કૃષિમાં જંતુનાશક રસાયણોના વિકલ્પ રૂપેજૈવ જંતુનાશકો (બાયોપેસ્ટીસાઇડસ)નો ઉપયોગ (Bio pesticides – An alternative to chemicals in agriculture)

                જૈવ જંતુનાશકો (બાયોપેસ્ટીસાઇડસ) વનસ્પતિનાછોડ, સૂક્ષ્મજીવો, કૃમિ અને કીટકોમાંથી તૈયાર કરવામાં આવે છે. વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવાતા પદાર્થોનો ઉપયોગ કરી પાકો, પ્રાણીઓ અને મનુષ્યોમાં થતા રોગનું નિયંત્રણ કરવામાં આવે છે. વિશ્વમાં ઘણા લોકો કુદરતી પદાર્થોનો ઉપયોગ રોગના નિયંત્રણ માટે કરે છે. આવા કુદરતી પેદાશની અસરકારકતા, વિશ્વસનીયતા અને ઝડપથી મારવાની શક્તિ રહેલી હોવાથી કૃત્રિમ રસાયણોના બદલે તેનો ઉપયોગ વધવા માંડયો છે. કૃત્રિમ જંતુનાશકો તેમાં રહેલા ઝેર અને પ્રદૂષણ ઉત્પન્ન કરતા હોઈ માનવીના આરોગ્ય અને પર્યાવરણ માટે જોખમી છે.

                કૃત્રિમ જંતુનાશકોના વિકલ્પ રૂપે જૈવ જંતુનાશકોનો ઉપયોગ કરી શકાય છે. જૈવ જંતુનાશકો સહેલાઈથી પ્રાપ્ય છે, સહેલાઈથી જમીનમાં ભળી જાય છે,વિવિધ રીતે કાર્ય કરે છે. ઓછા ખર્ચાળ છે અને માનવી તથા અન્ય જીવો માટે ઓછા ઝેરી છે. લીમડો, પાયરેથ્રમ, કપાસ અને તમાકુ વગેરે વનસ્પતિજ જંતુનાશકો તરીકે જાણીતા છે અને તે વેપારી ધોરણે સહેલાઈથી ઉપલબ્ધ છે. વનસ્પતિજ જંતુનાશકોના અન્ય સ્ત્રોતોમાં લસણ, થોર, લીંબુ, મરી વગેરેનો સમાવેશ થાય છે. ટ્રાયકોડર્મા, બેસિલસ, શ્યૂડોમોનાઝ,બેવુરીયા વગેરે સૂક્ષ્મજીવોમાંથી બનાવેલ જંતુનાશકો વેપારી ધોરણે ઉપલબ્ધ છે. જો કે જૈવિક જંતુનાશકોની  બનાવટ, નોંધણી, વેપારીકરણ, સ્વિકાર્યતા અને અપનાવવા બાબતોના પડકારો છે. જૈવ જંતુનાશકો બાબતે આ લેખમાં ટુંકી વિગતો દર્શવેલ છે.

                વનસ્પતિના છોડમાં ફીનોલ્સ, ક્વિનોન્સ, આલ્કલોઈડસ, સ્ટીરોઈડસ, ટરપેન્સ, આલ્કોહોલ્સ અને સેપોનિન્સ જેવા સક્રિય પદાર્થો રહેલા છે. સૂક્ષ્મજીવોયુક્ત જૈવ જંતુનાશકોમાં શ્યૂડોમોનાસ, બેસિલસ, ઝેન્થોમોનાસ અને સેરાટીઓર જેવા જીવાણુઓ તથા ટ્રાયકોડર્મા વર્ટિસિલિયમ અને બેવુરિયા વગેરે ફૂગની પ્રજાતિઓનો સમાવેશ થાય છે.

                જૈવ જંતુનાશકો રોગકારકો સામે વિવિધ રીતો જેવી કે પરોપજીવી, હરીફાઈ, કોષનો નાશ કે નુકસાન અને શિકાર (ભક્ષણ) વગેરે દ્વારા રક્ષણ આપે છે.

પરંપરાગત પદ્ધતિની મર્યાદાઓ :

                કૃત્રિમ જંતુનાશકોના ઉપયોગને કારણે ઝેરી/નુકસાનકારક અસરો થાય છે.તેના વડે પર્યાવરણમાં પ્રદૂષણ પેદા થાય છે. પાર્લિમેનના જણાવ્યા અનુસાર મિથેન સોડિયમ અને અન્ય ધૂમકર તેના વપરાશ બાદ છ મહિના પછી પણ જોવા મળેલ છે. પર્યાવરણ પર મિથાઈલ બ્રોમાઈડની નકારાત્મક અસર થતી હોઇ કૃષિ ક્ષેત્રે તેના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે.તે ઓઝોનના સ્તરમાં ઘટાડો કરતું માલૂમ પડેલ હોઈ હવામાન પરિવર્તનમાં નોંધપાત્ર ફાળો આપે છે. રાસાયણિક જંતુનાશકોનો પાક ઉત્પાદન માટે સતત ઉપયોગ જમીનમાં તેનો ચેપ લગાડે છે. કૃત્રિમ જંતુનાશકોના સતત ઉપયોગને કારણે રોગકારકોમાં પ્રતિકારક શક્તિ વિકસે છે જેથી તેના ઉપર રસાયણોની અસર થતી નથી.ખેડૂતો જીવાતોના નિયંત્રણ કે નાશ માટે વધુને વધુ રસાયણો વાપરે છે. આવા રસાયણોના છંટકાવને કારણે ફાયદાકારક જીવો કે જે પરાગનયનનું કાર્ય કરે છે,પરજીવીઓ ઉપર નભે છે તેનો નાશ થતાં જૈવવૈવિધ્યતાને નુકસાન થવા પામે છે.કૃત્રિમ જંતુનાશકોનો પાક ઉપર છંટકાવ કરતાં તેના કાર્યરત રસાયણોની પાકમાં હાજરી જોવા મળે છે અને આવા રસાયણોયુક્ત પેદાશનો ખોરાક તરીકે વપરાશ કરતાં તે રસાયણો માનવ શરીરના લોહીમાં એકઠાં થઈ ગંભીર પ્રકારના રોગો/બિમારીઓ પેદા કરે છે.  આમ માનવ વસ્તીને સીધી કે આડકતરી રીતે આવા જંતુનાશકો અસર  પહોંચાડે છે. દા.ત. મેલાથિયોન અને ટ્રાયકલોરોફેન જેવા જંતુનાશકો માનવીમાં પ્રજનનને લગતા પ્રશ્નો ઊભા કરે છે. કેટલાક જંતુનાશકો માનવીના વિકાસ/વૃદ્ધિ અને શરીરના રોગપ્રતિકારક તંત્રને નુકસાન પહોંચાડે છે. શાકભાજીના નમૂનાઓમાં આવા પ્રતિબંધિત રસાયણોનું પ્રમાણ ૦.૦ર પીપીએમ(૧૦ લાખ ભાગમાં પ્રમાણ) થી વધુ ન હોવું જોઈએ.

વિવિધ પ્રકારના જૈવ જંતુનાશકો :

                વાનસ્પતિક જંતુનાશકો નિષ્કર્ષણ પદ્ધતિના અધારે છોડના નિષ્કર્ષ અથવા આવશ્યક તેલ રૂપે હોય છે. તે વનસ્પતિના વિવિધ ભાગો જેવા કે પાંદડા, છાલ, ફૂલો, મૂળ, કંદ, ગાંઠમૂળી, બીજ, વ્રજ અથવા ફળોમાંથી તાજા સ્વરૂપે કે સૂકવીને મેળવાય છે. છોડના ભાગોને સૂકવતા તેમાં પાણીનો ભાગ ઘટતાં સક્રિય તત્વનું પ્રમાણ વધુ મળે છે.જીવાણુ ,વિષાણુ,ફૂગ,કૃમિ અને પ્રજીવાણુમાંથી  વેપારી ધોરણે જથ્થાબંધ સૂક્ષ્મજીવો આધારિત જૈવ જંતુનાશકો તૈયાર કરવામાં આવે છે. રોગકારકો, નીંદણો, કીટકો અને કૃમિ વ્યવસ્થા માટે ૧૭પ  જેટલા સૂક્ષ્મજીવો આધારિત જૈવ જંતુનાશકો નોંધાયેલ છે. તેમાંથી મોટા ભાગના જૈવ જંતુનાશકો જમીન દ્વારા ફેલાતા રોગકારકોના નિયંત્રણ માટે વપરાય છે. જીવાણુઓની બેસિલસ, શ્યૂડોમાનાસ,બુર્ખોલડેરિયા, ઝેન્થોમોનાસ, એન્ટરોબેકટર, સ્ટ્રેપ્ટોમાયસીસ, સેરાટિયા વગેરે પ્રજાતિઓ ટ્રાયકોડર્મા, બ્યુવેરીયા, મેટારહીઝીમ, પેસીલોમાયસીસ, ફયુઝેરીયમ, પીથિયમ, પેનિસિલિન અને વર્ટિસિલિયમ વગેરે પ્રજાતિઓનો અને કૃમિની સ્ટેઈનેરનામા અને હીટરારહાઈબ્ડીટીસ પ્રજાતિઓનો ઉપયોગ જૈવ જંતુનાશક તરીકે થાય છે.

ટકાઉ ખેતીમાં જૈવ જંતુનાશકો :

                પાકમાં પડતી જીવાતોની વ્યવસ્થા માટે કૃત્રિમ જંતુનાશકોની માફક જ જૈવ જંતુનાશકો અસરકારક છે. કુદરતી પેદાશો પર્યાવરણ-મિત્ર હોય છે અને તે સહેલાઈથી જમીનમાં ભળી જાય તેવી હોય છે જેથી પર્યાવરણમાં પ્રદૂષણ પેદા કરતી નથી. જૈવ જંતુનાશકો કાપણી પહેલાં આપતાં પણ તાજા ફળ અને શાકભાજી માટે સલામત છે. વળી તેઓ કુદરતી દુશ્મનો અને ફાયદાકારક  સજીવોને અસર નહિ કરતાં ફક્ત લક્ષ્ય આધારિત જીવાતોને જ નુકસાન પહોંચાડે છે. તે થોડા જથ્થામાં પણ અસરકારક નીવડે છે એટલે ટકાઉ ખેતીમાં જીવાત વ્યવસ્થા માટે તેને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

                કુદરતી જંતુનાશકો સામે જીવાતોમાં પ્રતિકારક શક્તિ પેદા થતી નથી. તે ઝેરી નહિ હોવાથી ખેડૂતને તેમજ ખેતીપેદાશનો ઉપયોગ કરનાર ગ્રાહક બન્ને માટે સલામત પેદાશ છે. તેથી સંકલિત જીવાત વ્યવસ્થાપનમાં જૈવ જંતુનાશકોનો સમાવેશ કરી ઉપયોગ કરવામાં આવે છે જેથી કૃત્રિમ જંતુનાશકોના વપરાશના પ્રમાણમાં ઘટાડો કરી શકાય છે. કુદરતી પેદાશ હોઈ તે ઝડપથી કહોવાઈ જતી હોઈ પર્યાવરણ માટે પણ સલામત છે. અગત્યની સજીવ પ્રજાતિઓનો ઉપયોગ જૈવ જંતુનાશકો તરીકે કરતાં જમીનમાં રોગકરાકોનો ચેપ લાગતો અટકાવે છે.

સારાંશ :

                જો કે ઘણા પડકારોનો સામનો કરવા છતાં પણ જૈવ જંતુનાશકોને કૃત્રિમ જંતુનાશકોના વિકલ્પ રૂપે અપનાવવા વધુ અનુકુળ છે. કૃત્રિમ જંતુનાશકોના ઉપયોગના કારણે પર્યાવરણ, માનવ તંદુરસ્તી,કુદરતી દુશ્મનો અને પરિસ્થિતિકીય સમતુલા ઉપર નકારાત્મક અસર થવા પામે છે.કૃત્રિમ જંતુનાશકોના કેટલાક કાર્યશીલ તત્વો કેન્સરજનક પદાર્થો ધરાવતા હોઈ માનવ આરોગ્ય માટે ભયજનક છે. જૈવ જંતુનાશકો કૃત્રિમ જંતુનાશકોની સરખામણીએ ઓછા ઝેરી,જમીનમાં ઝડપથી કહોવાઇ જઇ ભળી જાય  તેવા  અને વાતાવરણમાં ઓછા સમય માટે રહેતા હોઈ એક સારા વિકલ્પ તરીકે ઉપયોગી છે. જૈવિક જંતુનાશકો માટેના મુળભૂત પદાર્થો સહેલાઈ ઉપલબ્ધ અને કિંમતમાં સસ્તા છે. આવી બનાવટો વેપારી ધોરણે બનાવવા માટે તેના ઝેરના સ્તરની આંકડાકીય માહિતી,રસાયણ તરીકે સક્રિય પદાર્થ,રોગ-જીવાત વ્યવસ્થાની અન્ય રીતો સાથે સાનુકૂળતા વગેરે જાણવા જરૂરી છે. વૈશ્વિક ધોરણે સંશોધકો દ્વારા લેવામાં આવેલ ઈનવિટ્રો અખતરાઓમાં કુદરતી વનસ્પતિજ પાક સંરક્ષણ પ્રોકડ્‌ટસના પરિણામો નોંધપાત્ર રીતે અસરકારક માલૂમ પડેલ છે. નિયંત્રિત પરિસ્થિતિ તેમજ ખેતરો ઉપર પણ જૈવ જંતુનાશકોની અસરકારકતા અંગેના અખતરાઓ લેવામાં આવેલ છે. તેની બનાવટો માટેના પણ સંશોધન થયા છે.  પાકની જીવાત વ્યવસ્થામાં જૈવ જંતુનાશકોની અસરકારકતા માટેની પેદાશો પણ ચકાસવામાં આવી છે. સરકારશ્રી, ઉદ્યોગકારો અને સંશોધકોએ ભેગા મળી ખેડૂતોને લાંબો સમય અસરકારક નીવડે તેવી જૈવ જંતુનાશકોની યોગ્ય બનાવટો તૈયાર કરવી જોઈએ.


સ્ત્રોતઃ ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ,ઓકટોબર ૨૦૨૦


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *