પર્યાવરણના સંરક્ષણ માટે ઘન કચરાનીયોગ્ય વ્યવસ્થા અપનાવો (Adopt solid waste management for environment protection)

                શહેરી પર્યાવરણ ઉપર માનવીના ગુણવત્તાયુક્ત જીવન જીવવાની અને ઊંચા  પ્રમાણમાં સંસાધનોના વપરાશની અનિચ્છનીય અને નકારામત્મક અસર જોવા મળે છે. જેનું કારણ શહેરી સત્તાવાળાઓ દ્વારા ઘન કચરાની  વ્યવસ્થા કરવાની ક્ષમતા કરતાં વધુ કચરો માનવીઓ પેદા કરે તે છે. આ ઘન કચરાની અયોગ્ય વ્યવસ્થાને કારણે જાહેર આરોગ્ય બગડે છે. ગુણવત્તા યુક્ત જીવનમાં ઘટાડો થાય છે અને સ્થાનિક હવા,જળ અને જમીનના સંસાધનો પ્રદૂષિત થાય છે.  તેના દ્વારા વૈશ્વિક તાપમાનમાં ફેરફાર અને હવામાન પરિવર્તનને કારણે સમગ્ર પૃથ્વી ઉપર તેની અસર જોવા મળે છે.

                ઘન કચરો ત્રણ રૂપે પેદા થાય છેઃ ઘરમાંનો કચરો એટલે કે મ્યુનિસિપલ કચરો, ઔદ્યોગિક કચરો જે હાનિકારક છે અને હોસ્પિટલ અને દવાખાનાઓમાંનો કચરો એટલે કે બાયોમેડિકલ કચરો જે ચેપી કચરો છે. આ કચરાની વ્યવસ્થા કરવાનાં ચોક્કસ પગથિયાં છે જેમાં ઘન કચરાનું એકત્રિકરણ, ઘન કચરાનો નિકાલ, ઘન કચરાનો ઉપયોગનો સમાવેશ થાય છે. આ કચરા વિષે પણ હવે વિચારવું જરૂરી છે. ઘન કચરો એ બિનપ્રવાહી છે, મ્યુનિસિપલ કે ઔદ્યોગિક કચરો અદ્રાવ્ય પદાર્થો ધરાવે છે જે જટીલ અને ઘણીવાર હાનિકારક હોય છે જેમાં સુએઝ સ્લજ, કૃષિ કચરો,તોડફોડનો કચરો અને માઈનિંગ અવશેષોનો સમાવેશ થાય છે.

ભારતમાં ધન કચરાની વર્તમાન પરિસ્થિતિ :

                ભારતના શહેરોમાં રહેતા લોકોની જીવનશૈલી અને શહેરોના કદ મુજબ દૈનિક ર૦૦ થી ૮૭૦ ગ્રામ પ્રતિ વ્યક્તિદીઠ કચરો પેદા થાય છે. ભારતમાં વ્યક્તિદીઠ દર વર્ષે ૧.૩ ટકાના દરે કચરાના પ્રમાણમાં વધારો થતો જોવા મળે છે. ભારતના ચાર ભૌગોલિક વિસ્તારો મુજબ જોતાં ઉત્તર ભારત વધુમાં વધુ ઘન કચરો (૪૦,પ૦૦ ટન પ્રતિ દિન અથવા ૧૪૮ લાખ ટન પ્રતિ વર્ષ) પેદા કરે છે જે ભારતના કુલ ઘન કચરાના ૩૦ ટકા જેટલો છે, પૂર્વ ભારત (ર૩,પ૦૦ ટન પ્રતિ દિન અથવા ૮૬ લાખ ટન પ્રતિ વર્ષ) ઓછો ઘન કચરો પેદા કરે છે જે ભારતના કુલ ઘન કચરાના ૧૭ ટકા જેટલો છે. વધુ ઘન કચરો પેદા કરતા રાજ્યોમાં મહારાષ્ટ્ર (રર,ર૦૦ ટન પ્રતિદિન અથવા ૮૧ લાખ ટન પ્રતિ વર્ષ), પશ્ચિમ બંગાળ (૧પ,પ૦૦ ટન પ્રતિ દિન અથવા પ૭ લાખ ટન પ્રતિ વર્ષ), ઉત્તરપ્રદેશ (૧૩,૦૦૦ ટન પ્રતિ દિન અથવા ૪૭.૫ લાખ ટન પ્રતિ વર્ષ),તામિલનાડુ (૧ર,૦૦૦ ટન પ્રતિ દિન અથવા ૪૩ લાખ ટન પ્રતિ વર્ષ) અને આંધ્રપ્રદેશ (૧૧,પ૦૦ ટન પ્રતિ દિન અથવા ૪૧.પ લાખ ટન પ્રતિ વર્ષ)નો સમાવેશ થાય છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દિલ્હી (૧૧,પ૦૦ ટન પ્રતિ દિન અથવા ૪ર લાખ ટન પ્રતિ વર્ષ) વધુ ઘન કચરો પેદા કરતો પ્રદેશ અને બીજા નંબરે ચંદીગઢ (૪૮૬ લાખ ટન પ્રતિ દિન અથવા ૧,૭૭,૪૦૦ ટન પ્રતિ વર્ષ)નો સમાવેશ થાય છે.

ક્રમ સ્ત્રોત કચરાનો પ્રકાર
1 રહેણાંક વિસ્તાર એંઠવાડ (આહારનો કચરો), પેપર, કાર્ડબોર્ડ, પ્લાસ્ટિક, કપડાં, ચામડા, વાડાનો કચરો, લાકડું, કાચ, મેટલ, રાખ, ખાસ કચરો (જેવા કે ઈલેકટ્રોનિક ચીજવસ્તુઓ, બેટરી, ઓઈલ, ટાયર) વગેરે અને ઘરમાંનો જોખમી કચરો
2 ઔદ્યોગિક વિસ્તાર ઘરવપરાશી સાધનો,વાસણ,પેકેજિંગ,બગડેલ/ખરાબ થયેલ ખોરાક,બાંધકામ અને તોડફોડ મટીરિયલ્સ, જોખમી કચરો, રાખ, સ્પેશ્યલ કચરો
3 વ્યાપારી વિસ્તાર પેપર, કાર્ડબોર્ડ, પ્લાસ્ટિક લાંકડા,બગડેલો/ખરાબ થયેલ ખોરાક,કાચ,મેટલ સ્પેશ્યલ વેસ્ટ, જોખમી કચરો
4 સંસ્થાકીય વિસ્તાર પેપર, કાર્ડબોર્ડ, પ્લાસ્ટિક, લાંકડા,બગડેલો/ખરાબ થયેલ ખોરાક,કાચ મેટલ સ્પેશ્યલ વેસ્ટ, જોખમી કચરો
5 બાંધકામ અને તોડફોડ લાકડું, સ્ટીલ, કોન્ક્રીટ, ઈંટો રોડા, ધૂળ, કચરો વગેરે
6 મ્યુનિસિપલ સર્વિસ પોળ (સ્ટ્રીટ),સાફસફાઇ લેન્ડસ્કેપ,અને વૃક્ષોની છાંટણીથી થતો કચરો,બાગ- બગીચાનો કચરો, દરિયા કિનારાના બીચ અને આનંદવર્ધક સ્થળો પરનો કચરો, સ્લજ
7 પ્રોસેસિંગ(મેન્યુફેક્ચરિંગ)  ઉદ્યોગો ઔદ્યોગિક પ્રક્રિયા દરમ્યાન પેદા થતો કચરો, ભંગાર (સ્ક્રેપ) મટીરિયલ્સ, સ્પેસિફિકેશન વિનાની પ્રોડક્ટસ,કૃષિની  ખાદ્યપેદાશોનો કચરો, કૃષિમાંથી પેદા થતો કચરો, જોખમી કચરો(દા.ત. જીવાતનાશકો)

ઘન કચરાનો સ્ત્રોતો      

ઘન કચરાના પ્રકાર :

() મ્યુનિસિપલ કચરો :

                મ્યુનિસિપલ ઘન કચરામાં ઘરનો કચરો, બાંધકામ અને તોડફોડનો કચરો અને પોળ (સ્ટ્રીટ)માંથી નીકળતા કચરાનો સમાવેશ થાય છે. શહેરીકરણ અને માનવીની જીવનશૈલીમાં પરિવર્તન અને આહારની ટેવને કારણે મ્યુનિસિપલ ઘન કચરાનું પ્રમાણ ઝડપથી વધતું જાય છે અને તેના બંધારણમાં ફેરફાર જોવા મળે છે. હાલમાં જમીન અને ભૂગર્ભના પાણીને ચેપ સામે સંરક્ષણ આપી શકાય તેવા  ઉપાયો હાથ ધરવામાં આવતા નથી.

() હાનિકારક કચરો :

                ઔદ્યોગિક અને હોસ્ટિપલમાંથી પેદા થતો કચરો હાનિકારક છે કે જે ઝેરી પદાર્થો ધરાવે છે. આવો હાનિકારક  કચરો માનવી, પશુઓ અને વનસ્પતિઓ માટે વધુ ઝેરી નીવડે છે. તે કહોવાણ પેદા કરે  તેવો, સહેલાઈથી સળગી જાય તેવો, સ્ફોટક અને પ્રતિક્રિયા દરમિયાન ઝેરી વાયુ પેદા કરે તેવો હોય છે. ઔદ્યોગિક ક્ષેત્રના કચરામાં મોટે ભાગે ધાતુઓ (મેટલ), રસાયણો, પેપર,જંતુનાશકો,રંગ (ડાય), રીફાઈનિંગ કચરો અને રબરના પદાર્થો હોય છે. પારો અને સાઈનાઈડ જેવા રસાયણો સીધા સંપર્કમાં આવે તો ઘાતક નીવડે છે.

() હોસ્પિટલનો કચરો :

                માનવીની સારવાર કે ઓપરેશન દરમ્યાન પેદા થતો કચરો, મળમૂત્રનો કચરો, સોય-પાટા, ડાયપર વગેેરે,કલ્ચર, દવાઓ,રસાયણોનો કચરો વગેરેનો સમાવેશ હોસ્પિટલના કચરામાં થાય છે. આ કચરો વધુ ચેપ લગાડે તવો હોય છે અને જો તેનો યોગ્ય રીતે નિકાલ ન કરવામાં આવે તો માનવ આરોગ્ય માટે ગંભીર પડકાર ઊભા કરી શકે છે. એક અંદાજ મુજબ હોસ્પિટલમાં પેદા થતા ચાર કિલો કચરામાંથી એક કિલો કચરો ચેપ લગાડી શકે તેવો હોય છે.

ઘન કચરાની અસરો :

() આરોગ્ય માટે હાનિકારક :

                જો ઘન કચરાને એકઠો કરી યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો તે અનારોગ્ય પરિસ્થિતિ પેદા કરી શકે છે. તે રોગચાળો પણ ફેલાવી શકે છે જેવાકે કોલેરા, મલેરીયા, મરડો, પ્લેેગ, કમળો અને પાચનતંત્રના રોગો.તેના કારણે અનેક માનવીઓના મોત થઈ શકે છે.વધુમાં ઘન કચરાની અયોગ્ય હેરફેર કરવામાં આવે તો તેની સાથે સંકળાયેલ કર્મચારીઓ  કચરાના સીધા સંપર્કમાં આવતાં તેઓના આરોગ્યને હાનિ પહોંચાડે  છે.

() પર્યાવરણ પર અસર :

                ઘન કચરાનું કહોવાણ થાય ત્યારે અણગમતી વાસ (દુર્ગંધ) પેદા થાય છે કે જે સહન કરી શકાય તેવી હોતી નથી.

() પશુઓ અને જળચર જીવન પર અસર :

                નદીઓમાં કચરા રૂપે પારાનો નિકાલ થતાં માછલીઓમાં પારાનાં સ્તરમાં વધારો જોવા મળે છે. દરિયામાં પ્લાસ્ટિક કચરો ભળે છે જેનાથી પક્ષીઓને નુકસાન થાય છે. તેના કારણે દરિયા અને નદીઓમાં આલ્ગીની વસ્તી વધવા પામે છે. પાણી અને જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે.

ઘન કચરો પેદા થવાના કારણો :

                ઘન કચરાના મુખ્ય સ્ત્રોતોમાં ઘર, વેપાર, ઉદ્યોગ, મ્યુનિસિપલ અને ખેતી વગેરેમાંથી પેદા થતો કચરો છે. શહેરી કચરામાં પેપર, લાકડુ, કાર્ડબોર્ડ વગેરે પ૩ ટકા,કચરો (ગાર્બેજ) રર ટકા,સીરામીક, કાચ, ક્રોકરી ૧૦ ટકા, ધાતુઓ ૮ ટકા અને રબર, પ્લાસ્ટિક, કપડાં ૭ ટકા રહેલા જોવા મળે છે. ઘન કચરાના પ્રમાણમાં વધારો થવાના મુખ્ય કારણોમાં વધુ પડતી વસ્તીનું ભારણ,ભૌતિક સવલતો અને નવીન તાંત્રિકતાઓનો સમાવેશ છે. સેન્દ્રિય ઘન કચરો કહોવાતાં સહન  ન થઈ શકે તેવી દુર્ગંધ પેદા થાય છે.

ઘન કચરાની વ્યવસ્થા :

                ઘન કચરાની વ્યવસ્થામાં એકત્રિકરણ,વહન,પ્રોસેસિંગ, રીસાયકલિંગ અથવા નિકાલ અને મટીરિયલ્સ ઉપર દેખરેખનો સમાવેશ થાય છે. કચરો સામાન્ય રીતે માનવ પ્રવૃત્તિઓ દ્વારા પેદા થાય છે અને તેની આરોગ્ય,પર્યાવરણ અને સોંદર્ય ઉપર અસર ના થાય તે માટે કચરાની યોગ્ય વ્વવસ્થા અને તેના પ્રમાણમાં ઘટાડો કરવો જરૂરી છે. કચરાની વ્યવસ્થામાં ઘન, પ્રવાહી, વાયુ અથવા રેડિયોએકટીવ પદાર્થોનો સમાવેશ કરવામાં આવે છે. વ્યવસ્થાનો હેતુ સંસાધનોને પુનઃપ્રાપ્ત કરવાનો પણ છે.

ઘન કચરાની વ્યવસ્થા કરવાની જરૂરિયાત :

ઘન કચરાની વ્યવસ્થા કરવાનો મુખ્ય હેતુ તેની પર્યાવરણ ઉપર થતી ખરાબ અસરોને નહિવત કે ઓછી કરવાનો છે. તેમાં કચરાનું એકત્રિકરણ, નિકાલ અને કચરાનો ઉપયોગ એમ ત્રણ બાબતોનો સમાવેશ થાય છે.

ઘન કચરા અંગે શિક્ષણ અને જાણકારી :

                વૈશ્વિક રીતે જોતાં જે તે વિસ્તારમાં સંસાધનો અને ઘન કચરાની વ્યવસ્થા બાબતે શિક્ષણ અને જાણકારીનો વ્યાપ વધે તેવા પ્રયાસો કરવા જરૂરી છે. પર્યાવરણમાં પ્રદૂષણ વધતું જાય છે અને કુદરતી સંસાધનોમાં ઘટાડો થાય છે તે જોતાં માનવીના તેમજ હજારો જીવોના અસ્તિત્વ માટે સ્થાનિક, વિભાગીય અને વૈશ્વિક ધોરણે હવાનું પ્રદૂષણ ઝેરી,કચરાનો ભરાવો અને વહેંચણી,જંગલો,જમીન અને જળમાં થતો ઘટાડો અને વિનાશ, ઓઝોનના  સ્તરમાં ઘટાડો, ગ્રીનહાઉસ ગેસના પ્રમાણમાં વધારો વગેરે જેવા ગંભીર જોખમો છે.

ઘન કચરાનું એકત્રિકરણ :

                તેમાં ઘન કચરાને એકઠો કરવો, વહન કરી કેન્દ્રિય જગ્યાએ લઈ જવો અને વહન કરી નક્કી કરેલ સ્થળે નિકાલ કરવો વગેરેનો સમાવેશ થાય છે.  એકત્ર કરેલ કચરાને હાનિકારક અને બિન હાનિકારક એક બે ભાગમાં વહેંચવામાં આવે છે.

નિકાલ :

                ઘન કચરાનો છેલ્લે નિકાલ કરતા પહેલાં તેમાં રહેલ ઉપયોગમાં લઈ શકાય તેવા પદાર્થો અલગ કરવામાં આવે છે અને ઘન કચરાના નિકાલની પદ્ધતિની અસરકારકતા સુધારવામાં આવે છે.

કમ્પોસ્ટિંગ :

                અન્ય એક પદ્ધતિ મુજબ મ્યુનિસિપલ ઘન કચરા ઉપર જૈવિક પ્રક્રિયા અપનાવી નિયંત્રિત પરિસ્થિતિ હેઠળ સેન્દ્રિય કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે.સૂક્ષ્મજીવો ધ્વારા સેન્દ્રિય પદાર્થો ઉપર અસર થતાં કચરાના કદમાં પ૦ ટકા જેટલો ઘટાડો થાય છે. આમ જૈવિક રીતે તૈયાર થતાં કચરાને કમ્પોસ્ટ કે હ્યુમસ કહે છે.તે જમીનમાં ઉમેરતા તેના બાંધાને સુધારે છે. અને તેને સોઈલ કન્ડિશનર અથવા મલ્ચ તરીકે ઉપયોગમાં લેવાય છે.

ધન કચરાની ઉપયોગિતા :

       ઘન કચરાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેકવિધ લાભો થાય છે જેમ કે કુદરતી સંસાધનોનું સંરક્ષણ, આર્થિક વિકાસ, ઘણી ઉપયોગી પ્રોડક્ટસનું નિર્માણ, રોજગારીની તકો, વાયુ પ્રદૂષણનું નિયંત્રણ વગેરે.

સારાંશ :

                આ લેખમાં ઘન કચરા વિષયક માહિતી મર્યાદિત પ્રમાણમાં આપેલ છે.ઘન કચરો સલામતી, આરોગ્ય અને પર્યાવરણ ઉપર ખરાબ અસર કરે છે. ઘન કચરાની વ્યવસ્થા અંગે કોઈ અગ્રિમતા આપવામાં આવતી નથી. મોટા ભાગના શહેરોમાં સંકલિત રીતે ઘન કચરા વ્યવસ્થા અંગેનું કોઈ તંત્ર નથી. ઘન કચરો પણ એક સંપત્તિ છે તે અંગે ફેર વિચારણા કરવી જરૂરી છે કે જેથી ઘન કચરાનો એક સંસાધન તરીકે ઉપયોગ કરી આવક પેદા કરી શકાય.


સ્ત્રોત : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ,ઓગષ્ટ-૨૦૨૧


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *