ભારત દેશમાં કુદરતી બક્ષિસ રૂપે દરેક પ્રકારનું વાતાવરણ ઉપલબ્ધ હોઈ જુદા જુદા ખેત-હવામાન વિસ્તારોમાં વિવિધ પ્રકારના પાકોની ખેતી થાય છે. વિવિધ પાકોની ખેતી દરમ્યાન નોંધપાત્ર માત્રામાં પાક અવશેષો પેદા થાય છે જેને પાકનો કચરો (ક્રોપ વેસ્ટ) કહે છે. પાકની કાપણી બાદ ખેતરમાં પડી રહેતા પાકના ભાગો કે જેનું કોઈ તેને મહત્ત્વ નથી તેને પાક અવશેષ કહે છે. ભારતમાં ૫૦૦૦ લાખ ટનથી વધુ પાક અવશેષો દર વર્ષે પેદા થાય છે. એમએનઆરઆઈ ૨૦૦૯ ના રિપોર્ટ મુજબ વિવિધ ખેતીપાકો પૈકી વધુમાં વધુ પાક અવશેષો ધાન્યપાકો (૩૫૨૦ લાખ ટન), રેસાવાળા પાકો (૬૬૦ લાખ ટન), તૈલીપાકો (૨૯૦ લાખ ટન), કઠોળપાકો (૧૩૦ લાખ ટન) અને શેરડી (૧૨૦ લાખ ટન) માંથી પેદા થાય છે. વધુમાં વધુ પાક અવશેષો ઉત્તર પ્રદેશ (૫૩૦ લાખ ટન), પંજાબ (૪૪૦ લાખ ટન) અને પશ્ચિમ બંગાળ (૩૩૦ લાખ ટન) માંથી પેદા થાય છે. કુલ અવશેષોના ઉત્પાદનમાં ડાંગર અને ઘઉં બંનેનો ફાળો મુખ્ય છે. ગર્ગ ૨૦૦૮ ના રિપોર્ટ મુજબ પાક અવશેષના ઉત્પાદનમાં ડાંગરનો ૩૬ ટકા અને ઘઉંનો ૪૧ ટકા ફાળો રહેલો છે.
પાક અવશેષોને સામાન્યતઃ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
(૧) ખેતરોમાંના પાક અવશેષો જેવા કે ડાંગરનું પરાળ, ઘઉંનું પરાળ, મકાઈનાં રાડાં, કપાસની કરાંઠી વગેરે
(૨) કૃષિ પેદાશના પ્રોસેસિંગ બાદ મળતા પાક અવશેષો જેમાં ડાંગરની ફોતરી, ટી વેસ્ટ, શેરડીના કૂચા, ફળ અને શાકભાજીનો કચરો વગેરે
પાક અવશેષો સળગાવવાના કારણો :
ખેડૂતો દ્વારા બીજા પાકની ત્વરિત વાવણી કરવા માટે ખેતરને ચોખ્ખું રાખવા અગાઉના પાકના અવશેષોને સામાન્ય રીતે સળગાવવામાં આવે છે. આ માટેના મુખ્ય કારણો અત્રે દર્શાવેલ છે.
(૧) પાક અવશેષોને નકામો કચરો ગણવામાં આવે છે.
(૨) ડાંગરની કાપણી પછી બીજા પાકની વાવણી કરવા માટે બહુ જ ઓછો સમય રહેતો હોઈ ખેડૂતો પાક અવશેષોને સળગાવે છે.
(૩) કમ્બાઈન હાર્વેસ્ટર દ્વારા યાંત્રિક કાપણી થવાથી ખેતરમાં મોટા પ્રમાણમાં પાક અવશેષો પડી રહે છે.
(૪) પાક અવશેષોને એકઠા કરવા માટે મજૂરોની ખેંચ હોય છે.
(૫) ખેડૂતો ઘઉંના પરાળને સૂકા ચારા તરીકે પસંદ કરે છે, જ્યારે ડાંગરના પરાળ પ્રત્યે ઉપેક્ષા દાખવે છે.
(૬) ઊંચો પરિવહન ખર્ચ થાય છે.
(૭) પરાળનો ઘાસચારા તરીકે સંગ્રહ કરવાની નબળી ક્ષમતા છે.
(૮)પાક અવશેષોના પોષણમૂલ્ય અંગે ખેડૂતોમાં જાણકારીનો અભાવ છે.
(૯) પાક અવશેષોના વૈકલ્પિક ઉપયોગ કરવા માટેની જાણકારીનો ખેડૂતોમાં અભાવ છે.
(૧૦) ખેડૂતોમાં ખેતરને સ્વચ્છ રાખવા માટે પાક અવશેષોને સળગાવવા એ સસ્તામાં સસ્તો ઉપાય માનવામાં આવે છે. તેઓ વિચારે છે કે પાક અવશેષોને બાળતાં જમીનની ફળદ્રુપતામાં સુધારો થશે અને જીવાત નિયંત્રણમાં મદદ મળશે.
પાક અવશેષોને સળગાવવાનું ટાળો :
અંદાજે ૯૦ લાખ ટન પાક અવશેષોને ખેતરોમાં સળગાવવામાં આવે છે. પાક અવશેષોને સળગાવતાં પર્યાવરણીય પ્રદૂષણ પેદા થાય છે અને જમીનમાંના સૂક્ષ્મજીવો પર હાનિકારક અસર થતાં જમીનની તંદુરસ્તીમાં ઘટાડો થાય છે જેથી પાક અવશેષોની યોગ્ય વ્યવસ્થા કરવી ખાસ જરૂરી છે. હરિયાણા, પંજાબ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને દેશની રાજધાની નવી દિલ્હી વગેરે પ્રદેશોમાં પાકની કાપણી બાદ દર વર્ષે શિયાળામાં એટલે કે આક્ટોબર-નવેમ્બર માસમાં ડાંગરના પાક અવશેષોને બાળવાથી થતી ખરાબ અસરો સામાન્ય પણે જોવા મળે છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ એક માસ જોવા મળે છે જેના કારણે લોકોમાં શ્વોસોશ્વાસ સંબંધી તકલીફો પેદા થાય છે. તેથી નામદાર સર્વોચ્ચ અદાલત ધ્વારા પાક અવશેષોને બાળવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. આ ઉપરાંત નીચેના મુખ્ય કારણોસર પાક અવશેષોને બાળવા જોઈએ નહિં.
(૧) પોષકતત્વોનો ઘટાડો :
પાક અવશેષોમાંથી અંદાજે ૨૫ ટકા નાઈટ્રોજન અને ફોસ્ફરસ, ૫૦ ટકા સલ્ફર અને ૭૫ ટકા પોટેશીયમ પરત મેળવી શકાય છે. આ ઉપરાંત પાક અવશેષ મુખ્ય સૂક્ષ્મતત્વોના સ્ત્રોત પણ છે. પાક અવશેષોમાં રહેલ ના.ફો.પો. ના સરેરાશ પ્રમાણની વિગત કોઠા-૧ માં અને પાક અવશેષો બાળવાથી મુખ્ય પોષકતત્વો થતું નુકસાન કોઠા-૨માં દર્શાવેલ છે.
કોઠો-૧ : પાક અવશેષમાં રહેલ ના.ફો.પો.નુ સરેરાશ પ્રમાણ
| ક્રમ | પાક અવશેષ | પોષક તત્વોનું પ્રમાણ (ટકાs) | ||
| નાઈટ્રોજન (N) | ફોસ્ફરસ (P2O5) | પોટેશીયમ (K20) | ||
| 1 | ડાંગર | ૦.૬૧ | ૦.૧૮ | ૧.૩૮ |
| 2 | ઘઉં | ૦.૪૮ | ૦.૧૬ | ૧.૧૮ |
| 3 | મકાઈ | ૦.૫૨ | ૦.૧૮ | ૧.૩૫ |
| 4 | મગફળી | ૧.૬૦ | ૦.૨૩ | ૧.૩૭ |
| 5 | શેરડી | ૦.૪૦ | ૦.૧૮ | ૧.૨૮ |
| 6 | કઠોળ | ૧.૬૦ | ૦.૫૧ | ૧.૭૫ |
કોઠો-૨ : પાક અવશેષો બાળવાથી મુખ્ય પોષકતત્વોમાં થતું નુકસાન
| ક્રમ | પાક અવશેષ | મુખ્ય પોષકતત્વોનું નુકસાન (૧૦ લાખ ટન/ વર્ષ) |
કુલ | ||
| નાઈટ્રોજન (N) | ફોસ્ફરસ (P2O5) | પોટેશીયમ (K20) | |||
| 1 | ડાંગર | 0.2360 | 0.0090 | 0.2000 | 0.450 |
| 2 | ઘઉં | 0.0790 | 0.0040 | 0.0610 | 0.140 |
| 3 | શેરડી | 0.0790 | 0.0010 | 0.0330 | 0.840 |
| કુલ | 0.3940 | 0.0140 | 0.2951 | 0.430 | |
(સ્ત્રોત : એરોસોલ એન્ડ એર ક્લાલિટી રિસર્ચ ૧૪:૪૨૨-૪૩૦)
જ્યારે પાક અવશેષોને બાળવામાં આવે છે ત્યારે પોષકતત્વો અને સેન્દ્રિય તત્વોનો નાશ થાય છે અને તેને પરિણામે ગેસ પેદા થાય છે જ્યારે અલ્પ પ્રમાણમાં બળેલી રાખ રૂપે પોષકતત્વો જમીનમાં ઉમેરાય છે. આમ મોટા જથ્થામાં સેન્દ્રિય તત્વોનો નાશ થાય છે જે જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતાને નબળી બનાવે છે.
(૨) જમીનના સૂક્ષ્મજીવોની વસ્તી ઉપર નકારાત્મક અસર :
ખેતરોમાં જ્યારે પાક અવશેષો બાળવામાં આવે છે ત્યારે સખત ગરમી પેદા થાય છે જેના લીધે જમીનમાં રહેલ ફાયદાકારક સૂક્ષ્મજીવો નાશ પામે છે જેની ખરાબ અસર જમીનની વિવિધ ક્રિયાઓ ઉપર થાય છે.
(૩) પર્યાવરણીય પ્રદૂષણ અને આરોગ્યલક્ષી જોખમો :
પાકના અવશેષો કાર્બન, હાઈડ્રોજન, નાઈટ્રોજન, સલ્ફર વગેરેથી બનેલા છે. કૃષિના અવશેષો સળગાવતાં મોટા પ્રમાણમાં વાયુ પ્રદૂષકો જેવા કે કાર્બનડાયોકસાઈડ (CO2),નાઈટ્રસ ઓકસાઈડ (N2O), મિથેન (CH4), સલ્ફર ડાયોકસાઈડ (ર્જીં૨), સ્થાયી અને અસ્થાયી કાર્બનિક સંયોજનો અને ધૂમાડો વગેરે પેદા થાય છે. આવા ગ્રીનહાઉસ ગેસ વાતાવરણની ગરમીમાં વધારો કરે છે જેને ગ્લોબલ વોર્મિંગ કહે છે. એક ટન જેટલા પાક અવશેષો સળગવાથી ૨ કિ.ગ્રા. સલ્ફર ડાયોકસાઈડ, ૩ કિ.ગ્રા. કણ પદાર્થો, ૬૦ કિ.ગ્રા. કાર્બન મોનોકસાઈડ, ૧૪૬૦ કિ.ગ્રા. કાર્બન ડાયોકસાઈડ અને ૧૯૯ કિ.ગ્રા. રાખ પેદા થાય છે. આવા પ્રદૂષકો વાતાવરણમાં ભળતાં માનવીના જીવન માટે અયોગ્ય વાતાવરણ પુરૂ પાડે છે અને હૃદયરોગ, રક્તવાહિની રોગ, સ્ટ્રોક, ફેફસાનો રોગ (સીઓપીડી), ફેફસાનું કેન્સર વગેરે રોગો થવા માટે જવાબદાર છે. જ્યારે ૨.૫ ગ્રામથી નાના કદના કણો માનવીના શ્વાસમાં દાખલ થાય તો તે શ્વાસનળી પર હૂમલો કરે છે. જૈન (૨૦૧૪) ના જણાવ્યા અનુસાર ભારતમાં સને ૨૦૦૮-૦૯ દરમ્યાન પાક અવશેષોને બાળવાથી ૧,૪૯,૨૪૦.૬૮ ગીગાગ્રામ કાર્બન ડાયોકસાઈડ, ૯,૦૬૨.૮૦ ગીગાગ્રામ કાર્બન મોનોકસાઈડ, ૬.૯૦ ગીગાગ્રામ નાઈટ્રસ ઓકસાઈડ, ૨૪૬.૨૭ ગીગાગ્રામ સલ્ફર ડાયોકસાઈઢ પેદા થયો હતો. (૧ ગીગાગ્રામ = ૧૦9 ગ્રામ = ૧૦૬ કિ.ગ્રા)
આર્થિક પાસુ :
ખેતીના પાક અવશેષો એ કચરો નથી પરંતુ કૃષિની સંપત્તિ છે. તેને બાળવાને બદલે તેનો એક સંપત્તિ તરીકે ઉપયોગ કરવો જોઈએ. તેના વૈકલ્પિક ઉપયોગો અત્રે દર્શાવેલ છે.
(ક) પાક અવશેષોની ગાંસડીઓ બનાવવી :
વિવિધ હેતુઓ મુજબ ખેતરમાંથી પાક અવશેષોને દૂર કરવા માટેની મશીનરીઓ બજારમાં ઉપલબ્ધ છે (ગાંસડી બાંધવાનું મશીન-બેલર) ડાંગર, ઘઉં, શેરડી, કઠોળ વગેરેના પાક અવશેષો ઉપર દબાણ લાવી તે ગાંસડી બાંધવાનું કામ કરે છે જેથી પાક અવશેષોને સરળતાથી ઉપાડી શકાય છે, હેરફેર કરી શકાય છે અને સંગ્રહ કરી શકાય છે. આવી ગાંસડીઓ નીચેના હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે.
(૧) પશુઓના ખોરાક તરીકે :
પશુઓના ખોરાક માટે સને ૨૦૧૫-૧૬ માં ૪,૬૨૦ લાખ ટન લીલો ચારો સને ૩,૯૪૦ લાખ ટન સૂકો ચારો પ્રાપ્ય હતો. હાલમાં દેશમાં ૩૫.૬ ટકા લીલા ચારાની અને ૧૦.૯૫ ટકા સૂકા ચારાની ઘટ છે. આ ઘટ સૂકાયેલ પાક અવશેષોને પોષકતત્વોથી સમૃદ્ધ બનાવી પશુઓને આપી દૂર કરી શકાય તેમ છે. સૂકા પાક અવશેષોની ગુણવત્તા નીચેની માવજત આપીને સુધારી શકાય છે.
(૧) ભૌતિક માવજત : પાક અવશેષોના નાના કટકા કરવા, ભીંજવવા અને પેલેટ બનાવવી જેથી તેનું કદ ઘટે અથવા વરાળની માવજત આપવી. આ પ્રકારની માવજત કરતાં લિગ્નિન અને સિલિકામાં ઘટાડો થતાં ચારાની ગુણવત્તામાં સુધારો થાય છે.
(૨) જૈવિક માવજત : આ જાતની માવજતમાં ઉત્સેચક અને ફુગનો ઉપયોગ કરવામાં આવે છે કે જે લિગ્નિનનું અધઃપતન કરે છે. સામાન્ય રીતે આ માટે બેસિડીયોમાયસીટસ નામની ફુગનો ઉપયોગ કરવામાં આવે છે.
(૩) રાસાયણિક માવજત : રાસાયણિક માવજતમાં આલ્કલાઈન, એસિડિક અથવા ઓક્સીડેટિવ એજન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આલ્કલાઈન એજન્ટસ (જેવા કે NaOH, NH3, લાઈમ યુરિયા) નો મોટા પાયે ઉપયોગ થાય છે. તેની માવજત આપતાં તે કોષદિવાલમાં શોષાય છે અને લિગ્નિન, હેમિસેલ્યુલોઝ અને સેલ્યુલોઝ વચ્ચે રહેલ એસ્ટર બોન્ડને તોડી નાખે છે. આ પ્રકારની માવજતને પરિણામે સૂકા પદાર્થની પાચ્યતા અને ગ્રહણશક્તિ વધે છે. સૂકા પદાર્થને સમૃદ્ધ બનાવવા માટે કોઠા-૩ માં દર્શાવેલ રસાયણો/પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે.
કોઠો-૩ : સૂકા પદાર્થને સમૃદ્ધ બનાવવા માટે વપરાતા રસાયણો/પદાર્થ
| ક્રમ | રસાયણ / પદાર્થ | આપવાનો દર (સૂકા પદાર્થ મુજબ) |
| 1 | મોલેસીસ | ૬-૧૦ ટકા |
| 2 | યુરિયા | ૪-૫ ટકા |
| 3 | એમોનિયા | ૫ ટકા |
| 4 | સોડિયમ હાઈડ્રોકસાઈડ | ૧ ટકા |
| 5 | લાઈમ | ૩ ટકા |
સામાન્ય રીતે પાક અવશેષોને સમૃદ્ધ બનાવવા માટે બે રીતોનો ઉપયોગ થાય છે. (૧) સૂર્યપ્રકાશમાં ટુકડા કરેલ પરાળમાં પડ ઉપર સમૃદ્ધ પ્રવાહી દ્રાવણનો છંટકાવ કરવો અને (૨) સંપૂર્ણ ગાંસડીઓ ઉપર સમૃદ્ધ પ્રવાહી દ્રાવણનો છંટકાવ કરવો.
(૨) પશુઓ માટેની પથારી તરીકે : પાક અવશેષોનો પશુઓની પથારી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. ડાંગરનું પરાળ સ્વચ્છ, આરોગ્યલક્ષી, સૂકી અને આરામદાયક અને લપસી ન પડાય તેવું પર્યાવરણ પુરૂ પાડે છે. શિયાળાની ઋતુમાં શરીરની ગરમીને બહાર જતી અટકાવી બાવલાને તંદુરસ્ત રાખી દૂધ ઉત્પાદનમાં સુધારો કરે છે.
(૩) પેપર ઉદ્યોગ માટે કાચો માલ : પાક અવશેષો ફાયબર બોર્ડ અને કાગળ બનાવવા માટેનો કાચો માલ પુરો પાડે છે. પેપર ઉદ્યોગમાં પરાળ અને શેરડીના કૂચા જેવા પાક અવશેષોનો મુખ્યત્વે ઉપયોગ થાય છે.
(૪) બળતણ તરીકે : જૈવિક બળતણ પેદા કરવા માટે કૃષિની આડપેદાશો એક અગત્યનો ઊર્જા સ્ત્રોત છે. કૃષિની આડપેદાશો એટલે કે કચરાનો સીધો જ બળતણ તરીકે ઉપયોગ કરી શકાય નહી કારણ કે તે મોટા જથ્થામાં હોઈ વધુ ધૂમાડો પેદા કરે છે. તેથી તેની બ્રિકેટસ બનાવી બળતણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આવી બ્રિકેટસ બનાવવા માટે ડાંગરનું પરાળ, શેરડીના કૂચા, મકાઈના રાડાં, નાળિયેરની છાલ અને પાંદડાં, મગફળીના ફોતરાં અને ડાંગરની ફોતરીનો ઉપયોગ કરવામાં આવે છે. વાર્ષિક ધોરણે ૧૨૦૦ થી ૧૫૦૦ લાખ ટન ફાજલ પાક અવશેષોનો ઉપયોગ કરી વીજળી પેદા કરી શકાય. ખેતીના પાક અવશેષો અને ખેત ઉદ્યોગોના કચરો ધ્વારા અંદાજીત ૧૭૦૦ મેગાવોટ જેટલી બાયોમાસ વીજળી પેદા કરી શકાય. કૃષિના કચરા (લિગ્નોસેલ્યુલોસિક પદાર્થ) નો બાયોઈથેનોલ અને બાયોગેસ પેદા કરવા માટે ઉપયોગ કરી શકાય કારણ કે પાક અવશેષો કિંમતમાં સસ્તા વાપરી શકાય તેવા અને ભરપુર માત્રામાં છે.
(૫) બાયોચાર ઉત્પાદન : વધારાના પાક અવશેષોનો બાયોચાર બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે જે ઊંચા પ્રમાણમાં સેન્દ્રિય કાર્બન ધરાવતો ચારકોલ છે. તે ભૌતિક અને રાસાયણિક ગુણોને જાળવી જમીનને સારી બનાવે છે એટલે કે સોઈલ કન્ડિશનર તરીકેનું કાર્ય કરે છે.
(૬) કમ્પોસ્ટિંગ તરીકે : કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે કૃષિનો કચરો કાચો માલ પુરો પાડે છે. ખાતરના ખાડામાં પાકના અવશેષોનો પથારી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એક કિલોગ્રામ પરાળ ૨ થી ૩ કિ.ગ્રા. મૂત્રને શોષીને નાઈટ્રોજન સમૃદ્ધ બનાવે છે. ડાંગરના પરાળને રોક ફોસ્ફેટનો ઉપયોગ કરી સમૃદ્ધ બનાવતાં મૂલ્ય વર્ધક કમ્પોસ્ટ તૈયાર થાય છે જે ૧.૫ ટકા નાઈટ્રોજન, ૨.૩ ટકા ફોસ્ફરસ અને ૨.૫ ટકા પોટાશ ધરાવે છે. પાક અવશેષોનો વર્મિકમ્પોસ્ટ બનાવવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. કેટલાક કમ્પોસ્ટમાં રહેલ ના.ફો.પો.નું પ્રમાણ કોઠા-૪ માં દર્શાવેલ છે.
કોઠો-૪ : વિવિધ કમ્પોસ્ટ ખાતરમાં રહેલ પોષકતત્વો
| ક્રમ | પાક અવશેષ | નાઈટ્રોજન (ટકા) | ફોસ્ફરસ (ટકા) | પોટાશ (ટકા) |
| ૧ | બાજરી | 0.66 | 0.75 | 2.50 |
| ૨ | કપાસ | 0.44 | 0.10 | 0.66 |
| ૩ | જુવાર | 0.40 | 0.23 | 2.17 |
| ૪ | મકાઈ | 0.42 | 1.57 | 1.65 |
| ૫ | ડાંગરનું પરાળ | 0.36 | 0.08 | 0.71 |
| ૬ | તમાકુ | 1.12 | 0.84 | 0.80 |
| ૭ | તુવેર | 1.10 | 0.58 | 1.28 |
| ૮ | ઘઉં | 0.53 | 0.10 | 1.10 |
| ૯ | શેરડીનો કચરો | 0.53 | 0.10 | 1.10 |
સ્ત્રોત : agritech@anu.ac.in
(૭) મશરૂમની ખેતી : ડાંગર અને ઘઉંના પરાળનો ઉપયોગ કરી સફેદ બટન મશરૂમ અને ડાંગરની તૃણ મશરૂમનું ઉત્પાદન મેળવી શકાય છે. મશરૂમનું ઉત્પાદન પરાળના અખાદ્ય પદાર્થનું પ્રોટીનથી સમૃદ્ધ પદાર્થમાં રૂપાંતર કરે છે. ડાંગર તૃણ મશરૂમ એ ઊંચા ઉષ્ણતામાનમાં ઉષ્ણ અને ઉપોષ્ણ કટીબંધવાળા વિસ્તારમાં થઈ શકે છે. આ સિવાય કપાસનો કચરો, કેળના સૂકા પાંદડાં, કાનફુટી વગેરેમાં પણ આ મશરૂમ ઉગાડી શકાય છે પરંતુ ડાંગરના પરાળ જેટલું ઉત્પાદન મળતું નથી. મશરૂમના ઉત્પાદન માટે ડાંગરના પરાળને ૨૪ થી ૪૮ કલાક સુધી પાણીમાં ભીંજવવામાં આવે છે. ત્યારબાદ તેને સૂકવી વધારાનું પાણી દૂર કરી આદર્શ ભેજ જાળવવામાં આવે છે. આવા પરાળને કાણાવાળી પ્લાસ્ટિકની બેગમાં ભરી તેમાં ૩૦ કિ.ગ્રા. પરાળ મુજબ ૫૦૦ ગ્રામ સ્પાન નાખી તેને રૂમમાં રાખવામાં આવે છે. ૩૦ કિ.ગ્રા પરાળમાંથી અંદાજે ૪ થી ૫ કિ.ગ્રા તાજાં મશરૂમ મેળવી શકાય છે.
(ખ) સપાટી પર અવરોધ અને આવરણ (મલ્ચિંગ)
ખેતરમાં પાકની કાપણી બાદ પાક અવશેષોને કટકા કરી અથવા આખા જ રાખી મૂકતાં તે મલ્ચ (આવરણ) તરીકેનું કાર્ય કરે છે. મલ્ચિંગના અનેકવિધ ફાયદાઓ છે જેવા કે જમીનમાં ભેજનું સંરક્ષણ, નીંદણને દબાવી દેવા, ઉષ્ણતામાનમાં ઘટાડો કરવો, જમીનનું ધોવાણ અટકાવવું, સેન્દ્રિય કાર્બનનો ઉમેરો કરવો વગેરે. સપાટી પરનું આવરણ જમીનના ઉપરના સ્તરમાં સેન્દ્રિય કાર્બન અને કુલ નાઈટ્રોજનનો વધારો કરે છે. તેમ છતાં જો વધારે પ્રમાણમાં પાક અવશેષો હોય તો જમીનની સપાટી ઉપર મશીનરી ચલાવવામાં અને પિયત વ્યવસ્થામાં મુશ્કેલી પેદા કરે છે એટલે પાક અવશેષોનું આદર્શ પ્રમાણ આવરણ તરીકે હોવું જોઈએ. સંશોધન મુજબ હેકટર દીઠ જમીનની સપાટી ઉપર ૪ થી ૫ ટન પાક અવશેષો મલ્ચિંગ માટે રાખવા જોઈએ.
(ગ) પાક અવશેષો જમીનમાં ઉમેરવા :
પાક અવશેષોને જમીનમાં ઉમેરી પોષકતત્વોનો ભંડાર ઊભો કરી શકાય છે. તે એકંદરે જમીનની તંદુરસ્તીમાં વધારો કરે છે જેમ કે માટી એકત્રિકરણ, કાર્બેનિક પદાર્થનો ઉમેરો, સ્થૂળ ઘનતામાં ઘટાડો કરવો, જમીનની જળધારણ શક્તિમાં વધારો કરવો અને જમીનમાં સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિઓમાં વધારો કરવો વગેરે આમ જમીનમાં પાક અવશેષો ઉમેરાતાં તે જમીનની ફળદ્રુપતા જાળવી રાખી જમીનની ઉત્પાદકતામાં વધારો કરે છે.
સારાંશ :
પાક અવશેષોએ અંક સંપત્તિ છે જેની જાળવણી કરવી એ આપણી જવાબદારી છે. આથી ઉપરોક્ત વૈકલ્પિક ઉપયોગો હાથ ધરી સંપત્તિનું સર્જન કરવું જોઈએ.
સંદર્ભ : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, સપ્ટે. ર૦ર૦
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

