દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસની સાથે-સાથે ક્રુડ ઓઈલના વપરાશમાં અનેક ગણો વધારો થયો છે. આપણા દેશમાં ક્રુડ ઓઈલનું ઉત્પાદન ઘટેલ હોઈ અન્ય દેશોમાંથી તેની આયાત કરવી પડે છે. વિશ્વમાં ઓઈલના ભાવો વધે તો તેની સીધી અસર દેશના અર્થતંત્ર ઉપર થાય છે.
ભારતમાં ફાર્મ પાવરની લભ્યતા અંદાજે હેકટર દીઠ ૨.૦૨ કિલોવોટ છે. આ લભ્યતા વિકસિત દેશો અને અન્ય વિકાસશીલ દેશોની સરખામણીએ ઘણી ઓછી છે. સરકારની નીતિ કૃષિમાં મશિનરીનો ઉપયોગ વધારવાની છે જેને ચલાવવા માટે પેટ્રોલીયમનો બળતણ તરીકે ઉપયોગ વધવા પામશે. આધુનિક ખેતી સર્વને માટે અન્ન પૂરવઠો પુરો પાડે છે જેથી પેટ્રોલીયમની જાળવણી કે સાચવણી કરવી મહત્ત્વની છે સને ૨૦૧૫ માં અંદાજે ૬,૨૭,૦૦૦ ટ્રેકટર વેચવામાં આવેલ. ભારત એ ટ્રેકટર માટેનું મોટું બજાર છે. કૃષિ ક્ષેત્ર કુલ ડીઝલ વપરાશના અંદાજે ૧૩ ટકા ડીઝલનો વપરાશ કરે છે જેમાં ૭.૪ ટકા ટ્રેકટર, ૨.૯ ટકા વોટર પંપ અને ૨.૭ ટકા કૃષિ ઓજારોનો સમાવેશ થાય છે.
ટ્રેકટરનો ઉપયોગ ખેતી સિવાય બાંધકામ માટે વપરાતી ઈટો, કપચી, રેતી વગેરેના વહન તથા ગ્રામ્ય લોકોના પરિવહન માટે પણ થાય છે તેથી તેમાં ડીઝલનો વપરાશ વધુ થાય છે. ટ્રેકટર, કમ્બાઈન હોર્વેસ્ટર, પાકની વાવણી, કાપણી અને દવા છાંટવાના સાધનો, ખેતીપેદાશ અને બિયારણની હેરફેર વગેરે માટે પણ ડીઝલ જરૂરી છે. ભવિષ્યની માનવ જરૂરિયાતને પહોંચી વળવા માટે પેટ્રોલીયમ પેદાશોની જાળવણી કરવી પડશે તેમજ તેના વપરાશ દરમ્યાન પડતી ઘટ ઓછી કરવા માટેના ઉપાયો હાથ ધરવા પડશે. અત્રે કૃષિ ક્ષેત્રે મહત્વની ત્રણ પ્રવૃતિઓમાં પેટ્રોલીયમનું સંરક્ષણ કઈ રીતે થઈ શકે તેની માહિતી આપેલ છે.
કૃષિ ક્ષેત્રમાં પેટ્રોલીયમનું સંરક્ષણ :
કૃષિની મુખ્ય ત્રણ પ્રવૃત્તિઓ જેવી કે બળતણનો સંગ્રહ, ટ્રેકટર / પાવર ટિલર / વોટર પંપની કામગીરી તથા જાળવણી અને ખેતી પધ્ધતિઓમાં પેટ્રોલીયમનો ઘટાડો જોવા મળે છે.
(૧) બળતણનો સંગ્રહ (ફ્યુઅલ સ્ટોરેજ) :
ખેતરો અને ખાસ કરીને મોટા ખેતરો શહેરોથી ઘણે દૂર હોય છે જેથી બળતણનો સંગ્રહ ખેતરના સ્થળે કરવો જરૂરી હોઈ સ્ટોરેજ ટેન્કમાં બળતણનો સંગ્રહ કરવામાં આવે છે. આવી ટેન્કોમાંથી બાસ્પીભવન અને લીક થવાથી સંગ્રહેલ બળતણમાં ઘટ પડે છે. ઉદાહરણ તરીકે ૧૨૦૦ લિટરની સ્ટોરેજ ટેન્ક હોય તો વર્ષે બાસ્પીભવન ધ્વારા ૪૮૦ લિટર બળતણનો નાશ થાય છે. જો નીચે જણાવેલ પગલાં લેવામાં આવે તો વર્ષે બાસ્પીભવનમાં થતો ઘટાડો ૬૦ લિટર ઉપર લાવી શકાય તેમ છે.
(૧) સારો છાંયો આપે તેવા શેડમાં સ્ટોરેજ ટેન્ક રાખો.
(૨) સૂર્યની ગરમીથી રક્ષણ આપવા માટે સ્ટોરેજ ટેન્કને સફેદ કલર લગાવવો.
(૩) પરંપરાગત ઢાંકણને બદલે પ્રેસર રીલીફ વેક્યુમ કેપ વાપરો.
(૪) ટેન્કની જરૂર ન હોય તો લાક લગાવો. નિયમિત રીતે લીકેજ ચકાસો. સ્ટોરેજ ટેન્કનું આઉટલેટ, વાલ્વ, પેકિંગ અને નોઝલ લીક હોય તો ચકાસો.
(૫) જો જમીનમાં ટેન્ક હોય તો ઓઈલનું બાસ્પીભવન ઘણું ઓછુ થાય છે પરંતુ તેમાંથી ઓઈલ લીક થઈ ભૂગર્ભ જળને પ્રદૂષિત ન કરે તેની ખાસ તપાસ રાખો.
(૨) ટ્રેકટર,પાવર ટિલર, વોટર પંપની કામગીરી તથા જાળવણી :
એન્જીન ચલાવતા પહેલા નીચેની બાબતો ચકાસો.
(૧) ભલામણ કરેલ ગ્રેડ મુજબનું ઓઈલ વાપરો. જો સારા ગ્રેડનું ઓઈલ ખરીદશો તો તમારા નાણાંનો બગાડ નહિ થાય.
(૨) ઠંડા વાતાવરણમાં પ્રવાહી બળતણ વાપરો.
(૩) થર્મોસ્ટેટ યોગ્ય રીતે કામ કરે તો એનર્જી બચાવે છે. મોટા ભાગના એન્જીન પાણીનું ઉષ્ણતામાન ૧૬૫૦ થી ૧૮૦૦ ફે. હોય ત્યારે સારી રીતે કાર્ય કરે છે. ૧૮૦૦ ફે.ને બદલે ૧૦૦૦ ફે. એ એન્જીન ચાલે તો અંદાજે ૨૫ ટકા વધુ બળતણનો વપરાશ થાય છે. આ માટે એન્જીન સાથે આપેલ મેન્યુઅલ વાંચી તે મુજબ અમલ કરવો.
(૪) એન્જીન બંધ રાખવાથી કે પડી રહેલા દેવાથી કુલ બળતણના અંદાજે ૧૫ થી ૨૦ ટકા બળતણ નાશ પામે છે.
(૫) મશીનરી એકદમ સ્ટાર્ટ ન કરો નહિ તો બળતણનો બગાડ થશે અને સાધનને ચલાવવુ ભારે પડશે.
(૬) જાળવણી કરો. તમારા ખેતર પરના વાહનો મશીનરી અને સાધનોને યોગ્ય અને ચાલુ સ્થિતિમાં જાળવો કે જેથી તમારા બળતણ અને નાણાં બચે, મરામતનો ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થાય અને નુકસાનકારક અસર ઓછી થાય. આ માટે જે તે મશીનરી સાથે આપેલ મેન્યુઅલમાં જણાવ્યા મુજબ તેનો અમલ કરો.
(૭) વાહન ઉપર વધુ જથ્થામાં માલ લઈ જવો નહિ એટલે કે ઓછુ વજન ભરવું. વધુ ભારને કારણે બળતણ વધુ વપરાય છે.
(૮) ટાયરમાં પુરતી હવા રાખો. ઠંડા વાતાવરણમાં ટાયરમાંની હવાનું દબાણ ઘટે છે તેથી નિયમિત રીતે હવાનું દબાણ ચેક કરો. મેન્યુઅલમાં જણાવ્યા મુજબ હવાનું દબાણ જાળવો.
(૯) ટ્રેકટરના પૈડાનું બેલેન્સ એલાઈમેન્ટ અને હવાનું દબાણ જાળવો જેથી ટાયરને નુકસાન ન પહોંચે તેમજ બળતણનો વપરાશ ઘટતાં આર્થિક રીતે ફાયદો થાય.
(૩) ખેતી પધ્ધતિઓ :
તમે તમારા ખેતરનું કઈ રીતે સંચાલન કરો છો તેના આધારે ખેતી પધ્ધતિઓમાં ફેરફાર કરી નોંધપાત્ર રીતે બળતણનો બચાવ કરી શકાય છે. ખેતરમાં ટ્રેકટરથી ખેડકાર્ય ન કરવામાં આવે તો બળતણનો નોંધપાત્ર રીતે બચત થઈ શેકે છે.
ખેડાણ માટે ટ્રેકટરની કામગીરી :
- ખેતરમાંની કામગીરી માટે નાનું, વજનમાં હલકું અને ખેતીકામની કામગીરીને અનુરૂપ ટ્રેકટર પસંદ કરવું. યોગ્ય સાધન પસંદ કરવું જેથી વધારે પડતા હો.પા. કે ઓછા હો.પા. ને કારણે બળતણની અસરકારકતા ઘટે નહિ.
- જરૂર વિના ટ્રેકટર ફેરવવું નહિ.
- ભલામણ કરેલ ગતિએ જ ટ્રેકટર ચલાવવું. જેમ ગતિ (સ્પીડ) વધે તેમ બળતણની વધુ જરૃર પડે તેથી મેન્યુઅલમાં જણાવ્યા પ્રમાણે ભલામણ કરેલ સ્પીડ રાખવી.
- ટ્રેકટરને અસરકારક રીતે ખેતરમાં ફેરવવું. ખેતરના લેઆઉટ મુજબ ઓછામાં ઓછા વળાંક લેવા પડે તેમ ટ્રેકટર ચલાવવું. ટ્રેકટર ચલાવતી વખતે પશુઓનો વિક્ષેપ પડે નહિ તે જોવું.
ટાયર સ્લિપેજ :
ટ્રેકટરના ટાયરનો સ્લિપેજ ૧૦ થી ૧૫ ટકા હોવો જોઈએ. જો સ્લિપેજ વધારે થાય તો બળતણના વપરાશમાં વધારો થાય છે.
ટ્રેક્ટર ટાયર સ્લિપેજનું ચેકિંગ : ટ્રેડ માર્ક
આ માટે ટાયર ટ્રેડ પેટર્નનું નિરીક્ષણ કરવું
(ક) વધુ વડતુ વજન : ટાયરના વધુ પડતા સ્લિપેજને કારણ ટ્રેડ માર્ક ધસાઈ ગયા હોય ટાયરો સારી રીતે કામ કરી શકતા નથી.
(ખ) ઓછુ વજન : ટાયરનો ટ્રેક ટાયરો જમીન ઉપર તીણો (શાર્પ) દેખાય છે. યોગ્ય વજનમાં ટ્રેડ પેટર્ન દેખાય છે.
ડ્રોબાર વર્ક (ગ્રીયર અપ અને થ્રોટલ ડાઉન) :
ખેતરમાં ટ્રેકટરની તેની ક્ષમતા કરતાં સરેરાશ ૫૦ ટકાએ વપરાય છે એવું અભ્યાસમાં જણાવેલ છે. જો ડ્રોબાર લોડ ઘટાડવામાં આવે તો એન્જીનની સ્પીડ ઘટતાં બળતણનો વપરાશ પણ પ્રમાણમાં ઘટે છે. આયોવા સ્ટેટ યુનિવર્સિટી એક્ષટેન્શનના જણાવ્યા મુજબ ૭૫ ટકા પાવરથી ટ્રેકટર ચલાવતાં બળતણમાં ૫ થી ૧૫ ટકાની બચત જ્યારે ૫૦ ટકા પાવરથી ચલાવતાં બળતણમાં ૧૫ થી ૩૦ ટકાની બચત થાય છે.
હીચિંગ :
જો ટ્રેકટર અને ઓજારને બરાબર બેસાડેલ ન હોય તો પાવર અને બળતણ બંનેનો વ્યય થાય છે. ઓછામાં ઓછું ઘર્ષણ થાય તે રીતે ભાગોને જોડવા.
બળતણ આધારિત પંપ સેટ :
ખેતીમાં પિયત આપવા માટે નોંધપાત્ર રીતે બળતણનો ઉપયોગ થાય છે એક અંદાજ મુજબ વર્ષમાં જમીનમાંથી પાણી ખેંચવા માટે ૧૬ X ૧૦૯ કિલોવોટ વીજળી અને અંદાજે ૨૦૦ કરોડ લિટર ડિઝલની જરૂર પડે છે.જો જમીનમાંથી પાણી ખેંચવા માટે સારી રચનાવાળો પંપ વાપરવામાં આવે તો અસરકારક રીતે જમીનમાંથી પાણી મેળવી ખેતરમાં આપી શકાય.
પિયત માટે બળતણમાં વપરાશ અંગેની પ્રાથમિક તપાસ સૂચવે છે કે જો સુધારેલી તાંત્રિકતા અપનાવવામાં આવે તો કુલ બળતણ વપરાશના ૩૦ થી ૫૦ ટકા બળતણ બચાવી શકાય જેમ કે પંપમાં અસરકારક વાલ્વની પસંદગી, પંપની યોગ્ય રચના, કૂવાનું બાંધકામ, પાણીના સારો ઉપયોગ વગેરે. જો પંપની અયોગ્ય પસંદગી કરવામાં આવે, તેના ભાગોને બરાબર જોડવામાં ન આવે, અપૂરતી મરામત કે જાળવણી કરવામાં આવે તથા એકમને ખોટી રીતે ચલાવવામાં આવે તો પંપ કાર્યક્ષમ રીતે કાર્ય કરી શકતો નથી.
પંપની ઓછી અસરકારકતા માટેના કારણો :
(૧) યોગ્ય માપથી નાની પાઈપો :
જો ઓછા વ્યાસવાળી (નાની) પાઈપો વાપરવામાં આવે તો તેને લઈ શરૂઆતનો ખર્ચ ઓછો આવે પરંતુ તેને ચલાવવાનો ખર્ચ વધે. જો વધુ વ્યાસવાળી (મોટી) પાઈપો વાપરવામાં આવે તો શરૂઆતનો ખર્ચ વધે પરંતુ તેને ચલાવવાનો ખર્ચ ઓછો થાય. ઓછામાં ઓછુ ખર્ચ થાય તે રીતે આદર્શ વ્યાસવાળી પાઈપો પસંદ કરવી કે જેથી કુલ ખર્ચ ઓછો થાય. સામાન્ય રીતે ૧૦૦ X ૧૦૦ મિ.મી. ના પંપ માટે ૧૦૦ મિ.મી. ના વ્યાસવાળી પાઈપોનો ઉપયોગ થાય છે.
(૨) હાઈ ડીલિવરી પોઈન્ટ :
ખાસ કરીને ડીઝલથી ચાલતા મોટા ભાગના પંપોમાં હાઈ ડિલીવરી પોઈન્ટ હોય છે. જો ડિલીવરી પધ્ધતિની વધુ પડતી ઊંચાઈ રાખવામાં આવે તો એનર્જીનો વધુ વપરાશ થાય છે.
(૩) નબળું ફિટિંગ :
મોટા ભાગના ખેડૂતોના ખેતરોમાં કરવામાં આવેલ ફિટિંગ ઘણું નબળું હોવાથી મોટા પ્રમાણમાં ઘટાડો અને લીકેજ થાય છે. ફૂટવાલ્વની ગુણવત્તા સારી ન હોય તો પણ હેડલોસ વધુ થાય છે. તે જ રીતે પાઈપોમાં વધુ વળાંકો હોય તો પણ હેડ લોસ વધુ થાય છે. ખેડૂતો મોટે ભાગે પંપના ભાગોની ગુણવત્તા અને કામગીરી વિષે જાણતા હોતા નથી.
(૪) બિનકાર્યક્ષમ પંપ :
એક અભ્યાસ મુજબ ઈલેકટ્રીક મોટરથી સંચાલિત પંપોની અંદાજે સરેરાશ કાર્યક્ષમતા ૪૭ ટકા જણાવેલ છે અને ૬૬ ટકા જેટલા પંપો ૫૦ ટકાથી ઓછી કાર્યક્ષમતાએ ચાલતા માલૂમ પડેલ છે. તે જ પ્રમાણે ડીઝલથી એન્જીન સંચાલિત પંપોની અંદાજે સરેરાશ કાર્યક્ષમતા ૫૬ ટકા જણાયેલ છે અને ૫૦ ટકાથી વધુ પંપો ૬૦ ટકાથી ઓછી કાર્યક્ષમતાએ ચાલતા માલૂમ પડેલ છે. પંપની અયોગ્ય પસંદગી અને પંપની નબળી ગુણવત્તાને કારણે આવું બને છે તેથી પંપની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે જેથી તેનો વધુમાં વધુ કાર્યક્ષમતાએ ઉપયોગ થાય.
(૫) ખોટા પ્રાઈમ મુવર્સની પસંદગી :
પંપમાં પ્રાઈમ મુવર્સ યોગ્ય સાઈઝનું હોવું જોઈએ. સામાન્ય રીતે ખેડૂતો વધુ ક્ષમતા ધરાવતી ઈલેકટ્રીક મોટર અને ડિઝલ એન્જીનો પસંદ કરે છે. સામાન્યતઃ તેનું ફાઉન્ડેશન અને બેલ્ટ ટ્રાન્સમિશન નબળા આકારનું હોય છે. તેથી ખેડૂતો યોગ્ય માપનું પ્રાઈમ મુવર પસંદ કરે, યોગ્ય ફાઉન્ડેશન અને બેલ્ટ ટ્રાન્સમિશનની રચના કરે અને પંપની તે મુજબ પસંદગી કરે તો પંપની કાર્યક્ષમતા મળે.
પિયતના પંપસેટ વાપરતી વખતે બળતણના સંરક્ષણ માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :
(૧) પંપ સેટની યોગ્ય પસંદગી :
બજારમાં વિવિધ પ્રકારના પંપ સેટ મળે છે જેની પાણી ખેંચવાની ક્ષમતા અલગ અલગ હોય છે. આઈએસઆઈ માર્કો ધરાવતા પંપ સેટ પસંદ કરવા જોઈએ. તેની કાર્યક્ષમતા ચાલુ પંપ સેટ કરતા ૨૫ થી ૩૫ ટકા વધારે હોય છે. પસંદ કરેલ પંપ તમારા કૂવા અને પાણીની જરૂરિયાત મુજબ હોવા જોઈએ. તમારા પડોશના ખેતરમાં જે પંપ હોય તેવો જ પંપ સારો તેમ જરૂરી નથી.
(૨) ફુટ વાલ્વ :
સારી જાતના ફુટ વાલ્વ પસંદ કરવાથી અંદાજે ૧૦ થી ૩૦ ટકા જેટલું ડીઝલ બચાવી શકાય છે. આઈએસઆઈ માર્કા વાળો ફુટ વાલ્વ વધુ અસરકારક છે જે સરવાળે થોડો મોંઘો પડે પરંતુ વધારાના ખર્ચ વિના ડિઝલ બચાવે છે. મોટા વાલ્વ વીજળી કે ડીઝલની બચત કરે છે કારણ કે તેને કૂવામાંથી પાણી ખેંચવા માટે ઓછી વીજળી કે ડિઝલની જરૂર પડે છે.
(૩) પાઈપલાઈન :
મોટા વ્યાસવાળી રીજીડ પીવીસી પાઈપલાઈન બળતણ બચાવે છે. જો નાના વ્યાસવાળા પાઈપો હોય તો પંપ ધ્વારા પાણી ખેંચવા માટે વધુ ડિઝલની જરૂર પડે છે. જો પંપ કરતાં પાઈપ મોટી હોય તો રીડ્યુસર વાપરવું જોઈએ. જો પાઈપનો વ્યાસ ૨૦ ટકા ઓછો કરવામાં આવે તો ઘર્ષણમાં ત્રણ ગણો વધારો થાય છે. જો ૧૦૦ મિ.મી. (૪ ઈંચ) પાઈપને બદલે ૮૦ મિ.મી. (૩ ઈંચ)ની પાઈપ વાપરવામાં આવે તો સરખુ પાણી ખેંચવા માટે ત્રણ ગણુ ઘર્ષણ થશે. જેને પરિણામે વધુ પ્રમાણમાં ડિઝલ વપરાશે. પરંપરાગત રીતે વપરાતી ગેલ્વેનાઈઝની પાઈપ કરતાં રીજીડ પીવીસી પાઈપમાં ઘર્ષણ ઓછું થવા પામે છે એટલે આવી પાઈપો ડિઝલની બચત કરવામાં મદદ કરે છે.
જો પાઈપના ફિટિંગમાં જેટલા વળાંક ઓછા હોય તેટલા બળતણનો બચાવ થાય છે. તેથી પાઈપલાઈનની ગોઠવણી એવી રીતે કરવી કે ઓછા વળાંક આવે જેથી ડિઝલની બચત થાય. પાઈપમાં વધુ પડતા વળાંક અને એલ-જોઈન્ટ હોય તો સ્ટાન્ડર્ડ વળાંક કરતાં ૭૦ ટકા જેટલુ ઘર્ષણ થવા પામે છે. તેથી સારી ગુણવત્તા ધરાવતી પીવીસી પાઈપો વાપરવી જોઈએ જેથી વીજળી / ડિઝલની અંદાજે ૨૦ ટકા બચત થાય.
(૪) ટ્રાન્સમિશન (પ્રવાહન) ઘટ :
- બહુ જુનો પટ્ટો (બેલ્ટ) વાપરવો નહિ. જો બેલ્ટ સ્લીપ મારે તો કે ઉતરી જાય તો પાવર ટ્રાન્સમિશનમાં ઘટ પડે છે અને તેને લીધે ડીઝલનો વપરાશ વધે છે.
- અસરકારક ટ્રાન્સમિશન માટેના પોઈન્ટસ ચેક કરો.
- બેલ્ટમાં સાંધા ઓછા આવે તેમ કરો
- બેલ્ટને સમયે સમયે ચેક કરી સરખો કરતા રહો.
- એન્જીન સાથે પંપનું જોડાણ ચેક કરો.
(૫) પંપની સ્થિતિ :
ખેડૂત પાઈપની ઊંચાઈ ૨ મીટર ઘટાડી દર મહિને ૧૫ લિટર જેટલુ ડિઝલ બચાવી શકે છે. કૂવાના પાણીના સ્તરથી ૧૦ ફુટની વધુ ઊંચાઈ રાખવામાં ન આવે તો પંપ વધુ અસરકારક રીતે કામ કરી શકે છે. જો પાણીનું સ્તર નીચુ હોય તો પંપને પણ યોગ્ય પ્લેટફોર્મ પર મૂકવો જોઈએ.
(૬) પંપની જાળવણી :
પંપને ચલાવવાની પધ્ધતિમાં વિવિધતા હોઈ તે મુજબ તેની જાળવણી કરવી જોઈએ. અત્રે પંપને ચલાવતી વખતે ધ્યાને લેવાના મુદ્દાઓ જણાવેલ છે.
(૧) દર મહિને : બેરીંગનું તાપમાન ચકાસો. જો ઊંજણની ખામી હોય અથવા વધુ ઊંજણ હોય તો બેરીંગ ગરમ થઈ જાય છે.
(૨) દર ત્રણ મહિને : ઊંજણને નિતારી લઈ બેરીંગ કેરોસીનમાં સાફ કરો. જો સ્લીવ બેરીંગ હોય તો શાફ્ટ સાથે મુક્ત રીતે ફરવી જોઈએ. બેરીંગમાં ભલામણ કરેલ ઊંજણ (ગ્રીસ) ભરી ફીટ કરવી. બેરીંગમાં છરા ચેક કરી જરૂર હોય તો બદલવા
(૩) દર છ મહિને : પેકિંગ બદલો. પંપનું જોડાણ ચેક કરો. જો પાઈપ જોડે જોડાણ બરાબર ન હોય તો તેને ચકાસી સુધારો કરો.
(૪) દર વર્ષે : વર્ષમાં એક વખત આખા યુનિટની સંપૂર્ણ ચકાસણી કરો. બેરીંગ, પેકિંગ, શાફ્ટ વગેરે ચેક કરો. કપલિંગ વાલ્વ જુદો કરી જોડાણ તપાસો. ફૂટ વાલ્વ અને ચેક વાલ્વ તપાસો.
નોંધ : કંપનીએ ભલામણ કર્યા મુજબનું ઓઈલ અને ગ્રીસ નિયમિત રીતે પંપમાં વાપરવું હિતાવહ છે.
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

