વિશ્વમાં ભારત મિલેટસના ઉત્પાદનમાં મોટો ઉત્પાદક દેશ છે જે વિશ્વના કુલ વપરાશના ૪૦ ટકાથી વધુ ઉત્પાદન કરે છે. ભારતના સૂકી ખેતી વિસ્તારોમાં તેની ખેતી થાય છે જે કુલ  ગ્રામ્ય લોકોના અંદાજે ૫૦ ટકા લોકોને આજીવિકા પુરી પાડે છે તેમજ અંદાજે ૬૦ ટકા પશુઓ તેના ઉપર નભે છે. મિલેટસ એ ધાન્યોમાં અજોડ છે. મિલેટસમાં નાના દાણા ધરાવતાં તૃણ વર્ગના છોડનો સમાવેશ થાય છે. દાણાના કદને આધારે બે વર્ગ પાડવામાં આવ્યા છે એક મુખ્ય મિલેટસ જેમાં જુવાર (Sorghum-Sorghum bicolor)અને બાજરી Pearl millet-Pennisetum glaucum) નો સમાવેશ થાય છે અને બીજા ગૌણ મિલેટસ જેમાં નાગલી (Finger millet-Eleusine coracana),કાંગ(Foxtail millet-Seteria italica), બંટી(Little millet-Panicum sumatrense),કોદરા (Kodo millet-Paspalum scrobiculatum, ચીણો (Proso millet-Panicum miliaceum) અને સામો Barnyard millet-Echinochloa frumentacea) નો સમાવેશ થાય છે.

ભારતના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ધ્વારા મૂકવામાં આવેલ દરખાસ્તને મંજૂર કરી ધી યુનાઇટેડ નેશન્સની જનરલ એસએમ્બલી એ તેના માર્ચ ૨૦૨૧ ના ૭૫ માં સેશનમાં વર્ષ ૨૦૨૩ ને ધી ઇન્ટનેશનલ ઇયર ઓફ મિલેટસ જાહેર કરેલ છે. વિશ્વ કક્ષાએ મિલેટ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે જે નીચેના કોઠા-૧ માં દર્શાવેલ છે.

કોઠો-૧ : વિશ્વના મિલેટ ઉત્પાદનમાં ભારતનું સ્થાન

સ્ત્રોત : વર્લ્ડ એટલાસ (૨૦૨૦)

ભારતમાં ગૌણ મિલેટસનો વિસ્તાર ઉત્પાદન અને ઉત્પાદક્તાની માહિતી કોઠો-૨ અને ૩ માં દર્શાવેલ છે.

કોઠો-૨ : ભારતમાં ગૌણ મિલેટસનો વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદક્તા

સ્ત્રોત : કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર

કોઠો-૩: ભારતમાં રાજ્ય દીઠ ગૌણ(નાના) મિલેટસનો વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતા (વર્ષ-2017-18)

સ્ત્રોત : કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર

સામાન્ય રીતે મિલેટેસનું ઉત્પાદન કૃત્રિમ ખાતરોના ઉપયોગ ઉપર આધારિત નથી. મોટા ભાગના મિલેટસ ઉગાડતા ખેડૂતો પોતે બનાવેલ છાણિયુ ખાતર અને જૈવિક ખાતર વાપરે છે એટલે તેઓ સરકાર ધ્વારા ખાતર માટે આપવામાં આવતી સહાય ઉપરનું ભારે દબાણ ઘટાડે છે. પરંપરાગત રીતે તેની ખેતી કરવામાં આવતી હોઇ કોઇ જીવાતનો ઉપદ્રવ મિલેટસ ઉપર થતો નથી તેથી તેઓને જીવાત મુક્ત પાકો પણ કહે છે. મોટા ભાગના મિલેટસમાં સંગ્રહેલ અનાજની જીવાતોનું નુકસાન જોેવા મળતું નથી એટલે આ માટે જંતુનાશક દવાઓની જરૂરીયાત પણ નહિવત છે. આમ તેઓ કૃષિના પર્યાવરણને નુકસાન કરતા નથી. વધારામાં મિલેટસ જમીનમાં કાર્બનનો સંગ્રહ કરી અંગારવાયુની માત્રામાં ઘટાડો કરે છે, વિવિધ જાતોને કારણે સુધારેલી ખેત જૈવવૈવિધ્યતામાં ફાળો આપે છે અને અન્ય મુખ્ય પાકો સાથે આંતરપાક તરીકે ઉગાડી ફાયદો કરે છે તેમજ તેનો લાંબો ઇતિહાાસ જોતાં તે નોંધપાત્ર સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે.

(૧)મિલેટસ-ભવિષ્યના આહાર તરીકે :

મિલેટસ સૂકી પરિસ્થિતિમાં અને નબળી જમીનમાં સારી રીતે થઇ શકે છે અને તેને ઓછા ઇનપુટસની જરૂર પડે છે. શેરડી અને કેળ  જેવા પાક કરતાં મિલેટસને ફક્ત ૨૫ ટકા વરસાદ ધરાવતો વિસ્તાર અને ઘણા ઓછા પિયતની જરૂર પડે છે જે કોઠા-4 ઉપરથી જણાય છે. આમ પિયત અને વીજળીના વપરાશ માટે જે તે રાજ્ય ઉપર ઓછો ભાર પડે છે. મિલેટસ વિવિધ પરિસ્થિતિવાળા વિસ્તારોમાં અને ફક્ત ૧૫ સે.મી. થી ઓછી ઉંડી જમીનમાં પણ થઇ શકે છે. તેની વૃદ્ધિ અને વિકાસ માટે ફળદ્રુપ જમીન હોવી જરૂરી નથી. તેથી સૂકા વિસ્તારો માટે તેની ભારે માંગ છે. અન્ય ધાન્યોની સરખામણીએ મિલેટસ ઊંચી પોષણ ગુણવત્તા ધરાવતા હોઇ ડેકકન ,મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના રાજ્યો જેવા કે ગુજરાત અને રાજસ્થાન સહિતના વિસ્તારોના ગરીબો અને ખેડૂતો તેનો મુખ્ય ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ખોરાક અને ઘાસચારા એમ બંને હેતુથી ઉપયોગી હોઇ આર્થિક દષ્ટિએ તેનો મિશ્ર પાક પદ્ધતિમાં ઉપયોગ કરવામાં આવે છે.

કોઠો-૪ : વિવિધ પાકો માટે વરસાદની જરૂરિયાત

(૨) મિલેટસ – પોષણ માટેનું સંગ્રહઘર :

મિલેટસને પોષક અનાજ (ન્યુટ્રિ-સીરીયલ્સ/ન્યુટ્રિ ગ્રેઇન્સ) કહેવામાં આવે છે કારણકે તે અત્યંત પૌષ્ટિક, ગ્લુટેન વિહીન, એસિડ ઉત્પન્ન ન કરે તેવો અને સહેલાઇથી પચે તેવો ખોરાક છે. તે લાંબા સમયે ધીરે ધીરે ગ્લુકોઝ છૂટો પાડતું હોઇ તેનો ગ્લાયસેમિક આંક નીચો છે જેથી તેને ખોરાકમાં લેવાથી ડાયાબીટીસનું જોખમ ઘટાડે છે. વધુમાં મિલેટસ એ આયર્ન, કેલ્શિયમ, ઝિંક, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ વગેરે ખનીજતત્વોનો ઊંચો સ્ત્રોત છે. ડાંગર અને ઘઉંની સરખામણીએ મિલેટસ એ કોઇપણ પોષણ પરિમાણોની દ્રષ્ટિએ ઘણા આગળ પડતા છે. કાંગ કેલ્શિયમથી ઘણું સમૃદ્ધ છે જેમાં ચોખા કરતાં ૩૦ ગણુ વધારે કેલ્શિયમ રહેલું છે જ્યારે અન્ય મિલેટસ ચોખાની સરખામણીએ ઓછામાં ઓછું બે ગણુ કેલ્શિયમ ધરાવે છે. આયર્નની દષ્ટિએ બંટી અને બાજરી સમૃદ્ધ છે. મિલેટસ પુરતા પ્રમાણમાં ખાદ્ય રેસા, વિટામિનો, ફોલિક એસિડ અને ઊંચા પ્રમાણમાં લેસિથિન ધરાવે છે જે ચેતાતંત્રને સક્ષમ બનાવવામાં ઉપયોગી છે જ્યારે શરીરને જરૂરી બીટા કેરોટીન સૂક્ષ્મતત્વ કે જે ગોળી કે કેપ્સ્યુલ રૂપે ઔૈષધિ તરીકે લેવાય છે તે મિલેટસમાં પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે જે ચોખામાં નથી. મિલેટસ પોલીફીનોલ્સ, ટેનિન્સ, ફાયટોસ્ટીરોલ્સ જેવા ફાયટોકેમિકલ્સ અને એન્ટિઓક્સીડેન્ટથી સમૃદ્ધ છે. જો કે તે કેટલાક પોષક વિરોધી ઘટકો ધરાવે છે જેને પ્રોસેસિંગ માવજતથી ઘટાડી શકાય છે. આમ જોતાં દરેક મિલેટ દરેક પોષકતત્વની રીતે ચોખા કરતાં અસાધારણ રીતે શ્રેષ્ઠ છે. તેથી તેનો નિયમિત રીતે ખોરાકમાં વપરાશ કરવામાં આવે તો મોટા ભાગના લોકોમાં થતા કુપોષણને દૂર કરવામાં મદદ કરી શકાય.

ખાસ કરીને આદિવાસીઓ પરંપરાગત રીતે મિલેટસનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે કે જે ઘણી બધી ગુણવત્તા ધરાવતો ખોરાક છે. ગ્રાહકો માટે મિલેટ આધારીત તૈયારીમાં વાપરી શકાય તેવી (રેડી -ટુ-યુઝ) કે સીધી ખાવામાં લેવાય તેવી (રેડી-ટુ-ઇટ) બનાવટો ઉપલબ્ધ નથી. તાજેતરમાં મિલેટ તરફ ધ્યાન દોરી તેની મૂલ્ય વર્ધિત બનાવટો તૈયાર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. ભારતની ખેતીમાં ખાદ્ય પાકોની સરખામણીએ મિલેટસની સ્થિતિ નિમ્ન સ્તરે છે તેમ છતાં વિભાગીય કે ઘરગથ્થુ સ્તરે અન્નની સલામતીની દ્દષ્ટિએ તેનું મહત્ત્વ રહેલું છે. વિવિધ મિલેટસ તથા ઘઉં, ડાંગરમાં રહેલ પોષકતત્વોની માહિતી કોઠા-૫ માં દર્શાવેલ છે.

કોઠો-૫ : વિવિધ અનાજમાં રહેલ પોષકતત્વો (૧૦૦ ગ્રામમાં)

સંદર્ભ : ન્યુટ્રિટિવ વેલ્યૂ ઓફ ઇન્ડિયન ફૂડઝ, એનઆઇએન (૨૦૦૭)

(૩) સૌથી ઉતરતી કક્ષાની જમીનમાં મિલેટસ ઉગાડી શકાય :

મોટા ભાગના મિલેટસ ઓછી ફળદ્રુપ જમીનોમાં, કેટલાક એસિડિક જમીનોમાં તો કેટલાક ક્ષારીય જમીનોમાં ઉગાડી શકાય છે. બાજરી જેવા મિલેટ રેતાળ જમીનોમાં ઉગાડી શકાય છે જેમ કે રાજસ્થાનની રેતાળ જમીન. કાંગ ક્ષારીય જમીનમાં વધુ સારી રીતે ઉગાડી શકાય છે. સામો સમસ્યા રૂપ જમીનમાં ઉગાડી  શકાય છે કે જ્યાં ડાંગર જેવા પાક લઇ શકાતા નથી. મોટા ભાગના મિલેટસ આવી જમીનોમાં થઇ શકે છે. ખાસ કરીને ભારતના ગરીબ ખેડૂતો સૂકા વિસ્તારોમાં આવી નબળી જમીનની માલિકી ધરાવે છે. કૃષિ અને અન્નની સલામતીને જાળવી રાખવા માટે આવી જમીનોમાં મિલેટસનો ઉપયોગ કરી શકાય છે.        

નબળી જમીનોમાં મિલેટસ સારી રીતે ઉગાડી શકાય છે તે એક હકીકત છે. પશ્ચિમ આફ્રિકાની સાહેલિયન જમીનની સ્થિતિમાં મિલેટસ ઉગે છે અને આફ્રિકાના ૭૪ ટકા મિલેટસનું ઉત્પાદન મેળવે છે જે વૈશ્વિક મિલેટ ઉત્પાદનના ૨૮ ટકા જેટલું છે. આમ ૫૦૦ મિ.મી. જેટલો સરેરાશ વરસાદ ધરાવતા વિસ્તારોમાં તથા રેતાળ અને સ્હેજ એસિડિક જમીનોમાં પણ મિલેટસ સખ્ત પાક તરીકે ટકવાની ક્ષમતા ધરાવે છે. તેથી કેડકન અને રાજસ્થાન જેવા પ્રદેશોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ મિલેટસ આહાર માટે દાણા અને પશુઓ માટે ઘાસચારો પેદા કરી શકે છે.

(૪) મિલેટસ માટે કૃત્રિમ ખાતરોની જરૂરિયાત નથી.

મિલેટસને કૃત્રિમ ખાતરોની જરૂર પડતી નથી. શુષ્ક પરિસ્થિતિવાળી જમીનોમાં તે કૃત્રિમ ખાતરો વિના સારી રીતે ઉગી શકે છે એટલે જ મોટા ભાગના મિલેટસ ઉગાડતા ખેડૂતા છાણિયુ ખાતર વાપરીને મિલેટનું વાવેતર કરે છે. તાજેતરના વર્ષોમાં મિલેટસના વાવેતરમાં પોતાના વાડામાં બનાવેલ વર્મિકમ્પોસ્ટ જૈવિક ખાતર તથા પંચગંવ્ય, અમૃતપાની જેવા વૃદ્ધિ વર્ધકોનો ખેડૂતો ઉપયોગ કરતા થયા છે. આમ ખેડૂતો પર્યાવરણ-મિત્ર પદ્ધતિઓ અપનાવી મિલેટનું ઉત્પાદન લેતા થાય છે.

(૫) મિલેટસ મોટે ભાગે જીવાત મુક્ત છે.

પરંપરાગત રીતે દેશી પદ્ધતિથી તેની દેશી જાતોનું વાવેતર કરતાં મોટા ભાગના મિલેટસ (જેવા કે કાંગ)જીવાત મુક્ત છે એટલે કે જંતુનાશકોની વધુ જરૂર પડતી નથી. તેના સંગ્રહની સ્થિતિમાં પણ કાંગ જેવા મિલેટને ધૂમકરની જરૂર પડતી નથી પરંતુ તે જંતુ વિરોધી એજન્ટ તરીકે કાર્ય કરે છે એટલે મગ જેવા જલ્દીથી સડી જતા કઠોળના સંગ્રહ માટે વપરાય છે.

(૬) મિલેટસ એક પાક નહિ પરંતુ પાક પદ્ધતિ છે.

મોટા ભાગના મિલેટસ પરંપરાગત પદ્ધતિ વડે ઉગાડવામાં આવે છે નહી કે એક પાક તરીકે.મોટા ભાગના મિલેટના ખેતરો સ્વાભાવિક રીતે જૈવવૈવિધ્યતા ધરાવે છે. દેશમાં પરંપરાગત રીતે મિલેટની ખેતી થાય છે. ૬ થી ૨૦ જેટલા પાકો એક જ સમયે એક જ જમીન ઉપર વાવવામાં આવે છે. હિમાલયમાં આ પ્રકારની બરનાજા (Baranaja) ખેતી પ્રણાલી પ્રખ્યાત છે. મિલેટ આધારીત આ ખેત પ્રમાલીમાં ૧૨ જુદા જુદી પાકની જાતોનો ઉપયોગ થાય છે. રાજસ્થાનમાં સાત ધાન (Saat dhan) ખેતી પ્રણાલીમાં મોટા ભાગે મિલેટસની જાતોનો ઉપયોગ થાય છે. દક્ષિણ ભારતમાં પન્નેન્દુ પન્તાલુ (Pannendu Pantalu) નામની સર્વગાહી ખેત પ્રણાલીમાં મિલેટસને કઠોળ અને તૈલી પાકો સાથે સંયુક્ત રીતે વાવવામાં આવે છે.

(૭) મિલેટસ બહુવિધ સુરક્ષા આપે છે.

ડાંગર અને ઘઉં જેવા મુખ્ય ધાન્યપાકો ફક્ત ભારત માટે અન્નની સલામતી પુરી પાડે છે જ્યારે મિલેટસ આહાર, પોષણ અને નાણાકીય સલામતી સહિત આજીવિકા પ્રદાન કરી બહુવિધ સુરક્ષા પુરી પાડે છે. મોટા ભાગના મિલેટસના પૂળા ખાદ્ય ચારો છે. ઘણીવાર જુવાર અને બાજરી  જેવા પાકોનું વાવેતર ફક્ત ચારા માટે કરવામાં આવે છે. ઉપરાંત મિલેટસના પોષણયુક્ત ચારાનો સંગ્રહ પોષણ માટેની સુરક્ષા પુરી પાડે છે. મિલેટસની સાથે કઠોળ પાકો લેવાથી તેનાં પાન જમીન ઉપર પડી કુદરતી ખાતર બની જમીનની ફળદ્રુપતા જાળવવાનું કાર્ય કરે છે.

(૮) મિલેટસ હવામાન પરિવર્તનનો સામનો કરે છે.

અગાઉ જણાવેલ મિલેટસના ગુણો જોતાં હવામાનના પડકારોનો વિશ્વ જે સામનો કરી રહ્યું છે તેનો ઉત્તર મિલેટસ છે. હવામાન પરિવર્તનને કારણે અનેક પડકારો પેદા થયા છે જેવા કે ઓછો વરસાદ, ઉષ્ણતામાનમાં ૨ થી ૫ અંશનો વધારો, પાણીની તંગી અને ગંભીર કુપોષણ વગેરે. આ તમામ પડકારો સામે ટક્કર જીલી શકેે તેવી પાક પદ્ધતિ મિલેટ પદ્ધતિ છે. પાણીના ભરાવામાં ડાંગરની ખેતી થાય છે ત્યારે મીથેન ગેસ  પેદા  થતાં પર્યાવરણ ઉપર ગંભીર અસર પેદા કરે છે. ઘઉંનો પાક સંવેદનશીલ હોઇ ઉષ્ણતામાનમાં વધારો થતાં તેની નુકસાનકારક અસરને કારણે ઉત્પાદનમાં ઘટાડો થાય છે જેના કારણે તે વિસ્તારોમાં ભવિષ્યમાં ઘઉંના ખેતરો અદ્દશ્ય થઇ જશે. જ્યારે મિલેટસ હવામાંના અંગારવાયુને ઘટાડવામાં ભવિષ્યમાં મદદ કરતા હોઇ હવામાન પરિવર્તનનો સામનો કરી શકે છે. આમ ઘઉં અને ડાંગર ફક્ત અન્નની સુરક્ષા પુરી પાડે છે જ્યારે મિલેટસ બહુવિધ સુરક્ષા (આહાર, આરોગ્ય, પોષણ, આજીવિકા અને ઇકોલોજી) પુરી પાડે છે જેના કારણે તે કૃષિને સુરક્ષા પુરી પાડતા પાકો છે.

આમ ઉપરોક્ત તમામ વિગતો જોતાં મિલેટસ સદાબહાર ક્રાંતિ લાવનાર ચમત્કારિક અનાજ છે.

મિલેટસના વાવેતરમાં ઘટાડો :        

મિલેટની ખેતી પદ્ધતિમાં અસાધારણ ગુણો અને ક્ષમતા હોવા છતાં છેલ્લા પાંચ દસકામાં તેના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળેલ છે જે ગંભીર બાબત ગણાય. સને૧૯૬૬ થી ૨૦૦૬ દરમ્યાન ૪૪ ટકા મિલેટના વાવેતર વિસ્તારનું સ્થાન અન્ય પાકોએ લીધું છે જેના કારણે મિલેટસની ખેતી પદ્ધતિ અને તેના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જે કોઠા-૬ ઉપરથી માલૂમ પડે છે.

કોઠો-૬ :ભારતમાં મિલેટેસ અને અન્ય પાકોનો વાવેતર વિસ્તાર (૧૦ લાખ હેકટરમાં)

ભારતની ખેતીમાં અન્ય ખાદ્ય પાકો કરતાં મિલેટસની ખેતીમાં ઓછુ વળતર, ઇનપુટસ સહાય અંગેની ખામી, ઇનપુટસની કિંમતમાં વધારો, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ધાન્યનું સહાય દરે વિતરણ, ગ્રાહકની પસંદગીમાં ફેરફાર પાક લોન  અને પાક વીમા માટે રાજ્ય સરકારનો ટેકો ન મળવો વગેરેના સંયુક્ત કારણોસર ભારતમાં મિલેટસના વાવેતરમાં ઘટાડો થયો છે.

મિલેટસ એ દુષ્કાળના સમયે ટકી શકે તેવો અને દેશને અન્નની સૂરક્ષા પુરી પાડતું અજાયબ ધાન્ય (વન્ડર ગ્રેઇન) છે. આમ હોવા છતાં મિલેટસનો વપરાશ અને વાવેતર ઘટેલ છે જે તે અંગેની જાણકારીનો અભાવ દર્શાવે છે. ખેતીના મુખ્ય પ્રવાહમાં અને ખોરાક તરીકે મિલેટસનો સમાવેશ કરવો એક પડકાર છે તેથી આ તબક્કે તેની જાણકારી, વપરાશ માટેની માંગ પેદા કરવી, વાવેતરમાં વધારો કરવો, ગૌણ મિલેટસનું સંરક્ષણ અને વ્યાપારીકરણ કરવું વગેરે બાબતો ઉપર સંકલિત અભિગમ અપનાવી ધ્યાન કેન્દ્રિત કરવાની ખાસ જરૂરિયાત છે.

ઓર્ગેનિક ખેતીમાં ગૌણ મિલેટસનું મહત્ત્વ :

સને ૧૯૬૦ની હરિયાળી ક્રાંતિ બાદ ભારતમાં કૃષિ ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત થઇ. ઘઉં અને ડાંગરની વધુ ઉત્પાદન આપતી જાતો, આધુનિક ખેતી પદ્ધતિઓ અને રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓના ઘનિષ્ઠ ઉપયોગના પરિણામે મોટા પાયે અન્ન ઉત્પાદનની જરૂરિયાત સંતોષાઇ. આ ચળવળને કારણે ભારતના અન્ન માટેની ઊંચી માંગને મદદ મળી અને આ પદ્ધતિઓ પ્રચલિત થઇ જેની ગંભીર અસર પર્યાવરણ ઉપર થવા પામી. આમ રસાયણોનો ઉપયોગ અને પાકની સફળતાને લઇ જમીનની પોષણ ગુણવત્તાને અસર થવાને પરિણામે પાણીમાં રસાયણો ભળતાં ખેતીની જમીનોને મોટા ભાગે ઝેરી અસર થવા પામી. આખા દેશમાં અને ખાસ કરીને પંજાબમાં ધાન્યપાકો તથા અન્ય પાકોમાં રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ થવાને પરિણામે પાકના ઉત્પાદનમાં વિસ્ફોટ થયો તેની સાથે દેશની નદીઓ અને જળસ્ત્રોતોને ઝેરી અસર થતાં તેમાંનું પાણી કોઇપણ હેતુ માટે વાપરી શકાય તેવું ન રહયું. દેશની ફળદ્રુપ જમીનોને પણ અસર થતાં તે પાકના ઉગાવા માટે યોગ્ય ન રહેવા પામી.

તાજેતરના વર્ષોમાં દેશમાં આ પશ્નની અસર હવામાન પરિવર્તનની સાથે પણ થઇ. એકાએક ઉષ્ણતામાનમાં થતો વધારો અને પાણીની અછતને કારણે દેશના કૃષિ સમાજ ઉપર મોટા પાયે અસર થવા પામી છે. ભારતના ઘઉંના ભંડાર તરીકે જાણી મધ્યપ્રદેશમાં ગરમીના મોેજાને કારણે ઘઉંના ઉત્પાદન ઉપર ગંભીર અસર થવા પામી છે. એટલું જ નહિ ભારતના ઉત્તર પૂર્વના રાજ્યોના પ્રદેશોમાં ચોમાસુ નિષ્ફળ જવાના કારણે સૂકી ખેતીવાળા વિસ્તારોમાં થતા પાકો ઉપર અસર થયેલ છે. આ જ રીતે તામિલનાડુના ખેતીકીય વિસ્તારોના પટમાં થતા ૭૦ ટકા ખેતી પાકો કાવેરી નદીમાં પાણીના ખેંચ થવાને કારણે પાણી ઉપલબ્ધ ન થવાથી નિષ્ફળ ગયા છે.

હવામાન પરિવર્તનની ફક્ત ભારતમાં જ નહિ પરંતુ વિશ્વના ઘણા દેશોમાં પ્રતિકુળ અસર થયેલ છે જેના કારણે ઋતુઓમાં વણજોઇતો ફેરફાર  થવાને કારણે ખેતીપાકોમાં નિષ્ફળતા મળી છે. ભારતના મોટા ભાગના ખેતી વિસ્તારોમાં દુષ્કાળની અસર સામાન્ય રીતે જોવા મળી છે જેથી પર્યાવરણને ધ્યાનમાં રાખી એવી ખેતી પદ્ધતિઓ અપનાવવી પડશે કે જેથી ઉત્પાદન જળવાઇ રહે અને આજીવિકાની સાથે દેશની અન્નની માંગને પહોંચી વળાય. આ માટે ઓર્ગેનિક ખેતી અને મિલેટસની ખેતીનો અમલ મુખ્ય ફાળો આપી શકે તેમ છે.

મિલેટસ બચાવો :

આજે મિલેટસની ખેતી કરવા માટેના કેટલાક કારણો જાણવા જરૂરી છે. મિલેટસ કલાઇમેટ સ્માર્ટ છે અને દુષ્કાળ, ગરમી વગેરે પરિસ્થિતિમાં ઉગાડી શકાય છે તથા અન્ય પાક કરતાં સૂકા વિસ્તારોમાં સફળતા પૂર્વક થઇ શકે છે. વળી તેને, ડાંગર, ઘઉં અથવા શેરડી કરતાં ૮૦ ટકા ઓછા પાણીની જરૂર પડે છે એટલે કે તે ઘણા ઓછા પાણીએ થતા પાક છે. બીજુ  મિલેટસ તેની સકારાત્મક પ્રકૃતિને કારણે જમીનની જાળવણી કરવા માટે શ્રેષ્ઠ છે.

પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની ઇન્સ્ટિટયૂટ ઓફ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના નિવૃત પ્રોફેસર લિનેટ એબોટના જણાવ્યા અનુસાર ‘‘મિલેટસ સેન્દ્રિય પદાર્થો તરીકે જમીનમાં આપણા પાચનતંત્રની જેમ ધીરે ધીરે છૂટા પડી જમીનમાં ભળે છે. તેના ધીરે ધીરે જમીનમાં ભળવાની પ્રકૃતિને કારણે જમીનનો બાંધો અને પાણીને જાળવી રાખે છે એટલે જમીનનું આરોગ્ય લાંબો સમય જાળવી રાખે છે.’’

મિલેટસ સારા હોવાનું બીજુ કારણ તેના  મૂળનું નેટવર્ક છે. મોટા ભાગના ઘાસની માફક મિલેટસ તાંતણાવાળા, વધુ શાખાઓ ધરાવતા મૂળો ધરાવતું હોઇ જમીનને જકડી રાખવામાં મદદ કરે છે. આ જોતાં ભારતના તમામ ખેડૂતો ફક્ત મિલેટસની ખેતી કરે તેવી આશા રાખી શકાય નહિ. ભારતના લોકોનો મુખ્ય ખોરાક ડાંગર અને ઘઉં હોઇ તેનું સ્થાન સંપૂર્ણ રીતે મિલેટ લે તે અશક્ય છે તેમ છતાં મિલેટસ એ એકબીજા પાકોની વાવણી વચ્ચેના સમયમાં લઇ શકાય તેવા પાકો છે. મિલેટસના મૂળતંત્ર સાથે માઇકોરાઇઝા ફુગનો સહજીવન તરીકેનો સંબંધ રહેલો છે કે જે પાણી અને પોષકતત્વોના શોષણ કરવાની ક્ષમતામાં વધારો કરે છે. આ ફુગ પાકના છોડને જરૂરી ફોસ્ફરસ અને નાઇટ્રોજનના તત્વો સહેલાઇથી શોષણ કરવામાં મદદ કરે છે. પડતર રહેલ જમીનના ગાળામાં આ ફુગની હાજરી ઓછી જોવા મળે છે.

મિલેટસની ખેતી ઓછી થવાના મુખ્ય અવરોધમાં ડાંગર અને ઘઉં કરતાં મિલેટસનું હેકટર દીઠ ઉત્પાદન ઓછુ છે. જેને લીધે ખેડૂતોને પ્રચલિત પાકોની સરખામણીએ મિલેટસની ખેતીમાં નફાકારક વળતર મળતું નથી. વધુમાં ફળદ્રુપ જમીન ધરાવતા ખેડૂતો કે જ્યાં સતત વરસાદ પડે છે તેઓ પોતાનો નફો ઘટાડી મિલેટસની ખેતી શરૂ કરવા તૈયાર નથી. આવી અડચણો હોવા છતાં અંદાજે ૭૦૦૦ વર્ષથી તેના વાવેતરમાં વધારો-ઘટાડો જોવા મળે છે. આમ ખેડૂત સમાજમાં કૃષિ ક્ષેત્રે મિલેટસની મુખ્ય ભૂમિકા રહેલી છે.

ભારતમાં મિલેટસનો પ્રસાર :

એશિયા અને આફ્રિકાના લોકોએ પ્રથમ વખત મિલેટસની ખેતી કરી હતી ત્યારબાદ સમગ્ર વિશ્વના લોકોમાં તેનો ખોરાક તરીકેના સ્ત્રોત તરીકે પ્રસાર થયો. ભારતમાં સૌ પ્રથમ મિલેટસના પાકનું વાવેતર થયાનો ઉલ્લેખ હડપ્પા સંસ્કૃતિમાં શિકારપુર (કચ્છ) ખાતે ઇસ. પૂર્વે ૨૫૦૦-૨૦૦૦ અને પંજાબ ખાતે ઇસ. પૂર્વે ૧૯૦૦-૧૪૦૦ માં થયેલ છે. ત્યારબાદ કર્ણાટક, આંધપ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં તેનો પ્રસાર વિવિધ ખેત હવામાન પરિસ્થિતિઓમાં મેદાનો, કિનારાઓ અને ટેકરીઓવાળા વિસ્તારો, વધુ નબળી જમીનોેથી વધુ ફળદ્ધપ જમીનોમાં, વરસાદ, ઉષ્ણતામાન અને પ્રકાશના સમયમાં વિવિધતા ધરાવતા વિસ્તારોમાં થયો. ટેકરીઓવાળા વિસ્તારો માટે મિલેટસ એ એક અગત્યનો પાક છે કે જ્યાં ઓર્ગેનિક ખેતી અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાની વધુ શકયતા રહેલ છે. વધુમાં મિલેટસનું વાવેતર દેશના ઘણા રાજ્યોેમાં સૂકા વિસ્તારોના મેદાનોમાં થાય છે કે જ્યાં રાયાસણિક ખાતરોની જરૂર પડતી નથી અથવા ઘણી ઓછી જરૂર પડે છે.

() સ્થાનાંતરિત ખેતી / ટેકરીવાળા / આદિવાસી વિસ્તારોમાં મિલેટસની ખેતી :

આદિવાસી સમાજના લોકો ટેકરીવાળા વિસ્તારોમાં રહે છે ત્યારે તેઓની નજીકના આજુબાજુના વિસ્તારોમાં જંગલોને કાપી અને બાળીને તે જગ્યાએ ખેતી કરે છે જેને સ્થાનાંતરિત ખેતી (Shifting cultivation) કહે છે. તેને આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં પોદુ (Podu),મધ્ય પ્રદેશમાં બેવાર (Bewar) અને ઉત્તર ભારતમાં જુમ (Jhum) કહે છે. આ ખેતી પદ્ધતિમાં વર્ષમાં બે અથવા ત્રણ પાક લેવામાં આવે છે. આમ વારંવાર પાક લેવાને કારણે આવી જમીનમાં જંગલોનો વિકાસ શક્ય બનતો નથી અને છેવટે તે ટેકરીઓની બિનઉપયોગી પડતર જમીન રહે છે  કે જ્યાં ફક્ત કાંટા, વેલા કે બરછટ અનાજ થાય છે. આવી સ્થાનાંતરિત એટલે કે પોદુ જમીનોમાં મોટા ભાગે મિલેટસ ઉગાડી શકાય છે જેવા કે નાગલી, બંટી, કાંગ, ચીણો, કોદરા, બાજરી અને જુવાર. કોઇપણ એક ઋતુમાં કોઇ એક ચોક્કસ પાક ઉગાડી શકાતો નથી પરંતુ મિશ્ર પાકો ઉગાડવામાં આવે છે. વિવિધ પ્રકારના ધાન્યો અને કઠોળને પૂંખીને વાવણી કરવામાં આવે છે. મિલેટસની સાથે કિંમતી વ્યાપારી પાકો જેવા કે હળદર, દિવેલા, કેળ, મરચી, ચણા, કુલથી વગેરે ઉગાડવામાં આવે છે. આદિવાસી પ્રદેશોમાં આ પોદુ ખેતી પદ્ધતિ પાકોની  જૈવવૈધ્યિતા માટે જાણીતી  છે જેમાં પોદુ ખેડૂતો વારસાગત રીતે પાક ચક્ર, આંતરપાક અને અન્ય કૃષિ પદ્ધતિઓ અપનાવી ખેતી પદ્ધતિઓમાં વિવિધતા જાળવે છે.

કોઇપણ વ્યક્તિગત ખેડૂત પાંચ થી વધુ પાકની જાતો ઉછેરે છે. જો કોઇ એક પાક નિષ્ફળ જાય તો તે બીજા ઉપર આધાર રાખી શકે છે. ટેકરીઓના ટોળાવ ઉપર મિલેટસ (જેવા કે નાગલી, કાંગ, બાજરી, સામો, બંટી, જુવાર) ના બિયારણને ઉનાળામાં પૂંખી દે છે અને ચોમાસાનું આગમન થતાં ડાંગરના બીની વાવણી કરે છે. તે રીતે શાકભાજી અને અન્ય પાકોની વાવણી કરે છે. આદિવાસી ખેડૂતોએ રોગ અને જીવાતના નિયંત્રણ માટે કંઇ પણ કરવાનું હોતું નથી કારણકે તેઓ કોઇપણ પ્રકારના રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓ વાપરતા નથી.આમ પોદુ ખેતી તે સંપૂર્ણપણે ઓર્ગેનિક ખેતી હેઠળ આવે છે. જમીન વૃક્ષો, ઝાડી વગેરે કાપી, બાળીને ખેતી લાયક બનેલ હોઇ તેમાં રાખને લીધે જમીનમાં પોટાશ ઉમેરાય છે. ટેકરીઓના ઢોળાવ અને ટેકરાળ જમીન હોવાને કારણે જમીનનું ધોવાણ થાય છે અને અન્ય કુદરતી પરિબળોની અસરો થવાને કારણે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. ટેકરીઓવાળા વિસ્તારોમાં જમીનની ફળદ્રુપતા જાળવવા માટે પશુઓનું છાણિયુ ખાતર એક મહત્ત્વનો સ્ત્રોત છે. ટેકરીઓવાળા વિસ્તારોમાં વિવિધ ખેતી પદ્ધતિઓમાં પાકોની સાથે પશુઓ ઉછેરવામાં આવે છે જે એકબીજા ઉપર આધારિત છે. આમ પશુપાલન છાણિયુ ખાતર ઉપરાંત માંસ, દૂધ જેવી મુખ્ય બનાવટો અને જમીનને ખેડવા માટે બળ પૂરૂ પાડે છે કે જ્યાં યાંત્રિકરણની શક્યતા નહિવત છે. તેથી પોદુ ખેતી ઉપર પ્રતિબંધ મૂકી જંગલોની જાળવણી કરી સાગની વ્યાપારી જાતોનો ઉછેર કરવો જોઇએ. આમ જો મોટા પાયે  વેપારી ધોરણે જંગલોનો ઉપયોગ કરવામાં આવશે તો આદિવાસીઓની આજીવિકાના સ્ત્રોતનો નાશ થશે એટલુ જ નહિ તે વિસ્તારની પરિસ્થિતિ ઉપર વિપરીત અસર થવા પામશે.

() મેદાની વિસ્તારોમાં મિલેટસની ખેતી :

ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો મેદાનો અને સૂકા વિસ્તારોમાં ખરીફ ઋતુમાં અને પિયત હેઠળ રવી ઋતુમાંં મિલેટસનું વાવેતર કરે છે. ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સામાન્ય રીતે  એકલ પાક તરીકે અથવા મિશ્ર પાક તરીકે મિલેટસનું વાવેતર કરવામાં આવે છે. ખરીફ ઋતુમાં મે થી જુલાઇ માસ દરમ્યાન તેનું વાવેતર કરવામાં આવે છે અને ઓકટોબર થી ડિસેમ્બર માસ દરમિયાન તેની  કાપણી કરવામાં આવે છે જ્યારે  રવી પાકની વાવણી સપ્ટેમ્બર અને નવેમ્બર માસની વચ્ચે થાય છે અને તેની કાપણી જાન્યુઆરી થી માર્ચ માસ દરમ્યાન કરવામાં આવે છે. મિલેટસ નબળી જમીનથી માંડીને ફળદ્રુપ જમીનમાં થાય છે અને કેટલેક અંશે ક્ષાર સામે ટક્કર જીલી શકે છે. સારો નિતાર ધરાવતી એલ્યુવિયલ, લોમી અને રેતાળ જમીન આ પાક માટે ઉત્તમ છે. ટેકરીવાળા વિસ્તારોમાં પથરાળ મને ખડકાળ જમીનોમાં કોદરા જેવા મિલેટ ઉગાડી શકાય છે.

કેટલાક ઉષ્ણ કટીબંધીય સૂકા વિસ્તારોમાં ડાંગર, ઘઉં, મકાઇ, કઠોળ વગેરે સાથે મિલેટસ વાવી શકાય છે પ્રતિકુળ પરિસ્થિતિ સામે ટકવાની શક્તિ ધરાવતા હોઇ મિલેટસ મુખ્ય પાક તરીકે પણ વાવી શકાય છે. મિલેટસ સંપૂર્ણ ઓર્ગેનિક ખેતીમાં અથવા સંકલિત પોષણ વ્યવસ્થાની પદ્ધતિ હેઠળ વાવી શકાય છે. સામાન્ય રીતે મિલેટસને ઓછા પોષકતત્વોની જરૂર પડે છે એટલે ખેડૂતો ઓર્ગેનિક ખેતીની પોષણ વ્યવસ્થા પદ્ધતિઓને સંપૂર્ણ રીતે અપનાવી તેની ઓર્ગેનિક ખેતી કરે છે. ઘણા લાંબા સમયથી ખેડૂતો છાણિયું ખાતર જમીનમાં આપે છે. છાણિયુ ખાતર એકલું અથવા કમ્પોસ્ટ, ખોળ લીલો પડવાશ, જૈવિક ખાતરો વગેરે સાથે આપવાથી જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણોમાં સુધારો થતાં ઉત્પાદન પણ વધુ મળે છે. જો કે કેટલાક કારણોસર ભારતની ખેતીમાં સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ સતત ઘટવા પામ્યો છે. તાજેતરના વર્ષોમાં પશુઓની વસ્તીમાં થયેલ ઘટાડો અને ખેતીની આડપેદાશોનો કેટલીક કિંમતી પ્રોડક્ટસ બનાવવા માટે થતા ઉપયોગ એ સેન્દ્રિય ખાતરોની પ્રાપ્યતાના પશ્નો પેદા કરેલ છે. આને કારણે મિલેટ ઉગાડતા ખેડૂતોએ ઉત્પાદન ટકાવવા માટે સંકલિત પોષણ વ્યવસ્થાની પદ્ધતિઓનું અનુસરણ કરતા થયા છે.


સંદર્ભ: એન ઇનસાઇટ ઇનટુ અર્ગેનિક ફાર્મિંગ ઇન ન્યુટ્રિસીરીયલ્સ, એઆઇસઆરપી ઓન સ્મોલ મિલેટસ એઆરએસ, વિઝિઆનાગરમ, આચાર્ય એન.જી.રંગા એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, ગુન્ટુર, આંધ્રપ્રદેશ


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *