) બીજી મહત્વની રીત બિયારણનો દર વધારી ડેડ હાર્ટ થી નુકસાન પામેલ છોડ દૂર કરી છોડની સંખ્યા જાળવવી.
(૩) બિયારણને ઇમિડાકલોપ્રિડ ૧૦ થી ૧૨ મિ.લિ. અથવા ૩ ગ્રામ થાયોમેથોકઝામ ૭૦ ડબલ્યુએસનો પટ આપવો.
(૪) પાકની વાવણી સમયે જમીન ઉપર ઉગાડેલ ચાસમાં હેકટર દીઠ ૨૦ કિ.ગ્રા. પ્રમાણે કાર્બોફયુરાન (ફયુરાડાન ૩જી) અથવા ફોરેટ ૧૦જી દવા આપવી.
કાપણી : વાવણી બાદ સામાન્ય રીતે ૮૦ થી ૯૦ દિવસે પાક કાપણી માટે તૈયાર થાય છે.
ઉત્પાદન :
આદર્શ પરિસ્થિતિમાં હેકટર દીઠ ૨,૦૦૦ થી ૨,૫૦૦ કિ.ગ્રા. દાણા અને ૩,૦૦૦ થી ૪,૦૦૦ કિ.ગ્રા. પરાળનું ઉત્પાદન મળે છે.
સ્ત્રોત : આઇ.આઇ.એમ.આર., હૈદ્રાબાદ
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in