ભારત પશુપાલન ક્ષેત્રે ગાયો, ભેંસો, ઘેટાં, બકરાં અને અન્ય જાતિના પશુઓની વિશાળ વસ્તી ધરાવતો મહત્ત્વનો દેશ છે. ભારત ઇંડા ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં ત્રીજા નંબરે છે. તેનો સંયુક્ત વાર્ષિક વૃદ્ધિ દર ૮ ટકાથી વધારે છે. ઓછા ખર્ચે ઉત્પાદન અને ઘરગથ્થુ વપરાશમાં વધારો તેની વૃદ્ધિ પર અસરકર્તા પરિબળો છે.
ભારતના કુલ ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટસ (જીડીપી) માં ૪.૧૧ ટકા ફાળો પશુપાલન ક્ષેત્રનો અને ૨૫.૬ ટકા ફાળો કૃષિ ક્ષેત્રનો છે. ભારતના અર્થકરણમાં પોલ્ટ્રીનો ફાળો એક ટકાથી ઓછો છે પરંતુ પશુપાલન ક્ષેત્રની અવિરત વૃદ્ધિ થઇ રહી છે.
સને ૧૯૮૦ માં પ્રોલ્ટ્રી ક્ષેત્ર એ ૧૦ અબજ ઇંડાં અને ૩ કરોડ બ્રોઇલર્સ પેદા કરેલ. આ ક્ષેત્ર રોજગાર ક્ષેત્રે કોઇ ખાસ પ્રોત્સાહજનક નથી. પાકોની ખેતી ક્ષેત્રે આવક અને રોજગારીમાં ઘટાડો થતાં ખેડૂતો બિનપાક ક્ષેત્રો જેવા કે પોલ્ટ્રી અને ડેરીના ધંધો આપનાવતા થયા.
પોલ્ટ્રી ક્ષેત્રમાં વિસ્તાર વધે અને રોજગારી પેદા થાય તેવી વિશાળ શક્યતાઓ રહેલી છે. યુવકો અને ખાસ કરીને શિક્ષિત બેરોજગારો ધંધો સહેલાઇથી અપનાવી શકે તેમ છે. પોલ્ટ્રી માટેના જરૂરી ઇનપુટસ ગ્રામ્ય સ્તરે સ્થાનિક રીતે પ્રાપ્ય છે. સ્થાનિક ગ્રામ્ય કારીગરો પોલ્ટ્રીના નાના એકમો માટે ખોરાક પાણી અને આશ્રય માટેના સાધનો તૈયાર કરી આપી શકે તેમ છે. પોલ્ટ્રીના એકમો માટે ઓછી જમીન જોઇએ છે. વેટરનરી ડૉકટરો અને વેપારીઓ પણ આ ક્ષેત્રમાં ઝંપલાવી શકે છે. પોલ્ટ્રીના ઉત્પાદનમાં મહિલાઓ પણ ભાગ લઇ નિર્ણયો લઇ શકે છે.
ઇંડાં અને ચિકનનું મીટ ઉત્પાદન કરનાર મરઘાંપાલકો, હેચરી સંચાલકો, પોલ્ટ્રી ફીડ (મરઘાં આહાર) ના ડીલર્સ, પોલ્ટ્રીના સાધનો, પોલ્ટ્રી પ્રોડક્ટસના પ્રોસેસર્સ અને ઇંડાં અને મીટના માર્કેટિંગ સાથે સંકળાયેલ વગેરેને રોજગારી પુરી પાડે છે. પોલ્ટ્રી ક્ષેત્રે ફાર્મ ધ્વારા ૮૦ ટકા રોજગારી અને મરઘાંનો આહાર, દવાઓ, સાધનો અને અન્યને ૨૦ ટકા રોજગારી પુરી પાડે છે. વધારામાં માર્કેટિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોને રોજગારી પુરી પાડે છે.
પોલ્ટ્રી ફાર્મ ધરાવતા મરઘાં પાલકો તેમજ મરઘાં ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલ લોકો માટે આ એક નફાકારક ઉદ્યોગ છે.પોલ્ટ્રી ક્ષેત્ર વાર્ષિક ૬.૫ ટકાના દરે માનવશક્તિનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે. પશુપાલન ક્ષેત્રે વાર્ષિક ૬.૫ ટકાનો વૃદ્ધિ દર ઇચ્છનીય છે તેની સામે ફક્ત અંદાજે ૨.૫ ટકા વેટરનરી પ્રોફેશનલ માનવશક્તિ પ્રાપ્ય છે.
આઇસીએઆર વિઝન ૨૦૫૦ માં જણાવ્યા મુજબ જો વ્યકિત દીઠ ફ્કત એક ઇંડુ પેદા કરવામાં આવે તો ૫૦,૦૦૦ લોકો માટે રોજગારી પેદા કરી શકાય. તેની સાથે બ્રોઇલર ઉત્પાદન, ઇંડાં અને મીટ માટેનું માર્કેટિંગ, પ્રોસેસિંગ વગેરે માટે પણ રોજગારી પેદા કરી શકાય. આમ પોલ્ટ્રીના ઉત્પાદનની પ્રવૃત્તિઓમાં વધારો થાય તો વધુ રોજગારી પેદા કરવામાં મદદરૂપ બને. પોલ્ટ્રીમાં પુરૂષોની સાથે મહિલાઓને પણ રોજગારી આપી શકાય.
પોલ્ટ્રીના વિકાસ માટે તેની માંગમાં વધારાની સાથે તેના નાના ફાર્મનું વિસ્તરણ કરવું જરૂરી છે. પોલ્ટ્રી ફાર્મમાં કુટુંબના સભ્યોની સાથે મજૂર ભાડે કરી કામગીરી હાથ ધરી શકાય. વૈશ્વિક હરીફાઇને કારણે પોલ્ટ્રી ક્ષેત્રે પણ હરીફાઇ વધી છે. લોકોને બદલાતી જતી ખોરાકની ટેવો અને પસંદગી પ્રમાણે દેશમાં ઇડાં અને મીટને નિકાસ કરવા માટેના એકમો ઊભા કરવા જોઇએ. વૈશ્વિક માર્કેટના સર્વે મુજબ ભારત દેશ વિશ્વના કન્ઝયુમર માર્કેટમાં અગ્રસ્થાને છે. તેથી પોલ્ટ્રી ક્ષેત્રના પડકારો અને તકોને ઝડપી તેનો સર્વાંગી વિકાસ કરવો જરૂરી છે.
છેલ્લા થોડા દસકાઓમાં કોન્ટ્રાક્ટ પોલ્ટ્રી ફાર્મિંગને ખ્યાતિ મળી છે. તે જોતાં તેના ઉપર ભાર આપવો જરૂરી છે. આ જાતનો ધંધો સીધી કે પરોક્ષ રીતે લોકોને રોજગારી પુરી પાડે છે. ભારતમાં કોન્ટ્રાક્ટ પોલ્ટ્રી ફાર્મિંગ કરતી વિવિધ કંપનીઓમાં વેન્કીસ ઇન્ડિયા લિ., સુગુના પોલ્ટ્રી ફાર્મ, સ્કાયલાર્ક હેચરીઝ વગેરેનો સમાવેશ થાય છે.
પોલ્ટ્રી ઉદ્યોગમાં ઇંડાં અને મીટના ઉત્પાદન માટે તેના કાર્યમાં રોકાયેલ યુવકોને આ અંગેની તાલીમ આપવી જરૂરી છે કે જેથી પોલ્ટ્રીની ઉત્પાદક્તા અને ગુણવત્તા બંનેમાં સુધારો કરી શકાય. સારી જાતના ઇંડાં અને મીટના ઉત્પાદનથી ભાવો પણ સારા મળે, પોલ્ટ્રી પ્રોડક્ટસના બ્રાન્ડિંગમાં મદદરૂપ થાય અને તેની સાથે રોજગારીના વૃદ્ધિ દરમાં વધારો થવા પામે. દેશમાંથી પોલ્ટ્રીની નિકાસમાં વધારો થવાથી કિંમતી વિદેશી હૂંડિયામણની કમાણી કરી શકાય.
સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, એપ્રિલ-૨૦૨૨
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

