કોદરાની વૈજ્ઞાનિક ખેતી (Kodo millet/Ghohone grass farming)

        કોદરા એ દક્ષિણ પૂર્વ એશિયા તથા દક્ષિણ અમેરિકાની ઉષ્ણ અને ઉપોષ્ણ કટીબંધ વિસ્તારોનું વતની છે અને ભારતમાં ૩૦૦૦ વર્ષ પહેલાંથી વાવવામાં આવે છે. તેનું અંગ્રેજી નામ Kodo millet fu Ghohone grass અને વૈજ્ઞાનિક નામ Paspalum scrobiculatum  છે. તે  સંસ્કૃતમાં કોદ્રવ, કોરદૂષક અને હિન્દીમાં કોદો,કોદવ ના નામે ઓળખાય છે. 

        કોદરા એક જાતનું વર્ષાયુ ઘાસ છે જે ૯૦ સે.મી ઊંચુ થાય છે અને પશુઓના ચારા માટે વપરાય છે. તેના દાણા સખત અને દાણા ઉપરનું પડ (હસ્ક) દૂર કરવું મુશ્કેલ પડે તેવું છે. દાણા રંગે આછા લાલ થી ઘેરા ગ્રે રંગના હોય છે. તે અન્ય ધાન્યો કે જે  ૬૫ થી ૧૨૦ દિવસે પાકે છે તેની સરખામણીએ આ પાક ૧૦૦ થી ૧૪૦ દિવસે પાકે છે એટલે કે લાંબો સમયગાળો ધરાવતો પાક છે.તેની ટુંકા ગાળાની જાતો વિકસાવવાના પ્રયાસો ચાલુ છે.તેનું વાવેતર ઓછી ફળદ્રુપ જમીનોમાં થાય છે પરંતુ આઇસીએઆર (ICAR), આઇઆઇએમઆર (IIMR) અને એઆઇસીઆરપી (AICRP) ધ્વારા ધાન્યો ઉપર લેવામાં આવેલ પાક સુધારણાના સફળ પરિણામોને કારણે કોદરાના ઉત્પાદનમાં સારો એવો સુધારો થવા પામ્યો છે.

પોષણ મૂલ્ય :

        કોદરા સારા એવા પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફેટ, ખાદ્ય રેસા અને ખનીજતત્વો ધરાવે છે. ૧૦૦ ગ્રામ કોદરામાં ૬૫.૯ ગ્રામ કાર્બોહાઇડ્રેટસ, ૮.૩ ગ્રામ પ્રોટીન, ૧.૪ ગ્રામ ફેટ,૯ ગ્રામ ફ્રુડ ફાયબર, ૨.૬ ગ્રામ ખનીજતત્વો, ૨૭ મિ.ગ્રા. કેલ્શિયમ, ૧૮૮ મિ.ગ્રા. ફોસ્ફરસ અને ૦.૫ ગ્રામ આયર્ન રહેલું છે તથા તે ૩૦૯ ગ્રામ શક્તિ (એનર્જી) આપે છે.

ઔૈષધિય મૂલ્ય :     

        એકલો કોદરો શીતવીર્ય અને રક્તપિત્તહર છે. કોદરા એ દસ્ત કબજ કરે છે, વાયુ કરે છે. કોદરાથી મીણો ચઢે છે. તેના દાણાના છોતરામાં વિશેષ ઝેર  રહેલું હોય તેમ કહેવાય છે. કોદરા કુધાન્ય ગણાય છે. કોદરા અશક્ત માણસે કદી ખાવા નહિ કેમ કે તે વીર્યનાશક છે. કોદરા મધુર, શીત, ગુરુ કડવા વ્રણને હિતકર તથા રૂક્ષ છે અને કફ, પિત્ત, વિષનો નાશ કરે છે. અન્નદ્રવશૂળ ઉપર કોદરાનો ભાત દહીં સાથે ખાવો. ડાયાબીટીસના દર્દીઓને ખોરાકમાં ચોખાને બદલે કોદરા લેવાની ભલામણ કરવામાં આવેલી છે. કોદરામાંથી કોદરી કાઢે છે જે ખાવામાં હલકી ગણાય છે. ડાયાબીટીસના દર્દીઓ ભાતની જગ્યાએ કોદરીનો ઉપયોગ કરે છે. કોદરા રક્તપિત્તમાં ખાવા આપી શકાય તેવા છે.

        મીઠા કોદરા અને મીણા(મેણા) કોદરા એમ બે જાતના કોદરા થાય છે. મીણા કોદરા ખાવાથી મનુષ્યને ઝેરી અસર થાય છે જેમાં વાચા બંધ થઇ જઇ મોઢે ફીણ આવે છે, ખૂબ પરસેવા થાય છે, શરીર ઠંડુ પડે છે ને તાણ આવે છે. આમાં ભુરા કોળાનો રસ પીવાથી સારૂ થાય છે. ગરીબ લોકો આ મીણા કોદરાને એક વર્ષ રાખી કે ચાર-પાંચ કલાક છાણના રગડામાં પલાળી ધોઇ સાફ કરી ખૂબ ઉકાળીને ખાય છે. આમ કરવાથી ઝેર નાશ પામે છે.આવા કોદરા જો ખાવાના ઉપયોગમાં લેવા હોય તો એક દિવસ પાણીમાં પલાળી રાખ્યા બાદ સ્વસ્છ ધોઇ એક-બે દિવસ તડકામાં સૂકવવા. આમ કરવાથી તેના દોષ મટી તે ખાવા યોગ્ય થાય છે. કોદરો વધારે ચરવાથી પશુઓને આફરો ચઢે છે અને ઝેરની અસર થાય છે.

વાવેતર :

        તેનું વાવેતર મોટે ભાગે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ વગેરે રાજ્યો ઉપરાંત ગુજરાત અને છત્તીસગઢમાં પણ થાય છે. ભારતમાં મધ્યપ્રદેશ, તેલંગણા, ઓરિસ્સા, બિહાર વગેરે રાજ્યોમાં તેની ખેતીની વિશાળ શક્યતાઓ રહેલી છે. તેનું વાવેતર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થાય છે.

કોદરાની જાતો :

ભારતના વિવિધ રાજ્યોમાં વાવેતર કરવામાં આવતી કોદરાની જાતો કોઠામાં દર્શાવેલ છે.

આબોહવા :

        કોદરા એ દુષ્કાળનો સામનો કરી શકે તેવો પાક હોઇ સૂકા અને ગરમ હવામાન ધરાવતા, ઓછો અને અનિયમિત વરસાદવાળા અને ૪૦ થી ૫૦ સે.મી. વરસાદ પડતો હોય તેવા વિસ્તારોમાં આ પાક લઇ શકાય છે.

જમીન :

        કોદરા પથરાળ હલકી, રાતી અને ખડકાળ નબળી જમીનથી માંડી લોમ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે પરંતુ સારા નિતાર ધરાવતી ઊંડી,લોમી, ફળદ્રુપ અને સેન્દ્રિય તત્વોથી ભરપુર જમીનમાં તે વધુ સારૂ ઉત્પાદન આપે છે. ભારતમાં મોટા ભાગે નબળી જમીનોમાં તેનું વાવેતર જોેવા મળે છે. તે સખત દુષ્કાળ સામે પ્રતિકાર કરે તેવો છોડ હોઇ પથરાળ-ખડકાળ જમીન અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં કે જ્યાં અન્ય પાક થઇ શક્તા નથી ત્યાં આ પાક થાય છે.

જમીનની તૈયારી :

        હળથી ઊંડી ખેડ કરી બે વખત કરબ મારી જમીન સમતળ કરી વાવણી માટે તૈયાર કરવી.

વાવણી સમય :

        ખરીફ ઋતુમાં જૂનની મધ્યથી જુલાઇ માસના અંત સુધીમાં વાવણી કરવી. ચોમાસુ બેસતાંની સાથે જ વાવેતર કરવું ફાયદાકારક નીવડે છે. તામિલનાડુના અથિયાન્દલમાં સપ્ટેમ્બરના પ્રથમ પખવાડીયામાં વાવણી કરવાની ભલામણ છે. રવી ઋતુમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં વાવણી કરવી.

વાવણી અંતર :

        બે હાર વચ્ચે ૨૨.૫ થી ૩૦ સે.મી અને હારમાં બે છોડ વચ્ચે ૧૦ સે.મી અંતર રાખવું બિયારણ જમીનમાં ૩ થી ૪ સે.મી ઊંડે વાવવું. આંતરખેડની સવલત અને અસરકારક નીંદણ વ્યવસ્થા માટે હારમાં વાવણી કરવાની ભલામણ છે.

બિયારણનો દર અને માવજત :

        હારમાં વાવેતર કરવા માટે ૧૦ કિ.ગ્રા./હેકટર  જ્યારે પૂંખીને  વાવેતર કરવા માટે ૧૫ કિ.ગ્રા./હેકટર બિયારણની જરૂર પડે છે.એક કિલો બિયારણ દીઠ ૨૫ ગ્રામ નાઇટ્રોેજનનું સ્થિરીકરણ કરતા બેકટેરીયા (Azospirillum brasilense) અને ૨૫ ગ્રામ ફોસ્ફરસને દ્રાવ્ય બનાવનાર ફુગ (Aspergillus awamori)ની માવજત આપવી લાભદાયી છે.

ખાતરો :

        પાકની વાવણીના એક માસ પહેલાં હેકટર દીઠ ૫ થી ૭.૫ ટન કમ્પોસ્ટ અથવા છાણિયુ ખાતર જમીનમાં આપવું. આ પાકના સારા વિકાસ માટે તામિલનાડુ સિવાય હેકટર દીઠ ૪૦ કિ.ગ્રા. નાઇટ્રોજન, ૨૦ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૨૦ કિ.ગ્રા. પોટાશ ખાતર આપવાની ભલામણ કરવામાં આવેલ છે. જમીનના ચકાસણી અહેવાલ પ્રમાણે ખાતર આપવાની ભલામણ છે. ફોસ્ફરસ ખાતરોનો પુરો જથ્થો અને નાઇટ્રોજન ખાતરનો અડધો જથ્થો પાકની વાવણી સમયે આપવો તથા નાઇટ્રોજનનો બાકીનો અડધો જથ્થો પાકની વાવણી બાદ ૩૦ થી ૩૫ દિવસે આપવો.

નીંદામણ અને આંતરખેડ :

        હારમાં વાવેલ પાકમાં વાવણી બાદ ૨૦ દિવસે અને ૪૦ દિવસે એમ બે વખત આંતરખેડ અને એક હાથનીંદામણ કરવાની ભલામણ છે. પાકની વાવણી બાદ ૩૦ થી ૩૫ દિવસનો ગાળો પાક નીંદણ હરીફાઇ માટે કટોકટીનો છે. પાકની વાવણી બાદ પાકના સ્ફુરણ પહેલાં (પ્રી ઇમરજન્સ) હેકટર દીઠ ૦.૫ કિ.ગ્રા આઇસોપ્રોટયુરોન સક્રિય તત્વ અને પાકના ઉગાવાના ૨૦ થી ૨૫ દિવસ બાદ હેકટરદીઠ ૧ કિ.ગ્રા ૨,૪-ડી સોડિયમ સોલ્ટ સક્રિય તત્વનો છંટકાવ કરવાથી અસરકારક રીતે નીંદણ નિયંત્રણ થાય છે. પૂંખીને વાવેલ પાકમાં સારા ઉત્પાદન માટે પ્રથમ નીંદામણ પાકના ઉગાવાના ૧૫ થી ૨૦ દિવસ બાદ અને બીજુ નીંદામણ પ્રથમ નીંદામણ કર્યાના ૧૫ થી ૨૦ દિવસ બાદ કરવાની ભલામણ છે.

પિયત :

        કોદરાના પાકને નહિવત પિયતની જરૂર રહે છે. પ્રથમ પિયત પાકની વાવણી બાદ ૨૫ થી ૩૦ દિવસે અને બીજુ પિયત પાકની વાવણી બાદ ૪૦ થી ૪૫ દિવસે આપવું. જો સૂકો ગાળો લંબાય તો દુષ્કાળની પરિસ્થિતિ અને જમીનના પ્રકાર મુજબ ૪ થી ૭ દિવસે પિયત આપવું જરૂરી છે. જો ભારે અને સતત વરસાદ પડતો હોય ત્યારે ખેતરમાંથી વધારાના પાણીનો નિકાલ કરવો જરૂરી છે.

આંતરપાક/પાક હરોળ પદ્ધતિ :

        કોદરા અને મગ/ અડદ (૨:૧), કોદરા અને સોયાબીન(૪:૧/૩:૧) તથા કોદરા અને તુવેર (૨:૧/૮:૨)

        મધ્યપ્રદેશમાં નીચે પ્રમાણે પાક હરોળ પદ્ધતિમાં વાવેતર કરવામાં આવે છે.

        (૧) રામતલ – સોયાબીન – કોદરા (૨) કોદરા – સોયાબીન – કોદરા  (૩) કોદરા – રામતલ – કોદરા

રોગ :

(૧) અંગારીયો (હેડ સ્મટ) :

લક્ષણો : આ બિયારણ મારફતે ફેલાતો રોગ છે. તેમાં કંટી અને થડ ઉપર ગાંઠો ઉપસી આવે છે.

નિયંત્રણઃ તેનો રોગપ્રેરક બિયારણમાં રહેલ હોેય છે તેથી એક કિલો બિયારણ દીઠ ૨.૫ ગ્રામ સેરેસાન અથવા થાયરમ ફુગનાશક દવાનો પટ આપવો તથા ૫૫ સે. ગરમ પાણીમાં બિયારણને ૭ થી ૧૨ મિનિટ માટે રાખવાં. કોદરાની જીપીયુકે ૩ જાત અંગારીયા રોગ સામે પ્રતિકારક છે.

(૨) ગેરૂ :

લક્ષણો : પાન ઉપર ગેરૂ રંગના ડાઘા જોવા મળે છે. તેના કારણે પ્રકાશસંશ્ર્લેષણની ક્રિયામાં અવરોધ પેદા થતાં ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

નિયંત્રણ : ૦.૨ ટકા મેન્કોઝેબ ૭૫ વે.પા નો છંટકાવ કરવો.

જીવાત : સાંઠાની માખી :

        પાકની વહેલી અવસ્થામાં નુકસાન થાય ત્યારે તેના કીડા સાંઠામાં કોરાણ કરી વિકાસ પામતા પીલાને કાપી ખાય છે પરિણામે વચ્ચેનો પીલો સૂકાઇને મરી જાય છે જેને ડેડ હાર્ટ કહે છે. પાછલી અવસ્થામાં ઉપદ્રવ થાય તો ફુટ થતી અટકે છે.

નિયંત્રણ :

(૧) ચોમાસુ બેસતાંની સાથે જ વહેલી વાવણી કરવી ફાયદાકારક છે

(૨) પાકની વાવણી જુલાઇના બીજા પખવાડીયામાં કરવી.                                      

(૩) બિયારણનો દર વધારી દોઢ ગણો કરવો.

(૪) જમીન તૈયાર કરતી વખતે જમીનમાં હેકટર દીઠ ૧૫ કિ.ગ્રા ફોરેટ ૧૦જી આપવું અથવા હેકટર દીઠ ૩૦ કિ.ગ્રા કાર્બોફયુરાન ૩જી દવા ચાસમાં અથવા પૂંખીને આપવી.જરૂર જણાય તો જ કીટનાશી દવાઓનો છંટકાવ કરવો

કાપણી : પાકની વાવણી બાદ પાકની જાત અને સ્થાનિક હવામાન મુજબ અદાજે ૧૦૦ થી ૧૨૦ દિવસે પાક કાપણી માટે તૈયાર થાય છે.

ઉત્પાદન : દાણા ૧,૫૦૦ થી ૧,૮૦૦ કિ.ગ્રા./હેકટર અને પરાળ ૩,૦૦૦ થી ૪,૦૦૦ કિ.ગ્રા./હેકટર.


સ્ત્રોત : આઇ.આઇ.એમ.આર.,હૈદ્રાબાદ


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *