મિલેટસની ઓર્ગેનિક ખેતીમાં નીંદણ વ્યવસ્થા (Weed management in organic cultivation of millets)

        નીંદણ એ એક એવો છોડ છે કે જે અતિક્રમણ કરવાની ટેવ ધરાવે છે અને જ્યાં તે જોઇતું નથી ત્યાં ઉગીને પાક ઉત્પાદનમાં વિક્ષેપ કરી નુકસાન પહોંચાડે છે. નીંદણ પાક સાથે પ્રકાશ, ભેજ, જગ્યા, પોષકતત્વો વગેરે માટેની હરિફાઇ કરે છે એટલું જ નહિ નુકસાનકારક જીવાતો અને રોગોને આશરો આપે છે. આ જોતાં મિલેટસના પાકોમાં વધુ ઉત્પાદન મેળવવા માટે યોગ્ય નીંદણ વ્યવસ્થા કરવી જરૂરી છે.

        મિલેટનું વાવેતર મુખ્યત્વે ગરમ અને ભેજવાળી ચોમાસુ ઋતુમાં થાય છે. તે જ સમયે નીંદણ પણ પુષ્કળ પ્રમાણમાં ઉગીને મોટા પ્રમાણમાં મહત્ત્વપૂર્ણ પોષકતત્વો અને ભેજ શોષીને પાકના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. મોટા ભાગના મિલેટ ઉગાડતા વિસ્તારો નબળી ફળદ્રુપ જમીનો ધરાવતા હોઇ નીંદણો ઉગવાને કારણે પોષકતત્વો જમીનમાંથી દૂર થતાં જમીનોની પરિસ્થિતિ વધુ બગડે છે. મિલેટસ મુળભૂત રીતે દુષ્કાળ સામે સહનશીલ પાકો છે. જો કે મિલેટસમાં થતા કેટલાક નીંદણો મિલેટસ કરતાં ઓછા જથ્થામાં પાણી ખેંચે છે જેમકે અન્ય પ્રકારના મિલેટસ કરતાં સામો નામનું મિલેટ સૂકા ઉત્પાદનના એકમ દીઠ ઓછા પાણીએ થાય છે.

        પાકની શરૂઆતના વિકાસના તબક્કે બે હાર વચ્ચે વધુ અંતર અને પાકની શરૂઆતમાં ધીમી વૃદ્ધિને કારણે નીંદણની વૃદ્ધિને પ્રોત્સાહન મળે છે એટલે કે પાકની કટોકટીની અવસ્થાએ પાક નીંદણ હરીફાઇ ન થાય તે માટે નીંદણોનું વહેલું નિયંત્રણ કરવું જરૂરી છે કે જેથી પાકનું મહત્તમ ઉત્પાદન મેળવી શકાય. નીંદણોના ઉપદ્રવને કારણે વિવિધ મિલેટના ઉત્પાદનમાં ઘટ પડે છે જેમ કે જુવારમાં ૧૫ થી ૮૩ ટકા, બાજરીમાં ૧૬ થી ૯૪ ટકા,નાગલીમાં ૫૫ થી ૬૧ ટકા વગેરે.

        મિલેટના ખેતરોમાં ચીઢો, ધરો, કાકમાચી, આગિયા, સાટોડો, સામો, કંચટા, માંકડમારી વગેરે નીંદણોનું પ્રભુત્વ એટલે કે ઉપદ્રવ જોવા મળે છે.

        પ્રાચીન સમયથી ખેડૂતો હાથ વડે અને ખુરપી કે કરબડી જેવા સાધનોથી નીંદણોનું નિયંત્રણ કરે છે. આ પદ્ધતિ અસરકારક છે તેમ છતાં નીંદણ વ્યવસ્થાના અન્ય સંકલિત ઉપાયો યોજી તેની અસરકારકતા વધારી ખર્ચમાં ઘટાડો કરી શકાય તેમ છે.

ઓર્ગેનિક ખેતીમાં નીંદણના પશ્નો ઘટાડવા માટેની મહત્ત્વની પદ્ધતિઓ :

(૧)    હળથી ઊંડી ખેડ કરવી જેથી નીંદણોના બી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતાં ગરમીથી તેની ઉગવાની શક્તિ નાશ પામે.

(૨)    સેન્દ્રિય ખાતરો સંપૂર્ણ રીતે કહોવાયેલ હોવા જોઇએ કે જેથી તેમાં રહેલ નીંદણનાં બીજ ઉગવા ન પામે.

(૩)    ખેતીના દરેક ઓજારોને ખેતરમાં વાપરતાં પહેલાં અને વાપર્યા બાદ યોગ્ય રીતે સાફ કરીને મૂકવાં જોઇએ.

(૪)    સમસ્યા રૂપ નીંદણોને દબાવવા માટે મિલેટ બાદ શણ જેવા પાક ઉગાડવા જોઇએ.

(૫)    નીંદણ નિયંત્રણ માટે છાંયો આપતા અને પાક હરિફાઇ કરે તેવા પાકની વિવિધ જાતોને આંતરપાક તરીકે ખેેતરમાં વાવવી જોઇએ દા.ત.  નાગલી અને ચણાની ૮:૨ ના પ્રમાણે હારમાં વાવણી કરવી જોઇએ.

(૬)    ખેતરમાંથી નીદણોને તેના મૂળીયાં સહિત ઉપાડીને દૂર કરવાં. જો એક જ ઋતુ દરમ્યાન નીંદણોને બી તૈયાર થતાં સુધી રહેવા દેવામાં આવે તો ઘણા વર્ષો સુધી તે જમીનમાં નીંદણ વ્યવસ્થાના પશ્નો ઊભા થાય છે.

(૭)    સામૂહિક પ્રયાસોથી નીંદણ વ્યવસ્થાના ઉપાયો હાથ ધરવામાં આવે તો હાનિકારક અને સમસ્યા જનક નીંદણોનો ફેલાવો અસરકારક રીતે ઘટાડી અથવા સારી રીતે ખેતરોમાંથી દૂર કરી શકાય છે.

(૮)    મિલેટ પાકોનું હારમાં વાવેતર કરવાથી વ્હીલ હો, રો વીડર કોનો વીડર, રોટા વીડર વગેરે ધ્વારા સારી રીતે આંતરખેડ કરી નીંદણ નિયંત્રણ કરી શકાય.

(૯)    મલ્ચિંગ એ નીંદણ નિયંત્રણ માટેનો અસરકારક રસ્તો છે. પાકના પરાળ (સ્ટ્રો) નો ઉપયોગ મલ્ચિંગ માટે કરી શકાય છે. મલ્ચિંગ ફક્ત નીંદણના વિકાસને અવરોધે છે એટલું જ નહિ જમીનમાંના ભેજનું સંરક્ષણ કરે છે.

(૧૦)   ટપક પિયત પદ્ધતિ નીંદણના નિયંત્રણ માટે વધુ અસરકારક છે. પાકોને તેના મૂળતંત્રમાં સીધુ જ પાણી મળવાને કારણે નીંદણનો ઉગાવો થતો નથી.

(૧૧)   પાક સુધારણા ધ્વારા એવી પાકની જાતો બહાર પાડવી કે જે નીંદણની સામે હરીફાઇ કરી શકે અને નીંદણોને દબાવી શકે.

(૧૨)   જમીનની ફળદ્રુપતા વધારવા માટે લીલો પડવાશ કરવામાં આવે છે જે મિલેટની ઓર્ગેનિક ખેતીમાં નીંદણની વ્યવસ્થા માટે અગત્યનો ભાગ ભજવે છે.

(ક)    લીલા પડવાશના પાક સહેલાઇથી ઉગી શકે તેવા, નીંદણની સામે હરીફાઇ કરે તેવા તથા નીંદણને ભેજ, પોષકતત્વો અને સૂર્યપ્રકાશથી વંચિત રાખે તેવા હોવા જોઇએ.

(ખ)    લીલા પડવાશના પાકો પાક પદ્ધતિમાં વિવિધતા લાવે અને વિશિષ્ટ પાક ચક્રવાળા હોવા જોઇએ કે જે નીંદણોને ઉગવાની તકો ઘટાડે.

(ગ)    લીલા પડવાશના પાકો એલોપેથિક અસર પ્રદર્શિત કરે એટલે કે એવા રસાયણો પેદા કરે કે જે નીંદણનો ઉગાવો, વૃદ્ધિ અને વિકાસ અટકાવે.

(ઘ)    ખેતી પદ્ધતિઓ જેવી કે લીલા પડવાશના પાકો ઉગાડી ખેડ કરી ખેતરમાં દબાવી દેવાથી નીંદણના ઉગાવાને અવરોધે છે.

(૧૩)   જૈવ નીંદણનાશકોઃએલોપેથી : નીંદણનો  ફેલાવો કવર પાક, આંતરપાક, લીલો પડવાશ, મલ્ચ અને પાકની ફેરબદલી ધ્વારા અટકાવી શકાય છે.

(ક)    જુવારનું મૂળતંત્ર ‘સોરગોલીઓન’ નામનું અલીલ રસાયણ અથવા જૈવ નીંદણનાશક છોડે છે જે ખેતરમાં પહોળા પાન ધરાવતાં અને ઘાસીયા નીંદણોનું દમન કરે છે.

(ખ)    જુવારના પ્રાકટ છોડને ૨૪ કલાક પાણીમાં પલાળ્યા બાદ મેળવેલ નિષ્કર્ષણ કે જેને ‘સોરગાબ’ (Sorgaab) કહે છે તેનો ઉપયોગ કુદરતી નીંદણનાશક તરીકે થાય છે.

(ગ)    ટ્રાયકેટોન, સીન્મેથાયલિન, બાયએલાફોસ, ગ્લુફોસિનેટ અને ડાયકામ્બા જેવા વ્યાપારી નીંદણનાશકો કુદરતી પ્રોડક્ટસમાંથી શોષીને બનાવેલ છે.


સંદર્ભ : એન ઇનસાઇટ ઇનટુ ઓર્ગેનિક ફાર્મિંગ ઇન ન્યુ નટ્રિસીરીયલ્સ, એઆઇસીઆરપી ઓન સ્મોલ મિલેટસ એઆરએસ, વિઝિઆનગર, આચાર્ય એન.જી.રંગા એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, ગુન્ટુર, અધ્રપ્રદેશ


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *