નાગલી/રાગી/બાવટાની વૈજ્ઞાનિક ખેતી (Finger millet/African millet/Birds foot millet farming)

        ભારતમાં વિવિધ ખેતહવામાનવાળા વિસ્તારોમાં દાણા અને ઘાસચારાના હેતુથી નાગલીનું વાવેતર કરવામાં આવે છે જે એક અગત્યનું ધાન્ય છે. તેનું અંગ્રેજી નામ Finger millet, African millet, Birds foot millet અને વૈજ્ઞાનિક નામ Eleusine coracana છે. આ પાક ગુજરાતીમાં બાવટાના નામે પણ ઓળખાય છે. તેને હિન્દીમાં રાગી, રાજી, મંડિકા, નાચની અને સંસ્કૃતમાં નર્તકા, બહુદલ તરીકે ઓળખાય છે. તેનું ઉદ્દભવ સ્થાન દક્ષિણ ભારત, પંચમહાલ, ડાંગ તેમજ સોમાલીલેન્ડ અને ઇથિયોપિયા ગણાય છે.

        આ પાકને ઇનપુટસની જરૂરીયાત ઘણી ઓછી છે અને તેમાં રોગ-જીવાતનો ખાસ ઉપદ્રવ જોવા મળતો નથી તેમજ તે ૯૦ થી ૧૨૦ દિવસે પાકે છે.તેના દાણા સંગ્રહેલ અનાજની જીવાતો સામે ઊંચી પ્રતિકારક શક્તિ ધરાવે છે જેથી ઓછામાં ઓછા ૫૦ વર્ષ સુધી તેના દાણાને સારી સ્થિતિમાં રાખી શકાય છે. અન્ય ધાન્યોની સરખામણીએ તેનું બજાર મૂલ્ય ઊંચુ છે. ઓછા સ્ત્રોતો ધરાવતા ગરીબ ખેડૂતો માટે આ પાક સલામતી બક્ષે છે.

પોષણ મૂલ્ય :

        નાગલીના ૧૦૦ ગ્રામ દાણામાં ૭૨ ગ્રામ કાર્બોહાઇડ્રેટસ, ૭.૩ ગ્રામ પ્રોટીન, ૧.૩ ગ્રામ ફેટ, ૩.૬ ગ્રામ ક્રુડ ફાયબર, ૨.૭ ગ્રામ   ખનીજ પદાર્થ, ૩૪૪ મિ.ગ્રા. કેલ્શિયમ, ૨૮૩ મિ.ગ્રા. ફોસ્ફરસ, ૩૦૯ મિ.ગ્રા. આયર્ન રહેલું છે અને તે ૩૨૮ ગ્રામ શકિત (એનર્જી) આપે  છે. તે સૌથી વધુ કેલ્શિયમ ધરાવે છે. બધા ધાન્યો કરતાં નાગલીમાં આયોડિન શ્રેષ્ઠ છે. નાગલીમાં ગંધક અને ઝિન્ક પણ છે. ઘઉંના ગ્લીઆડીન પ્રોટીન કરતાં નાગલીનું ઇલ્યુઝીનીન પ્રોટીન પાચક દ્ધષ્ટિએ ચઢિયાતું છે. ઘઉં કરતાં નાગલીમાં સિસ્ટાઇન ,ટિરોસાઇન, ટ્રીપ્ટોફેન,લાઇસીન, ફેનિલેનેનીન હિસ્ટિડાઇન, આર્જીનીન, અને મેથિઓનીન એમિનો એસિડ રહેલા છે. તે કેરોટીન,વિટામિન બી૧, નિકોટિનિક એસિડ ધરાવે છે.તેના  દાણા રતાશ લેતા કાળા રંગના ગોળ હોય છે જે રાઇ જેવા દેખાય છે. નાગલીને ફણગાવવાથી તેની પોષક શક્તિમાં સારો વધારો થાય છે.

ઔષધિય મૂલ્ય :

        નાગલી તૂરી, કડવી મધુર, બળકર તથા શીતળ છે અને પિત્ત તથા ત્રિદોષનો નાશ કરે છે.

ઉપયોગ :

        નાગલી દળી તેની ભાખરી કે રોટલા બનાવી ખવાય છે. તેની પાપડી પણ બનાવાય છે. તેને રાંધી ખમીર ચઢાવી માદક પીણું બાનાવાય છે જેને બોયા કહે છે. આફ્રિકામાં તેના દાણામાંથી જવના જેવો માલ્ટ બનાવાય છે. તેની ડાંડીના રસમાંથી થોડા પ્રમાણમાં સાકર મળે છે. રસને ખમીર ચડાવી માદક  પીણું બનાવાય છે જેને રાગી બીયર (Ragi beer)કહે છે. નાગલીનું પરાળ ઢોર માટે સારો ચારો છે.

વાવેતર :

        દુનિયામાં ભારત અને આફ્રિકાના ઉષ્ણ કટીબંધીય વિસ્તારોમાં વાવેતર થાય છે. ભારતમાં તેનું વાવેતર મુખ્યત્વે કર્ણાટક, ઉત્તરાખંડ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ અને મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં થાય છે. ગુજરાતના દાહોદ, પચંમહાલ, ડાંગ,તાપી વગેરે  જીલ્લાઓના ડુંગરાળ વિસ્તારમાં વાવેતર થાય છે. તેનું ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાવેતર કરવાની ભલામણ છે.

નાગલીની જાતો :

        વિવિધ રાજ્યોમાં વાવેતર કરવામાં આવતી નાગલીની જાતો કોઠામાં દર્શાવેલ છે.

આબોહવા :

        આ પાક ટુંકો સમયગાળો ધરાવે છે. તે દરિયાની સપાટીથી ૨૧૦૦ મીટરની ઊંચાઇ સુધી થઇ શકે છે. પુરતો સૂર્યપ્રકાશ મળે, દિવસનું તાપમાન ૩૦  થી ૩૪ સે. અને રાત્રીનું તાપમાન ૨૨ થી ૨૫  સે.હોય તેવા વાતાવરણમાં આ પાક સારી રીતે થાય છે. તેની વૃદ્ધિ અને વિકાસ માટે ૨૬ થી ૨૯  સે. તાપમાન આદર્શ ગણાય છે. જે વિસ્તારોનો વાર્ષિક વરસાદ અંદાજે ૧૦૦૦ મિ.મી.હોય તેવા વિસ્તારો વધુ માફક આવે છે.

જમીન :

        નાગલી સારા લોમ પ્રકારની જમીનથી માંડી હલકી, પથરાળ, બેસર, છીછરી જમીનમાં પણ થાય છે. તેને છીદ્રાળુ અને સારી નિતારશક્તિ ધરાવતી લોમથી રેતાળ લોમ અને સારી ફળદ્ધપતા અને જળ ગ્રહણ શક્તિ સારી હોય તેવી જમીન વધુ પસંદ આવે છે. જમીન સેન્દ્રિય તત્વોની સમૃદ્ધ હોવી જોઇએ.

જમીનની તૈયારી :

        એકવાર ઊંડી ખેડ કરી, બે વખત કરબ મારી જમીન તૈયાર કરવી.

વાવણી સમય :

        ખરીફ વાવેતર ચોમાસુ બેસી ગયા બાદ જૂન-જુલાઇ માસમાં, રવી વાવેતર ઓકટોબર-નવેમ્બર માસમાં અને ઉનાળુ વાવેતર જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં કરવું આદર્શ ગણાય છે. તામિલનાડુમાં સપ્ટેમ્બરના પ્રથમ પખવાડીયામાં  અને ઉત્તરાખંડમાં મેના પ્રથમ પખવાડીયામાં વાવણી કરવી આદર્શ ગણાય છે.

વાવણી અંતર :

        પાકની બે હાર વચ્ચે ૨૨.૫ થી ૩૦ સે.મી. અને હારમાં, બે છોડ વચ્ચે ૭.૫ થી ૧૦ સે.મી.અંતર રાખી વાવેતર કરવું. બિયારણ જમીનમાં ૨ થી ૩ સે.મી ઊંડે વાવવું જોઇએ.૩૦ સે.મી. ૭.૫ સે.મી.ના અંતરે ધરૂની ફેરરોપણી કરવામાં આવે છે.

બિયારણનો દર :

        બીથી વાવણી કરવા માટે હેકટર દીઠ ૧૨ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે. ધરૂઉછેર કરી ધરૂની ફેરરોપણી કરવા માટે હેકટર દીઠ ૫ કિ.ગ્રા. બિયારણની જરૂર રહે છે. ૨૦ થી ૨૫ દિવસનું ધરૂ ફેરરોપણી માટે આદર્શ ગણાય છે.

ખાતરો :

        પાકની વાવણીના એક માસ અગાઉ હેકટર દીઠ ૫ થી ૭.૫ ટન કમ્પોસ્ટ અથવા છાણિયુ ખાતર જમીનમાં આપવું. બિનપિયત વિસ્તાર માટે હેકટર દીઠ ૪૦+૨૦+૨૦ કિ.ગ્રા.ના.ફો. પો અને પિયત વિસ્તાર માટે હેકટર દીઠ ૬૦+૩૦+૩૦ કિ.ગ્રા. ના.ફો.પો. ખાતર આપવાની ભલામણ કરવામાં આવેલ છે. ખાતરો જમીન ચકાસણી અહેવાલના આધારે આપવાની ભલામણ છે. પાકની વાવણી સમયે ફોસ્ફરસ અને પોટાશનો પુરો જથ્થો અને નાઇટ્રોેજનનો અડધો જથ્થો આપવો અને બાકીના નાઇટ્રોજનનો અડધો જથ્થો પ્રથમ પિયત આપતી વખતે આપવો.

નીંદામણ અને આંતરખેડ :

        હારમાં વાવેલ પાકમાં વાવણી બાદ ૨૦ અને ૪૦ દિવસે એમ બે આંતરખેડ અને એક હાથનીંદામણની ભલામણ કરેલ છે. પાક ૩૦ દિવસનો થાય તે સમયે કરબડી વડે આંતરખેડ કરવાની ભલામણ છે. પૂંખીને વાવેલ પાકમાં પ્રથમ નીંદામણ પાકના ઉગાવા બાદ ૧૫ થી ૨૦ દિવસ બાદ અને બીજું નીંદામણ પ્રથમ નીંદામણ બાદ ૧૫ થી ૨૦ દિવસે કરવાની ભલામણ છે.

        વરસાદની પુરતી ખાતરી હોેય અને પિયત વિસ્તાર હોય તો નીંદણોનું નિયંત્રણ કરવા માટે પાકની વાવણી બાદ પાકના સ્કુરણ પહેલાં (પ્રી ઇમરજન્સ) બિનપિયત વિસ્તારોમાં હેકટર દીઠ ૦.૫ કિ.ગ્રા. આઇસોપ્રોટયુરોન સક્રિય તત્વ અને પિયત વિસ્તારોમાં ૦.૧ લિટર ઓક્સીફલુરોફેન સક્રિય તત્વનો જમીન ઉપર છંટકાવ કરવોે.

        પાકના ઉગાવાના ૨૦ થી ૨૫ દિવસ પછી નીંદામણનું અસરકારક રીતે નિયંત્રણ કરવા માટે હેકટરદીઠ ૦.૭૫ કિ.ગ્રા. ૨,૪-ડી સોડિયમ સોલ્ટના સક્રિય તત્વનો છંટકાવ કરવો.

આંતરપાક :

       જે તે વિસ્તારમાં થતા પાકો સાથે તેને આંતરપાક તરીકે લઇ શકાય છે. મહારાષ્ટ્રમાં નાગલી+અડદ/તુવેર(૮ઃ૨), નાગલી +મઠ(૪ઃ૧) કે નાગલી+અડદ/મગ(૬ થી ૮ઃ૧) તરીકે હારમાં આંતરપાક તરીકે લેવામાં આવે છે.

પિયતઃ

         ખરીફ પાકમાં પિયત આપવાની જરૂર પડતી નથી પરતું જો લાંબો સમય વરસાદ ન આવે તો ફુટ અવસ્થા અને કૂલ અવસ્થા દરમ્યાન પિયત આપવું જોઇએ. જમીનનો પ્રકાર, હવામાનની પરિસ્થિતિ અને જાતના સમયગાળા મુજબ ૮ થી ૧૪ પિયત આપવાની જરૂર રહે છે.

રોગ :

       નાગલીમાં વિવિધ રોગો જોવા મળે છે પરંતુ તે પૈકી કરમોડી (બ્લાસ્ટ) નો ઉપદ્રવ મહત્ત્વનો છે.

 

કરમોડી ( બ્લાસ્ટ ):

લક્ષણો :

        પાન ઉપર બંને બાજુ અણીવાળા ત્રાકાકાર ટપકાં જોવા મળે છે.તેની વચ્ચેનો ભાગ આછા બદામી રંગ જેવો અને કિનારી તપખીરીયા રંગની દેખાય છે. રોગગ્રસ્ત જાતોમાં આવા ટપકાંને કારણે પાન સૂકાઇ જતાં છોડનો વિકાસ અટકે છે. કંટી અવસ્થામાં કંટીના પહેલા સાંધાના ભાગ અને કંટીથી નીચેનો ૫-૧૦ સે.મી.દાંડીનો ભાગ ફુગના ઉપદ્રવને કારણે કાળાશ પડતા ભુખરા રંગનો થાય છે. રોગિષ્ટ છોડના દાણાને પોષણ મળતું નથી પરિણામે દાણા પોચા રહે છે. કંટી સાંધાના ભાગમાંથી ભાંગી પડે છે.

નિયંત્રણ :

(૧)   રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી જેવી કે જીપીયુ ૨૮, જીપીયુ ૪૮, જીપીયુ ૪૫, વીએલ માંડુઆ ૩૪૮ અને વીએલ ૩૭૯.

(૨)   એક કિલો બિયારણ દીઠ ૨ ગ્રામ કાર્બેન્ડાઝિમ ફુગનાશક દવાનો પટ આપવો.

(૩)   પાક ઉપર ૫૦ ટકા ફૂલો આવે તે સમયે ૦.૧ ટકા કિટાઝિન અથવા ૦.૧ ટકા એડીફેનફોસ દવાનો છંટકાવ કરવો.

જીવાતઃ

        બાવટાના પાકમાં મુખ્યત્વે લશ્કરી કીડા, થડ કાપી ખાનાર ઇયળ (કટવર્મ ), ગાભમારાની ઇયળ, સાંઠાની માખી,કણસલાની ઇયળ વગેરે જીવાતોનો ઉપદ્ધવ જોવા મળે છે.

(૧) ગાભમારાની ઇયળ :

        તેની ઇયળો છોડના થડની વચ્ચેનો ભાગ કોરી ખાય છે જેને ડેડ હાર્ટ કહે છે.

નિયંત્રણ : પાક ઉપર ૦.૦૫ ટકા ડાયમીથોએટ અથવા ૦.૦૫ ટકા ફોસ્ફોમિડોન અથવા ૦.૦૪ ટકા મોનોેક્રોટોેફોસ કીટનાશી દવાનો છંટકાવ કરવો.

(૨)કણસલાની ઇયળ :

        આ જીવાત કણસલાને નુકસાન કરે છે. તેનું નુકસાન પાકની કાપણી સુધી જોેવા મળે છે. ઇયળ જાળાં બનાવી તેમાં રહી નુકસાન કરે છે અને દાણાને ખાય છે. તેના નુકસાન બાદ પરોપજીવી ફુગનો ચેપ લાગે છે.

નિયંત્રણ : પાક ઉપર હેકટર દીઠ ૨૪ કિ.ગ્રા. પ્રમાણે મેલાથિયોન ૫ ટકા, કિવનાલફોસ ૧.૫ ટકા અને ફોઝેલોન ૪ ટકા પૈકી ગમે તે એક કીટનાશી દવાની ભૂકીનો છંટકાવ કરવો.

કાપણી :

        કંટી બરાબર પરિપક્વ થાય ત્યારબાદ કાપણી કરવી. ટુંકો સમયગાળો ધરાવતી એટલે કે વહેલી પાકતી જાતોની કાપણી ૯૫ થી ૧૦૫ દિવસે જ્યારે મધ્યમથી મોડી પાકતી જાતોની કાપણી ૧૧૦ થી ૧૨૫ દિવસે કરવી.

ઉત્પાદન :

        હેકટર દીઠ ૨,૫૦૦ થી ૩,૦૦૦ કિ.ગ્રા. દાણા અને ૬,૦૦૦ થી ૭,૦૦૦ કિ.ગ્રા. પરાળનું ઉત્પાદન આપે છે.


સ્ત્રોત : આઇ.આઇ.એમ.આર.,હૈદ્રાબાદ


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *